૪. ખરા બપોર

અંગારઝરતા ખરા બપોર એક સ્રી પોતાના ઝૂંપડાના ઉંબરામાં ઊભી ઊભી ક્ષિતિજ પર મીટ માંડી રહી હતી.

જેઠ મહિનાના ખરા બપોર હતા. માટીની દીવાલ અને ઘાસની છતવાળા ઝૂંપડાના છાંયડામાં પણ દઝાડે એવી લૂ વાતી હતી. ચારે દિશાઓમાં જેઠ મહિનાનાં સેતાની વાયરાઓ ઘૂમી રહ્યા હતા. સામે વિસ્તરેલા રણનાં મેદાનોમાં ચકરભમર ફરતી, ઊંચે આભ સુધી પહોંચતી ધૂળની ડમરીઓની ચારે દિશાઓ ઢળી પડી હતી.

ઝૂંપડાના ખુલ્લા બારણામાંથી ધસી આવતી અને ઘાસની છતમાંથિ વરસતી ધૂળ વચ્ચે ભડકે બળતી લૂથી દાઝતી આ સ્રી ઉંબરા પર ઊભી હતી, તે ક્ષિતિજ તરફ સતત મીટ માંડી રહી હતી.

છેક વહેલી બપોરથી એ અસ્પષ્ટ ક્ષિતિજની ચોકી કરી રહી હતી. સમેનાં સપાટ મેદાનો પર ફરી વળતી એની વેધક દૃષ્ટિ ક્યારેય બેધ્યાન બનતી નહોતી દેખાતી. એની આંખો પર થાકનો ભાર દેખાતો હતો. ઉંબરા પર એક જ અદામાં થીજી ગયેલો એનો દેહ આમ તો સ્વસ્થ દેખાતો હતો પણ એની સમગ્ર બેચેની એના સૂકા, રૂપાળા ચહેરા પર કદરૂપી રેખાઓ આંકી ગઈ હતી.

આમ ને આમ મધ્યાહ્ન થવા આવ્યો ત્યારે એ સ્રીની ભમતી દૃષ્ટિએ ધૂળની દોડી જતી ડમરી પાછળ એક ઓળાને શોધી કાઢયો.

એની આંખ ચમકી ઊઠી. એની થીજી ગયેલી અદા વિખેરાઈ ગઈ અને એ ટટ્ટાર બની. ઓળો નજીક આવતો ગયો અને એનો આકાર સ્પષ્ટ દેખાયો ત્યારે એ સ્રીના મોઢા પર અત્યાર સુધી તંગ રહેલી રેખાઓ કંઈક હળવી બની.

એની ગતિ મંદ હતી. એ બરડામાંથી વાંકો વળેલો હતો અને એનું માથું ઢળેલું હતું. એના બેઉ હાથ એની બાજુમાં લટકી રહ્યા હતા.

સ્રીની આંખ ફરી વાર ચમકી અને એનું મોઢું મરડાઈ ગયું. અજે પણ એ પુરુષ ખાલી હાથે પાછો ફર્યો જણાતો હતો. જેમ જેમ એ ઘરની નજીક આવતો ગયો તેમ તેમ તેની શક્તિ ખૂટતી જણાઈ. છેક ઘર નજીક આવી પહોંચતાં એના પગ લથડયા. એણે પોતાના બેઉ હાથ ઓટલે નાખી દઈ આશરો લીધો. અતિશય વાંકો વળી, માથું છેક જ નીચું નાખી દઈ એણે જોરથિ હાંફ્યા કર્યું.

ચોમેર શાંતિ છવાઈ હતી. હોલો, તેતર, બુલબુલ, કાગડો કે કોઈ પક્ષી ક્યાંય ઊંડતું દેખાતું નહોતું. એક નાનકડી ટેકરીની ઓથે અને એક કૂવાને આશરે વસેલું બારેક ઝૂંપડાંવાળું આ ગામડું નીરવ – મૃતપ્રાય પડયું હતું. ઊભા ઝિંકાતા જેઠ માસના ખરા બપોરના તાપ નીચે ધરતી તરફડી રહી હતી.

ઉંબરે ઊભેલી પેલી સ્રી હજીયે એ પુરુષ તરફ મીટ માંડી રહી હતી. અત્યાર સુધી ક્ષિતિજને ખૂંદીને પાછી વળેલી એની આંખો વિશ્રામ લેતી દેખાતી હતી અને બેચેન રેખાઓ વિનાનો એનો ચહેરો બિલકુલ ભાવહીન બની ગયો હતો.

હાંફતાં હાંફતાં પુરુષે એક વાર સ્રી તરફ જોયું. એ વેળા એની નજર સ્રીની નજર સાથે અથડાઈ. એના ચહેરા પર અણગમો અને તિરસ્કાર તરી આવ્યાં. એણે ત્વરાથિ ફરી માથું નીચું ઢાલી દીધું અને હાફ્યાં કર્યું – આ સ્રી હજીય આટલી સ્વસ્થ અને શાંત હતી, એમ ને? એની આંખોમાં આવકારનો ભાવ ન જ હતો ને? ત્રણ દિવસના ભૂખમરા પછી પણ એના ચહેરાની ચમક હજીયે એવી જ તાજગીભરી હતી – ખરેખર?

પુરુષે ફરી માથું ઊંચું કરી તિરસ્કારથી સ્રી તરફ જોયું. એણે હોઠ ખોલી દાંત ભીંસ્યા ત્યારે ધૂળેભર્યો એનો નિસ્તેજ ચહેરો વિકરાળ દેખાયો.

‘બાઘા જેવી સામું શું જોઈ રહી છો, નીચ! હલકટ?’

પેલી સ્રીએ પોતાની સ્વસ્થતા ગુમાવ્યા વગર બારણા પાછળ તૈયાર રાખેલો પાણીનો લોટો ઊંચકી પુરુષના હાથમાં આપ્યો. લોટો ઝીલતાં પુરુષનો હાથ જરા થથર્યો. એણે હથેળીમાં થોડું પાણી લઈ આંખે છાંટયું. એટલું જ થોડું પાણી એણે ડોક પાછળ રેડયું. એની ઠંક અનુભવવા એ જરા થોભ્યો. પછી એણે ઉતાવળે લોટાને હેઠે મૂક્યો. ગળાને પાણીનો સ્પર્શ થતાં જ એની આંખમાં ચમક આવી. એનામાં વધારાનો જીવ આવતો દેખાયો અને ઘડીએકમાં તો એ અર્ધો લોટો ગટગટાવી ગયો!

