એને ખબર હતી કે ખુરશીમાં માંકડ હતાં.
આ બાર-રૂમમાં કેવા પ્રકારના લોક આવતા, કોણ કોણ કેવાં પીણાં પીતા, કેવી વાતો અને કેવું વર્તન કરતા એની પણ એને ખબર હતી.
સિગારેટના ધુમાડાને ભેદીને ફાટી નીકળતું બીભત્સ હાસ્ય, પીણાની બદબો, ઉશ્કેરાટભરી ચર્ચાઓ, છટકેલા મિજાજ, સંગ શોધતા પ્રણયની ખાનગી ગૂફ્તેગો, વિદાય લેતા નિ:શ્વાસ….
…અહીં બધું જ હતું અને આ રચનાનો પોતે પણ એક મલિન અંગ હતો એનું પણ એને ઊંડે ઊંડે ભાન હતું.
પણ આજે….
ટાવરના ડંકા વાગતા સંભળાયા. ટાવરની ટોચ પર તેજનો લિસોટો પાડી જતો એક દિવસ મૃત્યુને ભેટતો દેખાયો.
એણે વ્હીસ્કીના ગ્લાસને ટેબલની કાચની સપાટી પર આઘોપાછો કર્યો અને અમસ્તો જ કેટલી વાર સુધી ગ્યાસમાં જોઈ રહ્યો.
માત્ર થોડી જ વ્હીસ્કી બાકી હતીક – એક ઘૂંટડે ખાલી કરી શકાય એટલી!
અને હજી તો એનો કેફ ચડવો બાકી હતો, રાતની લાંબી સફર બાકી હતી; અને વિચારો અત્યારથી જ દોડી દોડીને થાકવા આવ્યા હતા.
કોઈએ રેડિયો પર સ્ટેશન ફેરવ્યું. વૉલ ટૉલસન ‘ઑલ્ડમૅન રિવર
ગાતો સંભળાયો ન સંભળાયો ત્યાં ‘સંગમ હોગા કે નહિ’, પછી એક ઈજિપ્શિયન ગીત, સ્વિંગ મ્યુઝિક અણે ‘ટપ’ દઈને રેડિયો ઓલવાઈ ગયો. પડખું બદલી એ ખુરશીની બીજી બાજુ અઢેલીને બેઠો. પાછલા પગે હટતો એક માંકડ ખુરશીના હાથાની તરડમાં સંતાતો દેખાયો.
પેલી છોકરીએ હજારમી વાર આંખ પર નમી પડતી વાળની લટ ઊંચી કરી
‘પિન લગાડીને ઊંચે કેમ નથી રાખતી?’
એની સામે બેઠેલા બરછટ ક્રુકટ વાળવાળા પહેલવાન જેવા દેખાતા માણસે એને વાંસે ધબ્બો માર્યો.
છોકરીના મોઢા પર એક હાસ્ય નિ:શ્વાસ બનતું ઓચિંતાનું ખાંસીમાં ફેરવાઈ ગયું.
ક્રુકટને આ છોકરીનો સંગ છોડવો ગમતો નહિ. એ કોઈ એક સરકસમાં કામ કરતો હતો. અરધા કલાક બાદ શો શરૂ થવાનો હતો એટલે એણે હવે જવું જોઈએ એવું એ સતત વિચાર્યા કરતો હતો, અસ્વસ્થ બન્યે જતો હતો, અને આંખોમાં ઉતાવળ વ્યક્ત કરતો એ એકસામટું છોકરી સામું જોઈ રહ્યો હતો. મનમાં માની લીધેલી છેલ્લી સિગારેટક પર એણે દમ પર દમ ખેંચ્યે રાખ્યા.
પાંચેક મિનિટ બાદ એ ચાલી જવા ઊભો થશે, ત્યારે ફરી એક વાર વાળની લટ ઊંચી કરી, સ્મિતને ક્ષોભથી સંકોચવાની અદામાં મોહિની રેડી એ છોકરી એની પાસે પૈસા માગશે….
….આવું રોજ બન્યા કરતું.
એણે ફરી ખુરશી પર પડખું બદલ્યું અને બાર-રૂમમાં ચારે તરફ નજર ફેરવી.
વચ્ચેના ટેબલ પર એક ઊંચા, દાઢીવાળા વિચિત્ર દેખાતા પુરુષે નિરાંતે પાઇપ સળગાવી. એની સામે, એની સાથે ચર્ચા કરી રહેલા લાંબા વાળવાળા પુરુષે પોતાનો મુદ્દો સાબિત કરવા ટેબલ પર જોરથી મૂઠી પછાડી.
દરવાજા આગળના ટેબલ પર એક મધ્યમ વયનો કૉન્ટ્રાક્ટર અને એને અડોઅડ બેઠેલી ભરાવદાર ઘાટીલાં અંગોવાળી એની યુવાન માશૂકા ચુપચાપ પીણું પી રહ્યાં હતાં.
