બીજા પરિચ્છેદમાં જે પાંચ પ્રતિપાદનો કર્યાં તે માન્ય કરી શકાય એમ છે કે નહીં, તેનો અહીં વિચાર કરવા ધારું છું.
પહેલું પ્રતિપાદન
‘માનોપરમાત્માએકકેવલ ||
નમાનોદેવ-દેવતા-પ્રતિમાસકલ ||
નમાનોકોઈઅવતાર-ગુરુ-પેગમ્બર ||
સર્વેસદ્ગુરુ-બુદ્ધ-તીર્થંકર ||
માનોજ્ઞાનીવિવેકદર્શીકેવલ ||
નકોસર્વઅસ્ખલનશીલ,
ભલેઊંચારહબર ||’
જેઓ પરમાત્માના અસ્તિત્વ કે આલંબનની જ જરૂરિયાત જોતા કે સ્વીકારતા નથી, તેમનો પ્રશ્ન અહીં વિચારવાની જરૂર નથી. કારણ તેમને ‘માનો પરમાત્મા એક કેવલ’ સિવાયનાં સર્વે પ્રતિપાદનો માન્ય જ રહેશે. પણ જેઓ પરમાત્માને માને છે, તેમને બાકીનાં ચરણો માન્ય જ રહે એવું નથી. અને એ માન્ય કરવામાં ધાર્મિક ક્રાન્તિ – ધર્માંતર જેવું થાય છે.
‘1 સર્વ ખલ્વિંદ બ્રહ્મ, 2 તત્ત્વમસિ, 3 અયમાત્મા બ્રહ્મ, 4 સોહમ્, 5 શિવોત્ત્હમ્, 6તદ્ બ્રહ્મ નિષ્કલમહમ્, 7 વાસુદેવઃસર્વમ્, 8 ગુરઃ સાક્ષાત્ પરબ્રહ્મ, 9 યદા યદા હિ ધર્મસ્ય….. સંભવામિ યુગે યુગે. 10 સિદ્ધિ, 11 સર્વજ્ઞ, 12 તથાગત, 13 ઈશ્વર-પ્રેષિત, 14 ઈશ્વરપુત્ર’ વગેરે વિચારોનો આમાં વિરોધ થતો માલૂમ પડે છે.
વિચાર કરતાં જણાશે કે આ પૈકી પહેલાં આઠ વાક્યો બધાં એકદેશી સત્ય છે. એટલે કે અમુક ક્ષેત્રમાં અથવા મર્યાદિત અર્થમાં સાચાં છે; પણ તે ક્ષેત્રની બહાર એને લાગુ કરવા જઈએ તો ભુલાવામાં નાખે છે અને ભ્રમ પોષનારાં થાય છે. અને આવો ભ્રમ સારી પેઠે ઉત્પન્ન થયેલો છે.
‘સત્યપિભેદા પગમેનાથ! તવા હંનમામકીનસ્ત્વમ્ |
સામુદ્રોહિતરંગઃક્વચનસમુદ્રોતારંગઃ ||’
[ભેદ બુદ્ધિ ટળ્યા છતાં હેનાથ, હું તારો છું, નહીં કે તુંમારો; મોજું સમુદ્રનું છે; સમુદ્ર મોજાનો નહીં.]
આદમ કો ખુદા મત કહો, આદમ ખુદા નહીં,
મગર ખુદા કે નૂર સે આદમજુદા નહીં.
