ઐહિક કે પારલૌકિક ધર્મોનો હેતુ મનુષ્ય–મનુષ્ય વચ્ચે પ્રેમ, એકતા, સદાચાર, ન્યાય, નીતિ, સુખમય સમાજજીવન તથા અનેક સદ્ગુણો અને સારી ટેવો નિર્માણ કરવાનો હોવો જોઈએ. તે મનુષ્યની સ્વતંત્ર રીતે વિવેક અને વિચાર કરવાની શક્તિનો વિકાસ કરનારો હોવો જોઈએ. કલ્પનાઓ, વહેમો વગેરેમાંથી બહાર કાઢનારો હોવો જોઈએ. અજ્ઞાનમાંથી જ્ઞાન પ્રત્યે, પરાવલંબનમાંથી સ્વાવલંબન, અશક્તિમાંથી શક્તિ પ્રત્યે જવાની જે પ્રાણીમાત્રની સ્વાભાવિક ગતિ છે તેને એ મદદ કરનારો હોવો જોઈએ. એ સ્વભાવની સાથે જ પ્રાણીઓની પ્રકૃતિ દૈન્યમાંથી ઐશ્વર્ય પ્રત્યે, ભોગના અભાવમાંથી ખૂબ ભોગ પ્રત્યે જવાનીયે છે. એ પ્રકૃતિ એના અને સમાજના વિનાશનું કારણ થાય છે. છતાં એ પ્રકૃતિનો સંપૂર્ણ નિગ્રહ કરી શકાતો નથી, અને બળાત્કારે કરેલો નિગ્રહ એને કે સમાજને લાભદાયી કે ઉત્કર્ષસાધક પણ થતો નથી. ધર્મનો હેતુ તેને માટે બે અંતિમ છેડાઓ – દીનતા અને ઐશ્વર્ય, ભોગનો અભાવ અને વિપુલ ભોગ – છોડી વચલો માર્ગ વારંવાર બતાવ્યા કરવાનો છે. ગમે તેવી પૂર્ણતાએ પહોંચેલો ધર્મસ્થાપક હોય, છતાં આ હેતુ સિદ્ધ થાય એવો સદાને માટે માર્ગ રચી શકતો નથી. સમયે સમયે અને દરેક સ્થાન અને પ્રજાઓની વિશિષ્ટતાઓને તથા સંજોગોને અનુસરી તેમાં વારંવાર વધઘટ અને મોટાં પરિવર્તનો પણ કર્યા કરવાં પડે છે. ધર્મના મૂળ આધારસ્તંભો – સિદ્ધાંતો પૈકી કેટલાક સનાતન હોઈ શકે છે, પણ તેના વિગતવાર વિધિનિષેધો સનાતન હોઈ શકતા નથી. આ વસ્તુને ન સમજાવાથી, ભુલાવાથી, ધર્મો મનુષ્યોના માર્ગદર્શક થવા માટે હોવા જોઈએ, તેને બદલે તેને ભમાવનારા, અથડાવનારા અને વિપત્તિઓમાં ધકેલનારા થઈ પડયા છે. પ્રચલિત સર્વે મોટા ધર્મો આ આક્ષેપને પાત્ર છે. કહેવાતા ઈશ્વરપ્રણિત (રિવીલ્ડ અથવા અપૌરુષેય) ધર્મો વધારે પ્રમાણમાં.
આપણા દેશના આજે રાજકીય થઈ પડેલા કેટલાયે સવાલો અને ઝઘડાઓના મૂળમાં ઊતરશું તો જણાશે કે પ્રચલિત મોટા ધર્મો વિશેની ખોટી શ્રદ્ધાઓ તથા તે વિશેનાં મિથ્યા અભિમાનોએ તે નિર્માણ કર્યા છે. એ હવે ધર્મના માર્ગો રહ્યા નથી, પણ એવા તૂટી ગયેલા, ભૂંસાઈ ગયેલા અવશેષો છે કે એ પરથી જવાનો પ્રયત્ન ઘોર અરણ્યમાં જ માનવસમાજને લઈ જાય છે. અને મહોવશ થઈ આપણે સૌ પોતપોતાના ચીલાને જ સાચો માની ખોટી કેડીને દુરસ્ત કરવાનો પ્રયત્ન કરી પાકી કરવા મથીએ છીએ.