સ્વિંગ ડોરને ધક્કો મારી એક મધ્યમ વયની કદરૂપી પારસણે અંદર દાખલ થતાં જ સ્મિત કર્યું – પણ કોઈએ એની તરફ જોયું સુધ્ધાં નહિ.
દૂરના ખૂણામાં જ્યાં પ્રકાશ મુશ્કેલીએ પહોંચી શકતો ત્યાં પ્રસન્ન એના પ્રેમીના કાનમાં કશુંક બોલી રહી હતી. એણે ગુલાબી રંગની સાડી અને રાખોડી રંગનું બ્લાઉઝ પહેર્યાં હતાં – આકર્ષક દેખાતી હતી પણ હંમેશ મુજબ ટુકડે ટુકડે રડયા કરતી હતી…એનો પ્રેમી કૉન્ટ્રેકટરની માશૂકાને ટીકી ટીકીને જોઈ રહ્યો હતો.
હજી ખાણાને કેટલો સમય બાકી હતો? એણે વ્હીસ્કીના ગ્લાસને ફરી નજીક ખેંચતાં વિચાર્યું, અને પછી તરત જ યાદ આવ્યું કે પાકીટમાં માત્ર ત્રણ જ સિગારેટ બાકી હતી – આ ખાણા પહેલાંનો સરંજામ. ખાણા બાદ એક આખું ભરેલું પાકીટ – એક જ – અને વહેલામાં વહેલું અરધી રાત પછી બે વાગ્યે ઊંઘવાનું – એટલે કે ઊંઘવા પડવાનું.
અત્યારે કેટલા વાગ્યા હશે?
‘વાયરિંગ ખલાસ હો ગયા હય. ઈસ વઝહ ઘડિયાળ બંધ હય.’ મૅનેજર ગોમ્સે એને ગઈ કાલે કહ્યું હતું. ઘડિયાળ આજે પણ બંધ હતું.
ક્રુકટ દરવાજાને ખીજથી ધક્કો મારી બહાર જતો દેખાયો. તરત ઊંચે અવાજે વાતો કરતું પત્રકારોનું એક ઝૂમખું અંદર દાખલ થયું.
‘જબરદસ્ત સભા છે – વિરાટ!’
‘પણ સરઘસ શાન્ત અને દેખાવો અહિંસક – હા – હા –’ હસનારને ક્યાંથી ખબર પડે કે એના હાસ્યમાં ભારોભાર કર્કશતા ભરી હતી.
‘એઈ, તું પાન લાવ્યો?’
‘હે?’
‘શું ઑર્ડર આપે છે, બીઅર? મને બાદ કરજે યાર, હું આજે મુફલિસ છું!’
‘અરે, આ પેલો સંતોષ તો નહિ – આધુનિક ચિત્રકાર? એ બેઠો એ દાઢીવાળો, હાથમાં પાઇપ રહી ગઈ છે તે?’
‘એબસ્ટ્રેક્ટ ચીતરે છે – બિલકુલ એબસ્ટ્રેક્ટ – અર્થવાહી વિવિધ રંગી ધાબાઓ – લપેડા – રેખા…ટપકાં અને … અને….’
*
અને આ પન રોજ બનતું કે પેલી છોકરી પછિ એના ટેબલ પર આવીને બેસતી. કોઈ વાર એની સાથે જ ઊઠતી, કોઈ વાર એનઊ ગયા પછી મોડે સુધી બેસી રહેતી.
‘જાઓ છો? હું તો બેસીશ થોડી વાર.’
‘એકલી?’
ફરી એક વાર વાળની લટ ઊંચી કરતાં, એની ટકરાતી નજર પરથી નજર ફેરવી લઈ દયામણું હસી એ હા પાડતી ત્યારે એને બહુ ગમી જતી…અને એ વિદાય લેતો ત્યારે.
‘વધારાની સિગારેટ છે?…બેચાર મૂકતા જશો?’
સિગારેટ લેતાં એ છોકરીના હાથનાં આગળાંનાં ઠંડાં ટેરવાં એને અડી જતાં ત્યારે? ત્યારે એક પ્રકારની ઉષ્માભરી કમકમાટી અંગેઅંગ પર ફરી વળતી…અને એ પણ લગભગ રોજનો અનુભવ!
‘ફરનાન્ડિસ, સૂવર કા બચ્ચા!’
વેઈટરને ગાળો ભાંડતા મૅનેજર ગોમ્સનો બેરિટોન અવાજ અંતરે અંતરે સંભળાતો રહેતો!
પેલી છોકરી એના ટેબલ પર આવી બેસતાં સભ્યતાની ખાતર થોડું હસી.
‘હું આજે તમને ડ્રિંક ઑફર નહિ કરી શકું. બેકાર છું!’
‘એમ?’
એ ઉદ્ગારમાં, એને લાગ્યું કે, કશુંક એવું વિશિષ્ટ હતું કે જેની ખીંટીએ થોડીક પળો ઉત્સુક બની ટિંગાઈ રહી…અને એક ચોક્કસ વાત લાંબા સમય બાદ આજે એને વિચિત્ર લાગી.
