૧૧. ઈશ્વર છે?

નીરવ અંધારી મધરાત શહેરની ગલીઓમાં સૂતી હતી. ત્યારે એની ચુપકીને પડકારતો એક પુરુષ, એક શેરીના અંધારામાંથી બહાર નીકળ્યો.

મોટા રસ્તાની વીજળીની બત્તીમાં અજવાળાં નીચે એ બરાડામાંથી જરા વાંકો વળેલો દેખાયો. એણે માથે રૂમાલ બાંધ્યો હતો અને રૂમાલવાળા માથા પર કઢંગી રીતે કાળી ટોપી પહેરી હતી. પગ સિવાયના બાકીના શરીરને એણે ધાબળે વીંટયું હતું.

હાડકાં ધ્રૂજવે એવી કકડતી ટાઢ વાતી હતી. રસ્તાની બંને બાજુનાં મકાનોનાં બારીબારણાં બંધ હતાં. દરેક જીવતું જીવ પોતાની સુરક્ષિત જગાની હૂંફમાં પડયું હતું, ત્યારે અસ્વસ્થ અને બેકાબૂ ઉતાવળે આ પુરુષ, રસ્તાની સુસ્ત ઠંડી નિર્જનતાને ભેદતો આગળ વધી રહ્યો હતો.

આખે રસ્તે એને કોઈએ પડકાર્યો નહિ. ખૂણેખાંચે ટૂંટિયું વાળી પડેલું કૂતરું પણ એની તરફ ભસ્યું નહિ. મોટો રસ્તો પસાર કરી એક ગલીના મોઢા આગળ એ અટક્યો. કમર પર હાથ મૂકી બરડા પર ટટ્ટાર થઈ એણે ખૂણાના મકાનની ઉપલી ભોંની બારી તરફ જોયું.

એણે ધાબળા નીચેથી દૂબળો, ઝીણો હાથ બહાર કાઢી, બંધ ડેલીના કમાડનું કડું પકડી ખખડાવ્યું, અને મોટેથી બૂમ પાડી: “ગોવિંદ, ઓ ગોવિંદ!”

એની રાડને મધરાતની ચુપકી ખાઈ ગઈ.

એણે કડું ખખડાવ્યે રાખ્યું અને બૂમો પાડયે રાખી. એના અવાજમાં આજીજીનો અશક્ત પરિકંપ હતો. તોય માનવીની મૃતપ્રાય ઊંઘ ઊડી નહિ. એણે તોય બૂમો પાડયે રાખી: “ગોવિંદ, ઓ ગોવિંદભાઈ!”

આખરે એને ઉત્તર મળ્યો. ભાગ્યે જ સંભળાય એવું ઊંડેથી કોઈ બોલી ઊઠયું:

“કોણ – કોણ છે?”

ચુપકી સજાગ બની.

“બારણું ખોલ!”

“પણ છો કોણ તું?”

“હું નારાણ.”

“અત્યારે? ઊભો રહે, હેઠો આવું છું!”

નારણે ચારે તરફ ડોકું ફેરવ્યું. ખૂણેખાંચે કોઈ છત નીચે કે કોઈ વિશાળ બાંધકામ આડે અંધારાં સૂતાં હતાં. બાકીના સ્થળે અજવાળાં ઝોકાં ખાતાં હતાં, પોષ મહિનાની ટાઢ હરેક સજીવ-નિર્જીવ વસ્તુમાં પ્રવેશવા પ્રસરી રહી હતી. એની પાછળ પાછળ નીરવ ચુપકી વફાદારીથી પહેરો ભરી રહી હતી.

સાંકળ ખૂલ્યાનો અવાજ થયો અને ડેલી ખોલતાં ગોવિંદે સાશ્ચર્ય પૂછયું.

“નારાણ, આ અરધી રાતે!”

નારણ ડેલીમાં પ્રવેશ્યો. વીજળીની બત્તીનાં અજવાળાં નીચે, લાકડીને ટેકે ઊભા રહેતાં નારાણના પગ ધ્રૂજી ગયા. એણે કઢંગી રીતે ગોવિંદને પૂછયું:

“ઈશ્વર છે?”

“હે?” ગોવિંદ કશું જ ન સમજ્યો હોય એમ આશ્ચર્યથી એણે નારાણ સામે જોયું.

“હા,” નારાણ ત્વરાથી બોલ્યો: “ઈશ્વર છે?”

“કોણ, તારો ઈશ્વર?”

“એ અહીં ક્યાંથી હોય? ઘેર નથી?”

“ના,” નારાણે કહ્યું ત્યારે એનો અવાજ જરા ધ્રૂજ્યો. “ગઈ રાતનો ગુમ થયો છે, તે અત્યાર સુધી પાછો નથી ફર્યો. એ ક્યાં ગયો હશે? એને શું થયું હશે, ગોવિંદભાઈ?”

નારાણ પડખે ખસી, ડેલીના ઓટલાનો ટેકો લેતાં નીચું માથું કરી ગયો.

એક પળ બેમાંનું કોઈ કશું બોલ્યું નહિ.

“પણ એમ કેમ બેન?” ગોવિંદે શંકા બતાવતાં કહ્યું, “આ અમસ્તો નહિ જ જતો રહ્યો હોય. કંઈ ઝઘડો થયો હતો?”

“હું ઈશ્વરની સાથે ક્યારેક ઝઘડયો નથી!”

“ક્યાંક જતો રહ્યો છે તો અકારણ જ નહિ ગયો હોય! એ તારાથી નારાજ થયો હોય એવું તને લાગે છે?”

“આ તું શું કહે છે, ગોવિંદ?” કહેતો નારાણ ઓટલે સરકીને બેઠો. “હું ઈશ્વરને દૂભવું ખરો?” રોષ અને ખેદથી એ ગોવિંદ સામે જોઈ રહ્યો:

“એની મા મરી ગઈ ત્યારે એ છેક નાનો હતો, મારા શરીરના કોઈ અંગની દેખભાળ કરું એવી કાળજી મેં એને ઉછેરીને મોટો કર્યો….મેં એને ઇજનેર બનાવ્યો હોત, પણ એણે નિશાળ મીકી અને મને કહ્યું: “બાપા, હું તમારી પાસેથી નકશી શીખીશ.” ચાંદી ઉપર નકશી કરો છો, તમે શું ખોટા છો?’ આ છોકરાને હું શું ઉત્તર દઉં? એને શી કબર કે મેં મારી જિંદગીની સુખચેનની પળોને દીવાસળી દઈ માત્ર શોખ, મમતની ખાતર ચાંદી પર નકશી કોતરવી ચાલુ રાખી હતી, પણ મારા ઈશ્વરને હું ઓળખું ને! એ તો ધાર્યું કરવાવાળો હતો! મેં એને દુકાને બેસાડયો, અને મારી કામગીરી મેં એને આપી.”

આટલું બોલ્યાનો થાક ચડયો હોય એમ નારાણ હાંફવા લાગ્યો. એનો અવાજ થોડો મંદ પડયો. એણે ફરી બોલવું શરૂ કર્યું:

“તને નથી ખબર, ગોવિંદ, એના હાથમાં મારાથી વધારે સફાઈ છે. એના ઉપસાવેલા ‘ઘાટ’માં મારા કરતાં વધારે ચોકચાઈ છે. ના, ના! તમારી એ જૂની કામગીરીનો હું છેલ્લો કારીગર નથી, ઈશ્વર છે!” ખોખરા થઈ જતા પોતાના અવાજને સમારવા નારાણે ખાંસી ખાધી, થોડું થોભ્યો અને પછી ઉમેર્યું: “એ છેલ્લો કારીગર, મારો વારસ નથી! મને બીક લાગે છે, એ હવે કોઈ દહાડો પાછો નહિ ફરે!”

નારાણ બરડામાંથી જરા વધારે વાંકો વળ્યો, એનું માથું નમી પડયું, ગળે આવતા ડૂમોને રોકવા જતાં એનું અંગેઅંગ થથરી ઊઠયું. ગોવિંદે એને બંન્ને ખભેથી પકડયો:

“નારાણ – નારાણભાઈ, આ તું શું કહે છે? ગાંડો થયો કંઈ!”

‘રડતા અવાજે નારાણ બોલ્યો: “ગોવિંદ, હું તો સાવ નિરાધાર બની ગયો!”

“અરે ભલા માણસ આમ હામ શું હારે છે? અમે બેઠા છીએ ને! તારા ઈશ્વરને પાતાળમાંથી શોધી લાવશું. ઠંડો પડ, હિંમત રાખ. આવ, જરા અંદર આવ. આરામ લે.”

