દરિયાકાંઠે બેઠાં બેઠાં હાથમાં એક કાંકરાને રમાડતો હતો. સ્પર્શથી એના રૂપનો પરિચય કરતો હતો. એ રૂપ દરિયાનાં મોજાંએ ઘડ્યું હતું, પવને પણ એની આંગળી એના પર ફેરવી હતી, દૂરના સૂરજનો પણ રૂપ ઘડવામાં હાથ હતો. એ કાંકરાને સ્પર્શતાં જળ, પવન અને તેજના સ્પર્શનો પણ અનુભવ થયો. એક રીતે જોતાં કાંકરાનું રૂપ એ ત્રણ તત્ત્વોનો સ્પર્શ કરાવવાનું નિમિત્ત બન્યું.
કોઈને એમ લાગશે કે મેં કાંકરાને વધારે પડતો દૂર ફેંક્યો. નદીકાંઠે હોઈએ ત્યારે કાંકરાને પાણીમાં સાત સાત કૂદકા મરાવવાની હરીફાઈમાં કોણ નહીં ઊતર્યું હોય? કોઈ વાર વિચાર કરતાં એમ લાગે છે કે આ અલંકારયોજનાની પ્રવૃત્તિ પણ વાસ્તવિકતાના કંકરને સાત કૂદકા મરાવવા જેવી જ છે. જે ઙ્ઘઢ્ઢષ્ને એકલા ન ગમ્યું, જે એકલો ન રમી શક્યો ને એ કારણે, સાત શું અનેક, કૂદકા મારીને બહુ થયો તેણે જ આ રમતની આપણને આદિ દીક્ષા આપી દીધી. સુન્દર મુખ જોયું, ખુશ થયા; એ ખુશીના જ હિલ્લોળથી દોલાયિત થઈને આકાશના ચન્દ્ર સુધી પહોંચી ગયા. અવકાશયાત્રા આપણા મનની તો એક પ્રિય પ્રવૃત્તિ છે જ, કારણ કે મન પોતેય અવકાશ નહિ તો બીજું શું છે?
એ एक રમવા સારુ બહુ થયો, માટે આપણે ય બહુ સાથે રમતાં રમતાં જ एक સુધી પહોંચી શકીએ. આથી જ રવીન્દ્રનાથે કહ્યું હતું: ‘રૂપસાગરે ડુબ દિયેછિ, અરૂપરતન આશા કરિ.’ પ્રસ્તુતનું નિમિત્ત રાખીને આપણે અપ્રસ્તુત સાથે ક્રીડા કરીએ છીએ. આ અપ્રસ્તુત પ્રસ્તુત વચ્ચે તમે જેટલો વધુ અવકાશ રાખી શકો તેટલું ક્રીડાનું પટાંગણ મોટું. એને માટે તમે સાદૃશ્યને ખપમાં લો કે વિરોધને ખપમાં લો, એકના ગુણધર્મોનું આરોપણ બીજા પર કરો કે એકને સાવ નકારીને બીજાને સ્થાપો, નકારીને ન અટકો ને એક દ્વારા બીજાનું નિગરણ કરી જાઓ, કાર્યકારણ અને એવા બીજા સમ્બન્ધોનો વિપર્યય કરો, વ્યતિરેકનો પણ આશ્રય લો – આવી અનેક રીતે ક્રીડાનો રસ તમે વધારી શકશો.
આપણું શરીર, આપણું ભૌતિક અસ્તિત્વ અમુક સ્થળ અને કાળનાં ચોકઠાંમાં છે, પણ આપણી ચેતના એનાં સ્મૃતિ, કલ્પના સ્ફુરણા વગેરે સાધનોથી આ ચોકઠાંને ઠેકી જાય છે. આ ચોકઠાંને ઠેકી જવાની ક્રીડાનો રસ અનેરો જ છે. કેવળ જૈવિક પ્રયોજનોનું દાસત્વ આપણે કદી મંજૂર રાખ્યું નથી. સહેજ સરખું નિમિત્ત મળતાં આ ક્રીડા શરૂ થઈ જાય છે. બહુમાં રમતાં રમતાં પેલા એકને પકડી પાડવાનું કૌતુક આપણામાં જાગ્રત રહે છે. કોઈ શબ્દોને એવી રીતે રચે કે એના ધ્વનિનાં આંદોલનો વિસ્તર્યે જ જાય; કોઈ રેખા અને રંગનું એવું સંવિધાન કરે કે નાનકડા કૅનવાસના ફલકને વટાવીને અનેક રૂપોની સભર સૃષ્ટિમાં આપણો પ્રવેશ કરાવી દે; કોઈ સૂર અને સૂરની મિલાવટ કરે કે એનાં આવર્તનો સાથે આપણે શૂન્યમય અવકાશમાં લયલીન થઈ જઈએ. ભવભૂતિ ‘નેત્રનિર્વાણ’ શબ્દ વાપરી ગયો છે તે બહુ સૂચક છે. દૃશ્ય રૂપના સૌન્દર્યની ચરમ સીમા એટલે એને જોનાર નેત્રનું નિર્વાણ, પછી જોવાપણું રહે જ નહિ. આ પ્રકારનું annihilation જ પૂરેપૂરો અવકાશ રચી આપે. રસાનુભવનો એ અનિવાર્ય ઘટક છે.
આ અર્થમાં અલંકાર એટલે શણગાર નહિ પણ ભાષાની અભિવ્યક્તિની શક્તિની ચરમ સીમા. એટલે સુધી પહોંચ્યા પછી ભાવક બોલી ઊઠે: અલમ્! બહુ થયું, આથી આગળ જવાનું રહ્યું નથી.
કળામાં વાસ્તવિકતાનું રૂપાન્તર થાય છે. કાવ્યમાં આ રૂપાન્તરની પ્રક્રિયામાં અલંકારયોજના મોટો ભાગ ભજવે છે. વાસ્તવિકતાની દૃષ્ટિએ સાવ અસંગત લાગે એવી વાતો કવિ રસપૂર્વક કરે અને એ આપણે પણ રસપૂર્વક સાંભળીએ, આથી રસમીમાંસકો એમ કહે છે કે જે વાસ્તવિક છે તેની યથાર્થતાનું ઇંગિત કળામાં મળે છે. એ યથાર્થતાના બૃહત્ પરિમાણમાં વાસ્તવિક કપોલકલ્પિત વચ્ચે પણ શુભ દૃષ્ટિ થાય છે. વસ્તુ વસ્તુ વચ્ચેના સમ્બન્ધોની ભૂમિકા બદલાઈ જાય છે. પેલા એકને બહુમાંથી શોધી કાઢવાના ચટુલ ચંચલ કૌતુકની હીરદોર બધું એક ભરતમાં ગૂંથી લે છે.
આપણે ઘડીભર મમ્મટાચાર્યની અલંકારની વ્યાખ્યાને ભૂલી જઈએ. અલંકારોનાં નામ જ એમનો સાચો પરિચય આપી છૂટે છે; કોઈ આચાર્યની કારિકા કે વૃત્તિ પાસે જવાની ખાસ જરૂર નથી. ‘ઉપમા’ કહેવાથી જ સમજાય છે કે તમે બે વસ્તુને એકબીજાની પાસે લાવો છો ને એ રીતે એનું મનમાં નવું માપ કાઢો છો, ભાવજગતમાં એનું નવું મૂલ્ય આંકો છો. પાસે લાવીને માપ કાઢવામાં જ એક કૌતુક રહ્યું છે. એ માપ કે મૂલ્યનું કોઈ બજારમાં ચલણ નથી માટે જ એ સાચા અર્થમાં અમૂલ્ય બની રહે છે. બે વસ્તુને, બે વિચારને, બે સંવેદનોને, બે સ્મૃતિને, બે કલ્પનાને પાસે લાવવાં એટલે બંનેના સમ્બન્ધની નવી શક્યતાનું નિર્માણ કરવું. કાવ્યમાં આ બે વચ્ચેનું સાધર્મ્ય તે વસ્તુઓના ગુણધર્મ પર જ અવલંબીને રહેતું નથી. એનો એ જેટલો આધાર લે તેટલું કવિકર્મ મોટું. અલંકારમાત્રમાં, અનેક મિષે, આખરે તો બે વસ્તુને પાસે લાવીને એમની વચ્ચેના નવા નવા સમ્બન્ધોની શક્યતાનો સાક્ષાત્કાર કરવાની પ્રવૃત્તિ રહેલી જ છે.
હવે લઈએ ઉત્પ્રેક્ષા. નામ જ બધું કહી દે છે. કવિ એવી તો ગજબની ‘સમ્ભાવના’ કરે છે કે આપણાથી ઊંચા થઈ થઈને જોયા વિના રહેવાતું નથી! આવી પ્રેક્ષણીયતા આ અલંકાર સરજી આપે. આવી ‘સમ્ભાવના’માં બે વસ્તુઓને એકાએક અડવાથી મારવાથી કોઈ ચોંકી ઊઠે એવી નરી ચાતુરી નથી હોતી. એ ચાતુરી તો પલકારામાં ચમકીને લોપાઈ જાય, કવિની પ્રતિભાની ખરી કસોટી એની ઉત્પ્રેક્ષાઓથી થઈ જાય.
2
કાકાસાહેબના મુખ્ય અલંકારો ઉપમા અને ઉત્પ્રેક્ષા છે. કવિ રીઢો થાય એટલે અર્થાન્તરન્યાસ તરફ વળે. કાકાસાહેબમાં ઘણી વાર અર્થાન્તરન્યાસી વલણ દેખાય છે ખરું, પણ એમનામાં રહેલું કૌતુક, આ ‘દેવસ્ય કાવ્ય’ને જોવાથી થતું વિસ્મય, એમની સ્મૃતિનો પારસમણિ એ વલણને બહુ પોષતાં નથી તે આપણે માટે એક સુખદ ઘટના છે.