‘વિચિત્ર,’ એણે કહ્યું કે એક ટેબલ પર આપણે રોજ બેસતાં હોઈએ, ચર્ચા કરતાં હોઈએ…અને હું તમારું નામ પણ ન જાણતો હોઉં, શું નામ છે તમારું?’
‘સિબિલ.’
‘યહૂદી?’
‘હં.’
એ હસ્યો અને પછી અકારણ કે કોણ જાણે કેમ એણે હસ્યા કર્યું. સિબિલે ગંભીર બની એની તરફ જોયું…અંતે એ જોરથી હસી પડયો.
‘કેવું બેહૂદું હસો છો?’
‘હવે યાદ આવ્યું – એક વાર ક્યારેક મેં પૂછેલું ત્યારે તમારું નામ ઈવ્લીન હતું.’
‘તે દહાડે હશે.’
‘નામ બદલાતું રહે છે?’
‘હું સ્વયં બદલાતી રહું છું.’
બસ, અહીં બધી વાતોનો અંત આવ્યો.
એણે વ્હીસ્કીનો ગ્લાસ ગોળ ગોળ ફેરવ્યો. અંદરનું પ્રવાહી ભમરડી ફરતું રહ્યું – વિચારો ફરતા રહ્યા. હજુ બંધ પડેલા ઘડિયાળની આસપાસ રચાતા કરોળિયાના જાળાના તંતુઓ પર સમય લંબાતો રહ્યો.
*
‘એવું છે કે પ્રદર્શનોમાં છાશવારે જોવા મળતાં ‘એબસ્ટ્રેક્ટ્સ’સાચાં ‘એબસ્ટ્રેક્ટ્સ’ નથિ કારણ કે એ પ્રકૃતિ પર આધારિત છે.’
સંતોષ લાંબા વાળવાળા દુર્લભને સંબોધીને બોલી રહ્યો હતો.
‘સાહિત્યમાં પણ વાસ્તવિક ઘટનાને અડીને રચાતું સાહિત્ય સાચું સાહિત્ય નથી.’
એક પત્રકારે આ સાંભળ્યું.
એણે બેધ્યાનપણે ખિસ્સામાંથી પડીકું અને પડીકામાંથિ એક ‘પાન કાઢી, સંભાળીને મોઢાને ખૂણે ગોઠવીને મૂક્યું.
‘બેવકૂફ!’
એ બોલી ઊઠયો. પાનવાળા લાલ થૂંકનું એક ટીપું બુશશર્ટ પર ટપકી પડયું અને મોટું થતું દેખાયું.
*
‘હું?’
સિબિલે કહ્યું.
‘એમ. એ. વિથ સાયકૉલૉજી, થીસિસ તૈયાર કરું છું…ઈન્સ્ટિટયૂમાં રિસર્ચક સ્કૉલર છું. બોલો હજી કંઈ પૂછવું છે?’
‘હા – તારી વિકૃતિ શી છે, સિબિલ?’
સિબિલ મુક્ત હસી પડી.
દુર્લભે ડોકું ફેરવી એની તરફ જોયું, સંતોષ બોલતો અટકી પડયો.
પેલા અંધારા ખૂણામાં પ્રસન્નનું ડૂસકું ટૂંપાઈ જતું સંભળાયું.
કૉન્ટ્રેક્ટરે ગ્લાસમાંનું પ્રવાહી એકસામટું ગળામાં રેડી દીધું. એ જોઈ, લાડથી એને અઢેલી જતી એની માશૂકા મુસ્કરાઈ.
ટેબલની સપાટી પર એની અરધી પિવાયેલી વ્હીસ્કીનો ગ્લાસ અવાજ કર્યા વિના સરતો રહ્યો.
કોઈક પ્લેટ પર છરીકાટાંનો અવાજ, ક્યાંક જમીન પર શૂઝ ઘસાતા હોવાનો અવાજ, કાંઈક ઉતાવળે લેવાયેલો શ્વાસ, કોઈક દબાયેલું હાસ્ય – આ શરાબખાનાની ખામોશી પર નમૂનેદાર નકશી કોતરી રહ્યાં.
પવનનો એક ઝપાટો બારીના વજનદાર પરદા પરની ધૂળ ખંખેરી ગયો. રસોડાના ઉંબરા વચ્ચોવચ ઊભેલી મીંદડીનું મૌન એની તગરફ એકીટશે જોઈ રહ્યું.
‘અછત….બિલકુલ અછત.’
પત્રકારોમાંથી કોઈ બરાડી ઊઠયું.
‘તેલ, ખાંડ, ચોખા, ઘઉં…’
*
સિબિલ ઓચિંતાની અકારણ હસી પડી.
‘કેમ કંઈ યાદ આવ્યું?’
