પ્રથમ ખણ્ડ

અર્વાચીન કાવ્યમાં શૂન્યતા?

છેલ્લા એકાદ દાયકાથી આપણે ત્યાં જે કાવ્યપ્રવૃત્તિનો આરમ્ભ થયો છે તેમાં બારીકાઈથી જોતાં ઘણી ધારાઓ ભળેલી દેખાશે. પણ એનાં કેટલાંક સર્વસામાન્ય લક્ષણો તારવીને આખી કાવ્યપ્રવૃત્તિને એ દૃષ્ટિએ જોવાનું સાધારણ વલણ દેખાય છે. આ લક્ષણોમાં હતાશા, વિચ્છિન્નતા, મૂલ્યહ્રાસ, શૂન્યતા, નિરીશ્વરતા, ‘હું’ના એકરારો, વૈતથ્ય – આટલાં ફરી ફરી ગણાવવામાં આવે છે. નવી કવિતા આ ભાવોને અભિવ્યક્ત કરે છે ને આ ભાવને અનુરૂપ એની અભિવ્યક્તિની ધાટી પણ બદલાઈ છે. એમાં એક બાજુ પારદર્શી નિખાલસતા છે, તો બીજી બાજુ ઉદ્દણ્ડતા છે. એક બાજુ પોતાને વિશેનાં નિર્મમતાભર્યાં ઉચ્ચારણો છે, તો બીજી બાજુ આઘાતજનક અશ્લીલતા પણ છે. નિર્ભ્રાન્તિની સાથે સાથે આત્મબોધ માટેની ઉગ્ર ખોજ પણ છે. ધીમે ધીમે એમ દેખાવા માંડ્યું છે કે પ્રતીકો ને કલ્પનો અમુક જ પ્રકારનાં વપરાય છે. હવે એનાં લઢણો અને કાકુઓમાં પણ રેઢિયાળપણું દેખાવા લાગ્યું છે. અનુકરણનું પ્રમાણ વધતું જાય છે અને કહેવાતા નવા પ્રસ્થાનનાં અમુક દૃઢ શૈલીલક્ષણો બંધાઈ ચૂક્યાં છે. ટૂંકમાં હવે આ વલણની પ્રતિક્રિયાનું મુહૂર્ત આવી લાગ્યું છે.

સાહિત્યના ઇતિહાસને ક્રિયા-પ્રતિક્રિયાના તબક્કામાં વહેંચીને જોવાની સગવડ કેટલાક સાહિત્યના ઇતિહાસ લખનારાઓ સ્વીકારી લે છે, પણ આ નક્કી કરેલા ચોકઠામાં સત્ય પૂરેપૂરું સમજાઈ જાય છે એમ માની લેવું સહેલું નથી. લેખનપ્રવૃત્તિ કંઈક વિશેષ પ્રમાણમાં ચાલતી હોય, મુદ્રણ-પ્રકાશનની સુવિધા હોય ત્યારે આ પ્રચુર માત્રામાં કેટલીક સાચી કૃતિઓ ઢંકાઈ જાય, અને આવાં સર્વસામાન્ય લક્ષણોથી ઓળખવાનું સન્તોષકારક ન લાગે, શુદ્ધ રસાનુભવલક્ષી કૃતિઓને તારવવાનું મુશ્કેલ લાગે એવું બને. આને માટે હરેક મહત્ત્વની કાવ્યપ્રવૃત્તિના તબક્કાના પ્રતિનિધિ રૂપ કાવ્યસંકલનો થવાં જોઈએ. આપણે ત્યાં છૂટાંછવાયાં ને બહુધા કૃતિનિરપેક્ષ ને નિરાધાર વિધાનો થતાં રહે છે. જો સંકલનો થતાં હોય તો પ્રતિનિધિ રૂપ કૃતિઓને નજર સામે રાખીને વધુ સાધાર કૃતિલક્ષી ઊહાપોહ શક્ય બને.