“ના, ના. મને જવા દે, ગોવિંદ! અરધી રાતે હું છેક જ બેચેન બની ગયો. એટલે આવે ટાણે તારી પાસે વાત કરવા હું દોડી આવ્યો. હવે જવા દે મને.”

“આજની રાત અહીં રોકાયો હોત તો ઠીક થાત!”

“ના, હું તો જઈશ,” કહેતો નારાણ પાછો ફર્યો.

“કાલે દુકાને મળીશ, આપણે ગમે તેમ કરીને ઈશ્વરને શોધી કાઢશું, સમજ્યો? હિંમત રાખજે!”

ડેલી બંધ થતાં પોષ મહિનાની ટાઢ, અંધારાં અને પેલી સર્વવ્યાપી ચુપકી નારાયણ પર તૂટી પડયાં. શહેરની મૃતપ્રાય નીરવતાને વીંધતો એ ઘેર પહોંચ્યો.

બે ત્રણ ગોદડાં ઓઢી, ટૂંટિયું વાળી પડખે થઈ નારાણ ખાટલે પડયો. એની રગેરગમાં ઠંડી વ્યાપી ગઈ હતી. એનું હૃદય જોરથી થડકી રહ્યું. ટૂંકા શ્વાસ ભરતો, એ પડયો તેમ થોડી વાર પડી રહ્યો. થોડી હૂંફ વળતાં એણે માથા પરથી ગોદડું ઊંચું કર્યું. ખાટલાથી થોડે દૂર જમીન પર પડેલું લાલટેન ઓરડાને પ્રકાશિત કરી રહેતું દેખાયું. ઓળા બેડોળ આકાર લેતા સામેની ભીંત પર લંબાતા દેખાયા એ જમીન પર વેરવિખેર પડેલી કેટલીક વસ્તુઓના ઓળાઔ પર નારાણની નજર દોડવા લાગી અને ઓરડામાં બધી બાજુ એની નજર ફરી વળી, અહીંનીક એકેક વસ્તુમાં ઈશ્વરની યાદ ભરી હતી. વાસણ, ગાદલાં, ગોદડાં, કપડાં, હથિયારોની પેટી અણે ત્યાં ઊંચે ગોખલામાં ઈશ્વર નાનપણમાં રમતો એ રમકડાંયે સાચવેલાં પડયાં હતાં.

રાત્રી સ્તબ્ધ અને શાન્ત હતી. નારાણને જીવ ઊંડે ઊંડે ગૂંગળાવા લાગ્યો એણે આંસુઓ વહેવા દીધાં.

ઈશ્વર નાનો હતો ત્યારે કેવો ફિક્કો અને દૂબળો હતો? પણ એની આંખોમાં ગજબની ચમક હતી. એના ફિક્કા, કુમળા હોઠ હંમેશ મક્કમતાથી બિડાયેલા રહેતા. પરોઢના નારાણ એને નદીએ નાહવા લઈ જતો. પોતે કપડાં ધોતો ત્યારે ઈશ્વર અહ્લાદથી પૂર્વમાં પ્રકાશ પ્રગટતો જોઈ રહેતો. કોઈ નવું ફૂલ, કોઈ ધ્યાન ખેંચે એવું પક્ષી, કોઈ સૂરીલો અવાજ, પ્રગટ થતું કોઈ પણ નાવીન્ય ઈશ્વરને સચેત અને ઉત્સુક બનાવી મૂકતાં.

ઈશ્વર બારેક વરસનો હશે ત્યારે શ્રાવણ મહિનાની એક સવારે નિશાળેથી પાછી વળી આવી એ બાપની દુકાને ચડયો. નારાણની સામે ફાટેલી તાલપત્રી પર, ઊંધે ઘૂંટણે બેસી એણે મક્કમતાથી કહ્યું: “બાપા, હું હવે નિશાળે નહિ જાઉં. મારે તમારી પાસેથી નકશી શીખવી છે!”

‘પણ તેમાં નિશાળ છોડવાની શી જરૂર છે? હું તને આમે નકશી શીખવીશ!’

‘અહં!” ઈશ્વરે નીચું જોતાં કહ્યું, “મારે નથી ભણવું!” નારાણે ઘણું સમજાવ્યો, તોય ઈશ્વર એકનો બે ન થયો.

“બેટા,” છેવટે નારાણે આજીજી કરતાં કહ્યું, “સોનીનો ધંધો તારા માટે સારો નથી!”

“કાં?’ ઈશ્વરે પૂછયું ત્યારે એના ચહેરા પર દર્દભર્યું આશ્ચર્ય છાઈ ગયું.

“જે નકશી હું જાણું છું એનાં માનમરતબો હવે રહ્યેં નથી, અને સોનાચાંદીની મજૂરીમાં હવે તો પેટપૂરતું મુસીબતે મળે છે!”

“એમ કેમ બને બાપા? આપણે ક્યાં દુ:ખી છીએ?” નિર્દોહ ભાવથી ઈશ્વર નારાણ સામે જોઈ રહ્યો. “તમે કરો છો એવી નકશી જ મારે કરવી છે, અને એમાંથી જ મારે રળી ખાવું છે. બાપા, શીખવશો ને?”

નારાણને યાદ આવ્યું. જિંદગીમાં કોઈ દહાડો નહિ એવી રીતે, તે દહાડે બાપદીકરો એકબીજા સામે જોતા બેઠા. એ નજરની દોર પર સમજૂતી થઈ. બન્ને જણે પોતાની જિંદગીનો અગત્યનો નિર્ણય લઈ લીધો.

“તું મારા જેવો જ અવહેવારુ છો, દીકરા!” પછી સ્વસ્થતા એકઠી કરતાં નારાણે નિશ્ચયપૂર્વક ઉમેર્યું, “ઠીક, નકશી શીખવી છે ને? તો ઉપાડ પેલું ટાંકણું,” એણે ખૂણામાં આંગળી ચીંધી, “છેવાડેથી ચોથું!”

ખાટલા પર સૂતો નારાણ સ્મૃતિઓ એકઠી કરવા લાગ્યો. તે દહાડે એણે પોતાના મન પરથી ઘણોબધો બોજ ઊતરી ગયેલો અનુભવ્યો હતો. “આપણે શું દુ:ખી છીએ?” એવા ઈશ્વરના કથને નારાણને સુખ અને તૃપ્તિ અનુભવ્યાના ભાવથી ભરી દીધો હતો. ઈશ્વરના એ કથન પાછળ, કલાસાધના માટે આવશ્યક એવા ત્યાગની તૈયારી અને તપોસાધનાના નિશ્ચયબળની નારાણને ચોક્કસ ઝાંખી થઈ હતી. અસ્તિત્વ ટકાવવા આખરે માણસને બે ટંક ખાવાનું જ જોઈએ ને? એટલું મળી રહેતું હોય તો જીવનની ચિરંજીવી સીમાહીનતા એની નકશીનાં વળાંક, ઘાટ, ઉઠાવ, ચોકસાઈ, રીત અને એની સમગ્રતામાં ભરી પડી હતી! જિંદગીભર માણસ જેમાં ભમતો રહે એવી લાગણીઓની અનંત વિશાળતા હથેલીમાં સમાય એટલી નકશીમાં ભરી હતી! એવી અવહેવારુ અને દારિદ્રભરી, પણ આહ્લાદજનક અનંતતામાં નારાણ ઈશ્વરને દોરી ગયો…..

ખાટલામાં પડી રહેતાં નારાણને એ દિવસ યાદ આવ્યો અને એ દિવસ અનુભવેલા આનંદની સ્મૃતિ તાજી થતાં એણે ગોદડા નીચે પગ લંબાવ્યા.

ઈશ્વર નકશી કરવા બેસતો ત્યારે એને કોઈ બેધ્યાન કરી શકતું નહિ. વરઘોડા અને સરઘસો દુકાન આગળથી પસાર થતાં. તહેવારોના દિવસે સુંદરીઓનાં જૂથ કિલકિલાટ કરતાં રસ્તો ભરી દેતાં, પણ ઈશ્વર ક્યારેય નકશીમાંથી માથું ઊચું કરી રસ્તા પર નજર નાખતો નહિ. ચાંદીના થાળમાં સવારે ઉપસાવેલી વેલની ડાંખળીઓ પર સાંજે પાદડાં પાંગરતાં અને બીજે દિવસે ફૂલો ખીલી ઊઠતાં. ક્યાંક કોઈ પારેવડાને ઈશ્વર ઊડવાની ક્રિયામાં થંભાવી દેતો. કોઈ ભયગ્રસ્ત ખિસકોલીને એ પાંદડા નીચે સંતાતી બતાવતો, તો કોઈ હરણ બેબાકળી ચંચળતાથી માથું પાછળ ફેરવી ફાળ ભરતું દેખાતું, એમ ચાંદીના થાળને ઈશ્વર ચિરંજીવી બનાવી દેતો.

