આપણે જેને સાવ સરળ માનીએ છીએ તે, એને વિશે સહેજ જ વિચાર કરતાં, એટલું બધું સરળ લાગતું નથી. માણસનો એક સ્વભાવ છે – કહો કે કટેવ છે: એ પોતાને વિશે, પોતાની આજુબાજુની પરિસ્થિતિ વિશે, એ સમ્બન્ધનાં સમ્ભવિત પરિણામો વિશે વિચાર કર્યા વિના રહી શકતો નથી. ‘જીવવું એટલે જીવન’ એવી જીવનની સાવ સીધીસાદી વ્યાખ્યા આપી શકાય. ‘અસ્તિત્વ એટલે હોવું’ એ પણ એવી જ સાદી વાત થઈ. પણ સરળતા એ કોઈ નિરપેક્ષ આત્યન્તિક ગુણ નથી. સરળતા એ લક્ષ્ય નથી, પણ લક્ષ્યને સિદ્ધ કરવાના પ્રયત્નોનો, કેટલીક વાર, આવશ્યક લેખાતો ધર્મ છે. એ સરળતાનું સ્વરૂપ તમે જે લક્ષ્ય સિદ્ધ કરવા ઇચ્છો છો તે જ નક્કી કરી શકે. આપણે જેને જગત કહીએ છીએ તેને સમજવામાં વિજ્ઞાન, પોતાની વિશિષ્ટ પદ્ધતિથી, વ્યવસ્થા સ્થાપીને સરળતા કરી આપે છે. એ પદ્ધતિ પોતે ગમે તેટલી સંકુલ હોય, પણ એને પરિણામે જગતને સમજવામાં સરળતા લાવી શકાય. પણ સરળતા લાવવા ખાતર, જે કંઈ સમજવું અઘરું થઈ પડે, જે કાંઈ જટિલ લાગે, તેને આપણે આપણી સમજમાંથી બાદ કરી લેવાનું વલણ આવકારતા નથી. જો એમ કરીએ તો સરળતા સિવાય આપણા હાથમાં કદાચ કશું રહે પણ નહીં.
‘અસ્તિ’ એટલે ‘છે’, એને ભાવવાચક ‘ત્વ’ લગાડો એટલે એને તત્ત્વની ભૂમિકા પર ખેંચી લઈ જવા જેવું થયું! તો બધી મુશ્કેલી આ ‘ત્વ’ ઊભી કરે છે; એમાં વળી તમે વધારાનો ‘વાદ’ શબ્દ ઉમેરો એટલે સામેથી ‘પ્રતિવાદ’ ઘુરકિયાં કરવાનો જ!
તો મૂળ સમસ્યા આ છે: મારે એક ઘર બાંધવું હોય તો એ ઘરની ‘બ્લ્યૂપ્રિન્ટ’ હું તૈયાર કરાવી શકું, કારણ કે ‘ઘર’ નામની વસ્તુનો શો ઉપયોગ હોય છે તે હું જાણું છું; અથવા એમ કહો કે એના ઉપયોગ વડે જ એની વ્યાખ્યા બાંધી શકાય છે, એનો ઉપયોગ જ એનું મૂલ્ય છે. આથી, મારું ઘર અસ્તિત્વમાં આવે તે પહેલાં, એના અસ્તિત્વનું સ્વરૂપ હું નિશ્ચિત કરી શકું છું. એ નક્કી કરેલા સ્વરૂપને આધારે પછીથી એ ઘર ખડું કરી શકાય છે. જેવું ઘરનું તેવું ખુરશીનું પણ જેને ‘હું’ કહીએ છીએ તેના અસ્તિત્વને શી રીતે સિદ્ધ કરી શકીશું? મારો પરિચય આપતાં સર્વસ્વીકૃત એવી એક વાત હું કહી શકું, અને તે એ કે હું માણસ છું. આ ‘માણસ’ સંજ્ઞા એક વર્ગની સંજ્ઞા છે. અ પણ માણસ છે, બ પણ માણસ છે; હિટલર માણસ છે, ગાંધી માણસ છે, હું માણસ છું, નાથુભાઈ માણસ છે. આમાં જેને જેને માણસ કહીને ઓળખાવ્યા તેનો વિશિષ્ટ કશો પરિચય મળતો નથી. એનું ‘માણસ હોવું’ એટલું જ વર્ણન અહીં પર્યાપ્ત થઈ રહેતું નથી. સંજ્ઞાનું કામ એ જેને સ્થાને છે તેનો પરિચય આપવાનું છે. પણ સંજ્ઞા જેની અવેજીમાં છે તેનું સ્થાન પોતે લઈ લે તો અવ્યવસ્થા ઊભી થાય. ભાષા જ્યારે આ સ્થિતિએ પહોંચે ત્યારે એને ફરી તપાસવાની જરૂર ઊભી થાય. તેવી જ રીતે આપણે પ્રાપ્ત કરેલું જ્ઞાન એના બૃહત્ પરિમાણ માત્રથી એની પાછળ રહેલા અજ્ઞાનને ઢાંકી દેવાનું જ કામ કરતું હોય તો એને પણ ફરી તપાસવાની આવશ્યકતા ઊભી થાય. ‘માણસ’ એ સંજ્ઞાથી એક ઘણી સંકુલ અને વ્યાપક એવી ઘટનાને, એનાં સર્વસામાન્ય એવાં લક્ષણો તારવીને, ખાનામાં મૂકી આપવાથી સરળતા થઈ; પણ એટલાથી આપણને સન્તોષ થતો નથી. જે સામાન્ય છે તે બધી જ વિશિષ્ટતાઓનો લઘુતમ દૃઢભાજક કાઢીને નિપજાવી શકાતું નથી. દરેક વિશિષ્ટતાનો જુદો ખુલાસો આપવાનો તો રહે જ છે. તો પછી આ ‘તત્ + ત્વ’ આપણને કેટલા ખપમાં આવે વારુ?
ઘર કે ખુરશીના સ્વરૂપ વિશે પૂર્વનિર્ણય કરી શકાય, માણસ વિશે નહીં. માણસ જીવવાની દરેક પળે, પોતાના જીવવાથી જ, પોતાની વ્યાખ્યા બાંધે છે – પોતાનું સ્વરૂપ સ્પષ્ટ કરતો જાય છે. વળી દરેક માણસ એ પોતાની આગવી રીતે કરે છે, માટે એ પ્રક્રિયાનાં સામાન્ય લક્ષણો તારવવા બેસીએ તો એ પ્રવૃત્તિ ઝાઝા ખપમાં ન આવે. ‘માનવ’ને ‘તા’ કે ‘ત્વ’ લગાડો, તો એ પ્રત્યયની જાદુઈ લાકડીથી અ બ ક બધા માનવોનાં રૂપ છતાં નહીં થઈ જાય. બીજી રીતે કહીએ તો અહીં ‘તત્ત્વ’થી ‘અસ્તિ’નો ખુલાસો આપી નહીં શકાય. ભાષા પોતે જ આ હકીકતને છતી કરે છે: પહેલાં અસ્તિ પછી ત્વ. ‘ત્વ’ એકલો તો કશાને લાગી શકે નહીં. પહેલાં જીવનને જીવનાર, જીવવાની પ્રક્રિયાથી એની ‘જીવન’ સંજ્ઞાને અસ્તિત્વમાં લાવનાર ‘હું’ હોવો જોઈએ. પછી એના તત્ત્વની કશી વાત કરવાની ભૂમિકા તૈયાર થઈ કહેવાય. ‘ત્વ’ પ્રત્યયથી જીવન જીવનાર ‘હું’ની પ્રત્યય-પ્રતીતિ આપણને થતી નથી. વ્યષ્ટિનો સરવાળો તે સમષ્ટિ નથી; સમષ્ટિથી વ્યષ્ટિને પૂરેપૂરી સમજાવી શકાતી નથી.
