૮. ખલાસ

મને તે દહાડે ખબર પડી કે મને ઊંઘ નહોતી આવતી એ બીજાઓ માટે ચિંતાનો વિષય હતો.

એ લોકોએ મારી તરફ સૂચક દૃષ્ટિઓ ફેંકી, આંગળીઓ ચીંધી, અંદરોઅંદર વાતો કરી – પછી જતા રહ્યા…. એ લોકો એટલે કે મા, મામા, શોભા અને બદરિપ્રસાદ. બદરિપ્રસાદ આમરા પડોશી અને શોભા, તો….જતાં જતાં મારી તરફ થોડું હસતી ગઈ.

બધાં જતાં રહ્યાં.

મા રાંધણિયામાં અને હું ઓરડીમાં.

અમારી વચ્ચે મૌનનો ઉંબરો!

એ અમસ્તું જ કશુંક ઉપાડમેલ કરી રહી અનેહું મારી ઓરડીમાં આંટા મારતો અમસ્તો જ એની તરફ જોઈ રહ્યો.

આમ કેટલીક પળો વીતી….કેટલીક પળો ઉંબરાની પેલી બાજુ રાંધણિયામાં, કેટલીક આ બાજુ મારી ઓરડીમાં –ઉંબરાની અડોઅડ ઊભી રહી ગઈ.

અંતે મા અંદર આવી.

એની સાથે સમયના નવાજૂના ટુકડાઓ વહેતા આવ્યા.

“મોટા, તને ઊંઘ નથી આવતી?”

મને ઘેરી વળતા સમયના ટુકડાઓને મેં હાથ ઊંચા કરીને દૂર કર્યા.

“ના.”

મને આ પ્રશ્નમાં રસ નહોતો. મારી ‘ના’ ઉતાવળી અને અવિચારી હતી.

તોય સભ્યતાની ખાતર હું હસ્યો અને હસતાં બાઘા જેવો દેખાયો હોઈશ એ માને નહિ ગમ્યું હોય. એ ડોળા તાણી મારી સામે જોઈ રહી.

મને થયું કે મારા સ્મિતમાં કશીક ઊણપ હોવી જોઈએ. તેથી પીઠ ફેરવી મેં અરીસામાં જોયું. સ્મિતને ઠીકઠાક કરી ચહેરા પર સરખું ગોઠવ્યું, અને મા તરફ ફર્યો.

મારું સ્મિત ઉંબરા પર ઠોકરાઈ પાછું ફર્યું. ઉંબરા આગળ એકઠી થયેલી સમયની કેટલીક પળો નાસભાગ કરતી દેખાઈ.

માં રાંધણિયામાં જતી રહી હતી. અહીંથી દેખાતી નહોતી. બરણીઓવાળા ઘોડાને પડખે નાનકડા બિછાના પર સૂઈ રહી હશે.

સારું થયું.

મેં ઓરડીનું બારણું બંધ કર્યું….આ વખતે અરીસામાં જોઈ ખરેખરું હસ્યો અનેકાનેક પળોને કપડાં પરથી ખંખેરીને દૂર કરી અને…..અને રોજિંદા ક્રમ પ્રમાણે ઊંધ્યો નહિ.

સવારે ઊઠયો – ઊંઘમાંથી નહિ, બિછાનામાંથી. નાહી ચા પી બહાર જવાની તૈયારી કરતો હતો….અને મા ડોળા તાણીને જોઈ પણ રહી હતી….ત્યાં એક કબૂતર મારા ઓરડાની બારી વાટે અંદર ઘૂસી રાંધણિયાની અભરાઈ પર બેસવા જતું હતું તેને માએ નૅપ્કિનની ઝાપટ મારીને ઉડાડયું.

હું ખી – ખી હસી પડયો.

પછી યાદ આવ્યું કે મારું આવું વર્તન માને નહિ ગમે એટલે ઉતાવળે દાદર ઊતરી ગયો.