“આ તારી બનાવેલી પાનદાની છે તો સુંદર, પણએને કોણ ખરીદશે?” નારાણે એક વાર ઈશ્વરને પૂછયું હતું.

“હેં? કોઈ નહિ ખરીદે?” નકશીથી વિખૂટી પડેલી ઈશ્વરની આંખોનો અણગમો તે દહાડે નારાણે જોઈ લીધો. ઈશ્વરના હંમેશ મક્કમતાથી બિડાયેલા રહેતા હોઠ તે દહાડે દયામણી રીતે ઢીલા થઈ ગયા. એ જોઈ નારાણનું કાળજું કપાઈ ગયું. એણે તો કળા પાછળ દોડતા એવા ઘણાય કાપ પોતાના કાળજા પર મૂક્યા હતા અણે મૂંગે મોઢે સહન કર્યા હતા!…

રાત્રિની ઘડીઓ ઊડવા લાગી અને લાલટેનની જ્યોત ઝાંખી થવા લાગી. ભીંત પર લંબાયેલા ઓળાઓ અસ્પષ્ટ બન્યા, ત્યારે નારાણની પાંપણો વિચારોના થાકથી ઢળી પડી. એ અસ્વસ્થ ઊઘમાં સરી પડયો.

નારાણ સવારના જાગ્યો તેવો જ એક વિચારે એને ઘેરી લીધો: ‘એવું શું બન્યું હશે કે જેથી ઈશ્વરને ઘર છોડવાની જરૂર પડી?” બેચેન નારાણ નદીએ નાહવા ગયો. ત્યાં પણ એ પોતાની જાતને પૂછતો હતો, ‘મેં એવું કંઈ કર્યું નથી જેથી ઈશ્વર મારાથી નારાજ થાય! ઈશ્વર ત્યારે કેમ જતો રહ્યો હશે?’ વિચારોની એવી સતામણીથી પીડાતો નારાણ દુકાને પહોંચ્યો.

દુકાન વાળીઝૂડી એ બેસવાની તૈયારી કરતો હતો ત્યાં ગોવિંદે એને બોલાવ્યો. ગોવિંદને સોનાના છેલ્લી ઢબના દાગીના, હીરા, મોતી અને ચાંદીની કારીગરીવાળી વસ્તુઓની મોટી દુકાન હતી. મોટા અરીસા, સફાઈદાર ‘શો-કેસ,’ દિવસનાયે ઝળહળતી બત્તીઓ, અને અનેક નોકરોથી ભરપૂર દુકાનના મોટા ખંડની પછવાડેના એક નાનકડા ઓરડામાં નારાણ પહોંચ્યો ત્યાં એણે ગોવિંદ અને આત્મારામ માસ્તરને ગંભીર બની બેઠેલા જોયા.

“પણ કંઈક તો બન્યું જ હશે ને! અકારણ કોઈ ઘર ન છોડે.” અત્મારામ બોલતા સંભળાયા.બાજુની ખુરશી પર બેસવા જતા નારાણ તરફ ગોવિંદે સૂચક નજર ફેંકી.

નારાણ એ બન્ને તરફ મૂઢની જેમ જોઈ રહ્યો. વાંકો વળેલો, રંગે શામળો ઉંમર પ્રમાણે અકાળે વૃદ્ધ દેખાતો, કમરમાંથિ વાંકો વળેલો, ઝીણી, મેલી ઊંડી ઊતરી ગયેલી આંખોવાળો, ચહેરા પર ઊપસી આવેલાં દેખાતાં હાડકાં નીચે અંદર પેસી ગયેલા ગાલ પર અનેક રેખાઓ મઢાઈ ગઈ હતી, એવો ચહેરો એણે વારાફરતી ગોવિંદ અને આત્મારામ તરફ ફેરવ્યો…

“મને કશી જ ગમ પડતી નથી. રાત્રે અને આજે સવારે મેં ઘણું વિચાર્યું, પણ ઈશ્વરના જતા રહેવાનું એક બહાનુંયે મને શોધ્યું ના મળ્યું!” નારાણે નિ:શ્વાસ મૂકતાં કહ્યું.

“હંમેશ કરતો એવી રીતે મેં એને બે દિવસ પર કામ કરતાં જોયો હતો. એક થાળ પર એ નવો ‘ઘાટ’ ઊપસાવી રહ્યો તો – કમળ જેવું કંઈક, પણ કમળ નહિ. એની પાંદડીઓને વધારે પડતી ઉપસાવવા બાબત મેં એને ટકોર કરી હતી કે એ પદ્ધતિસર નકશી નહોતી, એ ઉપસાવી રહ્યો હતો એ સાચો ‘ઘાટ’ નહોતો, અને સાચા કારીગરે પદ્ધતિ વિનાનાં કામ કરવાની કુટેવમાં પડવું ન જોઈએ. મારી સામે એક શબ્દ પણ બોલ્યા વગર એણે એ કામ પડતું મેલ્યું. ખરેખર, ઈશ્વરને ઠપકો દેવાનો કોઈ પ્રસંગ અત્યાર સુધી ઊભો થયાનું મને યાદ નથી.”

“એ કામ છોડવા બદલ એણે તમારી સાથે કંઈ ચર્ચા નહોતી કરી?” માસ્તરે પૂછયું.

“ના, ઈશ્વર ક્યારેય મારી સાથે ચર્ચાં કરતો નહિ. એ તો હું કહું તેમ જ કરતો!”

“ન ગમતું હોય તોય કરતો, ખરું?”

આત્મારામના આ પ્રશ્ને નારાણ પર આગ ફેંકી હોય એમ ચમકીને એ ઊભો થઈ ગયો. એની આંખોનો રોષ આત્મારામની આંખોમાં ઠલવાયો. અપમાન થયાની અને દુભાઈ ગયાની છાપ એના મરડાઈ ગયેલા મોઢા પર તરી આવી, કશુંક બોલવા એના હોઠ ખૂલ્યા પણ કંપીને ફરી બિડાઈ ગયા. એ બરડા પર વધાર ટટ્ટાર થયો અને એ બન્ને તરફ અણગમાની નજર નાખતો એ ત્વરાથી ઓરડો છોડી ગયો.

આત્મારામ કશુંક બોલવા જતા હતા તેને ગોવિંદે રોક્યા, “એને રહેવા દો, બિચારાની સાન ઠેકાણે નથી. પણ –” ગોવિંદે વધારામાં ઉમેર્યું: “કંઈક જરૂર બન્યું હશે જેની મહત્તાનું નારાણને ભાન નથી!”

“પણ હવે,” માસ્તરે પૂછયું: “એની શોધ કમ શરૂ કરશું?”

“એનો ફોટોગ્રાફ છે?”

“હા.” ગોવિંદે કહ્યું, “ગ્રૂપમાં છે.”

“તો ગોવિંદ સાંભળ,’ આત્મારામે કહ્યું, “હું ચોક્કસ માનું છુ કે ઈશ્વર જ્ઞાનપિપાસાનો માર્યો ભાગ્યો છે. એ ક્યાંક ચાંદીની કારીગરીના જાણીતા સ્થળે ગયો હોવો જોઈએ. રાજસ્થાનમાં કે ઉત્તર તરફ લોકપ્રિય છાપાંઓમાં ઈશ્વરના ફોટા સાથે એને શોધી આપવાના ઇનામની આપણે જાહેરાત કરીએ; અને બીજું, ઉત્તરના લગભગ બધા જ મોટા ઝવેરીઓ સાથે તારે ઓળખાણ છે. એ બધા પર આપણે ઈશ્વર વિષે પત્ર લખીએ, ખરું ને?”

“આ કામ તમારે ઉપાડી લેવાનું છે, માસ્તર,” ગોવિંદે કહ્યું, ‘ગમે તે ખરચ આવે, પણ ઈશ્વર મળવો જોઈએ.”

થોડી વારે એ બન્ને રસ્તા પર બહાર આવ્યા અને જોયું તો નારાણની દુકાન બંધ હતી.

