૧૦. મુક્તિ

એક છોકરી હતી – સુંદર અને મનોહર! એના કાળા સુંવાળા કેશ એનાં અંગોને વાદળની જેમ છાઈ વળ્યા હતા. ચક્તિ હરિણીના જેવી વિશાળ મોટી આંખો, નમણું નાક, કમળની પાંદડીઓ જેવા બિડાયેલા રક્ત હોઠ – એ છોકરી ભરયૌવનમાં હતી.

જગતમાંના અખૂટ ભંજડારમાંની કોઈ પણ કુમારીને એની સરખામણીમાં લાજવું પડે એવી તંદુરસ્ત, કોમળ ત્વચા હતી. કેસૂડાંની ફૂલડેમઢી ડાળખીઓ જેવાં આંદોલન પામતા એના બાહુઓ, અને નાના મસ્તીખોર જેવી વહેતી એની આંગળીઓ હતી.

સમજાવટ, સમતોલપણું અણે સુગોળતાનો સુમેળ જે સૌન્દર્ય જન્માવે છે તે સૃષ્ટિમાં ક્યાંક અને કોઈવાર જ જોવા મળે છે. એવી એ યુવતી સ્વયં મૂર્તિમંત સૌન્દર્ય હતી.

એની આંખ ઊઘડતી અને મીંચાતી ત્યાં અંધારાઅજવાળાનાં, તેજ-છાયાનાં રંગબેરંગી મેઘધનુષ વેરાઈ જતાં. એ હસતી ત્યારે વર્ષભરની ઋતુઓનાં પુષ્યોનો મિજાજ મહેકી ઊઠતો, એ ચાલતી ત્યારે એનાં પદાર્વિદ પૃથ્વીને ચુંબન ભરી વહાલ કરતાં, એના અંગમરોડમાં જડ અને ચેતનને વશ કરવાની મોહિની હતી.

વસંત આવતી ત્યારે એ યુવતી નૃત્ય કરતી. શું યૌવન! શું સૌન્દર્ય! શું માધુર્ય! માનવીઓ ભેગાં થતાં, યુવાનો, વૃદ્ધો, બાળકો, બાલિકાઓ અને સ્રીઓ, પશુઓ પણ દોડી આવતાં. બધે જ એકતાનતા! એ યુવતીના નાચતા પગ નીચે પૃથ્વીનું હૃદય ધન્ય બની જોરથી થડકવા લાગતું. આભ નીચે ઊતરી આવતું અને પવન એવી લહરીઓની કુમળી આંગળીઓથી એને પ્યાર કરતો.

એ નાચતી, કૂદતી, ફૂદડીઓ લેતી, હીંચતી અને અવકાશના અદૃશ્ય હાથમાં અધ્ધર તોળાઈ જતી. એ ફરતી જ રહેતી. આંબાની મહોરભરી ઘટા નીચે, વડલાની નમી પડેલી ડાળીઓ નીચેથી, આંબલી અને લીંબડો. લીલાં ખેતરો, સમૃદ્ધ વાડીઓ, એના જેવું જ નાચતાં અને કૂદતાં ઝરણાંઓ, પરુપાટ વહેતી નદીઓ, ધીર, ગંભીર, હળવું ગર્જતા અને કિનારાનું પાદપ્રક્ષાલન કરતા સમુદ્રો, ગૌધન ચરતું હોય એવી ટેકરીઓ, વનરાજિ ભરચક પડી હોય એવા ડુંગરો, સૂર્યનાં બાલકિરણોથી સુવર્ણમંડિત શિખરોવાળા પર્વતો ઉપર – બધે જ એ યુવતી નાચતીકૂદતી હાસ્ય અને ઉલ્લાસ ફેલાવતી ફરી વળતી!

‘સૃષ્ટિ એની પાછળ ઘેલી બની હતી.

એ જ્યાંથી પસાર થતી ત્યાં પાકાં ફૂલો એના અંગ પર કુરબાન થઈ ખરી પડતાં અને કળીઓ એની સાથે હસી હસીને ફૂલ બની જતી.

પછી વિવિધ ઋતુઓમાં વિવિધ ઉત્સવો આવતા. સૂકાં પાંદડાં ખરતાં, નવી કૂંપળો આવતી, કળીઓ જન્મતી ને યૌવનમાં પ્રવેશતાં શરમાતી, ફૂલો હાસ્ય કરતાં, ફળો પાકતાં, બી ખરતાં અને ખેતરો ગર્ભકાળ સેવતાં. લીલી હરિયાળીને જોવા આકાશમાં વાદળો ઊભરાતાં અને વીખરાઈ જતાં અને નિરભ્ર વ્યોમમાંથી અંધારી રાતે તારલાઓ પણ સૃષ્ટિનું આ સૌન્દર્યદર્શન ચોરતા!

એમ એ સૃષ્ટિ ક્રમ ચાલતો અને એ સૃષ્ટિ યુવતી પાછળ ઘેલી બની હતી.

એ યુવતી હજી સુધી કોઈ સાથે કશું બોલી નહોતી અને આ સૃષ્ટિમાંના કોઈએ એની સાથે બોલવાનો પ્રયત્ન નહોતો કર્યોં.

એ મૂંગી અને બહેરી હતી? કોણ જાણે! અને એમ હોય તોય શું?

એની ઊઘડતી અને બિડાતી આંખોની પાંપણો, એની ચડઊતર કરતી ભમરો અને તેજનાં કિરણો ફેંકતી કીકીઓને ભાષા નહોતી શું?

એની કમળની પાંખડીઓ જેવા ખૂલી જતા હોઠ વચ્ચેથી મુશ્કેરાટ છટકી જતો ત્યારે, ફૂલ તોડવા એના હાથની અદા સરી જતી ત્યારે અને નદીનાં છીછરાં પાણીમાં એના પગ સંકોચ સેવતા ત્યારે શું સંગીતના અકથ્ય સૂરો નહોતા જન્મતા? સંકેતમય ભાષાનો અખૂટ પ્રવાહ નહોતો વહેતો ત્યારે?

બધાંને એક જ હકીકતનું ભાન હતું કે એ હતી તો જગતમાં ઉલ્લાસ અને ઉત્સવો હતો. એ હતી એટલે જગતમાં સૌન્દર્ય હતું. – ત્યાં સત્ય હતું અને જ્યાં સત્ય મેળવવાની મુશ્કેલી નહોતી ત્યાં સમૃદ્ધિ, સુખ અને સંતોષ બધું હતું. એ નાનકડી, કોમળ સૌન્દર્યવંતી યૌવના સૃષ્ટિનો પ્રાણ હતી.