વગેરે વચનો ઉપરનાં વાક્યોને ગૌણ (હળવાં) કરનારાં અને સુધારનારાં છે, અને એ ગૌણતા અવતાર-સદ્ગુરુ-સિદ્ધિ-પેગંબર વગેરે પદનું પોતામાં આરોપણ કરનાર કે તેવી શ્રદ્ધાને પોષનાર, તેમ જ તેના અનુયાયી બંનેએ યાદ રાખવાની જરૂર છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ‘અવતાર’, ‘બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુ’ ‘સિદ્ધ’, ‘બુદ્ધ’ વગેરે પણ પરમાત્માથી ગૌણ છે. એક મોટો ફરક તો બ્રહ્મસૂત્રકારે જ બતાવી દીધો છે. માણસ ગમે તેવો મોટો યોગીશ્વર, વિજ્ઞાનવેત્તા, સિદ્ધ, વિભૂતિમાન, અને પ્રકૃતિનાં તત્ત્વો પર કાબૂ મેળવનારો થાય, પરંતુ તે સમગ્ર વિશ્વનું નિયંત્રણ કે ઉત્પત્તિ-સ્થિતિ-લય કરી શકતો નથી. વિશ્વની શક્તિઓને એણે અધીન રહેવું જ પડે છે. વળી, એ બ્રહ્મની સર્વ શક્તિઓને એકીવખતે પોતામાં પ્રગટ કરી શકતો નથી. એની સગુણતા કદી સર્વગુણતા થઈ શકતી નથી, અધૂરી જ રહે છે. જેમ સોય અને કુહાડો બંને લોઢું જ હોવા છતાં સોયરૂપે રહેલું લોઢું કુહાડાની શક્તિ દર્શાવી શકતું નથી, અને કુહાડારૂપે રહેલું લોઢું સોયની શક્તિ દર્શાવી શકતું નથી, તેમ ગમે તેવી ઊંચામાં ઊંચી અને વિવિધ પ્રકારની શક્તિઓને મનુષ્ય પામે, માનવરૂપમાં રહેલું બ્રહ્મ માનવેતર રૂપમાં રહેલા બ્રહ્મની શક્તિઓ ન દર્શાવી શકે, અને જ્યારે એક પ્રકારની શક્તિ દર્શાવે ત્યારે કોઈ બીજા પ્રકારની શક્તિ લોપ પામે, ગીતાકાર જેવા ભવ્ય કલ્પના કરનાર કવિનો વિરાટપુરુષ પણ કેવળ પોતાની ભયકારી, કાળરૂપ વિભૂતિઓનું જ દર્શન કરાવે છે. પણ સત્ય વિશ્વમાં તો જે ક્ષણે ભયંકર સંહાર ચાલતો હોય છે, ઘોર અધર્મ અને હિંસાનું સામ્રાજ્ય વર્તતું હોય છે, તે જ ક્ષણે સુંદરતા, ધર્મ, પ્રેમ આદિનું સર્જન અને પોષણ પણ ચાલતું હોય છે. આથી, ગમે તેવી જ્ઞાનદશાને, શુદ્ધતાને કે યોગસિદ્ધિઓના ઉત્કર્ષને પામેલા માનવચિત્તને સાક્ષાત્ પરબ્રહ્મની બરાબરીમાં ન બેસાડવાના ઇસ્લામ અને યહૂદી ધર્મના આગ્રહમાં ઘણું ડહાપણ રહેલું છે. હિંદુઓએ એ સત્ય સ્વીકારવું અને તેને વિરોધી માન્યતાઓનો ત્યાગ કરવો જ જોઈએ. આમ પરમેશ્વર-વાચક અવિશિષ્ટ નામોની બરાબરીમાં દેવો, દેવીઓ, અવતારો, ગુરુઓ, સંતો વગેરેની ધૂનો કરવામાં જો કોઈ દોષ જુએ કે એમાં ભાગ લેવા ના પાડે, તો તેમાં એમનામાં સમધર્મસમભાવનો અભાવ છે એવો દોષ મૂકવો યોગ્ય નથી. જેમ અહિંસા ધર્મમાં માનનાર મનુષ્ય પશુયજ્ઞોમાં અથવા માંસ, દારૂ વગેરેનું નિવેદન થતું હોય એવી પૂજાવિધિઓમાં જોડાવા ઇનકાર કરી તેમ જ આ સમજવું જોઈએ.
