અસ્તી

ગલીના વળાંક પાસેની કે

ધુળીયા રસ્તાની

ખરબચડી ગલીપચી અનુભવતા

અમસ્તા અમસ્તા… ઉભડક ઉગેલા

જાંબલી ફુલોના ખભે માથું ટેકવી

ઉંઘણશી આકાશને આત્મસાત્ કરતા…

દુરના દોડ દોડ કરતા

એકમેકને ખંજવાળતાં મકાનોની

રમઝટ સુંઘતા…

હાંફળા-ફાંફળા… પગ પાસે ઢગલો થઈ પડેલા

પડછાયાઓના

હોંકારા – પડકારા સાંભળતા…

લટાર મારવા નીકળેલા પવનમાં

આંખો ઝબોળી

ભીનાં ટપ ટપ થતાં દૃશ્યોમાં

અનેકાનેક સદીઓના ધબકારા કંડારતા

આપણે… જ્યારે

ગલીના વળાંક પાસે ઉભા હોઈએ છીએ ત્યારે…

આપણામાંથી જ વહી નીકળે છે

એક વૃક્ષ…

એક આકાશ…

એક આખ્ખેઆખી સદી… અને

બચપણના ગુંજામાં સંતાડેલો એક

નાગોપૂંગો…

સૂર્ય

તેણે ગલીનો વળાંક પસાર કર્યો.

અને થોડી વાર ઉભા રહી સામેની દુકાનના ફુગાઈ ગયેલા બારણા તરફ નજર કરી. બરાબર બંધ થયેલાં બારણાં વચ્ચેની તીરાડ તેને બીહામણી ભાસી. બાજુની જ દુકાનનો અરીસો અવાર-નવાર ઉડતા પાનના છાંટાથી ગંદો બન્યો હતો. છતાં દરજીની દુકાનનો કાપી કાઢેલો એક કટકો તેમાં દેખાતો હતો. સતત ફરતાં ગોળ પૈડાંની આરપાર તેને બે પગ હાલતા દેખાયા. પગની પેનીના ત્રાંસા વળાંક ઉપર ઝળુંબી રહેલો કપડાંનો કટકો ધારદાર કીરપાણ જેવો લાગ્યો. અને પીંડીના સ્નાયુઓની તંગ સ્થીતીમાં એક ઘરાક વચ્ચે આવ્યો. અરીસાની સફેદ સપાટીને તેણે મીલના રજકણોથી કાળા પડેલા કોટથી ઢાંકી દીધી.

ઘોડાગાડી પસાર થઈ. ગોળ ફરતું પૈડું ઝડપથી પસાર ન થઈ જાય એ માટે તેણે દૃષ્ટીને આરાઓની વચ્ચે ઘોંચી. ઉંચાનીચા થતા પગ ન હોવાને કારણે પૈડું ખેંચાતું-ફંગોળાતું ઝડપથી દોડી ગયું.

અરીસા પાસે ઉભા રહેલા માણસે ગજવામાંથી કશું કાઢ્યું. પાછળ સુધી સીધા ઓળાયેલા વાળ અને ઉંચકાયેલા હાથ તેના કુટુંબની સહીસલામતી માગતા હોય તેમ હવામાં થોડીવાર સુધી ઝુમ્યા. આ વર્ષ દરમ્યાન તેના કુટુંબમાં કોઈનું યે મૃત્યુ થયું નથી એવી સાવધાની લઈ તેણે બેપરવાઈથી પોતાનું બેહુદું કાર્ય પુરું કર્યું.

બાજુના જ ખુણામાં સુર્યના નમતા તાપના આશ્રયે દીવાલને અઢેલી એક કુતરાની નીંદ્રા આરામ માણી રહી હતી. દુકાનોની ઉપરના બીજા માળેથી એક છોકરાએ હાથ લાંબો કરી તારની આસપાસ વીંટળાયેલા દોરને ખેંચ્યો. બીજા માળના લાકડાના તોતીંગ કઠેડા વજનથી નમી પડી શેરીને વધારે સાંકડી બનાવતા હતા તેથી તેણે ઉપર જોવાનું માંડી વાળ્યું.

ચપટાં મોઢાંવાળી બે સ્ત્રીઓ શાકની થેલી લઈ બાજુમાંથી પસાર થઈ. આ બંનેમાંથી કોઈનો પણ પુત્ર તે બની શક્યો હોત એ વીચારથી તેને આનંદ થયો, અને શેરીના ભરચક સમુદાય વચ્ચે આંખો બંધ કરી માર્ગ કરતા કરતા છેવાડે આવેલા ઘર સુધી પહોંચી જવાની કલ્પનાને વાગોળતો તે ફુટપાથની કોર પાસેથી ખસી આવી બે દુકાનો વચ્ચેની ખાલી દીવાલની સોડમાં ઉભો રહ્યો.

અચીંતો તેને ગર્વ થયો કે તેને પોતાની માલીકીનું એક રસોડું છે. ઉંચી અભરાઈ પર પડેલા ડબ્બામાં આજની રસોઈ અકબંધ પડી હશે અને પાડોશીએ લઈ રાખેલા દુધનો સફેદ રંગ અકબંધ રહ્યો હશે. જન્મેલા ગર્વને ટકાવી રાખવા તને પ્રયત્ન કરવો પડ્યો.

એક છોકરી પસાર થઈ.

સ્કર્ટમાંથી નીચે લટકતા તેના માંસ વગરના પગને તે જોઈ રહ્યો. બ્લાઉઝની છાતી ઉપર પીળી તુઈ ભરી કોઈ ભાત ઉપજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યાંથી નજર ફેરવી તે તુઈને હજુ ચોંટી રહેલા ઘરડા હાથો તરફ તેણે જોયું.

ચાલીસેક વર્ષની બેડોળ સ્ત્રી. કેડ નીચે અવ્યવસ્થીત રીતે ચોંટાડેલો સાડલો. પગના તળીયામાં પડેલા કાળા કાપા – જે શીયાળામાં કવતા હશે ત્યારે છોકરાંઓને સ્તનપાન કરાવતાં નવરાશ મેળવી થોડીવાર ડાબો હાથ તેને ખણી લેતો હશે અને સ્તનપાન કરાવવાના આનંદ કરતાં પણ સવીશેષ આનંદ આ ક્રીયાથી મેળવાતો હશે. અને એ જ ડાબા હાથે મેળવેલા આનંદ ઉપર જીવનનો બધો મદાર બાંધી તે જીવતી હશે. એકાદ વાર સ્તનપાનથી સરકી પડેલું દુધનું એક પીળું ટીપું કાપાઓના ઉંડાણમાં બાષ્પ બનતું હશે અને એ બાષ્પ એક કાળી ભેંસ ઉપર વાદળું બની વરસ્યા કરતી હશે.

સામેની દુકાનની તીરાડ મડદું થઈ પડેલા માણસની ઉઘાડી મોં-ફાડ બની. અને તેમાં ગરમાળાનું આખું વૃક્ષ ઉગી નીકળ્યું.

આ આખીયે શેરી જીવતી હતી. આવતા જતા બધા જ માણસો, જીવનને પોતાની સાથે ફેરવતા હતા. તેમનાં મોઢાં ઉપરની હતાશા, દૈન્ય, તીરસ્કાર અને ભીતી – એ બધું તેમણે જીવનની અનેકવીધ આંટી-ઘુંટી ઉકેલતા ઉકેલતા મેળવેલું ઐશ્વર્ય હતું. તેમનાં પહોળાં થયેલાં નાક, અર્ધબીડાયેલી આંખો કે વારંવાર બીડાઈ જતી આંખોની ઉપસી આવેલી રક્તવાહીનીઓ, કપાળ ઉપરના મેલના થર, હડપચી ઉપર પડેલા અનેક કાપા, કાળા મોટા સુજી આવેલા હોઠ – આ બધી તેમની નીજી સંપત્તી હતી. આ સંપત્તી લઈ તેઓ બધા જીવન સાથે આપ-લેનો વ્યાપાર કરવા પ્રવૃત્ત બન્યા હતા. હંમેશાં હંમેશાં તેઓ પ્રવૃત્તીમાં મચ્યા રહેતા. તેમની દોટ, ઘર, આંગણું, સામેનું મકાન, રાજમાર્ગ – બધું પસાર કરતી કરતી ચાલી જતી. તેઓ ક્યાંય થોભતા નહીં. ક્યાંય વીચારતા નહીં.

તેણે આ બધાંની અવહેલના કરવા મુક્કીને સખત રીતે ભીડી. કોટ ખભા ઉપરથી નીચે સરકી આવ્યો. બેઉ હાથે તેને પકડી ફરી ખભા પર ગોઠવ્યો. ખીસ્સા પર પડેલા શાહીના મોટા ડાઘાને આંગળી ઘસી. આ શાહીનો ડાઘ એ તેની પોતાની નીજી સંપત્તી હતી. જીવવાની મથામણ કરતાં કરતાં તેને મળેલી સમૃદ્ધી હતી. આ ડાઘ, તેના જીવનનું-મથામણનું-કાર્યનું અને તેના અસ્તીત્વનું પ્રતીક હતો. આ પ્રતીકને જ આગળ ધરી રાખી અને તેની પડછે તેના સમગ્ર દેહ-મનને છુપાવી દઈ તે આટલાં વર્ષ જીવ્યો હતો. આટલાં વર્ષ સુધી કોટ ઉપર પડેલા ડાઘને આગળ ધરી રાખી તે જીવી શક્યો, આટલાં વર્ષ સુધી ટેબલની ખરબચડી સપાટી ઉપર ખુરશીની પીઠને અઢેલ્યા વગર ઝુકી રહી, તે જીવી શક્યો તેનું તેને આશ્ચર્ય ન થયું. આ બધું તેને સ્વાભાવીક લાગ્યું. આ બધાંની પાછળ રહેલી કઢંગી પરીસ્થીતીને જે જાણી શક્યો હતો, આ બધાંની પાછળ રહેલા અપ્રતીકારાત્મક સંદર્ભને તે ઓળખી શક્યો હતો.

સામે રહેલા દુકાનોના હારબંધ પોલાં બાકાંઓ તરફ તેણે જોયું. એક એક બાકાંમાંથી ફેંકાતો અવાવરુ પ્રકાશ શેરીને વધારે કઢંગી બનાવતો હતો. ઠેર-ઠેર ઉખડી ગયેલા ડામરના ઉબળ-ખાબળ રસ્તાઓ ઉપર કેટલાયે પગોની ત્વરીત પરંપરા ચાલી જતી હતી. એક એક બાકું પ્રકાશને ફેંકી શેરીના જીર્ણ રસ્તાનું દારીદ્ર્ય વધારે પ્રગટ કરવાનો પ્રયત્ન કરતું હતું. હાલતા-ચાલતા પગો વચ્ચે અટવાતો પ્રકાશ કઠોર થયેલા પગના સ્નાયુઓને વધારે ખરાબ રીતે વ્યક્ત કરતો હતો. અને મરડાઈ ગયેલાં આંગળાંઓના વધેલા નખને ઘૃણા ઉપજાવે તેવી રીતે છતા કરતો હતો.

તેણે જોયા કર્યું.

તેની નજરમાં ગુસ્સો હતો. તેની ઉંચકાયેલી પાંપણોમાં યુગોનો બોજો હતો. તેની દૃષ્ટીમાં વેધકતા હતી – જે પદાર્થોની આરપાર પ્રકાશની મદદ વીના પ્રવેશી તેના અંત:સ્તલને સ્પર્શી શકતી હતી.

એક વીનાશક યંત્રની મદદથી આ પસાર થતા, જીવતા કેટલાયે લોકોનો સંહાર કરી શકાય. તેમના અસ્તીત્વનો, તેમના કુટુંબનો, તેમના જીવતા રહેવામાં મદદ કરતાં કેટલાંયે પરીબળોનો નાશ કરી શકાય. તેમની મુર્ખાઈ, બાઘાઈ અને – ખસીયાણાપણાની પેલે પાર જે હીન હતું તેના અંકુરોને, તેની હવે પછીની પેઢીને, તેની આનુવંશીકતાને બધાને એક જ પ્રહારથી દુર કરી શકાય. મુર્ખ લોકોના આ સમુદાયથી શેરીની ભીડને ઓછી કરી શકાય. તેમનાં ગમગીનીભર્યાં મકાનોમાં અવાવરુ હવાને ભરી શકાય. તેમની પ્રવૃત્ત જમીનમાં જંગલી અડાબીડ વનસ્પતીને ઉગી નીકળવાની મોકળાશ આપી શકાય. તેમનાં રઝળતાં શબોના કહોવાઈ ગયેલા અશ્મીઓ ઉપર કોઈ એકાદ એકકોષી જીવને ચોંટી રહેવાની સવલત આપી શકાય–-એવી અનંત સંભવીતતાઓ તરફ તેણે વીચાર કર્યા કર્યો. તેની વીચારપ્રણાલીમાં ઉત્તેજના હતી, દાહકતા હતી. આવેશ હતો.