*

એ કોઈ પાસેથી કશું માગતી નહિ. જે કંઈ તે આપતી – માનો તો કંઈ નહિ, માનો તો બધું જ – ઉલ્લાસ, ઉત્સવ, સૌંદર્ય, સમૃદ્ધિ, સુખ અને સંતોષ!

એનું સાન્નિધ્ય એટલું જ સાહજિક હતું. જે કોઈ ઇચ્છા કરતું એની નિકટ એ જતી. જે કોઈ જેટલી આવડતથી એને જેટલી રીઝવી શકતું એટલો સહકાર એ એને આપતી. કોઈ એક પણ એનાથી અસંતુષ્ટ રહી પાછો નહોતો ફર્યો.

દિવસ પછી રાત, મહિનાઓ ઋતુઓ અને વર્ષો પોતાના સ્વભાવ પ્રમાણે મિજાજનો ગુલાલ ઉરાડતાં પસાર થઈ જતાં. જૂનાં ઝાજડ સુકાઈ જતાં, નવી ટસરો ફૂટતી, વૃદ્ધો ચાલ્યા જતા, અને યુવાનો આવતા, પારણામાં નવી કૂંપળો જેવાં તાજાં અને કોમળ બાળકો રમવા લાગતાં – એમ આ સૃષ્ટિના જીવનમાં કળા અને સૌન્દર્ય – સુખ અને ઉલ્લાસની પરાકાષ્ઠા આવી પહોંચી હતી.

*

એક દિવસે આ સમાજમાં એક અજાણ વ્યક્તિ આવી ચડી. એ અજાણ પુરુષને કોઈએ પૂછયું નહિ કે એ ક્યાંથી આવ્યો – શા માટે આવ્યો. સંશયની લાગણી આ સમાજમાં અત્યાર સુધી કોઈએ અનુભવી નહોતી. લોકોના મનમાં એમ કે આ નવી વ્યક્તિ પણ એમની માફક એમના ઉત્સવોમાં ભાગ લઈ સુખ અને આનંદની અધિકારી થશે.

એ અજાણ પુરુષે પેલી યુવતીને નાચતી, કૂદતી, ફૂદડીઓ લેતી અને આનંદતી જોઈ ત્યારે એણે પોતાના મનમાં જ કહ્યું: “અહા! શું બદન, શું કાન્તિ, શી ચપળતા? સૂર્ય ઊગે, આથમે અને ફરી ઊગે ત્યાં સુધી આ છોકરીને મારી બાજુમાં રાખી શકું તો?”

આ વિચાર આ સમાજમાં કોઈ વ્યક્તિનેક કોઈ દહાડો અત્યાર સુધી નહોતો આવ્યો.

અજાણ પુરુષે એ સમાજમાંની એક વ્યક્તિને પૂછયું: “આ કોની છોકર છે? ક્યાંથી આવી?”

આ પ્રશ્ન અત્યાર સુધી કોઈએ કોઈને નહોતો પૂછયો.

“આ છોકરી કોણ છે? ક્યાંથી આવી?”

આ નવા પ્રશ્નોની પરંપરાથી મૂંઝાઈ જઈ પેલી વ્યક્તિ ચૂપ રહી.

“અરે મૂરખ, આટલું નથી સમજતો? તારા ઘરમાંનું માટીનું માટલું કોનું છે?”

“મારું છે!”

“તારું છે, કારણ કે દિવસોના દિવસો, મહિનાઓના મહિના થયાં એ તારે ઘેર પડયું છે – ખરું ને? તો આ છોકરી કોની છે?”

“મારી છે – અમારી છે!”

“તો તારે ઘેર કાં નથી?”

એ રાતના પેલી વ્યક્તિને સુખ અને ચેનભરી ઊંઘ ન આવી. એણે નવી વાત સાંભળી હતી. નવા વિચારનું બીજ દુખદ અંકુર ફોરી રહ્યું હતું!

અજાણ પુરુષે બીજી વ્યક્તિ પાસે એ વાત કરી – ત્રીજી વ્યક્તિ પાસે પણ એ વાત કરી. એ વાત ફરતી ચાલી: “એ છોકેરી કોણ હતી – કોની હતી?”

ઉત્સવમાં નાચતાં, કૂંદતાં, હસતાં અને રમતાં એ યુવતીને ક્યાંક કશુંક ખૂંચતું લાગ્યું. એણે એની આસપાસના ચહેરાઓ પર વિચિત્ર ભાવો જોયા – જે ભાવોનો આગળ એને કોઈ વાર અનુભવ નહોતો થયો. એ ખિન્ન થઈ, થોડીક ગભરાઈ ગઈ. એના નૃત્ય કરતા પગ ક્યાંક ઠોકર ખાઈ ગયા, એના હાથના વળાંકમાં બેહૂદી લચક આવી ગઈ. જે કોઈ દહાડો નહોતું બન્યું એ આજે બની ગયું. ઊગતા સૂર્ય જેવા એના મુખ આડે વિષાદનાં વાદળાંની કાલિમા ફરી ગઈ.

અજાણ્યા પુરુષે આ વાતને બહુ જ આગળ વધારી મૂકી. આ સમાજમાં હવે એવી એકે વ્યક્તિ નહોતી જે ન પૂછતી હોય, “આ છોકરી કોણ હતી – કોની હતી?”

*

ઉત્સવોમાં મહાઉત્સવ વસંતોત્સવ આવી પહોંચ્યો. દિવસે ઉષ્માભર્યો અને સાંજે ખુશનુમા લહરીઓથી અડપલાં કરતો પવન વાવો શરૂ થયો. વાદળો આછાં આછાં ઊભરાવા લાગ્યાં. વૃક્ષો, ફૂલો, કળીઓ અને કૂંપળો એકધ્યાન બની જોઈ રહ્યાં. પર્વતો પોતાનાં શિખરોની ડોક ઊંચી કરી કુતૂહલથી જોવા લાગ્યા.

એ યુવતી નાચતી, કૂદતી, ફૂદડીઓ ફરતી આવી ચડી. એની સાથે આવ્યાં નૃત્ય, સંગીત, સૌંદર્ય અને જીવનના ઉન્માદ!

માનવીઓનાં ટોળેટોળાં ઊભરાવા લાગ્યાં અને એને જોઈ રહ્યાં, પણ હાય, એ દેહલાલિત્ય, એ નૃત્ય અને સંગીતનું સૌન્દર્ય અમસ્તું જ વેરાઈ જતું હતું! લોકોની દૃષ્ટિમાં શંકા હતી અને એમના મનમાં અનિશ્ચિતતા હતી!