સ્મૃતિકારોએ કોઈ કાળે ધંધાઓ અને વર્ણોની ઉચ્ચનીચતા કલ્પી, તે પ્રમાણે વિવાહ, વારસા, સ્પૃશ્યાસ્પૃશ્યતા, સંકરતા–શુદ્ધતા, સજા–ક્ષમા વગેરેના કાયદાઓ ઘડયા, અને જાતિભેદોનો પાયો નાખ્યો. તે કાળે કદાચ એ જ થઈ શકે એવું હશે. પણ એ આપણે માટે સનાતન સિદ્ધાંતો થઈ પડયા. એ શાસ્ત્રાો હવે અપ્રમાણ બન્યાં છે એમ કહેવાની કોણ હિંમત કરે? હવે ભલે લાગે કે સ્ત્રીઓના અધિકારો વિશાળ કરવાની, વંશ–વારસાની, વર્ણાન્તર–ધર્માન્તર વિવાહ માન્ય રાખવાની જરૂર ઊભી થઈ છે. ભલે રાજની મદદથી એમ કરવામાં ફાવીએ પણ. પરંતુ, સનાતન હિંદુ ધર્મીની દૃષ્ટિએ આ બધો ધર્મનો લોપ, અથવા કળિયુગનો જ પ્રભાવ ગણાય. સુધારક હિંદુ આટલી હદે ન જાય તોયે તે આદર્શરૂપે તો આવું આવું તો કાંઈક માનતો રહે : જેમ કે, કોઈક રૂપમાં પણ વર્ણવ્યવસ્થાના જીર્ણોદ્ધારની ઇષ્ટતા; પુનર્વિવાહ અને છૂટાછેડાનો કાયદાએ માર્ગ કરી આપ્યો હોય પણ એ પ્રશસ્ત નથી; કેવળ કાયદાનું લગ્ન એ પૂર્ણ વિધિ નથી, એ સાથે કાંઈક જૂનાં શાસ્ત્રાો અને વિધિઓની પ્રતિષ્ઠા જળવાય એવું રાખવું જ ઘટે, વગેરે. એ ગણપતિને ન માને, તોયે ગણેશોત્સવ જાળવે; નાગપૂજાને ન માને, તોયે નાગપાંચમ ઊજવે; એ અવતારો તથા દેવોની વિડંબના કરે, તેનાં સિનેમા અને નાટક ભજવે, તોયે તેના દિવસો અને મહિમા ભૂલવા દે નહીં.
એ જ વાત મુસલમાનો, શીખો વગેરેની. કુરાને ચાર સ્ત્રીઓ કરવાની પરવાનગી આપી છે. કઈ માનવસત્તા તે પરવાનગી લઈ લેવાની હિંમત કરે? કુરાને ગોવધનો નિષેધ નથી કર્યો, એને અટકાવવાનો કોઈ માનવસત્તાને અધિકાર જ ન હોય! ગુરુ ગોવિંદસિંહે પાંચ ‘ક‘ રાખવા ફરમાવ્યું છે; જે તે છોડે તે શીખ નહીં; જે છોડવા ફરમાવે તે શીખ ધર્મ પર આક્રમણ કરનાર ગણાય. અને આ બધા માનવોના ઝઘડા – પક્ષો વગેરેનાં કારણો!
આ બધાનું કારણ શું? કારણ, વેદો અપૌરુષેય છે, સ્મૃતિકારો ત્રિકાલજ્ઞ હતા; બાઈબલ તથા કુરાનમાં ઈશ્વરની વાણી છે, ગુરુવાક્યો અવિચારણીય છે – વગેરે શ્રદ્ધાઓ.