મીટ માંડી રહેલી પેલી સ્રી એકદમ કૂદકો મારી ઓટલા પરથી હેઠે ઊતરી આવી અને એવી જ ઓચિંતી ઝડપથી એણે પુરુષના હોઠેથી પાણીનો લોટો છીનવી લીધો. કોઈક ધાવતા બાળકને એની માના સ્તનથી બળજબરીથી અલગ કરતાં જ દુ:ખમય અતૃપ્તિનો ભાવ બાળકને મુખે જન્મે એવો ભાવ પેલા પુરુષના ચહેરા પર ફરી વળ્યો.

‘લાવ, પાણી લાવ!’ કહેતો પુરુષ વીફર્યો. એની હડપચી પરથી બેચાર પાણીનાં ટીપાં સૂકી ધૂળ પર ટપકી પડતાં દેખાયાં. બન્ને હાથે ઝાપટ મારી એણે સ્રીને પકડવા પ્રયત્ન કર્યો. સ્રીએ લોટાવાળો હાથ દૂર લઈ લીધો ત્યારે એણે ગુસ્સાથી એનો બીજો હાથ પકડી ખેંચ્યો અને મરડયો.

‘રહેવા દો – પણ!’ પેલી સ્રીએ વેદનાથી બૂમ પાડી : ‘તમે જાણો છો કે આવી લૂમાં રખડી આવ્યા પછી ઝાઝું પાણી ન પિવાય, તોય શા માટે મારે પર આટલો જુલમ ગુજારો છો?’

પુરુષે ફરી એક વાર નિર્દય રીતે સ્રી તરફ જોયું અને એનો હાથ જવા દીધો. ઓટલો ચડી, ઝૂંપડાના કમાડને કઢંગી રીતે ધક્કો મારતાં એ દાખલ થયો અને બારણા પાસે પાથરેલી ફાટેલી ગૂણપાટ પર એ આડો થઈને પડયો. સ્રી ઝૂંપડાના બારણા પાસે, ઉંબરા નજીક બેઠી.

એણે ધોમ ધખતી વેરાન ધરતી અને નિસ્તેજ આકાશ તરફ જોયા કર્યું. પૃથ્વીને આ છેડે દર ઉનાળે આવા ધોમ ધખતા બપોર ઊતરી પડતા. ત્યાંથી માત્ર અર્ધો ગાઉ જ દૂરથી રણનો વિસ્તાર શરૂ થતો. કઢાઈમાં શેકાતા લોટ જેવી ધગધગતી લાલ માટીવાળાં, અનંત દીસતાં મેદાનો પર જીવલેણ વંટોળિયા ઘૂઘવાતા, હુંકાર કરતા ઘૂમી રહેતા. એમની અડફટમાં આવનાર કોઈ માનવી કે કોઈ પશુ અધ્ધર ઊંચકાઈને દૂર ફેંકાઈ જતું. સૃષ્ટિનું એવું તાંડવ અહીં રચાતું.

આવી મરુભૂમિથી માત્ર અર્ધો ગાઉ દૂર, ટેકરી ઓથેના એક નાનકડા ઝૂંપડામાંથી એ પુરુષ વિષાદભરી નજરે આકાશમાં જોતો, ફાટેલા ગૂણપાટ પર આડો થઈ પડયો હતો.

અને પેલી સ્રી પણ બારણાને અઢેલી સામેની નિર્જીવ ક્ષિતિજ પર મીટ માંડી રહી હતી.

એ બેઉ સ્રીપુરુષની જુવાનીના ખરા બપોર હતા. પુરુષ દેખાવે પાતળો પણ સશક્ત અને ઘાટીલા અવયવોવાળિ હતો. સ્રી ઊંચી, પાતળી, ફિક્કી અને કમનીય હતી. પુરુષ બાવીસેક વર્ષનો હશે; જ્યારે સ્રી ઓગણીસની દેખાતી હતી. બેઉ એક પુરુષની આંખોની નેમ વેધક હતી. ઢળી પડેલી પાંપણોવાળી સ્રીની આંખો અત્યારે સ્વપ્નશીલ દેખાતી હતી.

દોડી આવતી ધૂળની એક ડમરી બારણામાં ધસી આવી. સ્રીએ અને પુરુષે આંખો મીંચી માથું ઢાળી દીધું. ઝૂંપડાનું એક બારણું જોરથી બાજુની દીવાલ સાથે અફળાયું.

પવનનો ઝપાટો પસાર થઈ જતાં સ્રીના ચહેરાદ પર એક અણઓળખ્યો ભાવ જન્મતો દેખાયો. એની આંખો ઢળી પડી અને હોઠ થથર્યા. એ બોલી: ‘કશું જ ન મળ્યું?’

પુરુષે પોતાનો ભાવહીન ચહેરો સ્રી તરફ ફેરવ્યો. પછી પોતાની નજર બારણા બહાર મોકલતાં જવાબ આપ્યો: ‘જો થોડુંક વધારે દોડયો હોત તો મળ્યું હોત!’ પછિ જરા વાર રહી ઉમેર્યું: ‘એક હરણ પાણી વિના તરસે મરતું, દોડી દોડીને થાક્યું ત્યારે બેબાકળું બનીને ચાલ્યું જતું હતું. એનામાં લાંબું દોડવાની શક્તિ નહોતી રહી મેં એને દોડીને પકડી પાડયું હોત, પણ એટલું દોડયા પછી એને ઊંચકીને આટલે લાંબે પાછા ફરવાની શક્તિ મારામાંયે નહોતી રહી. હું એને જતું જોઈ રહ્યો અને પાછો ફર્યો.’

આટલું કહી પુરુષે માથું ઢાળી દઈ, લાંબા થઈ સૂઈ જતાં એક નિ:શ્વાસ છોડયો. એનાથી બોલાઈ જવાયું: ‘નસીબ!’

સ્રીના મનમાં એ શબ્દનો પ્રત્યાઘાત જન્મ્યો. એ મનમાં જ બબડી:

‘મારાંયે કમનસીબ!