ઉપર જે લક્ષણો તારવી બતાવ્યાં તે બહુધા નવીન કવિતામાં દેખાય છે એ ખરું. એ લક્ષણો પ્રકટ કરવાની અભિવ્યક્તિની ધાટી જુદી હોઈ શકે છે. આ ‘શૂન્યતા’ ખરેખર સાચા સ્વરૂપની છે કે પછી દેખાદેખીથી પાડેલો પડઘો છે એવો પ્રશ્ન કેટલાક ઉપસ્થિત કરે છે. કશીક અનિવાર્યતાને વશ થઈને કેટલાક કવિઓ સાચી રીતે આવા ભાવોને અધિકૃત કરવા મથે, એને માટે પરમ્પરાથી ઊફરા જવું પડે તો તેમ કરીને અભિવ્યક્તિની નવી ગુંજાયશનો તાગ કાઢે; પણ પછી એની પાછળ જ આ અનિવાર્ય શોધની પ્રવૃત્તિને નરી ફેશનમાં અનુકરણ કરનારાઓનું ટોળું ઊભરાય. આ નવી પ્રવૃત્તિ એક ‘વાદ’માં ફેરવાઈ જાય, એની એક દૃઢ પરિભાષા ઊભી થઈ જાય. આ રીતે એની ઇબારત, એનાં પ્રતીકકલ્પનો નક્કી થઈ જાય ને કાવ્યશુદ્ધિ કરતાં સમ્પ્રદાયનિષ્ઠા અગત્યની બની બેસે: નવી પ્રવૃત્તિનાં આ ભયસ્થાનો તરફ આંગળી ચીંધવામાં આવે છે. પણ આખી પ્રવૃત્તિને એક અલ્પજીવી અકસ્માત કહીને ઉડાડી દેવાનું વલણ યોગ્ય નથી. એ સાચું છે કે એની નિમ્નતમ અનુકરણાત્મક કક્ષાએ આ પ્રકારની કેટલીક કૃતિઓ અનિષ્ટ સ્વરૂપના માંદલા રોમેન્ટિક ઉદ્રેક રૂપ બની રહે છે, પણ આ પ્રવૃત્તિના પરિપાક રૂપ જે વિવેચનક્ષમ કૃતિઓ છે તેને પણ ગમ્ભીરતાથી લક્ષમાં લેવી ઘટે.

તો આ કાવ્યરચનાઓમાં જે શૂન્ય પ્રત્યેની આસક્તિ દેખાય છે તે શાને આભારી છે? ખરેખર આપણે જે જીવન જીવી રહ્યા છીએ તેની આ સાચી રજૂઆત કહી શકાશે? કવિને આપણે મુકુટવિહીન શાસકની પદવી ભલે ન આપીએ, આપણા જમાનાનો એ પ્રમાણભૂત સાક્ષી બની રહ્યો છે ખરો? મનોવૈજ્ઞાનિકો જેટલે ઊંડે જઈને તપાસ કરે છે તેથી વધુ ઊંડી તપાસ સર્જકોએ માનવમનની કરી છે અને ઘણી વાર મનોવૈજ્ઞાનિકોને દોર્યા છે. આજે માનવઅસ્તિત્વની અખણ્ડતાની પ્રતીતિ જોખમાઈ ચૂકી હોય એવું લાગે છે. જ્યાં એ તૂટે છે ત્યાં શૂન્યને અવકાશ રહે છે. આ શૂન્યને પૂરવાનું એને કશું લાધ્યું નથી. પરમ્પરાગત નિરપેક્ષ મૂલ્યો આ શૂન્યને પૂરવાને ઓછાં પડે છે. કશીક ઉછીની લીધેલી શ્રદ્ધાથી એ અભાવ પૂરી દેવાનું પણ બને એમ નથી. વળી એ અભાવ છે જ નહીં એમ માની લેવાની ભ્રાન્તિ એ સરજી શકતો નથી, કારણ કે નિર્ભ્રાન્ત બનવું એને એ પોતાનો વિશિષ્ટ અધિકાર માને છે. નિર્ભ્રાન્ત વિશદતા જ આપણી સૌથી મોટી પ્રાપ્તિ છે. એ જ માનવ્યનું વ્યાવર્તક લક્ષણ બની રહી છે.