વિવિધ રૂપમાં મૂર્તિપજા અને તેના અનેક નવા નવા પ્રકારો નિર્માણ કરવાનું અને તેને માટે પછી લોહીની નદી ઓ વહેવડાવાનું અનિષ્ટ પણ પ્રચલિત મહાન ધર્મોનો જ છેલ્લાં પચીસ–ત્રીસ વર્ષોમાં જ કલહનું કારણ થઈ પડેલો વારસો છે. હજારો વર્ષોથી રાજાઓ તથા મોટા વીરો અને સેનાપતિઓના પોતપોતાના ખાસ વાવટાઓ તો રહેતા, મહાભારતના યુદ્ધમાં વાંચીએ છીએ કે પાંચે પાંડવો, દ્રુપદ અને તેના દીકરાઓ, કૌરવ અગ્રણીઓ વગેરે સૌ પોતપોતાના ખાસ વાવટા રાખતા. યુરોપમાંયે આમ હતું તે વીરને દૂરથી ઓળખી શકાય એ જ એનો એક ઉદ્દેશ હતો અને હોવો જોઈએ. એ વાવટાને તોડવાનો હેતુ એને ઓળખાતો અટકાવવો અને એ રીતે પોતાના લશ્કરથી કે મિત્રોથી દૂર કરી નાખવાનો હતો. એમાં એ વાવટાનું અપમાન કે પૂજા વગેરેની ભાવના નહોતી. એ રીતના ધ્વજવંદનનો હિંદુસ્તાનમાં કઈ રિવાજ હોય એમ વાંચવામાં આવતું નથી. એ વસ્તુ ખ્રિસ્તી યુરોપમાં પહેલી દાખલ થઈ કારણ ખ્રિસ્તી પ્રજાઓએ પોતાના ધર્મનું પૂજ્ય ચિહ્ન ક્રૉસ વાવટા ઉપર દાખલ કર્યું. જૂના ખ્રિસ્તાઓમાં મૂર્તિપૂજાનો સંસ્કાર બળવાન હોવાથી, ક્રૉસનું ચિહ્ન ગમે ત્યાં તે કારણસર દેખાય કે તે વંદનીય બની જાય. તેમાં દેવત્વની ભાવના આરોપાય. આમ વાવટો એ પૂજ્ય બન્યો, અને જે વીરોનો એ વાવટો હોય તેના શત્રુઓને તે વીરને અપમાન પહોંચાડવાને કે છંછેડવાનો સહેલું સાધન બન્યો.
મુસલમાનો અને ખ્રિસ્તીઓ વચ્ચેનાં ધર્મયુદ્ધો (ક્રુસેડો)માં વાવટો સહેલાઈથી રક્તપાતનું કારણ બન્યો. એમાં પોતાના રાજાની, રાજ્યની, ધર્મની એમ વિવિધ પ્રકારની આબરૂ સમાઈ.
મુસલમાનોનો મૂર્તપૂજાવિરોધી ધર્મ પણ આ વાવટાપૂજાના ચેપથી અદૂષિત ન રહ્યો. રાજ્યો હોય ત્યાં વાવટો તો હોવાનો જ. દૂરથી ઓળખવા માટે એ જ અનુકૂળ વસ્તુ ગણાય. પણ મુસલમાન બાદશાહોનોયે વાવટો મુસલમાન ધર્મ સાથે સંકળાઈ ગયો. મૂળ પેગંબર કે પહેલા ખલીફાનો વાવટો લીલો અને ચંદ્ર–તારાના ચિહ્નવાળો હશે એટલે તે જ જેવો ખ્રિસ્તીનો ક્રૉસ તેવો ઇસ્લામનું બુત બન્યો. છતાં, અમુક દિવસે અને રીતે ધ્વજ ચડાવવો, ઉતારવો, તેને સલામી આપવી વગેરે કોઈ કર્મકાંડ મુસલમાન રાજ્યોમાં હોય એમ લાગતું નથી. કોઈ જીતવાના કે જીતેલા સ્થાન સાથે કે પ્રત્યક્ષ લડાઈમાં વાવટાનો સંબંધ ન હોય એવી રીતે કેવળ વાવટાની આબરૂ કે મમત રાખવા કે તોડવા માટે બ્રિટિશ રાજ્ય પૂર્વ હિંદુસ્તાનમાં કદી ક્યાંય રક્તપાત થયાનું વાંચવામાં નથી.