“આમ કેમ?’ ગોવિંદે સાશ્ચર્ય કહ્યું, “આટલો જલદી એ ઘેર જાય નહિ!” બન્ને મૂઢ બની નારાણની દુકાન તરફ તાકતા ઊભા. બન્નેના મનમાં ગડમથલ ચાલી રહી હતી.

બીજે દહાડે પણ નારાણની દુકાન બંધ રહી ત્યારે ગોવિંદની ચિંતા વધી પડી. તે રાતના ચિંતાની બેચેની ભરી એણે ટુકડે ટુકડે ઊંઘ લીધી.

છેક ચોથે દહાડે સવારના એણે નારાણને સૂનમૂન થઈ, માથે હાથ દઈ પોતાની દુકાનને ઓટલે બેઠેલો જોયો. શિયાળાના તડકાથી દાઝેલી એની ચામડી વધારે શ્યામ બની હતી. થાક અને ચિંતાની વધારાની કરચલીઓ. મોઢા પર બેસવાથી નારણ નિર્ભેળ દયામણો દેખાતો હતો.

ગોવિંદ ઉતાવળે એની સામે જઈ ઊભો, “ક્યાં ગયો હતો આટલા દિવસ? આગળપાછળનો વિચાર કર્યા વગર, કોઈને ખબર આપ્યા વિના તું ઓચિંતાનો ગમે ત્યાં ચાલ્યો જાય તો તારો દીકરો તારા જેવો નીવડે એમાં શી નવાઈ!”

“બધે જ ફરી વળ્યો,” નારાણ શ્રમ કરીને બોલતો સંભળાયો ” ફણ ઈશ્વર ક્યાંયે નથી!”

“બધે ક્યાં?”

“આજુબાજુને ગામડે, સગાંવહાલાં અને ઓળખીતાંને ઘેર! પણ ઈશ્વર ત્યાં નથી!”

‘ઈશ્વર ક્યાંયે નથી’વાળું કથન ગોવિંદને ઘા થઈને વાગ્યું ‘ઈશ્વર ખરેખર ક્યાંયે નહિ હોય,’ એવું મનમાં વિચારતો એ પોતાની મોટા અરીસા અને ઝળહળતી બત્તીઓવાળી દુકાનમાં પેઠો અને ઈશ્વરને ગમે ત્યાંથી શોધી કાઢવાની મનમાં ગાંઢ વાળી.

*

જુદાં જુદાં સામયિકોમાં ઈશ્વર મેળવી આપવાની જાહેરાત થઈ ગઈ ઝવેરીની લગભગ બધી ખ્યાતનામ પેઢીઓ પર પત્રો લખાઈ ગયા.

મહિના બે વીતી ગયા. ઈશ્વર હજી શોધ્યો મળતો નથી.

નારાણ ઈશ્વરની ઇંતેજારીમાં યંત્રવત્ જીવ્યે જતો હતો!

નારાણ કામ કરતો થઈ ગયો તોય કામમાં એનું મન ચોટયું નહિ. એ ઓચિંતાનો કામ કરતો અટકી પડતો અને સામેની હવેલીની છત પર દેખાતા આકાશ તરફ તાકતો બેસતો તો ક્યારેક સૂનમૂન થઈ ઓટલે આવે માથે હાથ દઈ રસ્તાની ધૂળમાં કલાકો સુધી જોઈ રહેતો.

એક અમાસના નારાણ બજારમાંથી પસાર થતો હતો. અનાજની એક દુકાનની મેડી પર એને કેટલાક જણનો હસી હસીને વાતો કરવાનો અવાજ સંભળાયો. એને કાંઈક ખ્યાલ આવતાં એ ઓચિંતાનો ઊભો રહી ગયો. એની આંખો બદલાતી દેખાઈ. એણે ધીરે રહીને મેડીની બારી તરફ મોઢું ફેરવ્યું અને થોડી વાર જોયા કર્યું, પછી ઉતાવળે પાછો ફરતાં એ મેડીનો દાદરો ચડી ગયો.

મેડીમાં કેટલાક જુવાનિયાઓ પાનાં રમતાં હતા, કોઈ ચા પીતું હતું, કોઈ સિગારેટ ફૂંકતું હતું, કોઈ આડું પડયું કોઈકની મજાક કરતું હતું.

નારાણ દાદર ચડી ઉંબરે આવી ઊભો. ઝીણા દૂબળા હાથ બે બારણા પર ટેકવી એની ભૂરી નજર એક એક વ્યક્તિ પર ફરવા લાગી. ઉંબરા પર ટેકવેલી પાની પર એનો જમણો પગ ધ્રૂજી રહ્યો. નારાણના ચહેરા પર કોઈ લાગણીની અતિશયતાની બિહામણી છાપ બધાએ જોઈ અને બધાની ક્રિયા અટકી પડી. વાતો બંધ થઈ, હાસ્ય શમી ગયાં અને ચુપકી તોળાઈ રહી! નારાણની નજર પર્યટન કરી પાછી ફરી ત્યારે એણે ઓચિંતાનું પૂછયું:

“ઈશ્વર છે?”

એ પ્રશ્ન એક એક વ્યક્તિ પર અથડાઈ, એક વાર તો ભોંઠો પડતો દેખાયો, પણ કોઈએ ચાનો પ્યાલો જમીન પર મૂકતાં જવાબ આપ્યો:

“ના બાપ, ઈશ્વર અહીં નથી.”

નારાણની નજરે એક એક વ્યક્તિ પર ફરી બીજો આંટો માર્યો. પછી હાથ હેઠા ઢાળી, પગ પાછા લઈ પીઠ ફેરવતાં, જાણે પોતાને જ પૂછતો હોય એમ ધીમું બબડયો, “તો ક્યાં છે?” અને હળવેકથી દાદર ઊતરી ગયો.

ક્યાંક પણ ટોળું જમા થયેલું નારણ જોતો કે તરત જ એના ચહેરાના ભાવ બદલાતા. એની આંખોમાં વિચિત્ર રોશની પ્રગટતી. એના બરડાના વળાંકમાંયે ફેર પડી જતો. ટોળાની એક એક વ્યક્તિને એ ધારી ધારી જોયા કરતો, અને કોઈકને પૂછયા વગર એ રહેતો નહિ, “ઈશ્વર છે?” હવે તો સારાય ગામને ખબર પડી ગઈ હતી કે નારાણે ઈશ્વરને ખોયો હતો અને એની શોધમાં એ ગાંડો બનવાની તૈયારીમાં હતો.

ગોવિંદ અને આત્મારામ નારાણના આવા વર્તનથી ક્ષોભ અનુભવવા લાગ્યા.

એક વાર હાઈસ્કૂલમાં કોઈકનું ભાષણ ગોઠવાયું હતું. વિદ્યાર્થીઓ અને અન્ય લોકો સારી સંખ્યામાં હાજર હતા. વિશાળ ખંડમાં ઊભા રહેવાની જગા ન મળે એવી ઠઠ્ઠ જામી હતી. નારાણ ઓચિંતાનો ત્યાં જઈ ચડયો. એણે દોઢ કલાક સુધી, તંગ બની, એકએક વ્યક્તિને ધારી ધારીને જોઈ! એની આંખ ફરકવા લાગી, હોઠ ધ્રૂજી રહ્યા, હાથની આંગળીઓ અસ્વસ્થ અને કઢંગી રીતે સાથળ પરના ધોતિયાને ખેંચવા લાગી. કાર્યક્રમ સમાપ્ત થયો, લોકો વિખરાયા. ઉપરનો વિશાળ ખંડ ખાલી પડયો. સાંજનાં અંધારાં ઊતર્યાં તોય નારણ ખંડના મોટા દરવાજા આગળ ઊભો રહ્યો. પટાવાળો આખાય ખંડમાં કચરો વાળતો દરવાજા આગળ પહોંચ્યો ત્યારે એની નજર પટાવાળો આખાય ખંડમાં કચરો વાળતો દરવાજા આગળ પહોંચ્યો ત્યારે એની નજર નારાણ પર પડી. વાંકો વળેલો પટાવાળો તરત જ ટટ્ટાર થઈ ગયો. નારાણના ચહેરાનો રંગ અને આંખોની ચમક જોઈ એ ડઘાઈ ગયો અને તાકતો રહી ગયો. નારાણે ધ્રૂજતો હાથ ઊંચો કર્યો અને કંપતી આંગળીઓ વિશાળ ખંડ તરફ બતાવતાં એણે પૂછયું:

“આમાં ક્યાંય તને ઈશ્વર દેખાયો?”