એ બન્નેને છેલ્લા બે મહિનાથી અર્ધું પેટ ભરાય એટલું જ માત્ર એક જ ટંક ખાવા મળતું. પુરુષ રોજેરોજ તેતે પકડાવાના ફાંસા બાંધી આવતો. ક્યારેક કોઈક દુર્ભાગી સસલું હાથ ચઢી જતું. બેત્રણ કુટુંબ સાથે મળીને હરણ મારવા બહાર પડતાં પણ ભાગ્યે જ સફળ થતાં, પણ છેલ્લા ત્રણ દિવસથી તો એ બન્નેને કશું કહેતાં કશું જ ખાવાનું નહોતું મળ્યું – રોટલાનું એક બટકુંયે નહિ! માંસનો એક કકડોયે નહિ. વહેલી સવારથી શિકાર પાછળ ભમતો એ પુરુષ ખરે બપોરે ખાલી હાથે પાછો ફર્યો હતો. એના પેટમાં ભૂખની લાય બળતી હતી અને પતિ કંઈક લાવશે એવી આશાએ રાહ જોતી સ્રી પણ હવે હતાશ બની હતી. એણે ચૂપ બની માત્ર ક્ષિતિજ તરફ જોયા કર્યું. એનું શાંત, અસ્વસ્થ મૌન અને પુરુષના સાંભળી શકાય એ રીતે લાંબા ચાલતા શ્વાસોચ્છ્વાસથી ઝૂંપડામાંનું વાતાવરણ તંગ બન્યું હતું.

વચ્ચે વચ્ચે પવનનો એકાદ સુસવાટો આવી જતો, ધૂળ ઊડી જતી, હૃદયો થાકી જતાં અને પુન: મૃતપ્રાય શાંતિ છવાતી.

સ્રીએ માથું ફેરવી, ઊંધું ઘાલી, લાંબા થઈને સૂતેલા થાકેલા પુરુષ તરફ જોયું-જતી જ રહી. એની નજર એના વાંકડિયા વાળ પર થંભી ગઈ. થોડી વારે એના હોઠ કંપી ઊઠયા. એન કંપને શમાવવાનો યત્ન કરવા જતાં એની આંખમાં આંસું ઊભરાયાં અને રેલો બની ગાલે દડી રહ્યાં.

સ્રી હળવેથી બોલી: ‘હજીય તમે ફરી એક વાર શહેરમાં જાઓ.’

સૂતેલા પુરુષે જમીન પરથી પોતાનું માથું સહેજ ઊંચું કર્યું અને સ્રી તરફ તિરસ્કારની એક નજર નાખી. પછી માથું ઢાળી દેતાં બોલ્યો: ‘શહેરમાં શું મરવા જાઉ?’

દુભાયેલે સ્વરે સ્રીએ કહ્યું: ‘હું તમને મરવા જવા માટે કહેતી હોઈશ? હમણાં હમણાં તમને થયું છે શું? આવું બોલી બોલીને મને શા માટે ટાઢા ડામ દો છો?’

કહી એ મોકળ મને રડી પડી.

સ્રીએ માથું ફેરવી ઊંધું ઘાલી, લાંબા થઈનેદ સૂતેલા થાકેલા પુરુષ તરફ જોયું – સાલની જ છે? એ તો આપણા જીવતર જોડે જડાયેલી છે, એટલે જ તમને કહું છું કે શહેરમાં જાઓ તો આપણે સદાના ભૂખમરામાંથી છૂટીએ!’

‘તે એક વાર હું ના’તો ગયો શે’રમાં?’ પુરુષ રોષમાં બેઠો થઈ જતાં બોલ્યો: ‘તે વેળા મારી જે વલે થઈ એ તું ક્યાં નથિ જાણતી?’ ને તોય તું મને શે’રમાં જવાનું કહે છે?’

‘તે કંઈ બધી વખત એવું જ બનતું હશે? મોટા શે’રમાં મજૂરી કે નોકરી ક્યાંક મળી જ રે.’ થોડીક ધીરજ જોઈએ.’

‘હવે આનાથી વધુ કેટલીક ધીરજ રાખું? આટલાં વરસ તારું પેટ કોણે ભર્યું? મેં કે કોઈ બહારનાએ આવીને? તે એ બધું ધીરજ વિના બન્યું હશે? તું તો હવે બેકદર અને કમજાત બની જાય છે.’

‘મારા બોલવાનો અવળો અર્થ કરી શા સારુ નકામા ગુસ્સે થાઓ છો?’ સ્રી બોલી.

‘બસ! હવે એક અક્ષર વધુ બોલી તો ગળે ટૂંપો દઈ દઈશ!’ કહેતાં સ્રીને પકડવા તેણે ઝડપથી હાથ લાંબો કર્યો. સ્રી તરત ખસી ગઈ. ઘડીભર એના તરફ ગુસ્સાથી જોઈ રહેતાં પુરુષે પગ લંબાવ્યા અને આડા પડતાં કહ્યું: ‘જો હું તને છેલ્લી વાર કહું છું, મારે મરવું કબૂલ છે પણ શે’રમાં જવું નથી. તું જે દા’ડે મને શે’રમાં જવાનું કહીશ તે દી મારી મારીને ઘરમાંથી કાઢી મૂકીશ – સમજી?’ એણે ફરી બેઠાં થઈ જતાં સ્રી તરફ આંગળી ચીંધી અને ગુસ્સાથી બૂમ પાડી : ‘તને શે’રની શી ખબર? ગઈ છો કોઈ દી’ ત્યાં? ત્યાં તો લોકો આપણા જેવાના બોલેબોલની ઠેકડી ઉડાવે. આપણી વાત કોઈ સાંભળે નહિ. રાત પડતાં એક મીઠો બોલ કે’નાર પણ કોઈ ન મળે. એવી જગાએ પેટપૂરતું ખાવાનું મળે તોય શા કામનું? ત્યાં એવું કૂતરા જેવું જીવતર જીવવા કરતાં અહીં માનવીની પેઠે કમોતે મરવું સારું! હું એવા શે’રમાં કોઈ દી પગ નહિ મૂકું.

સ્રી માથું નીચું કરી પગના અંગૂઠા વડે ભોંય ખોતરી રહી હતી. પુરુષે સતત એની સામે જોયા કર્યું. એ કશુંય બોલતી ન જણાઈ ત્યારે એણે ફરી બારણા બહાર જોયું. એનું મોઢું પડી ગયું અને એના હોઠ ધ્રૂજવા લાગ્યા.

સંભળાય અને દેખાય અવો નિ:શ્વાસ મૂકતાં સ્રી ઊઠી. માટીના એક હાંડલામાંથી પિત્તળનો વાડકો ઊંચકી એણે પુરુષની પડખે મૂક્યો અને હેતભર્યું બોલી: ‘લ્યો, આટલું ખાઈને પાણી પી લ્યો!’

પુરુષે વાડકામાં જોયું. એની આંખો આશ્વર્યથી પહોળી થઈ. અર્ધો વેંત લાંબો અને બે આંગળ પહોળો એક તેલભીનો માંસનો કકડો વાડકામાં પડયો હતો!