પરમ તત્ત્વની કલ્પના કરીને, એ પરમ તત્ત્વમાં આપણું ‘તત્ત્વ’ અંતનિર્હિત થઈને રહ્યું હોઈને સુનિશ્ચિત છે એમ કહેવાયું છે. આ રીતે પરમ તત્ત્વ અને આપણી વચ્ચેનો સમ્બન્ધ સુતાર અને ખુરશી વચ્ચેના સમ્બન્ધ જેવો સ્થાપવા જેવું થાય છે. આપણા તત્ત્વ વિશે, આ રીતે ઊભી કરેલી નિયતિ આપણને શા ખપમાં આવી શકે? જે પરમ તત્ત્વ મારી પકડની બહાર છે, તેને પામવાનાં મારી પાસે જે કાંઈ પ્રાપ્ય કરણો છે તેનાથી પરું છે તેના વડે મારા તત્ત્વનો જે નિર્ણય થતો હોય તેને હું શી રીતે અવગત કરી શકું? તત્ત્વ વડે પરમ તત્ત્વનો નિર્ણય જો અવશ્યંભાવી લાગતો હોય તો, ભલે થતો. આમ વ્યસ્ત ક્રમને સુધારીને આપણે અસ્તિને આગળ મૂકીએ, પછી તત્ત્વ આવે, ને ત્યાર બાદ, જરૂર જણાય તો, પરમ તત્ત્વ આવે. તત્ત્વ અને પરમ તત્ત્વનો ખુલાસો અસ્તિ વડે જ સમ્ભવે. જો આ ક્રમને ફેરવીએ તો અગમનિગમના ધૂંધળા ધુમ્મસમાં બાચકાં ભરવાનાં જ રહે.
આમ સૌથી પહેલી વાત તે આ: હું છું. ‘હું’ પ્રત્યેક પળે નિર્માતો જાય છે. એનું નિર્માણ હું કરું છું. એનું નિર્માણ કરવાની અબાધિત સ્વતન્ત્રતા એ મારો જન્મજાત હક છે. એ સ્વતન્ત્રતા વાપરવાનાં જે કાંઈ પરિણામો આવે તેની જવાબદારી પણ મારી છે. એ જવાબદારી હવે અદૃષ્ટ કે દૈવના ઉપર હું નાખી દઈ શકું નહિ. આ રીતે દૈવ કે અદૃષ્ટને હું મારી પોતાની વરણી કરું છું. આ વરણી હું સમસ્ત માનવ વતી કરું છું. આથી તેમાં ઘણી મોટી જવાબદારી રહેલી છે. મારી પસંદગીનો નિર્ણય એ કેવળ વ્યક્તિગત ભૂમિકા પર રહી શકતો નથી એની અસર સમષ્ટિમાં પડે છે. જેને ‘હું’ કહું છું તે શું છે? એ મારી ચેતના છે. એ ચેતના પોતે તો કશું જ નથી, નરી પરાવર્તક સપાટી માત્ર છે. એને પોતાનું આગવું સત્ય નથી. એ બીજા કશાના સંનિકર્ષમાં આવે છે ત્યારે તેના પરાવર્તન વડે એ પોતાના સત્ત્વનું પ્રમાણ રજૂ કરી શકે છે. આથી, સંવિત્તિ એમ કહીએ એટલે ઘટસંવિત્તિ, પટસંવિત્તિ એમ જ સમજવાનું રહે. પોતાને સિદ્ધ કરવા માટે મારી ચેતનાને, પ્રત્યેક પળે, પોતાનાથી જે જુદું છે તેના સંનિકર્ષમાં, હંમેશાં આવવું પડે.
જેને આપણે ‘જગત્’ કહીએ છીએ તેને આપણે શી રીતે જાણીએ છીએ? એ તો સદા પ્રવહમાન છે. એના તત્ત્વની તારવણી શી રીતે શક્ય બને? મારી ચેતના એ જગતના સંનિકર્ષમાં આવીને જે રૂપ ધારણ કરે છે તેને ઓળખવાથી જગત્ના સ્વરૂપની અભિજ્ઞતા મને પ્રાપ્ત થાય. એ અભિજ્ઞતા પણ ધારાવાહી હોવાથી એના ‘તત્ત્વ’ને સ્થગિત કરીને સ્થાપવાની સ્થિતિએ આપણે કદી પહોંચી શકીએ નહીં.
આથી મારો ‘હું’ એ કોઈ વિક્ષિપ્ત નિલિર્પ્ત ઘટના નથી. એ કોઈ પૂર્વનિર્ણીત શૃંખલાનો અંકોડો નથી એ સાચું; પણ કાર્યકારણ સિવાયના, એક જ પરિસ્થિતિના, સહભોગના સ્વરૂપના સમ્બન્ધની પણ શક્યતા છે. મારા ‘હું’ની અસ્તિને સિદ્ધ કરવા હું એનો હંમેશાં મારી બહાર પ્રક્ષેપ કરું છું, આ પ્રક્ષેપને પરિણામે ‘હું’નો ‘ઇતર-હું’ની સાથે સંનિકર્ષ થાય છે, તે આ સંનિકર્ષને પરિણામે ‘ઇતર-હું’ની અભિજ્ઞતાપૂર્વકનું ‘હું’ વિશેનું ભાન મારામાં પ્રકટે.