જાઈના ફૂલે મોગરા ફૂલને પૂછયું: ‘આ શું છે બધું – આજે આમ કેમ?’

“નથી ખબર તને? સૌ કોઈ પૂછે છે, આ છોકરી કોણ છે, કોની છે?”

પોતાની નીચી પડેલી ડાળ નીચેની એ યુવતી પસાર થઈ ત્યારે વડલાએ લાગણીહીન બની એને ધારી ધારીને જોઈ અને આંબલીને કહ્યું: “જોયું! કેટલી વિચિત્ર! એ કોણ છે – કોની છે?”

ઝરણું દોડતું દોડતું નદી પાસે પહોંચ્યું ત્યારે હાંફી ગયું અને પહોંચતાંવેંત જ ભરાયેલા શ્વાસે એના કાનમાં એ જ વાત વહેતી મૂકી: “અરે! બધાં એક જ પ્રશ્ન પૂછે છે કે એ છોકરી કોણ છે – કોની છે?”

નદી ધીરગંભીર હતી. એણે વિચારોનાં વમળ જન્માવ્યાં. અટવાતી, મૂંઝાતી એ સાગર આગળ પહોંચી ત્યારે ઝબકીને જાગી ઊઠી. સાગરે એને ભેટી પડતાં પૂછયું.

‘કેમ આજ ખિન્ન છો?’

“પ્રભુ, એક પ્રશ્ન લાવી છું. એ છોકરી ક્યાંથી આવી, શા માટે આવી, એ કોણ છે?”

સાગરે જવાબ આપ્યો નહિ અને એની બાથમાં નદી ક્ષીણ થતી ચાલી અને દરિયાપાર મોજાંઓના હિલોળે, તોફાનનાં વમળોની ગતિ પર સવાર બની અથડાતીકુટાતી એ જ વાત વહેતી ચાલી.

*અહીં ફકરો છે: પણ આ વાત ન પહોંચી ફક્ત એ નાચતી-કૂદતી છોકરી પાસે. કારણ કે એ મૂંગી હતી અને બહેરી હતી. એની પાસે આ વાત પહોંચાડવી અશક્ય હતી.

જ્યાં વસંતોત્સવ ઊજવાઈ રહ્યો હતો – જ્યાં નૃત્ય, અદા અને સંગીતના ઉદધિ છલકાતા હતા ત્યાં એક માનવીએ બીજાને કહ્યું : “કેવી સુંદર અને કોમળ યુવતી છે? કેટલો બધો આનંદ એ આપી શકે છે? હું એને મારે ઘેર લઈ જાઉં તો – વસંતના મેઘધનુષી રંગો, જગતભરનાં પુષ્પોની સુગંધ, સાગરનું ગાંભીર્ય અને આકાશની મોકળાશ મારે ઘેર આવી વસે, નહિ?”

“હા જરૂર,” બીજાએ કહ્યું: “અને મારે ઘેર લઈ જાઉં તો મારા ભર્યા ભર્યા ઘરમાં વર્ષભરના ઉત્સવોની સન્ધ્યા ખીલી ઊઠે અને એ આનંદઝૂલે ઝૂલવા જગત સમસ્ત મારા ઘરઆંગણે ભેગું થઈ જાય! એને તો હું જ ઘેર લઈ જઈશ!”

“લઈ જઈશ?”

“જરૂર.”

“અને હું?”

*

એ યુવતી પોતાના નૃત્યમાં સંપૂર્ણ સમાઈ ગઈ હતી – જાણે આનંદે અવતાર લીધો હોય. જાણે ઉલ્લાસ અને માધુર્યના શિલ્પમાં જીવ પેઠો હોય! વ્યોમ, વાદળ, વારિ, વૃક્ષો માનવીઓ, પશુઓ અણે પક્ષીઓ સ્તબ્ધ બની જોઈ રહ્યાં. ત્યાં તો કોઈ એક વ્યક્તિ પોતાની જાત પર કાબૂ ખોઈ બેઠી. એણે દોડી જઈ એ છોકરીનો હાથ પકડી લીધો.

નૃત્ય ઢળી પડયું, સંગીત બેસૂરું બની ગયું, સૌન્દર્યનો વધ થયો, સત્ય માટીમાં રગદોળાઈ ક્યાંક ગુમાઈ ગયું, બધે હાહાકાર પ્રસરી રહ્યો, કળી ફૂલ બનીને બૂમ મારવા લાગી, ભ્રમરો એક ફૂલ પરથી બીજા ફૂલે રડતાકકળતા એ જ વાત કહેતા ઊડવા લાગ્યા. પૃથ્વી પરથી ધૂળનાં વાદળ એકઠાં થઈ વ્યોમમાં ઊડી ગયાં, ફૂલો રંગ ગુમાવી બેઠાં; – એમની સુગંધ પણ વિકૃત બની ગઈ. ઝરણાંએ પણ વાકાં વળીને એ જોયું – અને જતાં જતાં, મોટા પથ્થરો પર ઠોકરાતું, નાનાને ઠોકરે ઉરાડતું, બેચેન

*

અને ખિન્ન એ નદીની સોડમાં સમાયું ત્યારે એનો મિજાજ છટકી ગયો.

“આખરે શું છે?” નદીએ પૂછયું.

“ગમે તે હોય – તું શા માટે મારી પંચાત કરે છે? મને મરવા દે અહીં!”

એ જ મિજાજ લઈ નદી સાગર આગળ પહોંચી.

“હવે નથી સહન થતું!”

“શું?”

“કોણ જાને શું – પણ ક્યાંક કંઈક અવળું બની રહ્યું છે! આ ઝરણું…..” કહેતાં નદીનાં આંસુઓએ સાગરનાં ખારાં પણીને વધારે ખારાં કર્યાં!

સાગરે સહાનુભૂતિ વગર કહ્યું: “વાતમાં કંઈ વજૂદ નથી! તું હવે અવસ્થા પામી છો – બસ એટલું જ!” અને એટલું જ સાંભળતાં નદી દુભાઈ ગઈ. એ આંસુઓ એણે સાગરને ન આપ્યાં. પોતે જ પોતાનાં આંસુઓથી પોતાની મીઠાશ ગુમાવી બેઠી|

એ યુવતી નૃત્ય કરતાં એટલી તો થાકી ગઈ હતી કે એનો હાથ પકડનારના હાથમાં એ સહેલાઈથી સરી પડી. એ સમગ્ર સૌન્દર્ય, મખમલી કુમાશ, એ સુગોળ સુસજ્જતા, ઉલ્લાસ અને માધુર્યની એ સ્રષ્ટા – કોઈ એકના હાથમાં જઈ પડી –એને ઘેર વસી રહી!