‘ક્યાંથી લાવી?’

‘પાડોશણે આપ્યો.’

‘તું માગવા ગઈ’તી?’

‘ના, એ પોતાની મેળે જ આપી ગઈ.’

‘હેં?’ કહેતાં પુરુષના મોં પરથી ઓચિંતું નૂર ઊડી ગયું. માંસના ટૂકડા પર મંડાઈ રહેલી એની આંખો બેધ્યાન બની ગઈ. એણે હોઠ મરડયા. એના ભૂખમરાની એ ગામના બધા રહેવાસીઓને હવે ખબર પડી ગઈ હતી! એને કોઈ ને કોઈ હવે થોડું ખાવાનું મોકલતું રહેશે. અત્યાર સુધીના પોતાના જીવનમાં એણે ભૂખમરાના ઘણા દિવસ કાઢયા હતા પણ કોઈકનું દીધેલું ખાવાનો એનો જીવનમાં આ પહેલો જ પ્રસંગ હતો! એણે વાટકામાંના માંસના ટુકડા તરફ નીરખી નીરખીને જોયા કર્યું. એના જેવા જ કોઈ અર્ધભૂખ્યા માનવીએ મોકલેલો એ દયાનો ટુકડો હતો – ખેરાત હતી! એનો જીવ ઊકળી ઊઠયો. ગામલોકો એને હવે લાચાર અને તાકાત વિનાનો સમજવા લાગ્યા હતા! શું પોતે એટલો હેઠો પડયો હ તો? એણે વાડકાને હડસેલીને દૂર કર્યો અને બેઉ હાથ વચ્ચે માથું મૂકી એ ફાટેલા ગૂણપાટ પર ઊંધો સૂઈ ગયો.

સ્રી ઊઠીને હળવેકથીક એની પડખે બેઠી અને કહ્યું: ‘નાહકનો જીવ ન બાળો. આ તોહવે જીવ ટકાવવાની વાત છે, માટે ઊઠો ને આટલું ખાઈને પાણી પી લો.’

આટલું કહી સ્રીએ નીચા નમીને એના મેલા, વાંકડિયા વાળ પર વહાલથી હાથ ફેરવ્યો. સ્રીનો હાથ અડતાં જ પુરુષ ઝડપથી પડખું ફેરવી ગયો અને બોલ્યો: ‘ચાલ! દૂર ખસ! મને અડતી નહિ, કમજાત!’

સ્રી મોઢું મરડીને નછૂટકે પાછી હઠી અને બારણાને અઢેલીને ફરી બેઠી.

કશું ન બન્યાની થોડી ઘડીઓ વીતી.

ફરી એક વાર પવનનો ઝપાટો આવતો સંભળાયો. પુરુષે ઝડપથી ઊંચા થતાં, વાડકા પર પોતાનો હાથનો પંજો ઢાંકી દીધો. ધૂળનું ધસી આવેલું વાદળ ઝૂંપડાની જુદી જુદી વસ્તુઓ પર પથરાવા લાગ્યું. થોડી વારે અંદરનું વાતાવરણ સ્વચ્છ બન્યું ત્યારે એ પુરુષે માંસનો કકડો પોતાના મોઢામાં મૂક્યો અને ચાવવા લાગ્યો. સ્રીએ એને આંખને ખૂણેથી જોયો અને પાનીનો લોટો ઊંચકીને એની બાજુમાં મૂક્યો.

માંસનો કકડો ગળી જઈ, પાણી પી પુરુષે પીઠ ફેરવીને ઊભેલી સ્રી તરફ નજર ફેરવી. કેવી અગ્નિશિખા સરખી પાતળી અને વળાંક ભર્યાં અંગોવાળી હતી એ? એના કાન પાછળ વાંકી વળેલી એના વાળની લટો એની ગરદનને ચૂમી રહી હતી. સૂકો, નમણો ચહેરો, ઝીણું નાક, બેઉ પડખે પાણીના રેલા જેવા વહેતા એના હાથ! એ સ્રીના દેહમાં કેટકેટલું સુખ ભર્યું હતું?

ઝૂંપડામાં શાંતિ છવાઈ હતી. સ્રીની ડોક પર થંભી ગયેલી પુરુષની નજર ત્યાંથી ઊતરીને એના આખા દેહ પર ફરી વળી. શિકારીની અદાથી એ સંભાળપૂર્વક ઊભો થયો અને હળવેથી એક ડગલું આગળ વધ્યો.

ઉંબરામાં સ્થિર ઊભેલી સ્રી પાછા સરતાં એણે ઓચિંતી ઝડપથી એના બેઉ ખભા પકડયા. સ્રી સહેજ ચમકી પણ કશું બોલી નહિ. એનો આખો દેહ હચમચી ઊઠયો. સ્રીની સુન્દર, નાજુક ગરદન, આટલી નજીક જોઈ પુરુષે ઊંડો શ્વાસ લઈ મોઢું ખોલ્યું અને ઝડપથી પોતાનું માથું નમાવી એણે સ્રીની ગરદનમાં બટકું ભર્યું.

‘વોય!’ કહી બૂમ પાડતી અને ફાંસામાં સપડાયેલું કોઈ જાનવર છૂટું થવા પ્રયત્ન કરે એ રીતે એણે પુરુષથી અળગી થવા બળ કર્યું.

પુરુષે પોતાના પંજાથી એના ખભા પર થોડુંક વધારે જોર દઈ, છેક જ નજીક ખેંચી, એને પોતાની છાતી સાથે ચાંપી. થોડીક વાર એને એમ ને એમ પકડી રાખિ પછી જતી કરી. એક બેહૂદું હાસ્ય એના મોઢા પર ફરી વળ્યું.

સ્રી તરત જ દૂર હટી ગઈ. કંઈક આશ્ચર્યથિ અને કંઈક મીઠા રોષથી એણે પુરુષ તરપ જોયું. પછી પોતાનો કમખો થોડો હેઠો કરી, પુરુષે જ્યાં બટકું ભર્યું હતું એ તરફ પોતાની ગરદન ફેરવી વાંકી આંખે જોયું.

‘હાય! હાય! કેવું બટકું ભરી લીધું? કેવા નઠોર છો તમે?’ કહી આખા દેહને એક ગજબના લટકાથિ વળ દેતી, આંખો નચાવી એ વધારે દૂર હટી અને પુરુષ સામે સૂચક હસતી ઊભી.

એ હાસ્યના આમંત્રણે પુરુષને પરવશ બનાવ્યો. એણે એક કૂદકો મારી એને ફરી પકડી. ‘જવા દો, જવા દો,’ કહેતી, કિલકિલ હસતી એ સહેલાઈથી એના હાથમાં સરી પડી.