પવનથી બાજુનાં બારણાંએ ભીંત ઉપર આઘાત કર્યો. એક રાહદારીના થુંકનું માઈક્રોસ્કોપ તેના ગાલ ઉપર પડ્યું. સીગારેટનું ફેંકેલું ખાલી ખોખું તેના પગ આગળ ઉડી આવી પડ્યું. ટોપીને ત્રાંસી ગોઠવી પસાર થતા એક મુસલમાનના હોઠનો લાલ ખુણો તેને દેખાયો. એક ક્રીશ્ચીયન છોકરીના ફીંડલું વાળેલી દોરીના દડા જેવા ઘુંટણ દેખાયા. પુસ્તકોને સ્તનના ઉભાર ઉપર દબાવી પસાર થતી એક યુવતીની વીધવા છાતી દેખાઈ. એક વૃદ્ધની ધ્રુજતી આંગળીમાં વળગેલું તેની સગર્ભા પુત્રીનું શબ દેખાયું. મોજડી, ગરમ પાટલુન અને લાલલીલા રંગનો બુશકોટ સાયકલ ઉપર પસાર થતાં દેખાયાં. એક પારસીનો તુટેલો કોલર અને ચપોચપ બંધ કરેલા ખીલ્લા જેવાં બટન દેખાયાં. ચડ્ડી પહેરેલા દોડી જતા એક છોકરાના ભીંગડા વળેલા પગ દેખાયા. બગલમાં મોટી પર્સ લટકાવી પસાર થતી એક સ્થુલકાય સ્ત્રીનું સળ પડેલું ઉપસેલું પેટ દેખાયું. બાબાગાડીમાં સુતેલા બાળકની છાતી ઉપરથી ખસી ગયેલી ગરમ શાલ દેખાઈ. પોલીસના રાંટા પડતા પગ અને પટ્ટો તુટી ગયેલાં સૅન્ડલ દેખાયાં. બાર વર્ષની એક છોકરીના મોઢા ઉપર ન પ્રીછી શકાય તેવી ગંભીરતા દેખાઈ. રેશમી ઝબ્બો પહેરેલા એક જાડા માણસની માંસલ હથેલીમાં સીગારેટનો ડબ્બો દેખાયો. આંખ ઉપર લીલું કપડું બાંધી પસાર થતા એક માણસની ઘસાઈ ગયેલી લાકડીનો ઠક-ઠક અવાજ તેને દેખાયો. ઝડપથી જતી એક સ્ત્રીનાં ચોળાયેલાં કપડાં દેખાયાં. રીક્ષાના હૅન્ડલ ઉપર પક્કડ જમાવી ચીટકેલી આંગળીઓની વીંટીમાં સંતનો ફોટો દેખાયો. ભાંગેલા હાથને ઝોળીમાં રાખી પસાર થતા એક માણસના છુટ્ટા હાથમાં લટકતી વજનદાર થેલી દેખાઈ. તુરતના પરણેલાં પુરુષ-સ્ત્રીના હાથમાં બાલદી કાપી બનાવેલી સગડી દેખાઈ. એક મજુર બાઈના ચુનાવાળા હાથ દેખાયા. એક છોકરાના મોંમાં સળગતી સીગારેટ દેખાઈ. એક અશ્વના ખુલ્લા મોંમાં થોડાં ઘાંસીયાં ફીણ દેખાયાં. ઉંચે ચડેલી ચોળીની કેડ પાસે ખરજવાનો કાળો લીસોટો દેખાયો. પટ્ટાવાળા બુશકોટની બાંય ઉપર એક માદળીયું દેખાયું. છીદ્ર પડેલી ત્વચામાંથી ઉડતો વાસી પ્રાણવાયુ દેખાયો. ઉઘડેલી મોં-ફાડમાં સુજી ગયેલી દાણાદાર જીભ દેખાઈ. આંખોના ઉંડા કુવામાં કુદી રહેલી માછલીઓની સળવળ દેખાઈ. નખની ઉખડી ગયેલી પતરીમાં ભરાઈ રહેલો સુતરનો એક તાર દેખાયો. કોચવાને ઉગામેલી ચાબુકમાં તેની મૃત્યુ પામેલી પત્નીની છાતી પરનો એ દુઝતો સોળ દેખાયો. એક છોકરાના ફાટેલા પહેરણ નીચે ડોકીયું કરતા પેટ ઉફર ઉંડા ઉતરી ગયેલા કાળા ડામ દેખાયા. પાંપણના ખરી પડેલા વાળની જગ્યાએ ચોંટી રહેલું – ફફડતું એક પતંગીયું દેખાયું. વૃદ્ધોની મસલત કરતી ત્રીસ આંગળીઓમાં ખજુરીના રેષાઓની ધારદાર કીનાર દેખાઈ. ચપ્પુ સજાવી રહેલા એક પીળા ખમીશમાં તેના કાટ ખાધેલા પતરાના છાપરાનું બોદાપણું દેખાયું. એક બકરીના લાળીયા મોંમાંથી ઝરી રહેલું ઝાકળીયું ઘાસ અને માટીના ભીના રજકણો દેખાયા. મોટરના ઉખડી ગયેલા રંગના પોપડાઓમાં વંચીત રહેલા તોફાની શીશુની ભુખરી હડપચી દેખાઈ. ખુણે સંતાઈ ઉભા રહી ચા પીતા એક માણસના હોઠ ઉપર એક વેશ્યાનું લચી પડેલું કાળું-દીંટી વગરનું સ્તન દેખાયું. માટીની ઠીબમાંથી પાણી પી રહેલા રૂના પોલા કબુતરાની ચાંચમાંથી સરકી જતા જુવારના ટીચાયેલા બે-ત્રણ દાણા દેખાયા. દુકાનનું ધ્રુજી રહેલું-તરડાયેલું પાટીયું-અને તેમાં ભરાઈ પડેલા ગલ જેવા બે અણીવાળા હુક દેખાયા. રસ્તો ઓળંગતા ખંચકાતી ઉભેલી ત્રણ નાની છોકરીઓના ખભે ભેરવેલા ચામડાના દફતરનું ઉપસી ગયેલું પેટાળ દેખાયું. તારના થાંભલા પાસે અઢેલી બેઠેલા એક ચમારની ચકળ-વકળ કીકીઓમાં પીળીયા કરોળીયા દેખાયા. દીવાલના ઉખડી ગયેલા પ્લાસ્ટરમાં બખોલ કરી બેઠેલી ચકલીની ચપોચપ બંધ ચાંચમાં સળવળી રહેલો સમયનો કીડો દેખાયો. એક ભડકી નાઠી આવેલી ગાયના રૂંછાવાળા પુચ્છ ઉપર બે-ત્રણ તણખલાં દેખાયાં. ઢળતા ખભાવાળા એક માણસના કપાળ ઉપર સરી પડેલી પરસેવાની કાળી સેર દેખાઈ. કાળા ખમીસને ચોંટેલાં સફેદ બટન દેખાયાં. વૃદ્ધ સ્ત્રીની પીળી હથેળીમાં દબાઈ ગયેલો કોશેટો દેખાયો. ફેરીવાળાનાં સળીયા જેવાં જડબાંમાં ઘરની ચોરસ માંસમજ્જા વગરની દીવાલો દેખાઈ. વાંકા વળેલા ગળામાં લાલ રૂમાલ દેખાયો. હીરેમઢ્યા સોનેરી પટ્ટીવાળાં ચંપલની પાછળ ખાખી પાટલુન દેખાયું. એક મોટર દેખાઈ. ત્રણ છોકરીઓ દેખાઈ. માણસો દેખાયાં. બાકામાંથી પડતો પીળચટ્ટો પ્રકાશ દેખાયો.

આ બધાં દૃશ્યોની શૃંખલામાં જાણે કે તે જડાઈ ગયો.

તેણે આ બધાંનું મનોમન મૃત્યુ વાંછ્યું.

આ બધા મનુષ્યોએ તેમના હવડકોષોને પરીપક્વ બનાવવા સીવાય બીજું કશુંયે કામ કર્યું નથી, એમ તેને લાગ્યું. બધાંની કરોડરજ્જુ તોડી નાખી ફરીથી ચાર પગે ચલાવવાની તેને ઈચ્છા થૈ આવી.

તેણે એક સીગારેટ કાઢી સળગાવી. બાજુમાં જ મોઢું ખુલ્લું કરી ઉપરનું બોર્ડ વાંચતા એક દુબળા માણસના પગ ઉપર રાખ ખંખેરી. ટાવરમાં સાતના ડંકા સંભળાયા. ટાવરના મોટા કાળા આંકડાઓના ટેકણ ઉપર વાગોળે તેના નપુંસક માળાઓ બાંધ્યા હતા. બાજુમાં ઉભેલા માણસે તેનું વંકાયેલું મોં બંધ કર્યું, ત્યારે તેના ચહેરાની બીહામણી રેખાઓ વધારે સ્પષ્ટ થઈ. કાળા-સફેદ વાળની નીચે ખુણા કરી અંદર ઘુસી ગયેલું કપાળ, હડપચીનાં સખત મજાગરાંઓ અને ઝીણી આંખમાં તેને કોઈ પરીચીત-વ્યક્તીનો અણસાર વરતાયો. પરીચીતતાને ભુંસી નાખવા તેણે પીતાની નનામી ઉપર એક આછું-પાતળું કફન ઓઢાડ્યું.

સીગારેટની રાખ ફરી તેણે પેલા માણસના પગ ઉપર ખંખેરી. આંખો ઝીણી કરી તેનાં સખત જડબાં તરફ જોયું. અગ્યાર બાળકોના વીર્યકણો અચીંતા દાડમના-ખુલેલા ભાગમાંથી બહાર નીકળી પડ્યા. અગ્યાર બાળકોના વીર્યકણો અચીંતા તેનાં સખત જડબાંમાં ભરાઈ પડ્યા.

અગ્યાર નાના-મોટા વીર્યકણોનો ફરીથી અહીંની પહોળી દાડમ જેવી દુકાનમાં સમાવેશ કરી શકાય –- તેવી વેતરણ તેની થીજી ગયેલી મુખમુદ્રામાંથી વરતાતી હતી. તેના મોં ઉપર ન સમજી શકાય તેવી ગંભીરતા અને બેદરકારી હતી. અગ્યારમાંથી પાંચ વીર્યકણોને શીયાળામાં બરફ બનાવી તેને આવળ ઉગેલી જમીનમાં ઢબુરી દઈ, ગરીબી ઉપર બધા દોષોનું આરોપણ કરી નીર્દોષ છુટી જતા આ માણસ તરફ તેને તીરસ્કાર, ક્રોધ અને ગ્લાની પેદા થયાં. સાથળનાં બહાર નીકળી આવેલાં હાડકાં, નીચું નમી આવેલું પેટ અને અંદર ધસી ગયેલી છાતીમાં તેના કુટુંબની જીજીવીષા, તેની મોટી થયેલી છોકરીઓની અવળસવળ ઘસાતી જાંઘો, અને તેની પત્નીના બેસી ગયેલા મોઢાનાં હાડકાં તેને દેખાયાં. તેની પારદર્શી દૃષ્ટી ધીમે ધીમે કરતાં ઘણું ઘણું જોઈ વળી. તે માણસના જન્મથી માંડી તેના અંતજીવન સુધીની બારીકીને વીગતથી જોઈ વળી. ઘરની મેલી થયેલી દીવાલો લટકતાં કેલેન્ડર, પંચાંગ, જુનાં કપડાં, ફાટેલી છત્રી, અને પીળા પડી ગયેલા મણકાવાળી માળામાં તેના દૈનંદીન જીવનના બધા ક્રમોને જોતી જોતી તેની દૃષ્ટી, ઘરમાં અવ્યવસ્થીત પડેલાં રાચરચીલાં અને અસબાબ વચ્ચે જીવતા કુટુંબના દરેક સભ્યોને, તેની ખાસીયતોને, તેની રુચીને, તેની હીનવૃત્તીને જોઈ વળી.

તેને દુ:ખ થયું. કોઈ પુરાતન કબ્રસ્તાનના અવશેષો ફરીથી ખોદી રહેલા શીયાળવાના તરડાયેલા નહોર તેની શીરાઓમાં ઉંડા ઉતરી ગયા – તે ત્રાસી ઉઠ્યો.