બ્રિટિશ રાજ્યે હિંદુસ્તાનમાં વાવટાના રૂપમાં મૂર્તિપૂજાનો નવો પ્રકાર દાખલ કર્યો. મૂર્તિપૂજાપરાયણ દેશમાં હિંદુ રાજાઓ ઘણા હતા, મુસલમાન બાદશાહો પણ ઘણા હતા. કોઈનો એક વાવટો નહોતો. કોઈ વાવટો કેવળ હિંદુ ધર્મનું જ ચિહ્ન ગણાય એવો નહોતો. જેમ બીજા રાજાઓના પોતાના વાવટા હતા, તેમ શિવાજીએ પણ એક પસંદ કર્યો. એ ભગવા રંગનો બીજા કોઈ ચિહ્ન વિનાનો હતો. પણ ભગવા ઝંડાનો કે કોઈ પણ મંદિર પરથી ધજાનોયે વંદનવિધિ કોઈએ કલ્પ્યો નહોતો.
કોઈ મૂર્તિપૂજાપરાયણ કાýગ્રેસ સભાસદને વાવટાપૂજાનો ચેપ લાગ્યો, તેણે એ ચેપ ગાંધીજીને અડાડયો, અને તેમાં તે ઝડપાયા. પછી એ સમગ્ર કાýગ્રેસને ઊડયો, અને તેના વિરોધીઓને પણ રૂપાન્તર કરીને ઊડયો. ચરખા–ચિહ્નવાળો ત્રિરંગી ઝંડો ઉત્પન્ન થયો; તેના વિરોધમાં યુનિયન જેક તો હતો જ, લીગનો લીલો – ચંદ્ર–તારા ઝંડો, હિંદુ મહાસભાનો ભગવો ઝંડો, અને બીજા નાનામોટા પક્ષોના વિવિધ ઝંડાઓ થયા. કોઈ સ્થળ તવાનાં નહોતાં; જીતેલાં નહોતાં, કોઈ યુદ્ધ ચાલતું નહોતું કે કોઈ લશ્કર નહોતું કે જેને મોખરે એ રાખવામાં આવે. છતાં એણે પક્ષનો – મમતનો ઝઘડો ઊભો કર્યો. નાગપુરના મૂર્ખ હાકેમોએ તેને માટે નિમિત્ત આપી એને મહત્ત્વ આપ્યું. ઝંડો પૂજનીય મૂર્તિ બન્યો. તેની ઉપર સ્ત્રીપુરુષોનાં લોહી રેડાયાં! એ આગળ આવે તો લીગનો વાવટો કેમ પાછળ રહે? હિંદુ મહાસભા એ શાનો જ માને? આમ લાલ (કે કેસરી), ધોળા, લીલા, ભગવા રંગો, રેંટિયો કે ચક્ર, કે ચંદ્ર–તારાનાં નિશાન માણસોને એકબીજાનાં માથાં ફોડવાનાં નિમિત્તો બન્યાં. કેસરી એટલે બલિદાન, ધોળો એટલે શાંતિ, લીલો એટલે અમુક વગેરે તો માણસે આપેલો કલ્પિત અર્થ છે. એ ભાવનાઓ કદીયે તે રંગોથી જળવાયેલી જાણી નથી. એનો રેંટિયો તાંતણો કાઢી શકતો નથી, એનું ધર્મચક્ર ધર્મ સ્થાપી શકતું નથી. પણ તે સૌ મિથ્યા મોહ–મમત અને ખૂનરેજીની ભાવનાને પોષે છે અને એમાંથી હિંદ અને પાકિસ્તાન બે રાજકીય પ્રદેશો ઊભા થયા એ તો પ્રત્યક્ષ અનુભવની વાત છે. જો વાવટો કેવળ એક ઓળખાણનું ચિહ્ન હોત અને તેટલા જ પૂરતો તેનો ઉપયોગ સમજવાનો સંસ્કાર હોત તો ઘણો નિક્રારણ ખૂનરેજી અટકી શકી હોત.