જાણે જીવનમરણના કોઈ પ્રશ્નનો જવાબ મળવાનો હોય એવી ઉત્સુક અને ઉગ્ર આતુરતાથી નારાણ પટાવાળા તરફ જોઈ રહ્યો.

“ના,” પટાવાળાએ દેખીતી, બેબાકળી અસ્વસ્થતાથી જવાબ વળ્યો, ‘મેં ક્યારેય ઈશ્વરને જોયો નથી!” એણે નારાન તરફ જોતાં, હાથમાંના ઝાડુને હેઠે પડવા દીધું.

“મનેય ઈશ્વર ન દેખાયો!” કહેતો નારાણ લથડયો અને ઊભો હતો ત્યાં બેસી ગયો. એણે ધ્રૂજતા હાથ લલાટે મૂક્યા. એની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યાં. રુદનને રોકવાના પ્રયત્નરૂપ એક ગળગળો અવાજ પટાવાળાએ નારાણના ગળામાંથી નીકળતો સાંભળ્યો. એ નારાણ તરફ નીચું નમ્યો.

ત્યારે અંધારાં ઊતરી પડયાં હતાં. શહેરનાં ઊંચાં મકાનો પાછળ વિલીન થતી સન્ધ્યાની લાલી, વીજળીની બત્તીઓની ચોકીપહેરા વચ્ચેથી છટકી આવી હાઈસ્કૂલની અગાશીમાં લટાર મારી હતી!

પટાવાળો નારાણનો હાથ પકડી, બે દાદર ઉતારી એને રસ્તા પર મૂકી ગયો.

તે રાતના નારાણ ખાટલે પડયો અને ખાટલા આગળના લાલટેનને ઓલવવા નીચું નમ્યો કે તરત જ એના જીવનની હૂંફાળી, સુંવાળી, દર્દભરી યાદનું લશ્કર એના પર તૂટી પડયું. સુખ અને દુ:ખ, હર્ષ અને ખેદ, તૃપ્તિ અને અસંતોષ વચ્ચે કલાકાર નારાણની લાગણીઓએ અનેક પર્યટનો કર્યાં હતાં. એણે પોતાના જીવનની હરેક જાગ્રત પળ લાગણીના કોઈ ને કોઈ અનુભવમાં વિતાવી હતી. એ યાદનો ઢગલો આ નાનકડા ઓરડામાં સમાઈ ન શકે એવડો મોટો હતો. એણે સ્વસ્થ થવાના નિષ્ફળ પ્રયત્નો કર્યા. સ્મૃતિઓની સતામણી નીચે એ રિબાતો પડી રહ્યો.

એ સવારે ગોવિંદ પોતાની મોટી દુકાનમાં સુંવાળાં ગાદીતકિયે ચોપડો તપાસીક રહ્યો હતો ત્યારે નારાણ ઉતાવળે પગથિયાં ચડતો, ઉશ્કેરાયેલો દેખાતો એની તરફ આવતો દેખાયો.

“તેં આ જોયું?” નારાણે પોતાના હાથમાંના એક સચિત્ર અઠવાડિયાના ખુલ્લા કરેલ પાના તરફ ગોવિંદનું લક્ષ દોર્યું.

“શું?” ગોવિંદે ચશ્માં ઉતારી નારાણ તરફ જોયું.

“આ આ તારી દુકાનનું જ છાપું છે.” નારાણ ઉશ્કેરાટમાં બોલી ઊઠયો: “આ જો – આ ચાંદીના દાબડાનો ફોટો – એના ઢાકણા પરનો મધ્યમાનો ‘ઘાટ’ તેં જોયો! કમળનું ફૂલ! સાત નાગને એકબીજામાં ગૂંથી એમની ફેણમાંથી કમળના ફૂલની પાંદડીઓ બનાવી છે, જોયું? – જરા નીરખીને જો!”

ગોવિંદે ચશ્માં ચડાવ્યાં અને પેલા પાના તરફ જોયું. બીજા પાના પર દાબડાના ઢાંકણા પરના કમળનો ‘ક્લોઝ અપ’ ફોટો પણ આપ્યો હતો.

“હા – તે એનું શું?” ગોવિંદે પૂછયું.

“હું કહું છું,” નારાણ ઉતાવળે બોલી ઊઠયો, “આ નકશી ઈશ્વરની છે. આ જ કમળનો ઘાટ ઉપસાવવા માટે મેં એને ટકોર કરી હતી, અને મારા કહેવાથી એણે એ કામ પડતું મેલ્યું હતું.”

‘અને પછી તરત જ એ જતો રહ્યો, નહિ?” ગોવિંદે સચોટ રીતે પૂછયું.

“હા,” નારાણ ઓચિંતાનો ઢીલો પડી ગયો, “ત્યાર પછી બેત્રણ દિવસે એ ગુમ તયો! પણ — ફન ગોવિંદ, આ ફોટા નીછે શું લખ્યું છે?”

“કોણ જાણે,” ગોવિંદે કહ્યું, “થોભ, આત્મારામને બોલાવીએ. એ ઈન્ગ્રેજીનો અર્થ કરી સંભળાવશે.”

આત્મારામને નિશાળેથી આવતાં દોઢ કલાક લાગ્યો. ત્યાં સુધી નારાણે પોતાની અને ગોવિંદની દુકાન વચ્ચે આંટા માર્યા કર્યા.

“યુરોપના કોઈ એક દેશના મહામંત્રી આપણા દેશની મુલાકાતે આવ્યા ત્યારે આપણી સરકારે આ દાબડો એમને ભેટ આપ્યો.’ આત્મારામે છાપું વાંચતાં અર્થ કરી સંભળાવ્યો.

“બસ, આટલું જ!’ નારાણ અધીરતાથી બોલી ઊઠયો.

“અને–” આત્મારામે એક કડવી નજર નારાણ તરફ નાખતાં આગળ વાંચ્યું: “માનમલ ગ્યાનીચંદની પેઢીએ આ દાબડો બનાવ્યો છે!”

“માનમલ ગ્યાનીચંદ? એ કોણ?”

નારાણે ગોવિંદ તરફ જોતાં પૂછયું.

“માનમલ ગ્યાનીચંદની પેઢી દિલ્હીમાં છે. આપણે એને પત્ર લખ્યો છે ને માસ્તર?” ગોવિંદે આત્મારામને પૂછયું.

આત્મારામે પોટલામાંથી એક ફાઈલ કાઢી, એનાં પાનાં ઉથલાવ્યાં. “હા,” એણે કહ્યું, “આ રહ્યો એ પત્ર! બધા સાથે એને પણ આપણે લખ્યું હતું. પણ એના તરફથી કંઈ જવાબ હજી મળ્યો નથી!”

“પણ આ કારીગરી ઈશ્વરની જ છે!” નારાણ ઊભો થઈ જતાં માસ્તર સામે આંખો તાણીને જોરથી બોલ્યો:

“ઈશ્વર ત્યાં જ છે – દિલ્હીમાં છે – ઈશ્વર ત્યાં જ છે – ત્યાં જ હોવો જોઈએ – સમજ્યા?! ઈશ્વર…… ઈશ્વર….!

ગોવિંદે એનો હાથ પકડી ગાદી પર બેસાડયો, “ધીરો પડ, નારાણ ધીરો પડ!”

“મારે દિલ્હી જવું છે – આજે જ, હમણાં જ!”

“અરે, એમ કંઈ જવાય! આપણે જરૂર વ્યવસ્થા કરશું. વિચારીને પગલાં ભરાય, મારા ભાઈ!”

“ગોવિંદ,” નારાણનું મોઢું અપાર દુ:ખ ભોગવ્યાની વ્યથાથી મરડાઈ ગયું હતું. “આ ખબર પડયા પછી હું એક પળ અહીં કેમ વિતાવી શકું, કહે જોઉં? તમને શું ખબર મારા મનમાં કેવુંક થતું હશે! આટલો સમય ઈશ્વર વિના મેં કેવી રીતે વિતાવ્યો હશે એની પીડા હું જ જાણું! તમને…. તમને એની શી ખબર, ગોવિંદભાઈ?” નારાણની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. ધોળે દિવસે બળતી એ દુકાનની બત્તીઓ આડે ધુમ્મસ ફરી વળતું નારાણે જોયું. એણે રડયા કર્યું.

બીજે દિવસે નારાણની દુકાન બંધ રહી.

*

“આવો માસ્તર,” ગોવિંદે આત્મારામને ગાદીએ બેસાડયા. “તમને અમસ્તો ધક્કો પડયો?”

“કેમ?”