દીવાલને અઢેલી સુતેલા કુતરાએ ઉભા થઈ શરીર ખંખેર્યું. આજુબાજુની જમીન સુંઘી. દીવાલની ખરબચડી સપાટી સાથે શરીરને ઘસ્યું. અને શરીરને ફરીથી ફંગોળી દૈ સુવા માટે આંખો બંધ કરી. તેની પહોળી નાસીકામાંથી થોડા અંધકારના ચોરસ દેડકાઓ ફુટપાથના લીસ્સા પથરાઓ ઉપર વેરાઈ ગયા. તેના બંને વંકાયેલા પગો વચ્ચે થૈ પસાર થતો તેની પુંછડીનો વળાંક આખીયે માનવજાતનાં કાર્યોનો આલેખ દોરતો દેખાયો. અને તેની વજ્રદૃષ્ટાઓ આજુબાજુ કુંડાળું તાણી બેઠેલા માછીમારોની તુટેલી આંગળીઓ જેવી લાગવા માંડી.

દુકાનોની ઉપરના બીજા માળે, કઠેડો પકડી ઉભેલી એક બંગાળી સ્ત્રીની બ્લાઉઝ વગરના દેહ તરફ તેની દૃષ્ટી ગઈ. પાતળી સાડીના સળ વતી છુપાવેલાં લચી પડેલાં સ્તનો અને ખભા નીચેની ચામડીના કાળા લચકામાં તીમીરનું ધ્વંસ પામેલું કાળું ખંડેર તેને દેખાયું. પતીની રાહ જોતી આંખોમાં પેઢીને ચાલુ રાખવાની કોશીશ દેખાઈ, અને પલંગ ઉપર બરાબર ગોઠવેલા ઓશીકા ઉપર લાળીયા કાનખજુરાનું ઝનુન દેખાયું.

માણસોએ શા માટે જીવવું જોઈએ તેનું કોઈ કારણ, હેતુ, આ આખીયે પરીસ્થીતીમાં ક્યાંયે દેખાતાં ન હતાં. આ આખીયે કરામત કોઈ જંગલી નાગાપુગા છોકરાએ કોઈને બ્હીવડાવવા કરેલી પથ્થર-દોરીની કરામત જેવી અહેતુક હતી. જુના પાષાણયુગના નીયમોથી સંચાલીત આ માનવવ્યવહારને સૈકાઓની અલપઝલપ અસર થઈ લાગતી ન હતી. બધું યથાવત્ હતું. વીકાસ ન હતો. ફેરફાર ન હતો. પ્રગતી ન હતી. શંખના વાંઝીયા પોલાણમાં ગુંચળું વળી મૃત્યુ પામેલી ગોકળગાયના પોલા શરીર જેવું સર્વત્ર બોદાપણું અહીં વરતાતું હતું.

તેને લાગ્યું કે તે આખાયે માનવસમુદાયથી, માનવમહેરામણથી જુદો તરી આવ્યો છે. કાંઠાની ભીની રેતી ઉપર તે પડ્યો છે. તે અમીબા હતો, વ્હેલ હતો, શીલ હતો કે કોઈ વર્ષાદભીનાં અળસીયાંનો કાટમાળ હતો? ભરતીનો દરીયો દુર ઘુઘવતો હતો, અને કાંઠા ઉપરની કાળી પડવા આવેલી રેતી ઉપર તેનાં આગવાં ચોક્કસ સ્વરૂપ વગરનો તે પડ્યો હતો. અંધારના ઢગલાબંધ પડેલા કણો વચ્ચે તે જીવવા માટે વલખાં મારતો હતો. કોઈ પ્રાકૃતીક પરીબળોથી ખેંચાઈ તે અહીં આવી પડ્યો હતો કે કોઈ ઉત્ક્રાંતીએ તેને આ અયોગ્ય પરીસ્થીતીમાં મુક્યો હતો તેનો ઉત્તર તેને તુરત જ જડી શક્યો નહીં. ક્રીયાશીલ દરીયામાં પાછા પહોંચી જવાની તેને ઇચ્છા થઈ. તેને લાગ્યું કે તેણે કોઈ પણ રીતે ત્યાં પહોંચવું જ જોઈએ. તેણે હાથ-પગ હલાવ્યા. શ્વાસ ઘુંટ્યો. રેતીના પહોળા વીસ્તારમાં તે વધારે ગરક બન્યો.

તેને લાગ્યું કે તે વધારે ઉંડે જુવે છે. કદાચ તેને કોઈ વધારે ઉંડે જોવડાવે છે અથવા કદાચ તેની દૃષ્ટી વધારે ઉંડી જુવે છે. અને નહીં તો બધી જ – ઉંડાઈ એ સપાટી છે કે જેથી તે તુરત જ ઉંડે જોઈ શકે છે.

અચીંતી કોલાહલની અબરખ જેવી તીક્ષ્ણ પોપડીઓ હવામાં ફેલાવા માંડી. અબરખની પારદર્શીતામાંથી દૃશ્યોના લંબચોરસ ખંડો ધુંધળા દેખાવા માંડ્યા. સામેના સ્થીર મકાને એક વર્તુળ બનાવ્યું, અને એ વર્તુળમાં ઘેરાઈ ચક્કર ખાતો અંધકાર એક તંતુ જેવો લાગવા માંડ્યો. અજવાળાની સેરો આછોતરી બની આડીઅવળી દોડવા માંડી. અને વીજળીના થાંભલા ઉપર ચોંટેલા આગીયાની ઉઘાડ-બંધ પાંખોમાં પુરાઈ રહેલો સમય પીગળી જઈ ગઠ્ઠા જેવો બની ગયો!

તે આ દૃશ્ય ઝાઝી વાર માણી શક્યો નહીં. આંખ આગળના કરચલાને માથું ધુણાવી તેણે ખંખેરી નાંખ્યો. તેને ક્યાંક બેસી જવાની ઈચ્છા થઈ આવી. જીવનના સામાન્ય હેતુઓ, અર્થો, ઉપયોગીતાઓને ખસેડી, તેને ક્યાંક લપાઈ જવાની તાલાવેલી લાગી.

બહાર સળગવા મુકેલી હોટલની સગડીનો ધુમાડો ધીમે ધીમે આજુબાજુના વાતાવરણમાં ફેલાવા માંડ્યો. તેમાંથી ઉડેલા બે-ચાર તણખાઓ હવા સાથે ઘસડાયા. દુકાનની ગાદી ઉપર પહોળા પગ કરી બેઠેલા એક માણસના કપડામાં ભરાયા, ત્યાંથી ઉંડે ઉતર્યા અને સફાળા ચમકી પડેલા માણસે હાથ વતી તેને બુઝાવ્યા. ફરી વાતોમાં મશગુલ બન્યો. તેા ઉંચા-નીચા થતા પાતળા હાથો ઉંઘે ભરાયેલા નોકરની ધ્રુજતી આંખોમાં ઉંડે ઉતરી તેની આંખોને અબોલ બનાવી દેતા હતા. દુકાનના ધુળે ચડ્યાં બારણાં ઉપર એક કીડી, મોઢાના અણીદાર ચીપીયા વતી એક ખાંડના કણને ઉંચકી જતી હતી. તેના ઉષ્ણ પગોમાં ત્વરા હતી.

તે ઘડીભર આ કીડી તરફ તાકી રહ્યો. તેના રસોડાની કીડીઓની જેમ જ આ કીડી પણ તેના મૃત્યુની નોંધ સરખી લેશે નહીં, એવી તેની સ્થીર આંખોમાં પ્રતીતી હતી. હાથછેટે રહેલા દીવાલના છીદ્રમાં કીડી થોડી જ વારમાં પહોંચશે. ખાંડના કણને એક ખુણામાં મુકી સમુહ સાથે થોડીવાર પરચુરણ કામ કરશે, અને ત્યારબાદ ફરી નવા ખોરાકની શોધમાં નીકળશે. ખોરાકને શોધવો, ખુણામાં મુકવો, વળી ખોરાક શોધવો, – આવાં કાર્યોમાં ગર્ક રહેતી કીડીના અસ્તીત્વનું કશું મુલ્ય ન હતું, પરંતુ આ કીડીના અસ્તીત્વને તે અટકાવી શકે તેમ હતો. કીડીના વીશાળ સમુદાયથી એક કીડીને દુર કરી તે કોઈ નવું પ્રતીક યોજી શકે તેમ હતો. અને કીડીની લાગણી, તેના ભાવો અને સંવેદનાને સમજી શકે તેવી સીદ્ધી મનુષ્યજાત પાસે નો’તી કે જેથી તેને કીડીના અંત વખતના ભાવાવેગથી દુ:ખ પેદા થાય.

મૃત્યુ પામતા અશ્વની કીકીયારીઓ જલદ્ હોય છે. એટલે જ મનુષ્ય તેનું મૃત્યુ સહન કરી શકતો નથી. અને કીડી એ અશ્વ નથી. કીડી કીકીયારી પાડી શકતી નથી એટલે મનુષ્ય કીડીના મૃત્યુને સહજભાવે સહન કરી શકે છે. એટલે મનુષ્ય કીડીનું મૃત્યુ મરી શકતો નથી –

અને એટલે જ ખુબ સાવચેતીથી છીદ્ર સુધી પહોંચેલી કીડીને તેણે ધક્કો માર્યો. પવનથી ઠેલાઈ નીચેની ભીની જમીન ઉપર કીડી પડી. સીગારેટને બુઝાવી તેણે નીચે ફેંકી. અને બુટના કડક તળીયાથી તેને ઘસી નાંખી.

લાકડાના બેવડ મકાનમાં ઉઝરડા પડેલી બારીઓ વચ્ચે રહેતા એક માણસની કીડી જેવી એક છોકરીને ડચકાર ખાતો ક્ષય થાય. હાડકાં ઉપર મઢેલી ચામડીવાળું રુંવાડું – શરીર એક પુત્રી હોય એની નવાઈ શમે ન શમે તોય એક માણસ એનો પીતા હોય, પગારમાંથી કીડીની માવજત કરતો હોય, તેને દવા-ગ્લુકોઝ, ઈન્જેક્શન્સ આપતો હોય, અને રાતના ગરમ કામળાને વેચી તે પુત્રી માટે મોસંબી લાવતો હોય અને એ કીડી કદાચ બચી જાય તો – તેનું પરણાવવા સીવાય બીજું કશું ન કરી શકાય, છતાં તેને જીવાડવા પ્રયત્ન થતા હોય.

છોકરીના ખાલીખમ રુદન તરફ લક્ષ આપ્યા સીવાય, દવા, ગ્લુકોઝ, મોસંબી બંધ કરીને, રાતના ભારેખમ વાતાવરણમાં નીરાંતે સુઈ રહેવામાં, છોકરી તરફ વેગે ધસ્યા આવતા લીલાછમ મૃત્યુને સવલત કરી દેવાના પ્રયત્નોમાં, જીવનની કઈ નીતી આડે આવતી હતી તેનો કોયડો તે હજુ ઉકેલી શક્યો ન હતો.

કીડીને અપાતી મોસંબીનો રસાળ કીડો તેના ફેફસાંના કીટાણુઓ સાથે લડી શકે નહીં. કીડી જીવી શકે નહીં. કીડી કીકીયારી પાડી શકે નહીં.

માનવતા, શહીદી, દેશભક્તી, વફાદારી, પ્રેમ, નીતી, આત્મા, ત્યાગ, બલીદાન, ધર્મ, કરુણા, દયા, સહાનુભુતી વગેરે શબ્દો મનુષ્યની સચોટ વીચારસરણીમાં એક અવકાશ બનાવી, અને એ અવકાશ વાટે ધીમે રહી કલીની પેઠે, મહત્, મુલ્યો, આદર્શો વગેરે પ્રવેશી જૈ, જીવનને વધારે અકારું બનાવવામાં પોતાનો ભાગ ભજવે છે. શબ્દકોષમાંથી અને માણસના દૈનંદીન વ્યવહારમાંથી આ શબ્દો કાઢી નાખી મનુષ્યને જીવવાની થોડી નવરાશ આપી શકાય – એમ તેને લાગ્યું.

પ્રતીતી તીવ્ર બને છે ત્યારે જ કદાચ એ સત્ય બને છે. તીવ્ર પ્રતીતી એ જ કદાચ સત્ય છે. તીવ્ર પ્રતીતી એ સત્ય છે અથવા સત્ય એ અતીપ્રતીતીનું જ બીજું નામ છે.

થેલ્સ જ્યારે જગતના એકમાત્ર તત્ત્વ તરીકે પાણીને ગણાવે ત્યારે તેની પ્રતીતી એ સત્ય જ છે.

છતાં પાણી એ પ્રતીતી નથી.

છતાં પાણી એ પ્રતીતી ન હોવાને કારણે અસત્ય જ છે.

એટલે અસત્ય એ અપ્રતીતી છે.

એટલે અપ્રતીતી એ અસત્ય છે.

આ દાહક જીવનમાં ચૈત્રનું ઠલવાતું આકાશ જ્યારે તીવ્ર બને છે ત્યારે બાવળની કાંટમાં પડેલું આછોતરું પીંછું એ આકાશ બની જતું નથી.

