સંભવ છે કે વાચક આ બધું વાંચીને હવે કંટાળતો હશે. એને લાગતું હશે કે એકની એક વાતનું હું પીંજણ કર્યાં કરુ છું. ચારિત્રની આવશ્યકતા વિશે કોઈને મતભેદ જ ક્યાં છે, કે મારે એ વાત વારંવાર કહ્યા કરવી જોઈએ? એ ગૃહીત ધરીને તથા તેને મદદ કરવા માટે જ બધી રાજકીય પદ્ધતિઓનો વિચાર ચાલતો હોય છે. કેવળ રાજકીય પદ્ધતિઓ ઉપર કોઈ ડાહ્યો માણસ ભાર નથી મૂકતો. ચારિત્ર હોય તો તથા ચારિત્રને મદદરૂપ થવા માટે કઈ રાજવ્યવસ્થા અને પ્રથાઓ સારી તેનો જ વિચાર કરવાનો છે.
આ વિચાર જ છેતરનારો થાય છે. જ્યારે ચારિત્રનો પારો બહુ ઊતરી જવાથી મનુષ્યોનાં દુઃખો ઉત્પન્ન થયાં હોય અને રાજકીય ચળવળો તથા તેમાંથી ઊપજતી ખુલ્લી રીતે હિંસક કે દેખાવમાત્રની અહિંસક લડાઈઓ એ ચારિત્રને હીનતર બનાવવાનું જ કામ કરતી હોય, ત્યારે ચારિત્રને ગૃહીત કરેલું છે એમ કહેવું એ પોતાની તેમ જ બીજાની છેતરપિંડી છે, અથવા કહો કે તેમાં માનવસ્વભાવમાં રહેલા દ્વેષભાવથી નીપજતા ચારિત્રને ગૃહીત કરેલું હોય છે, સદ્ભાવને નહીં, ઊલટું, સદ્ભાવની કિંમત વિશે સાશંક દૃષ્ટિ હોય છે. સર્વે રાજકીય ચળવળો અને પદ્ધતિઓના પ્રયત્ન દ્વેષનું સંગઠન કરવા માટે હોય છે, સદ્ભાવનું નહીં.
ગઈ સદીની શરૂઆતના અર્થશાસ્ત્રીઓ એમ ગૃહીત કરીને ચાલતા કે દરેક માણસ અર્થચતુર (પોતાનાં આર્થિક હિતોને બરાબર સમજનારો અને સંભાળી શકે એવો – economic man) હોય છે. તેમાંથી તેમણે દેશ–દેશ તથા માલિક–નોકર વચ્ચેના અર્થવ્યવહારોમાં અદખલગીરી (laissez-faire)નો વાદ ચલાવ્યો. આગળ પર ધીમે ધીમે સમજાયું કે એ ગૃહીત ખોટું છે, અને તેમાંથી વિવિધ અર્થવ્યવહારોમાં રાજ્યની દખલગીરીની યોગ્યતાનો વાદ ઉત્પન્ન થયો. તે હવે એટલે સુધી વધ્યો છે કે આર્થિક બાબતમાં મનુષ્યનું વર્તનસ્વાતંત્ર્ય છેક જ ટળી જાય. પહેલા વાદે માણસમાત્રમાં સ્વહિતના જ્ઞાનનું અસ્તિત્વ અને તેને સંભાળવાની સ્વાભાવિક શક્તિ માની લીધાં; બીજા વાદે બળવાન પક્ષમાં ચારિત્રનું (એટલે સદ્ભાવ, ન્યાય ઇ#નું) નાસ્તિત્વ અને જ્ઞાનનું તથા શક્તિનું અસ્તિત્વ, તથા નિર્બળ પક્ષમાં ચારિત્રનું અસ્તિત્વ અને જ્ઞાનનું તથા શક્તિનું નાસિત્વ ગૃહીત કર્યાં છે. આ બધાં ગૃહીતો જ ખોટાં હોવાથી મનુષ્યનાં દુઃખો જેવાં ને તેવાં જ રહ્યાં છે.
એ જ પ્રમાણે આપણે ડેમોક્રેસીની ચૂંટણીઓની, રાજકીય પક્ષસંગઠનની, તે પક્ષોના કાર્યક્રમોની ચર્ચાઓ તથા નુક્તાચીનીઓ કરીએ છીએ. પણ મૂળમાં રહેલી ખામીનો વિચાર જ નથી કરતા. આપણી ચળવળો ‘પરસ્પર રીઝવી એમ, પરમ શ્રેય મેળવો‘ એ શિખામણને અનુસરતી નથી, પણ ‘પરસ્પર ખીજવી એમ, પરસ્પર શ્રેય મેળવો‘નો પ્રયત્ન કરનારી છે. કાંઈક સૌનું શુભ વધારવા માટે આપણે ભેગા થઈએ એ આપણાં સંગઠનનું ધ્યેય નથી હોતું, પણ પ્રતિપક્ષીને હરાવવા – પાડવા – લૂંટવા – રંજાડવા ભેગા થઈએ છીએ અને લોકોને ભેળવવા પ્રયત્ન કરીએ છીએ. વિચાર, વાણી, સભા, સંસ્થારચના વગેરે સર્વ સ્વતંત્રતાઓની પ્રાપ્તિ પાછળ આપણો હેતુ માનવ–માનવ વચ્ચે સદ્ભાવ વધારવાનો નહીં પણ કોઈક પ્રતિપક્ષી પ્રત્યે દ્વેષભાવ વધારવાનો હોય છે. કોઈ વાર એ પ્રતિપક્ષી દેશી કે વિદેશી રાજ્ય કરનાર શાસકવર્ગ હોય, કોઈ વાર હરીફ રાજકીય પક્ષ હોય, કોઈ વાર આપણા જ પક્ષનો હરીફ રાજકીય ઉપપક્ષ હોય.