એ ખુરશીને અઢેલીને વધારે હસવા જતી હતી ત્યાં અચાનક એના ફિક્કા ચહેરા પર લાલી ધસી આવી. ઉપરાઉપરી આવતી ખાંસીથી ગૂંગળાઈ, ટટ્ટાર થતાં એ બેવડ વળી ગઈ.
એના વિચારોની ગતિ દિશા બદલી ગઈ.
‘અરે,’ જેટલો નાનો ઉદ્ગાર માત્ર એના ગળામાંથી છટકી શક્યોક. એક પ્રશ્ન ધૂંધળી હવા બની એના હોઠ પર વિખરાઈ ગયો.
ત્વરાથી ઊભી થઈ, વૉશબેસીન તરફ દોડી જતી સિબિલના વાંસા પર એની નજર છિન્નભિન્ન થઈ ગઈ ત્યારે કશીક મૂંઝવણ અણે મૂંઝવણની સતામણી ઉપસ્થિત થઈ હોવાનો એને ખ્યાલ આવ્યો.
અત્યાર સુધી જાળવી રાખેલી વ્હીસ્કી એ ઉતાવળે ગટગટાવી ગયો. ખાલી ગ્લાસને ટેબલની સપાટી પર મૂકતાં એનો હાથ ધ્રૂજી ગયો.
ખાલી ગ્લાસ.
અવકાશમાં છૂટા પડેલા – વજનહીન અને દિશાશૂન્ય બનેલા કોઈ એક વિચાર જેવો ખાલી ગ્લાસ!
વૉશબેસીન આગળથી પાછી ફરેલી, પસીનો પસીનો થઈ ગયેલી, ઉતાવળે શ્વાસ લેતી સિબિલ ખુરશીમાં ફસડાઈ પડી.
‘તમને કશુંક થઈ ગયું?’
એ પ્રશ્નની ઉત્સુકતા પાછળ સમય થોડો અમસ્તો જ ઢસડાયો.
‘કોઈ વાર હું તમને મારી છાતીની એકસગ્રે પ્લેટ બતાવીશ. મહીં ફેફસાંમાં કેટલાંક કાણાં છે – આવડાં આવડાં! કોઈ વાર સખત ખાંસી આવે છે ત્યારે બળખામાં લોહી પડે છે.’
‘ટી.બી.?’
સિબિલે ડોકું ધુણાવી હા કહી.
‘ઓહ!’
‘કેમ? હવે મારો સંગ કરતાં બીક લાગશે – ખરું?’
‘ના – ના. એવું કંઈ નથી.’
‘જૂઠું નહિ બોલો.’
પણ એ વિચારી રહ્યો હતો…અવકાશ એક અજબ વસ્તુ છે. એમાં માણસ દિશાહીન બની શ્રમ કર્યા વિના ફર્યા કરે…અટકે જ નહિ. આ ગ્લાસને વારે વારે ગોળ ગોળ ફેરવવાની જરૂર નહિ. એક વાર ફેરવ્યો એટલે ફર્યા કરે, પણ એવું બને કે….
‘મારે આવતી કાલથી આરામ લેવો પડશે.’
સિબિલે નીચું માથું કરી ટેબલના કાચની લીસી સપાટી પર હાથ ફેરવ્યો. એની આંગળીઓનાં ઠંડાં ટેરવાં ફરી એના હાથને અડી ગયા…અને એ ઠંડો, કંપાતો, કોમળ, દુર્બળ હાથ થાકથી લોથ થઈ એના હાથ પર પડી ગયો…પડી રહ્યો…એક પળ, બે પળ…. ત્રણ પળ… કોણ જાણે કેટલી પળો સુધી! પછી પળોએ પોતાની સંખ્યા અને પળપણું ગુમાવ્યું ત્યારે સિબિલ, જાણે અમસ્તી જ હસતી હોય એમ પોતાને હોઠને ખૂણે થોડું હસી.
એણે પોતાનો હાથ પાછો ખેંચી લીધો.
બસ એ જ સમયે એણે સીલિંગના પંખાને અવાજ કરતો સાંભળ્યો.
*
સંતોષ બૂટની એડી પર પાઇપ ઠોકીને ખાલી કરી. પછી પાઈપના મોઢામાં એ કશુંક શોધતો હોય અને શું શોધી રહ્યો છે એની ગતાગમ ન હોય એમ મૂઢની જેમ મોઢું વિકાસીને જોઈ રહ્યો.
દુર્લભ ગ્લાસને મોઢે અડાડવાની મથામણ કરી રહ્યો હતો. એ તરફ કૉન્ટ્રેક્ટરની પ્રેમિકા આંગળી ચીંધી કર્કશ હસી રહી હતી.
ઉપર ફર્યા કરતા પંખાથી કપાતી રહેતી હવા વેદનાની એકધારી બૂમ પાડી રહી હતી.
….અને….
અને અવકાશમાં ગતિહીન વિચારો – વજનહીન, આધારહીન.
વ્હીસ્કીનો એ ખાલી ગ્લાસ.