વાત એવી છે કે હિંદુઓમાં પરમેશ્વરવાચક અથવા ગુણવાચક શબ્દો માણસોનાં નામો પાડવામાંયે યોજાય છે. બીજા ધર્મોમાં કોઈ માણસનું નામ અલ્લાહ, ખુદા, ગૉડ પાડવામાં ન આવે, હિંદુઓમાં ઈશ્વર, ભગવાન, રામ, કૃષ્ણ, શંકર, ગોવિંદ, ગોપાળ એવાં નામો હોઈ શકે. આ સાથે અવતારવાદની પણ માન્યતા હોવાથી અવતારરૂપે મનાયેલા પુરુષનું નામ ભગવાન અપાયું છે કે ભગવાનનાં અનંત નામોમાંથી એક એ પુરુષનું નામ હતું, તે કેમ ઠરાવવું? ‘રઘુપતિ રાઘવ રાજારામ; પતિતપાવન સીતારામ’ કહીએ ત્યારે અવતારમાં શ્રદ્ધા રાખનાર કહેશે કે એ દશરથપુત્ર રૂપે અવતરેલા રામનું સ્મરણ છે. સુધારક અથવા જ્ઞાની કહેશે કે એનો અયોધ્યાના રામ સાથે સંબંધ નથી. એ નામથી માત્ર પરમેશ્વર જ સમજવાના છે. એટલે સરળ મનના વિધર્મીને થાય કે જે બાબત હિંદુઓમાં જ મતભેદ છે તે નામને હું ઈશ્વર કે અલ્લાના નામ સાથે લેવાની ભાંજગડમાં ન પડું. માટે મને રામ, કૃષ્ણ, શિવ એવાં નિશ્ચિત આકાર અને ચરિત્ર સૂચવનારાં ખાસ નામો ન જોઈએ. મારી ઉપાસનાને હું એમ ગરબડગોટાળાવાળી કરવા નથી ઇચ્છતો. ‘નિવૃત્તિ, જ્ઞાનદેવ, સોપાન, મુક્તાબાઈ, એકનાથ, નામદેવ, તુકારામ’ જેમ સંતોની નામાવલી સમજાય છે એ પ્રમાણે જો ‘રામ, કૃષ્ણ, નરસિંહ, શંકર’ એવા અવતારી પુરુષોનાં કે સ્ત્રીઓનાં નામોનાં જોડકણાંવાળી ધૂન સમજીને કોઈ કોઈ વાર ગાવામાં આવે તો તે જુદી વાત ગણાય. પણ પરમાત્મા, ઈશ્વર, ભગવાન, એવાં કોઈ વ્યક્તિવાચક ન હોય એવાં નામો જોડે એ મૂકવામાં મારું મન શંકામાં પડી જાય છે.
આનો અર્થ એ નથી કે અહીં સગુણોપાસનાનો નિષેધ છે, અથવા મહાપુરુષો પ્રત્યે આદરભાવ, ભક્તિ કે એમનાં સચ્ચરિત્રોના ગુણાનુવાદનો પણ સર્વથા નિષેધ છે. આ નિર્ગુણ ઉપાસના નથી. યહૂદી અને ઇસ્લામમાં પરમેશ્વર વિષે આકારના આરોપણનો નિષેધ છે, પણ એ નિર્ગુણ ઉપાસના નથી, રામાનુજની ભાષામાં કહીએ તો ‘સકલ કલ્યાણકારી ગુણો’નું આરોપણ કરનારી એ સગુણોપાસના છે. રહીમ, રહેમાન, માલિક, રબ્બ, સર્વેનો પેદા કરનાર, દીનાનાથ, ક્ષમા કરવાવાળો, ન્યાયી, દુષ્ટોને શિક્ષા કરનારો, કરુણાસાગર, ભક્ત વત્સલ, સન્માર્ગદર્શક, સર્વશક્તિમાન, નિયામક વગેરે ગુણોનું આરોપણ એમનેયે માન્ય છે. પણ રામાનુજે એની સાથે લક્ષ્મીનારાયણ, રાધાકૃષ્ણ વગેરે સાકાર મૂર્તિઓ પણ કલ્પેલી છે. તેવી કલ્પનાનો એમણે ત્યાગ કર્યો છે.
વેદાંતમાં નિર્ગુણ, નિરાકાર શબ્દે મોટો ગોટાળો ઉપજાવ્યો છે. યોગ્ય શબ્દો સર્વગુણબીજ, સર્વગુણાશ્રય, સર્વનામરૂપનું કારણ અને આશ્રય થાત. શુભ અને અશુભ સર્વે ગુણોનું, વિભૂતિઓનું અને સૃષ્ટિનું એ જ બીજ, આશ્રય, કારણ ગતિ ઈ# છે. પણ તે પૈકી શ્રેયાર્થી મનુષ્યો માટે અશુભ અને અલ્પ ગુણો, વિભૂતિઓ અને તેમનું સર્જન ઉપાસ્ય કે ધ્યેય થઈ શકતાં નથી. માટે ચિંતન અને ઉપાસના કરવા યોગ્ય ગુણો અને શક્તિઓને જ સાધક પસંદ કરે અને આધ્યાત્મિક ઉન્નતિ માટે કલ્યાણકારી ગુણો અને શક્તિઓને જ ભગવાનને મહાનિધિ કલ્પે છે.
