ચતુર્થ ખણ્ડ

અશી તુઝી કલ્પના હોતી!

અપારદર્શક મનાચી કાંચ કશી તડકલી,
કશી વિચકલી ઢોબળ ગણીતેં; કસે વિઘ્નવિરામ
જીવનાચ્યા વાટેવર દીપસ્તંભ ઝાલે – હેં મી તુલા
સાંગત બસેન અશી તુઝી કલ્પના હોતી!
પ્રમાથી મનાચી નસ કુણી ઠેચલી, કોણચ્યા હાતોડ્યાનેં,
આણિ આંતડ્યાની કિતી ભરલા સ્વત:લા પીળ
હે સાંગેન, આણિ હુંદક્યાલા ડચકલેસેં દાખવૂન
તૂં હસવશીલ, હલક્યા અનાદ્યુતતેનેં, અશી તુઝી કલ્પના હોતી!
આણિ અશીહિ: મગ કેસાંચી ભૂરળ આવરીત
તું ફિરવશીલ માઝ્યા પાપણ્યાવરૂન આપલ્યા બોટાંચા
બોબડા સ્પર્શ; વિરવશીબ માઝ્યા અંતરીચે વજ્રસંગીત
ફક્ત એકા પાપણીચ્યા પ્રમાદાત; આણિ હા વિક્રમ
મગ પુન્હા પુન્હા સાંગત બસશીલ આપલ્યા ગલ્લીતલ્યા
ગોગલગાઈના… અશી તુઝી કલ્પના હોતી!

– વિંદા કરંદીકર

આ કાવ્યનો સન્દર્ભ કંઈક આ પ્રકારનો છે: કાવ્યનો નાયક પ્રતિભાશાળી અસાધારણદત્ત વ્યક્તિ છે. આ પ્રતિભા કેવળ નિસર્ગદત્ત વરદાન નથી, શાપ પણ છે. સૂક્ષ્મ સંવેદનશીલ ચિત્તંત્ર હોવું એ નિર્ભેળ સુખ નથી. આથી જ કેટલીક વાર, આપણે જેને દુ:ખ, યાતના, યન્ત્રણા, હતાશા કહીએ છીએ તે, આ પ્રતિભાના પરિપાકને માટેની આવશ્યક સામગ્રીઓ બની રહે છે. કાવ્યનો નાયક આ બધાંમાંથી પસાર થયો છે, ને એને કારણે જ એના વ્યક્તિત્વને એક પ્રકારની ગરિમા (stature) પ્રાપ્ત થઈ છે. વ્યક્તિત્વની આ ગરિમા સ્પૃહણીય બની રહે છે. એનાથી આકર્ષાઈને કોઈ સુન્દરી આત્મીયતાનો દાવો કરતી એની નિકટ આવવા મથે છે. પણ નાયકના વ્યક્તિત્વની ગરિમાનું પરાવતિર્ત તેજ જ એનું તો અભીષ્ટ છે; અથવા, બીજી રીતે કહીએ તો, સર્જકના વ્યક્તિત્વની આ ગરિમા સુધ્ધાં આ સ્ત્રીને મન તો પોતાની મહત્તા સ્થાપવાનું ઉપાદાન માત્ર છે. આ સ્ત્રીનું સબળ સાધન તે એની યુવાન વય, સૌન્દર્ય અને સ્ત્રીસહજ પટુતા છે.