એણે એને બન્ને બાહુઓથી ભેગી કરી પોતાની છાતીમાં સમાવી. અવાક બનીજ એ એકીટશે એની આંખોમાં જોતી રહી. એના ભિના, ઊના શાવસોચ્છ્વાસ પુરુષના ગાલ પર અથડાયા ત્યારે એ વધારે ઉશ્કેરાયો. પોતાની છાતી સાથે જકડાયેલી સ્રી પર એણે બન્ને બાહુઓ વધારે જોરથી ભીંસ્યા. એ બળના અતિરેકની સ્પષ્ટ રેખાઓ એના ચહેરા પર ઊપસી આવી. એના બાહુઓની ભીંસથી કચડાતી સ્રી ‘ઓહ! ઓહ!’ ના સિત્કાર બોલી ગઈ. એણે વધારે બળ અજમાવ્યું અને એનો ચહેરો ભયંકર રીતે વિકરાળ દેખાયો.

ત્યાં તો ઓચિંતાના એના બાહુઓ કંપવા લાગ્યા. એ સ્રી પરની પકડ એણે ઢીલી થતી અનુભવી. એનું ગળું રૂંધાયું, આંખે અંધારાં વળ્યાં અને શ્વાસ ભરાઈ આવતાં એની છાતી હાંફવા લાગી. પુરુષને બીક લાગી કે બે ઘડી આવી ને આવી વીતશે તો આ સ્રી એના હાથમાંથી હેઠી પડશે. એ ખ્યાલ આવતાં જ તેણે એક જબ્બર પ્રયત્ન કરી પોતાના બાહુઓને સ્થિર કરવા બળ કર્યું. પણ તેમ કરવા જતાં એ કંપ એના આખા શરીરે ફરી વળ્યો અને એના પગ ધ્રૂજવા લાગ્યા. એની આંખ આડે મેઘલી રાત જેવાં અંધારાં ફરી વળ્યાં.

એ સ્રી એના હાથમાંથીક સરતી, ઢગલો થઈને જમીન પર ઢળી પડી!

પડતાં બચવા પુરુષે ઉતાવળે બારણાનો ટેકો લીધો. હાથમ પર માથું ઢાળી એણે હાંફ્યા કર્યું. એનાં અંગેઅંગ કાંપતાં રહ્યાં. થોડી વારે એની આંખ આડેથી અંધારાં ખસ્યાં ત્યારે એણૈ પહેલી નજર સ્રી તરફ ફેરવી. એ ઢગલો થઈને પડી હતી. ત્યાં, એ જ સ્થિતિમાં પડી રહેતાં તિરસ્કારથી એકધારી પુરુષ સામે જોઈ રહી હતી. એ નજરનાં તીર એના કાળજાની આરપાર નીકળી ગયાં. પુરુષે પોતાની સર્વ શક્તિ છિન્નવિચ્છિન્ન થતી અનુભવી.

અત્યાર સુધી કાબૂમાં રહેલો પુરુષનો મિજાજ ઓચિંતાનો બેકાબૂ બન્યો. એણે બારણાને પકડી એને જોરથિ ભીંત સાથે અફાળ્યું અને બીજે બારણે ટેકો દઈ ઊભો. એને વધારે હાંફ ચડવા લાગી ત્યારે પાણીના લોટાને લાત મારી એને ઝૂંપડા બહાર ફેંક્યો. અને તોય એ સ્રી પડી હતી એ જ સ્થિતિમાં પડી રહેતાં, બેરહમ બની પોતાની નજરનાં કાતિલ તીર પુરુષના કાળજા પર છોડી રહી હતી. એણે બન્ને બારણાંને પકડી એકબીજા સાથે જોરથી અફાળ્યાં.

પુરુષે બળ કરી, આંખો મીંચી નીચલા હોઠને દાંત વચ્ચે કચડયો, આંગળીઓના નખ હથેલીઓમાં ખૂંચે એવા જોરથી એણે મુઠ્ઠીઓ વાળી. પોતાની જાત પરનો સરી જતો કાબૂ પાછો મેળવવા એણે છેલ્લો ભગીરથ પ્રયત્ન કર્યોં.

રણનાં મેદાનો પર બેફામ ભ્રમણ કરતા માતરિશ્વાએ ચારે દિશાઓ આડા ધૂળના પડદા ઢાળી દીધા હતા. બળવાન પવનનો એક ઝપાટો ટેકરીને પડખે અથડાયો અને કોઈક બે ખડક વચ્ચેથી ઘુઘવાટ કરતું પસાર થતું સંભળાયું.

એના બે દાંત વચ્ચે દબાયેલા હોઠમાંથી નીકળતા લોહીનાં ચાર-છ ટીપાંનો રેલો પુરુષની હડપચી પર થીજી ગયેલો દેખાયો. વેરવિખેર કરી નાખે એવો અંગોનો પરિકંપ અને એની અસહ્ય, બેચેન વ્યથાના અનુભવની કેટલીય ઘડીઓ પસાર થઈ ગઈ ત્યારે આખરે એના શ્વાસોચ્છ્વાસ હળવા ચાલવા લાગ્યા અને તંગ બનેલ સ્નાયુઓ શિથિલક થતાં એનો કંપ ઓછો થયો.

એક ઊંડો શ્વાસ છાતીમાં ભરી એ ટટ્ટાર થયો. ગરદન પાછળ હાથ મૂકી, બન્ને પગ પહોળા કરી એ થોડી વાર સ્થિર થઈ ઊભો. વેરવિખેર કપડાંવાળી, મોહિની જેવી એ સ્રી હજીયે ઢગલો થઈ જમીન પર પડી હતી અને હજી યે એની મોટી, ભૂરી આંખો એવી જ વેધક મીટ માંડી રહી હતી. પુરુષે મોઢું મરડયું અને ફરી બેકાબૂ બનવા જતા પોતાના મિજાજ પર એણે જુલમ ગુજાર્યો. આ ભૂખમરા પછી પણ એ કમજાત ઓરતની આંખમાં એની જુવાની ભડકે બળતી હતી! આ સ્રી માટે એના હૃદયમાં એક ભયંકર, તિરસ્કૃત અણગમો જન્મ્યો. એ વિકૃત ભાવને કારણે એનું મોઢું વિચિત્ર રીતે મરડાયું. એના સારાયે દેહના સ્નાયુઓ ફરી તંગ બન્યા. એણે ઓચિંતાનો એક પગ ઊંચક્યો અને સ્રીના વાંસામાં જોરથી લાત મારી: ‘નફ્ફટ! શેતાન! બેઈમાન!’