તે દિવસથી સૌ કોઈને પોતપોતાની પ્રવૃત્તિમાંથી રસ ઊડવા લાગ્યો. દિવસો પર દિવસો અને મહિનાઓ પસાર થવા લાગ્યા.

પુષ્પોનાં વિવિધરંગી આભૂષણો અને ઘેરી લેતી માદક સુગંધ હવે કોઈની લાગણી સુધી પહોંચી શકતાં નહિ બુલબુલ ગાઈ ગાઈને થાકી જતું. એને કોઈ સાંભળનાર નહોતું. હરણાં તૃણ ખાઈ તૃપ્ત બન્યાં પછી બેધ્યાન ગમે તેમ ફર્યા કરતાં. મોરનો ટહુકો હવે મેઘ સાંભળતો નહિ. ઝરણું ફરજ સમજીને નદી તરફ જતું. એની ગતિમાંથી ઉત્સાહ જતો રહ્યો હતો.

બે બુલબુલોએ ઊડતાં ઊડતાં એક ઘરની બારી પર બેસી અંદર જોયું.

“જો, જોતો,” એકે બીજાને પૂછયું: ‘એ જ છે ને!’

“એ હજુયે એના ઘરમાં બેઠી છે – હરે છે, ફરે છે, હસે છેયે ખરી – એ એની એ જ છે!”

“હાથ પકડીને લઈ ગયો એટલે એની થઈ?” પેલો અજાણ્યો પુરુષ એક અંધારી રાતે કોઈકને કહેતો હતો, “તું એને ઘેરથી તારે ઘેર લઈ જાય તો શું એ તારી થાય! અને શું યૌવન છે! શું લાલિત્ય – શું માધુર્ય! હે?….હા….હા….” અજાણ્યો પુરુષ હસ્યો. એના હાસ્યના ફટકાથી અંધારાનાં પડ કંપવા લાગ્યાં. આજુબાજુ, જ્યાં જ્યાં એ હાસ્ય પહોચ્યું ત્યાં પાકાં ફૂલો ખરી પડયાં – ઊડતાં પક્ષીઓ ગુલાંટ ખાઈ ગયાં. ઊડતા પવન એ હાસ્ય સાંભળ્યું અને એનું ગમાન ગળી ગયું. ઝરણાનું સંગીત બેસૂરું બની ગયું અને વડલાની ડાળ કમજોર બની જમીનને અડી ગઈ.

એ રાતના બીજો બનાવ બની ગયો. એ યુવતી જેને ઘેર હતી ત્યાંથી બીજાને ઘેર ગઈ – લઈ જવામાં આવી.

પહેલો પુરુષ ખીજવાયો, મૂંઝાયો અને અકળાયો. એ જ્યાં જતો ત્યાં લોકો એની સામે આંગળી ચીંધતા. ફૂલો એની ઉપર હસવા લાગ્યાં, વૃક્ષો એની પાછળ ખરતાં પાંદડાં મોકલી મશ્કરી ઉરાડવા લાગ્યાં. હવે એના ખાલી પડેલા ઘરનાં અંધારાં એના મનમાં ઊતરી ગયાં. એણે સમજ અને અક્કલ ગુમાવ્યાં. લાગણી અને તર્ક વચ્ચેનું સમતોલપણું એણે ગુમાવ્યું, એના અંધારા મનના અવાવરુ ખૂણામાં બેડોળ વિચારોની વડવાગોળો ચક્કર ચક્કર ફરવા લાગી.

અજાણ્યો પુરુષ ધીમે રહીને એની પાસે ગયો અને કહ્યું: “આમ બેબાકળો કેમ બન્યો છે?” પોતાના સ્વભાવ પ્રમાણે એક પળમાં એણે પોતાના મોઢાના રંગ બદલ્યા. એક વધારે દુષ્ટ સૂચન એના ગલીચ હોઠ વચ્ચેથી સરી પડયું, “હું કહું છું કે હિંમત રાખ, તાકાત કેળવ, કુનેહબાજ થા! હેં! લે સાંભળ…” એ વાત પેલા બેબાકળા પુરુષ સિવાય બીજા કોઈએ સાંભળી નહિ. અંધારી રાતને ઊજળી કરવા મથતા આગિયાએ પણ કશું ન સાંભળ્યું.

જાઈ મોગરાને કહે, “મને આજે ઊંઘ નથી આવતી.” મોગરો કહે, “મને પણ બેચેની જેવું લાગે છે.”

આકાશનાં વાદળાંઓ માંહોમાંહે અથડાતાં એકબીજાને પૂછતાં હતાં:

“કેમ આજે બેધ્યાન છો?”

“કંઈક જોઉં છું છતાં કશું દેખાતું નથી.”

“કંઈક બની રહ્યું છે!”

ઝરણાં પોતાનો માર્ગ ભૂલી ગયાં, હરણોના મોઢામાંથી દર્ભનાં પાંદડાં સરી જવા લાગ્યાં, સમુદ્રની સપાટી પર સરોવરની શાન્ત ચૂપકી છવાઈ!

અંધારામાં પૃથ્વી પર વીજ જેવું કંઈક, એક ઘડી માટે, ચમકી ગયું. એની પાછળ એક કિકિયારી સંભળાઈ! કોઈ એક જણ બેત્રણ ખૂણા વટાવતું, અંધારાની ઓથ લેતું ભયંકર ગતિથી દોડી ગયું. પણ છેક ઊંચેથી તારલાઓએ ઝીણી આંખો કરીને જોઈ લીધું કે એના હાથ લોહીથી ખરડાયેલા હતા.

જે કોઈ બીજાના ઘરમાં એ યુવતી ગઈ હતી એની હસ્તી મટી ગઈ હતી!

“અરર!” બધે અરેરાટી ફરી વળી.

ફૂલોએ કળીઓને, કળીઓએ પાંદડાંને અને પાંદડાંઓએ પક્ષીઓને જગાડી જગાડીને આ વાત કહી. અંધારી રાતના પાંખો ફફડવા લાગી. એ સંદેશ વાદળોમાં પહોંચ્યો અને સમુદ્રો પર ફરી વળ્યો.

સવાર પડી ત્યારે માનવીએ માનવીનું મોઢું પડી ગયું હતું, જાણે સૂર્ય ઊગ્યો જ ન હોય, જાણે રાત્રિનાં અંધારાં દિવસનાય ટહેલતાં હોય એવો ભાસ થવા લાગ્યો.