કેટલાક એમ કહે છે કે આના મૂળમાં પ્રચલિત જીવનરીતિ, એને નિયત કરનારાં ધોરણો – આની સામેના વિદ્રોહની લાગણી રહી છે. આગલી પેઢીએ જેને મૂલ્ય આપ્યું તેનું ઠાલાપણું વરતાઈ જવાથી એનાથી વિરુદ્ધ અન્તિમે જવાનું વલણ એક પ્રતિક્રિયા રૂપે દેખાય છે. સામાજિક અને કળાગત મૂલ્યોની બાબતમાં સાવ ઊંધી જ દિશાએ જવાનું વલણ આ નવી પ્રવૃત્તિઓમાં દેખાય છે. કહેવાતી પ્રશિષ્ટ રચનાઓમાં વિદગ્ધતા હતી – ભાવ અને અભિવ્યક્તિની – તો જે નવી આગલી હરોળ ઊભી થાય છે તેમાં જાણી કરીને કેળવેલી બાઘાઈ દેખાય છે. એને એક કળાવિવેચકે ‘inverted sophistication’ કહીને ઓળખાવી છે. સંસ્કૃત છન્દો ને પ્રૌઢિવાળી ઇબારતને સ્થાને ચોપાઈ – કટાવની ચાલ અને બાળજોડકણાં હોય છે. તેવા લયનો સ્વીકાર પણ આ જ વલણની પ્રતીતિ કરાવે છે. સ્ફટિકકઠિન ને સંગીન કલ્પનોને સ્થાને વિશૃંખલ ને અગતિશીલ એવી ધમાચકડી મચી જતી દેખાય છે. બધું અસ્તવ્યસ્ત કરીને, ઉલેચી નાંખીને એનું તળિયું જોઈ લેવાની વૃત્તિ દેખાય છે. અર્થને પણ આ રીતે પૂરો ઉલેચી કાઢવામાં આવ્યો છે. નવા કવિઓ આગલી પેઢીના આ સંગીન અર્થને અન્-અર્થ સુધી ખેંચી લઈ જવાના ઉદ્યમમાં રાચે છે. આ પ્રકારનું negative transcendence પણ આ પ્રવૃત્તિનું લક્ષણ બની રહે છે. નાનું બાળક નવીનકોર ઢીંગલીને તોડી નાંખીને, એને ફરીથી ગોઠવીને એની રચના અવગત કરે તેવી પ્રવૃત્તિઓ આ કવિઓ પણ કરતા લાગે છે. કાવ્યને અકાવ્ય સુધી લઈ જઈને ત્યાંથી નવી માંડણી કરવાનું એમને પસંદ છે. શબ્દો દ્વારા ઘણું સિદ્ધ કરવાને બદલે શબ્દોને બને તેટલા પોલા કરી નાંખવાનું એમનું વલણ છે, જેથી અર્થની શોધમાં જનારો શૂન્યનો પડઘો સાંભળીને જ પાછો આવે. બેકેટની નવલકથામાં બને છે તેમ હવે જાણે માનવીનો પડછાયો સુધ્ધાં એની સંગત છોડી બેઠો છે. એનો સાથી છે માત્ર એના અવાજનો પડઘો – જે પછી એનો અવાજ રહેતો નથી. એ કશુંક અશરીરી તત્ત્વ બની રહે છે. આવી નિસંગતા જે શૂન્યનો અનુભવ કરાવે તેને એ પોલા શબ્દોથી જ પ્રકટ કરી શકે. સૃષ્ટિ સમસ્તમાં દેખાતી અર્થશૂન્યતાને કારણે આ પ્રકારનો આધ્યાત્મિક વિદ્રોહ ઊભો થયો છે.

હિંસાની વાર્તા કે હિંસાત્મક ઉદ્રેકો પણ કાવ્યમાં દેખાય છે. એવી વાર્તા પરનું સુરુચિનું જે કૃત્રિમ નિયન્ત્રણ હતું તે તો ભદ્ર સમાજની જ દેન હોવાને કારણે ફેંકી દેવાયું. માનવીઓને હવે વસ્તુઓ પૈકીની વસ્તુ રૂપે જ નહીં પણ નર્યા દ્રવ રૂપે, જન્તુ રૂપે જોવામાં આવે છે. માનવીની કહેવાતી વિશિષ્ટતા, એનું ગૌરવ – આ વાર્તા હાસ્યાસ્પદ બનાવી દેવામાં આવી છે. સમયને ઉશેટીને ફેંકી દેવામાં આવ્યો છે. રહ્યો છે માત્ર અવકાશનો અન્તહીન નિરર્થક પ્રસાર. એ પ્રસારમાં કશાંક નિશ્ચિત બિન્દુઓ ચિહ્નિત કરીને ઓળખાઈ શકે એવું દૃશ્ય રચવાનો પણ અભિક્રમ દેખાતો નથી. આવા પરિપાર્શ્વમાં બધું જ વિલક્ષણ રીતે અમાનુષી લાગવા માંડે છે. માનવ્યનું આ રીતે વિધિપુરસ્સરનું થતું અપસરણ પણ આ પ્રવૃત્તિનું એક લક્ષણ બની રહે છે. આ આખા પ્રસારમાં એક પ્રકારની ગતિહીન દ્વન્દ્વહીન નિશ્ચેષ્ટતાનો અનુભવ થાય છે. જાણી કરીને માનવી ન થવા વિશેના ઉદ્રેકો પણ પ્રકટ થતા દેખાય છે.