સંપૂર્ણ ઊતરી રહ્યો એટલે ઉપરનીચે નીરખીને જોયું. ના, હવે એકે પગથિયું ઊતરવું બાકી નહોતું. ફૂટપાથને એક વાર પગથી ઘસીને ચકાસીક જોઈ, પછી હું ફરવા ઊપડયો.

હું આમ રોજ ફર્યા કરું છું. હું ફરતો ન હોઉં ત્યારે જમતો હોઉં છું….જમતો ન હોઉં ત્યારે કશું વાંચતો હોઉં છું…અને, એમ કે….ફરતો, જમતો, વાંચતો….અમથો…કામમાં ન હોઉં ત્યારે….

બસ, આ જ મોટી મુસીબત છે!

હું કશીક ભેળસેળ કરું છું. એમ બધાંને લાગ્યા કરે છે…અને હું બહુ જ ઉતાવળે, બહુ જ આગે દોડી ગયો છું એમ મને લાગ્યા કરે છે!

બપોરે જમવા બેઠો.

માએ ચાળણી જેવી કાણાંવાળી રોટલીઓ પીરસી. પ્યાલામાં દાળનું પ્રવાહી ગોળ ગોળ ફરતું હતું.

કાણાંવાળી રોટલીનું બટકું હજી તો મારા મોઢામાં હતું.

“મા!”

“કેમ?”

“પેલું તેં ઝાપટ મારીને ઉડાડેલું કબૂતર ફરી પાછું ન આવ્યું?”

“તું કેવા પ્રશ્નો પૂછે છે?”

“કેવા મા?”

“તને કોઈ જાતની ગમ નથી, તને કશુંક થઈ ગયું છે.”

“કોણ એવું કહે છે?”

“બધાં જ.”

“શોભા પણ?”

“હા, એ પણ!”

એમ ત્યારે શોભાડી પણ બીજાઓ જેવી જ છે!

હું હાથમોં ધોઈ ઊભો થઈ ગયો. અમસ્તી જ પાણીની બાલદી ઉપાડી, મા મારી સામે એકનજર જોઈ રહી. હસવા જતા હોઠને મેં માંડ માંડ રોક્યા. પછી બીજું કંઈ ન સૂઝતાં એ હળવેકથી બાલદી જમીન પર મૂકવા જતી હતી…. એ અરસામાં ઉંબરો ઓળંગી હું મારી ઓરડીમાં પહોંચી ગયો હતો.

હરહંમેશનો એનો એ જ ઓરડો! મેલો, જૂના ફર્નિચરનો ભંગાર, બારી આગળનો ખાટલો….અને ભિતરનો એ જ ઉકળાટ!

ઓરડાનાં બારણાં બંધ કરું એટલે પ્રકાશનાં લાલલીલાં ટપકાં આંખમાંથી બહાર કૂદવા માંડે…. ઘડીભર કશું ભાન ન રહે. બધું ટપકાંમય, પ્રકાશમય, રંગમય બની જાય!

ટપકાંઓનાં ટોળાં ઊભરાય – નાચેકૂદે, એકબીજાં સામે અથડાય….કોલાહલ જામી રહે….પછી એ ગતિમાં વ્યવસ્થા દાખલ થાય…. ટપકાંની હરોળ બંધાય. એ હરોળ બારીબહાર લંબાતી, રસ્તો ઓળંગી, સામેના મકાનને અડીને ઊંચે ચડતી અડધી રાતના આભમાં આકશગંગામાં મળી જાય… ત્યારે મારી આંખમાંથી બધા જ તેજકણો….પ્રકાશનો સમગ્ર સમૂહ વહી ગયો હોય….મારી આંખ ખાલી હોય…. અને ઊંઘ વિનાની હોય!

રાત્રી બસ આમ જ વીતે —

– જ્રઋદઢઋજ્રદ્ધઞઋદ્વ ઞજાઋજ્રદ્વઠ્ઠઋહ્મહઋન્…

મને ઊંઘ નથી આવતી.