વૃક્ષો નદી, નાળાં, ખેતરો, ટેકરીઓ, પર્વતો, સરોવરો અને સમુદ્રો બધાં જ શરમિંદાં બની ગયાં!

ઝરણું જોરથી નદીમાં ખાલી થવા લાગ્યું.

“પણ, પણ – આ બધું શું…?” નદી કંઈ એને પૂછવા જાય તે પહેલાં ઝરણું બોલી ઊઠયું:

“તું આજે મને બોલાવ નહિ – મા!”

જ્યાં જ્યાં અંધારાં એકઠાં થતાં હતાં, જ્યાં જ્યાં સૂકાં પાંદડાં ઢગલો થઈ કાદવમાં સડતાં હતાં, જ્યાં જ્યાં ઝરણાં અને નદીનાં પાણી વહેતાં અટકી જઈ ખાબોચિયાં બની ગયાં હતાં – ત્યાં ત્યાં – તેવાં બધાં સ્થળે અજાણ્યો પુરુષ ફરતો રહ્યો. પછી તો આંધીઓ આવવા લાગી, વંટોળિયા ઊડવા લાગ્યા. બીકનાં માર્યા વર્ષાનાં વાદળો વિખરાવા લાગ્યાં – દુષ્કાળ ઊતરી પડયો, ધરતી સુકાવા લાગી!

જેની હસ્તી મટી ગઈ હતી એના વહી ગયેલા લોહીનાં ધાબાં પાસે એના વારસદારોએ પ્રતિજ્ઞા લીધી: “લોહીનો બદલો લોહી!”

“શાબાશ!” પેલા અજાણ પુરુષે બૂમ મારીને કહ્યું: “મરદની નિશાની મરદાઈ – લોહીનો બદલો લોહી.”

અસંખ્ય ફૂલો આ પ્રતિજ્ઞા સાંભળીને ખરી પડયાં. ઊડતો પવન આ પ્રતિજ્ઞા સાંભળી ભાગવા લાગ્યો – ખેતરોને નાબૂદ કરતો, વૃક્ષોને મૂળમાંથી ઊખેડી ફેંકતો, સમુદ્રનાં ખારાં પાણીને સંતાપતો પવન તો ભાગવા જ લાગ્યો.

એ યુવતી હવે તો એક પછી બીજા ઘરમાં એમ ઘેર ઘેર ફરતી રહી. બધીએ ઋતુઓ આવતી, બધી ઋતુઓના ઉત્સવ-દિનો આવતા, પણ ઉત્સવો નહોતા ઉજવાતા – એ યુવતી તો કોઈ ન કોઈના ઘરની ચાર દીવાલો વચ્ચે બંદી બની બેઠી હતી.

એણે હજીયે કોઈ સાથે વાત નહોતી કરી. એને ખરી રીતે કશું કહેવાનું જ નહોતું. એ તો ઘરની દીવાલમાંની કોઈ બારીમાંથી બહાર જોતાં બેસી રહેતી. એની આંખો ગુમાયેલી ગુમાયેલી ફર્યા કરતી. એને યાદ આવતાં – શ્રવણની ઘનઘોર ઘટા, મયૂરોના ઉન્માદ, લગામના ઇશારાની રાહ જોતા પવનના ઘોડાઓની મસ્તી, બાળક જેવા સ્વભાવવાળાં રંગબેરંગી સુગંધી પુષ્પો એને પસાર થતી જોઈ એની પાછળ ‘અરે –એ!’ – કહી હાસ્ય મોકલતાં – વડલાની ઘટાના અંધારામાં એ અંધારું બની જતી – ચાંદનીનાં અજવાળાં ઓઢીને એ ઊજળી રાતના અદૃશ્ય થઈ જતી – સરોવરનાં જળ ઝૂલતાં અને હિલોળતાં એને કહેતાં: ‘આવ ને?” અને પેલી પોયણી એનીસામે જોતાં જ શરમાઈ જતી – એ બધું એને જીવનની આજની અકેક પળે યાદ આવતું હતું – એ યાદમાં જ એ જીવતી હતી! અને એમ જીવતાં જીવતાં એ ક્ષીણ થતી ચાલી હતી. એના માથાના કાળા સુંવાળા વાળ ખરી પડવા લાગ્યા હતા. એની સુંવાળી ચામડી તેજ ગુમાવી લચી પડવા આવી હતી – એના એક વાર તરત નૃત્ય કરતા પગ પર ફોલ્લાઓ દેખાવા લાગ્યા હતા. માથું, હાથપગ અને બદનની અદામાંથી માધુર્ય જતું રહી ભીતિ આવી બેઠી હતી!

“લોહીનો બદલો લોહી!” ની પ્રતિજ્ઞા લેનારાઓએ પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી. કોઈક માટીના ઢેફા પર ઊનું લોહી વેરાઈ ગયું. પછી તો બીજી પ્રતિજ્ઞાઓ લેવાઈ. ફરી અને ફરી લોહી રેડાવા લાગ્યું. પ્રતિજ્ઞાઓની પરંપરા ચાલી અને લોહીની નીકો વહેવા લાગી.

“શાબાશ! શાબાશ!” એ ભંયકર અવાજ આવ્યા કરતો અને લોહી વહ્યા કરતું!

“પણ આમ શા માટે?” જાઈના ફૂલે મોગરાને પૂછયું.

“તેની મને શી ખબર? – હું ઓછી જ બધાની પંચાત સેવું છું?”

“પણ ચિડાય છે શા માટે?”

“શા માટે – શા માટે? તારામાં અક્કલ નથી માટે!”

વડલો આંબલીને કહે, “જો – જરા જો તો ખરી! તારી ડાળીઓ પરથી કોયલો, ચકલીઓ અને બુલબુલો ક્યાં ઊડી ગયાં? પવને ડોલતી તારી નજાકત અને તારી ઘટાની ઉષ્મા ક્યાં ઊડી ગયાં? હવે તો તારી મેલી ઘટાના અંધારામાં વડવાગળો ટીંગાય છે!”

“અને એ બુઢ્ઢા,” આંબલી છંછેડાઈ, નાનાં નાનાં પોતાનાં પાન ઉરાડતી બોલી: “તારી ડાળીઓમાં હવે તાકાત ક્યાં છે? એટલે જ જોને હવે તારે જમીનનો ટેકો લેવો પડે છે! મને સંબોધીને હસે છે તે હસને તારી જાત પર!”

