ભાગ પહેલો : ધર્મ અને સમાજ

7. ચોથું પ્રતિપાદન

‘જિજ્ઞાસા, નિરલસતા, ઉદ્યમ |

અર્થનેભોગેચ્છાનુંનિયમન ||

શરીરસ્વસ્થનેવીર્યવાન |

ઇદ્રિયોકેલવાયેલી, સ્વાધીન ||

શુદ્ધ, સભ્યવાણીઉચ્ચારણ |

સ્વચ્છશિષ્ટવસ્ત્રધારણ ||

નિર્દોષ, આરોગ્યપ્રદ, મિતઆહાર ||

સંયમી, શિષ્ટસ્ત્રી-પુરુષ-વ્યવહાર ||

અર્થવ્યવહારેપ્રામાણિકતાનેવચનપાલન |

દંપતીમાંઈમાન, પ્રેમનેસવિવેકવંશવર્ધન ||

પ્રેમલ, વિચારીશિશુપાલન |.

ચોખ્ખાં, વ્યવસ્થિત, દેહ-ઘર-ગામ |

નિર્મલ, વિશુદ્ધજલ-ધામ |

સુચિ, શોભિતસાર્વજનિકસ્થાન ||

સમાજધારકઉદ્યોગનેયંત્રનિર્માણ |

અન્ન-દૂધવર્ધન-પ્રધાન

સર્વોદયસાધકસમાજ-વિધાન ||

મૈત્રી-સહયોગયુક્તજન-સમાશ્રય |

રોગી-નિરાશ્રિતનેઆશ્રય ||

આસૌમાનવ-ઉત્કર્ષનાંદ્વાર |

સમાજ-સમૃદ્ધિનાસ્થિરઆધાર ||’

સદાચાર કહો, શિષ્ટાચાર કહો, નીતિ કહો, કે માનવધર્મ કહો, સમાજ અને વ્યક્તિનાં ધારણ-પોષણ અને સત્ત્વશુદ્ધિ માટે આ નિયમો અથવા શરતો છે. જે વ્યક્તિઓ, કુટુંબો, જાતિઓ કે પ્રજાઓ આ નિયમો પાળે તે સમૃદ્ધ થઈ શકે; એનો ભંગ થવા માંડયા પછી તે પોતાની સમૃદ્ધિ ઘણો લાંબો કાળ ટકાવી શકે નહીં. આ નિયમોનો ભંગ અથવા શિથિલતા ગમે તે હેતુથી કરવામાં આવે, તેમ કરનાર સમાજને નુકસાન જ કરે.

સમાજ પ્રત્યેનાં કર્તવ્યો વિષે બેપરવા, ભોગરત, સ્વાર્થી કે બાળક જેવાં અજ્ઞાની સ્ત્રીપુરુષો આ નિયમોના પાલનમાં શિથિલતા દાખવે એમ બનવાનું જ. માટે એ નિયમોનું પાલન કરાવી લેવા માટે સમાજના અગ્રણી અને શાસકોએ દક્ષ રહેવાનું. ઉપરની લીટીઓમાં કહેલાં ધ્યેયોની સિદ્ધિ માટે ઓછામાં ઓછા કેવા પ્રકારના સ્થૂળ વર્તનના નિયમો હોય, તથા તેને અનુકૂળ ટેવો લોકોમાં નિર્માણ થાય તે માટે કેવી જાતની અનુકૂળ તાલીમ તથા બાહ્ય પરિસ્થિતિ રચવી જોઈએ, તે એ સમાજના અનુભવી, વિજ્ઞાનવેત્તા અને જ્ઞાની-વિવેકી પુરુષોએ કરાવવું ઘટે અને તેમાં જરૂર મુજબ વારંવાર સંશોધન પણ કરવું ઘટે. પણ જે વખતે જે કાંઈ મર્યાદાઓ ઠરાવેલી હોય, તે એ સમાજમાં રહેતા સર્વેને સરખી બંધનકારક હોય. રાજા, મજૂર કે સંતથી માંડી પામરજન પર્યંત કોઈ તેનાથી પર ન થઈ શકે. જે સામાન્ય મર્યાદાઓ રાખી હોય, તે કરતાં વધારે કડક સંયમો અને નિયમો ભલે કોઈ વ્યક્તિ કે સમૂહ પોતા માટે ઠરાવે, પણ કોઈને તેનો આધાર વધારે શિથિલ કરવાનો અધિકાર ન હોય.