મારી મારે વિશેની સંવિત્તિ આ સ્વરૂપની હોવાથી જ નિલિર્પ્તતા શક્ય નથી. એટલું જ નહીં, હું જે કરું તેમાં, આ નિલિર્પ્તતાને કારણે આપમેળે જ, બધાંને સંડોવતો હોઉં છું. આ જવાબદારીનું ભાન મારા ‘હું’ને વિક્ષિપ્ત થવા દેતું નથી. એમાંથી જ જન્મે છે વિષાદ. જવાબદારીનું ભાન પરિણામના સ્વરૂપને બદલવામાં હંમેશાં કાર્યકર નીવડતું નથી, વળી પરિણામ પરનું આપણું નિયન્ત્રણ મર્યાદિત સ્વરૂપનું જ હોઈ શકે. આમ હોવાથી બધાંના વતીની જવાબદારી લીધા છતાં, પરિણામ પરના નિયન્ત્રણની મર્યાદિત શક્તિને કારણે વિષાદ અનિવાર્ય બની રહે છે. ઈશ્વર, દૈવ કે અદૃષ્ટને વચમાં લાવવાથી આ વિષાદને ટાળી શકાય. પણ આપણે પસંદગીના નિર્ણયની સ્વીકારેલી અખત્યારીના ભોગવટા સાથે આ વિષાદનો ભોગવટો પણ કરવાનો જ રહે છે.
ઈશ્વર જેવા પરમ તત્ત્વને નકારવાથી માણસ એકાકીપણું વહોરી લે છે. ઈશ્વરને નકારવાથી જીવનવ્યવહારને નક્કી કરી આપનારાં ધોરણોની જવાબદારી પણ માણસે જાતે જ ઉપાડવાની રહે છે. દોસ્તોએવ્સ્કીએ એના એક પાત્રને મુખે કહેવડાવ્યું જ છે: ‘જો ઈશ્વરનું અસ્તિત્વ જ નથી તો બધું જ શક્ય બની રહે છે.’ એ જે કાંઈ બને તેની જવાબદારી પણ માણસને જ શિરે રહે. આપણે જેને માનવસ્વભાવ કહીએ છીએ, ને એનાં અમુક લક્ષણો તારવી બતાવીએ છીએ તે પણ પછી તો શક્ય રહેતો નથી. એવાં લક્ષણોને ધ્રુવતત્ત્વ રૂપ ન લેખી શકાય. માણસ એવાં લક્ષણોને વશ વર્તતો હોય તો એની સ્વતન્ત્રતા ક્યાં રહી? તો તો એ લક્ષણો જ એની નિયતિ બની રહે. આપણા વ્યવહારને વાજબી કે ગેરવાજબી ઠરાવનારાં ધોરણો માટે એવાં કશાંના પર આધાર રાખવાનું રહેતું જ નથી. આપણે સ્વીકારેલી સ્વતન્ત્રતા જ એવી સગવડનો છેદ ઉરાડી મૂકે છે. કોઈ અન્ધ આવેગ કે પ્રચણ્ડ વાસના એને પરવશ બનાવીને ઘસડી જાય છે એવું પણ એ કહી શકે નહીં, કારણ કે એવું કશુંક તત્ત્વ એની સ્વતન્ત્રતામાં બાધક નીવડે. આમ બહારની કશી જ સહાય વિના, એકલોઅટૂલો, માનવ દર પળે પોતાની સ્વતન્ત્રતા ભોગવતો પોતાને સિદ્ધ કર્યે જાય છે. એનું ભવિષ્ય પણ એનો જ પ્રક્ષિપ્ત અંશ છે. એને નક્કી કરનારું કોઈ બીજું ગૂઢ તત્ત્વ નથી.
પસંદગીનો નિર્ણય કરતી વેળાએ આપણી સામે કશાં મૂલ્યો હોય છે એવું નથી, એ તો પસંદગી કર્યા પછી, પસંદગીને પરિણામે, વરતાય છે. મૂલ્યો વડે કાર્ય નિયત થાય છે એમ નહીં, કાર્ય વડે મૂલ્ય પ્રકટ થાય છે એમ જ કહેવું ઘટે.