જેને સાફસૂથરી વાસ્તવિકતા કહીએ છીએ તેને મચડી નાંખીને, રેંબોની ‘The Drunken Boat’માં બને છે તેમ, અનુભવનાં નવાં પરિમાણો તાગી જોવાનું વલણ પણ જોવામાં આવે છે. આને માટે કેફી દ્રવ્યોનો પણ ઉપયોગ થાય છે. આના જ એક પ્રકાર રૂપે છાતી ઠોકીને પોતાને ‘સર્રિયાલિસ્ટ’ કહેવડાવતી કવિતાઓ પ્રકટ થતી દેખાય. પ્રતિભાવો ઝીલનારી આપણી ચેતનાના અક્ષાંશ-રેખાંશ પણ સાવ બદલી નાખીને અનુભવ લેવાનો ઉદ્યમ પણ થતો જોવામાં આવે છે. ચેતનાનું કલેવર બદલી નાંખીને સંવેદનોને અસ્તવ્યસ્ત કરી નાંખવાની ને એવાં સંવેદનોને અનુરૂપ કલ્પનોને આલેખવાની પ્રવૃત્તિ થતી જોવામાં આવે છે. આ બધું નવી કવિતાને અન્-અર્થતાની દિશામાં લઈ જાય છે.

પોતે જે રચે છે તેનું પણ કવિ મૂલ્ય સ્થાપવા માગે છે એવું નથી. પોતાની રચનાની પોતે જ હાંસી ઉડાવે છે. એ પ્રવૃત્તિને ગમ્ભીરતાથી લેખનારની પણ એ હાંસી ઉડાવે છે. આ આખી પ્રવૃત્તિને એ ઠેકડી ઉડાડીને તુચ્છવત્ લેખે છે. આલ્બેર કૅમ્યૂએ એક વાર કહ્યું હતું કે અન્-અર્થતાભરી આ દુનિયામાં તમે કશું સરજો કે ન સરજો તેથી કશો ફેર પડી જવાનો નથી તેને આ કવિઓ માનતા લાગે છે. રોમેન્ટિક યુગમાં કવિ સમાજથી બહિષ્કૃત ને દુભાયલો જીવ હતો. એનો વિદ્રોહ આવી કશીક ભૂમિકામાંથી ઊભો થતો હતો. હવે કવિ શબ્દ પર અત્યાચાર ગુજારીને આખરે શબ્દહીન થવા મથે છે. એ પોતાને પણ વ્યંગની તિર્યક્ દૃષ્ટિએ જુએ છે. આત્મોપહાસ અને આત્મવિડમ્બનામાં ઘણી વાર એ રાચતો જોવામાં આવે છે. ઘણી વાર આ બધું આત્મતિરસ્કારમાં પણ પરિણમે છે.