આપણામાં રહેલી આ દ્વેષ અને અવિશ્વાસની અસર આપણાં બંધારણો અને કાયદાઓમાં દેખાઈ આવે છે. ઔરંગઝેબ વિશે કહેવાયું છે કે કોઈ પર વિશ્વાસ ન મૂકી શકે એવો એનો સ્વભાવ બની ગયો હતો. સેનાપતિ, મંત્રી, સૂબા વગેરે સર્વ અધિકારીઓ વિના ચાલે તો નહીં, પણ વિશ્વાસને અભાવે ૐને સેનાપતિ કરે અને દ્બને તેના પર જાસૂસી કરનાર ઉપસેનાપતિ કરે; આમ દરેક વિભાગમાં એકબીજાના પ્રતિપક્ષીઓની જોડીઓ ગોઠવે. પરિણામે કોઈ પણ પૂર્ણ આત્મવિશ્વાસથી અને હિંમતથી કામ કરી શકે જ નહીં; બધાંયે કામોમાં ઢીલ અને એકબીજાની ભૂલો જોવાની લત જ વધે.
વિચાર કરશું તો માલૂમ પડશે કે આપણી સર્વ રાજકીય વ્યવસ્થાઓ ઔરંગઝેબી જ છે. રાજાઓ રાખીએ, પણ તે કેવળ શોભાનું પૂતળું; ગવર્નર નીમીએ પણ તે કેવળ તેના પ્રધાનમંડળનો અંકિત; કેદ્રીય સરકારને લાગે કે વધારેમાં વધારે સત્તા તે ધરાવે; પ્રાંતીય સરકારને લાગે કે કેદ્રીય સત્તા નિશ્ચિત મર્યાદામાં જ હોય; દરેક માણસ અધિકારના સ્થાનનો લાલસુ અને દરેક માણસ બીજાના અધિકારનો ઈર્ષ્યાળુ.
આ માનસમાંથી ઉત્પન્ન થતી વ્યવસ્થાઓ ખર્ચાળ, દીર્ઘસૂત્રી, તુમારી (રેડ–ટૅપી), માથાભરી અને માત્ર બાહ્ય શોભા ધરાવનારી, છળકપટ–કૂથલી–ઈર્ષ્યા–ચાડીચૂગલી–લાંચ–કીનો વગેરેથી ભરેલી હોય એમાં નવાઈ નથી. એની ચૂંટણીઓમાં સર્વ પ્રજાનો મતાધિકાર હોય કે થોડાનો, સીધો હોય કે આડકતરો, બધા વર્ગોના પ્રતિનિધિઓને યોગ્ય પ્રમાણમાં ચૂંટી શકે એવી કોઈ રીતનો હોય કે સીધોસાદો હોય, એ પ્રતિનિધિઓ કેવળ હાથ ઊંચા કરવાનું જ કામ આપી શકે, રાજતંત્રને સુધારવાનું કામ ન કરી શકે. જેવા જ્ઞાન કે ચારિત્રવાળા હોય તેવા, પણ જે થોડાઘણા અતિ ચતુર માણસો હોય તે જ વ્યવહારમાં બધી સત્તા ભોગવે. એ સારા હોય તો પૈસા બે પૈસાભાર પ્રજાનું સુખ વધારે, એ હીન હોય તો દુઃખનો વરસાદ વરસાવે.
ડેમોક્રસીનો વહેવારુ અર્થ માથાગણતરી એટલો જ થઈ ગયેલો છે. કોઈ એમ તો ન જ કહી શકે કે ઘણાં માથાં એટલે ઘણું ડહાપણ, માટે જે બાજુએ ઘણાં માથાં ઊંચા થાય તે બાજુનો નિર્ણય વધારે ડાહ્યો. માથાં શા કામ માટે ઊંચાં થયાં છે એ મહત્ત્વનું છે, કેવળ કેટલાં માથાં ઊંચાં થયાં છે તે નહીં. ગંદા પાણીનાં પાંચ તળાવ કરતાં ચોખ્ખા પાણીનો એક નાનકડો વીરડો વધારે મહત્ત્વનો છે.
મતલબ કે કેવળ વધારે માથાં ઊંચાં થાય તેથી સુખ વધે નહીં, ઊંચાં થનારાં માથાં યોગ્ય ગુણોનાં હોવાં જોઈએ. એક ચંદ્ર જે ચાંદની રેલાવે તે કરોડો તારા રેલાવી શકે નહીં.
વળી, ડેમોક્રસીમાં માત્ર ઘારા ઘડનારા અને હુકમ કાઢનારાઓની જ ચૂંટણીઓ થાય છે. ધારા અને હુકમોનો અમલ કરનારાઓ તો ચૂંટણીના ક્ષેત્રની બહાર હોય છે, અને તેમની ભરતી જુદી જ રીતે થતી હોય છે. અમલદારોની ભરતીનું ધોરણ જો સારા માણસો જ આવી શકે એવા પ્રકારનું ન હોય, તો પ્રતિનિધિઓ સારા હોઈનેય વહીવટમાં ઘણો ફરક ન પડે.
માટે સારા જ પ્રતિનિધિઓ અને સારા જ અમલદારો શી રીતે નિમાય એ વિચારવું જેટલું મહત્ત્વનું છે, તેટલું અમુક રાજકીય પક્ષની બહુમતી શી રીતે થાય તે મહત્ત્વનું નથી. અને બહુમતીથી જ સૌ બાબતોમાં નિર્ણય કરવો એ મહત્ત્વનું નથી.
7-11-’47