પ્રાસ્તાવિક

1962માં લખાયેલી… અને 1966માં પ્રકાશિત થયેલી ‘અસ્તિ’ની આ બીજી આવૃત્તિ છે.

અઢી હજાર વર્ષ પહેલાનાં કોઈ ધૂળીયા રસ્તા ઉપર યજ્ઞમાં સમીધ થવા ધકેલાતા ઘેટાના ટોળાને જોઈ રહેલી…

ભગવાન તથાગતની પારદર્શી આંખ
અને ‘અસ્તિ’ વચ્ચે…

મારી અને તમારી વચ્ચે…

ગલીના વળાંક પાસે ઊભા રહેલા “માણસ” અને “માણસો” વચ્ચે તથા

વ્યર્થતા અને વાસ્તવિકતા વચ્ચે… શ્વાસ-ઉચ્છ્વાસનો સંબધ હોવાથી…

અઢી હજાર વર્ષ પૂર્વે લખાયેલી ‘અસ્તિ’ની આ ત્રીજી આવૃત્તિ છે.

હું પોતે ‘અસ્તિ’ને એક અત્યંત વિશિષ્ટ, અનન્ય અને સમર્થ સર્જન તરીકે મૂલવું છું.

કદાચ આધુનિક ગુજરાતી નવલકથાની શરૂઆત… ‘અસ્તિ’થી જ થઈ છે.

કદાચ ‘અસ્તિ’ એ જ નવલકથા શૈલીમાં, રચનારીતીમાં, ભાષામાં, અને અભિવ્યક્તિમાં એક મોટી ઘટના સર્જી છે.

કદાચ ‘અસ્તિ’ એ જ માનવ-સંદર્ભની સંકુલ અને સમગ્ર છબી ઉપસાવવાનો

માણસના આંતરિક રહસ્યો,

માણસની અપરીચિતતા, અસંગતતા અને અનંતતાને

હિંસક રીતે કંડારી…

માણસ નામની એક આદિમકાળની ગુફા ખોલી આપવાનો સબળ પ્રયત્ન કર્યો છે… એટલે જ

‘અસ્તિ’ એ માણસનો માણસ સાથેનો કાળઝાળ સાક્ષાત્કાર છે.

ભગવાન તથાગત એક દિવસ… પોતાના શીષ્ય-સમુદાય સાથે ધુળીયા રસ્તા ઉપરથી પસાર થતા હતા. તેમની આગળ એક ઘેટાનું ટોળું જતું હતું. જેને જોઈને તથાગતે પોતાના શીષ્યોને કહેલું કે – ‘આ બધા ઘેટાઓ કોઈ યજ્ઞમાં સમીપ થવા માટે… કોઈ બરછટ હાથો વડે દોરાતા… ધકેલાતા… પોતાના હિસ્સાનું જીવ અને પોતાના હિસ્સાનું મૃત્યુ ઊંચકી આગળ આગળ વધી રહ્યા છે.”

આ સંદર્ભ અને આ ભૂમિકા સાથે મેં…
કોઈ મહાકાલના યજ્ઞમાં સમીધ થવા મથતી…

મારામાંથી જ વહી રહેલી…
મારી જ આવન-જાવનને…
મારી જ વેરણ-છેરણને…
મારી જ શક્યતા-અશક્યતાને…
મારી જ નિશ્ચિતતા અને અનિશ્ચિતતાને…

‘અસ્તિ’ દ્વારા પ્રગટ કરી છે.

એટલે જ…

મારી ધુળીયા રસ્તા ઉપર કે મારી ગલીના વળાંક પાસે
હું જ ઊભો છું.
હું જ મને જોઈ રહ્યો છું.
હું જ મારા હિસ્સાને વહી રહ્યો છું.

‘અસ્તિ’ને પહેલીવાર પ્રકાશિત કરવાથી માંડી બીજી આવૃત્તિ સુધી પથરાયેલા રોહિત વકીલ વગર ‘અસ્તિ’ ક્યારેય શક્ય બની જ ન હોત.

નીરવ મદ્રાસી, સંજય વૈદ્ય, ત્રીકમભાઈ પટેલ, કિરણ ઠાકર, હિતેશ જોશી અને નીલ શાહ… આ બધા આત્મિયમિત્રોએ આ પુસ્તક તૈયાર કરવામાં અઢળક મદદ કરી છે.

આભાર.

શ્રીકાન્ત શાહ

એ/3 ભગવતીનગર,
પત્રકાર કોલોનીની સામે, નારણપુરા,
અમદાવાદ-380 013
ફોન: 27472282
9376104042
4-7-2005

License

અસ્તિ Copyright © by શ્રીકાન્ત શાહ. All Rights Reserved.