પ્રતિભા મનુષ્યને વિચક્ષણ ને વિલક્ષણ – બંને બનાવે છે. એની દૃષ્ટિની તીક્ષ્ણતા ભ્રાન્તિના આવરણને છેદી નાખે છે; જ્યારે સામાન્ય મનુષ્યોનું સૌથી મોટું આશ્વાસન ભ્રાન્તિ જ બની રહે છે. વળી પ્રતિભા પોતે જ, સર્જકને અન્યથી નોખો પાડીને કદી ન ટાળી શકાય એવી એકલતાના શિખરે મૂકી દે છે. આથી એનામાં એક પ્રકારની નિર્મમ કઠોરતા પણ આપણને દેખાય છે. કવિએ આ કાવ્ય આવા કોઈ વિલક્ષણ પ્રતિભાવાળા સર્જકની ઉક્તિ રૂપે મૂક્યું છે. આખા કાવ્યમાં સુખદ ભ્રાન્તિના આવરણને નરી નિર્મમતાથી ઊતરડી નાંખવાનો પ્રયાસ છે. આ કામ કવિએ તીક્ષ્ણ વ્યંગ પાસે કરાવી લીધું છે. આ વ્યંગની તિર્યક્તાનો કાકુ આપણને આખા કાવ્યમાં સંભળાયા કરે છે. સ્ત્રીનું પાત્ર તો અધ્યાહાર છે, ને નાયકનું પાત્ર એની ઉક્તિભંગીથી જ આપણી આગળ સૂચવાતું જાય છે. કવિએ આ કાવ્યને માટે સોનેટનું સ્વરૂપ સ્વીકાર્યું છે તે પણ સાભિપ્રાય ઠરે છે. સોનેટના બે ખણ્ડ વચ્ચેનું tension, આ બે પાત્રની વિભિન્ન મનોદશા વચ્ચેના tensionને પ્રકટ કરવાને ઉપકારક થઈ પડે છે. કવિએ ભાષામાં પણ જુદા જુદા બે સ્તર ઊભા કરી એ બે સ્તરો વચ્ચેના tensionને નાટ્યાત્મકતાની સામગ્રી રૂપે સફળતાપૂર્વક વાપર્યું છે.

આટલી પૂર્વર્ભૂમિકા પછી કાવ્યને વીગતે જોઈએ: પ્રથમ અષ્ટકમાં સર્જકની આકરી સાધના અને કાવ્યની નાયિકાને હાથે એના ગૌરવની શક્ય અવમાનના પ્રત્યેનો એનો રોષ (એ રોષમાં પણ એક પ્રકારની સ્વસ્થતા છે, જે એને વધુ પ્રખર બનાવે છે) તીક્ષ્ણ વ્યંગભર્યા કાકુથી પ્રકટ થાય છે.

તો પ્રતિભાશાળી બનવામાં સર્જકે શું શું વેઠ્યું? સૌથી પ્રથમ સર્જકના મનનો ઉલ્લેખ છે. એ મન કેવું? અપારદર્શક. અહીં કવિ શ્લેષને બહુ સાર્થક રીતે પ્રયોજીને એ શબ્દના બે સંકેતો સૂચવે છે. એ બે સંકેતોથી ઉદ્ભવતી સન્દિગ્ધતા વ્યંજનાની સામગ્રી રૂપ બની રહે છે. આ બે સંકેતો સામસામા મૂકીને એની વચ્ચેના tensionનો પણ કવિ અનુભવ કરાવે છે. ‘અપારદર્શક’ એટલે જેની આરપાર જોઈ શકાય નહીં તેવું, opaque – આ એક સંકેત અને અપારદર્શક એટલે અપારને જોડનાર – બતાવનાર કવિ, આ બીજો સંકેત. આમ એકીસાથે બરડપણું અને એનો વિરોધી ગુણ સૂક્ષ્મ સંવેદનશીલતા – આ બંને કવિ અહીં સૂચવી દે છે. ‘આ અપારદર્શક (અ+પારદર્શક અને અપાર+દર્શક’) મનનો કાચ કેવી રીતે તડ દઈને તૂટી ગયો ‘(તડકલી’ ક્રિયાપદ રવાનુકારી છે), અને જીવનનું સાદું સીધું ગણિત, વ્યવહારના અનુભવમાંથી ઉપજાવેલાં કેટલાંક સાદાંસીધાં સમીકરણો શી રીતે સાવ નકામાં થઈ પડ્યાં, – શી રીતે સાવ વચકી ગયાં (અહીં ‘વચકી’ જવામાં એક પ્રકારના આકસ્મિક આઘાતનું સૂચન છે); જીવનમાં આવતાં વિઘ્નોએ જ મને થંભાવી દઈને માર્ગમાં કેવો સ્તમ્ભિત કરી દીધો, અને એ વિઘ્નો જ માર્ગ પરના દીપસ્તમ્ભ કેવી રીતે બની રહ્યાં – એ બધું હું તને કહેતો બેસીશ એવું તું માની બેઠી હતી, ખરું ને?’