“મેં ધાર્યુ જ હતું કે એ મૂરખ થોભશે નહિ. નારાણ જતો રહ્યો. દિલ્હી ઊપડયો હશે.”

“હવે?” આત્મારામે પૂછયું.

“વિચારું છું કે શું કરું! કોઈકને નારાણ પાછળ મોકલું? પણ એને શોધવો કયાં?”

“મારું માનો તો એ ગાંડા પાછળ જવાનો કોઈ અર્થ નથી. બે અઠવાડિયાં રાહ જુઓ ગોવિંદભાઈ!” આત્મારામે ઉકેલ કાઢયો.

બે અઠવાડિયાં વીતી ગયાં ત્યારે ગોવિંદની અસ્વસ્થતા વધવા લાગી. સમીસાંજની એની દુકાનની ઘરાકીમાં એનું મન ચોટયું નહિ. ખૂણામાં વાગતા રેડિયોએ એને કંટાળો આપ્યો. ઓટલા પર ખુલ્લી હવામાં આવી ઊભા રહેતાં, મંદિરના શિખર પાછળ આથમતી સન્ધ્યાના લાલપીળા રંગો સંકોચાતા એણે જોયા. એની સાથે એનું મન સંકોચાયું. એક ઠંડી બેચેન સુસ્તી એનાં અંગો પર ફરી વળી.

એણે આત્મારામને બોલાવ્યા.

બે અઠવાડિયાં થોભી જવાનો ઉકેલ આપવા માટે આત્મારામને પશ્ચાત્તાપ થયો.

પણ હવે?

બન્ને જણ ગાદીતકિયા પર ચૂપ થઈને બેઠા. કોઈને કશું સૂઝયું નહિ.

અને ફરીદિવસો વીતવા લાગ્યા.

એક અઠવાડિયું, બીજું અને ત્રીજું પણ વીત્યું. “પાંચ અઠવાડિયાં, અને નારાણ પાછો ના ફર્યો!” અરધી રાતે ઊંઘ ગુમાવી બેઠેલો ગોવિંદ પોતાના ઘરની મેડીમાં ઝૂલા પર અસ્વસ્થ હીંચતાં મનમાં બોલ્યો. એણે ઊઠીને પંખો ચાલુ કર્યોં. બહાર અંધારી, મેઘલી રાત જામી પડી હતી. વાતાવરણ ચૂપ, ગમગીન અને ઉષ્ણતાભર્યું હતું! મેડીમાંનાં ઘડિયાળ અને પંખો એકધારું કંટાળાભર્યું બોલી રહ્યાં હતા. ગોવિંદ માંયનો માંય ગૂંગળાયા કરતો હતો.

“ગોવિંદ – ઓ ગોવિંદ!” ગોવિંદના કાને ભણકારા વાગ્યા. એને યાદ આવી એ શિયાળાની મધરત! થીજવે એવી ઠંડી ડેલીની વીજળીની બત્તી નીચે એણે નારણ બોલતો યાદ આવ્યો. “હું તો સાવ નિરાધાર બની ગયો, ગોવિંદભાઈ!”

ગોવિંદને પસીનો પસીનો થઈ ગયો. એ ઊઠીને પલંગ પર બેઠો.

“ગોવિંદભાઈ, ઓ ગોવિંદભાઈ!” ફરી એ જ ભણકારા, એ જ શિયાળાની રાત અને એ જ ત્રાસજનક પ્રશ્ર: ‘ઈશ્વર છે?’ ગોવિંદ અકળામણ અનુભવતો બારી આગળ ઊભો અને ધોતિયાના છેડાથી પોતાને હવા નાખવા લાગ્યો.

“ગોવિંદ!”

આ વખતે એને વહેમ ગયો. એણે નમીને બારી નીચે જોયું તો ખરેખર નારાણ ડેલી આગળ રસ્તા પર ઊભો હતો!

“હેં!” કહેતાં ગોવિંદ દોડતો દાદર ઊતરવા લાગ્યો. ઉતાવળે ડેલી ખોલી નારણને ભેટી પડયો.

“નારાણ, નારાણભાઈ તું આવી ગયો?”

નારાણે ડોકું ધુણાવી હા કહી.

“તો આવો સૂનમૂન કેમ છો? કંઈક હસ તો ખરો ભલા માણસ!”

નારાણ હસીને ઓટલે બેઠો. ગોવિંદે એને પડખે બેસતાં કહ્યું, “હવે મને વિગતવાર બધી હકીકત કહે!”

“શું કહું?” નારાણ નિ:શ્વાસ મૂકતાં બોલ્યો: “ઈશ્વર મળ્યો – પણ ન મળ્યા જેવો!”

“હેં? એમ કેમ?”

“એ કશું બોલતો નથી – કંઈ માગતો નથી, હસતો નથી. મારી પાછળ પાછળ ચાલ્યો આવે છે. હું કહું એટલું કરે છે. બાકી ઠાલું તે જોઈ રહે છે!”

“હોય, એ તો દિવસ જતાં ઠેકાણે પડી જશે! પણ તેં કેમ કરીને શોધ્યો એને?”

“હું દિલ્હી તો પહોંચ્યો,” નારાણે વાત શરૂ કરી, “પણ ત્યાં હં ઓળખું કોને? ક્યાં ઊતરવું, ક્યાં ખાવું અને ક્યાં શોધ કરવી એની મને ખબર નહિ. મેં તો ભમવા માંડયું. ભૂખે અને તરસે મરતો હું રઝળીરવડી થાકીને લોથ થઈ જતો. એમ મેં બે રાત અણે બે દિવસ વિતાવ્યાં. ત્રીજે દહાડે માનમલ ગ્યાનીચંદની દુકાન મેં શોધી કાઢી, પણ કારીગરો કામ કરતા હોય એ કારખાનામાં મને કોઈ પેસવા ન દે અને મોટી દુકાનમાં મારો કોઈ ભાવ ન પૂછે!

પાંચમા દહાડે એક કારીગરે મને પૂછયું, “ચાચા, તમે રોજ અહીં કેમ આવો છો અને શું શોધો છો?”

મેં એની પાસે બધી વાત કરી.

“ઈશ્વર બડા અચ્છા લડકા થા,” એણે કહ્યું: “પણ એ તો દોઢ મહિના પહેલાં અહીંથી જતો રહ્યો છે – લખનૌ ગયો છે!”

“અરર!’ મારાથિ બોલાઈ જવાયું.

હું લખનૌ પહોંચ્યો અને એવીજ રીતે રઝળીરવડી મેં એને બે અઠવાડિયે શોધી કાઢયો. એ દિવસે, સાંજના બધા કારીગરો કારખાના બહાર નીકળ્યા, એની સાથે એ પણ બહાર નીકળ્યો. હું રસ્તા પર, દરવાજા સામે જ ઊભો હતો.

મેં એને જોયો અને મારાં ગાત્ર ગળવા લાગ્યાં. એણે પણ મને જોયો. મેં એને આંચકો ખાઈ ઓચિંતાનો ઊભો રહી જતાં જોયો. એનો ચહેરો પડી ગયો અને એની આંખોના અંગારા ઓલવાઈ જતા મેં જોયા. એણે એકીટસે મારા સામું જોયા કર્યું.

“ઈશ્વર!” મેં એને ખભે હાથ મૂક્યો: “બેટા….!” મને લાગ્યું કે મારાથી વધારે હવે નહિ બોલાય એટલે મેં ટૂંકું વાળ્યું. “ચાલ, હવે ચાલ મારી સાથે!” એ ચુપચાપ મારી પાછળ આવ્યો. એને મળ્યાને છઠે દિવસે અમે લખનૌ છોડયું.”

“પણ એ શું કામ ભાગી ગયો, કેમ કરી એ દિલ્હી પહોંચ્યો, કેવી રીતે નોકરી મેળવી, એ વાત તો તેં મારી પાસે ન કરી!” ગોવિંદે પૂછયું.

“એના ચહેરા પરની ભાવહીન ગમગીની અને એના વર્તનની ઠંડી બેચેની ને સતત મારી સામે જોઈ રહેતાં એને કશું વધારે પૂછવાની મારી હિંમત ચાલતી નથી. અને હવે એ બધી વાત જાણીને ફાયદોય શો? નાહકનો જીવ બાળવો ને? ઈશ્વર જોઈતો હતો તે મળી ગયો!” અને થોડું ખચકાતાં એણે નિરાશ થઈ ઉમેર્યું. “પણ કેવો? ઓલવાતો દીવો જાણે! હું અભાગિયો દિવો જાણે! હું અભાગિયો છું, ગોવિંદભાઈ! મારાં નસીબ જ એવાં ફૂટેલાં છે!”

