દ્વિતીય ખણ્ડ

નર્મદ: એક મૂલ્યાંકન

આજે નર્મદને યાદ કરીએ છીએ ત્યારે એની કઈ છબિ આપણી સામે તરવરી રહે છે? નર્મદની આગળ અત્યાર સુધીમાં ઘણાં બધાં વિશેષણોનો ખડકલો આપણે કર્યો છે. સ્વદેશ અને અભિમાન એ બે શબ્દો તો આપણી ભાષામાં હતા જ, પણ એ બેને ભેગા કરવાથી જે શબ્દ બની આવ્યો તે તો નર્મદની જ સરજત કહેવાય. આજેય પરદેશી સત્તાના આક્રમણના તોળાઈ રહેલા ભય નીચે આપણે જીવીએ છીએ ત્યારે ‘સહુ ચલો જીતવા જંગ બ્યૂગલો વાગે’નો ગાનાર આપણને સહજ જ યાદ આવી જાય છે. ગાંધીજીની અહિંસાની વાત એના જમાનામાં નહોતી તેમ છતાં કેવળ યુદ્ધને માટેના આસુરી આવેશને એણે ઉશ્કેર્યો નથી. આથી એણે બહુ જ ઉચિત રીતે ઉમેર્યું હતું: રણ તો ધીરાનું, નહિ ઉતાવળા કાયરનું. ગુજરાત દેશની સીમા એણે ત્યારે બાંધી આપી હતી. આજે તે રહી નથી. તેમ છતાં નાતજાતના ભેદ વિના જે કોઈ ગુજરાતને ચાહે છે તેની ગુજરાત છે એમ જે કહેલું તે જ આજે વધુ સ્વીકારાવા લાગ્યું છે. અરુણા પરભાતથી પણ વધુ ઉજ્જ્વળ ગુજરાતનો યશ દીપશે એવી એની શુભેચ્છા કે ભવિષ્યવાણી પણ સાવ ખોટી પડી નથી. આમ છતાં એના જમાનાથી આપણે કેટલાક આગળ વધ્યા? વિધવાવિવાહ, બાળલગ્ન વગેરે કુરૂઢિઓ હવે રહી નથી એ ખરું છતાં જે વહેમજવન સાથે એણે બાથ ભિડાવેલી તે હજી કોઈ ને કોઈ રૂપે આપણી સામે આવીને ઊભો જ રહે છે. શેરસટ્ટા, ગરીબી – આ બધું આજે પણ રહ્યું જ છે. ને તેમ છતાં નર્મદના જમાનાથી આપણે ખૂબ દૂર નીકળી ગયા છીએ એ પણ એટલું જ સાચું છે. યન્ત્રયુગ પણ હવે પાછળ રહી ગયો છે. માનવી પોતે જ શોધેલાં સાધનોના ખડકલામાં નગણ્ય બની ગયો છે. પૃથ્વી પરથી હવે એણે પગ ઉપાડ્યો છે ને અવકાશયાનમાં બેસીને એ નક્ષત્રો ભણી મીટ માંડે છે. આમ છતાં જુદે જુદે રૂપે એની એ જડતા, ભય અને પરતન્ત્રતા હજી આપણે અનુભવીએ છીએ. કદાચ દરેક જમાનાને એના આગવા નર્મદની અપેક્ષા રહેતી હશે.

નર્મદનું વ્યક્તિત્વ આપણા પર હજીય એનો પ્રભાવ પાડે છે ખરું? એની કવિતાનો અભ્યાસ કરતી વેળાએ એના વ્યક્તિત્વથી અંજાઈને આપણે તટસ્થતા ખોઈ બેસીએ છીએ ખરા? નર્મદના જ સમકાલીન નવલરામ, એક વાર તટસ્થતા ખોઈ બેઠા હતા. પણ પાછળથી એમણે પોતાની ભૂલ સમજીને સુધારેલી. નર્મદના મિજાજને અનુકૂળ મિજાજવાળા હજી નર્મદનામાં નવા નવા ગુણો શોધીને એને બિરદાવે એમાં નવાઈ પામવા જેવું નથી. ઐતિહાસિક દૃષ્ટિએ એનું જે મૂલ્ય છે તે ભૂલી જવા જેટલા અનુદાર આપણે નહીં બનીએ.