કશુંક બની રહ્યું છે?

મને ઊંઘ નથી જ – નથી જ — નથી જ આવતી!

કશુંક ભયંકર બની રહ્યું છે?

ચિંતા એનું કારણ હશે એમ બધાં જ કહે છે – હવે તો મારી હાજરીમાં હું સાંભળું તેમ, હું સાંભળું એટલા માટે કહેતાં હોય છે?

….અને સાદી સમજની વાત કહે છે કે ઊંઘ સ્વાભાવિક, અનિદ્રા અસ્વાભાવિક!

અર્થ એ કે હું અસ્વાભાવિક, અસાધારણ, બહુ નહિ, સાધારણ. સાધારણ અસાધારણ. મૂળમાં સાધારણ પણ ઢબ અસાધારણ. એટલે કે સામાન્ય રીતે સાધારણ હોવા છતાં છેવટે અસાધારણ, એટલે કે કંઈક….

બસ થઈ રહ્યું!

મા અને મામા આખરે મને એક ડૉક્ટર પાસે લઈ ગયા. મને એમ કે દવા ગોળીઓ, ઈન્જેક્ષન વગેરે આપશે. પણ એણે એવું કંઈ કર્યું નહિ. મા અને મામાને મારા વિષે થોડા પ્રશ્નો પૂછી એ મને એક અલગ ઓરડામાં લઈ ગયો. એક સુંવાળા કૉટ પર સુવડાવી પૂછપરછ શરૂ કરી – માત્ર પૂછપરછ!

હું હવે એકાંતરે એ ડૉક્ટર પાસે જાઉં છું. એ મારી સામે બેસે છે – ખુરશી પર અઢેલીને બેસે છે અને ગંદા પ્રશ્નો પૂછે છે! આવા પ્રશ્નો પૂછતાં એને મજા આવતી હોય એવું મને લાગે છે. એના ફિક્કા હોઠ પાછળના ચાકની કટકીઓ જેવા સફેદ નિસ્તેજ દાંતવાળું સ્મિત એ હંમેશ મારી સામે રજૂ કરતો હોય છે. રીમલેસ ચશ્માં પાછળના બિલોરી કાચના એના ડોળા મારી સામે મંડાયેલા રહે છે. બહુ બહુ અંગત પ્રશ્ન પૂછે છે ત્યારે હાથ ધ્રૂજે છે. એના હાથ ધ્રૂજે છે, મારા નહિ!

સમય જતાં એ મારાથી અણે હું એનાથી ટેવાઈ ગયા છીએ. હું જાણી ગયો છું કે એ એકનો એક પ્રશ્ન ફેરવી ફેરવી – વેશપલટો કરી – મારી પાસે રજૂ કરે છે.

આવા વેશપલટા કરતાં એને શ્રમ પડે છે, એનો શ્વાસ એની ચાકની કટકીઓ પાછળની ટુકડે ટુકડે બહાર આવતો અનુભવાય છે!

મારી આટલી બધી તપાસ અને ઊલટતપાસ પછી પણ મને ઊંઘ ન આવી.

હવે મને ચિંતા થવા લાગી છે….કે…કે ઊંઘ ન આવવાને કારણે મને ચિંતા કેમ નથી થતી?

આ બધું આ ડૉક્ટરની પૂછપરછમય સારવારનું પરિણામ છે. એણે મારું કશુંક….સૂ…સૂલટઊલટ, ચતુંઊંધું કરી નાખ્યું છે.

મા પણ કહે છે કે હું સલવાયો…ના, પલટાયો છું.