અને હજી તો નવમાં પાંચ કમ!
*
ગોમ્સ કાઉન્ટર પરના ચોપડામાં કશુંક લખી રહ્યો હતો.
એક પત્રકાર ખુરશી પર આડો થઈ સામેની ખુરશી પર પગ લંબાવી પડયો હતો. બીજો પાન ચાવતો હતો તે સ્વસ્થ હતો. ત્રીજો ટેબલ પર વાંકો વળી કશુંક લખી રહ્યો હતો. ચોથો લખાતું વાંચી રહ્યો હતો.
‘એક લાખ ક્ષુધાર્ત માનવીઓની સભામાં એકત્રિત થયેલી મેદનીએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સેવેલો આગ્રહ.’
‘બરાબર છે?’
‘ભ્રષ્ટાચારભર્યો સમાજ હવે જડમૂળથી પરિવર્તન માગે છે….’
એ લખતો અટકી પડયો – કશુંક વિચારી રહ્યો. પછી પ્રશ્નાર્થમાં ડોકું વાંકું કરી લખાણ વાંચી રહેનારને એણે પૂછયું:
‘ક્રાન્તિ કે લોકશાહી?’
‘નવ વાગ્યે.’
‘શું બકે છે?’
‘મેં કહ્યું આ ક્ષુધાર્ત માનવીઓની સભા આશરે નવ વાગ્યે વિખરાશે!’
‘બેવકૂફ!’ એણે પેન્સિલ પકડેલા હાથની મૂઠી વાળી ટેબલ પરનાં લખાણવાળાં પાનાંઓ પર જોરથી અફાળી.
‘ફરનાન્ડિસ….સૂવર!’
‘અછત.’
પેલો પત્રકાર ફોનોગ્રાફની જેમ વાગી ગયો.
‘હા જરૂર, જીવનની જરૂરિયાતવાળી ચીજોની જ માત્ર નહિ – ખુદ જીવનની અછત.’
‘આફરીન.’
અને ફરી પાનના થૂંકનાં નાનાં બિન્દુઓનો ફુવારો ઊડયો.
‘હતાશ…કંટાળો.’
‘વિચિત્ર!’ સંતોષ સ્વગત બોલ્યો.
‘અતિ વિચિત્ર કે એક ટેબલ અને બીજા ટેબલ વચ્ચે અંતર વધ્યે જતું હતું…ટેબલની સપાટી પણ લંબાતી દેખાતી હતી… આ શરાબખાનું વિસ્તાર પામી રહ્યું હતું.’
‘સમયની નિયત સપાટી પર સ્થળવિસ્તાર?’
‘આ વાત આઈન્સ્ટાઈને પણ નથી કહી.’
*
‘તમે સ્રીના મન કરતાં એના રોગમાં વધારે રસ લેતા જણાઓ છો!’
ઊંડો શ્વાસ લઈને જન્મતું, જન્મીને તરત કરમાઈ જતું સિબિલનું સ્મિત…એક સ્રીના કારુણ્યને સ્મિતને વેશભૂષા સજે ત્યારે જે બનવું જોઈએ તે અત્યારે બની ગયું…
એ આવક બની જોઈ રહ્યો.
‘જોજો, મારી વિકૃતિ જાણીને પસ્તાશો, અને પછી એવી અરુચિ ઉત્પન્ન થશે તમને મારી તરફ કે હું તમને ખોઈશ.’
એ ફરી એવું જ હસી.
‘અચ્છા, એમ કરો, આજે હું તમને ડ્રિંક ઑફર કરું’
‘જી નહિ, ઉપકાર.’
‘કેમ એમ?’
‘હું દયાની બક્ષિસ પીતો નથી.’
‘તમારું વર્તન તોછડું છે.’
‘છે.’
‘પણ…ખબર છે ને રાત હજી લાંબી છે.’
‘ખબર છે.’
‘ભોળા છો તમે…તમને કોઈ વાતની ખબર નથી.’
સિબિલની કીકીઓએ અત્યાર સુધી એની નજરનો સંગ છોડયો નહોતો.
અને એણે પોતાની જાતને પૂછયું કે આનંદ ને સતત ગૂંગળામણની સંકડામણ વચ્ચે જીવવાનો કોઈ અંત ખરો કે નહિ?
‘આ માણસ,’ સંતોષે એની તરફ આંગળી ચીંધતાં દુર્લભને કહ્યું, ‘આફત નોતરી રહ્યો છે!’
બસ થઈ ચૂક્યું.
વ્હીસ્કીનો ગ્લાસ ખાલી હતો. રાત અભંગ નહોતી રહી. સિબિલ એની લાગણીઓને અડીને દૂર ખસી ગઈ હતી.
એની પજવણી ચાલુ હતિ.
નાસભાગ કરતી હવા શ્વાસ લેવા થંભી. બારીનો પરદો થોડું હલીને સ્થિર થયો.