નિરીશ્વરતા અને અશ્લીલતા પણ આના જ આવિષ્કારો છે. શૂન્યને વ્યાપી લેવાનો દાવો ઈશ્વરનો છે, માટે વિદ્રોહનું પ્રથમ લક્ષ્ય એ બને છે. એને શૂન્ય સાથે એકાકાર કરી દેવાના પ્રયત્ન થાય છે. એનું ઠાલાપણું ઉત્સાહપૂર્વક ગાવામાં આવે છે. નિરર્થકને સાર્થક બનાવવાનું ઈશ્વર નામની યુક્તિથી બહુ સહેલું બની ગયું હતું. આથી જ સૌ પ્રથમ એનો છેદ ઉડાડવાનું નવા કવિઓ જરૂરી ગણે છે. અશ્લીલતા પણ વિદ્રોહનું એક રૂપ છે. શિષ્ટ સમાજ જેના વર્ણનને કૃત્સિત કે ગર્હણીય ગણે તેમાં જાણી કરીને રાચીને એ સમાજ સાથેના સમ્બન્ધ તોડવાનું એને ચિહ્ન બનાવાય છે. જોકે આ પ્રકારની કવિતા અમુક એક જ પ્રકારના શબ્દો કે ચિત્રોમાં રાચતી દેખાય છે. એમાં એકવિધતા ને પ્રાણહીનતા દેખાય છે. એમાં જાણી કરીને આણેલાં પુનરાવર્તનોથી ભાષાને બોદી બનાવી દીધી હોય છે, આથી વક્તવ્યની ધાર બુઠ્ઠી બની જાય છે. કેટલીક વાર આવી કવિતામાં નર્યો આઘાત આપવાની જ વૃત્તિ હોય છે કે કેટલીક વાર એમાં શિષ્ટ રુચિનો નર્યો ઉપહાસ થતો જોવામાં આવે છે.

‘હું’ વિશેનાં વિધાનો કરતી પણ આખી એક ધારા જોવામાં આવે છે. એમાં ‘હું’ની ખોવાઈ ગયેલી સમજને પ્રાપ્ત કરવાના પ્રયત્ન સાથે જ એ આખા પ્રયત્નની અનિવાર્યતા હોવા છતાં નિરર્થકતા જાણીને એની પોતાને જ હાથે થતી વિડમ્બના જોવામાં આવે છે. કેટલાક ‘હું’ને પદાર્થો ભેગો પદાર્થ ગણે છે, તો કેટલાક એને ઇતરથી પ્રાણપણે જુદો રાખવા મથે છે. આવાં કાવ્યોમાં કૃતક એકરારનું સ્વરૂપ જોવા મળે છે. આ એકરારમાં પસ્તાવો કે કશી નૈતિક ભૂમિકા જોવામાં આવતી નથી. એ માત્ર કશોક પાઠ ભજવવાની, કશુંક મહોરું પહેરીને એનું પ્રદર્શન કરવાની વૃત્તિમાંથી જ જન્મી હોય છે. એ મહોરા પાછળ જેને જાણી શકાય એવું કશું વાસ્તવમાં નથી એમ પણ સૂચવવાનો આશય હોય છે.

આગલી પેઢીની કવિતાએ જે ભાવનાને બિરદાવીને ગાયું તેના અવાજને ઢાંકી દેવાને નવો ઘોંઘાટ ઊભો કરવાની જરૂર પણ કેટલાક કવિઓને વરતાય છે. પણ આ નકારાત્મક વલણ છે. આથી એ સહેજમાં જ ખરચાઈને પૂરું થઈ જતું જોવામાં આવે છે. જે છે તેને ભૂલવાનો કે ભૂંસવાનો પ્રયત્ન પણ ઘણી કવિતામાં જોવામાં આવે છે. આ પ્રકારનું અપહ્નવ ઘણી નવીન કૃતિઓનું લક્ષણ બની રહે છે.