‘વોય!’ સ્રીએ વેદનાની ઊંડી ચીસ પાડી. ઉતાવળે પડખું ફેરવી ઝૂંપડાના ખૂણામાં ટૂંટિયું વાળી પડી રહેતાં એ જોરથી રડવા લાગી.

પુરુષના મોઢા પર સંતોષની લાગણી ફરી વળી.

ઝૂંપડાંના અંધારાં-અજવાળામાં લાલ માટી હવા બનીને ઊડી રહી હતી. કેટલીય ઘડીઓ વીતી તોય એ સ્રીનું રુદન અટક્યું નહોતું. એ વીફરેલો પુરુષ પણ હજી શાંત બની ફાટેલા ગૂણપાટ પર આડો થઈ પડયો નહોતો. ત્યાં ઝૂંપડા બહાર એક બૂમ સંભળાઈ: ‘અમ્મા! ઓ અમ્મા! એક રોટીનો ટુકડો આપ! અનાજનો એક કોળિયો ને પાણીનો એક લોટો – ઓ અમ્મા!’

કોઈ ફકીર ઓટલા આગળ ભીખ માગી રહ્યો હતો. વચ્ચે વચ્ચે અટકતો એનો અવાજ બેસી ગયેલો સંભળાતો હતો.

‘અરે ઓ અમ્માવાળી!’ પુરુષે ઝૂંપડાની અંદરથી જ રાડ પાડી: ‘ખરે બપોરે રાડો પાડીને શા માટે હેરાન કરે છે? ચાલ, આગળ ચાલવા માંડ!’

‘એક નાનો રોટીનો ટુકડો આપ, બચ્ચા! ગરીબનવાઝ તને ઘણું આપશે.’ પેલી સ્રી ઝૂંપડામાં રડતી બંધ પડી.

‘ઘરમાં ન હોય તો ચોરી કરીને આપું તને? બીજાના પસીનાનો રોટલો ખાઈ પેટ ભરતાં શરમાતો નથી?’ કહેતો પુરુષ ઉંબરા પર આવી ઊભો.

‘શરમાઉં છું, બેટા!’ ફકીર ઓટલાનું ઓઠિંગણ લેતાં લેતાં બોલ્યો: ‘પણ ખુદાતાલાએ મને લાચાર બનાવ્યો છે. આ જો!’ કહી લચી પડેલી ચામડીવાળા ઝીણા હાથ એણે ઊંચા કર્યા. હાથની આંગળીઓ અવિરત ગતિમાં ઊંચીનીચી થયા કરતી હતી. સાંકળ સરખી એની ઝીણી ડોક પર એનું ખોપરી જેવું દેખાતું નાનું માથું પણ ડોલ્યા કરતું હતું.

‘લાચાર હો તો મરી જા! દુનિયાને શું કામનો છે તું હવે?’

‘ખુદા મોત પણ નથી મોકલતા!’

‘અને તું કોઈનાં જમણ ઓછાં કરતો ફર્યા કરે છે – એમ ને? બસ, ઘણું થયું, આગળ ચાલવા માંડ!’ કહી પુરુષે બારણાને ધક્કો માર્યો અને ધમકીનો હાથ ફકીર તરફ લંબાવ્યો.

‘ઓ બાબા!’ ફકીરે પોતાનો દોરડી જેવો હાથ લાંબો કરી આજીજી ગુજારી: ‘ફકીરને જાકારો ન દે! ચાર ગાઉ પગે ચાલીને આવ્યો છું. સામે ઝૂંપડે પહોંચવાની પણ હવે પગમાં તાકાત નથી રહી. એક ટુકડો આપીશ તો એના જોરે હું આગળ ચાલ્યો જઈશ.’

ઉશ્કેરાઈને પુરુષ ઉબરા પરથી ઓટલે ધસી આવ્યો અને કહ્યું: ‘એક હર્ફ વધારે બોલ્યો છો તો ધક્કો મારી દૂર કરશ!’

પેલી સ્રી બેઠી થઈને ઉંબરે આવી ઊભી.

‘બાબા! મિસ્કીન પર ખોફ કરવો દુરસ્ત નથી.’ કહી ફકીરે પોતાના બેઉ હાથ ઊંચા કર્યા, અને એમ કરતાં એનો દેહ લથડિયું ખાઈ ગયો.

ઉંબરા પરથી આંખો વિકાસીને જોઈ રહેલી પેલી સ્રીને આ ફકીર જીવનને છેડે પહોંચેલા આદમી જેવો દેખાયો – જાણે એક જીવતું મૈયત! રોટલીનો એક ટુકડો પણ ઘરમાં હોત તો એને જરૂર આપત અને એની દુઆ પોતે લેત એવું સ્રીએ મનમાં વિચાર્યું.

‘તું એમ નહિ જાય. ઊભો રહે, હરામજાદા!’ કહી પુરુષ ડાંગ ઊંચકીને ઓટલા પર એક ડગલું આગળ વધવા જતો હતો ત્યાં સ્રીએ એનો હાથ પકડીને રોક્યો.

‘રહેવા દો ને, ઘરડો છે બિચારો. બૂમો મારીને થાકશે એટલે આપ મેળે જતો રહેશે.’

‘અમ્મા! પગમાં તાકાત હોત તો પહેલે જાકારે જ ચાલ્યો ગયો હોત. હવે તો મોતને સાથે લઈને ભમું છું તો ભલે મારી કબર જ અહીં થાય.’

‘એમ કે?’ પુરુષ બરાડયો. સ્રીએ ડાંગ પકડી રહેલા એના હાથને થથરતો જોયો અને એ ચમકી. ભીંસેલા દાંતવાળું પુરુષનું મોઢું ભયજનક ભાસ્યું: ‘તો થોભ, હમણાં જ તારી કબર કરું છું.’

એણે જોરથિ ડાંગ ફેરવી. એ ડાંગ ફકીરના માથા પર ઊતરી હોત પણ ‘ના, ના! તમને મારા સમ છે!’ કહી એ સ્રી એના હાથને વળગી પડી. નેમ ચૂકેલી ડાંગ ઓટલાની ધાર પર અફળાઈ અને ત્યાંથી એક માટીના ઢેફાને છૂટું કરતી ગઈ.