આવું વલણ અલગારીપણાને ઉત્તેજે એવું કોઈકને લાગે. માણસને બીજાઓની સાથે મળીને, પરસ્પરના સહકારથી, સિદ્ધ કરવા જેવું જ કશું નહિ રહે. પણ જે સ્વતન્ત્રતાની સાથે જવાબદારી પણ ઉઠાવે છે તે કાર્યરત જ રહે જ છે. ‘આ બીજા કરી લેશે, હું શા માટે કરું?’ એવું વલણ એને નહીં પરવડે, કારણ કે કાર્યને નકારવાથી એ પોતાની સ્વતન્ત્રતાને પણ નકારે છે, ને એ રીતે પોતાને પણ સિદ્ધ કરી શકતો નથી. મારા ‘હું’ને પળેપળે પોતાનામાંથી હદપાર થઈને ‘ઇતર-હું’ના સંનિકર્ષમાં આવી પોતાપણું સિદ્ધ કર્યે જવાનું હોય ત્યાં આવું વલણ કેળવવાનું નહિ પાલવે એ દેખીતું છે.
કાર્યમાં જે પ્રકટ થઈને સિદ્ધ થાય છે તે સિવાયનાં બીજાં કશાંની મિથ્યા વાત પણ માણસ કરી શકે નહિ. પ્રેમ, ઉદારતા, રાષ્ટ્રભક્તિ – આ સંજ્ઞાઓ યથાર્થ બને છે. માણસના સમસ્ત કાર્યના સરવાળામાંથી જે નીપજી આવે તે જ એનું સાચું તત્ત્વ.
સમષ્ટિ વ્યષ્ટિને નિયન્ત્રિત કરી શકે નહિ, કારણ કે વ્યક્તિ એ કોઈ અન્ય સત્તાનું સાધન નથી, એ પોતે જ આગવી સત્તા છે. આ દૃષ્ટિએ જોતાં વ્યક્તિને એનું સાચું ગૌરવ પ્રાપ્ત થાય છે. અહીં માણસ કોઈ નિયતિ કે દૈવના હાથમાં પ્યાદું બનીને રહેતો નથી. પોતાના આ ગૌરવને આ પ્રકારે સિદ્ધ કરીને જ એ અન્ય વ્યક્તિઓના આવા ગૌરવને જાણતો થાય છે. મારા ગૌરવની અભિજ્ઞતાની ઉપલબ્ધિ માટે અન્યની ઉપસ્થિતિ અનિવાર્ય થઈ પડે છે, કારણ કે એની સાથેના સંનિકર્ષને કારણે જ તો ‘હું’ સિદ્ધ થાય છે. મારા’હું’ની અભિજ્ઞતા પણ ઉદ્ભવે છે. આમ, એ બે વચ્ચેનો સમ્બન્ધ અવિનાભાવી(એકબીજા વિના ન રહે તેવો) છે.
આમ, આપણે જોયું કે ‘માનવચરિત’ જેવું કશું, માનવમાત્રમાં આરોપિત સર્વસાધારણ તત્ત્વ ન હોઈ શકે એ સાચું, પણ માનવીય પરિસ્થિતિ human conditionsને આપણે ઓળખાવી શકીએ. આ પરિસ્થિતિ તે વિશ્વમાંની માનવની સત્તા જેનાથી મર્યાદિત થતી હોય છે તેમાંથી નીપજે છે. એ મર્યાદાઓ અમુક એક વ્યક્તિ કે અમુક એક સમાજ અથવા રાષ્ટ્રની નથી, એ માનવમાત્રની મર્યાદાઓ છે.
તો આ મર્યાદાનો, આપણે આગળ જે અબાધ સ્વતન્ત્રતાની વાત કરી તેની સાથે, શી રીતે મેળ બેસાડી શકાશે? આ મર્યાદાઓ માનવના પોતાના કાર્યથી નીપજેલી નથી હોતી. એ તો માનવ હોવાની હકીકત સાથે જ સંકળાયેલી છે. આપણો માનવી તરીકેનો જન્મ, જન્મજાત શારીરિક ખોડ – આ બધું આપણી જીવવાની પરિસ્થિતિનાં અંગ રૂપ છે. પણ એની પ્રત્યેનું આપણું વલણ ઘડવા પરત્વે આપણે પૂરેપૂરી અખત્યારી ભોગવીએ છીએ.