ધર્મો અને સમાજની વ્યવ્સથા આજે આ પ્રકારની નથી. એક બાજુએ સત્તા, ધન અને જ્ઞાનનો અધિકારવાદ. કેટલાકને ઉપરના સાર્વજનિક સદાચારો અને શિષ્ટાચારોના એક અંશની અવગણના કરવાની છૂટ આપે છે. તો બીજી બાજુએ ત્યાગ-વૈરાગ્ય અને મોક્ષના આદર્શો બીજા અંશની અવગણના કરવાનો અને તેની અવગણના ન કરી શકનાર સામાન્ય જનતાને પામર સમજવા અને મનાવવાનો સંસ્કાર પેદા કરે છે. દા.ત. સત્તાધારી, ધનિક, જ્ઞાની અને ત્યાગી સૌને આજની ધર્મ અને સમાજવ્યવસ્થામાં નિરલસ રહેવાના અને ઉદ્યમ કરવાના કર્તવ્યમાંથી મુક્તિ મળે છે. સત્તાઘારી તથા શ્રીમંતને ધન અને સુખોપભોગો પર મર્યાદા હોવાની જરૂર નથી; ધન અને સ્ત્રી વિષેના વ્યવહારમાં એ બેઈમાન અને અનિયંત્રિત બની શકે; તથા ગુરુઓ અને જ્ઞાનીઓ બેપરવા અને સામાન્ય મર્યાદાઓથી પર અને સ્વતંત્ર થઈ શકે. શુદ્ધ અને સભ્ય વાણીઉચ્ચારણનો ભાર અધિકારીઓ, માલિકો અને ગુરુઓ ઉપર હોવો આવશ્યક નથી. વસ્ત્રની સ્વચ્છતા અને શિષ્ટતાની બાબત સત્તા, ધન અને કદાચ જાતિ ઉપર આધાર રાખે છે. ગરીબ, સામાન્ય જનતા એ હલકી મનાયેલી જાતિઓને વસ્ત્રમાં સ્વચ્છતા અને શિષ્ટતાની બાબત સત્તા, ધન અને કદાચ જાતિ ઉપર આધાર રાખે છે. ગરીબ, સામાન્ય જનતા અને હલકી મનાયેલી જાતિઓને વસ્ત્રમાં સ્વચ્છતા તથા શિષ્ટતાનો અધિકાર નહીં; ત્યાગી-વેરાગીઓને માટે મલિનતા, ફૂવડતા તથા નગ્નતા કે લગભગ નગ્નતા ભૂષણરૂપ પણ ગણાય. એને માટે સ્વચ્છતા તથા શિષ્ટતા નિંદાપાત્ર પણ થઈ શકે. પણ ગુરુપદે પહોંચ્યા પછી એ ચાહે તો પોતાને એ બાબતમાં સત્તાધારીઓ અને ધનિકોના વર્ગમાં મૂકી શકે. નિર્દોષ, આરોગ્યપ્રદ અને મિતાહારનો ધર્મ કેવળ યોગાભ્યાસીઓ જ સ્વેચ્છાએ પાળે; બીજા રોગવશ દશામાં પરાણે પાળે તો પાળે. એક તરફ, દાંપત્યવ્યવહાર, વંશવર્ધન, અને અંગત તથા સાર્વજનિક સ્વચ્છતાની બાબતમાં સામાન્ય જનતામાં અરાજકતા જેવું છે. શાસ્ત્રમાં ઘણી શાણપણની તેમ જ અતિ શાણપણનીયે શિખામણો છે, પણ વ્યવહારમાં સર્વે મર્યાદાઓ તૂટી ગઈ છે કે તૂટવા તરફ છે. બીજી તરફ, પંથો અને સંપ્રદાયોમાં એવા નિયમોનું બંધારણ હોય છે, જે ખાસ સગવડો અને અસામાન્ય  –  જનતાના જીવનથી છૂટી પડતી  –  જીવનરચના વિના ન પાળી શકાય. ભેળું કરીને ખાવું, સ્વાદહીન ખોરાક ખાવો, બાફેલો જ ખાવો, અલૂણો જ ખાવો, અણસીઝવેલો જ ખાવો, દુગ્ધાહાર કે ફળાહાર જ કરવો, કાં તો અતિ ખોરાક અને કાં તો ઉપવાસ એવા વારાફેરા થાય એવા એવા પ્રકારનાં વ્રતો નિર્દોષ, આરોગ્યપ્રદ, મિતાહારના નિયમનું સ્થાન લે છે. સ્ત્રીપુરુષ-વ્યવહારની બાબતમાંયે વિવાહની મર્યાદામાં રહેનાર પતિપત્ની ભોગમાં સંયમ કે વિવેકમુક્ત વંશવર્ધનની આવશ્યકતાને સમજતાં નથી. અને વિવાહની બહારના ક્ષેત્રમાં સંપ્રદાયોના નિયમોમાં બંને તરફનો અતિરેક છે. એક તરફ ખુલ્લા કે ગુપ્ત વામાચારી પંથો છે, બીજી તરફ સ્ત્રીઓનો પડદો તો છે જ, પણ લગભગ પડદો કહી શકાય એવી પુરુષો માટે પણ મર્યાદાઓ નાંખનાર સંપ્રદાયો છે. પહેલામાં સૌને ભોગ સાથે મોક્ષ આપવાનો મનોરથ છે; બીજામાં સમગ્ર માનવસમાજને પ્રકૃતિની અસરમાંથી મુકાવવાનો મનોરથ છે.