જીવનમાં તીવ્ર બને છે દુ:ખ, ગ્લાની, અભાવ અને એ બધાંની પડછે સમગ્ર જીવનને આવરી બેઠેલો શાશ્વત નીરાનંદ–જે ભરડો લે છે મનુષ્યના સમગ્ર દેહ, મન અને કાર્ય ઉપર.

માણસ તેનાથી ઝંખવાય છે. તે આરામની, ઉંઘની, નીર્વેદની સ્થીતી કલ્પે છે.

સાંજની ઢળતી જતી વેળામાંથી તે માર્ગ કાઢી, શેરી, રસ્તો, દુકાનો, માણસો વટાવતો વટાવતો ઘરે પહોંચે છે–નીરુત્સાહ બનીને. ઘરનું બારણું ખખડાવે છે. સાંકળના લોખંડને તેનો હાથ સ્પર્શે છે. તે શાતા અનુભવે છે. લોખંડનો ઠંડો સ્પર્શ તેના ઉદીપ્ત મનને, શરીરને ન પ્રીછી શકાય તેવી અનુભુતીની સ્થીતીનો સ્પર્શ કરાવે છે. તે ઢગલો થૈ બેસી જવા મથે છે. સાંકળના લોખંડને ગાલે અડકાડી તેની ઠંડક દ્વારા અશાંતીના કારમા અનુભવને ભુલી જવા મથે છે. તે સરી પડે છે. ઉંડે-ઉંડે. જ્યાં ઘેનમાં પડેલાં ખેતરોનું કાળજું કોઈએ કોરી ખાધું છે.

અને બારણું ખુલે છે. એ જ ચીરપરીચીત સૃષ્ટીમાં તે પગ દે છે. દીવાલો ઉપરના ફોટાઓ તેના માનવવંશને છતો કરે છે. તે વધારેને વધારે ઘેરાય છે. નીરાનંદનો ભરડો તેના પ્રત્યાઘાતને વીસારી દે છે. તે હાથ ધોઈ કોટ ઉતારે છે. કાગળો ટેબલ ઉપર ગોઠવે છે. નાના મહેશની તબીયત વીશે પુછપરછ કરે છે. દેશમાંથી હજુ કાગળ નથી આવ્યો એ જાણી મોઢું કટાણું કરે છે અને રસોડામાં ઢાળેલા પાટલા ઉપર જમવા બેસે છે. પત્ની તેને પીરસતાં પીરસતાં આખા દીવસના જુના-નવા બનાવોની યાદી આપી જાય છે, તે વાગોળે છે. ઘરના છાપરામાંથી તે આકાશ જોવા મથે છે. ઓફીસનાં કાગળોનાં પક્ષી બનાવી તેને આજુબાજુ ઉડાડવા પ્રયત્ન કરવો છે. ઢગલો થઈ ખુરશી પર પડેલા કોટમાંથી કાંગારું બનાવી તેની પાછળ તેને દોડવાની ઈચ્છા થાય છે. પત્ની પીરસતાં પીરસતાં એ જ વાતો અને એ જ વર્તનની મુદ્રા રજુ કરી તેને આગ્રહ કરે છે.

દુ:ખ, ગ્લાની, અભાવ, નીરાનંદ બધું જ્યારે ખુબ તીવ્ર બને છે ત્યારે તે પથારી ઉપર પડે છે અને ઉંઘવા માટે આંખો બીડી નાના મહેશનાં વર્ષો ગણવા માંડે છે. આઠ-વીસ-બાવીસ-ત્રીસ. તે અટકે છે. તેને અનુભવ થાય છે. મહેશ પણ નીરાશ થઈ બાજુમાં સુતો છે. તેના કપાળ ઉપર પરસેવાની બીલાડીઓ દોડી રહી છે. અને મહેશ પણ માણસ છે… તેના જેવો જ માણસ.

શેરીમાં માણસોની અવર-જવર વધી પડી છે. શેરી વધારે સાંકડી બની છે. ધીમે-ધીમે વધતો જતો અંધાર આ શેરીની ટગલી ડાળને સ્પર્શવા તેના ફીણીયા હોઠ ખુલ્લા કરે છે. માણસો તેની વચ્ચેથી માર્ગ કરી આ ઘોડાપુરના પરપોટાઓ ફોડી ત્વરીત ગતીથી આગળ વધી રહ્યા છે. કતલખાને જઈ રહેલાં મીંઢાં ઘેટાંઓની રંગાયેલી ત્વચામાં એક મોટા નગરની સંસ્કૃતી ઝપ-ઝપ કરતી પડઘા પાડી રહી છે. અને અનંત બદબુ મારતી પળોનો કોહવાટ એક નઠોર ઈશ્વરને લાચાર બનાવવા પુરતો છે.

દુરની લોટ દળવાની ચક્કીમાં કામ કરતા કોઈ એક માણસે આવી તેની પાસે બાકસ માગી. મોઢું, નાક, આંખ અને કપડાંનાં આવરણો ઉપર લોટની સફેદાશ તેને વળગી હતી. નાકના પોલાણમાં ઠાંસી-ઠાંસી લોટના રજકણો ભરાયા હતા. આંખની પાંપણને ચોંટેલો લોટ તેને વધારે વૃદ્ધ બનાવતો હતો. સલુકાઈથી તેણે બાકસ માગી અને કાનની અભરાઈએ મુકેલી બીડી સળગાવી. કાનની પાછળની પીળી ચામડીની કોર બીડીના ખસી જવાથી વધારે સ્પષ્ટ બની દેખાવા માંડી. એ એ જ ત્વચા હતી જેનો રંગ ગર્ભના અંધકારમાં ઘડાયો હતો. એ એ જ શરીર હતું જેનો આકાર સાંકડી વાવના અવાવરુ અંધારામાં જ ઘડાયો હતો.

આ આકાર અને સ્વરૂપની મર્યાદા લઈ તેણે આ પૃથ્વીના વાતાવરણમાં પહેલો શ્વાસ ઘુંટ્યો હતો. અને ત્યારબાદ સતત એ શ્વાસને ઘુંટ્યા કરવા માટે તેને કેટકેટલી જહેમત લેવી પડી હતી. તેનો ખ્યાલ ઉભા રહેવાની મુદ્રામાંથી અને તેના મોઢા ઉપર ચોંટેલા લોટના થરમાંથી વરતાઈ આવતો હતો.

પાટલુનના ઉજ્જડ ખીસ્સામાં હાથ નાખી તેણે – એકાદ સીક્કાને આંગળી વતી ગણવાનો પ્રયત્ન કર્યો; અને પછી ઉંદરની ત્વરાથી હાથને પાટલુનની કોર સાથે ઘસી બહાર ખેંચી કાઢ્યો. હાથના લોટીયા રજકણો થોડા પાટલુન ઉપર અને ખીસ્સામાં વેરાયા; જ્યાં પ્રસવની વેદનાથી બેભાન પડેલી વેશ્યાના હોઠ આછું આછું સળવળી રહ્યા હતા.

તેણે આજુબાજુ જોયું. તેને ક્યાંક જવું હતું, પણ તે દીશા પસંદ કરી શકતો ન હતો. ફુટપાથની કોર પાસે ખસી તે થોડીવાર ઉભો રહ્યો. મીલની ચક્કીનો લોટ માથા પર બાંધેલા રૂમાલને છોડી તેણે ખંખેરી નાખ્યો. પછી રૂમાલની ગડી કરી તેને ખીસ્સામાં મુક્યો. પસંદગીનો કોઈ ચોક્કસ નીર્ણય કરી તેણે ફુટપાથ ઉપર ચાલવા માંડ્યું. વળી ઉભા રહી તે કંઈક બબડ્યો. અને પછી રસ્તાને સીધો ચીરતોક સામેથી ફુટપાથ પર ચડી, મેદનીમાં ભળી જૈ, આગળ જતા એક માણસની નારંગીને અનુસરતો ચાલવા માંડ્યો. પવનથી ફફરતું તેનું ખમીશ ફુટપાથ ઉપર લોટના કણો વેરતું જ ગયું.

આપણે બધા મૃત્યુમાંથી પસાર થઈએ છીએ, અને આપણને ચોક્કસ ખબર છે કે આપણે તેમાંથી જ આવ્યા છીએ, અને લંગડાતા ચાલ્યા કરીએ છીએ, આ નીરસ, એકધારી ક્રીયામાંથી પાર ઉતરવા… કોઈ નવો અનુક્રમ ઘડવાની આશાયે.

આ પૃથ્વી ઉપરની આ એકધારી આપણી ક્રીયા છે. સવારના આપણી આંખ ઉઘડે છે અને આપણે જોઈએ છીએ કે આ દીવસ છે. સુર્ય ઉછળી ઉછળીને તેની ધારદાર તેજેમઢી કીરપાણો ઉછાળતો, હવાના પારદર્શક કોશેટામાંથી ડોકાઈ ડોકાઈને આપણને ક્રીયા તરફ ધકેલે છે. અને આપણે નીર્જીવ બેદરકારીપુર્વક ક્રીયા તરફ ધકેલાઈએ છીએ. આપણી ક્રીયામાં, વર્તનમાં એક પ્રકારની વીનાશકતા, બેચેની, અનીશ્ચીતતા, અને અફસોસ છે. આપણા મોં ઉપર ખેદની કારમી રેખાઓ મઢાયેલી છે. અને આપણું ચીત્ત તદ્દન ઠંડું અને લાગણીશુન્ય છે – અને જે હંમેશાં રહેશે.

છતાં જીવનના નીર્જીવ રાફડાઓના પોલાણમાં રહીને આપણે શીશુસહજ કુતુહલથી પ્રેરાઈ કોઈ અગમ્યની ઝંખના કર્યા કરીએ છીએ. આપણે ભ્રમો, ચમત્કારો અને રહસ્યો સર્જીએ છીએ, આપણી આનાકાની, ગમગીની અને ચુપકીદીના ભારમાં આપણે કોઈ સુખભર્યા આમંત્રણની રાહ જોઈએ છીએ.

અને આવા કેટલાયે ભ્રમો-વીભ્રમોના દુર્ગ રચી કાઢી તેની વચ્ચે આશાયેશથી વસવાટ કરવા… અતૃપ્તીના ધુંધવાટને ડામી દેવાનો પ્રયત્ન કરીએ છીએ.

પણ આપણી આશાયેશને ભ્રમનું કવચ છે. આપણાં મુલ્યોને મનોદૌર્બલ્યની આડશ છે. આપણી ઝંખના એ શાશ્વત મજાકનું સ્વરૂપ છે. અને આપણા જીવનને મૃત્યુનો નીર્મમ પાશ છે.

આપણા જીવનને વીંટળાઈ વળેલી આ ચીર કારમી પરીસ્થીતીમાં મુકતી અને સ્વાતંત્ર્યની વાત એ આપણી અસંગત માગણી છે, આસ્તીકતા, શ્રદ્ધા, મુલ્ય, શુભ અને મંગલમાં માન્યતા એ આપણી નરી સ્વપ્નશીલતા છે. અ-માનવીકરણ, પલાયનતા, સંવાદીતા અને સૌંદર્યલક્ષીતા તરફ મીટ એ આપણી અહેતુક કલ્પના છે. આ આખીયે સમસ્યાનો કોઈ ઉત્તર નથી, આ આખીયે અરાજક પરીસ્થીતીનો કોઈ માર્ગ નથી. આ ઠંડાગાર ગુંગળાવી દેતા અંધકારને કોઈ પ્રકાશ નથી. આ બધાનો કશો જ અર્થ નથી. અહીં કશું જ સત્ય નથી. મૌન, ગમગીની, નીસ્તબ્ધતા અને જીવનને ભીંસ દેતા પ્રત્યાઘતોની હીલચાલ સીવાય અહીં કશું ચેતન વરતાતું નથી.

અહીંનું જીવન તો મૃત્યુ – ઈંડામાંથી બહાર નીકળી ફરી મૃત્યુ – ઈંડાને સેવે છે, અને એટલે જ આપણે જ્યાંથી આવ્યા છીએ, ત્યાં પહોંચી જવા પુરતા જ ક્રીયાશીલ રહેવું જોઈએ – જેથી આ બેહુદી ગમગીનીનો જલદી અંત આવે.

તે અટક્યો.

એક મોટરનો તેજપ્રકાશ તેને અજવાળતો ઝડપથી વહી ગયો.