કાકાસાહેબની અલંકારસૃષ્ટિમાં બે મુખ્ય સંચાલક બળો તે શિશુસહજ નિત્યનવીન વિસ્મય અને સ્મૃતિ, આ સ્મૃતિનેય શૈશવ જોડે જ ઝાઝો સમ્બન્ધ છે, સ્મૃતિના સ્પર્શથી જ બે પૃથક્ ઘટનાઓ કે અનુભૂતિઓ સંધાઈ જાય છે. સ્મૃતિ ભૂતકાળની ઘટનાના રૂપનું નર્યું પુનરાવર્તન નથી કરતી, એ સમય દરમિયાન ચિત્તે ગ્રહેલા સંસ્કાર, અધ્યાસ, સંવેદનોના દ્રાવણમાં ભૂતકાળની ઘટનાઓનાં રૂપ બદલાતાં જ રહે છે. સ્મૃતિ વિસ્મૃતિની પણ મદદ લે છે, અમુક અંશોનો લોપ સાધે છે. ઘણી વાર આવા લુપ્ત કરેલા અંશોને સ્થાને કલ્પનાને ક્રિયાશીલ બનાવી એ નવા અંશો ઉમેરી દે છે. સ્મૃતિની આ લીલા પણ વિસ્મયનો વિષય બની રહે છે.
અલંકારસૃષ્ટિના પ્રસ્તુત અને અપ્રસ્તુત કે ઉપમેય અને ઉપમાનના બે ધ્રુવ વચ્ચે કેટલો વિસ્તાર છે તે અલંકારસર્જકની પ્રતિભા પર અવલંબે છે. જે વિસ્તારનું સાધન છે તેને જ કેટલીક વાર કવિ પોતાને અભિમત એવી એકાદ ભાવના કે માન્યતાના સાંકડા ચોકઠામાં ઢાળીને હ્રસ્વ કરી મૂકે છે. કળા યાન્ત્રિક સમીકરણોમાં રાચતી નથી, બહુકરણમાં જ રાચે છે.
કાકાસાહેબ ‘ચરન્વૈ મધુવિન્દાન્તિ’ સમ્પ્રદાયના યાત્રી છે. એમની આ યાત્રાએ જ આપણને મોટા ભાગનું અલંકારમધુ સંપડાવ્યું છે. યાત્રા કરનારમાં એક પ્રકારની સજીવતા હોય છે, એક પ્રકારનું dynamic તત્ત્વ હોય છે. ડગલે ને પગલે દૃશ્ય બદલાય, કુતૂહલ સદા જાગ્રત રહે ને હવે પછીના આવનારા વળાંકે વળી શું જોવાનું મળશે એની ઉત્સુકતા પણ કશું વાસી નહિ થવા દે. કાકાસાહેબની સૃષ્ટિમાં નદીઓ, આકાશ (એ તારાથી ખચિત હોય કે બપોરના આકરા તાપમાં બળબળતું હોય, ચન્દ્રયુક્ત હોય કે વાદળોથી છવાયેલું અન્ધકારમય પણ હોય ), વાદળાં – આટલાં મુખ્ય આલમ્બનો છે. આમ જુઓ તો એ સૃષ્ટિ બહુ મોટી નથી, એમાં ઝાઝી સંકુલતા નથી, સંસારની અનેકવિધ સંવેદનાની અપ્તરંગી ભાત નથી, રવીન્દ્રનાથની ઉત્પે્રક્ષામાં હોય છે તેવી અન્તસ્તલમાંની અનેક દુર્લભ રત્નકણિકાઓને લીલયા એક સૂત્રે પરોવી દેનારી રચના નથી કે એલિયટ જેવાની ઉત્પ્રેક્ષામાં યુગના હાર્દને મૂર્ત કરી દેવાની જે દૃષ્ટિ છે તેય કદાચ નથી. એમ છતાં, પોતાની મર્યાદામાં રહીનેય એઓ આપણી ચિરપરિચિત સૃષ્ટિને એમની વિસ્મયભરી દૃષ્ટિની માયાવી આભાથી મણ્ડિત કરીને આપણને ન્યાલ કરી દે છે.
શિશુસહજ સરલ તરલ વિસ્મય, બે વસ્તુને અડખેપડખે મૂકીને જોવાનું કૌતુક એમની મોટા ભાગની ઉત્પ્રેક્ષાના મૂળમાં છે. ‘જીવનનો આનંદ’ (પૃ.175)માં એમણે જ કહ્યું છે: ‘કિંમત એટલે સરખામણી.’ આવી સરખામણીથી વસ્તુઓની, અનુભૂતિઓની નવી નવી કિંમત ઉપજાવવાનું એમને ભારે કૌતુક છે. આ કૌતુકની હીરદોરનું ભરત એમની ઉત્પ્રેક્ષાઓમાં ને ઉપમાઓમાં દેખાય છે. પ્રસ્તુતથી અપ્રસ્તુત સુધી પહોંચવામાં સ્મૃતિનો ફાળો પણ મોટો છે. એમણે જ આ વિશે ઉદ્ગાર કાઢ્યો છે: ‘ત્યારે શું સાચેસાચ આપણે કશું ભૂલી જતા નથી? જોયેલું અનુભવેલું બધું ક્યાંક દટાયેલું રહે છે ને પ્રસંગ આવ્યે પાપપુણ્યની પેઠે ઊભું થાય છે’ ‘(જીવનનો આનંદ’, પૃ.105) અહીં પણ ‘પાપપુણ્યની પેઠે’ કહ્યા વિના એઓ રહી શકતા નથી.
સૌથી પ્રથમ આપણે આકાશ, ચન્દ્ર, તારા વિશેના અલંકારો જોઈએ. કાકાસાહેબ આકાશદર્શનના ભારે શોખીન છે એ તો બધાંને જાણીતું છે. વાદળો કામરૂપ છે એમને અનુસરીને કાકાસાહેબની કલ્પના પણ કામરૂપ બને છે. કામરૂપ કલ્પનાનો થોડો લીલાવિલાસ જોઈએ.
‘જીવનનો આનંદ’માં દેવોનું કાવ્યમાં વર્ષારમ્ભે વાદળાંઓના આગમનને કાકાસાહેબ વર્ણવે છે. આમ તો નિરભ્ર આકાશ જ એમને ગમે છે. આથી એક-બે સ્થળે નિરભ્ર સ્વચ્છ આકાશ પ્રત્યેનો પક્ષપાત બતાવતાં એમણે કહ્યું છે: ‘મેઘ વગરની હસમુખી ઉષા એ જ એક મોટું સાત્ત્વિક કાવ્ય છે.’ (જી.આ.પૃ.50) ‘આકાશ સીતાની કીતિર્ની જેમ પૂરેપૂરું સ્વચ્છ થયું.’ (જી.આ.પૃ.17) ‘માથા પર આકાશ સાવ નિરભ્ર હતું… બૌદ્ધોનું નિર્વાણ જ જાણે ન પ્રસરેલું હોય.’ (જી.આ.પૃ.16) અહીં ‘કાવ્યની’ પહેલાં આવતું ‘સાત્ત્વિક’ એ વિશેષણ અને સ્વચ્છતાની સીતાની કીતિર્ જોડેની સરખામણી કાકાસાહેબની જીવનસૃષ્ટિનાં દ્યોતક બની રહે છે. શુભ્ર નિરંજનતા એમને ઇષ્ટ છે. એ જ એમને મન સાત્ત્વિક છે ને છતાં રંગો વિશેની એમની લાલસા પણ કંઈ ઓછી નથી. વાદળોનાં બદલાતાં રૂપ જોઈને કૌતુક થાય છે ને તે એમણે વિવિધ રીતે વર્ણવ્યું છે. વર્ષાકાળે ચાલ્યાં આવતાં કાળાં વાદળાંઓને જોઈને એઓ કહે છે: ‘જાણે મોટા મોટા હંસોનું અથવા બગલાઓનું ટોળું સૂરજનાં દર્શને દોડે છે.’ પણ આકાશની સ્વચ્છતા તો એમનાથી કલુષિત થઈ જ ચૂકી. આથી કાકાસાહેબને એ વાદળો માટે સદ્ભાવ નથી. એઓ કહે છે: ‘જેમ ઊંટ આમતેમ મૂરખ જેવાં ચાલે છે તેવાં જ આ વાદળાં દેખાય છે.’હંસમાંથી થયાં બગલાં ને બગલાંનાં થયાં ઊંટ! પછી આશ્રમમાંના વહેલી સવારે ઊઠવાના નિયમનો ફાયદો કોઈ નવા ભરતી થયેલા આશ્રમવાસીને સમજાવતા હોય તેમ ઉમેરે છે: ‘સવારે વહેલાં ઊઠ્યાં નહિ તેથી આટલાં મલિન હશે?’ વાદળાં તો આવ્યે જ જાય છે: ‘એ પેલું ઈંડા જેવું વાદળું આવે.’ એ ઈંડું ભાંગી જાય છે: ‘પેલી શું બચ્ચાની ચાંચ કહેવાય?’ બે કુતૂહલભર્યાં બાળકો વચ્ચે જાણે સંવાદ ચાલી રહ્યો છે. ‘ના ના, આરસપહાણનો કટકો લાગે છે.’ તરત સુધારીને કહે છે: ‘ના, ભૂલ્યો, અબ્બાસસાહેબની દાઢી છે.’ પતંગિયાના જેવી ઊડાઊડ કરતી ચટુલ કલ્પનાની મૂર્તિ આપણે જોઈ. વરસાદનાં પાણીથી ભરેલાં કાળાં વાદળોને એમણે ‘શામળભાઈ’ કહીને એમના પર આત્મીયતાનો અભિષેક કર્યો છે. આ પ્રકારનું સજીવારોપણ બાળક હંમેશાં કરતું હોય છે. એનામાં જીવનનો ઉચ્છલ સ્રોત એવો તો છલકાતો હોય છે કે એની આજુબાજુની સૃષ્ટિને પણ એ સજીવ બનાવી દે છે. નાનાં કાળાં વાદળાં પાછળ આટલો કલ્પનાવિલાસ કર્યો તે બદલ પશ્ચાત્તાપ કરતા હોય તેમ એઓ કહે છે: ‘મરઘાંનાં બચ્ચાંની પેઠે ચણવા આમતેમ દોડતાં એ વાદળો પાછળ આપણે નહિ દોડીએ. આપણને બીજું ઘણું કામ છે.’