અહીં છેલ્લે વ્યંગની તીક્ષ્ણ અણી ઉપાલમ્ભની ઉક્તિરૂપે વીંધી જાય છે. ભાષાના બે સ્તર, એક પછી બીજું એમ, સાથે સાથે ચાલે છે. એક સ્તર સંસ્કૃતની અસરવાળું, બીજું તળપદી ભાષાનું. ‘ઢોબળ’ શબ્દમાં જ તિરસ્કારનું સૂચન છે. જે સમીકરણોના ચોકઠામાં રહીને આપણે આપણી જાતને સુરક્ષિત માની બેસીએ છીએ તે સહેજ સરખો આઘાત લાગતાં કેવાં ઠાલાં ને નકામાં થઈ પડે છે! એવો તે શો આઘાત લાગ્યો હશે તે જાણવાનું નાયિકાને કુતૂહલ છે, આઘાતની વાત સાંભળવામાં સુખ છે. આ સુખમાં રહેલી સંકુચિત સ્વાર્થવૃત્તિ અને પરપીડનમાંથી આનન્દ લૂંટવાની અધમ વૃત્તિ નાયિકાના સ્વભાવલક્ષણરૂપે અહીં વ્યક્ત થાય છે. સહાનુભૂતિ કે આત્મીયતા બતાવવા નહીં, પણ અન્તે તો ‘એને શું વીત્યું તે હું ક્યાં નથી જાણતી? મને પૂછોને, મને એની રજેરજ ખબર છે’ આવી બડાશ મારીને એનું સુખ ભોગવવાની જ આ સ્ત્રીની વૃત્તિ છે.

કવિ અહીં એક બીજો સાર્થક શબ્દપ્રયોગ યોજે છે ‘વિઘ્નવિરામ.’ સંસ્કૃતની સમાસરીતિ સન્દિગ્ધતાને માટે ઠીક ઠીક અવકાશ રાખે છે. વિઘ્ન તે જ વિરામ, વિઘ્નને કારણે લેવો પડતો વિરામ. વળી વ્યાકરણમાં આવતા અલ્પવિરામ, પૂર્ણવિરામના સંસ્કાર પણ આપણા મનમાં જાગે છે. માર્ગમાં વિઘ્નની ઠોકર વાગતાં આપણે એકાએક ઊભા રહી જઈએ છીએ, કળ વળે નહીં ત્યાં સુધી સ્તમ્ભિત થઈ જઈએ છીએ, અને વ્યંગને જો આગળ વિસ્તારીએ તો જીવનની આ દોડભાગમાં જે કાંઈ આરામ-વિશ્રામ આપણે નસીબે રહે છે તે વિઘ્નની ઠોકર વાગવાને કારણે જ એમ પણ કહી શકાય. ચોથી પંક્તિમાં ‘સાંગત બસેન’ હું તને કહેતો બેસીશ એવા પ્રયોગથી – ને એમાં રહેલા વિશિષ્ટ કાકુથી કવિએ વ્યંગને વધુ તીક્ષ્ણ બનાવ્યો. ‘કહેતો બેસીશ’માં અસહ્ય દુ:ખની વાતને આરામપૂર્વક સાંભળનારને શ્રવણસુખ આપવા માટે કહેવા બેસવું એવી અર્થચ્છાયા રહેલી છે:

પ્રથમ પંક્તિમાં જે મન ‘અપારદર્શક’ હતું તેને માટે કવિ બીજું સાર્થક વિશેષણ યોજે છે: ‘પ્રમાથી’. આ ‘પ્રમાથી’નાં ઘણાં બધાં અર્થવર્તુળો આપણા મનમાં વિસ્તરે છે: જેને નાથવું મુશ્કેલ છે તે, ઉગ્ર મન્થનો અનુભવનાર, ઉદ્દણ્ડ, અનેક પ્રકારના સંઘર્ષોની નાગચૂડમાં ભીંસાતું વગેરે. આ બધા જ સંકેતો male energyનો અધ્યાસ મનમાં જગાડે છે. આવી પ્રબળ દુર્દમ્ય શક્તિ માત્ર એક નસને છેદવાથી નષ્ટ થઈ જાય છે! અહીં પુરુષત્વના છેદન – castration – નું સૂચન રહ્યું છે. આ નસને છેદી નાખનારી શી વેદના હશે, એવા તે ક્યા હથોડાથી ઘા થયો હશે – નાયિકાના એ કુતૂહલને સંતોષવા નાયક પોતાને અમળાવીને વલોવી નાખનારી એ પીડાની વાત માંડીને કહેવા બેસે, કહેતાં એકાએક ડૂમો ભરાઈ આવે, એ હૃદયાવેગને ભારે પ્રયત્નપૂર્વક એ ખાળી લે, એની આ સ્થિતિ જોઈને સ્ત્રીસહજ પટુતાથી હળવી અનાઘ્રાતતાથી નાયિકા એને હસાવવાનો પ્રયત્ન કરે – આટલે સુધી આવ્યા પછી બરાબર હથોડાની જેમ ફરી પેલું વ્યંગભર્યું પુનરાવર્તન વીંઝાય છે: આવી તેં કલ્પના કરી હતી, ખરું ને?

અહીં ‘શાકુન્તલ’માં દુષ્યન્ત શકુન્તલાને પ્રથમ જુએ છે ત્યારે અનાઘ્રાત પુષ્પ તરીકે એને વર્ણવે છે, ને એ અણબોટ્યા પુષ્પનો ભોગી ભ્રમર કોણ હશે એવો એના મનમાં પ્રશ્ન થાય છે તે દૃશ્યના સંસ્કાર કવિ ‘અનાઘ્રાત’ શબ્દથી જગાડે છે. એનો એ બિનજવાબદાર હળવો સ્ત્રીસહજ વિલાસ નાયકને પાણી પાણી કરી નાખશે એવો પોતાની શક્તિમાં વિશ્વાસ તે કેવી રીતે ધૃષ્ટતા છે તે અન્તમાં આવતાં પુનરાવર્તનથી વ્યંજિત થાય છે. સાચો કવિ શબ્દોના સુપ્ત સંસ્કારોને વિશિષ્ટ ભાવસ્થિતિનું નિર્માણ કરીને જગાડે છે, ને એ રીતે કાવ્યને ધ્વનિસમૃદ્ધ બનાવે છે.