સામેના અરીસાની સપાટીને કતરાતી તેની નજર દુકાનો પસાર કરતી કરતી છેડે આવેલા તેના ઘર સુધી પહોંચી. ઘેર જવાનું ઔત્સુક્ય મરી પરવાર્યું હતું છતાં ઘરની સહીસલામતી અને છાપરા નીચના વસવાટથી તે તેના જીવનને જુદું તારવી શકતો હતો તે વીચારથી તેને થોડો સંતોષ થયો. ઘરના – એકલવાયા વસવાટમાં તેણે છાપરાની વળીઓ ગણી હતી. દીવાલ ઉપર ચોંટેલા ચીકણા બાવાઓમાં તેણે તેના વીચારોની સ્ફટીક કટકીઓ ગોપવી હતી. ઘરનાં ભીંત, ખુણા, છો, અસબાબ અને પાળેલી આંધળી બીલાડીના સાંનીધ્યમાં તેણે સમયના આગીયાને સ્થળની ડાળીએથી જુદો તારવી કાઢી પંપાળ્યો હતો. છોથી હાથેક ઉંચી દીવાલ પર તેણે પેન્સીલથી વર્ષો જુના લીટા કાઢ્યા હતા. બારીના લાકડાના ચોકઠા ઉપર પેનની અણી કાઢી હતી. દીવાલના પ્લાસ્ટરને નખથી ઉખેડી તેમાં સ્વપ્નાંઓની કાટ ખાધેલી રાજકુમારીઓ મુકી હતી. અને વાડાની ઉખડી ગયેલી જમીનમાં કોડી, પૈસો, સોપારી દાટી સમૃદ્ધ થવા પ્રયત્ન કર્યો હતો. પગથીયાં પાસે ઉગી નીકળેલા ઝાડની પાસે ખાડો ખોદી તેની નાળ દાટવામાં આવી હતી અને એ જ ઝાડ ઉપર ચડતાં તેણે કરોડરજ્જુ ભાંગી હતી. ઘરના કેટલાંયે વર્ષોના વસવાટે બારસાખ જીર્ણ બનાવી હતી. વાડામાં પડતી કોઈના ઘરની પછીતમાં બેઠેલા ગણપતીએ ગૌરવ ગુમાવ્યું હતું, અને તેની વૃદ્ધ માની કોરી કકળતી બકરીની ઘસાયેલી સાંકળ હજુ કરેણના થડીયા સાથે લટકી રહેલી હતી, છતાં એ જ ઘરના છાપરા નીચેની સલામતીમાં પહોંચી જવા તે હંમેશાં પ્રયત્નશીલ રહેતો.

દાતણ વેચવા બેઠેલા વાઘરીનું ફાનસ ફગ ફગ કરી બુઝાઈ ગયું. તેણે ગંદી ગાળ ઉચ્ચારી ખીસ્સામાંથી બાકસ કાઢ્યું. હાથનો ખોબો બનાવી દીવાસળીની જ્યોતને સ્મૃતીની જેમ જાળવી – તેણે પાટો ઉંચો કર્યો.

સળગેલા ફાનસની આજુબાજુ અસંખ્ય રાતાં-પીળાં જીવડાંઓ આવી ઉભરાયાં. તે બધાંના ઉડતા પડછાયાઓમાં કોઈ ઉર્ણનાભની નીષ્ઠુરતા હતી.

શેરીનાં પોલાં સાપોલીયાંને ચગદી નાંખતી ખચકાતી ચાલતી એક યુવતીના ગુંચળું વળેલી પેનીનાં તળીયાં આજુબાજુ એક જીવડું આવી ચકરાવો લેવા માંડ્યું. ડાબા પગની સુંદરતા પાસે જમણા પગનો ગુંચળું વળેલો કાચબો જુગુપ્સા પેદા કરતો હતો. જમીન ઉપર અર્ધવર્તુળ કરતો તેનો જમણો પગ જીવડાના ચકરાવાને કારણે થોભ્યો. સમતુલા જાળવવા મથામણ કરી તેણે ખસીને ચાલવા માંડ્યું. એક માખી ઉડી – ભ્રમરની વચોવચ જગ્યા કરી બેઠી. યુદ્ધમાં પગ ગુમાવી બેઠેલા સૈનીકની મનોદશા લઈ તેણે માખીને ઉડાવવાનો પ્રયત્ન કરી જોયો, પણ માખીએ ઉડી ફરી પોતાની જગ્યા પકડી રાખી. કપાળ વચોવચ માખીએ તેના સીંદુરીયા પગો ઘસ્યા. સ્કુલની શીક્ષીકાની ત્વરાથી તેણે તેનાં ચીહ્નો ભુંસી નાંખ્યાં. પગની આજુબાજુ ચકરાવો લેતા જીવડાને ખંખેરી નાંખ્યું. અત્યારના બે કલાકોને આંકની પેઠે ક્રમાનુસાર યાદ કરી ગઈ.

ખુબ સીફતથી ઓરડીના લાલચોળ કમાડને બંધ કરી તેણે પથારીમાં પડતું મુક્યું. વીહ્વળતાથી એક પછી એક કપડાંને દુર કરતા તેના હાથમાં કંપ વરતાતો હોવા છતાં તેમાં એક મરણીયો પ્રયાસ દેખાઈ આવતો હતો. પરસેવાની ગંધથી તેણે મોઢું ફેરવી લઈ, શરીર અને છાતી ઉપરના બળુકા દબાણ સાથે જમણા ગુંચળું વળેલા પગની ભીંસ દીધી.

હંમેશાં નડતરરૂપ થયેલા તેના જમણા પગે અત્યારે અજબનું કૌશલ બતાવ્યું. છાતી ઉપરનું પરસેવાનું એક બીન્દુ સરકી નાભીની ગુહામાં ઉંડે ઉતરી ગયું. બારણાંની સાંકળ પાંખાળા પતંગીયાની જેમ હવામાં ઉડવા માંડી તેના પગે અથડાઈ. તેણે નીચા લળી હાથની થપાટથી પતંગીયાને દુર કર્યું અને ભ્રમર વચોવચ બેઠેલી માખીને ખસેડી નાખી, ખચકાતી ચાલે તે આગળ વધી.

લંગડી પગે ઠેકતા જતા છોકરાની વ્યથાને ગણકાર્યા સીવાય, પકડાઈ જવાની બીકથી દુર ભાગતાં છોકરાંઓનું ટોળું સામેની ગલીમાંથી અચીંતું આ બાજુ ધસી આવ્યું. તે બધાંનાં મોઢાં ઉપર નાસી છુટ્યાનો ભાવ હતો અને માબાપોએ શીખવેલી ચાલબાજીનું ગૌરવ હતું.

ખચકાતા જતા શરીરની પીઠ પાછળ તે તાકી રહ્યો.

શેરીનો કોલાહલ એક પરપોટો બની વધારે ને વધારે મોટો થતો ગયો. છુટ્ટા લટકતા ચોટલાની પીળી બોનું ફુમતું અને પાતળા બ્લાઉઝમાંથી દેખાતા બોડીસના પટ્ટાને તેણે હાથ લાંબો કરી અડી લીધું. બાજુની દીવાલ પરની સ્વીચને ઓફ કરી ચારેબાજુ અંધારું ફેલાવી દીધું. અને ધીમે ધીમે બાજુની બારીમાંથી પ્રવેશતા આછોતરા અજવાળાની મદદ લઈ પટ્ટાને છોડી નાંખ્યો. તેણે કુદકો મારી હાથના પંજાની ભીંસ દીધી. હોઠની દૃઢ રેખાઓ વચ્ચે ફસાઈ પડેલો અવકાશ સ્થગીત થઈ ગયો. તેના પગની ભીની છાપો સળવળ કરતી માછલીઓ બની ગઈ. તે ઉભો જ રહ્યો. બાજુની કાળી સ્વીચ સેન્ડલ બની ગઈ. તેના ત્રીકોણની ધારદાર અણીઓએ તેને વીંધી નાખ્યો. અને શેરીનો ઉગ્ર વીંધાયેલો કોલાહલ ચીત્કાર પાડતો, અદૃશ્ય થયેલા પીળા ફુમતા પાછળ દોટંદોટ કરવા માંડ્યો.

ખીસ્સામાંથી રૂમાલ કાઢી તેણે કપાળ લુછ્યું. લંગડી પગે ઠેકતો આવતો છોકરો તેની પાસેથી પસાર થયો. પકડાઈ જવાથી બચવા દુકાનના પાટીયા નીચે છુપાયેલા છોકરાએ – તેની પીઠ બહાર કાઢી, બુમ પાડી, પોસ્ટના ડબ્બાને અઢેલી થાક ખાવા ઉભેલા છોકરાને ચીડવ્યો.

વાતાવરણનો પીંજી નાખેલો અજંપો ક્રમશ: વધતો જ ગયો. તેને પળવાર પોસ્ટના ડબ્બા પાસે હાંફતા પેલા છોકરાને અડી લેવાની ઈચ્છા થૈ આવી. આ ત્રાંસી-વંકાયેલી જગ્યામાં તે છોકરો કદી કોઈને સ્પર્શી શકશે નહીં એવું તેને લાગ્યું. દાવ લેનારાં છોકરાંઓ પાટીયા નીચેથી, ખુણાઓમાંથી, વળાંક પાસેથી તેમના બીલાડીયા ટોપ કાઢી ત્વરીત ગતીએ દોડાદોડી કરતાં જ હતાં.

પોસ્ટના ડબ્બા પાસે એક પગને બીજા પગના ઘુંટણ ઉપર ટેકવી તે ઉભો હતો – હતાશ થઈને. તે દાવ દઈ શકે તેમ ન હોય તેવું એની આંખોના ભાવ ઉપરથી લાગતું હતું. છતાં તે દાવ છોડી શકે તેમ પણ ન હતો.

તે રમત રમતો હતો. અને રમતને નીયમો હતા.

પોસ્ટના ડબ્બાને અઢેલી ઉભેલા છોકરાએ આજુબાજુ ચપળ નજરે જોઈ લીધું. અને પછી દોડતોક બાજુની શેરીમાં ગયો. જ્યાંથી – ઘરની ઓથમાંથી મોટાભાઈનો સહારો લઈ આ રમતમાંથી થોડો છુટકારો મેળવી લેવા.

પરંતુ બીજે દીવસે આ રમતના કળણમાં પડ્યા સીવાય તેને ચાલશે નહીં. એટલે ફરી એ જ મોટાભાઈની ઓથ લઈ આ રમતમાં દાવ લેવા – દાવ દેવા ઝંપલાવશે.

માત્ર એક આશ્વાસન છે કે રમતમાંથી થોડે થોડે અંતરે ભાગી છુટાય છે. જો દાવ દેવો જ પડે છે તો આ ભાગેડુ વૃત્તીથી કોઈ ફાયદો થાય છે કે કેમ તેનો ઉત્તર સાર્ત્રના કાટમાળમાં પડેલાં અશ્મીઓ જ આપી શકશે – જો તેનાં અશ્મીઓની બરડ સપાટીને કોચીને એક ખીજડાનું ઝાડ વીકસે તે પહેલાં એક ભાગેડુ છોકરાએ એને કોચી ન નાખ્યું હોય તો.

રસ્તાની સામી બાજુ ઉગેલા અશ્વત્થના ઝાડ ઉપર કેટલાક કાગડાઓ બેઠા હતા. તેમના બોદા પડછાયાઓએ અશ્વત્થની નીચેની જમીનમાં છીદ્રો પાડ્યાં હતાં અને એ છીદ્રોમાં ખુંપેલા બત્તીના થાંભલાની આસપાસ કેટલાંક જીવડાંઓ ઉડતાં હતાં.

નીચે શેરીના અણીયાળા રસ્તા ઉપર પસાર થતા માણસો ભયભીત ચહેરાઓ લઈ આગળ અને આગળ વધતા જતા હતા. અને ભગવાન તથાગતને નીર્વાણ સાંપડ્યું હતું. માત્ર આ લોકો મહાકાલના યજ્ઞમાં સમીધ બનવા એકબીજાથી દોરાઈ-ઘેરાઈ જતા હોય તેમ એ લોકોની હીલચાલ જોતાં લાગતું હતું.

અહીં આ સમુદ્રમાં ક્યાંયે ભગવાન તથાગત, ઈશુ કે મહાવીરનું સ્થાન નો’તું. તેમના ભેજવાળા શરીરનો કોહવાટ એકકોષી જીવ બની આ બધાનાં માંસ-મજ્જા-લોહીમાં ઓગળી ગયો હતો. તેઓ આ બધાના લોહીયાળ પડછાયાઓથી પર બની ચીરંજીવપદને પામ્યા હતા. અને હવે પછી પણ તેઓ જન્મ લે તો પણ અહીં તેમનો સમાવેશ અશક્ય હતો.

લંગડાતી જતી સ્ત્રી હવે ઘરે પહોંચી હશે. બજર દેવા બહાર બેઠેલી તેની વૃદ્ધ મા ઝાંખા કરેલા હરીકેનની વાટ ઉંચી કરી તેની પુત્રી તરફ અહોભાવથી જોઈ રહી હશે. સાડલો બદલાવતી તેની પુત્રીમાં પોતાનું યૌવન જોતાં પતી સાથે – વીતાવેલી કેટલીક રાતોને યાદ કરતી હશે. પતીના કાળમીંઢ બાહુપાશમાં રગદોળાયેલા શરીરની કરચલીઓમાં વર્ષોનો ઈતીહાસ ગણતી હશે. અને ત્યારે સહેજે પુત્રીના યૌવનને ખસેડી પોતાની પાસે ઉભેલી કોઈ વૃદ્ધાની બેસી ગયેલી છાતી અને – પાયોરીયાથી ગંધાતા મોં તરફ આનંદથી જોતાં તેનો વંચીત રહ્યાનો શોક દુર થતો હશે.