નર્મદના જમાનાના મુખ્ય કવિઓ બે: દલપત અને નર્મદ. નર્મદ વહાણમાં બેસીને મુંબઈ બંદરે ઊતરતો ત્યારે કેટલા બધા લોકો એનું સ્વાગત કરવા આવતા. ત્યારે કવિ પ્રજાથી ઝાઝે દૂર નહોતો. નવી કેળવણીનો પ્રચાર કરવો હોય, ફંડફાળો ઉઘરાવવાનો હોય, કેફના વિરોધમાં સભા ભરવાની હોય, માહિતી આપતાં પાઠ્યપુસ્તકો લખવાનાં હોય તો કવિને લોકો તરત સંભારતા. આજે આપણે શુદ્ધ કવિતાનો આગ્રહ ભલે રાખતા હોઈએ, એ જમાનામાં તો શુદ્ધ કવિતાની શક્યતા જ નહોતી, નર્મદને સુધારક થવાનું આવ્યું, લોકશિક્ષક થવાનું આવ્યું, સ્વતન્ત્રતાની ઝુંબેશ પણ એણે ઉઠાવી. આમ કવિતા એક સાધન બની ગઈ.

પણ આવી કવિતા રચવા માટે એણે પરિશ્રમ ઓછો નથી કર્યો. એની આગલી પેઢીના લગભગ બધા સાહિત્યપ્રકારો પર એણે હાથ અજમાવી જોયો હતો. ‘રુક્મિણીહરણમાં એણે આખ્યાન લખવાનો પ્રયત્ન કર્યો; શામળ ભટ્ટના જેવી શૈલીની વારતા લખવાનો પ્રયત્ન પણ એણે ‘વજેસંગચાંદબા’માં કરી જોયો. પ્રેમાનન્દની નહિ તેટલી શામળની અસર એના પર હતી. પશ્ચિમના અંગ્રેજી સાહિત્યની અસરથી તેમ જ સંસ્કૃતનું જે કાંઈ વાંચ્યું તેની અસરથી પણ એણે નવી શૈલીની કવિતા લખવાનો પ્રયત્ન કર્યો છે. પણ એ પોતાની મર્યાદાઓ વિષે સભાન હતો. એની નિખાલસતા ખરેખર આશ્ચર્યકારક છે, અલબત્ત કેટલીક વાર એ નિખાલસતાનો ડોળ કરવાનું પણ ચૂકતો નથી.

કાવ્યરચના પરત્વે એનો જેટલો પરિશ્રમ હતો તેટલી જ જો સાધના હોત તો કદાચ એ થોડી પણ સારી કવિતા રચી શક્યો હોત. એની ચંચળતા ને એની અધીરાઈ એવી કશી સાધનાને પ્રતિકૂળ હતાં. આથી જ તો કવિતાને એક લાગણીનો સ્વયંભૂ ઊભરો માની બેઠો, પ્રશાન્તિની પળોમાં એ લાગણીઓનું અનુરણન સાંભળવા જેટલી એનામાં ધીરજ નહોતી. નર્મકવિતાના પ્રારમ્ભમાં જ એ મંગળાચરણમાં પોતાની કવિતાને નર્મશર્મસૂચક કહીને ઓળખાવે છે, ને એનો અર્થ સમજાવતાં પોતાની કવિતામાં શૃંગારનું અને શાન્ત રસનું સુખ સિદ્ધ કરવા ઇચ્છે છે એમ પણ કહે છે. અલબત્ત, આ એની અભિલાષા છે. એને એ સિદ્ધ કરી શક્યો નથી તેની એને પણ ખબર છે. આથી જ તો એ પોતે કહે છે:

            વિરસ વિકટ મુજ કવન
છે ગ્રીષ્મ તણું એ ઘાસ

અને એનું કારણ પણ પૂરી સમજથી આ પ્રમાણે આપે છે:

            વ્યગ્ર ચિત્તથી કાવ્ય કીધ
તેથી તે બેહાલ.

વ્યગ્રતાનું પણ કાવ્ય હોઈ શકે પણ તે વ્યગ્ર સ્થિતિમાં ન લખાય.