એક રીતે જોતાં નવી કવિતા પણ સંકુચિત વિષયવર્તુળમાં ફરતી દેખાતી છે. ભૂતકાળ સાથે એને સમ્બન્ધ નથી, છે માત્ર વર્તમાન જોડે, ને તે પણ કામચલાઉ ઊભો કરી દેવામાં આવેલો વર્તમાન. ભવિષ્યનો ઉપયોગ એ કરે છે, પણ તે નરી વિડમ્બના માટે. હેતુ કે આશયને એણે લગભગ બાદ કરી નાંખ્યા છે. સૌન્દર્ય સિદ્ધ કરવાનો પણ એનો આશય નથી. એનું સત્ય સિદ્ધ થઈ ચૂક્યું નથી ને એને સિદ્ધ કરવાના ઉધામા એને કદાચ નિરર્થક લાગે છે. એ નરી યદૃચ્છા ને આકસ્મિકતાને સ્વીકારી લઈને ચાલે છે, જેવું છે તેવું જીવન સ્વીકારી લેવાનું એનું વલણ છે. અરાજકતાને ટાળવાનો કે એમાં કશી વ્યવસ્થા સ્થાપી આપવાનો એનો દાવો નથી કે આશય પણ નથી. બને તેટલી દિશાએથી જીવનાભિમુખ બનવાનું વલણ આ પ્રવૃત્તિની કેટલીક ધારામાં દેખાય છે. સંવેદન વિભાવનાના ચોકઠામાં જઈ પડે તે પહેલાં એનાં નરવાં રૂપ ઘડી નાંખવાનો ઉત્સાહ એમાં દેખાય છે. જીવનને પ્રકટ કરવાની એની પ્રક્રિયા જ કેટલીક વાર જીવનને શૂન્ય કરી નાંખે છે. શબ્દો વાપરવાની આપણી જૂની ટેવ આ કવિતામાં છોડી દેવામાં આવે છે. કોઈ કવિ હવે કાવ્યરચના વિશેની સિદ્ધાન્તચર્ચામાં કે એની વિવેચનાની લપઝપમાં પડવા માગતો નથી. જાણી કરીને સાંધણ કરી હોય એવી, એક વ્યક્તિની ન લાગે એવી, અનેક પાત્રોના જુદા જુદા કાકુઓના શંભુમેળા જેવી બાની એ ઘણી વાર પ્રયોજે છે. આથી નવી રીતે હવે કવિતામાં નૈર્વ્યક્તિક્તા સિદ્ધ થતી હોય એવું લાગે છે. અસ્તિત્વવાદીઓ સમ્ભવિતતાના સાહિત્ય પર ભાર મૂકતા હતા. હવે અસમ્ભવિતતાના પર ભાર મૂકાય છે, કારણ કે એ અન્-અર્થતાની વધુ નિકટ છે. સત્યાસત્યના કે પ્રતીતિ-અપ્રતીતિના પ્રશ્નો હવે અપ્રસ્તુત બની રહે છે. જ્ઞાન નિશ્ચિતતાની કોટિને પામતું નથી, આથી નિશ્ચિતતાની કશી પણ વાત હાસ્યાસ્પદ જ નીવડે છે ને વિડમ્બનાનો વિષય બની રહે છે.

માનવી પોતાને આન્તરિક ચેતનાના રૂપે બાહ્ય પદાર્થ રૂપે જોઈ શકે છે. આવી રીતે જોઈ શકવું એ જ માનવ્યનો શાપ છે, જોકે કેટલાકે એને વરદાન ગણ્યું છે. આ પરિસ્થિતિને ઉલ્લંઘી જવાનો પ્રયત્ન અનેક રીતે નવી કવિતામાં થઈ રહ્યો છે. કેટલાકને સાહિત્યનું સર્જન જ આવી તક પૂરી પાડે છે. સાહિત્યના સર્જન દ્વારા જ એક એવી વ્યક્તિતા ઊભી કરવી જે સાહિત્યનું સર્જન કરવાની અનિવાર્યતાને ટાળવાનું શક્ય બનાવે.

આગળ કહ્યું તેમ એક પ્રવૃત્તિ તરીકે ઓળખાતી આ નવી કવિતામાં અનેક ધારાઓ છે. શુદ્ધ રસાનુભવને વધુ મૂર્ત અને સેન્દ્રિય બનાવવાનું વલણ કેળવનારી ધારાનો પણ એમાં સમાવેશ થાય છે, તો છાક ચડ્યો હોય એમ નિર્બન્ધપણે ઊમિર્નાં ગાણાં ગાઈ લેનારો પણ એક વર્ગ છે. અહીં ‘શૂન્યતા’નો પ્રશ્ન પ્રસ્તુત હોવાથી એવી ધારાની વાત કરવાને અવકાશ નથી.

2

આ પરિસ્થિતિનું નિદાન શી રીતે કરીશું? યન્ત્રયુગ અને ટેક્નોલોજીનું વર્ચસ્ વધ્યું ત્યારથી માનવી પશ્ચાદ્ભૂમાં ધકેલાઈ ગયો. એની અને એના કાર્યની વચ્ચે અપરોક્ષ સમ્બન્ધ ન રહ્યો. એની વ્યક્તિતા માત્ર નામની જ રહી. વિજ્ઞાને બધું વ્યવસ્થિત કરી આપ્યું, પણ માનવીનું બધું જ કાંઈ એ વ્યવસ્થાના ચોકઠામાં સમાઈ ગયું નહીં. આ વ્યવસ્થાને નામે માનવી પોતે જ જાણે પોતાના વિશ્વની બહાર ધકેલાઈ ગયો. સમાજશાસ્ત્રનો માણસ, અર્થશાસ્ત્રનો માણસ – એમ માણસ વિશેની જુદી જુદી કલ્પના કરવામાં આવી. શાસ્ત્રો અને વાદો, ગૃહીતો અને વિભાવનાઓની ભુલભુલામણીમાં માનવી અટવાઈ ગયો.