આ રીતે મૃત્યુની નિશ્ચિતતા એ પણ માનવીય પરિસ્થિતિનું એક અનિવાર્ય અંગ છે. જન્મ પહેલાંનું શૂન્ય અને મૃત્યુ પછીનું શૂન્ય – આ બે શૂન્યની વચ્ચે ખેંચાતો અસ્તિનો તન્તુ આ મૃત્યુની નિશ્ચિતતાને કારણે જ સ્પષ્ટ બને છે. મૃત્યુની ઘટનાને એની નિશ્ચિતતાનું આગવું વજન છે. આ વજનને કારણે અસ્તિના તન્તુને આપણે વળ ચઢાવી શકીએ છીએ. મૃત્યુની નિશ્ચિતતાની મદદથી આપણે અસ્તિના આકારને ઉપસાવી શકીએ છીએ. આ રીતે મૃત્યુની ઘટનાને પોતાની સત્તામાં સમેટી લેવાનો પુરુષાર્થ તો માનવીને પ્રાપ્ય છે. અલબત્ત, સાર્ત્રને આ સ્વીકાર્ય નથી. એની ‘ભીંત’ નામની વાર્તામાં એ આ વસ્તુને નકારે છે. પોતાના મરણને માનવ સાર્થકતા કે સંકેત અર્પી શકે છે એમ માનવું પણ એને મંજૂર હોય એમ લાગતું નથી. એ વાર્તામાં પાબલો મૃત્યુની નિશ્ચિતતાની પડછે ઊભો છે. આથી એ એમ માને છે કે એ હવે જે કાંઈ કરે તેની એની આજુબાજુની દુનિયા પર કશી પરિણામકારી અસર પડવાની નથી. એની આ માન્યતા ખોટી પડે છે. સાર્ત્ર સચોટ વ્યંગથી આ વાર્તામાં બતાવે છે કે માણસ પોતાના કાર્ય સિવાય બીજા કશાના પર, મૃત્યુના પર પણ, નિર્ભર રહી શકે નહિ. આ રીતે મૃત્યુને માનવીય પરિસ્થિતિના પરિઘમાં આણી શકાય નહિ. માણસનું નિર્માણ જ એવી રીતે થયું છે કે એ સદા આગળ ને આગળ પોતાના દરેક કાર્ય દ્વારા, ઊઘડતા જતા ભાવી તરફ વધતો રહે છે. કોઈ નિશ્ચિતતા એ ભાવીનાં દ્વાર વાસી દઈ શકતી નથી. મૃત્યુને પોતાનું બનાવી લેવાનું માનવી માટે શક્ય છે એમ સાર્ત્ર માનતા નથી.
તો પ્રેમનું શું? ‘હું’ના ‘ઇતર-હું’ તરફના પ્રક્ષેપનો જ એ એક પ્રકાર છે. પણ અહીં એક અટપટી પરિસ્થિતિ ઊભી થાય છે. પ્રેમની પરિસ્થિતિમાં અન્યની સ્વતન્ત્રતાને હું મારી સ્વતન્ત્રતામાં આત્મસાત્ કરવા ઇચ્છતો હોઉં છું, કારણ કે અન્યની સ્વતન્ત્રતા જ મને એમાંથી પૃથક્ કરે છે. પણ પ્રેમની ઘટનામાં હું એમ ઇચ્છું કે મારો ‘હું’ એના વડે પોતાની નિશ્ચિતતા પામીને સિદ્ધ થાય. આ રીતે એની સ્વતન્ત્રતા વડે સિદ્ધ થયેલી મારી સત્તા પોતાની સ્વતન્ત્રતાથી બીજાની સત્તાને સિદ્ધ કરવાની કક્ષાએ પહોંચી શકે.