એની શરૂઆતની રચનામાં સમાજસુધારણાનો વિષય જ પ્રાધાન્ય ભોગવે છે. કેટલીક વાર કોઈ બીજી ભાષાની સારી રચના જોવામાં આવતી તો એ પ્રકારની રચના કરવાનું એને મન થતું. વામન પંડિતનું મરેઠી ‘ગોપી’ જોઈને એવી રીતે રચના કરવાનું મન થયું, પણ એ ચોપડી લેવાના પૈસા નહિ, તેથી એક શ્રીમાળી બ્રાહ્મણની પાસેથી આનાના પૈસા ઉછીના લઈને ચોપડી ખરીદીને લલિત છન્દ શીખી લીધો. ઋતુવર્ણન કરવાનો વિચાર કર્યો ત્યારે સૌપ્રથમ તો એને ‘શ્રીમંતને પરમાર્થ વિશે શિક્ષા’ નામના કાવ્યમાં ગરીબોના બાર મહિના કેવા જાય છે તે વર્ણવ્યા. આ કદાચ અર્વાચીન કવિતાનું સૌપ્રથમ દલિતપીડિતોનું કાવ્ય હશે, એનો ઉદ્દેશ કદાચ ગરીબો પ્રત્યે સમભાવ ઉત્પન્ન કરવાનો હશે એમ છતાં નર્મદની સચ્ચાઈભરી અનુકમ્પા એમાં છતી થાય જ છે. આ જ રીતે 1857ના બળવામાં હણાયેલા અંગ્રેજ યોદ્ધાઓની વિધવાઓ તથા નિરાશ્રિત કુટુમ્બીઓને માટે શિબિર ફંડ ઉઘરાવવાને ટાઉનહોલમાં સભા મળેલી ત્યારે એને તો દેશના પરદેશી સત્તા નીચેના સદાના નિરાશ્રિતો જ યાદ આવ્યા. અંગ્રેજ અમલદારો આગળ પોતાનું નામ ને વટ જાળવવા નીચી મૂંડીએ આંકડો માંડી આપતા ધનિકોને એ ઠપકારે છે:

            ટાઉનહોલમાં ભૂપને જોઈ
સટોસટ્ટ કરો સહુ સોઇ
રખે માનવજન વટ જાએ
ઝટોઝટ્ટ બિલાડા ખેંચાએ
એવા દીસો હીણા તમે શેઠો.

નર્મદ આખાબોલો તો હતો જ પણ એનામાં અખાનું મામિર્ક હાસ્ય નહોતું.

કાવ્યોમાં એણે વિષયવિસ્તાર સાધ્યો એની ના નહિ, પણ નવા વિષયોની કાવ્યક્ષમતા એ હંમેશાં જ પ્રકટ કરી શક્યો છે એવું નથી. વિધવાના દુ:ખ માટે એને સહાનુભૂતિ હતી, એની સચ્ચાઈ વિશે પણ આપણે શંકા નહીં લાવીએ તેમ છતાં એ વિષયની રચનાઓમાં કાવ્યત્વ પાંખું છે, પ્રાકૃતતા ઘણી છે, એને અંગે એ શાસ્ત્રાર્થ પણ પદ્યમાં કરે છે. ભાઉ દાજી જેવાને એ સારો પણ લાગે છે. ઉત્સાહમાં ને ઉત્સાહમાં એ પુનવિર્વાહ સમયે ગાવાનું ગીત પણ લખી નાંખે છે. લોકોના કુરિવાજો દૂર કરવાનું અંગ્રેજી પ્રજાના સમ્પર્કથી જ સૂઝ્યું એ સ્વીકારીને એ અંગ્રેજોનો આભાર માની લે છે:

            ખરે અવતર્યા અંગ્રેજ સુધારવા જો

આખ્યાનમાં પ્રકૃતિ ઉદ્દીપન વિભાવ તરીકે સ્થાન પામતી. પણ પ્રકૃતિ વિશેનાં જ સ્વતન્ત્ર કાવ્યોની શરૂઆત નર્મદે કરી. ઋતુવર્ણન, વનવર્ણન, નર્મટેકરી પર કરેલા વિચાર – આનાં ઉદાહરણો છે. ઋતુવર્ણન વિશે એણે શરૂમાં જ સ્પષ્ટતા કરી દીધી છે કે એ કાલિદાસના ‘ઋતુસંહાર’ કે ટોમ્સનના ‘સીઝન્સ’થી સાવ જુદી જ કૃતિ છે. એ કહે છે, ‘ઉપલા બે ગ્રન્થોમાં ઋતુઋતુના સૃષ્ટિમાં જે બહારના ચમત્કાર જોવામાં આવે છે તેનું જ વિશેષ વર્ણન છે. પણ આ ગ્રન્થમાં બહારના દેખાવોનો આબેહૂબ ચિતાર પણ આપેલો છે. અને એ જ ગ્રન્થની ખૂબી છે. અલંકાર પણ નવા છે. અલંકારના ઉપયોગ વિશે એની પોતાની આગવી સમજ હોવાનો દાવો પ્રગલ્ભપણે એ કરે છે: ‘મને સંસ્કૃત ગ્રન્થોની અલંકાર આપવાની સ્વચ્છન્દી રીત શાસ્ત્રીય નથી લાગતી.’ આ ઉપરાંત પોતાનાં કાવ્યોનાં પોતે કરેલાં ટિપ્પણ વિશે પણ એ આવો ખુલાસો કરે છે: ‘એમાં અર્થની જે ટીકા કરી છે તે વ્યાકરણ રીતે અન્વયપુરસ્સર અને પછી તેમાંથી નીકળતી જે રસવ્યંજના તે અનુભવી જનને સહેલેથી સમજાય તેવી રીતે બતાવી છે.’ અહીં એ વાચ્યાર્થ ને ધ્વન્યર્થની વાત કરે છે. ‘રસવ્યંજના’ જેવી સંજ્ઞા કદાચ વિવેચનમાં એ પહેલીવહેલી જ દાખલ કરે છે. રસનો અર્થ એ મજા પડવી એવો કરે છે, તે કલ્પનાશક્તિને સ્થાને તર્કશક્તિ એવી સંજ્ઞા વાપરે છે. કવિતા રચવી એને ખૂબ જ ગમે છે ને આથી પ્યારી કવિતા ઉપરનો પ્યારા કવિના પ્યાર વિશે વાત કરતાં એ ઇશ્કે મિજાજી ને ઇશ્કે હકીકીનો વિવેક પણ કરી બતાવે છે. નરસિંહરાવની પહેલાં ‘ચંદા’ શબ્દ નર્મદ વાપરે છે ને ચંદા સાથેનું અદ્વૈત વર્ણવતી પંક્તિમાં ઠીક ઠીક પ્રૌઢિનો પરિચય કરાવે છે.

            પ્રેમચંદાની બલીહારી રે
રસીક જન હોએ.
પીએ અમૃત તો નરનારી રે
અંશી જન સોએ
એ અમૃત તો એવું વ્યાપિ રહે રે,
તનમન ભરપૂર થાય.
બાહ્યાંતર આનંદમાં રે,
સહુ તાપ સમૂળા જાય રે.
ચંદા નર્મદ પછી બે નહીં રે
એક જ બિંબ દેખાય,
જે પીગળી ગંગા બન્યું રે
જેમાં બીજા પ્રેમીજનો ન્હાય.

અલબત્ત દયારામનો પડઘો અહીં સંભળાય જ છે. કબીરનાં પદો નર્મદને બહુ ગમતાં પણ એ એને મતે કેવળ ધર્મસમ્બન્ધી હતાં. એમાંનું કાવ્યત્વ કદાચ એ બહુ માણી નહીં શક્યો હોત, પોતાના જમાનાને અનુસરીને એ કવિતા લખતો હતો. પોતાના સમયથી પર થઈને અનુભવો માણવાની કે નિરૂપવાની એની ગુંજાયશ નહોતી. આથી સાચી કવિતા એનામાં બહુ ઓછી છે. કબીરને વિશે પણ એ નિરાશા પ્રકટ કરતાં કહે છે, ‘પોતાનાં પદોમાં ધર્મસમ્બન્ધી વિષય ન લખતાં રાજ સમ્બન્ધી ને દેશાભિમાન સંબંધી લખ્યું હોત તો દેશના હકમાં તે કેટલો ફાયદો કરત.’ નર્મદનું સાહિત્ય વિશેનું ને સાહિત્યકારના કર્તવ્ય વિશેનું દૃષ્ટિબિન્દુ કેવું હતું તેના પર આ વાત પ્રકાશ પાડે છે.