હરીકેનને ઉંચકી આ બન્ને વૃદ્ધાઓ રસોડામાં જઈ ચોકડીમાં પડેલા કાળા પ્રાયમસને પંપ મારતાં, આજીવન મૈત્રી ટકાવી રાખવાના મનસુબા ઘડતી હશે. અને મહાજનની લાણીમાં મળેલી થાળીમાં સવારનો ભાત કાઢી એકબીજા તરફ વ્હાલભરી નજરે જોઈ લેતા હવે પછી મળનારા આરામની ઝંખનામાં, ભવીષ્યની માગણીઓને વીસારે પાડી દેતી હશે.

અને બધું જ કેટલું વીચીત્ર છે!

એ લંગડાતી સ્ત્રીની સાથે તેણે લગ્ન કર્યાં હોત તો તે તેનો પતી હોત. હવે પછીનાં થોડાં વર્ષો બાદ તે જન્મ્યો હોત તો કદાચ તેનો પુત્ર હોત. થોડાં વર્ષો અગાઉ જન્મ્યો હોત તો તેનો પીતા પણ બની શક્યો હોત. અને એ જ મુર્ખ, જીવનથી વંચીત રહી ગયેલી માતાને પેટે જન્મ લીધો હોત તો તેનો ભાઈ બન્યો હોત.

અને આમાંનું કશું પણ બન્યું હોત તો તે કુટુંબનાં, તે લંગડાતી સ્ત્રીનાં બધાં દુ:ખ, અભાવને, પોતાનાં ગણી તે આપઘાતની મનોદશા લઈ જીવતો રહ્યો હોત. એ જ કુટુંબના વાતાવરણમાં બજર દેતી આંગળીઓથી ભરાયેલો ગંદો પ્યાલો, કોઈ મુગ્ધ સ્વપ્નમાં ઓતપ્રોત થયેલી ટુંટીયું વાળી સુતેલી – લચકાતી સ્ત્રી, ચોકડીમાં પડેલો ઘાસલેટીયો પ્રાયમસ અને વળગણી પર સુકવેલાં કપડાંની વચ્ચે – તે પણ કુટુંબનાં દુ:ખ અને અભાવની ચર્ચા કરતાં કરતાં સામ્યવાદી બન્યો હોત. માર્ક્સ, રૂસોનાં અજીઠાં શબોની નનામી ઉંચકી, આ જીવનની રૂખ બદલી નાખવાનો મનસુબો ઘડ્યો હોત. અને એક નીષ્ફળ જુસ્સો અને ખુમારી લૈ, જીવનની વાસ્તવીકતાને સ્વપ્નાંઓની આડશ આપી – આજીવન મુક્કીઓ ઉગામવામાં અને ક્રીયાશીલ રહેવામાં – સાર્થકતા ગણી હોત.

હરીકેનની વાટ વધારે ધીમી બની. ઘર વધારે પીળચટ્ટું બન્યું. લચકાતી સ્ત્રીએ ખાટલા ઉપર પડતું મુક્યું. તેની વૃદ્ધ મા માળા લઈ બાજુના ઓરડામાં આંખો બંધ કરી બેઠી. લચકાતી સ્ત્રીએ પડખું બદલ્યું. ખસી ગયેા ચણીયાને કારણે પીંડીની રુંવાટી દેખાઈ. તેની ઉપર શેરીમાંથી ઉડતી આવતી માખી બેઠી. ખસી, સરકી અને આગળ આગળ પગ વતી સુંઢને ઘસતી વધવા માંડી.

ગરમીને કારણે તેણે છાતી ઉપરના સાડલાને ખસેડી નાખ્યો. સુજી ગયેલી ભાંભરતી ટેકરીઓ વેલબુટ્ટાના રેશમથી છવાઈ ગઈ. અને એ રેશમ સાથે ચરણો ઘસતી પાડોશીની છોકરી ખુરસી ખસેડી સંકોચથી તેની સામે બેઠી. ઘડાતા જતા યૌવને તેની આંખની પાંપણ ઉપર વજન મુક્યું હોવાથી તેની દૃષ્ટી નીચે જ રહી.

અંગ્રેજીની એક ચોપડી ખોલી ટેબલની ટુંકી સપાટી પર ગોઠવી. નોટ ખોલી ફ્રોકમાંથી ઈન્ડીપેન કાઢી આંગળીઓનાં ગુલમહોર વચ્ચે ગોઠવી. તેણે ખમીસના એક બટનને ખોલી ઇંગ્લીશના ફકરાઓ, ભાષાંતર, વ્યાકરણ, અર્થો સમજાવવા માંડ્યાં. તે ક્યાંય સુધી બોલ્યે જ ગયો. છોકરીના હાથમાં રહેલી નોટ લઈ અર્થો લખતો જ ગયો. થોડીવાર માટે જરા અટક્યો. ખુરસીને અઢેલી લાંબા થવાનો પ્રયત્ન કર્યો. ઉભા થઈ કોગળો પાણી પીધું. અને ઘરની લાંબી એકલતાએ આપેલા ઝનુનથી ફરીવાર ખુરસી પર ગોઠવાયો. છોકરીની સામે થોડીવાર સુધી ટીકી રહ્યો. ગાલ ઉપરની ભુરી નસ, અને ગળામાં લટકતી સોનાની ઝીણી સાંકળીની વચ્ચે ઝુલતી તેની નજરમાં યુદ્ધ શરૂ થતાં પહેલાંની વ્યુહરચના અને તૈયારી હતી.

ટેબલ ઉપરથી પેન્સીલ ઉંચકી તેણે થોડીવાર હવા સાથે ઘસી. અને ત્યારબાદ ટેબલ ઉપર પડેલા બેઉ હાથો ઉપર ધીમે ધીમે ફેરવવા માંડી. છોકરીએ ગુંચવાઈ વધારે નીચું જોયું. પેન્સીલ ખસેડી તેણે આંગળી ફેરવવા માંડી. છોકરીનો દેહ એમ જ કંપારી અનુભવતો બેસી રહ્યો. થોડીવાર સુધી ગુલમહોર હવામાં ધ્રુજતો રહ્યો. લેસન ચાલતું રહ્યું. વેલબુટ્ટાનું રેશમ હવા સાથે ઘસાઈ પીગળી ગયું. તામ્રવર્ણી ટેકરીઓ સુર્યના અશ્વો તળે ચગદાઈ ગઈ. અને તેના ડાબલાઓના પડછંદાએ સુંઢ ઘસતી માખીને ઉડાડી દીધી.

શેરી તુરંગ જેવી લાગતી હતી.

આજુબાજુની બરાકોનાં ખુલ્લાં બારણાંમાંથી હજુ સુધી કોઈ કેદીએ નાસી છુટવાની મથામણ કરી ન હતી. બધા જ લપાઈ, ગુંચવાઈ ખુણાઓમાં સંતાઈ બેઠા હતા. અને કોઈ કદાચ નાસી છુટ્યો હોત તો પણ આજુબાજુની પરીસ્થીતીએ કોઈ બીજી બરાકના અંધારામાં તેની જગ્યા પસંદ કરી દીધી હોત.

બાજુના ઓરડામાં માળા ફેરવતી વૃદ્ધાએ માળાના લાલ ઉનને ત્રણ-ચાર વાર આંખે અડકાડ્યું. લક્ષ્મીના ખોળામાં માથું મુકી સુતેલા ભગવાન વીષ્ણુનું ત્રણ વખત નામ લીધું. આંખો બંધ કરી થોડી વાર બેસી રહી, ઉભા થઈ પાથરણાને ગડી કરી વાળ્યું. ગોખલામાં મુકેલા દીવાની જ્યોતમાં તડ-તડ અવાજ થયો. જ્યોત હલી. આખું ઘર ધ્રુજી ઉઠ્યું.

લાકડાની ગોળ ડબ્બીમાં માળાને ગુંચળું વાળી મુકી. ઘીના રેગાડા ઉતરવાને કારણે મલીન થયેલા ગોખલામાં બેઠેલા વીષ્ણુના મોઢા સામે થોડી વાર સુધી વૃદ્ધાએ ટીકી-ટીકીને જોયા કર્યું.

મરતી વખતે વૃદ્ધ લાભશંકરે જે દયામણી નજરે તેની સામે જોયું હતું એવી જ દયામણી દૃષ્ટીથી તે પણ અત્યારે વીષ્ણુ સામે તાકી રહી.

લાભશંકરને લકવો થયેલો. છેલ્લે સુધી તે બોલી શકેલા નહીં. માત્ર આંખોના પલટાતા ભાવો દ્વારા તેઓ વખતોવખત તેમની જીજીવીષા, કંટાળો અને લાચારી પ્રગટ કરતા રહ્યા.

ચાંદીની મુઠવાળી લાકડી લઈ લાભશંકર ખેસના છેડાને હલાવતા હલાવતા કોઈ પાડોશીના આટલે કોઈવાર બેસી પડી, હાથના ખરજવાને ખણતા ખણતા, ભુતકાળને વાગોળતા, આજના જીવતરની હાડમારીને કોઈ લોકવાર્તાનું રૂપ આપી, તેમાંથી લઈ શકાય એટલો આનંદ મેળવવાનો પ્રયત્ન કરતા.

તેનો પાડોશી રસ્તા ઉપરના માણસો ઉપરથી દૃષ્ટી સરકાવતો, તેલથી લચપચતું માથું દીવાલને અડકાડતો, આંખો ઉઘાડ-બંધ કરતા કરતા લાભશંકરની વાતમાં હકાર પુરાવતો. સુક્કા ખરજવાને ખણતા હાથ અને તેલથી લચપચતું માથું આ રીતે દરરોજ સાંજે ઓટલા પર હલતાં રહેતાં.

ત્યારે અચાનક એક દીવસ લાભશંકર લકવામાં સપડાઈ, ખરજવાને ખણવાનો આનંદ ગુમાવી બેઠા. પાડોશી વારંવાર ઉઘાડ-બંધ થતી આંખો દ્વારા આ કરુણ પરીસ્થીતીને પ્રમાણતો… ભારે હૃદયે, ઓટલા ઉપર બેસી, જીવતરના એકધારા વહનમાં, લાભશંકરના મૃત્યુના સમાચારથી, કંઈ નવીનતાનો સંચાર થશે એવો ખ્યાલ લઈ, વારેવારે, ઉતાવળે આવતા કોઈ માણસ તરફ લાલચુ કુતરાની જેમ ટીકી રહેતો –

કરોળીયાની લાળનો એક તંતુ હવામાં થોડીવાર ઝુમ્યો – લોલકની જેમ. અને તેના ખભા સાથે ચોંટી ગયો. આ સેતુબંધ ઉપર થઈ એક કરોળીયો નીચે ઉતરી આવ્યો.

સુર્યના છુટ્ટા લટકતા તાંતણાઓ લોથપોથ થઈ કદાચ કોઈ દીવસ, કોઈના ખભા, હૃદય, મન અને બાહુ સાથે ચોંટી સેતુ બનાવી દે, અને પછી એ સેતુબંધ ઉપરથી સરકી એક સાંજે સુર્ય પોતે પણ નીચે ઉતરી આવે.

એક ધર્મશાળાના ખાલીખમ દરવાજા પાસે ઉભો રહી વાતવાસો માંગે. અને ઓડકાર ખાતો રખેવાળ ધક્કામુક્કી કરતી શેરીના દરવાજા બંધ કરી દે. અને સુર્ય એક મજાનો પારદર્શક ભરવાડ થઈ તેના કાળા કામળાને મકાનોની ભુખાળવી આંખો ઉપર ઢાંકી દે –…

અશ્વત્થનું ઝાડ ધીમે ધીમે કાળું પડવા આવ્યું હતું. નીડમાં ઝંપી સુતેલાં પંખીઓની પાંખો બંધ હતી. અને તેમાં અંધકાર લપાઈ સુઈ પડ્યો હતો. સવારમાં પાંખ ખુલતાંની સાથે જ અંધકાર પણ ઉડી જશે. તેની સાથે પક્ષી પણ ઉડશે. અને અંધકારમાં તરવરતા મૃગજળની આંધળી બાષ્પ મેળવવા તેની ચાંચ ખોલશે. અને સુર્યનાં પીંખાઈ ગયેલાં પીછાંઓ વાતાવરણમાં આડાંઅવળાં ઉડ્યા કરશે.