આ રીતે પ્રેમ પામવાને માટે મારે મારી સત્તાને, આખા જગતની અવેજીમાં ઊભી રહી શકે એવી કોટિએ, સ્થાપવી જોઈએ. સામી વ્યક્તિની સત્તા પણ એ કોટિએ પહોંચે એવી અપેક્ષા એનામાં ઉદ્ભવવી જોઈએ. આ રીતે બંને અન્યોન્યના ધારણ રૂપ બની રહે એવી પરિસ્થિતિ સર્જવી જોઈએ. આ ભાગ્યે જ શક્ય બને છે. ક્યાં તો મારે આત્મવિલોપન સિદ્ધ કરીને એક પ્રકારનું આત્મપીડન આચરવાનું રહે, ને એ રીતે મારી અબાધિત સ્વતન્ત્રતાનો એ સ્વતન્ત્રતાનો લોપ કરવા માટે જ ઉપયોગ કરવાનો રહે; ક્યાં તો અન્યને નરી ઘટના રૂપે, શારીરિક સત્તા રૂપે ફેરવી નાંખી પરપીડન આચરવાનું રહે. આત્મપીડન અને પરપીડન – આ બંને અવસ્થાઓ શારીરિક સમ્ભોગની ઘટનામાં આપણને ભોગવવાની રહે છે. અન્યની નિર્બાધ સ્વતન્ત્ર સત્તાને કેવળ આલમ્બન કે સાધન રૂપે વાપરવાની કે પોતાનેય એવી જ રીતે બીજાના આલમ્બન કે સાધન રૂપે વાપરવા દેવાની સ્થિતિને ભાગ્યે જ ટાળી શકાય. ગાઢ આશ્લેષની ઉત્કટતામાં એક બિન્દુએ બે જુદી જુદી ચેતનાનું ક્ષણ પૂરતુંય નર્યું વિગલન એ આદર્શ ઇષ્ટ સ્થિતિ છે.
પણ પ્રશ્ન એ થાય છે કે વાસનાને રૂપે આપણી ચેતના શા માટે પોતાનું આવું વિગલન ઇચ્છે છે? પ્રેમની જેમ તિરસ્કાર, ઈર્ષ્યા, સંઘર્ષ, સમર્પણ, કરુણા, સહકાર – વગેરેમાં પણ ચેતનાના આવા વિકારો સમ્ભવે છે. એ બધા વચ્ચેના ભેદની સૂક્ષ્મતમ છાયાઓને અલગ પાડીને વર્ણવવું ઘણું અઘરું છે. બે સ્વતન્ત્ર સત્તાઓનું આવું સંઘટ્ટન અને વિગલન એ ‘હું’ અને ‘ઇતર – હું’ વચ્ચેના સંનિકર્ષનું એક અનિવાર્ય પરિણામ હોઈ શકે.
આ નિર્બાધ સ્વતન્ત્રતા યદૃચ્છામાં નહિ પરિણમે? ના, કારણ કે યદૃચ્છા પ્રમાણે હું વર્તતો હોઉં તો પસંદગી કરવાની મારી સ્વતન્ત્રતા હું અખત્યાર ન કરું, એવું નથી. પસંદગી કરવાની સ્વતન્ત્રતા મને છે, પણ એનો અર્થ એ નથી કે પસંદગી નહિ કરવાનેય હું સ્વતન્ત્ર છું. સમસ્ત માનવજાતિ સાથે, મારી સ્વતન્ત્રતાને કારણે જ, સંકળાયેલો હોવાને કારણે હું એમ કરી શકું નહીં. એ મારી સ્વતન્ત્રતા ઉપરાંત જવાબદારી પણ છે.