માનવીનું વિકૃત મન કેવી ભયંકર ઘટનાઓ સર્જી શકે છે એથિ તદ્દન અજ્ઞાત એ ફકીર ઔટલાને ખૂણે ઘૂંટણથી અઢેલીને ઊભો હતો. ફિક્કી કીકીઓવાળી, ધૂળે ભરેલી અને સૂઝેલી એની આંખોમાં નરી મૂઢતા ભરી હતી. એણે પોતાની અર્ધી જિંદગી પશુની પેઠે ખોરાકની શોધમાં ભટકતાં વીતાવી હતી. પરિણામે એણે ઘણાં માનવલક્ષણો ગુમાવ્યાં હતાં. નેમ ચૂકેલો ડાંગનો જીવલેણ ફટકો અને આ લોહીતરસ્યો પુરુષ એનામાં ભયની લાગણી જન્માવી શક્યાં નહિ.

‘હવે છેલ્લી વાર કહું છું કે અહીંથિ ચાલ્યો જા!’ સ્રીને બીજે હાથે અળગ કરવાનો યત્ન કરતાં પુરુષ બરાડયો.

જોરથી પુરુષના હાથને વળગી રહેતાં અને એને ઝૂંપડાની અંદરના ભાગ તરફ ખેંચી જવાનો યત્ન કરતાં સ્રી ફકીરને સંબોધી બોલી: ‘ખુદાને ખાતર ચાલ્યો જા, ભાઈ!’

પણ ફકીર ત્યાંથી ખસ્યો નહિ પણ ભૂખ્યા કૂતરાની પેઠે એણે બેઉ સામે ટગર ટગર જોયા કર્યું.

‘આ….આ….હરામજાદો….’કહેતાં પુરુષે અત્યંત ક્રોધમાં આવી સ્રીના હાથ પર મુક્કો મારી એને અળગી કરી અને પછી એના સાથળ પર એક લાત લગાવી એને ઉંબરા પરથી ઝૂંપડામાં ફેંકી.

‘અરે! ઊભા રહો!’ કહેતી ત્વરાથિ ઊઠતી સ્રી પુરુષને રોકે એ પહેલાં તો પુરુષે જોરથી ડાંગ હુલાવી ફકીરની છાતીમાં ભાલાની પેઠે મારી.

‘યા અલ્લાહ!’ કરતો એ બુઢ્ઢો, દૂબળો ફકીર ઓટલા પાસેની ધૂળવાળી જમીન પર અફળાયો. ધૂળનું એક નાનું વાદળ જમીન પર ઊડયું અને ચોમેર વિખરાયું. રાંઢવા જેવી ફકીરની ઝીણી ડોક પર એના માથાએ વળ ખાધો. એના પગ ઘૂંટણમાંથી જરા ઊંચા થયા અને પછી જોરથી લાંબા ફેંકાઈ ગયા. બધાય સ્નાયુઓ આંચકીથી ખેંચાયા અને એનું શરીર કઢંગી રીતે મરડાયું. બીજી જ ઘડીએ એનું માથું ઢળી પડયું અને આંખો ખુલ્લી રહી ગઈ.

‘અરે! તમે આ શું કર્યું?’કહેતી સ્રી એક કૂદકે ઓટલો ઊતરી એ ફકીરના મૃતદેહ પર નીચી નમી. એણે ફકીરની છાતીએ હાથ મૂક્યો અને માથું હલાવી જોયું. પછી પોતાનું માથું ઊંચું કરી પુરુષ સામે ફાટી આંખે જોતાં કહ્યું: ‘તમે આનો જીવ લીધો!’

સ્રીનું રુદન સાંભળી દૂરનાં ઝૂંપડાંમાંથી લોકો બહાર નીકળ્યા અને એ ઝૂંપડા તરફ આવવા લાગ્યા.

ક્રોધથી કંપતા પુરુષના હાથમાંથી ડાંગ સરી જઈ ઓટલે પડી. એના અંગના સ્નાયુઓને તાંતણે તાંતણે એણે ખેંચતાણ થતી અનુભવી અને એ બેચેનીના સભાન અનુભવથી એનું ગળું રૂંધાયું. એણે બેબાકળી આંખે ચોમેર જોયું.

ઉપરાઉપરી પવનના બેત્રણ ઝપાટા આવ્યા અને હુંકાર કરી પસાર થઈ ગયા. એમની પાછળ ધૂળનું એક મોટું વાદળ આસમાનમાં ઊંચે ચડતું દેખાયું. આંખ આડા હાથ દઈ, વાંકો વળી એ ધ્રૂજતો ઊભો. ધૂળનું વાદળ વિખરાતાં એણે જોયું તો કુદરતે જાણે એ ફકીરના મૃતદેહ પર લાલ કફન ઓઢાડયું હોય એવી લાલ માટી એના શરીર ઉપર બધે જ છવાઈ ગઈ હતી!

પુરુષે આંખોને વધારે ઝીણી કરી અને હાથની મુઠ્ઠીઓને વધારે જોરથી વાળી એણે દાંત કચકચાવ્યા. ફકીરના શબની પડખે બેસીને રુદન કરતી પેલી સ્રીને જોઈ એને આકે શરીરે બેચેનીનો ભયંકર કંપ ફરી વળ્યો.

કંઈનું કંઈ કરી નાખવા એ ફરી ઉશ્કેરાયો. ઓટલે પડેલી ડાંગને ઊંચકવા એ નીચો વળ્યો ત્યાં તો પોતાના ઝૂંપડા નજીક આવી પહોંચેલા લોકોના ટોળા તરફ એની નજર ગઈ. એ તરત જ પાછો ટટ્ટાર થઈ ગયો.

એણે જોયું તો બધાંની આંખ એના પર જ મંડાઈ હતી. પાસે આવીને એ સૌ સ્રીપુરુષને અને ફકીરના મૈયતને ઘેરીને ઊભાં.

‘શું થયું?’ બેચાર જણે એકીસાથે પૂછયું.

ત્યાં આવી પહોંચેલી બે સ્રીઓએ રુદન કરતી પેલી સ્રીના હાથ પકડી એને ઊભી કરી.

પુરુષે મોટેથી કઢંગી રીતે બોલવાનું શરૂ કર્યું: મેં એને કેટલીયે વાર કહ્યું કે અમારી પાસે કંઈ જ ખાવાનું નથી તોય એ ખસ્યો નહિ. અમે પોતે ત્રણ દી’નાં ભૂખ્યાં છીએ તે એને ક્યાંથી આપીએ?’ એનો અવાજ ધ્રૂજતો હતો અને શબ્દો અટકતા હતા.

ટોળામાંના એકે કહ્યું: ‘એને મારી પાસે મોકલવો હતો ને? હું એને કંઈ આપત! પણ એ મૂવો કેમ કરતાં?’