રાતપાળીમાં જવા નીકળેલા મજુરોનું એક ટોળું, ગઈરાતની પાળીમાં પડેલા રૂના ઝીણા રજકણોને કારણે બંધાયેલા ખારા ચીપડાઓ લઈ, પસાર થયું. તેમની આંખો લાલ અને હાથો ગંઠાયેલાં હતાં. તેમના ઉતાવળાં પડતાં પગલાંમાં મરણીયાપણું હતું.

તેઓ જાગતા રહેવા માટે થોડી બેહુદી મજાકો કરશે. ગાળો ઉચ્ચારશે, બીડીઓ પીશે. અને ભંડકીયાની સ્ત્રીઓ સામે વારેવારે જોતા, પીળા દાંત બતાવતા, થુંકની ફુદડીઓ ઉડાવશે.

તેઓ બધા આ જ સ્વરૂપે, આ જ રીતે, જીવી શકે. આ સીવાયનું તેમનું બીજું રૂપ, બીજી રીત હોઈ જ ન શકે. તેમના છોકરાઓ પણ આ જ ચોકઠામાં ઘડાઈ, આ જ સ્વરૂપ પામી મોટા થશે – અને મૃત્યુ પામશે.

સામેની દુકાનનું ઉતરડાઈ ગયેલું લાકડાનું પાટીયું રીબાઈ મરી ગયેલાં ચીબરીનાં બચ્ચાં જેવું લાગતું હતું.

નાનપણમાં આ જ શેરીમાં રહી આવી કેટલીયે દુકાનોનાં પાટીયાંને ઠેકતાં ઠેકતાં તેણે રસ્તો પસાર કર્યો હતો. સ્કુલેથી બપોરે છુટી, ઘરે સૌ કરતાં વહેલા પહોંચી જવાના ગૌરવને હંમેશાં શીરે ધરી રાખી તે બંધ થયેલી દુકાનોનાં પાટીયાં ઠેકતો. આગળ સળીયા ધરી રાખી ટેકવેલા પાટીયા ઉપરથી ઠેકતાં તેણે ઘણીવાર ઘુંટણ છોલ્યા હતા. ઘણીવાર બાપુજી સાથે સાંજે કોઈ સંબંધીને ત્યાં જવા નીકળતો, ત્યારે આ જ દુકાનોનાં પાટીયાં તેની આંખની સમાંતર આવતાં. બાપુજીની આંગળી પકડી ચાલવામાં તેને પોતાના અસ્તીત્વની સાબીતી મળતી. આ રીતે ચાલવામાં તે બાપુજીનું પ્રીયપાત્ર હતો તેવું તેને લાગ્યા કરતું.

દરરોજ ઉબળ-ખાબળ રસ્તાને પસાર કરી એ જ ધુળવાળા પગે તે સાંજે પથારીમાં સુઈ જતો ત્યારે ફોટા પાછળ કબુતરે બાંધેલા માળામાં રહેલા ઈંડાના કવચને ભેદી પક્ષી બહાર આવશે તેની કલ્પના કરતો તે સામી બારીએ લટકતા…

દાદાજીના ફોટા તરફ આર્દ્ર નજરે જોઈ લેતો.

દાદાજીના ફોટા પાછળ તે હંમેશાં પોતાની પ્રીય વસ્તુઓ સંતાડતો. સીગારેટનાં ખોખાં, બાટલીનાં પતરાંનાં ઢાંકણ, લખોટી, જુદા જુદા રંગવાળી પેન્સીલ અને વાજાંની કમાન … આ બધી વસ્તુઓને સંતાડતો, કાઢતો, જોતો તે ધન્યતાની લાગણી અનુભવતો. – ત્યારે એક દીવસ અચાનક એક રંગીન કાચના ટુકડાને સાંતાડતા ઉંચા કરેલા હાથમાં થોડા તૃણનાં ડાંખળાંઓ આવ્યાં.

તેણે ચમકી વધારે ઉંચે ચઢી જોયું. એક કબુતરની પાંખ તેને અડી. – તે નીચે ઉતરી ગયો. – પોતાની છુપાવેલી કીંમતી વસ્તુઓ ઉપર માળો બાંધતા કબુતર માટે તેને પ્રેમ થયો એટલું જ નહીં, પરંતુ બાપુજીના ગોળ તકીયામાંથી રૂ, બાની દીવેટ બનાવવાની પુણી અને શેતરંજીના દોરાઓ કાપી કાઢી તે પોતે જ પોતાની જાતે ફોટા પાછળ મુકવા માંડ્યો.

કબુતર માળો બાંધતું ત્યારે તે રંગીન કાચમાંથી કબુતરની આ આખીયે ક્રીયા અવલોકતો. તૃણની અવ્યવસ્થીત રચના એ એક માળો હતો તે તેને તે દીવસે સમજાયું. અને એ માળામાં અસ્તીત્વ આકાર લઈ શકે તેનું પણ પ્રથમ જ્ઞાન તેને ત્યારે સાંપડ્યું. કબુતરી કલાકો સુધી એક જ જગ્યાએ બેસી ઈંડાને સેવતી. ઈંડાનું દ્રાવણ ગરમી મેળવી ધીમે ધીમે ઘટ્ટ સ્વરૂપ ધારણ કરતું. શરીર બંધાતું. અને બંધ પાંખો આકાશમાં ઉડવાની શક્તી મેળવતી.

ઈંડું એ પક્ષી હતું. ઈંડું એ પક્ષીની અવ્યવસ્થીત સ્થીતી હતી.

પક્ષી એ ઈંડું હતું. પક્ષી એ ઈંડાની વ્યવસ્થીત સ્થીતી હતી.

અને માળો એ કદાચ ઈંડું હતો અથવા કદાચ પક્ષી હતો. અથવા કદાચ તે પક્ષીના ઈંડા માટેના અથવા ઈંડાના પક્ષી માટેના સંઘર્ષની શોષાઈ ગયેલી ભુતાવળ હતો.

એક દીવસ ઈંડાને ભેદી પક્ષી બહાર આવશે. એક દીવસ માળાને છોડી બહારના વાતાવરણમાં ઉડવાનો પ્રયત્ન કરશે. અને એક દીવસ તે પોતે પણ ઈંડાં મુકશે, સેવશે. –

ત્યારે કદાચ દાદાજીનો ફોટો નહીં હોય. બાની દીવેટ બનાવવાની પુણી અને બાપુજીનો ગોળ તકીયો નહીં હોય. સંતાડી રાખેલી સમૃદ્ધીએ મુલ્ય બદલ્યું હશે. અને ઘરની સદાયે ખુલ્લી રહેતી બારી… અવાવરુ ઘરની દશામાં હંમેશ માટે બંધ રહેતી હશે. છતાંયે–કબુતરની સર્જનપ્રક્રીયા આ સ્થળે, બીજે સ્થળે, આ રીતે, બીજી રીતે, ચાલુ જ રહેશે.

દાદાજીના ફોટાના કાચની મેલી સપાટી ઉપર માખીએ ઈંડું મુક્યું હતું. તે ઈંડાંનાં બાકોરામાં છુપાયેલો પુરાતન વાયુ કરાંજતી ભેંસના નસકોરામાં જઈ તેને આપઘાત કરવાનું આમંત્રણ આપતો હતો. દાદાજીનો લીસ્સો ફોટો વીશ્વાસઘાત કરી શકે તેમ ન હતો અને એટલે જ તે સ્વજનની જેમ બારીના તીણા સળીયા ઉપર લટકી રહ્યો હતો.

દાદાજી વૃદ્ધ હતા.

તેમના તકીયાનો ગલેફ હંમેશાં મેલો રહેતો. તેમની પથારી નીચે થુંકવાનું એક વાસણ પડી રહેતું. અને છીંકણીની ડબ્બી વારેવારે ખોવાઈ જતી.

આંખના મોતીયાને કારણે તેમને બારી પાસે બેસતાં કબુતરો કોઈના કરચલી પડેલા ગળાના હડૈયા જેવાં લાગતાં. તે હંમેશાં પથારીમાં પડ્યા રહેતા. ચા પીવાની વારેવારે ઈચ્છા થતી ત્યારે મોતીયાને કારણે ભીની રહેતી આંખને પાંપણનો ઠેલો લાગતો.

દાદાજી ઘણીવાર બરફની, પહાડની, હરણની, સોનચંપાની વાર્તાઓ તેને સંભળાવતા. તે અપલક નેત્રે સાંભળી રહેતો. તેનું મન દાદાજીના ખાટલાની ઈસ છોડી બહાર ભટકવા નીકળી પડતું. બરફનાં તોફાનો વચ્ચેથી માર્ગ કાઢી, કેસરીયા ઘોડાને એડી મારતાં વીશાળ સરોવરના કાંઠે આવી ઉભું રહેતું. આજુબાજુનાં જંગી વૃક્ષોની ટોચ ઉપર ચડી જઈ માર્ગ શોધ્યા કરતું. સરોવરની મધ્યમાં પદ્મ ઉપર બેસી સ્નાન કરતી કોઈ મુક્ત કુંતલા રાજકુમારીના સાંનીધ્યમાં જઈ પહોંચતું. પહાડના પોલાણમાં સદાયે ઘોરતા રહેતા રાક્ષસની આજુબાજુ ડરતાં ડરતાં એક આંટો લેતું. સોનચંપાની પાંખડીઓમાં અટવાઈ પડેલી પરીને છુટ્ટી કરવાનો પ્રયત્ન કરતું, અને હરણની નાભીને અડી વહેતા પવનની વારેવારે ગંધ લેતું –

દાદાજી વાર્તાઓ કહેતા રહેતા. વચ્ચે ખાંસ્યા કરતા. ભીના રૂમાલથી આંખો લુછતા. તેમના અવાજમાં કંપ વરતાતો અને તેમની કણસતી આંગળીઓ હંમેશાં ધ્રુજ્યા કરતી.

મેલા ઓશીકા નીચેથી ઘણી વાર પૈસા કાઢી બહારથી ખાવાની ગોળીઓ મંગાવતા. બોખા મોઢામાં ગોળીઓ મુકી ચગળતા ચગળતા કોઈ કોઈવાર મૌન બની જતા – ત્યારે સંત જેવા લાગતા. માત્ર તેમનું બોખું મોઢું ચાલતું રહેતું અને લાળની ઝીણી સેર ત્રુટક ત્રુટક નીચે ઝર્યા કરતી.

દાદાજી વાર્તા કહેતા.

“એક નગર હતું – ખુબ જ વીશાળ. તેનો દુર્ગ સોનાનો હતો. અને જમીન રૂપાની. તે નગરનો રાજા દરરોજ માણસોને ઉકાળી ઉકાળી તેનો કાવો પીતો. અને એટલે જ તે અદૃશ્ય રહી શકતો. તેને શ્રાપ હતો – જે દીવસે તે દૃશ્ય બનશે તે દીવસે તેનું મૃત્યુ થશે. નગરના માણસો ભુખરા સમુદ્રકીનારે ઉભા રહી પક્ષીઓ પકડતા અને પક્ષીઓની ચાંચમાંથી મરેલાં માછલાંઓ બહાર કાઢી જાળમાં વીંટતા – અને એટલે જ તે બધાં સુખી હતાં.

નગર વચોવચ એક કુવાસ્થંભ હતો – સીધો, સપાટ અને ઉંચો. તેની ટોચે બે આંધળી આંખો ચોંટાડેલી હતી, જે નગરની નાકાબંધી કરતી.

કુવાસ્થંભ ઉપર કોઈ ચડી શકતું નહીં, પણ તેની ઉપર ચડી શકનારને રાજાની લીલાંછમ ફુલ જેવી પુત્રી પરણાવવામાં આવતી. પણ તેની ઉપર કોઈ ચડી શક્યું ન હતું.

એક દીવસ જ્યારે પવન પારીજાતક બની ગયો ત્યારે એક યુવાન કુવાસ્થંભ પાસે આવી ઉભો રહ્યો. બધાએ જાણ્યું કે એક યુવાન કુવાસ્થંભ ઉપર ચડવાનો છે… એટલે બધા તેમની જાળો લપેટી લઈ, પક્ષીઓને ઈંડાં મુકવાનો સમય આપવા, નગર વચોવચ દોડી આવ્યા.

યુવાનની આંખો કુવાસ્થંભની ટોચે મંડાઈ. કુવાસ્થંભની ટોચે યુવાનની આંખો સામે મીટ માંડી. માણસો આંધળાભીત થઈ ધક્કામુક્કી કરવા લાગ્યા.

યુવાને કુવાસ્થંભની ગોળાઈને બાથમાં લીધી. પક્ષીઓએ ઈંડા મુક્યાં. યુવાન થોડો ઉંચે સરકી આવ્યો – અને અધુકડો બની કુવાસ્થંભને લટકી રહ્યો. તેના પગ ફાંસી ઉપર લટકતા માણસની જેમ લટકી રહ્યા. તેણે શરીરને ફંગોળ દીધો અને ઠેલો મારતાં મારતાં તે કુવાસ્થંભની ટોચે પહોંચી ગયો.