કેટલીક વાર તુચ્છ, અસ્મરણીય લાગતી વીગત પણ એમની સ્મૃતિમાં સુરેખ રીતે અંકાઈ ગઈ છે તે અણધારી જ ઊપસી આવીને આપણને ચકિત કરી દે છે. કાળાં અને ધોળાં વાદળ સાથે હોય એવું દૃશ્ય વર્ણવતાં એઓ કહે છે: ‘કાળાં વાદળાંના હાથમાં સફેદ વાદળાંનો પુંજ જોવા જેવો હતો. હરિકેન ફાનસના કાચ પર સળગતી મશાલવાળા હાથનું ચિત્ર ઉપસાવેલું હોય છે, એના જેવી શોભા અહીં દેખાતી હતી.’ (જી.આ.પૃ.16.) આ શોભા તે સ્મૃતિના પારસમણિએ સામાન્ય વીગતના કથીરના કરેલા કંચનની શોભા છે. આવી જ એક બીજી વીગત એમની સ્મૃતિમાં બરાબર અંકાઈ ગઈ છે: ‘આપણા મોટા મોટા પાણીના દેગડા પરની કંસારાની હથોડીની ઠોક જેવી તેના પર (પથરા પર) ભાત છે.’ (જી.આ.પૃ.196) બહુ ઓછાં વાદળાંનો કાકાસાહેબ ખાસ વિરોધ કરતા નથી, નિરભ્ર આકાશ સીતાની કીતિર્ની નિષ્કલંકતાનું સ્મરણ કરાવે છે તો આછાં વાદળાંની વીચિમાળા રામચન્દ્રનું સ્મરણ કરાવે છે. ‘આજે દક્ષિણ તરફ અને ઉત્તર તરફ આછાં વાદળોની વીચિ છે. સિંહાસન ઉપર બેઠેલા રામચન્દ્રના મુખ ઉપરનું જાણે સૌમ્ય સ્મિત જ.’ અહીં અધ્યાસના બળે સૌમ્ય પ્રસન્નતાનું પ્રેક્ષણીય ચિત્ર ખડું કરી દીધું છે. બાળપણના એક અતિ પરિચિત અનુભવની સ્મૃતિ પણ વરસાદની નવેસરથી તૈયારી કરતાં વાદળોને જોઈને થાય છે: ‘આંક બોલતાં ભૂલ થાય ત્યારે છોકરાઓ જેમ ફરી પહેલેથી શરૂ કરે છે તે જ ઢબે વાદળાંઓએ જાણે ચોમાસાની ફરી પહેલેથી તૈયારી કરવાની હોય એવો જ ઘાટ ઘડ્યો છે.’ બાળપણની આવી જ એક સુખદ સ્મૃતિ આપણને એક બીજી ઉત્પ્રેક્ષાની લહાણ કરી જાય છે: ‘નિશાળિયા છોકરાઓ થાકીને ઊંઘી ગયા હોય અને એમની નોટો અને સ્લેટો ચોપડીઓ સાથે આમતેમ પડી હોય તેમ આ રેતી પરની ભાત દેખાતી હતી.’ ‘(લોકમાતા’,પૃ.99) કૌતુકની હીરદોર વગર આ બેને કોણ સાંધી શકવાનું હતું?
વાદળની ક્રીડા આકાશના પટાંગણમાં દેવશિશુના જેવી હોય છે. એ ચન્દ્ર જોડે પણ રમે ને સૂર્ય જોડે પણ રમે. ચન્દ્ર જોડેની એની ક્રીડા જુઓ: ‘પશ્ચિમ તરફના એ વાદળાએ પોતાનો ખૂબ લાંબો સરખો અણીવાળો હાથ ચન્દ્રમા સુધી લંબાવ્યો હતો. કેમ જાણે ચન્દ્રની મંદગતિ તેનાથી સહન જ ન થતી હોય!’ (જી.આ.પૃ.14). સૂર્યોદય વેળાએ પશ્ચિમાકાશમાં દેખાતા ઝાંખા ચન્દ્રને ઢાંકી દેવાને લંબાતા વાદળને જોઈને કાકાસાહેબ કહે છે: ‘સૂર્યોદય થવા લાગ્યો તોય આ ચન્દ્ર શું કામ પાછળ રહે છે એમ જોઈ પોતાના હાથ વડે પશ્ચિમ મેઘ જાણે તેને પોતાની તરફ ખેંચી લે છે એમ થાય છે. જૂના વખતમાં વિલાસી તરુણ રાજપુત્રોને તેમના અન્ત:પુરથી બહાર ખેંચી કાઢવાનું કામ રાજકારણપટુ અમાત્યોને કરવું પડતું એના જેવું તો કોઈ કારણ ન હોય!’ (જી.આ.પૃ.42) રાજકારણપટુ અમાત્ય તે વાદળ ને વિલાસી રાજપુત્ર તે ચન્દ્ર, કારણ કે એ ઝાંખો છે, ને વિલાસીઓ ફિક્કા પડી ગયેલા જ હોય.
મહાભારતમાંનું યુદ્ધનું વર્ણન કાકાસાહેબ વાંચતા હતા એ અરસામાં વાદળોમાંથી નીકળતા સૂર્યનાં કિરણોને જોઈને એમને થયું: ‘સૂર્યકિરણની જાણે તોપો છૂટતી ન હોય!’ કેટલી વાર વાદળો વિશેની એક સંભાવનાથી પૂરો સન્તોષ ન થતાં એને નકારીને બીજી સંભાવના રજૂ કરવામાં આવે છે. પ્રચંડ વિસ્તારવાળા વાદળાંના ખણ્ડને આકાશમાં તરતા જોઈને કહે છે: ‘જાણે ઇન્દ્રના વજ્રથી પાંખ તૂટી જવા અગાઉના પર્વતો જ ન હોય!’ (જી.આ.પૃ.46). પણ પછી તરત જ કહે છે: ‘મેઘ કંઈ આકાશમાં ઊડતા પર્વતો નથી, તે તો દેવોની કામધેનુઓ છે.’ (એજન, પૃ.46). કદીક નાનાં વાદળાંની ગોઠવણી જોઈને શિલ્પરચનાની પણ સ્મૃતિ તાજી થાય છે: ‘વચમાં વચમાં આ લંબાણ તળે નાનકડાં વાદળાં ગોઠવાઈ ગયાં હતાં, જાણે પ્રાચીન મંદિરોમાં કોતરેલા વિમાનવાહક યક્ષો.’ (એજન, પૃ.55)
રાત્રિના તારાખચિત આકાશને ઢાંકતાં વાદળો કાકાસાહેબને જરાય ગમતાં નથી. કાળું વાદળું જ્યાં જ્યાં ફરે ત્યાંના તારાના દીવા હોલવાઈ જાય. આ જોઈને એઓ કહે છે: ‘કાળી ભમ્મર મેઘનૌકા પોતા પૂરતા મૂઠીભર દીવા હોલવીને ચોરની જેમ આકાશસાગરમાં ફર્યા કરે છે.’ (એજન, પૃ.13). મળસકાના દિવસધૂસર વૃદ્ધ ચન્દ્રને કાળા વાદળથી ઢંકાઈ જતો જોઈ ને એઓ કહે છે: ‘તેમના માથા ઉપર ભય ઉપજાવે એવો પહાડ જેવો પ્રચંડ અને કાળકાય મેશ જેવો મેઘ અજગરની જેમ તેમને ગળી જવા ઉદ્યત થયો હતો.’ (એજન. પૃ.27). પણ ચન્દ્ર તો સંકટમાં સપડાયેલા વીરના જેવો રમણીય જ લાગતો હતો. રાતનાં વાદળાં પ્રત્યેનો એમનો અણગમો સૌથી વિશેષ તિરસ્કારપૂર્વક અહીં પ્રકટ થાય છે: ‘(રાતનાં વાદળાં) તારાઓની વચ્ચેથી ભૂતની પેઠે અથવા મારાઓની પેઠે લપાતાંછૂપાતાં જાય છે એ જ મને ગમતું નથી.’ કાકાસાહેબને મુત્સદ્દીઓ માટે તિરસ્કાર છે. આ વાદળોને ગાળ દેવા એમનો પણ એઓ ઉપયોગ કરે છે: ‘મુત્સદ્દી લોકોની ભાષા જોતજોતાંમાં બદલાવાથી સામાન્ય લોકો જેમ કુંઠિત થઈ જાય છે તેમ જ વાદળાંઓનું રૂપાંતર – રૂપાંતર જ કેમ? સર્વાંતર કહોને – જોઈને ભારે વિસ્મય થાય છે.’ (એજન,પૃ.44). મુત્સદ્દીઓ બીજી વાર પણ ઝડપાયા છે ખરા: ‘સિંદૂરનો રંગ મુત્સદ્દીની ભાષાની જેમ ક્ષણ ક્ષણે નવો અર્થ વ્યક્ત કરે છે.’ (એજન,પૃ.55). અહીં ક્ષણે ક્ષણે નવતા ઉપજાવનાર રમણીયતા જોડેનો વિરોધ આપણા મનમાં આપોઆપ પ્રકટ થઈ જાય એવી શબ્દયોજના કરી છે. આમ આપણે વાદળોનું ‘સપ્તાંકી નાટક’ જોયું.