આષાઢના મેઘભર્યા આભમાં ગતિ થંભી ગઈ હતી. એની અકળામણ અને બેચેની વૃદ્ધિ પામતાં હતાં ત્યારે નારણની દર્દભરી વાણીના નિ:શ્વાસ પણ ગતિહીન બની એની આસપાસ તોળાઈ રહ્યા!

બીજી સવારે ગોવિંદ નિશ્ચય કરીને નારાણને ઘેર ઈશ્વરને મળવા ગયો. ગોવિંદે જોયુ તો એ નાનકડા ઓરડામાં પૂર્વ તરફની બારીમાંથી તડકો ઘરમાં પ્રવેશ કરી ચૂક્યો હતો. ઈશ્વર ખાટલા પર ટટ્ટાર બેઠો હતો, એના હાથ એના ખોળામાં શિથિલ થઈ પડયા હતાં, એક લાંબો કરેલો પગ સતત હાલ્યા કરતો હતો, ચહેરો સુઘડ પણ દૂબળો હતો, ખૂલી ગયેલા હોઠ કુમળા પણ ફિક્કા હતા અને વચ્ચેથી મેલા દાંત દેખાતા હતા. ગોવિંદ તરફ ફરી ગયેલી એની નજરમાં કોઈ અર્થ, કોઈ સૂચન કે કોઈ ભાવ નહોતો! ઓલવાતો દીવો, એક વારની પ્રાણવાન જ્યોતની યાદ આપતો પડયો હતો!

“તું આવી ગયો ઈશ્વર?” ગોવિંદના પ્રશ્નમાં ઉમળકાભર્યો આવકાર હતો.

ઈશ્વરે માથું ધુણાવી હા કહી. એક ક્ષણ એની નજર ગોવિંદ પર ફરી ગઈ. નજર બીજી ક્ષણે ગુમાઈ જઈ અર્થહીન બની ગઈ!

“ઈશ્વર,” ગોવિંદે કહ્યું ત્યારે પરાણે ઈશ્વરે એની તરફ જોયું. એ દૃષ્ટિમાં ગોવિંદને સાંભળવાની ઉત્સુકતા નહોતી, કુતૂહલ નહોતું. અણગમો અને અવિશ્વાસ હોય એવો ગોવિંદને વહેમ આવ્યો. ચહેરા પર એક સ્નાયુ ફરક્યો નહિ, કોઈ ભાવનો ઉદ્ભવ થયો નહિ, કોઈ નિર્જીવ સફેદ આરસનું પૂતળું માથું ફેરવે અને બિહામણું લાગે એમ ઈશ્વરે ગોવિંદ તરફ માથું ફેરવ્યું. “તું કેમ ભાગી ગયો?” એવો ગોવિંદે પૂછવા ધારેલો પ્રશ્ન એના મનમાં રહી ગયો.

“ઠીક તો છો ને?” એમ કઢંગી રીતે ઉતાવળમાં ગોવિંદે પૂછી નાખ્યું.

ઈશ્વરે ડોકું ધુણાવી હા કહી, અને દૂબળો હાથ હળવે રહીને માથાના બાલ પર ફેરવ્યો. પછી એ નીચે જોઈ ગયો. ઈશ્વરની હાજરી ગોવિંદથી સહેવાય એમ નહોતી. ‘ઠીક’ કહેતાં ગૂંગળામણ અનુભવતો એ ભાગ્યો. ઘર બહાર આવી એણે ધોતિયાના છેડાથી કપાળ પરનો પસીનો લૂછયો.

દિવસ જતાં નારાણ ઈશ્વરને દુકાને લાવ્યો, અને એને કામ કરતો કરી મૂક્યો. પણ કામ પરની એની આગળની બુદ્ધિજન્ય એકાગ્રતા ક્યાંયે નહોતી. કામ પરથી હટી જઈ એની નજર ક્યારેક ખુલ્લા આકાશમાં ચોટતી ત્યારે કલાકો સુધી ટાંકણું અને હથોડી એના હાથમાં રહી જતાં! કાથીની મેલી ગાદી પર ભીંતને અઢેલી એ બેસી રહેતો. પર્યટન કરતાં કાળાં વાદળાંની સોનેરી કોર પર એની નજર વળાંક લેતી, ઊંચે ચડતી, નીચે ઊતરતી ભમ્યા કરતી! એની નજર પાછળ એના પ્રાણ દોડી જતા.

નારાણ ગાદી પર બેઠેલા એના નિસ્તેજ હાડમાંસના દેહને સખેદ જોયા કરતો. કપાળ પર બે આંગળીઓ મારી, માથું ધૂણાવી, નસીબને પડકારતો નારાણ બેસી રહેતો! આવા નિસ્તેજ અને પ્રાણહીન તોય જીવન્ત ઈશ્વરના દેહની બાજુમાં સતત હાજર રહેવાનું અપાર દુ:ખ નારાણ ભોગવતો હતો.

ધીમે ધીમે ગોવિંદ, આત્મારામ અને બીજા સૌનો ઈશ્વર નારાણના જીવનમાંથી રસ જતો રહ્યો. નાનકડું શહેર પોતાની પ્રવૃત્તિમાં મચ્યું રહેતું, હાસ્ય, રુદન, વિયોગ, મિલાપ, છટકેલા મિજાજ, ઉદ્યમ અને પસીનો – એ કઢંગી રોજંદારીની કતાર હંમેશની જેમ ફર્યા કરતી ત્યારે ઈશ્વરે ધીમે ધીમે કામ છોડયું. એ દુકાનના ખૂણામાં ગાંસડી બની પડી રહેતો, પણ નારાણ પોતાનું અને ઈશ્વરનું અસ્તિત્વ ટકાવવા અણગમતી મજૂરી કર્યે રાખતો.

*

અષાઢ ગરજી ગયો અને શ્રાવણ-ભાદરવો વરસી ગયાં. ધરતી નવોઢા બની, અને નીલ વસ્ર પરિધાન કર્યાં. લોકોએ ઉત્સવો માણ્યા ત્યારે ઈશ્વર એના ઘેર ખાટલામાં સુસ્ત પડયો હતો, અને છત તરફ એકધારું જોઈ રહ્યો હતો. નારાણે એને કાંજી પાઈ. ઈશ્વરે હાથથી પોતાના હોઠ લૂછયા અને આંખો બીડી.

“બેટા ઈશ્વર,” નારાણ કાકલૂદીભર્યું બોલ્યો. ઈશ્વરે એના બાપ સામે જોયું.

“તને શું થયું છે ભાઈ, બોલતો નથી? તેં શું ધાર્યું છે મનમાં?” નારાણ બોલતાં આક્રંદ કરી ગયો.

ઘણા મહિને ઈશ્વરની આંખની રોશનીમાં અર્થ પ્રગટયો. ખાટલામાં પોતાની પડખે બેઠેલા બાપના ખોળામાં ઈશ્વરે પોતાનો ધ્રૂજતો હાથ મૂક્યો. નારાણની આંખોમાં ઊભરાતા પ્રેમને જોઈ રહેલી ઈશ્વરની આંખોમાંથી આંસુ વહી નીકળ્યાં.

“ઈશ્વર! ઈશ્વર, તું રડે છે?” નારાણ એને ભેટી પડયો અને રડવા લાગ્યો.

તે રાતના નારાણ ઈશ્વરને ખાટલે બેસી જ રહ્યો. પવન વાવો શરૂ થયો હતો, મંદિરના શિખર પરથી અને પાછળની સાંકડી શેરીમાંથી ક્યારેક એનો ઘુઘવાટ સંભળાતો. ઈશ્વર બેચેન હતો. એ બાપના ખોળામાં માથું નાખી પડી રહ્યો હતો. વારે ઘડીએ એને હાંફ ઊપડતી ત્યારે એ બેઠો થઈ જતો. કદી બાપના ખોળામાં માથું ઢાળી પાસાં ફેરવ્યા કરતો.