‘બધા મરે છે એમ.’ પૂછનાર તરફ વક્ર દૃષ્ટિ ફેરવી એણે કહ્યું: ‘પગે સોજા હતા ને આવી લૂમાં ચાર ગાઉ ચાલીને આવ્યો હતો. મારી પાસે ખાવાનું માગ્યું મેં ના કહી તોયે કેમ કર્યો સમજે નહિ!’

‘પછી?’ એકે પૂછયું.

‘પછી – પછી – શું પૂછો છો? મેં ઓછો જ એને મારી નાખ્યો!’ પુરુષે એ પ્રશ્ન પૂછનાર તરફ ધ્રૂજતો હાથ લાંબો કર્યો અને રાડ પાડી: ‘મારે ઓટલેથી દૂર કરવા મેં એને જરા જેટલો ધક્કો માર્યો કે એ તરત જ બેભાન થઈને હેઠો પડયો ને મરી ગયો –એમાં હું શું કરું?’

બધી આંખો એના પર મંડાઈ રહી. એ બધી જ આંખો ગમગીન હતી. ભયંકર શાંતિ છવાઈ રહી હતી!

કોઈ કંઈ બોલતું જણાયું નહિ એટલે પુરુષે ટોળા પરથી પોતાની નજર ઊંચકી ચોમેર જોયું. ન સહેવાતી બેચેનીને શમાવવા એણે એક ઊંડો શ્વાસ ભરી છાતી પહોળી કરી. એની નજર અંતે ફરતી ફરતી પોતાની સ્રી પર પહોંચી. માથું નીચું કરી એ હજી ડૂસક્યા કરતી હતી. એના દરેક ડૂસકા સાથે એના દેહનું માળખું હાલી ઊઠતું હતું.

કોણ જાણે કેમ પણ એ પુરુષનો આત્મા અત્યંત દુભાઈ ગયો અને એનો ચહેરો એકદમ પડી ગયો. હળવા શ્વાસ ભરતં એણે દયામણી નજરે ટોળા તરફ જોયું અને ફરી એક વાર અનંત ધરતી પર પોતાની દૃષ્ટિને ભ્રમણ કરવા મોકલી આપી.

એ પછી કોઈએ એને વધારે પ્રશ્નો પૂછયા નહિ. એકબીજા સાથે વાતો કરા લોકોની વાતમાં કે એમની પ્રવૃત્તિમાં એ પુરુષને રસ નહોતો. બેધ્યાન અને અસ્વસ્થ ભાવે એણે દૂર દૂર જોયા કર્યું.

પાંચ-છ પુરુષો વાતો કરતા દૂરનાં ઝૂંપડાંઓ તરફ જતા દેખાયા. બાકીના કેટલાક ઝૂંપડાની ઓથે અને કેટલાક ઓટલા આગળ બીડી ફૂંકતા વાતો કરતા બેઠા. એમાંના કોઈએ આ પુરુષ સાથે વાતો કરવાનો પ્રસંગ શોધ્યો નહિ, કોઈએ એની હાજરી તરફ લક્ષ આપ્યું નહિ. સામેને ઝુંપડે ગયેલા માણસો એક ખાલી જનાજો ઊંચકી આવ્યા ત્યારે ત્યાં બેઠેલા બધા એકીસાથે ઊઠયા. જનાજામાં તેમણે ફકીરના શબને સુવડાવ્યું, એના પર કફન ઢાંક્યું અને બધાએ એનો જનાજો કાઢયો. પેલો પુરુષ પણ એમની સાથે ચાલ્યો.

વાવની બાજુમાં એક નાનકડા ઝાડના છાંયડા નીચે એને દફનાવી, લોકોએ ત્યાં કબરના આકારના નાના નાના પથરાઓ ગોઠવ્યા. પછી ગમગીન ચહેરે સૌ પોતપોતાને ઝંપડે પાછા ફર્યા.

પુરુષ પણ પોતાના ઝૂંપડા તરફ વળ્યો.

પશ્ચિમની ક્ષિતિજ પર પ્રકાશ ગુમાવતો સૂર્ય ધૂળની મેલી આંધીમાં અદૃશ્ય થતો દેખાયો. એક બુલબુલ ક્યાંકથી ઊડી આવી ઝૂંપડાની ટોચ પર બેઠું અને ગાનમાં લીન થયું. જમણી તરફના રણવિસ્તાર પર હજી ઝંઝાવાતી વાયરા વાતા હતા. આકાશ હેઠું ઊતરી આવ્યું ભાસતું હતું અને ચુપકીદી વધારે ઘેરી બની હતી. અંધારાં ઊતરી આવવાની તૈયારી હતી.

પોતના ઝૂંપડા નજીક આવી પહોંચતાં પુરુષે સ્રીને ઉંબરા પર ઊભેલી જોઈ. આઘાત લાગ્યો હોય એમ એ ઓચિંતાનો આગળ વધતો અટકી ગયો. સ્રી એકધારું એની સામે જોઈ રહી હતી. એણે પોતાના દેહને સંકોચ્યો, માથું ઢાળી દીધું અને ભારે પગ આગળ ભરતો એ ધીમી ગતિએ આગળ વધ્યો. ઓટલો ચડતાં એનું મન ઊંડું પેસી ગયું! બારણા આગળ સ્રીની છેક બાજુમાંથી પસાર થતાં એ અંદર પેઠો, સ્રી પણ તરત જ એની પાછળ ઝૂંપડાના અંધારામાં દાખલ થઈ.

ચોમેર રાત્રીનાં ઘોર અંધારાં છાઈ ગયાં. દિવસ કરતાં વધારે તોફાની પવન વાવો શરૂ થયો. બંધ બારણાં ક્યારેક હચમચી ઊઠતાં. કોઈક બળવાન ઝાપટાનો તમાચો ખાઈને ક્યારેક એ ઝૂંપડાની છત ચીંચાટ કરવા માંડતી.

મોડી રાતે, ઘનઘોર અંધારાં વચ્ચે, ઝૂંપડામાંથી બહાર આવતું એક રુદન પવનના એક ઝાપટા પર સવાર બની ઊડવા લાગ્યું. બેફામ થઈ દોડતો એ પવનનો સુસવાટો ટેકરીને પડખે અથડાયો અને એના ઢોળાવ પર પેલું રુદન વેરાઈ ગયું!

[‘નવચેતન’ નવેમ્બર ૧૯૫૫]

License

ખરા બપોર Copyright © by જયંત ખત્રી. All Rights Reserved.