બુલબુલોએ પોપટની મશ્કરી કરી. પોપટે કોયલની, કોયલે મોરની મજાક ઉડાવી! અને ઝઘડો વધવા લાગ્યો.

“હું અને મારા જેવા બીજા છે એટલે તારી હસ્તી છે. નહિ તો તું હોત ક્યાંથી?” ઝરણાએ સરિતાને કહ્યું, “તારું આ સૌંદર્ય અને તારી અદાનો છણકો મને શું બતાવે છે? જા જરા આગળ જા! અને તારા જેવી છકેલ અનેકને ગળી જતો નિર્દય લાગણીહીન સાગર તારું ગુમાન તોડી પાડશે!”

એક વખત જે માનવીએ પોતાની આંખની કીકીમાં આકશની મોકળાશ સમાવી દીધી હતી તે માનવી અરધી રાતના પોતાના સ્વપ્નાથી બીને બેઠો થઈ ગયો. એણે પોતાના પુત્રને બૂમ મારી, “અરે એ! જાગે છે કે?”

“હા, પિતાજી!”

“તો સાચવેજ.”

“શું?”

“જે કંઈ છે– જેવું છે તે!–અને–” એટલા શ્રમથી તો એનો શ્વાસ ભરાઈ આવ્યો, આંખે અંધારાં આવ્યાં – ગળે ડૂમો આવવા લાગ્યો “અને–વોય મા, મારી પ્રતિજ્ઞા…. લોહીનો બદલો….”

હવે માનવી માનવીને જોઈ સાવચેત બની જતો – કોઈ શું કરે છે, ક્યાં જાય છે, ક્યાં ખાય છે, ક્યાં સુએ છે એને ઝીણવટભરી ખબર રાખતો! ઘોર અંધારામાં પણ મનુષ્યને હવે ઓળા હાલતા દેખાતા. શાન્ત નીરવ ધૂળની સપાટી પર એને પગલાં સરતાં સંભળાતાં. પવનની લહરીઓ એના કાને વાતો મૂકી જતી. દિવસ ઊગે અને આથમે અને ફરી ઊગે ત્યાં સુધી, જાગ્રત અને સ્વપ્નાવસ્થામાં એનું સાવચેતપણું બીક બનીને એને ઘેરી વળ્યું હતું.

પેલી યુવતીને એક ખંડિયેર જેવા ઘરમાં કોઈ અસહાય છોડી ગયું! તે ખંડિયેરમાં પાણીનું માટલુંયે હવે નહોતું રહ્યું. છતમાં અને ખૂણામાં કરોળિયાનાં જાળાં બાઝયાં હતાં. આંગણામાં કાંટાળા થોર ઊગ્યા હતા, પણ એ યુવતી એની એ જ હતી –ક્ષીણ, દુર્બળ, કદરૂપી, ગંદી અને રોગિષ્ઠ! તોય એની આંખો હજી એવી જ – એ જ સ્વપ્નાં જોતી – એ જ યાદની ભીતરમાં ઊંડી પેસી ગઈ હતી!

પેલા અજાણ પુરુષે એને માટીના ખાડામાં બેઠેલી અને પથ્થર પર હાથ ટેકવેલી જોઈ – એના હોઠ સંતોષથી છૂટા પડી મુસ્કરાઈ ગયા. એણે છાતીમાં લાંબો શ્વાસ ભરી નિરાંતે છોડયો. એના અશક્ત હાથ એના બદનની બાજુમાં લટકી પડયા.

અજાણ પુરુષે એ ખંડિયેર તરફ પીઠ ફેરવી. એણે માથું ઊંચું કરી હાથની મુઠ્ઠીઓ વાળી આંખોને ઝીણી કરી સૃષ્ટિમાં ચારેકોર જોયું. આકાશ, પૃથ્વી, સાગર અને પાતાળ! એણે પગ પહોળા કરી પૃથ્વીને એની નીચે દબાવી. એણે હાથની મુઠ્ઠીઓ વાળી આકાશમાં વીંઝી. એની લાલ આંખોને એકદમ પહોળી કરી. એણે સૂર્ય તરફ જોયું – અને….અને એક ભયંકર ગર્જના કરી એણે સૃષ્ટિમાં ચારે તરફ પડકાર ફેંક્યો.

અજાણ પુરુષે માનવીઓને એકઠા કર્યાં, ફૂલોને આમંત્ર્યાં, ઝરણાં અને સરિતાને રોક્યાં, સાગરનાં મોજાંઓની લગામ ખેંચી, સૂર્ય, ચંદ્ર અને તારાઓની કુતૂહલતાને પોતા તરફ દોરવી અને પશુ-પક્ષીઓની દિનચર્યા એણે છોડાવી.

એ બોલ્યો ત્યારે એના માથાના ભારમાં વિજેતાનો ગર્વ હતો – એની ભાષામાં ગુમાન અને અવાજમાં પડકાર હતો. એ બોલ્યો:

“એકઠા થયેલા તમે બધા આને –”

એણે ખાડામાં પડી રહેલી પેલી ક્ષીણ, દુર્બળ યુવતી તરફ આંગળી કરતાં કહ્યું, “એને ઓળખો છો?”

ફૂલોએ એની તરફ મોઢું ફેરવ્યું, ઝરણું એની તરફ વળતાં અટકી ગયું. માનવીઓએ એને જોઈ, સાગર એની તરફ નજર કરતાં ઉદાસીનતાભર્યું થોડુંક ગર્જ્યો, સરોવર અને સરિતાએ પોતાની ખિન્ન ઉદાસીનતા છોડી નહિ.

જાઈના ફૂલે મોગરાને પૂછયું:

“કોણ છે એ?”

“કોણ એ?” માનવીએ માનવીને પૂછયું.

“હશે કોઈક,” સરિતાએ, આદતના જોરથી, સાગરના કિનારાના ખોળામાં માથું છુપાવ્યું.

“એ….” કહેતાં અજાણ પુરુષ પોતાના પગ પર જરા ઊંચો થયો –’એ – એ યુવતી છે, જેને માટે તમે ‘લોહીનો બદલો લોહી’ની પ્રતિજ્ઞા લીધી છે – એ જ યુવતી છે…જુઓ!” એનો અવાજ વધારે તીવ્ર બન્યો, “ફરી અને ફરી જુઓ.”

“હશે!” બુલબુલ અને પોપટ એકીસાથે બોલી ઊઠયા..