જેમ સ્ત્રીની બાબતમાં તેમ જ ધનસંગ્રહની બાબતમાં અતિરેકો છે, એક બાજુથી અપરિગ્રહના આદર્શ નીચે ધાતુ અને ધનનો સ્પર્શ પણ ન કરાય એવા કડક નિયમો હોય છે. પણ તે સાથે જ એ આદર્શ ધરાવનારા પંથોની પાસે પાવડાથી ઉસેડવું પડે એટલું ધન અને બીજી સંપત્તિ ભેગી થાય છે. અને તે ધન તે જ આદર્શનું રટણ કરનાર અનુયાયીઓ તરફથી મળે છે. અર્થાત્, તે અનુયાયીઓના જીવનને એ અપરિગ્રહનો આદર્શ સ્પર્શ કરતો નથી માટે જ તેમ બને છે. ધનનો જાતે સ્પર્શ પણ ન કરાય છતાં સંઘ માટે અમર્યાદ સંગ્રહ વધારવાની છૂટ રખાય  –  એવા પરસ્પરવિરોધી પ્રયત્નને પરિણામે નિયમોના અર્થો કરવામાં વિલક્ષણ ફાંટાઓ પડે તેમાં નવાઈ નથી. જેમ કે, ધાતુનું નાણું ધન ગણાય, પણ નોટ ન ગણાય; દેવનાં ઘરેણાં વગેરેની ધાતુને હરકત ન ગણાય. નાણું પોતાના હાથમાં ન લેવાય, પણ તે માટે નોકર રાખી શકાય, અથવા ખાસ પ્રકારના શિષ્યો બનાવાય વગેરે.

જળ, સ્થળ અને શરીરની ચોખ્ખાઈની બાબતમાં પણ આવ જ અતિરેકો છે. એકના પંથમાં શરીર ધોયા કરવું, વાસણ માંજ્યા કરવાં, ઘર આંગણું લીંપ્યા કરવું, અને પાણી ઉકાળ્યા કે ગાળ્યા કરવું એ જ આખા દિવસનું કામ થઈ રહે એવી નિયમરચના છે; તો બીજા પંથમાં અસ્વચ્છ, અમંગળ, અઘોરી જીવન રૂડું માનેલું છે. સાર્વજનિક ચોખ્ખાઈ વિષે તો દૃષ્ટિ જ ઉત્પન્ન થવાની બાકી છે.

આમ નિયમો વિષે કાં તો વિવેક, સદાચાર, યોગ્યાયોગ્યતા વગેરેની અવગણના છે, અથવા પ્રકૃતિવશ માનવપ્રાણી પાસે કેટલા પાલનની અપેક્ષા રાખી શકાય, તથા સમાજના ધારણ-પોષણ અને સત્ત્વસંશુદ્ધિ શી રીતે ચાલી શકે તેની અવગણના છે. ચાર માણસો જે સ્વેચ્છાએ જ કરી શકે  –  અને કદાચ સાથે રહે તો તેયે ન કરી શકે  –  તે સેંકડો શિષ્યોને દીક્ષા આપી તેમની પાસે કરાવવાની અપેક્ષા રાખવામાં આવે છે. અને તે જ નિયમો આદર્શ છે એમ સમાજને સમજાવવા પ્રયત્ન થાય છે.

આમ આ બધું લંબાવી શકાય, ટૂંકામાં આ બાબતમાં જેનો કોઈ ભંગ ન કરી શકે, પણ જેને જરૂર હોય તે વધારે કડકાઈ કરી શકે પણ ભંગ ન કરી શકે એવા નિયમો ઉપજાવવાની અને તેને અનુકૂળ વાતાવરણ તથા ક્રાંતિ નિર્માણ કરવાની જરૂર છે.

શ્રેય શું, ધર્મ શું, સમાજ અને રાજ્યવ્યવસ્થાનું સ્વરૂપ શું હોય, વ્યક્તિ અને સમાજનો સંબંધ શો હોય, એ બધી બાબતમાં જુદા જુદા ધર્મો અને પંથોએ સ્વીકારેલા કે પોષેલા સિદ્ધાંતોમાં અને કલ્પનાઓમાં ધરમૂળથી ફેરફાર થયા વિના આ થઈ શકે નહીં. આજના સર્વે ધર્મો અને પંથો વ્યક્તિને મોક્ષ આપવા માટે સમાજ પર વધારે બંધન, પાપ, દુઃખ કે શ્રમનો ભાર નાખે છે; અને તેવો ભાર તે ઉપાડે છે તેના બદલામાં તેને અજ્ઞાની, માયામાં ફસેલો, પામર ઇત્યાદિ વિશેષણો બક્ષે છે.

21-8-’47

License

સમૂળી ક્રાન્તિ Copyright © by કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા. All Rights Reserved.