હવે સૂર્યનાં થોડાં રૂપ જોઈએ. વેદકાલીન ઋષિની દૃષ્ટિએ થયેલું બપોરનું વર્ણન તો જાણીતું જ છે. એના સંસ્કારની અસર નીચે કાકાસાહેબ (પોતા તરફથી થોડું સંગીત ઉમેરીને) અપરાહ્ન વિશે કહે છે: ‘બપોરે સારંગ રાગના ભવ્ય આલાપ સાંભળતાં સાંભળતાં યમરાજના કૂતરાની જેમ જીભ બહાર કાઢી હાંફતા અપરાહ્નને પશ્ચિમ તરફ હાંકી કાઢવાનો હોય છે.’ (એજન,પૃ.14) સૂર્યનાં કિરણો અન્તરાયને ભેદીને ધારા રૂપે સૃષ્ટિ પર વરસી રહે એ આદિ કાળથી માણસને માટેનું એક સુખદ પ્રેક્ષણીય દૃશ્ય બની રહ્યું છે. કાકાસાહેબ ઇજનેરી વિદ્યાના ક્ષેત્રમાંથી ઉત્પ્રેક્ષાની થોડી સામગ્રી આયાત કરીને (ભવિષ્યના કોઈ સંશોધકને ‘સર્જનાત્મક સાહિત્ય પર સમકાલીન વિજ્ઞાનની અસર’ કે એવા કશાક અભ્યાસ માટેની અણજાણપણે સામગ્રી પૂરી પાડતાં) કહે છે: ‘બીજી જ ક્ષણે વાદળાંની બારી જરા ઊઘડી અને બંધારો ફૂટતાં જેમ રોકી દીધેલું પાણી ચોમેર દોડવા માંડે તેમ સૂર્યનાં કિરણ વાદળાંની ટેકરીઓ ઉપર નાચવા લાગ્યાં.’ (એજન,પૃ.15). ફૂટતું પ્રભાત એ રાત્રિના અન્ધકાર પછીની કેટલી આશાસ્પદ ઘટના છે! જાણે હતાયુ સત્યવાન સાવિત્રીનું અર્ધું આયુષ્ય પામીને ફરીથી બેઠો ન થતો હોય. અહીં ‘સાવિત્રી’ શબ્દ સત્યવાનનું સ્મરણ કરાવીને આખી ‘સમ્ભાવના’ ખડી કરી દે છે: ‘કાલનિદ્રામાંથી જાગતા સત્યવાનના મોઢા ઉપર જેમ ફરી કળા જામવા લાગી અને તેથી સાવિત્રીના હૈયામાં આનંદ સ્ફુરવા લાગ્યો તેવી જ રીતે સૃષ્ટિ ઉપર પ્રભાતની આશા પથરાવા લાગી અને દ્વિજગણોને એકદમ ગાવાનું સૂઝ્યું. (એજન,પૃ.95). કોઈ આલંકારિકના આકરા પૃથક્કરણમાં આ અલંકારયોજનાની શિથિલતા ઝટ પકડાઈ જાય એવી છે. પણ એથી આસ્વાદમાં ઝાઝું વિઘ્ન આવતું નથી, શાસ્ત્રને વિઘ્ન ભલે આવતું! આપણે જેને સૂરજદાદા કહીને ત્રણ ડગલાં દૂર રહીએ છીએ તે સૂરજનું દાદાપણું કાઢી નાખીને કાકાસાહેબ કલ્પનાની ઇલમલકડીથી એને બાળક બનાવીને બાલોચિત ક્રીડામાં રાચતો કરી દે છે: ‘સૂર્ય? આકાશમાં જ રૂપાળાં વાદળાંનો દરિયાકિનારો બનાવી ત્યાં તે રમતો હતો.’ (એજન,પૃ.14). સૂર્ય પાણી જોડે પણ રમે છે: ‘– તેનાં પાણી પર સૂરજ પોતાનાં કિરણ કેટકેટલી રીતે પ્રતિબંિબિત થઈ શકે છે તેનો પ્રયોગ કરતો હોય છે. એ દૃશ્ય કોઈ અરસિક માણસને પણ ગાંડો બનાવી દેવા પૂરતું છે.’ ‘(રખડવાનો આનંદ’,પૃ.266). અહીં વાત્સલ્યભર્યો પિતા બાળકની ક્રીડા જોઈને ઘેલો ઘેલો થઈ જાય તે સુન્દર ચિત્ર છે. સૂર્ય જ રંગોની માયાપુરી ખડી કરી દે છે ને! આ માયા વર્ષામાં તો માઝા મૂકે છે: ‘મેઘ, ઇન્દ્રધનુષ્ય, વરસાદની ઝડી અને વિદ્યુલ્લતાનું નૃત્ય – આટલું જોયા પછી ઉર્વશીને માટે ગાંડા થનાર પુરૂરવાની યાદ કેમ ન આવે?’ ‘(જીવનનો આનંદ’,પૃ.10). કાલિદાસે આવી જ કોઈ પળે ઉર્વશીની કલ્પના કરી હશે. સૂર્ય જે રંગો રચે છે તેનું વર્ણન કરતાં કાકાસાહેબ થાકતા નથી. રંગોની જુદી જુદી છટા વિશેની એમની સૂક્ષ્મ પરખ, એને વર્ણવવાને કેટલીક વાર ચક્ષુરિન્દ્રિયનું પરિમાણ બદલીને અન્ય ઇન્દ્રિયોનાં પરિમાણમાં પ્રવેશી અનોખી આસ્વાદ્યતા ઉપજાવવાનું કૌતુક – એ કરવામાં એમને ખૂબ મજા પડે છે. આના નમૂના તો મબલખ વેરાયેલા પડ્યા છે. આપણે થોડા જ જોઈએ. એક ઘરગથ્થુ વર્ણન: ‘સૂર્યની આસપાસ કેટલાંક વાદળાં ઉપર ઇંદ્રધનુષ્યના રંગો અસ્તવ્યસ્ત ફેલાયા હતા. તાંબાનું વાસણ ચોખ્ખું માંજીને તડકામાં રાખીએ ત્યારે કેટલીક વાર આવો રંગ એના ઉપર દેખાય છે.’ (એજન,પૃ.11) બાળપણના કેટલાક સ્વાદની સ્મૃતિ શરીર સદા તાજી રાખે છે. તેમાંય બોર, આમલી, તરબૂચ જેવી વસ્તુની તો ખાસ. તરબૂચ વેચનારો ‘લાલમ લાલ લ્યો’ એમ જે કહેતો તે મને હજુ યાદ છે. કાકાસાહેબ એ લાલ રંગને યાદ કરે છે, પણ પાકતાં તરબૂચનું એમનું સૂક્ષ્મ નિરીક્ષણ જુઓ, ભારે આસક્તિ વિના આટલું વીગતપૂર્ણ નિરીક્ષણ ન સમ્ભવે: ખેતરમાં જેમ તરબૂચની પાકવાની શરૂઆત થતાં અંદર લાલ રંગ ધીરે ધીરે પાકવા માંડે છે તેમ વાદળાંના નીચલા ભાગમાં ઝાંખો ઝાંખો સિંદૂરનો રંગ ચોંટે છે અને એને લીધે વાદળાંની મુખ્ય મુખ્ય નસોનો વળાંક કેવો છે તે ઓળખવું સહેલું થઈ પડે છે.’ (એજન,પૃ.5). જેણે પાકવા આવેલા તરબૂચને કાપીને જોયું હશે તેને આ નસોવાળી વાત તરત સમજાઈ જશે. મારા જેવા નદીકાંઠે વતન ધરાવનારા આદમીને ‘તરબૂચનું ખેતર’ એ શબ્દ જરા ખૂંચે ખરો. તરબૂચ નદીના ભાઠામાં કે તળિયામાં થાય છે, ને વૈશાખમાં સુકાયેલી નદી સુકાઈનેય કેવું તો મીઠાશનું વાવેતર કરી જાય છે! સૂર્યના તાપમાં વાદળાંનું બહુરૂપીપણું ને બહુરંગીપણું આપણને એક બીજું સ્વાદુ ચિત્ર આપે છે: ‘પૂર્વ તરફનાં વાદળાંઓ નવો જ તપખીરિયો રંગ આજે ક્યાંકથી લઈ આવ્યાં હતાં…. તેમાં થોડોક ફેર પડ્યો એટલે પાકેલાં બનારસી બોરનો રંગ દેખાવા લાગ્યો. તેમાં સૂર્યનો પ્રકાશ થોડોક ભળી જતાં જ તે રંગે બકુલના ફળનું સ્મરણ કરાવ્યું, અને ફરી ગુલાબનું ફૂલ સુકાઈ જતાં જે રંગ દેખાય છે તેની છટા નજરે પડી.’ (એજન,પૃ.27-28) જાદુનો ખેલ જ થયો ને! પેલી, પાણીમાં કાંકરાને સાત કૂદકા મરાવવા જેવી પ્રેક્ષણીય ક્રીડા છે. કાકાસાહેબની કૌતુકવૃત્તિ રંગોના વર્ણનમાં વૈદ્યરાજની સુવર્ણમાલિનીને પણ ખેંચી આણે છે: ‘સામેની બાજુએ જાણે આખી દુનિયામાંના વૈદ્યોને રાજી અને તૃપ્ત કરવા સારુ જ સુવર્ણમાલિનીનો એક આખો પહાડ જ તૈયાર થયો.’ (એજન,પૃ.45) અહીં શિશુમનની નરવી મુગ્ધતા છે. શિશુ એની આજુબાજુના વિશાળ વિશ્વના પરિમાણ જોડે પોતાનો મેળ બેસાડવા મથતું હોય છે. પોતાના લઘુપરિમાણ શરીરમાં રહીને એ બહારની બૃહત્તાને જુએ છે. આથી પ્રમાણ બેસાડવા એ અતિશયોક્તિ કરે છે. બહુ મોટી વસ્તુનો એને ભય હોય છે, માટે રાક્ષસની એની કલ્પનામાં મોટો આકાર અનિવાર્ય બને છે. જે એને રુચે છે તેનું એ લઘુક નાજુક રૂપ કલ્પે છે. એની પરી પતંગિયા જેવી નાની હોય છે. જંગી રાક્ષસ ગીચ જંગલની કોઈ અંધારી બખોલમાં સંતાઈ રહે ત્યારે નાનકડી પરી ચન્દ્રલોકમાં સ્વૈરવિહાર કરે ને કરાવે. બાળકને જે સંઘરવું ગમે તેના મોટા જથાની એ કલ્પના કરે છે. માટે તો અહીં સુવર્ણમાલિનીનો પહાડ ઊભો થઈ ગયો. કાકાસાહેબ રંગોમાં સજીવારોપણ કરીને કેટલાંક સ્વભાવલક્ષણોનું પણ આરોપણ કરે છે. રંગોનો આપણા મનોભાવ જોડે સમ્બન્ધ છે. માનસશાસ્ત્રી કે ચિત્રકાર કહે તેથી જુદી, પોતાની આગવી રીતે કાકાસાહેબ રંગોનો સ્વભાવ વર્ણવે છે: ‘સોનેરી રંગ લાંબો વખત ટકે તેમાં મજા નથી. સંસ્કારી વિનોદની જેમ તેની લહેરો આવે ને જાય તેમાં જ ખરી મજા છે.’ (એજન, પૃ.24). રંગોની બદલાતી છટા સાથે મનોભાવની એકબીજાથી શબલિત થતી છટાઓનું સમાન્તર વર્ણન તદ્વિદ્ સહૃદયને માટે હૃદ્ય બની રહે છે: ‘ગુલાબી છટા જ્યારે કલ્પનાના પ્રાથિમક સ્ફુરણ જેટલી પાતળી આછી હોય છે ત્યારે તે એટલી પારદર્શક હોય છે કે તેમાંથી આકાશનો નીલ વર્ણ સ્પષ્ટપણે દેખાય છે અને આ રંગ પ્રસન્નતા અને વિલાસિતાની વચલી સ્થિતિનો પૂરેપૂરો દ્યોતક બને છે.’ (એજન,પૃ.19). આ વર્ણન પર કાકાસાહેબના નૈતિક અભિગ્રહનો પાસ બેઠેલો કોઈને લાગે તો નવાઈ નહિ! બે ભાવાવસ્થાની સન્ધિ અને સન્ધ્યા તથા ચન્દ્રોદયની સન્ધિનું આવું જ વર્ણન કાકાસાહેબે આપ્યું છે. એઓ કવિઓ સામે ફરિયાદ કરતાં કહે છે: ‘… સંધ્યાનો સંધિવૈભવ ને ચન્દ્રિકાનો આહ્લાદ એકત્ર મળવાથી જે ભાવ નિર્માણ થાય છે તેનું કવિઓએ હજુ નામ પાડ્યું નથી, એ તેમનો ગુનો જ કહેવાય.’ આટલી ફરિયાદ કર્યા પછી આ ભાવસન્ધિને સ્પષ્ટ કરવા બીજી ભાવસન્ધિને ઉપમાન તરીકે પ્રયોજતાં કહે છે: ‘રૂપયૌવના યુવતીને પ્રથમ માતૃપદ પ્રાપ્ત થતાં તેના મુખ ઉપર જે વૈભવયુક્ત સ્થિર શાન્તિ પથરાયેલી છે તે જ છટા પ્રકૃતિદેવીનાં અંગપ્રત્યંગો ઉપર તે વખતે દેખાય છે.’ (એજન,પૃ.18). આટલું કહ્યા પછી જેમ કોઈ શિશુ ‘જો મને તો આ મળ્યું, છે તારી પાસે?’ કહે તેમ કાકાસાહેબ તૃપ્તિની ખુમારીમાં પૂછે છે: ‘ચન્દ્ર આકાશમાંથી આ બધું જોઈ શકતો હશે ખરો?’ પૃથ્વી પર રહેવાના ફાયદાઓ કાંઈ સાવ નજીવા નથી! કાકાસાહેબની કૌતુકવૃત્તિ સન્ધ્યામાં સજીવારોપણ કરી એને હનુમાનની ભક્ત પણ બનાવી દે છે: ‘…આટલું કર્યા પછી સંધ્યાને યાદ આવ્યું કે આજે તો શનિવાર છે તેથી હનુમાન માટે સિંદૂર તૈયાર કર્યે જ છૂટકો!’ (એજન,પૃ.45). કેટલીક વાર, કેટલીક વાર જ, કાકાસાહેબ ઇન્દ્રિયલુબ્ધ બની જાય છે, ને ત્યારે આપણને તો પ્રાયશ્ચિત્ત કરવાનું સૂઝતું નથી, સુખનો જ છાક ચઢે છે. એવી, અસાવધતાની પળે છટકી નાઠેલી, બે ઉક્તિઓ આખી જોઈએ: ‘આજે પરોઢિયે ઇશાન ખૂણા તરફનું આકાશ તદ્દન પાકવાની અણી ઉપર આવેલા બોર જેવું દેખાતું હતું. (બનારસી બોરનો સ્વાદ તો આપણે આગળ ચાખ્યો. હવે આગળ –) નવયૌવનમય માર્દવ સહેજ તપાસી જોવાની દાંતને ઉત્કટ ઇચ્છા થાય છે તેવો રંગ, બરાબર તેવો જ રંગ, આજે આકાશે ધારણ કર્યો હતો.’ (એજન, 50). અહીં ચક્ષુ, સ્પર્શ અને સ્વાદ – આ ત્રણેય એકસાથે તરપાય છે. હવે તો કાકાસાહેબ પીઠામાં જઈને નશો કરવા જ બેસે છે. ‘સાંગલીના બગીચામાં ગુલછડી (નિશિગંધા)નું એક લાંબું-પહોળું પીઠું હતું. રોજ સાંજે નશો કરવા હું ત્યાં જતો.’ ‘(રખડવાનો આનંદ’,પૃ.130).
બપોર વેળાના પ્રખર સૂર્યના પણ કાકાસાહેબ એટલા જ આશક છે. ગ્રામજીવન ગાળનારને સુપરિચિત અને ફીણવાળા ધારોષ્ણ દૂધના સ્વાદની સ્મૃતિને તાજી કરતી આ છબી જુઓ: ‘ભેંસો દૂધ દેતી વખતે જેમ આંખ મીંચીને નિસ્તબ્ધ ઊભી રહે છે તેમ આકાશ તડકાની સેરો છોડતું જ રહે છે.’ ‘(જીવનનો આનંદ’,પૃ.63). અહીં બપોરની નિસ્તબ્ધતા, મગ્નતાનું વાતાવરણ પણ સુરેખ ઊપસી આવે છે. જે લોકો ‘બહુ તાપ છે, બહુ તાપ છે’ કરીને અકળાય છે તેમને ‘તડકાનું કાવ્ય’ માણનારા કાકાસાહેબ વિનોદવૃત્તિથી શરમમાં નાંખવા કહે છે: ‘ જે તડકો કેળનાં પેટમાંનું પાણી પણ લૂંટતો નથી તેને ત્રાસદાયક શા હિસાબે કહો?’ (એજન,પૃ.63) પણ કોઈક વાર કાકાસાહેબનેય મધ્યાહ્નની પ્રખરતાનો અનુભવ થાય છે: ‘બપોરનો તાપ કર્મકાંડી બ્રાહ્મણોની પેઠે તપતો હતો.’ ‘(લોકમાતા’, પૃ.63). અહીં કર્મકાંડી બ્રાહ્મણોના પર કાકાસાહેબના રોષનો આકરો તાપ વરસ્યો.
સાન્ધ્યવેળાના વર્ણવિલાસમાંય કેટલીક વાર કાકાસાહેબને વૈરાગ્યનું સૂચન દેખાય છે. પણ એ વૈરાગ્યનેય એનો આગવો પ્રભાવ હોય છે: ‘પ્રથમ ક્ષણે સૂર્ય તો સંન્યાસ લીધેલા કોઈ સમર્થ પુરુષ જેવો પ્રભાવશાળી પણ પ્રભાહીન એવો દેખાતો હતો.’ ‘(જીવનનો આનંદ’,પૃ.15). અહીં ‘પ્રભાવશાળી પણ પ્રભાહીન’માં પ્રભા અને પ્રભાવ વચ્ચેનો કાકાસાહેબે કરેલો વિવેક વિરોધના પાયામાં છે. બધા જ કવિઓ શ્લેષને રમકડે રમીને જ મોટા થાય છે. સંધ્યા સમયના સૂર્યનું એક બીજું ચિત્ર જુઓ: ‘આજકાલ સંધ્યાસમયે વાદળાં પાછળ અર્ધ ઢંકાયેલા સૂર્યની શોભા વાલ્મીકિના કાવ્ય જેવી ઉજ્જ્વળ હોય છે.’ (એજન,પૃ.131). અહીં ‘અર્ધ ઢંકાયેલા’ એ જ અલંકારોનો પાયો છે. કાવ્ય અર્ધ પ્રકટ અપ્રકટ હોય તો જ રસાત્મક બને તે સૌ રસિકો જાણે છે.
સૂર્યની અસ્તસમયની થોડી છબિ જોઈ લીધી. હવે ચન્દ્ર તરફ વળીએ. કવિતામાં ચન્દ્ર એવો તો ચવાઈ ગયો છે કે કોઈ ચન્દ્ર વિશે કવિતા કરવા તૈયાર થાય ત્યારે આપણને એકદમ એ માટે ઉત્સાહ થઈ આવતો નથી, આપણે જરા શંકાશીલ બની જઈએ છીએ. આવી પરિસ્થિતિમાંથી કાકાસાહેબને એમની શિશુસહજ સરળતાથી વિસ્મયની વૃત્તિ ઉગારી લે છે. બાકી ચન્દ્ર આવ્યો એટલે શીતળતા ને આહ્લાદકતા તો હોય જ, સુન્દર મુખ પણ આવવાનું જ, ને કલંકની પણ થોડીઘણી વાત આવવાની. કાકાસાહેબ ચન્દ્રમાં, ખાસ કરીને દિવસધૂસર ચન્દ્રમાં, વિલાસિતાને કારણે આવેલી ફીકાશનું આરોપણ કરે છે ખરા.