હું હવે હળવેકથી, અકેક પગથિયું ગણિને દાદર ઊતરું છું..બહુ ફરતો નથી… ખરેખર તો ફરવા જતો જ નથી. એક ચાની હોલટમાં બેસી રહું છું. હોટલમાંના સામસામે ગોઠવાયેલા અરીસાઓનાં પ્રતિબિંબોની અનંત લંબાતી હારમાળામાં ખોવાઈ જાઉં છું, તો ક્યારેક ભીંત પર લટકતા કૅલેન્ડરમાંના શિ….શિ….શિવ…રામ અને પાર્વતી-સીતાના અર્ધ-મૈથુન તરફ જોતો રહુ છું. બે અઢી કલાક આમનો આમ બેસી રહું છું. કોઈક વાર સમય લંબાતો લાગે…. કોઈ વાર ટૂંકો – અતિ ટૂંકો!

આ હોટલમાંની મારી આવી હાજરી કેટલાકને ગમતી નથી. કેટલાક એમ માને છે કે હું અણી પર છું.

મા અને મામાની અંદરોઅંદરની વાતચીતો હવે વધી પડી છે.

ડૉક્ટરે હવે પોતાની તરકીબ બદલી છે. એ હવે મારી પાસેથી ઢંગધડા વગરનાં વાક્યો અને અર્થ વિનાના શબ્દો બોલાવે છે…અને વધારે બેહૂદું હસે છે. એ…એ એમ સમજે છે કે હું….કે હું….

હું એને મારવાનો છું, કોક દહાડો!

કોઈક સિનેમાના પોસ્ટરમાંથી ચોરેલું સ્મિત મોઢે ચોપડી, પેલો લાલ-પીળા શર્ટ…બુશશર્ટવાળો હોટલના કાઉન્ટર આગળથી મારી સામે હંમેશ હસતો હોય છે…એને તો હું સરખો ટીપવાનો છું.

મા અને મામાને હું લાકડીએ મારીશ. શોભાને તો…

શોભા મારી સામેના મકાનમાં રહે છે. મારી બારીની સામે જ એની ઓરડીની બારી છે. એ મોડી રાત સુધી વાંચે છે. પછી નહાય છે, અને બારી આગળ ઊભી રહીને કપડાં પહેરે છે.

શોભા ‘ફૅટી’ છે, એનો વાંસો ભરાવદાર છે. એક થપ્પડ મારી હોય તો બંદૂક ફૂટયા જેવો અવાજ થાય…હી….હી…હી…

હું હસું છું ત્યારે લોકો હવે વાતો કરતા બંધ થઈ જાય છે, અને મારી સામે જોઈ રહે છે.

કોઈ વાર મારું હાસ્ય મને પાછળથી સંભળાય છે…. કોઈ પારકાનું હોય તેમ!… એ હાસ્યમાં એવડું શું છે કે લોકોને આટલી ગમ્મત પડે છે!

પણ આ વખતે કોઈ મને હસતાં જોઈ ગયું?

મને ઊંઘ નથી આવતી એની કોણ કોણને ખબર છે? મા, મામા, બદરિપ્રસાદ, ડૉક્ટર, (સાલો…બે…) શોભા, અને બીજા કેટલા? કોને પૂરતી ખબર છે અને કોને અપૂરતી, કોણે અનુમાન કર્યું છે…અથવા ઊંધેથી લઈએ તો…

મને એમ થાય છે એ લોકોએ મારાં કપડાં, ચામડી સુધ્ધાં ઉતારી લીધી છે…. હું છતો થઈ ગયો છું…

આ ઘરમાં મારા સિવાય કોઈ હોય જ નહિ તો?

આ ઈમારત આખી ખાલી હોય, મશરૂમ જેવું મયંકર મોટું વાદળ આભ આંબી જાય…. અને બધા જ જીવતા જીવો નાશ પામે. આકાશગંગા, તારગણો, સૂર્ય, ચંદ્ર, સકળ બ્રહ્માંડ પારદર્શક હવામાં પલટાઈ જાય…. તો મને જોવાવાળી એ આંખો ન હોય – એ કુતૂહલ ન હોય….પણ શોભા…

હું શોભાના વાંસાની વાત કરતો હતો. માનો વાંસો શોભાના વાંસા જેવો વિશાળ નથી. એની કરોડરજ્જુ બેહૂદી રીતે બહેર દેખાય છે. મણકા ગણી ગણીને અલગ તારવી શકાય. એકક કરીને છૂટા કર્યાં હોય અને ફરી ગોઠવીને એવા ઊંડા અને સરખા બેસાડયા હોય તો એ કરોડરજ્જુ આવી કદરૂપી ન દેખાય.