“તમને કોઈને હવે એની જરૂર જણાતી નથી.” અજાણ પુરુષ વ્યંગમાં બોલ્યો, “તો હવેથી એને હું રાખીશ – એની માવજત કરીશ. એ જેવી છે તેવી મારી થઈને મારે ઘેર રહેશે. બોલો….એને મારે ઘેરથી પોતાને ઘેર લઈ જવાની જેની મુરાદ હોય તે હમણાં જાહેર કરે –એની ખાતર ‘લોહીનો બદલો લોહી’ની પ્રતિજ્ઞા જેને લેવી હોય તે હમણાં – હમણાં મારી હાજરીમાં લે!”

એવું કહેતાં અજાણ પુરુષનો અવાજ આકાશ સુધી પહોંચ્યો. એના પડઘાથી પર્વતો થથરવા લાગ્યા.

“આપો ને, એ જે માગે તે!”

“જવા દો એ બલાને – આફત ટળશે! ફરી એક વાર સુખ અને શાંતિ સૃષ્ટિ પર ઊતરશે.” કહેતાં માનવીઓએ પીઠ ફેરવી ચાલવા માંડયું!

સૌ વિખરાઈ ગયાં.

અજાણ પુુરુષે ફરી એક વાર સૃષ્ટિમાં ચારે તરફ જોયું. વ્યોમ, પૃથ્વી, સાગર બધે જ એની નજર ફરી વળી. પેલી યુવતી પર ઠરી ગઈ. પણ……..પણ એક નવી વસ્તુ એણે ન જોઈ!…. એ વખતે સંધ્યા ઉતાવળી ઉતાવળી જતી રહી હતી. રાત્રીએ આળસથી પોતાનું આગમન શરૂ કર્યું હતું. ત્યારે પશ્ચિમની ક્ષિતિજ પર એક નવા જ તારકે દેખાવ દીધો હતો. એની પ્રભા તો નહિ જેવી હતી, પણ એની નેમ ચોક્કસ હતી!

પેલી યુવતી પર ઉતાવળભરી દોડી ગયેલી અજાણ પુરુષની દૃષ્ટિએ આ નવા આગંતુકને ન જોયો!

એ રાતના મોગરાએ જાઈને કહ્યું, “હવે તો હું થાક્યો છું….. પણ એ યુવતી કોણ? મને આછી આછી યાદ આવે છે!”

“મને પણ એમ થાય છે કે….”

“કે શું?” મોગરાએ પૂછયું.

“કે…કોણ જાણે શું? પણ એનું નામ લેતાં મારી બેચેની ઓછી થાય છે!”

સરિતાએ સાગર પાસે પહોચતાં જ મનનો ઊભરો ઠાલવ્યો, “આ સારું નથી થયું હો!”

“શું? ” સાગરે હસતાં વાત ઉડાવવાનું કર્યું.

“અરે, એ યુવતી તો એની એ જ!”

એટલી વારમાં તો સાગર સરિતાને અને એની વાતને પી ગયો.

અજાણ પુરુષે પૃથ્વીને અનેક સ્થળે છેદવા માંડી. જ્યાં જ્યાંથી સુંદર માટી મળી એ માટીના લપેડા ચડાવી પેલી યુવતીને પુષ્ટ દેખાવ આપવા પ્રયત્ન કર્યો. સૃષ્ટિમાંનાં અનેક રંગીન ફૂલોને છૂંદીને અને સન્ધ્યાના રંગોનું બળજબરીથી અપહરણ કરીને એમના રંગથી એ યુવતીનું મોઢું એણે રંગ્યું. પર્વતોનાં હૃદય ચીરીને અને સાગરનું પેટ ફાડીને, એણે હીરા અને મોતી મેળવી એ આભૂષણોથી યુવતીને શણગારી. અંધારી રાતના હૂંફાળા, કાળા કેશ પીંખી એણે પેલી યુવતીના માથે બાંધ્યા. ચંદ્રની રોશનીને એની પાછળ ભમવા મોકલી|

એ યુવતીને પેલા અજાણ પુરુષે ઉત્સવો વગર નચાવી – ઉમંગ વગર સંગીત વહાવ્યું.

એ યુવતીની આસપાસ એણે સૌન્દર્યની કરોળિયા-જાળ અને મોહિનીની ભ્રમણા ઊભી કરી. એને ફરી એક વાર સૃષ્ટિમાં નૃત્ય કરવા છૂટી મેલી દીધી.

માનવીઓ એને જોઈ જોઈને છક થઈ ગયા. “હાય હાય! શું રૂપ, શું યૌવન!” જેણે એને જોઈ એ પોતાનું ભાન ભૂલી ગયો.

એ યુવતીએ નૃત્ય કરતાં ચંપાના ફૂલને પંપાળ્યું ત્યારે કળી છંછેડાઈ પડી.

ચંપાએ કહ્યું, “પણ એ તો એ જ યુવતી છે જે પહેલાંયે મને પંપાળતી. ત્યારે તુંયે મારી સાથે હસી ઊઠતી અને આજે તારા મોઢા આગળની ગુસ્સાની લાલ ટપકી હું સમજી શકતો નથી!” “ક્યાંથી સમજે?” કળીએ મહેણું મારતાં કહ્યું. “તારી સુગંધમાં આજે વિકૃત દુર્ગંધ ભળી છે!”

અને એવી જ રીતે મોગરા અને જાઈનો કજિયો થયો – મોર અને ઢેલ વચ્ચે અણબનાવ શરૂ થયો, ક્ષિતિજ આગળ આબ અને ધરતીના મિલનને ધુમ્મસે વેડફી નાખ્યું, સાગરે ભરતીનાં તોફાન મચાવીને સરિતાને પાછી ધકેલવાનું કર્યું અને ક્રૂર મશ્કરી કરતાં કહ્યું:

“અરે ઓ, અવસ્થા પામેલી એ યુવતી તો એની એ જ છે!”

“ના – એની એ જ નથી!” સાગરે પાછળ ફરીને જોયું તો એનાં હિલોળતાં પાણીમાં જેનાં આછાં આછાં પ્રતિબિંબ પડતાં હતાં એ ક્ષિતિજ પરના નવા તારકનો એ અવાજ હતો.

“શા માટે સરિતાને દૂભવો છો? – એની વાત કંઈક સાચી છે. એ યુવતી એની એ છે અને નથી!” “હેં!” સાગર અચંબો પામ્યો.

ઝરણાએ એ અવાજ સાંભળી લીધો. એણે બેબાકળા થઈ સરિતાને પૂછયું.

“મા, એ કોણ હતો? એ શું કહેતો હતો?”

“એ સાચું કહેતો હતો, બેટા!”