અહીં અષ્ટક પૂરું થયું. અષ્ટકના અન્તમાં નાયિકાની ધૃષ્ટતાનો આપણે જે ઇશારો જોયો તે હવે આગળ વધે છે. સ્ત્રીના લલિતવિલાસનાં થોડાં સુરેખ ચિત્રો અહીં કવિ વિકસાવે છે, ને એમાં વ્યંગની તિર્યક્ છટા ભળતાં એનો કોઈ ઓર જ સ્વાદ આવે છે. ‘કેસાંચી ભુરળ’માંથી પણ કવિ એક કરતાં વધારે સંકેતો ઉપજાવે છે. ભૂરકી નાખનાર, કુટિલ, વાંકડિયા – આ બધા જ સંકેતો અહીં ધ્વનિસમર્પક બની રહે છે. ‘ભૂરકી નાખનારી વાંકડિયા વાળની લટને સમારીને તું મારી પાંપણો પર તારી આંગળીના બોબડા સ્પર્શને ફેરવીશ.’ આ આખી ક્રિયાને વિશિષ્ટ પ્રકારની શારીરિક નિકટતાની અપેક્ષા રહે છે, ને આ નિકટતા પેલી ધૃષ્ટતાની માત્રાને વધારી આપે છે. આંગળીના ટેરવાનો બોબડો સ્પર્શ એમ કહીને કવિ આવી મનની ઉત્તેજિત દશામાં વાણી અને વ્યવહારમાં રહેલી ઉન્માદક અસ્પષ્ટતાને સૂચવે છે; વળી ‘બોબડા’ એટલે મૂક નહીં પણ તોતડું અથવા બાળકના જેવું કાલું કાલું બોલનાર એમ સૂચવી બાળક સાથે સંકળાયેલી નિર્દોષતાના સંસ્કાર જગાડી એને વ્યંગપોષક સામગ્રી રૂપે લેખે લગાડે છે. નાયિકા કેવળ આંખોની પાંપણ આગળ જ અટકવા નથી ઇચ્છતી. ત્યાંથી આગળ વધીને એ તો હવે પેલા ‘પ્રમાથી’ મનની અંદર ચાલી રહેલા ‘વજ્રસંગીત’ને પણ નીરવ કરી દેવા, ઠારી દેવાની હામ ભીડે છે. અહીં ‘વજ્રસંગીત’ એ સંજ્ઞા કવિએ ભારે સાભિપ્રાયતાથી વાપરી છે. એમાં વજ્ર અને સંગીત વચ્ચેનું tension તો પ્રકટ થાય છે, તે ઉપરાંત આ સંગીત તે પરસ્પરવિરોધી બળોના તુમુલ સંઘટ્ટનને પરિણામે ઊપજતા ધાતુરણકારના જેવું છે એવો ધ્વનિ પણ ‘વજ્ર’ શબ્દને કારણે નીકળે છે. આમ સંગીત સાથે સંકળાયેલા માધુર્ય, આર્દ્રતા, શ્રવણસુભગતાના અધ્યાસો સાથે વિરોધ ઊભો કરે ને એ વિરોધમાંથી ઊપજતા બળને જ રસાસ્વાદની સામગ્રીમાં પર્યવસિત કરે એવી આ શબ્દયોજના થઈ શકી છે.

આ વજ્રસંગીતને ઠારી દેવું, શાન્ત પાડવું, નીરવ કરી દેવું એ કાંઈ જેવું તેવું કામ નથી. પણ સ્ત્રી પોતાની સ્વભાવસહજ પટુતાના પર મદાર બાંધીને એ ‘વિક્રમ’ કરવા પણ તૈયાર થઈ છે. આવડું મોટું પરાક્રમ એ કયા શસ્ત્રથી કરવા નીકળી છે? ‘ફક્ત એકા પાપણીચ્યા પ્રમાદાત’ – માત્ર એક પાંપણનાં નીચે ઢાળવાથી! અહીં આપણે ‘નીચે ઢાળવું’ એવો ‘પ્રમાદ’નો અર્થ કર્યો, પણ એમાં ‘પ્રમાદ’થી સૂચવાતા બધા જ સંકેતોનો સમાવેશ થતો નથી. પ્રમાદ એટલે સ્ખલન, પાપ, મદનો પ્રકર્ષ – આ બધી જ અર્થચ્છાયાઓને કવિ લેખે લગાડવા માગે છે. એક બાજુ વજ્રસંગીતને નીરવ કરી દેવાની મહેચ્છા ને બીજી બાજુ એને નીરવ કરવાને વપરાતા સાધનની તુચ્છતા – આ બે વચ્ચે વિરોધથી કવિ tension ઊભું કરે છે ને પેલી ધૃષ્ટતાને વધુ એક વળ ચઢાવે છે.