મા ચાલીમાં બેસીને ગામગપાટા મારે છે, મામા બજારના ભાવતાલ અને બજેટની ચર્ચા કરે છે – બદરિપ્રસાદ રાડો પાડીને તુલસીકૃત રામાયણ વાંચે છે….શોભા વાંચ્યા કરે છે, અને માત્ર થોડી જ ક્ષણો માટે બારી આગળ આવીને કપડાં પહેરે છે…અને તે પણ અરધી રાત… અરધી રાત પછી! એ કપડાં પહેરતી હોય. હાથ ઊંચો કરી બ્લાઉઝમાં બાંય સેરવતી હોય ત્યારે… ત્યારે એની છા…

બસ!

બસ હવે!

ડૉક્ટર એક વાર સરખો તમાચો ઠોકવો છે…. એની બત્રીસે ચાકની કટકીઓ એક તમાચે બહાર પડે! હું એને કહેવાનો છું. એ એની પૂછપરછ હવેથી બંધ કરે. વિટામિનની કે એવી કોઈ ગોળીઓ આપે…. અથવા ગમે તે આપે, પણ હવેથી એ એનું નકલી સ્મિત સંકેલી લે!

એના સ્મિત જેવુ જ એનું બીજું કોઈ અંગ તો બનાવટી નથી ને? એની ડોક ઝીણી છે. મારા બે હાથ વચ્ચે સપડાઈ…ઝપડાઈ… છી! સમાઈ જાય!

હવે તો માથું દુ:ખે ત્યારે એ દર્દનાં ચશ્માં વચ્ચેથી રસ્તા વાંકાચૂકા દેખાય છે. મકાનો લળી પડતાં, લાંબાં થઈને સૂઈ ગયેલાં દેખાય છે!

મા અતિ લાંબી અને શોભા અતિ જાડી દેખાય – અને દર્દ વધે ત્યારે બધું સેળભેળ! મકાનો વચ્ચેથી અને ઉપરથી રસ્તાઓ પસાર થાય. માની ઝીણી ડોક પર શોભાનું ગોળ – મટોળ માથું અને માના ઝીણા હાથપગ શોભાને ચોંટી પડે.

બધું જ અસ્તવ્યસ્ત અને અવ્યવસ્થિત કેમ ચાલે? લાવ…લાવ એકાદ મકાનને ઊંચકીને ઊભું કરું! એકાદ ઝીણો પગ ખેંચી કાઢું…શોભા..શોભાના મોઢામાં થોડીક ચાકની કટકીઓ બેસાડું…લાવ, લાવ…કશુંક કરું… કશુંક તો કરું ને?

હા….હા….હા…એ ચાકની કટકીઓ બધી ભીની થઈને ખરી પડે તો માના બોખા મોઢા જેવું શોભાનું મોઢું! માત્ર ગાલ પર કરચલીઓ નહિ…પણ ડોક? શોભાની ડોક બે હાથ વચ્ચે ન સમાવી શકાય એવી જાડી! પણ વાંસો વિશાળ!…અહોહો કેટલો બધો વિશાળ!

લાવ…લાવ…ચોપડું! એક, બે, ત્રણ…ફટાક, ફટાક, ફટાક! એ હસે છે. વિના ક્ષોભે હસે છે બેશરમ!