આની પ્રતિક્રિયા રૂપે, આ અન્તરાયોને વીંધીને નવેસરથી અપરોક્ષપણે એ અનુભવ લેવા તરફ વળ્યો. ગૃહીતો અને વિભાવનાઓથી નિયન્ત્રિત થવાથી જીવન સાથેનો સમ્બન્ધ જ વ્યવધાનવાળો થઈ જતો હતો. વળી આ ગૃહીતો, વિભાવનાઓ ને એમાંથી રચાતાં મૂલ્યો જેટલાં સ્થાયી કે આત્યન્તિક ગણાતાં હતાં તેટલાં વાસ્તવમાં હતાં નહીં એવું ઇતિહાસે પુરવાર કરી આપ્યું. ઇતિહાસમાં જે બન્યું તેની પડછે આ મૂલ્યોને મૂકી જોવાથી આ વાત સ્પષ્ટ થશે. જે તેજ રફતારથી ઘટનાઓ બનતી ગઈ, યુદ્ધો અને એની સાથે સંકળાયેલી અમાનુષી વર્તણૂંકના જે પ્રત્યાઘાતો થયા તેને આ ગૃહીતો ને મૂલ્યોથી સમજાવી દઈ શકાયા નથી. આથી માનવી બુદ્ધિનિયન્ત્રિત આ ચોકઠામાંથી છટકીને બુદ્ધિહીનતાને સામે છેડે ધસી ગયો – એવું વધુ પડતું સાદું ને એથી જ પૂરું સત્ય નહીં ધરાવતું વિધાન આપણે નહીં કરીએ.

આનાં બે પરિણામો આવ્યાં. એક તો કૅમ્યૂ જેને metaphysical revolt કહે છે તે. એમાં આ નિરર્થક બની ગયેલા અસ્તિત્વને જ સ્વેચ્છાએ નકારવાનું વલણ દેખાયું. આત્મઘાત અને મૃત્યુને માટેની વળગણ રૂપ બની ગયેલી ઝંખના – આ બે સાહિત્યમાં દેખાવા લાગ્યાં. બીજું પરિણામ તે primitivism તરફનો ઝોક. અત્યાર સુધીનાં શાસ્ત્રોના ને સંસ્કારિતાના આવરણને ભેદીને વળી નરવા આદિમ અનુભવ સુધી પહોંચવાનું વલણ સાહિત્યમાં દેખાયું.

માનવીએ પોતાને અનેક ખણ્ડોમાં વિભાજિત થઈ ગયેલો જોયો.માનવીય સન્દર્ભની બહારના કશાક તત્ત્વથી જીવન નિયન્ત્રિત થતું લાગ્યું. એ પરિસ્થિતિની બહારના કોઈ બળથી નિયન્ત્રિત થવાને બદલે એનાં સૂત્ર પોતાના હાથમાં બધી જવાબદારી સહિત લેવાની એને ઇચ્છા થઈ. જીવાતા જીવનમાંથી જે નિષ્પન્ન થતું આવે છે તેની જ અધિકૃતતા સ્વીકારાવા લાગી. જીવનનો જે કાંઈ અર્થ છે તે આ રીતે નિષ્પન્ન થાય છે, માનવીય સન્દર્ભની બહારના કશાક તત્ત્વને આધારે નહીં એવું વલણ કેળવાયું.