એક વિચારવા જેવી વાત એ છે કે ‘રિલિજિયન‘ અથવા ‘મજહબ‘ અર્થમાં ધર્મ શબ્દનો ઉપયોગ હાલ હાલમાં ઉત્પન્ન થયો છે. સંસ્કૃત ભાષામાં મત, પંથ, સંપ્રદાય, દર્શન, શાસ્ત્રવાદ વગેરે છે, તે દરેકને માન્ય હોય એવા ધર્મો અથવા આચારો છે, અને એ રીતે સ્મૃતિધર્મો, રૂઢિધર્મો, પુરાણોક્ત ધર્મો વગેરે છે, પણ વૈદિક ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, હિંદુ ધર્મ એવો ભાષાપ્રયોગ હાલમાં ઉત્પન્ન થયેલો છે. પોતપોતાના સંપ્રદાય કે દર્શને માન્ય રાખેલાં શાસ્ત્રાોનો સમન્વય અને એકવાક્યતા કરવાનો દરેક મતવાળાનો પ્રયત્ન પણ થયેલો છે. પણ ભિન્ન ભિન્ન મતો કે પંથોનો કે તેમનાં શાસ્ત્રાોનો સમન્વય કે એકવાક્યતા કરવાનો પ્રયત્ન થયો નથી. વેદ મત, જૈન મત, બૌદ્ધ મતની એકવાક્યતા કરવાની શક્યતા મનાઈ નથી. શ્વેતાંબર પંથ અને દિગંબર પંથ, શૈવ સંપ્રદાય અને વૈષ્ણવ સંપ્રદાય, સાંખ્ય દર્શન અને વેદાંત દર્શન, વગેરે વગેરેમાં એકવાક્યતા છે એમ કોઈ કહેતું નથી. વધારેમાં વધારે એ બધામાં વિચારની ક્રમિક પ્રગતિ કે સામ્ય દેખાડવાનો પ્રયત્ન થાય છે. જુદા જુદા મતો, દર્શનો વગેરેની માન્યતાઓ ધરાવનારા પ્રત્યે સહિષ્ણુતા રાખ્યા છતાં તેની આલોચના કરવામાં કદી સંકોચ રખાયો નથી, અને તેમ ન કરી શકાય એમ મનાયું નથી. ‘શાસ્ત્રાર્થો‘, ‘ખંડનમંડન‘, ઇત્યાદિ કરવાનો અધિકાર સૌ કોઈને છે એમ ગૃહીત કરેલું છે.
ખરું જોતાં, જેવા વિવિધ વૈદિક મતો, જૈન મત, બૌદ્ધ મત અને તે દરેકમાં અનેક સંપ્રદાયો, દર્શનો, પંથો કહી શકાય, તેવા જ ઇસ્લામ અને ખ્રિસ્તી મતો કહી શકાય. દરેક મત તેના માનનારાને સોળ આના સાચો લાગતો હોય, પણ જુદા મતવાળાને કંઈક સાચો અને કાંઈક ખોટો અથવા પૂરેપૂરો ખોટો લાગે એમ બને. ખોટો લાગ્યા છતાં તે પ્રત્યે સહિષ્ણુતા રાખે, વિનય, આદર બતાવે, વિનય–આદરથી તેને જાણવા પ્રયત્ન કરે, પણ તેના વિચારો અને આચારોની સત્યાસત્યતાની આલોચના ન કરે – કરવાનો અધિકાર ન હોય – એમ સ્વીકારી ન શકાય. એમ સ્વીકારવામાં આવે તો સત્યની શોધ અને અસત્યના ત્યાગનો માર્ગ જ બંધ થઈ જાય. પણ મતોને માટે ધર્મ – મજહબ શબ્દનો પ્રયોગ કરી, તે ઈશ્વરપ્રણીત એટલે સત્ય જ છે એવી તેની ઉત્પત્તિ વિશે તે મતના અનુયાયીની શ્રદ્ધા અન્ય મતના લોકોએ પણ માન્ય રાખવી જોઈએ એવો સત્યશોધનને વિરોધી આગ્રહ ઉત્પન્ન થયો છે.