પણ વાત આટલેથી અટકતી નથી. હવે આપણા ચિત્તમાં પરાકાષ્ઠાની આશા બંધાય છે, હવે શિરોબિન્દુને સ્પર્શવાની અણી પર આપણે આવી પહોંચ્યા છીએ એવું લાગે છે ને ત્યાં જ કવિ આપણને કેવા પછાડે છે!

આ પરાક્રમની ફલશ્રુતિ આખરે શી? ‘આખરે તું આ પરાક્રમની વાત ફરી ફરી કહેતી બેસીશ’ કોને? ‘તારી ગલીમાંની ગોકળગાયોને!’ બપોરવેળાએ ઢગલો થઈને બેસનારી કુથલીખોર સ્ત્રીઓને માટે ‘ગોકળગાય’ શબ્દ કવિએ કેવો તો સાર્થક યોજ્યો છે. એ શબ્દને પ્રતાપે જડતા, આળસ, જીવનયાત્રાની, જીવનના રસને પામવાના ક્ષેત્રની સંકુચિતતા સચોટ રીતે પ્રકટ થાય છે. ક્યાં આવડું મોટું પરાક્રમ ને શી એની ફલશ્રુતિ! આ વિરોધ જાણે ઓછો પડ્યો હોય તેમ હવે ત્રીજા પુનરાવર્તન સાથે, મેલી વિદ્યાના સાધકને મુખે ઉચ્ચારાતા શાપનું બળ પ્રાપ્ત કરનાર પેલો વ્યંગ આપણે ફરી સાંભળીએ છીએ: ‘એવું તું માની બેઠી હતી, ખરું ને?’ અહીં એ વ્યંગ કોરડાની જેમ વીંઝાય છે, એના વીંઝાવાનો સૂસવાટ આપણા કાનમાં મૂકીને કાવ્ય પૂરું થાય છે.

સોનેટના સ્વરૂપને આવશ્યક એવો વળાંક અહીં માત્ર અષ્ટક અને ષટક વચ્ચે જ નથી, ભાષાના, એક સાથે પ્રયોજાયેલા બે સ્તર વચ્ચે છે, એટલું જ નહીં, સમાસમાં સંધાયેલા બે શબ્દો વચ્ચે પણ છે. આને પરિણામે ઊપજી આવતી વિરોધાત્મક સંઘર્ષમૂલક સન્દિગ્ધતા કાવ્યત્વને ઉપકારક શી રીતે નીવડે છે તે પણ આપણે વીગતે જોયું.

જેના નસીબમાં નરી નિર્ભ્રાન્તિ છે, ને એ નિર્ભ્રાન્તિ સાથે સંકળાયેલી અનાશ્વાસનીયતા છે તેવા સર્જકની આ ઉક્તિ છે. સૌન્દર્ય પોતે જ પોતાની કેવી તો વિડમ્બના કરતું હોય છે! કવિએ વધુ દયનીય તો આ વિફળ સૌન્દર્યને બતાવ્યું છે. આ વિલક્ષણ પરિસ્થિતિનું નાટ્યાત્મક આલેખન, સહેજ સરખી પણ લાગણીવશતા કે શિથિલતાને પ્રવેશવા દીધા વિના, રચનાના બન્ધની સન્નદ્ધતાને જાળવીને, કવિએ કુશળતાથી કર્યું છે. એક રીતે કહીએ તો tensionનું બળ ભાષાના માધ્યમથી પ્રકટ કરવું, એ બળ વડે જ રચનાના બંધને સન્નદ્ધ બનાવવો – એ અર્થે કાવ્યમાંના સન્દર્ભને તો અહીં કવિએ નિમિત્ત બનાવીને જ પ્રયોજ્યો છે. ગદ્ય રીતિનો ઉપયોગ વ્યંગના કાકુઓને ઉપસાવી આપવામાં ખપમાં આવ્યો છે; અલબત્ત, ગદ્યના ઉપયોગને અસાધારણ સાવધાનતાની અપેક્ષા રહે છે.

License

કાવ્યચર્ચા Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.