વિજ્ઞાને આણેલી વિદગ્ધતાના પડ નીચે જે ઢંકાઈ ગયું છે તેને ખસેડીને ફરીથી જીવન સાથેની અપરોક્ષતા સાધવાના પ્રયત્નો થવા લાગ્યા. અનુભવમાંનું ઘણું બધું આ વ્યવસ્થાના ચોકઠામાં સમાતું નથી. આ અવશિષ્ટના સંચય તરફ હવે માનવીનું ધ્યાન ગયું છે ને એમાંથી એને સાહિત્યરચનાની અમૂલ્ય સામગ્રી સાંપડી છે. એક બાજુ ઇન્દ્રિયસંપ્રાપ્ત પ્રમાણો પર આધાર રાખીને ‘સત્ય’ને પ્રમાણિત કરવાનો પ્રયત્ન, તો બીજી બાજુથી જે કાંઈ છે તે કશાક ગૂઢ અગોચર તત્ત્વને આધારે જ છે એમ માનવાનું આદર્શવાદી વલણ – આ બંનેને ટાળીને નવેસરથી પ્રત્યક્ષતા સાધવા તરફ માનવી વળ્યો. ઇન્દ્રિયસંપ્રાપ્ત પ્રમાણ વડે પ્રાપ્ત થયેલી સામગ્રીમાં વ્યવસ્થા લાવવા માટે એને કશાક ઇન્દ્રિયાતીતનો આશ્રય લેવો પડે છે. એમાં એની મર્યાદા છે; તો આદર્શવાદી દૃષ્ટિબિન્દુમાં જે ક્ષેત્ર આપણા અનુભવને ગોચર નથી તેના વડે આપણા અનુભવના પ્રત્યક્ષ જગતને નિયન્ત્રિત કરવાનો પ્રયત્ન છે. આથી આ બંને સન્તોષકારક લાગતાં નથી. ચેતન અને જડ વચ્ચેનું દ્વૈત અને એને ઉલ્લંઘી જવાના પ્રયત્નો એટલા બધા સન્તોષકારક લાગતા નથી. આથી જગતને વિશે હું જે વિચારું છું તે જગત નથી. જે જગતમાં હું જીવું છું ને જીવવાની પ્રક્રિયા દ્વારા જે સમજાતું આવે છે તે જગત છે. એને સીમા નથી. જીવવાની પ્રક્રિયા ચાલુ છે ત્યાં સુધી મારે માટે અખૂટ જ બની રહે છે. સાહિત્ય પણ જો જગતને જાણે તો આ જ રીતે જાણે.

આથી અનુભવ આડેનાં આવરણોને દૂર કરીને માનવીને એ તરફ ફરીથી ઉન્મુખ કરવાનું વલણ અર્વાચીન કવિતામાં દેખાય છે. એ આવરણોને ઉશેટી નાખવામાં એ નિર્મમ બનીને વર્તે છે, તો કોઈ વાર ઘણી બધી અતિશયોક્તિઓ પણ કરી બેસે છે. હવે માનવી વિશે નવાં સત્યો શોધવાની પ્રવૃત્તિ સાહિત્ય માથે લેતું નથી. માનવી જે જે ક્ષેત્રોમાંથી બહિષ્કૃત થયેલો ત્યાં ત્યાં એની પુન:પ્રતિષ્ઠા કરવાનું એનું કર્તવ્ય ગણાવા લાગ્યું છે. માનવી અપરોક્ષપણે જીવન જીવવાની પ્રક્રિયામાં ભાગ લેતો થાય તો જ આ બને, માટે એના પર આજના સાહિત્યમાં ભાર મૂકવામાં આવે છે.

ભાષા તરફની નવા સ્વરૂપની સભાનતા કેળવાવા લાગી છે. ભાષામાં શબ્દો માત્ર અમુક પદાર્થ કે ભાવને ચિહ્નિત કરતા સંકેતો માત્ર નથી. એ શબ્દો વડે એ જેમાં જીવે છે તે આખો સંકુલ સમવાય સંકેતિત થતો હોય છે. સંસ્કૃતિની આ semantic thickness એની પાછળ રહેલા અનુભવ પુદ્ગલની ઘનતાને વ્યંજિત કરે છે. કવિ ભાષાનો આ દૃષ્ટિએ વ્યવહાર કરે છે.

આ દૃષ્ટિએ જોતાં સાહિત્ય અને સંસ્કૃતિ તે આપણી સાથેના ને જગત સાથેના અનેકવિધ સંકુલ સમ્બન્ધની સદા વિકાસશીલ છે એવી અભિજ્ઞતાની અભિવ્યક્તિ એવું મનાવા લાગ્યું છે. જે કાંઈ છે તેને ચીંધવા માત્રમાં સાહિત્યની ઇતિ નથી, તેને નવા સંકેતોથી સમૃદ્ધ કરવાનું પણ એ આચરે છે.

License

કાવ્યચર્ચા Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.