વિચાર કરીએ તો માલૂમ પડે કે ખોટા શબ્દો દ્વારા કેટલા અનર્થો ઉત્પન્ન થાય છે. ઉપર કહ્યા પ્રમાણે ‘મજહબ‘, ‘રિલિજિયન‘નો સાચો અર્થ મત છે. પણ એ માટે ‘ધર્મ‘ શબ્દ યોજાયો. પછી સહિષ્ણુતાને બદલે ‘સમભાવ‘ની યોજના થઈ. આમ પરમતસહિષ્ણુતાના અર્થમાં સર્વધર્મસમભાવ શબ્દ બન્યો. અને સમભાવ એટલે સહાનુભૂતિ, આદર એવો નહીં, પણ ‘એકભાવ‘ (= બધા ધર્મો એક જ છે) અને તેથી વધી ‘મમભાવ‘ (= બધા મારા છે) સુધી પહોંચ્યો.
એક બાજુથી એમ લાગે એવું છે કે આ હિંદુઓએ યોજેલી એક યુક્તિ જ છે, અને તેનો ઉદ્દેશ વધતી જતી ધર્માન્તરની પ્રવૃત્તિથી આત્મરક્ષા કરવાનો છે. દરેક ધર્મ સાચો છે, મોક્ષદાયી છે, એમ કહીએ એટલે ધર્માન્તરનું પ્રયોજન ન રહે. જે ધર્મમાં જે જન્મ્યો હોય તેને તે સાચા દિલથી પાળે એટલું બસ છે. ‘સ્વધર્મે નિધનમ્ શ્રેયઃ પરધર્મો ભયાવહઃ – ‘ પણ, અહીં ધર્મ શબ્દનો અર્થ મત–સંપ્રદાય થતો નથી એવું ભાગ્યે જ કહેવાની જરૂર હોવી જોઈએ. જૈનથી વૈષ્ણવ કે વૈષ્ણવથી જૈન મત સ્વીકારી ન શકાય, અદ્વૈતવાદીમાં ઊછરેલાથી દ્વૈતવાદી ન બની શકાય એવો આનો અભિપ્રાય નથી. સામાજિક ધર્મો – જેને સામાન્ય રીતે વર્ણાશ્રમ–ધર્મને નામે ઓળખવામાં આવે છે – પોતપોતાના સ્વભાવ, શિક્ષણ, સંસ્કાર વગેરેથી કર્યા હોય તેનો ત્યાગ ન કરવાનો એમાં ઉપદેશ છે. મતાંતર થઈ શકે છે, માટે જ તો અનેક સંપ્રદાયો અને ગુરુ–ગાદીઓ ચાલે છે, અને તેનો પ્રચાર થાય છે. જેમ જૈન, બૌદ્ધ, શીખ, ઇત્યાદિ મતો છે અને તેનો ત્યાગસ્વીકાર કરી શકાયો છે તેમ જ મુસલમાન–ખ્રિસ્તી મતોનોયે ત્યાગ–સ્વીકાર થઈ શકવાને અને તેના પ્રચાર કે ખંડનમંડન કરવાને હરકત ન હોય. એમાંથી રાજકીય કોયડો બને; એવું બનવાની જરૂર ન હોય.
પણ એવું થયું છે, અને મતાંતર પ્રવૃત્તિ, જેને ધર્માંતર પ્રવૃત્તિનું નામ મળ્યું છે, મોટો કોયડો બની છે. આ કોયડાનું સાચું સ્વરૂપ સમજવામાં ધર્મ શબ્દના ખોટા ઉપયોગથી આપણી પોતાની દિશાભૂલ થઈ છે.