“થોડી ચા પી, ઈશ્વર, હમણાં જ બનાવી છે. જો, જરા ઠીક લાગશે!” નારાણે મમતાથી કહ્યું, અને ચુપચાપ ઈશ્વર ચાનો પ્યાલો પી ગયો. આ છોકરામાંથિ મારે શો વાંક કાઢવો? નારાણ મનમાં વિચારતો હતો. એના કોઈ એક અવગુણ તરફ કોઈએ આંગળી તો ચીંધી નહોતી! આ છોકરામાં ક્યાં શું ખોટ હતી? તો આ વ્યથા, આ ઠંડી અવગણના શા માટે? નારાણે ઈશ્વરના માથે હાથ ફેરવ્યા કર્યો અને વિચારોમાં ડૂબી ગયો. ઈશ્વર હજી તરફડતો હતો અને આ છોકરાની ખ્યાતિ, એની કારીગરી દેશપરદેશ પહોંચી હતી! પેલું કમલનું ફૂલ – ચાંદીનો ડાબલો!

નારાણ ઈશ્વરને પડખેથી ઊઠયો. ગોખલામાંથી પેલું સચિત્ર અઠવાડિક એણે ઉપાડયું. દાબડાવાળું પાનું ખોલી એણે ઈશ્વર આગળ ધર્યું અને લાલટેન ઉપાડી એના પર પ્રકાશ પાડયો.

“તેં, ઈશ્વર તેં આ બનાવ્યો, ખરું?”

ઈશ્વરે ચિત્ર તરફ જોયું ને ઓચિંતાનો આંચકો લાગ્યો હોય તેમ ખાટલા પર એ બેઠો થઈ ગયો. એણે ફાટી આંખે નારાણ સામે જોયા કર્યું. એના હોઠ ભયંકર રીતે કંપી ગયા અને ખાડા પડી ગયેલા ગાલના સ્નાયુઓ ફરકવા લાગ્યા. એણે બંને ધ્રૂજતા હાથ ઉપાડયા, થોડી વાર અધ્ધર પકડી રાખ્યા પછી માથે પછાડયા! અને આંખ આડે હથેલીઓ ધરી ધ્રુસકે ધ્રુસકે રડી પડયો. એનો આખો દેહ હચમચી ઊઠયો.

“અરે પણ, ઈશ્વર……”

ત્યાં પૂર્વની બારીમાંથિ પવનનું એક જોરદાર ઝાપટું ધસી આવ્યું. મંદિરના શિખર અને ઘુમ્મટ પરથી લીમડાનાં સૂકાં પાન, ધૂળ અને કચરો ઓરડામાં ઘસી આવ્યાં. લાલટેનની જ્યોત ભડકો કરી ગઈ. નારાણ મૂંઝાયો. ચારે તરફ માતરિશ્વા ગર્જના કરતો સંભળાયો. નળિયાં ઊડયાનો અવાજ આવ્યો, કૂતરાં રડવા લાગ્યાં. રસ્તાની વીજળીની બત્તીઓ ઓચિંતાની ઓલવાઈ ગઈ, આભના તારલાઓ સંકોચાતાં દૂર ભાગતા દેખાયા. એમની આડે ધૂળનો વટોળિયો ફરી વળ્યો.

ઈશ્વરનું રુદન અને વંટોળિયાના અચાનક હુમલાની અસર નીચે નારાણ અકળાઈ-મૂંઝાઈ ગયો. લાલટેનની જ્યોત છેલ્લો ભપકો કરી ઓલવાઈ ગઈ.

“અરરર!” કરતો નારાણ ઊઠયો. એનું અંગેઅંગ ધ્રૂજી રહ્યું હતું. એણે બને એટલી ઊતાવળથિ બારી બંધ કરી.

અંધારું સંપૂર્ણ બન્યું.

એ જમીન પર બેસી ગયો. લાલટેન અને કાંડીની પેટી શોધવા એ અંધારામાં ફાંફાં મારવા લાગ્યો. લાલટેન પેટાવી એ ઈશ્વરની બાજુમાં બેસવા જતો હતો ત્યાં એના મોંમાંથી એક દર્દભરી ચીસ નીકળી ગઈ: “હાય રે!”

ઈશ્વરનો એક હાથ ખાટલા નીચે લટકી પડયો હતો. બીજો હાથ માથા પાછળ પડી ગયેલો દેખાતો હતો, મોઢું અને આંખો ખુલ્લાં રહી ગયાં હતાં. ઈશ્વર હવે નહોતો.

નારાણે ખાટલાની ઈસ પકડી પોતાનાં ધ્રૂજતાં અંગોને સ્થિર કર્યાં. એક ઘડી પહેલાં વંટોળિયાએ પણ જેનું રુદન સાંભળ્યું હતું એવા ઈશ્વરના મૃતદેહ તરફ એ જોઈ રહ્યો. જમીન અને ખાટલાનો આશરો લેવ છતાં એનાં અંગોની ધ્રુજારી વધવા લાગી. એણે ખાટલાના પાયા પર માથું અફાળ્યું. નારાણના અસ્તિત્વનું અણુએ અણુ રડી રહ્યું હતું, પણ એ રુદન બહાર ન આવ્યું.

મધરાત વીતી ગઈ હતી. હજુ ઝંઝાવાતી પવન વાતો હતો. સૃષ્ટિ સજીવ, નિર્દય અને કૃતનિશ્ચયી બની હતી.

પણ નારાયણના આ ઓરડામાં, એક વખતની સજીવ કળાનો મૃતદેહ જાણે આરસની ચિરંજીવ પ્રતિમા બની ગયો હતો. વારે ઘડીએ ખાટલા પર માથું અફાળતો નારાણ વિયોગના દર્દ સિવાયની બીજી બધી સાન ગુમાવી બેઠો હતો.

બીજા દિવસની સાંજ સુધી શું શું ક્રિયાઓ બની, ઈશ્વરનો દેહ પંચમહાભૂતમાં કેવી રીતે મળી ગયો, લોકો આવ્યા અને ગયા, લોકો આવ્યા અને ગયા, એમાંનું કશું નારાણને યાદ ન રહ્યું. પરાજયની શરમ, પશ્ચાત્તાપની ગ્લાનિ અને નિષ્ફળતાનો ડંખ એને કોરી ખાતાં હતાં! એણે પોતાના મનને મરવા દીધું!

છેક સાંજના, ઈશ્વરવિહોણા પોતાના ઘરમાં એ બેઠો હતો ત્યારે બહાર કોઈએ પૂછયું:

” નારાણભાઈ અહીં રહે છે?”

નારાણ ઉંબરે આવી ઊભો. ખબર પૂછનાર મામલતદાર ઑફિસનો અવલકારકુન હતો.

“નારણભાઈ તમે?”

નારાણે ડોકું ધુણાવી હા કહી, ત્યારે અવલકારકુને બીજો પ્રશ્ન પૂછયો:

“ઈશ્વર અહીં છે?”

નારાણ આંચકા સાથે બે ડગલાં આગળ વધી આવ્યો.

“દિલ્હીથી ‘ઈન્કવાયરી’ આવી છે.” કારકુને હકીકત જાહેર કરી: “માનમલ ગ્યાનીચંદની પેઢીમાં કામ કરી ગયેલા કારીગર ઈશ્વર નારાણની હિંદ સરકારને જરૂર પડી છે. ઈશ્વરની કારીગરીની ઢબ યુરોપમાં પ્રશંસા પામી છે. સરકાર એની બનાવેલી કારીગરીવાળી વસ્તુઓ ખરીદવા ઈચ્છે છે.” કારકુન થોડું અટક્યો અને બોલ્યો:

“ઈશ્વર ક્યાં છે? એને….

નારાણના મોઢા પર એ નિષ્ઠુર બેહૂદું હાસ્ય ઊપસી આવ્યું અને એની આંખોમાં ખૂન તરી આવ્યું. એ મૂઠીઓ વાળી કારકુન સામે જઈ ઊભો અને અસભ્ય રાડ પાડી બોલી ઊઠયો:

“હવે તમે ઈશ્વરની ખબર પૂછવા નીકળ્યા છો? હું એના જીવન દરમ્યાન ‘ઈશ્વર છે?’ એમ સૌ કોઈને પૂછતો ત્યારે તમે ક્યાં હતા? એ મારે પડખે હતો તોય હું મૂરખ, એને ખોયો ત્યાં સુધી શોધતો રહ્યો, પણ હવે તમે મને પૂછો છો કે “ઈશ્વર છે?” જીવનમાં કોઈ દહાડો નહિ એવું જોરથી નારાણ હસ્યો. “જાઓ, જાઓ, ઈશ્વર હવે નથી! મેં જેને ખોયો એ ઈશ્વર કોઈ દહાડો તમને મળવાનો નથી!”

[લખ્યા તારીખ: ૧૮-૪-૧૯૫૭; પ્રગટ ‘ચાંદની’]

License

ખરા બપોર Copyright © by જયંત ખત્રી. All Rights Reserved.