કલ્યાણકારી અને પ્રાપ્ત કરવા યોગ્ય ગુણો અને શક્તિઓ કયાં એ વિષે કોઈ પણ દેશના ભક્તો અને શ્રેયાર્થીઓ કે વિચારી પુરુષોમાં બહુ મતભેદ થઈ શકતો નથી. પણ કોઈ આકારને સુંદરતા કે કલ્યાણમયતાનો આદર્શ ઠરાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો અનેક મતો ઊભા થાય છે. શુભ ગુણો અને શક્તિ કયાં અને અશુભ ગુણો અને શક્તિ કયાં એ વિષેનો નિર્ણય સર્વે દેશના સત્પુરુષોના અનુભવમાંથી ઉત્પન્ન થાય છે. શ્રેષ્ઠ આકાર કયો તેને માટે અનુભવનો આધાર મળતો નથી. કેવળ કલ્પનાશીલતા અને પરંપરાગત સંસ્કારનો જ એને આધાર છે. આકાર અને તેમાંથી નિર્માણ થતી પૂજાઓમાં વિસંગત ઉપાસનાઓ અને પંથો પેદા થાય છે. યહૂદી અને ઇસ્લામ ધર્મોએ આકારોનો છેદ ઉડાડી નાખી જુદી જુદી ઉપાસનાઓ અને પૂજાઓ નિર્માણ થવાની શક્યતા ઓછી કરી. હિંદુ ધર્મે એનું બહુમાન કરી ઘર ઘરના જુદા દેવચોકા વધાર્યા.
આટલું આ પરિચ્છેદની શરૂઆતમાં મૂકેલા ચૌદ વાક્યો પૈકી આઠ વિષે થયું. હવે કોઈને વિષે અવતાર-સિદ્ધ-સર્વજ્ઞ-પેગંબરપણા વગેરેની માન્યતા બાબત. દેખીતું છે કે આ બધી કલ્પનાઓ જ છે. જગતમાં લોકોત્તર વ્યક્તિઓ જન્મે છે; તેના અનેક પ્રશંસકો અને અનુગામીઓ થાય છે. તેમણે નિર્માણ કરેલી અને પરંપરાથી પોષાયેલી શ્રદ્ધાઓના સંસ્કાર સિવાય એની પાછળ કોઈ સર્વમાન્ય થઈ શકનારા અનુભવનો આધાર નથી.
પણ એ કલ્પનાઓએ જગતમાં અનેક પ્રકારના ઝઘડાઓ અને પંથો નિર્માણ કર્યા છે. પરમેશ્વર અને માનવો વચ્ચે એ પેશવાઓ અથવા મુખ્ય પ્રધાનો બને છે. ઇંગ્લંડનો રાજા કોણ તે વિષે ઝઘડો નથી, તેમ પરમેશ્વર વિષે મનુષ્યોમાં ઝઘડો નથી. પણ રાજમાં કોનો હુકમ ચાલે, કોણ મુખ્ય પ્રધાન બને અને રાજાને નામે વહીવટ કરે તેના ઝઘડાઓ થાય છે, તેમ કયા અવતાર-પેગંબર-ગુરુ-સિદ્ધ-બુદ્ધ વગેરેની પ્રણાલિકાઓ ચાલે તે માટે ઝઘડા છે. માણસોએ ઘણુંખરું પોતપોતાની રાજકીય પ્રણાલિકા પ્રમાણે જ ઈશ્વરના વહીવટ વિષે પ્રણાલિકાઓ કરી છે. આપણે ત્યાં મોટા મોટા હોદ્દાઓ છે અને જેલો અને પોલીસ છે, તેવી જ રીતે ભગવાનના દેવો, ફિરસ્તાઓ, સ્વર્ગ, વૈકુંઠ, ગોલોક વગેરે ધામો, ઉત્પાદન, સર્જન, પ્રલય વગેરે માટે જુદા જુદા મંત્રીઓ, યમદૂતો અને નરકકુંડો પેદા કર્યાં છે.
માટે આ સર્વ કાલ્પનિક ઉપાસનાઓનો દૃઢતાપૂર્વક ત્યાગ કરવો જોઈએ, અને
માનો પરમાત્મા એક કેવલ;
ન માનો દેવ-દેવતા-પ્રતિમા સકલ;
ન માનો કોઈ અવતાર-ગુરુ-પેગંબર.
સર્વે સદ્ગુરુ-બુદ્ધ-તીર્થંકર,
માનો જ્ઞાની-વિવેકદર્શી કેવલ;
ન કો સર્વજ્ઞ-અસ્ખલનસીલ,
ભલે ઊંચા રહબર.
13-8-’47