હકીકત એ છે કે ઇસ્લામ તથા ખ્રિસ્તી ધર્મો માત્ર મતાન્તર કરાવતા નથી પણ સમાજાન્તર પણ કરાવે છે. જૈન વૈષ્ણવ બનીને કંઠી બાંધે તથા કૃષ્ણમંદિરમાં જાય અને ગીતા–ભાગવત વાંચે, અથવા વૈષ્ણવ જૈન બનીને કંઠી તોડે, અપાસરામાં જાય અને જૈન પુરાણો સાંભળે તોયે તેથી એના સામાજિક અને ઘરગતું ધર્મ–કર્મો તથા સ્થાન, વંશ–વારસો–વિવાહ વગેરેના અધિકારો વગેરેમાં ફેરફાર થતો નથી. એનાં નામ–ઠામ બદલાતાં નથી. પણ મુસલમાન કે ખ્રિસ્તી થવાથી એ બધું બદલાઈ જાય છે. એની પત્ની એની પત્ની રહેતી નથી, પતિ પતિ રહેતો નથી, એના એકત્ર કુટુંબના, વંશવારસાના તથા મિલકતના અધિકારોમાં ફરક પડી જાય છે. આમ મતાંતર સાથે સમાજાન્તર થતું હોવાથી, પ્રજામાં સમાજભેદ નિર્માણ થાય છે – થયો છે. અને એ રીતે સમાજની એકતામાં વિચ્છેદ થવાનું પરિણામ બે પ્રજાઓ – નેશન્સ ખ્ર્નો વાદ અને તેનાં ફળ છે. જે ઝઘડો છે તે અલ્લા, ગૉડ કે ઈશ્વરનો નથી, એક દેવ કે બહુ દેવોનો નથી, પણ કુરાન–બાઈબલ તથા સ્મૃતિઓએ નિરૂપેલા જુદી જુદી જાતના સામાજિક અધિકારો, કર્તવ્યો અને સામાજિક જીવનને લગતા વિધિનિષેધોનો છે. જો સમાજને લગતા કાયદાઓ એક પ્રેદશમાં વસતી સર્વ પ્રજાને માટે એકસરખા જ રાખવાનો ફરજિયાત નિયમ હોય અને પરમતસહિષ્ણુતા હોય તો અનેક જાતના મતપંથો હોવાથીયે મુશ્કેલી ઊભી ન થાય.
આ રીતે ધર્માંતર = મતાંતર + સમાજાન્તર; અને વિવિધ ધર્મો (=મજહબ) = વિવિધ આધ્યાત્મિક મતો + વિવિધ સામાજિક કાયદાઓ. આ પૈકી યોગ્ય મર્યાદામાં રહી વિવિધ આધ્યાત્મિક મતોનો પ્રચાર થાય અને ગમે તે સંખ્યામાં એક મતના માણસો બીજા મતમાં જાય તેથી હરકત આવે જ એમ ન કહેવાય. સર્વધર્મસમભાવ નહીં પણ પરમતસહિષ્ણુતા જ હોય, તોયે સૌ સુખપૂર્વક રહી શકે. પણ મતાંતર સાથે તે તે મતવાળાને સમાજના ખાસ કાયદાઓ કરવાની કે માન્ય રખાવવાની છૂટ ન હોવી જોઈએ. આ બાબતના કાયદાઓનો ‘લઘુમતી‘ઓનો – એટલે વિશિષ્ટ ધર્મ–મતવાળાઓનો – અધિકાર માન્ય રાખવાથી ભિન્ન ભિન્ન એકબીજાથી એકરૂપ થઈ ન શકનારા સમાજોનું અસ્તિત્વ ટાળી શકાશે નહીં, અને એના કોયડાઓ ઊભા થયા જ કરશે. ઈશ્વર, સદ્ગુણો અને પવિત્ર જીવન વિશેની સર્વે ધર્મોની એકમતી બતાવ્યાથી એ કોયડાઓનો ઉકેલ આવશે નહીં, કારણ કે એ ઝઘડા ઈશ્વર, સદ્ગુણો કે પવિત્ર જીવન વિશેના મતો વિશે નથી હોતા, પણ મારા અને બીજાના સમાજના જુદાપણાથી ઉત્પન્ન થતી રાજકીય, આર્થિક વગેરે હરીફાઈઓના હોય છે.
જેટલે અંશે આવા સમાજાન્તરનું કારણ આજના ધર્મો છે, તેટલે અંશે તે પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં વિઘ્નરૂપ છે.