શોભા દાદર ચડી આવે ત્યારે હાંફતી હોય છે….એ નહિ, એની છાતી હાંફતી હોય છે… ના – એનાં સ્તન….એટલે કે એના શ્વાસોચ્છ્વાસથી એ બહુ જ કદરૂપી દેખાય છે… ઓહ! ….એ શ્વાસોચ્છ્વાસ નકામા છે. જે સૌન્દર્યનો ઘાત કરે!

ભલેને બે હાથમાં ગરદન ન સમાઈ… પણ ચામડી લીસી, સુંવાળી, ભીની ઠંડી છે….હાશ!

ઓહ…

કેમ?

નાહકની તરફડે છે તું! એટલું સમજતી નથી કે હું તારું સૌન્દર્ય જાળવી રહ્યો છું?

પણ –

આ કેવો કોલાહલ – કસમયનો?

મા રડે છે…મા. પેલી રસોયણ! અને પાણીની બાલદી ઊંચી કરી રહ્યો છે તે નોકર….નોકર નહિ મામા!

હું પાણીમાં છું કે પાણી મારા પર ઢોળાવું છે?

અને આ પડખે પડી છે મૂઢ જેવી શોભા…કશું બોલતી નથી, હસતી નથી….ગમાર!

ખરે જ અત્યારે કોઈ કશું સમજતું નથી…આ ઉતાવળ અને આ ઊહાપોહ શાનો?

મને ઊંઘ ન આવે તેથી દુનિયા પર એવી કઈ મોટી આફત ઊતરી પડી?

પણ, એ કમબખ્તોએ આખરે મને ઊંઘ આપી! એ તો હું જાગ્યો ત્યારે ખબર પડી!

મેં આસપાસ જોયું. આ ઓરડી મારી નહોતી…આ ખાટલો મારો નહોતો…આ તેજકણો પણ મારા નહિ….ઊંઘ પણ મારી નહિ!

મારી ઓરડીમાંની મેલી – સફાઈ પણ અહીં નહોતી.

પણ શોભા પડખે જ બેઠી હતી…આટલી….આટલી નજીક! ભલેને સફેદ કપડાંથી એનો વાંસો ઢાંક્યો હોય… પણ એ વાંસાને હું ઓળખું!

અહીં નીરવ ચૂપકી છે!

કોઈ કહેતાં કોઈ અહીં હાજર નથી…..આ સીમાહીન ફલક…અને હું અને શોભા માત્ર! એક અંજીરનું વૃક્ષ! એક લથબથતો નાગ!

ક્રોસ પર લટકતા ઈસુની છાતીમાંથી વહીને થીજી ગયેલી લોહીની એક ધારા! અહિંસાના દેહમાં પેસીને ‘હે રામ’ બોલી ગયેલી જલ્લાદની પિસ્તોલમાંથી છૂટેલી એક ગોળી!

ઓહ…અને આ નવપલ્લવ શાંતિ! તો લાવ.

આવી તક ફરી નહિ મળે!

લાવ, એના વાંસામાં ફરી ચોપડું એક અવળા હાથની!

ઓહ….રે!

મારા હાથ બારણા સાથે બાંધેલા છે. મારા પગ પણ.

ઓહ!

“નર્સ, બી કૅરફુલ, પાગલ જાગ્યો છે!”

“હેં?”

ઓહ, જહન્નમમાં ગઈ તમારી ઊંઘ, મને ઊંઘ નથી જોઈતી. અરે ઓ, સાંભળો છો કે, મને ઊંઘ નથી જોઈતી! મારાં બંધન છોડી નાખો….. મને મુક્ત કરો! છોડો, છોડો…છોડો ઓળો, ખોળો…મને!

નહિ માનો?

મને ઓળખો છો હું કોણ છું? હું પ્રલય લાવીશ…. લાવું છું… પ્રલય….પ્રલય લાવું છું. ક….કોન્ગો, પોન્ગો, ડલાસ, ફલાસ….ખલાસ!

[‘કેસૂડાં’, ૧૯૬૪]

License

ખરા બપોર Copyright © by જયંત ખત્રી. All Rights Reserved.