રાત ઉંબરે આવીને ઊભેલી દેખાઈ.
ના – એ રાત નહિ જે એને ત્યજી ગઈ હતી. કોઈ અન્ય સામાન્ય રાત..અનેકમાંની એક સ્રી જેવી, એકાન્તમાં નિર્લજ્જ અને બીભત્સ!
લાગણીઓનો આવો અનહદ આવેશ!
એને ખબર ન રહી કે એ બેબાકળો ઉતાવળથી ઊભો થયો હતો અને ખુરશી અવાજ કરીને દૂર ફેંકાઈ ગઈ હતી.
સિબિલે એનો હાથ પકડવાનું કર્યું.
‘તમે અસ્વસ્થ છો!’
‘એ ખલાસ છે.’
સંતોષ બોલી ઊઠયો.
હસવા જતો દુર્લભ હેડકી ખાઈ ચૂપ રહી ગયો.
ખુલ્લા રહી ગયેલા ગોમ્સના હોઠ પર ‘ફરનાન્ડિસ’ની બૂમ ખામોશ બની ગઈ.
અને… અને સંપૂર્ણ બંધ થતા વૉશબેસીનના નળમાંથી, વહી જતા આયુષ્ય જેવું, પાણીનું એક એક ટીપું ટપકી રહ્યું!
*
ગોમ્સ કાઉન્ટર પરના ચોપડામાંથી માથું ઊંચું કરી, ચશ્માં ચોપડા પર મૂકી, એકધ્યાન બની કશુંક સાંભળી રહ્યો.
‘મુર્દાબાદ, લેકે રહેંગે, અમેર રહો!’નાં સૂત્રોનો અવાજ દૂરથી નજીક આવતો સંભળાયો.
એક મચ્છર સંતોષના કાન આગળ ‘ડાઈવ’ મારી દૂર જતો રહ્યો.
અત્યાર સુધી કશુંક લખી રહેલા પત્રકારે ટેબલ પરથી પાનાં ઊંચકી પાકીટમાં ભર્યા અને બીજાઓ તરપ ઉતાવળે ફરતાં પૂછયું:
‘હું તો જઈશ – કોઈને આવવું છે મારી સાથે?’
પાન ચાવતો પત્રકાર ખુરશી પર પગ લંબાવી ગયો. બીજા બે એના તરપ પીઠ ફેરવી ગયા. રસ્તા પર, હજારો પગ કોઈ બેકાબૂ ઉતાવળને વશ થઈ ભાગતા હોવાનો અવાજ છેક નજીક આવી પહોંચ્યો.
‘મુર્દાબાદ’ની લંબાઈ ગયેલી એક ચીસ અને એક દેહ જમીન પર પછડાયાનો અવાજ બાર-રૂમમાં બંધ બારીબારણાંને ભેદી અહીંની બદબોભરી ગરમ હવા વચ્ચે ઘૂમી રહ્યો.
અણઘડ બેબાકળા ઉતાવળા પત્રકારનો પાકીટ ઉઘાડતો હાથ ધ્રૂજી રહ્યો.
‘નથી આવવું?’
અને જવાબની રાહ જોયા વિના એ જતો રહ્યો. એક પળ બાદ, એની પાછળ સ્વિંગ ડોરનું હલનચલન બંધ પડયું.
*
એણે સિબિલને પડખે ખેંચી. સિબિલનું માથું સહેલાઈથી એને ખભે નમી પડયું.
‘તમને ખબર છે?’
એ હસતી હતી – આવા કસમયે!
‘તમને ખબર છે, મને કબ્રસ્તાનમાં ફરવાનો શોખ છે. ઊંચા વૃક્ષો, શીતળ હવા, નીરવ એકાન્ત અને સાથી તરીકે કોઈના વ્યતીત જીવનની સ્મૃતિઓ! તમે અમસ્તા જ લટાર મારવા ગયા છો કોઈ દહાડો કબ્રસ્તાનમાં?’
‘નહિ.’
‘જજો કોઈક વાર, અથવા આવજો મારી સાથે, તમને ગમી જશે!’
*
પરદાવાળી બારી આગળના ફૂટપાથ પરથી કોઈ જીવ લઈને નાસતું સાંભળાયું…
એ જ પળે પ્રસન્નના ગાલ પર એના પ્રેમીનો તમાચો ઠોકાયાનો અવાજ પણ સંભળાયો.
કોઈક આડું જોઈ ગયું, કોઈક બોલતું અટકી પડયું. વાચા માગતા કોઈકના વિચાર વેરવિખેર થઈ ગયા….
બાર-રૂમમાં સન્નાટો છાયો.
એની છાતી વચ્ચેની હૂંફ જતી રહી કે શું થયું, એણે સિબિલને પોતાની નજીક ખેંચવાનું કર્યું.
‘થોભો….પણ થોભો જરા!’
ફરી એ ઓચિંતાની નીચી નમી. ઉધરસ ખાતી વૉશબેસીન તરફ દોડી.