ચન્દ્ર પારકું તેજ ઝીલીને આપણને આપે છે. આ હકીકતનો ઘણાખરા કવિઓ ઉપયોગ કરે છે. અર્થાન્તરન્યાસની છાપવાળી કાકાસાહેબની આ યુક્તિ પણ એ હકીકતનો, પોતાને અભિમત દૃષ્ટિબિન્દુ પ્રકટ કરવાને, સૌન્દર્ય ઉપજાવવાને નહિ, ઉપયોગ કરે છે: ‘કોઈ મોટી વ્યક્તિ પાસે રહી પ્રેરણા મેળવનારા લોકો બીજાને બહુ પ્રેરણા આપી શકતા નથી. જ્યારે તેઓ દૂર જાય છે ત્યારે જ તેમનામાં પ્રેરણા આપવાની શક્તિ આવે છે એમ કહેવાય છે એ કેટલું ખરું હશે એ કોણ જાણે! પણ ચન્દ્રની બાબતમાં તો તે સાચું લાગે છે ખરું.’ ‘(જીવનનો આનંદ’,પૃ.30). અહીં સર્વનામોના પ્રયોગોમાં રહેલી શિથિલતા અર્થ સમજવામાં અન્તરાય ઊભો કરે છે તે જણાઈ આવશે. ચન્દ્ર કેટલી પ્રેરણા કોને આપે છે તે વાત જવા દઈએ, કાકાસાહેબ જેવા સંયમના આગ્રહીને પણ એ ઉન્મત્ત બનાવે છે એટલું નક્કી. એમના આ વિશેના એકરાર ઠેરઠેર એમના લખાણમાં વેરાયેલા પડ્યા છે. એ પૈકીના થોડા જોઈએ: ‘હીનોપમાનો દોષ સ્વીકારીને પણ કહેવાનું મન થાય છે કે – પાપ જેમ આપણને થોડુંક આગળ જવાને લલચાવે છે, અને એમ કરતાં કરતાં ધીમે ધીમે દૂર સુધી લઈ જાય છે, તેવી જ રીતે ચાંદનીના આમન્ત્રણનું પણ હોય છે.’ (એજન,પૃ.22). અહીં ચાંદનીના આમન્ત્રણને પાપના આમન્ત્રણ જોડે સરખાવવાનું એમને સૂઝ્યું એ એક સૂચક ઘટના છે. ચન્દ્ર એમની સ્પર્શેન્દ્રિયને સતેજ કરે છે ને સાથે ભળે છે શિશુસહજ કૌતુક: લોટ જેવું સફેદ ચાંદરણું પડ્યું હોય ત્યારે જેમના પગમાં ગતિનો સંચાર થતો નથી તેઓ ચોક્કસ કોઈ આધિ કે વ્યાધિથી ગ્રસ્ત થયેલા હોવા જોઈએ.’ (એજન,પૃ.22). અહીં ‘લોટ જેવું સફેદ’ એમ કહેવાને બદલે ‘લોટ જેવું મુલાયમ’ કહેવું જોઈતું હતું, કારણ કે સફેદ હોવાનું સાધર્મ્ય અહીં અપ્રસ્તુત છે, અહીં તો સ્પર્શસુખની વાત છે. આ સ્પર્શસુખનો, આને મળતો, બીજો ઉલ્લેખ પણ જોઈ લઈએ: ‘ચૂનો, ચોખાનો લોટ અથવા તો ઘઉંનો મેંદો એ બધાનો રંગ સૌથી વધારે સફેદ એમ કહી શકાય. આના મોટા ઢગલા પડેલા હોય ત્યારે પ્રકાશ અને છાયાને લીધે તેમાં મખમલ જેવી છટા આવી જાય છે…’ (એજન,પૃ.44). અહીં ચક્ષુ અને સ્પર્શના પરિમાણની સુખદ અદલાબદલી છે. ગાંડપણનો સ્પષ્ટ એકરાર સાંભળો: ‘ચાંદની રાત એટલે કાવ્યમય ગાંડપણનો જ ઉત્સવ! ડાહ્યા માણસોએ પસંદ કરેલું ગાંડપણ!! ‘પાગલામી’નો મુશળધાર વરસાદ!!!’ (એજન,પૃ.22). અહીં ગાંડપણની માત્રા સાથે વધતો જતો ઉદ્ગાર ચિહ્નોનો ઉપયોગ જુઓ. આવા ગાંડપણમાં ય કાકાસાહેબ સાવધ રહે છે. ઘણું ખરું એકાદ વિશેષણને ઢાલ તરીકે વાપરવાનું એમને ફાવે છે – ‘સંસ્કારી ઉલ્લાસ’, ‘જીવનધર્મી કલા’, ‘કાવ્યમય ગાંડપણ’, ‘ડાહ્યા માણસોએ પસંદ કરેલું ગાંડપણ.’
શિશુના વિસ્મયથી કાકાસાહેબ ચન્દ્રને જુએ છે ત્યારે સુન્દર ઉત્પ્રેક્ષાઓની લહાણ કરે છે. બાળપણમાં દૂધ ભરેલી વાટકી આપણી સામે મૂકી હોય ત્યારે કેવો આનન્દ થતો, એ વાટકીની પૂર્ણતા જ આપણું સૌથી મોટું મૂલ્ય ત્યારે બની રહેતું. આ આનન્દની સ્મૃતિ કાકાસાહેબ પાસે એક ઉપમા યોજાવે છે: ‘આઠમનો ચન્દ્રમા ને ભરેલી વાટકીના આકાર વચ્ચેનું સાદૃશ્ય શોધવામાં ખરી ખૂબી રહેલી છે.’ ભરેલી દૂધની વાટકી સાથે સુકાઈને બેવડ વળી ગયેલો રોટલો પણ યાદ આવી જાય છે: ‘ચાંદો હોય તોય વાસી રોટલાના કકડા જેવો ક્યાંક પડ્યો હોય.’ (એજન,પૃ.63). અહીં ‘વાસી’ હોવું એ સાધર્મ્ય ને આકારનું સાદૃશ્ય આપણા આસ્વાદની સામગ્રી બની રહે છે. અલંકારશાસ્ત્રી જેને કદાચ હીનોપમાના કોઠામાં મૂકે એવી એક રુચિર ઉપમા જુઓ: ‘ચન્દ્રલેખા આના કરતાં પાતળી હોત તો ઉતારેલા નખની ઉપમા આપી શકાત.’ (એજન,પૃ.114). અહીં એની તનુતા જ એમના લક્ષ્યમાં છે, માટે જ ‘ચન્દ્રલેખા’ શબ્દ વાપર્યો છે. એવી જ બીજી આપણને ગમી જાય એવી હીનોત્પ્રેક્ષા જોઈએ: ‘જ્યારે અમારી ને ચન્દ્રની વચ્ચે સરુનું પાતળું ઉપવન આવ્યું ત્યારે થયું કે, જાણે મોટો આગિયો જંગલમાં લપાતો લપાતો ઊડે છે.’ (એજન,પૃ.177). જંગલમાં ગીચ ઝાડી વચ્ચેથી અલપઝલપ દેખાતા ચન્દ્રને માટે તો આવી ઉત્પ્રેક્ષા ઘટે. નાળિયેરીનાં અણિયાળાં પાંદડાં વચ્ચેથી દેખાતા ચન્દ્રનું તો ઘણાંએ વર્ણન કર્યું છે, પણ અહીં શિશુસહજ નિર્દોષ દુષ્ટતાએ આંકેલું ચિત્ર જુઓ: ‘એક નાળિયેરીએ પોતાનાં પાંદડાંના ઉઝરડા ચન્દ્રના ગાલ ઉપર ખેંચી બતાવ્યા એની મજા પડી.’ (એજન, 177). બાળપણમાં સાંભળેલી કથાઓનું સોનાનું વહાણ પણ કાકાસાહેબને, ચન્દ્રને જોતાં, યાદ આવી જાય છે: ‘રાત્રે આકાશમાં જ્યારે વાદળાંનાં મોજાં ફેલાય છે ત્યારે ચન્દ્ર એવો તો શોભે છે કે જાણે સમુદ્રમાં તરતું કોઈ સોનાનું વહાણ…’ (એજન, 131). કેટલીક વાર ચન્દ્રને નિમિત્તે કટાક્ષ કરવાનું કાકાસાહેબ ચૂકતા નથી. અલબત્ત, અહીં ચન્દ્ર નહિ પણ કટાક્ષ પર ભાર મુકાયો હોય છે: ‘રાત્રિપતિ ચન્દ્રને તો રોજ એક એક ઘરની પરોણાગત લેવાની હોય છે એટલે વરરાજાની પેઠે – અથવા સાચું કહીએ તો માનપત્રો ઉઘરાવતા રાષ્ટ્રપતિની પેઠે એ જતો હોય છે.’ (એજન, 120). મેથ્યૂ આર્નલ્ડે કહ્યું જ છે તો, Poetry is the criticism of life ! ઉન્માદ પ્રેરતો પ્રેરતો ચન્દ્ર કોઈક વાર ભારે ડહાપણભરી ઉક્તિ પણ કાકાસાહેબ પાસે કઢાવે છે: ‘(ચન્દ્રનાં) બે બાજુનાં શીંગડાંની અણીઓ સહેજ અસ્પષ્ટ હોવાને લીધે રસિક જનોનાં મર્મવચન જેવી લાગતી હતી.’ (એજન, 114). સંસ્કૃત સાહિત્યનું પરિશીલન પણ ચન્દ્રને વર્ણવવામાં ખપમાં આવે છે: ‘(દિવસનો તે ચન્દ્ર) વિલાસચતુર પણ ગરીબ થયેલા ચારુદત્તનું સ્મરણ કરાવે છે.’ (એજન, 144). હવે ચન્દ્રની વિદાય લઈએ.