નીતિનો પ્રશ્ન પણ અહીં ઉપસ્થિત કરી શકાય. આ નિર્બાધ સ્વતન્ત્રતા અને નીતિ વચ્ચેનો સમ્બન્ધ કેવો હોઈ શકે? સાર્ત્ર અહીં ચિત્રકારનો દાખલો આપીને પૂછે છે: ‘ચિત્રકારે કેવું ચિત્ર દોરવું જોઈએ એ આપણે એને માટે પહેલેથી નક્કી કરી આપીએ છીએ ખરા?’ ચિત્રકારનું સર્જનકર્મ જ એ ચિત્રનું સ્વરૂપ નક્કી કરી શકે. પૂર્વનિર્ધારિત અમુક મૂલ્યોના નિદર્શન રૂપ એ ચિત્ર બની રહે એવી આપણે અપેક્ષા રાખતા નથી. એ ચિત્ર સરજાઈ ચૂક્યા પછી એના સ્વરૂપને આધારે આપણે એવાં મૂલ્યો કૃતિમાંથી તારવી બતાવીએ એ જુદી વાત. પણ પૂર્વનિર્ધારિત મૂલ્યોને આધારે ચિત્રની ગુણવત્તાનો નિર્ણય કરી શકાય નહીં. આમ છતાં, આપણે ચિત્રને સ્વચ્છન્દી રચના કહીને ભાંડતા નથી. નીતિ પરત્વે આપણું વલણ આવું જ હોવું જોઈએ. કર્તવ્ય શું ને અકર્તવ્ય શું તે પહેલેથી શાને આધારે નક્કી કરી શકાય? એ વિકલ્પાત્મક પરિસ્થિતિમાં પોતાની સ્વતન્ત્રતાથી, પસંદગીનો નિર્ણય કરવા બંધાયેલો જ છે. આવા નિર્ણયને આધારે જ એ પોતાને ને પોતાનાં મૂલ્યને પ્રકટ કરે છે. આવી જવાબદારી જે અદા કરે છે તેને સ્વચ્છન્દી કહીને ભાંડવાનું ઠીક નહિ કહેવાય. તો આપણાં કે બીજાનાં વર્તન વિશે આપણે અભિપ્રાય આપવાની સ્થિતિમાં હોઈ શકીએ ખરા? સૌ પૂરી સ્વતન્ત્રતાથી પોતાના વર્તનનો નિર્ણય કરે છે, એ સ્વતન્ત્રતા એને વિશેના મારા કે કોઈના અભિપ્રાયથી બાધિત થતી નથી. તેમ છતાં, આ નિર્ણય શૂન્યમાં નહીં પણ માનવમાનવના સમ્બન્ધના સન્દર્ભમાં રહીને કરવામાં આવતો હોવાથી એ આપણને સૌને સ્પર્શે છે. આમ હોવાથી, આ સન્દર્ભમાં, એમાં રહેલી ક્ષતિ કે ત્રુટિ આપણે ચીંધી શકીએ. આવા નિર્ણય પાછળ જો કોઈ નિર્બાધ સ્વતન્ત્રતાને બદલે પૂર્વનિર્ધારિત કશાંક ધોરણોનો આધાર લેતું હોય તો એની આ અપ્રામાણિકતા આપણે ચીંધી શકીએ.
પણ આવી અપ્રામાણિકતા આચરવામાંય એ પોતાની નિર્બાધ સ્વતન્ત્રતા જ ભોગવતો હોય છે એમ નહિ કહી શકાય? એના જવાબમાં તો એમ જ કહી શકાય કે અપ્રામાણિકતા આચરવાની એ અનિર્બાધ સ્વતન્ત્રતાને એ નામ પાડીને અમે ઓળખાવી શકીએ છીએ. સ્વતન્ત્રતાને, એને પોતાને સિદ્ધ કરવા સિવાયનું, બીજું લક્ષ્ય નથી. પણ આ સ્વતન્ત્રતા તે કોઈ અમૂર્ત તત્ત્વ નથી. એ કાર્યોથી પ્રતીત થતી આવે છે.
આ વિચારણાની દાર્શનિક સિદ્ધાન્તો રૂપે માંડણી કરવાનું સ્વાભાવિક રીતે જ, આ ધારાના ચિન્તકો પસંદ કરતા નથી. સિદ્ધાન્તોની તારવણીની પ્રક્રિયા જ એમની વિચારણાને પ્રતિકૂળ એવી પ્રવૃત્તિ છે. આથી સાર્ત્ર, સિમોં દ બુવાં, ગેબ્રિયલ માર્સેલ વગેરેએ પોતાની સાહિત્યિક કૃતિઓમાં, પૂરો માનવીય સન્દર્ભ રચીને આ વિચારણાને એ સૃષ્ટિમાંથી નિષ્પન્ન થતી બતાવી છે. નિરૂપણની આ રીતિ જ કદાચ વધુ ઉચિત છે, કારણ કે તત્ત્વ સારવવામાં જે બાદબાકી કરવી પડે છે તે કરવાની અહીં જરૂર ઊભી થતી નથી. આથી આ વિચારણાનો અપરોક્ષ પરિચય મેળવવાને આવી કોઈ કૃતિનું અનુશીલન કરવું ઘટે.
ક્ષિતિજ: માર્ચ, 1961