*
દુર્લભ ખુરશીને ટેકે ઊભો થયો અને પોતાનો રૂમાલ જ્યાં નહોતો ત્યાં શોધવા, ઉપલા ખિસ્સામાં આંગળાં ઘોંચી રહ્યો.
‘ડાર્લિંગ, અહીંથી જતાં રહીએ,’ કૉન્ટ્રેક્ટરની પ્રેમિકા એને ખુરશીમાંથી ઊભો કરવાના વ્યર્થ પ્રયત્ન કરી રહી. ‘અહીંથી ઉતાવળે જતાં રહીએ.’
‘આ ભયંકર રાતના હું ઘેર નહિ જાઉં; અને આમે ઘર હવે ગમતું નથી.’ પ્રસન્ને આસપાસ જોયું. એનો પ્રેમી એની પડખે નહોતો – એની આંખમાં રુદન હતું પણ આંસુ નહોતાં.
ફરનાન્ડિસ હજી તો બારનો દરવાજો બંધ કરી રહ્યો હતો ત્યાં, બારીના કાચને તોડી, સ્થિર રહેલા પરદાને હટાવી એક પથ્થર પત્રકારોના ટેબલ આગળની જમીન પર અફળાયો.
પ્રસન્નની ચીસ ગૂંગળાઈ ગઈ. કૉન્ટ્રેક્ટર – એની પ્રેમિકા, પત્રકારો અને અન્ય કેટલાકના પગ જમીન સાથે ઘસાઈ ગયા.
સંતોષે હમણાં જ સળગાવેલી પાઇપ બેધ્યાનપણે ટેબલની સપાટી પર ઠોકીને ખાલી કરી.
‘શી છે આ ધમાલ?’
‘વરઘોડો પસાર થાય છે!’
પાન ચાવતા પત્રકારે ઉત્તર વાળ્યો.
એને નહિ ગણકારતાં સંતોષ દુર્લભ તરફ વળ્યો.
‘શું છે આ બધું?’
‘મારો રૂમાલ,’ એણે લથડિયું ખાતાં ખરશીને બન્ને હાથથી પકડી અને હેડકી ખાતાં પૂછયું, ‘ક્યાં છે?’ પત્રકારે પડીકામાંનું છેલ્લું પાન ગલોફામાં નાખતાં પડીકાના કાગળને નીરખીને જોયું. મહીં કાથાના બેઢંગા લાલ ડાઘ હતા.
‘એબસ્ટ્રેક્ટ!! – હત્ તારીની!’
ઊભા થવાનો વિચાર માંડી વાળી, એ દિગ્મૂઢ અચંબાથી ખુરશીમાં જકડાઈ ગયો.
*
બારના દરવાજાને કોઈએ જોરથી ધક્કો માર્યો…’ખોલો…ખોલો….ખુદાની ખાતર કોઈ ખોલો!’
રસ્તા પર, કેટલાક પગ બાર તરફ દોડી આવતા સંભળાયા ન સંભળાયા એટલી વારમાં તો બાર પર પથ્થરો અને સોડા વૉટરની બાટલીઓનો મારો શરૂ થયો. બારીના કાચ, વેન્ટિલેશન, પ્લાયવુડનાં પેનલ ફટોફટ તૂટવા લાગ્યાં.
સંતોષ સિવાયની બારમાંની બધી વ્યક્તિઓ – ગોમ્સ – ફરનાન્ડિસ સુધ્ધાં, ફૂટપાથવાળી બાર અંદરની ભીંતને પડખે લપાઈ.
થોડી વારે આસ્ફાલ્ટના રસ્તા પર દોડતા ઘોડાના દાબડાનો અવાજ સંભળાયો. પોલીસ જીપનાં હૉર્ન અને બ્રેક લાગતાં રસ્તાની સપાટી પર ટાયરની ચિચિયારી સંભળાઈ અણે એ બધા અવાજને પડખે કરી એક ભયંકર અવાજ ગર્જી ગયો… ગોળીબારનો!
*
માત્ર નવ પાંત્રીસ.
બારીના ફૂટેલા કાચના ટુકડાઓની જેમ રાત્રીની ઘડીઓ એવી તો વેરવિખેર પડી હતી કે એમને હવે એકેક કરીને કે એકસામટી એકઠી કરી શકાય તેમ નહોતું.
દિવસ…રાત્રિ.
દિવસ માણસને જકડી રાખે અને રાત્રીને માણસ પકડી ન શકે, આથી અધિક માનવીની કઈ અવદશા હોઈ શકે?
કટાણે માણસને કેવા બેનમૂન ખ્યાલ આવતા હોય છે…કે…કે આ બધું થોડી ક્ષણો બાદ પસાર થઈ જશે.
થોડા દિવસો બાદ હકીકતનું જુઠાણું ઇતિહાસ કહેવાશે. સત્ય પર ડહાપણનો કાટ
ચઢશે…..
અને….ઓહ આ બેચેની!