તારાખચિત આકાશ જોતાં કાકાસાહેબ ધરાતા નથી. જેટલું જળનું – નદીઓનું એમને આકર્ષણ છે તેટલું જ ગ્રહનક્ષત્રોથી ભરેલા આકાશનું છે. આ બાબતમાં એમનો દૃષ્ટિવિલાસ માઝા મૂકે છે. અહીં સંયમ રાખવાની જવાબદારી આપણી છે! રાત્રિના સૌન્દર્ય પર કાકાસાહેબ વારી જાય છે. નક્ષત્રખચિત રાત્રિનું એક ચિત્ર જુઓ: ‘અંધારું થયું અને રાત્રિનું વિશાળ કદંબ ફૂલવા લાગ્યું. પારિજાતના ઝાડ ઉપર જેમ ફૂલોની બહાર આવે તેમ નક્ષત્રો ફૂલવા લાગ્યાં.’ (એજન, 69). કદમ્બનાં ફૂલ ઓછાં પડ્યાં એટલે વધુ સમૃદ્ધિ માટે તરત પારિજાતને હાજર કરી દીધું. તારાઓની આકાશમાંની જુદી જુદી સ્થિતિને કૌતુકથી જોઈ રહેતાં એઓ કદી ધરાતા નથી. કૌતુકભરી એ દૃષ્ટિએ આંકેલાં થોડાં ચિત્રો જોઈએ: ‘ત્રિશંકુના ત્રણ તારાઓ છાપરા ઉપર મોભનાં નળિયાં બેસે એવી રીતે બરાક ઉપર બેઠા છે.’ (એજન, 119). આકાશવિહારીનું આવું અવતરણ ઘણી વાર જોવા મળે છે: ‘આકાશમાં જોયું તો કાળાં કાળાં અભ્રો વચ્ચે એક જ તારો ચમકતો હતો; ચમકતો શાનો? દુ:ખે-કષ્ટે બિચારો સહેજ ડોક લંબાવીને જોતો હતો એક જબરા મોટા મકાનમાં કોઈ એકાકી વૃદ્ધા ગોખમાં બેસીને ખાલી રસ્તા પર જોતી હોય એમ.’ ‘(રખડવાનો આનંદ’, 189). તારાખચિત આકાશને દૃષ્ટિસમક્ષ જો રાખીએ નહિ તો નિદ્રા પણ નહિ આવે. આ બાબતમાં કાકાસાહેબને એક સમાનધર્મી મળી જાય છે. તેના મુખમાં પણ કાકાસાહેબ એક ઉપમા મૂકી દે છે: ‘છોકરાને મજાની ઉપમા સૂઝી એટલે આંખો દીપાવીને કહે: જેમ તંબૂરા વગર ગવાય નહિ તેમ તારાઓના ચંદરવા વિના સુવાય નહિ.’ ‘(જીવનનો આનંદ’, 122). આ સાંભળીને કાકાસાહેબની આંખ પણ દીપી જ ઊઠી હશે, પણ કાકાસાહેબ જ્યારે સપ્તષિર્ની જુદી જુદી છબીઓ જોઈને વારી જાય છે ત્યારે અલંકારની માળા ગૂંથીને આપણને આપી દે છે: ‘સપ્તષિર્ ઊગતા હોય છે ત્યારે નાગે ફેણ માંડી હોય તેમ માથું ઊંચું કરીને ઊગે છે. સહેજ ઉપર ગયા એટલે આ સપ્તષિર્ નથી પણ ધ્રુવબાળ લાંબી પૂછડીવાળો એક પતંગ ઉડાડતો હોય એમ દેખાય છે. બરાબર મધ્ય આકાશમાં આવે છે ત્યારે કોઈ બાહોશ ખલાસી કે તારાની પેઠે પગ બરોબર પાછળ છોડીને તરતા હોય એમ લાગે છે. ત્યાંથી જરાક ઢળી પડે એટલે મત્ત ગજેન્દ્રની સૂંઢનો આકાર ધારણ કરે છે. એથી આગળ વધે એટલે સિંગલબાર પર કોઈ ખેલાડી ગ્રાંડ સર્કલ કરતો હોય એવો આભાસ થાય છે. અને જ્યારે આથમતી વખતે ચોકડી અલોપ થઈ જાય અને ત્રણ તારાનું પૂછડું જ ઉપર રહે છે ત્યારે કોઈ ખારવો માથું નીચું કરીને સમુદ્રમાં ડૂબી જતો હોય અને એના ઢીલા છોડેલા પગ જરાક વાંકા થયા હોય એવું ચિત્ર તૈયાર થાય છે.’ (એજન, 130). અહીં ખલાસી કે તરવૈયાની જુદી જુદી ગતિનાં ચિત્રો કાકાસાહેબના સૂક્ષ્મ નિરીક્ષણનાં દ્યોતક છે. એમની કૌતુકભરી દૃષ્ટિ સિંગલબારના ખેલાડીનું ચિત્ર પણ લઈ આવે છે. તારાઓનાં ગુચ્છનું બીજું ચિત્ર આ રહ્યું: ‘અષ્ટમીનું ચાંદરણું તો સીધું સોંસરું ઊતરીને પાણીમાં ઊતરી જતું હતું. જાતિવૈરી સુરઅસુરના ગુરુઓ દીર્ઘ વિગ્રહથી કંટાળીને કંઈક વિષ્ટિ કરવા માટે ભેગા થયા હોય તેમ પશ્ચિમે ચળકતા હતા.’ ‘(રખડવાનો આનંદ’, 13). તારાના અમીધાર જેવા તેજને કાકાસાહેબ ‘પૃથ્વીના માતૃહૃદયના સ્તન્ય જેવો – પ્રેમનો ફુવારો’ ‘(જીવનનો આનંદ’, 59) કહીને ઓળખાવે છે.
હવે ‘લોકમાતા’ના ભક્ત કાકાસાહેબ નદી અને સમુદ્રનાં દર્શનથી રાજી થઈને કેવી ઉપમા-ઉત્પ્રેક્ષાઓ યોજે છે તે જોઈએ. પાણી જે આકારો રચે છે તેનું સૂક્ષ્મ નિરીક્ષણ કાકાસાહેબે કર્યું છે. પાણી જે આકારે ફેલાય છે તેનું ચિત્ર જુઓ: ‘એક ઠેકાણે પાણીએ અવતાર કર્યો કે તરત ફરી ત્યાં અંગરખાના ઘેરાવાની પેઠે કે ધોતિયાની કલ્લીની પેઠે એ ફેલાવા લાગે.’ ‘(લોકમાતા’, 152). બંધારાના લોખંડના દરવાજામાંથી બહાર નીકળતાં પાણીનો વેગ અને સ્ફીત આકાર કાકાસાહેબ એમની લાક્ષણિક રીતે આમ વર્ણવે છે: ‘લોખંડી દરવાજાની નીચે થઈને બહાર નીકળનારું પાણી વ્યાસ તથા વાલ્મીકિની પ્રતિભાની સાથે ટક્કર ઝીલી રહ્યું છે.’ ‘(રખડવાનો આનંદ’,પૃ.60). અહીં વ્યાસ-વાલ્મીકિની પ્રતિભા કેવી તો બૃહત્ પરિમાણ હતી તેનો ખ્યાલ આપવા સાથે પાણીના વેગનો ખ્યાલ પણ આપણને આપી દે છે. હવે શિશુસહજ કૌતુકવૃત્તિથી એના સ્ફીત આકારનું કરેલું વર્ણન જુઓ: ‘ઉપરની બાજુએ આ કાંઠેથી પેલા કાંઠા સુધી ભટજીના પેટ જેવું ફૂલેલું પાણી જાતજાતની હોડીઓને પોતાની સપાટી પર રમાડી રહ્યું છે.’ (એજન, પૃ.60). મનની ભાવદશાઓ સાથે પાણીના બદલાતા આકારોની આ સરખામણી પણ પ્રેક્ષણીય છે: ‘આનંદનો, દુ:ખનો, હર્ષનો અથવા ઉદ્વેગનો ઊભરો પેટમાં જ્યારે સમાતો નથી ત્યારે જેમ માણસ રહી રહીને ઉદ્ગાર કાઢ્યા જ કરે અને ગમે તેટલા ઉદ્ગાર કાઢે તો પણ બસ થતું નથી, તે જ પ્રમાણે અહીંના પાણીને ઠંડા હિમ જેવા ઊભરા આવતા હતા અને ફાટી ગયેલા ફીણની વક્રરેખાઓ આખા પૃષ્ઠ ભાગને આરસપહાણના પથ્થરની માફક અબરખની શોભા આપતા હતા.’ (એજન,પૃ.60-61).
