આ પુસ્તક બે પ્રકારની જોડણીમાં પ્રિન્ટ થયેલું છે.
ગૂજરાત વિદ્યાપીઠ પ્રકાશિત ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’ પ્રમાણેની જોડણી
‘અસ્તી’ની પ્રથમ આવૃત્તીમાં… જે રીતે દીર્ઘ-ઈ અને હ્રસ્વ-ઉનો ઉપયોગ થયેલો એ પ્રકારની જોડણી.
બે પ્રકારની જોડણી ધરાવતું આ પુસ્તક… ઘણીબધી બાબતોની સ્પષ્ટતાઓ કે સમજણનો વીસ્તાર કરી આપશે… તેમજ જોડણી-ભાષાનો તુલનાત્મક અભ્યાસ કરવામાં મદદરૂપ થશે એ હેતુ સાથે આમ કરવામાં આવ્યું છે.
હું પોતે… દીર્ઘ-ઈ અને હ્રસ્વ-ઉ જોડણીમાં માનું છું.
એટલા માટે કે તેનાથી –
ભાષાને કોઈ હાનિ પહોંચતી નથી.
જોડણીને કોઈપણ સ્વરૂપે-પ્રકારે પ્રયોજવાથી કોઈ અનર્થ પેદા થતો નથી.
આજની પરીસ્થિતિમાં હ્રસ્વ-દીર્ઘ-ઈ-ઉ… ભેદક નથી… ઉચ્ચારમાં અને અર્થમાં.
ભાષાને લખાણ સાથે જ માત્ર સંબંધ નથી, એ બોલાતી બાબત છે. માત્ર સંગ્રહીત કરવા માટે જ લીપીનો આશ્રય લેવામાં આવે છે.
ઉચ્ચારણ પ્રમાણે કોઈપણ ભાષા લખાતી નથી.
ભાષાને લીપીમાં મુકીએ છીએ ત્યારે જ જોડણીના પ્રશ્નો સર્જાય છે… એ સીવાય નહીં.
ભાષાની અને લીપીની સરળતા, સગવડ, વ્યાવહારીકતા, વાસ્તવીકતા અને લચીકતા માટે એક જ પ્રકારની જોડણી જરૂરી બને છે.
એટલે… છતાંયે… માટે… કારણે… તેથી… તો પણ… તેમ છતાં…
આ પુસ્તક બે પ્રકારની જોડણીમાં પ્રગટ કર્યું છે.
શ્રીકાન્ત શાહ.
નોંધ : પહેલી વાર માત્ર દીર્ઘ-ઈ અને હ્રસ્વ-ઉ જોડણીને પ્રયોજી… 1964માં ‘અસ્તી’ની પહેલી આવૃત્તી પ્રગટ થયેલી
– આ જોડણીને આદર્શ તરીકે સ્વીકારી… ત્યાર પછી… કેટલાક લોકોએ અભીયાન ચલાવ્યું અને ઉંઝા જોડણી આશ્રયે… એક જ ઈ–ઉ હોવા જોઈએ તે માટેની ચળવળ ચલાવવામાં આવી.
– તો – 2005ની ‘અસ્તી’ની બીજી આવૃત્તીમાં… ગુજરાતી ભાષાના ઇતીહાસમાં પહેલીવાર જ… એક જ કૃતીના… બે પ્રકારની જોડણીમાં… સમાંતર બે મુદ્રણ એક જ પુસ્તકમાં પ્રગટ કરવામાં આવ્યાં.