રાત્રીના દેહ પર ફરી વળતા જીર્ણ – જ્વર જેવા આ વિચારો!
‘અરે ઓ….., ખોલો ખોલો…ઓ….ઓ’ની છેલ્લી બૂમ પાડી એક દેહ બારના દરવાજા પર અફળાઈ પડતો સંભળાયો.
‘જોસેફ!’ કહેતી સિબિલ વૉશબેસીન આગળથી પાછી ફરતાં અધવચ્ચે અટકી પડી અને બેવડી વળી ગઈ. એના કાળા વાંકડિયા વાળ તોરણ બની એ જ ચહેરા પર ઝૂકી રહ્યા.
ટેકો શોધવા એણે હાથ લંબાવ્યો.
ઉપરાઉપરી આવતી ઉધરસની ઘૂમરીઓને અટકાવવા સિબિલે મોઢે હાથ ધર્યો.
પછી….ઉધરસનો એક છેલ્લો ઠણકો…એક લથડિયું અને એના મોમાંથી લોહીનો ધોરિયો વછૂટયો.
ધ્રૂજતાં અંગો, ઉતાવળે ભરાયેલાં બે પગલાં, અને એણે સિબિલને ઊંચકી લઈ સોફા પર સુવાડી, ઘડીક પહેલાંની ઉત્સુક આંખ અત્યારે અરધી બંધ હતી. એ ઉતાવળે અડધા શ્વાસ લેતી હાંફી રહી હતી.
‘સિબિલ, સિબિલ!’
સિબિલ માત્ર એક વાર પાંપણોને ડોળા પરથી ઊંચકી શકી. સ્મિતનો નિષ્ફળ પ્રયત્ન કરી રહેલા હોઠને ખૂણેથી એક લોહિયાળ બળખો છૂટો થઈ એના ખભા પર સરી પડયો. એણે સિબિલના ચહેરા પરથી લોહી લૂછી નાખ્યું અને નિષ્પ્રાણ ત્વચા પર શરદની પૂર્ણિમા આવીને બેઠી…એક અતિ સુંદર સાહસનું શિલ્પ. વાંકા રહી ગયેલા ચહેરાની નજાકત. સ્તન પર ટેકવાયેલા હાથનો પંજો સરી ગયેલા સ્કર્ટ નીચે જરા વાંકો રહી ગયેલો પગ…..વીનસ-દ-મીલો!
હવે બધું શાંત પડયું, કોલાહલ વિખરાઈ ગયો. ક્વચિત્ પસાર થાં પોલીસ વાહનોના અવાજ સિવાય, બાર-રૂમમાં અને એની બહાર વાતાવરણ સ્તબ્ધ બન્યું. ફરનાન્ડિસ બારના દરવાજે હળવે પગલે જઈ રહ્યો હતો….એને જતો કોઈએ જોયો, કોઈએ નહિ જોયો, એણે બાર-રૂમનો દરવાજો ખોલી નાખ્યો અને એક માથું બારના ઉબરાની આ બાજુ ઢળી પડયું.
‘ક્રુકટ?’
સંતોષ બારના દરવાજા તરફ દોડી ગયો. દુર્લભ એની પાછળ ચાલ્યો. કૉન્ટ્રેક્ટર અને એની સાથેની ભરાવદાર અંગોવાળી સ્રી પણ ત્યાં દોડી આવ્યાં. પ્રસન્ન રસોડામાં જતી રહી.
‘જોસેફ!’
એના હોઠ પર એ શબ્દ હઠ કરીને ઊભો રહી ગયો. જોસેફના માથા નીચેથી વહી નીકળેલો લોહીનો એક નાનકડો પ્રવાહ થોડું આગળ વધી અટકી પડયો અને થીજવા લાગ્યો.
બસ, એ જ સમયે –
સિબિલનો હાથ એની છાતી પરથી સરી જઈ સોફાની બાજુમાં લટકી પડયો, ઘડિયાળના લોલક જેવો, સમયની છેલ્લી થોડીક ક્ષણોનીક નોંધ લઈ સ્થિર થયો. એકાદ-બે આંસું, થોડ નિ:શ્વાસ અને બેચેન મન લઈ બધા વિખરાયા – જતા રહ્યા.
પાણીના ગ્લાસ, ઊંધી વળેલી બાટલીઓ – પેલ્ટ – છરી-કાંટા–પથ્થર, કાચના ટુકડા, બારીનો સ્થિર પડદો નછૂટકે હતો ત્યાં પડી રહ્યો.
‘સિબિલ’ – બસ એક આ નામ સિવાય એ આ છોકરી વિશે બીજું કશું જાણતો નહોતો.
તોય એ એને પડખે બેસી રહ્યો…એક ક્ષણ….એક રાત…
એક દિવસ…એક વરસ…એક યુગ…અનેક યુગો સુધી!
સમય માત્ર દસ અને પાંચ… અને રાત હજી લાંબી હતી!
[‘આરામ’]