પાણીનો પડતો ધોધ જે રૂપો રચે છે તેને જોવાનો આહ્લાદ અવનવીન જ હોય છે. એ રૂપોનું દર્શન કાકાસાહેબને પણ અનેક પ્રેક્ષણીય રૂપો રચવા ઉત્તેજે છે. ઘડીભર એમને स्वप्नो नु माया नु मतिभ्रमो જેવું થઈ જાય છે! ‘પણ અરે, આ શું! હું રખડુ મુસાફર છું કે આ દુનિયાનો બાદશાહ છું? મારી પલાંઠી તળે આ રત્નખચિત આસન ક્યાંથી આવી ગયું? પાણીના તુષાર ચારેકોર ફેલાય છે, જાણે મોતીની માળા! અને આસન તળે આ બે રૂપાળાં ઇન્દ્રધનુષ્યો મને સમ્રાટની પ્રતિષ્ઠા આપી રહ્યાં છે. અલકાપુરીના કુબેર કરતાં મારો વૈભવ હવે કઈ બાબતમાં ઓછો છે? ઇન્દ્રધનુષ્યની બેવડી કિનારવાળા ચાંદીના ધાગાવાળા આસન ઉપર બેઠો છું, અને મોતીની માળાનું ઉત્તરીય ઓઢી અહીં આનંદ કરું છું. માથે સૂર્યનારાયણનું ચળકતું છત્ર છે અને આસપાસ ઊડતાં આ દ્વિજગણો જગન્નાથનાં સ્તોત્રો ગાય છે!’ ‘(રખડવાનો આનંદ’,પૃ.100). અહીં કલ્પનાના લખલૂટ વૈભવની છાકમછોળ દેખાય છે. ગંદા પાણી પર બાઝેલી લીલનું સૌન્દર્ય એમને વિસ્મિત કરી દે છે ને કાકાસાહેબ રમ્ય સંદેહમાં રાચે છે: ‘એ પાણી જેટલું ગંદું હતું તેટલું તેના પર જામેલું લીલનું પડ અસાધારણ સુંદર હતું, એ બાબત તરફ મારું ધ્યાન ખાસ ગયું. આ એક પ્રકારનો અકીકનો પથ્થર છે, કે જેનો ચળકાટ ઊડી ગયો હોય તેવો પન્નાનો એક ચોરસ ટુકડો છે તેની ગડભાંજમાં હું ત્યાં ઊભો રહી ગયો.’ (એજન,પૃ.105) ધોધનાં પાણીની જેમ દરિયાનાં મોજાંની ઉત્થાનપતનની લીલા વિદગ્ધ કાકાસાહેબને લાક્ષણિક ઉપમા યોજવા પ્રેરે છે: ‘(મોજાંનું તાંડવ) જાણે શિવતાંડવસ્તોત્રનું પ્રામાણિકવૃત્ત શક્તિ અજમાવવા માંડે છે અને હૈયું ભરાઈ આવે એટલે ઓઘ વધવાથી જોતજોતાંમાં પ્રમાણિકાનું પંચચામર થઈ જાય છે.’ ‘(જીવનનો આનંદ’, પૃ.202-203) મોજાંના પાણીમાં સ્નાન કરતાં પગથિયાંનું ચિત્ર જુઓ. ‘…કેટલાંક પગથિયાં અખંડ સ્નાન કરતાં ઋષિઓની પેઠે ધ્યાન કરતાં બેઠાં છે. મોજાંનું પાણી એમને માથે પડી હસતું હસતું અને ગોમૂત્રિકાબંધ કરતું પગથિયાં ઊતરતું જાય છે.’ (એજન,પૃ.203). દરિયાકાંઠે ભરતી ઓસરતી હોય તે વેળાએ રેતાળ પટ પર જે ચળકાટ દેખાય છે તે જોઈ ને કાકાસાહેબને શું યાદ આવે છે? – ‘આખો સમુદ્રકિનારો જાણે દેવોનું કે દાનવોનું ભીંજાયેલું ટેનિસકોર્ટ હોય એવો સીધો સપાટ દેખાય છે.’ ‘(રખડવાનો આનંદ’,પૃ.245). એવી ભીની રેતી પર ચાલતાં આપણા ભારથી પગ નીચેનાં ચોસલાં ભાંગી જાય તેનો અનુભવ વર્ણવતાં એઓ કહે છે: ‘રેતીના બટકણા પોપડા જ્યારે પગ તળે ભાંગી જતા ત્યારે પાપડ ખાવા જેટલો આનંદ આવતો.’ ‘(લોકમાતા’,પૃ. 99). નદીઓનો સંગમ કાકાસાહેબની કલ્પનાને ખૂબ ચગાવે છે. એવા એક સંગમનું વર્ણન જુઓ: છિનવીન નદી પોતાનો કારભાર લઈને ઐરાવતીને મળવા આવી હતી. એનો શો પ્રેમસંગમ! રામદાસ અને તુકારામ એકબીજાને મળ્યા હોય અથવા ભવભૂતિ શેતરંજ રમતા કાલિદાસને પોતાનું ‘ઉત્તરરામચરિત’ સંભળાવતો હોય એવો દેખાવ હતો.’ ‘(લોકમાતા’,પૃ.146). અહીં કલ્પના સ્વૈરાચારી બને છે. નદીમાં ફરતાં સઢવાળાં વહાણોના ચળકતા સઢ તો આપણે ઘણી વાર જોયા છે, પણ કાકાસાહેબને એ ચળકાટ જોતાં શું યાદ આવે છે?’ ‘સઢો એટલા તો ચળકતા હતા કે એ રેશમના છે કે હાથીદાંતના છે એ નક્કી થતું ન હતું. સઢમાં જ્યારે પવન ભરાય છે, ત્યારે કેળના પાંદડાની ભાત એમાં ઘણી શોભે છે,’ ‘(રખડવાનો આનંદ’,પૃ.78). અહીં ચળકાટને લીધે બદલાતી પોતાની સ્પર્શક્ષમ અનુભૂતિ આપણને થાય છે.
હવે થોડી પ્રકીર્ણ ઉપમા ઉત્પ્રેક્ષાઓ જોઈ લઈએ. તાજમહાલને વર્ણવતાં બાળકોનું કાકાસાહેબે કરેલું નિરીક્ષણ આપણને ચકિત કરી દે છે: ‘દરવાજામાંથી તાજ કેવો નાનો અને રૂપાળો, સાવ બાળક જેવો દેખાય છે! નાનાં બાળકો જ્યારે ઠાવકાં થઈને બેસે છે ત્યારે એમના શરીરના પ્રમાણમાં એમનું માથું કાંઈક મોટું દેખાય છે, તાજનું પણ પહેલી ક્ષણે એવું જ લાગે છે.’ (એજન,પૃ.163). અનેક રંગનાં કમળને જોઈને કાકાસાહેબ રંગીન કલ્પના કરવા માંડે છે: ‘કમળ સફેદ હોય છે ત્યારે તપસ્વિની મહાશ્વેતાનું સ્મરણ કરાવે છે. એ જ જ્યારે લાલ હોય છે ત્યારે ગંધર્વનગરી પર રાજ્ય કરતી કાદમ્બરીની શોભા બતાવે છે. પણ નીલ કમલ તો જાણે પ્રત્યક્ષ કુંજવિહારી શ્રીકૃષ્ણનો જ ભાગ ભજવતું હોય એવું લાગે છે.’ (એજન,પૃ.245). અળાઈ થવાથી જે અકળામણ થાય છે તે પણ કાકાસાહેબ વર્ણવ્યા વગર રહેતા નથી:’પેટમાં ન માય એવી કોઈની વાત સાંભળ્યા પછી જે અસ્વસ્થતા અનુભવાય છે તેવી જ અસ્વસ્થતા અળાઈને કારણે થાય છે.’ મનની બે જુદી જુદી પણ સમાનકર્મ અવસ્થાઓ જ ઉપમેય-ઉપમાન બની રહે છે. એવી જ રીતે ટાઢનું પણ વર્ણન કાકાસાહેબે કર્યું છે: ‘ખાસ ચીડવવાના ઉદ્દેશથી, લાગણી દુભાય એવી મશ્કરી કોઈ કરે અને આપણને લાગી આવે એવી વળગણી એ ટાઢ હતી.’ ‘(જીવનનો આનંદ,’પૃ.17).
કાકાસાહેબમાં રહેલો શિક્ષક પણ આ અલંકારયોજનામાં ઘણી વાર પ્રકટ થઈ જાય છે. વરસાદનું પાણી જે રીતે રસ્તો કરીને વહેતું જાય છે તેને જાણે પ્રાથમિક શાળાનો કોઈ શિક્ષક વર્ગને પદાર્થપાઠ આપતો હોય એવી અદાથી એઓ વર્ણવે છે: ‘જ્યાં જ્યાં વરસાદ પડે છે ત્યાં ત્યાં માબાપોએ પોતાનાં બાળકોને લઈ જઈને જમીન ક્યાં કેટલી ઊંચી છે, પાણી ક્યાંથી કેવી રીતે વહે છે. પહાડ અને ટેકરા પરથી માટી કેવી વહી જાય છે અને પાણી ઉચ્ચનીચનો ભેદ દૂર કરવાનો કેવો પ્રયત્ન કરે છે એ બધું એમને બતાવવું જોઈએ.’ (એજન,પૃ.67). સંસ્કૃતને માટેની વકીલાત કરતાં કાકાસાહેબ કહે છે: ‘આજના જમાનાના લોકો સંસ્કૃતનાં સુંદર રત્નોને અગ્નિ સમજીને અડકતાયે નથી!’ (એજન, પૃ.113), અહીં રોષનો કાકુ તરત પકડાઈ જાય છે. વીજળીના દીવાઓ એમને તારાભર્યા આકાશ નીચે ગમતા નથી, આથી તિરસ્કારથી એઓ કહે છે: ‘આ વીજળીના દીવાઓ એમની નફફટ આત્મશ્લાઘાને કારણે કેટલા ભૂંડા દેખાય છે!’ ‘(રખડવાનો આનંદ’, પૃ.119). હિમાલયની ‘આધ્યાત્મિક ત્રિકોણમિતિનો જ આવિષ્કાર કરવો જોઈએ’ એવી એઓ આપણને સલાહ પણ આપી છૂટે છે. પીપળાની ગૂંચવાયેલી શાખા આપણા સમાજની અટપટી રચનાને ભાંડવાના ખપમાં આવે છે: ‘પીપળાની ઉપર નીચે જનારી શાખાઓ એટલી બધી ગૂંચાળી થઈ ગઈ છે કે એને હિન્દુ લોકોના સમાજશાસ્ત્રની જ ઉપમા આપી શકાય.’ (એજન,પૃ.311).
કાકાસાહેબની વિનોદવૃત્તિ પણ આ અલંકારયોજનામાં ઠીક ઠીક ભાગ ભજવે છે. કાગળને બે ભાગમાં ફાડવા માટે ‘જરાસંધ’નો પ્રયોગ, casting vote માટે તુલસીપત્ર, printer’s devilનો શબ્દશ: અનુવાદ મુદ્રારાક્ષસ – આ તો આજે ખૂબ જાણીતા થઈ ગયા છે. સંસ્કૃત સાહિત્યના પરિશીલનના સંસ્કાર આ અલંકારરચનામાં વરતાય જ છે, તે ઉપરાંત રવીન્દ્ર-સાહિત્યનો રસાસ્વાદ પણ પરોક્ષ રીતે એમના પર પ્રભાવ પાડે છે. મોટે ભાગે બાલોચિત કૌતુક ને અકૃત્રિમ વિસ્મય એમની અલંકારરચનાને પ્રેરે છે. એમનો વ્યાપ બહુ મોટો નથી, કેટલાંક પુનરાવર્તનો પણ થયા કરતાં હોય છે ને ઘણી વાર ઉપદેશક કાકાસાહેબની છાયા પણ પડતી હોય છે તેમ છતાં એમાં ધરાઈ ધરાઈ ને માણવા જેવી સામગ્રી ઓછી નથી. આ અલંકારો ગદ્યમાં આવતા હોવાથી કાવ્યમાં એનો સમસ્ત રચના સાથેનો જે મજ્જાગત સમ્બન્ધ દેખાય તેવું અહીં બનતું નથી એ પણ ખરું, છતાં ગદ્યમાં એ નવી છટા પ્રકટાવે છે એટલું નક્કી.