નદીકિનારે પાણી પીતા મૃગલાએ આ વાત સાંભળી અણે મોટી મોટી ફાળ ભરતું એ ખેતરોમાં અને વાડીઓમાં જાઈ, મોગરા, બુલબુલ, પોપટ, મોર, ઢેલ બધા પાસે નાચતુંકૂદતું એ વાત કરી આવ્યું. એ વાત પક્ષીઓની પાંખે ચડી ઊડવા લાગી. વાદળની સોનેરી કોર પર લખાઈ એ વાતની આખી સૃષ્ટિને જાણ થઈ.

પેલી યુવતી નાચતીકૂદતી નદીકિનારે આવી પહોંચી ત્યારે નવા તારકે નદીને, ઝરણાને જોઈને, મોગરાને બુલબુલ અને મોરને, મૃગ અને વાદળોને સંબોધતાં કહ્યું, “જોજો, હોં….” કહેતાં એણે પેલી યુવતીના કેશ, રંગ, અંગલેપન અને શૃંગાર ઉતારી લીધાં. ” એ તો એ જ કૃશ અને દુર્બળ, રોગિષ્ઠ અને કદરૂપી છે – એ એની એ જ યુવતી હોય તોય શું?”

તમારા લોહીના નીચોડમાંથી જેને રંગ મળ્યા હોય, તમારા હૃદયના ટુકડાઓનાં જેણે આભૂષણો પહેર્યાં હોય, તમારાં અંગ છેદીને જેણે લેપન કર્યાં હોય એ એની એ જ યુવતી કેમ હોઈ શેક? તોય એ એની એ જ છે.”

પેલી યુવતી પોતાનાં કેશ, આભૂષણો અને અંગલેપનથી વંચિત બનેલી અજાણ પુરુષને ઘેર પહોંચી ત્યારે અજાણ પુરુષે એને આવી જોઈને સૃષ્ટિ તરફ ફરી એક વાર ગર્જના કરી પડકાર ફેંક્યો. એના પડકારના જવાબમાં પશ્ચિમની ક્ષિતિજ તરફથી પેલા નવા તારકે ધીમી, હળવી, શીતળ અને હિતકારી પોતાની પ્રભા ફેલાવી. એ તારકની પ્રભા ચંદ્ર કરતાં વધારે કોમળ હતી. અને એની દૃષ્ટિ સૂર્ય કરતાં વધારે ઉગ્ર હતી. સાગર એને જોઈને એને વહાલ કરવા એની તરફ ઊછળ્યો.

અજાણ પુરુષે ફરી ગર્જના કરી. પેલા નવા તારક તરફ દોડયો, પણ એકીનજરે પેલા તારક તરફ જોઈ રહેલી સૃષ્ટિએ ગર્જના સાંભળી નહિ. એ ગર્જનાએ ભીતિ જન્માવી નહિ!

અજાણ પુરુષને દોડતો આવતો જોઈ નવો તારક ધુમ્મસમાં સંતાઈ ગયો.

પણ એની એક ક્ષણની હિતકારી પ્રભા અનુભવતા ઝરણાએ સરિતાને કહ્યું: “મા, હવે એના વગર કેમ ચાલશે?”

સરિતા સાગરને પોતાનાં આંસુ આપવા ગઈ ત્યારે સાગરે કહ્યું: ‘હવે રડવાથી શું વળશે? જો, પણે દૂરૂ મારી સપાટી પર એનું પ્રતિબિંબ દેખાય!” આંબલીએ વડલાને કહ્યું.

“મહેનત કર. ધરતીનો ટેકો છોડી દે. ઊંચો થઈને જો – એ પણે દૂર, આછો આછો પ્રકાશ દેખાય તે એનો જ હશે, કદાચ!’

મોગરો જોઈને કહે, “મારા અંગ પર શ્રમ હરનારી લહેરીઓ અનુભવું છું તે એની જ હશે!”

અષાઢ માસથી જમા થતાં વાદળોએ શ્રાવણને કહ્યું, “અમે પવનનાં દોરવ્યાં ગમે ત્યાં દોરવાઈ ગમે તે સ્થળે નહિ વરસીએ – અમે તો એ પેલો નવો તારક અને એની પ્રભા પહોંચતી હશે ત્યાં જ વરસશું.”

એક વાર શોભતાં અને રંગની કમાનમાંથી સગંધનાં તીર ફેંકતાં ફૂલોએ ખીલવાની ચોખ્ખી ના પાડી દીધી. પાકાં ફળોએ બી ન ઉત્પન્ન કરતાં સડી જવાનું સ્વીકાર્યું – “ના, ના, અમેને એ અને એની જ પ્રભા જોઈએ!”

ફરી એક વાર સૃષ્ટિ એકતાન, એકનિશ્ચય, એકાગ્ર બની નવા આગંતુકની રાહ જોતી થોભી રહી. બધે બધી જ ક્રિયા થંભી જવાની તૈયારી હતી ત્યારે ધુમ્મસનાં આવરણ છેદી નવો તારક ફરી બહાર આવ્યો. મોગરાએ ઊંચા થઈને પોતાની સુગંધ એની તરફ મોકલી. સાગર એકધારું ગુંજી રહ્યો. સંધ્યાએ રાત્રિને થોડી આવવા દઈ પોતે ટહેલવાની રજા માગી લીધી.

બુલબુલ, પોપટ, મોર ટોળે વળી એના પ્રકાશ તરફ ઊડવા લાગ્યાં. પર્વતનાં શિખરોએ ઊંચી જડોક કરી સૌ કરતાં નજીકનું એનું દર્શન ચોર્યું. પવન એની તરફ દોડયો ત્યારે વૃક્ષોએ પણ ઝૂકીને એને વંદન કર્યું. સૃષ્ટિએ એક જ અવાજે એને પૂછયું:

“ત્યારે એ યુવતી કોણ અને કોની?”

‘જો, આપણે બધા એકત્ર થઈ, એકબળ અને એકનિશ્ચયથી એ યુવતીને ફરી પાછું એનું યૌવન આપી શકીએ, એને હતી એવી સૌન્દર્યવતી બનાવી શકીએ અને નૃત્ય કરતી પૃથ્વીના વિશાળ પટ પર છૂટી મેલી દઈએ ત એ યુવતી એની એ જ છે – સૌ કોઈની છે – એક એકની અને એકીસાથે બધાની છે.”

પોપટ અને બુલબલે એકબીજા સામે જોયું. પછી બંનેએ એકીઆવજે પેલા તારકને પૂછયું:

‘તો એનું નામ શું છે?’

“મુક્તિ!”

License

ખરા બપોર Copyright © by જયંત ખત્રી. All Rights Reserved.