નર્મદને મહાકાવ્ય લખવાના બુટ્ટાઓ ઘણી વાર આવ્યા છે. એ વિશે એના સ્વભાવ મુજબ એ આંધળિયાં પણ કરે છે. આમ છતાં દરેક પ્રયત્ન પછી એ નિર્મમપણે એને તપાસી જાય છે, ને પોતાની અશક્તિનો એકરાર કરી એ પ્રયત્ન મૂકી દે છે. પણ વળી એનો ઉત્સાહ ઊભરાઈ આવે છે. આ વિશે એણે પોતે નોંધ્યું છે:

‘મારો અસલથી જ વિચાર કે એક મોટો ગ્રન્થ કરવો. પણ ‘એપિક’ લખવામાં નિરાંત, એકચિત્ત પ્રવૃત્તિ તથા ઉલ્લાસની સાથે આ દેશના ઇતિહાસમાંથી લીધેલી એક સુરસ વાતમાંનો યોગ્ય નાયક જોઈએ, અને પછી એ લાંબો વિષય આડકથાઓથી શણગારીને એક જ વૃૃત્તમાં લખવો જોઈએ.’

આટલું કહ્યા પછી મહાકાવ્ય જેવી રચના માટે ભાષાની શક્તિ જોઈએ એવું મહત્ત્વનું વિધાન કરે છે. મહાકાવ્ય લખવા માટે વીર વૃત્તની પણ એ શોધ કરે છે. વિષયોથી એને સન્તોષ થતો નથી. આથી ફોકનર સાહેબના સૂચન મુજબ મિલ્ટનના ‘કોમસ’ અને બાયરનના ‘ડોન જુઆન’ના અનુવાદ કરવાનું પણ એ વિચારે છે. આ ઉપરાંત એ ‘કુમુદચંદ્રપ્રેમપત્રિકા’ જેવું વિલક્ષણ પ્રકારનું કાવ્ય પણ રચે છે. એમાં નાયિકા વિધવા છે ને તે શામળની સૃષ્ટિમાં હોય છે તેમ રાજકન્યા છે ને ચન્દ્ર એ પ્રધાનપુત્ર છે. ચન્દ્ર કુમુદને દિલના દર્દની કવિતા લખતાં શીખવે છે. બંને વચ્ચેના પત્રો અને એ પત્રો વચ્ચેના પ્રસંગો વિશે ગદ્યમાં કવિ તરફથી થતો ખુલાસો આવું કંઈક એનું સ્વરૂપ છે. ગોવર્ધનરામના પર આ કાવ્યના સંસ્કાર કદાચ રહ્યા હોય એમ બને. સાહિત્યમાં નીતિ અને અનીતિ વિશેના નર્મદના ખ્યાલો અત્યન્ત અર્વાચીન કહેવાય એવા છે. મહાકાવ્યનાં પાત્રો પરત્વે એણે જે કહ્યું તે ધ્યાનમાં રાખવા જેવું છે: ‘ખૂબી કરતાં ડાઘ વધારે બતાવવા કે તેને કહાડી નાખવામાં આવે એ મારો ઉદ્દેશ ગ્રન્થ કરવાનો છે. કોઈ કહેશે કે સુઘડ નાયકની પાસે નઠારાં કામ ન કરાવવાં પણ મારો વિચાર એ કે જો સુઘડ નાયકથી પ્રસંગોપાત્ત નઠારાં કામ થઈ જતાં હોય તો તે પણ બતાવવાં.’ એરિસ્ટોટલની જેમ probable ને possibleનો ભેદ કરીને એ ઉમેરે છે: ‘જે બનતું હોય અથવા બની શકે એવું હોય તેવું બતાવવું.’

એની સમજ ઊઘડતી આવતી હતી, પણ જમાનાથી આગળ જવાના એના ઉધામા એને જંપવા દેતા નહોતા. એ ઠરેલ નહોતો, પાછળથી એની પારદર્શી નિખાલસતા એની પાસે ‘મારી હકીકત’ લખાવે છે. ‘મારી હકીકત’ એ શીર્ષક જ કેટલું સૂચક છે! એમાં રહેલી નિરાડમ્બરતા આપણને સ્પર્શી જાય છે. નર્મદે મથામણ ઘણી અનુભવી, પણ એ બધા સંઘર્ષને એ લેખે લગાડી શક્યો નહિ એનું કારણ એટલું જ કે કળાકારમાં અપેક્ષિત તાટસ્થ્યપૂર્વકનું તાદાત્મ્ય એનામાં નહોતું. આમ છતાં જીવનની ઘણી બધી દિશામાં પ્રથમ પગલું ભરનાર નર્મદ સદા સ્મરણીય રહેશે.

ક્ષિતિજ: ઓગસ્ટ, 1964

License

કાવ્યચર્ચા Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.