માણસો હરખ્યા. રાજાએ કાવો પીધો.

પણ ઉપરની ટોચે, નાની ઉભડક જગ્યામાં ઉભા રહી શકાય તેવી વ્યવસ્થા ન હતી. ટોચની આંધળી બે આંખો વારે-વારે ઉઘાડ-વાસ કરતી અનેક પ્રતીબીંબોને પાછા ધકેલતી હતી. અને નીચે ઉતરવાનો કોઈ માર્ગ ન હયો.

માત્ર એક જ રસ્તો ખુલ્લો હતો – આત્મહત્યા કરવાનો!

અને યુવાને કુવાસ્થંભને બાથમાં લીધો. હાથ ઉપર વજન આપતાં શરીરને નીચે સરકાવવા માંડ્યું અને તે નીચે ઉતરી આવ્યો. નીચે ઉભેલા માનવસમુદાયમાં ભળી ગયો. અને કોઈ તેને ઓળખે તે પહેલાં આ વીશાળ માનવસમુદાયનું એક અંગ બની અંદર ગુમ થઈ ગયો.

માણસો અકળાઈ તરસે મરી જતા હોય તેમ ભુખરા સમુદ્રકીનારે દોડી ગયા અને માછલીઓના પડછાયાઓમાં સુરજ સળગવા માંડ્યો.”

દાદાજીની વાર્તા પુરી થતી. તેમની ગમગીન આંખોના ઉંડાણ સુધી પહોંચવા મથતું તેનું મન ત્યાંનું ત્યાં જ અટકી… કુવાસ્થંભની ઉંચાઈને આંબવાનો પ્રયત્ન કરવા મંડી પડતું. દાદાજીના સુક્કા… વાળને ઉડાવતો પવન તેઓ બેઉ વચ્ચે મૌનની જેમ પથરાઈ રહેતો. અને… બહારના વાડામાં ઉગેલા ઝાડની ડાળી, પક્ષીના અચાનક બેસવાના ધક્કાથી પર્ણોના સમુદાયને થથરાવતી ક્યાંય સુધી હલ્યા કરતી.

દાદાજીનો કૌવત વગરનો હાથ રૂમાલ શોધવા ઓશીકા નીચે ફરી વળતો. દાદાજીની નીસ્તેજ સફેદ આંખ વળગણી પર સુકવેલાં કપડાં જેવી લાગતી. નાકમાંથી નીકળી નીચે લટકતાં બે-ત્રણ વાળ અને કાનની વીંધાયેલી બુટનું કાળું પડેલું છીદ્ર તેની દૃષ્ટીનું કેન્દ્ર બનતાં.

દાદાજી મલકી પડી કોઈ-કોઈ વાર તેના ખભા પર હાથ રાખી દીવાલ પરની ગરોળી બતાવતા. તુટી ગયા છતાં ગરોળીની પુંછડી હાલ્યા કરે છે, તેવી ખપ પગરની માહીતી આપતા. અગાઉના વખતમાં રાજા અંધારપછેડો ઓઢી કઈ રીતે નગરની ચર્ચા સાંભળવા નીકળતો તેની સમજણ આપતા. અને પોતાના મૃત્યુ બાદ વાડામાં પોતે રોપેલા બારમાસીના છોડનું જતન કરવાનું તેની પાસેથી વચન લેતા.

તેમની લાંબી બીમારી વખતે ખાટલાની પાંગત પર બેસી પડી ઘણી વાર તે મેલા ધોતીયા નીચેથી દેખાતા તેમના દુર્બળ સાથળને જોઈ… રડી પડતો.

તેમના ધ્રુજતા હોઠ કોઈ રાજકુમારની વાર્તા કહેવાનો પ્રયત્ન કરવા હલી ઉઠતા. અને દુરના રસોડામાંથી આવતા બાના અવાજમાં… તેમના સંકેતો કોઈ બાળકની નીરર્થક ક્રીયાનો પરીચય આપતા.

અને આ રીતે એક દાદાજીનું મૃત્યુ થતું.

અને આ એક દાદાજીના મૃત્યુ બાદ તેનાં બે જુનાં પહેરણ અને ત્રાંસા થયેલા બુટની જોડી કોઈ ભીખારીને દાનમાં મળતી.

તેના ઓશીકાના કવરને ધોબીને આપવામાં આવતું.

અને આ એક દાદાજીના ફોટાને ઘરની દીવાલ પર ફ્રેમમાં મઢી લટકાવવામાં આવતો.

તેનું ખીન્ન મન બહારનાં મકાનોને અડતું રસ્તા ઉપર ફરવા નીકળી પડતું. બાજુના મકાનની દીવાલને ચીટકી રહેલી કોઈ ઉન્નત ગ્રીવા ખીસકોલીનો સ્પર્શ પામી, રસ્તા ઉપર ઢોળાયેલા પાણીના ધાબાને પસાર કરતું, શેરીના વળાંક પાસે આવી ઉભું રહેતું.

અહીંની ત્રીકોણ ફુટપાથ પર લાડકાનાં ખપાટીયાંની ઘોડી મુકી, રંગબેરંગી કાગળનાં ફુલોને… ગંઠાયેલી આંગળીઓ વતી ગોઠવવાનો પ્રયત્ન કરતો, ડાબા હાથે આંખના પાણીને લુછી કાઢતો એક ચીનો હંમેશાં ઉભો રહેતો.

તેની આંખના ખુણામાં એક ચીપડો હંમેશાં બાઝી રહેતો.

તે તેની ચીપડાવાળો ચીનો કહેતો.

તે દમીયલ હતો. તેની ભ્રમર ખેંચાઈ ગયેલી અને ગુચ્છાદાર હતી. તેની દૃષ્ટી, દૃશ્યો ઉપરથી પસાર થયા વીના, ગમે તે એક દૃશ્યને ચીટકી રહેવા તૈયાર રહેતી. તે ખાંસતો ત્યારે તેની એકાએક રગમાં લોહી ખેંચાઈ આવી એકઠું થતું. તેના હોઠના ખુણા હંમેશાં લાળના ફીણથી ભરાયેલા રહેતા.

તે ફુલ વેચતો.

ક્યારે તે ફુલ બનાવતો, ક્યારે કાતરના લોખંડી પાંખીયાને આંગળીઓમાં પકડી ફુલને આકાર આપતો… તે બધું તેનાથી અજાણ હતું. ઘણી વાર દુર ઉભા રહી તે આંગળી લાંબી કરી જુદા જુદા રંગનાં ફુલો ઉપર પોતાનો અધીકાર સ્થાપતો. અને તે ચીનો પણ તેના અધીકારને ઉવેખતો નહીં જ.

તે ઘરની હુંફમાં દાદાજી પાસે બેસીને ક્યારેક આ ચીપડાવાળા ચીનાની વાત કરતો. દાદાજી હસતા. તેમની હડપચી પર થુંકનો રેલો આવતો.

તે ચીપડાવાળા ચીનાનું ઘર કોઈ ગંદી ચાલીમાં હશે. તેના ઘરમાં રંગબેરંગી ચીકણા કાગળ અને ગુંદરની શીશી રખડતાં હશે. એક શણીયાનો રજોટાયેલો ટુકડો કોઈ ખુણામાં પડ્યો હશે. રંગની ડબ્બીઓનાં ઢાંકણ એક પાટીયા ઉપર એકઠાં થયાં હશે.

તે એકલો હશે તો તેના ઘરની એકલતામાં ક્યારેક તેને ન સમજી શકાય તેવું દુ:ખ થતું હશે. તે આ ભુમીનો નહીં હોય તો ક્યારેક તેને પોતાના દેશમાં પાછા ચાલ્યા જવાની ઈચ્છા થતી હશે, તેણે બે યુદ્ધની ભયંકરતા જોઈ હશે તો કદી કદી તેને આજુબાજુના પાડોશીઓની લાચારી પર વહાલ પ્રગટતું હશે. યુદ્ધમાં તેનો છોકરો મરાયો હશે તો ગંદા ખોરડામાં માથાં ઝુકાવી બેઠેલા વૃદ્ધોને પયગંબરની વાતો સંભળાવતાં તેને તૃપ્તી થતી હશે –

જે હોય તે –

પરંતુ તેનાં ફુલો… તેને જ રીતે વ્યાકુળ બનાવતાં હતાં, તેનો ચીપડો તેનામાં જે જુગુપ્સા પેદા કરતો હતો, તેના ધ્રુજતા હાથ તેનામાં પુર્વે કદી ન અનુભવેલો સંતાપ પેદા કરતા હતા, અને તેનું વંકાયેલું મોં તેને જે ઉત્તેજના આપતું હતું તે બધું તેના માટે નવું હતું.

તે દરરોજ આવતો. શીયાળાની ઠંડીમાં તેના જુના મફલરમાં તેનું ગળું લપેટતો.

તેને હંમેશાં જોતાં જોતાં તે ધીમે ધીમે મોટો થતો જતો હતો. તેનાં એકેક વર્ષ તેને કેટલાયે વીચીત્ર અનુભવ આપતા જતા હતા. છતાં તે બધા વચ્ચે દમીયલ ચીનો તેનાં ફુલોની ઘોડી લઈ, કોઈ વીહ્વળતાનો અનુભવ કરાવતો… ક્યારે તેનામાં આવી ગોઠવાઈ જતો તેનો તેને કદી ખ્યાલ આવતો નહીં.

આજે આટલાં વર્ષે જ્યારે આ રસ્તા ઉપર માણસોની અવરજવર વધી છે, દુકાનોની બારીઓ કાચની બની છે. અને દાદાજી મૃત્યુ પામ્યા છે ત્યારે એ દેખાતો નથી. તે કદાચ તેની જન્મભુમીમાં પહોંચ્યો હશે તો પણ તેનું ખસીયાણું મોઢું અને આંખોની અપલક દૃષ્ટી તેની તે જ રહી હશે.

તેના ધ્રુજતા હાથ હવામાં ફુલોના આકારની ભાતમાં હલ્યા કરતા હશે.

આટલાં વર્ષે આજે તે ઘણા અનુભવમાંથી પસાર થૈ ચુક્યો છે. ઘણુંયે સમજવા માંડ્યો છે. પણ ચીપડાવાળા ચીનાનાં રંગીન ફુલો, તેનું વંકાયેલું મોં અને પોતાના અંગર વચ્ચે જે એકત્વ ઘનીભુત થયું છે તેનું રહસ્ય દાદાજીના મૃત્યુ પછી પણ તેને સમજાયું નથી.

શેરીના લાંબા માર્ગ પાસે ઉભા રહી તેણે જોયા કર્યું છે – જ્યાં એક દીવસ આવી જ દૃષ્ટી લઈ એક ચીપડાવાળા ચીનાએ જોયા કર્યું હતું. અને દાદાજીની નીસ્તેજ આંખોએ જે રીતે છતની દીવાલને તાક્યા કરી હતી. માત્ર તાકતા રહેવું એ જ તેના જીવનનો એક પ્રતીકાર હતો, જે પ્રતીકાર તેના દાદાજીને જીવનની અંતીમ પળોમાં સાંપડ્યો હતો.

ખાલીખમ પ્રકાશ પાનવાળાની દુકાન પાસે ઉભેલી ઘોડાગાડીને અજવાળતો હતો. ગાડી ખાલી હતી. અશ્વની કરકરી જીભ લગામના લોખંડને ચાવી રહી હતી. તેની જાડી, નઠોર ચામડી ઉપર ચોંટેલો પ્રકાશ તેની રેબઝેબ પીઠને વધારે ખરબચડી બનાવતો હતો. તેના બહાર નીકળી ગયેલા પાંસળામાં કોચવાનનું હરીકેન નીરાંતે લટકતું હતું, અને તેની પત્ની રસોડાનાં ભુખાળવાં બારણાં બંધ કરી, ભરવાડના બરછટ હાથે દોવાયેલા દુધમાં મેળવણ નાંખી રહી હતી… અને અશ્વના સખત દાબડાઓમાં છટકી જવાની પ્રતીક્ષા કરતો જીવ પ્રવાસ માટેની તૈયારી કરી રહ્યો હતો.

આકાશ મલીન હતું. હવા સાબદી બની હતી. લંગડાતી ચાલતી છોકરી પથારીમાં પડી સુવા પ્રયત્ન કરતી હતી. તેની વૃદ્ધ મા શેતરંજીના કટકા ઉપર પડી પડી કબાટમાં ઢાંકેલા દુધની મલાઈ વીશે વીચારતી હતી. ચીપડાવાળો ચીનો તેની ભુમીમાં પહોંચ્યો હતો. અને ખુણાની દુકાનનો ઘડીયાળી સુક્ષ્મદર્શક કાચનો કચકડો આંખનાં હાડકાંઓ વચ્ચે ગોઠવી, ચીપીયા વતી ઘડીયાળના એક્કેક ભાગને ઉંચકી તેને ગોઠવવાનો પ્રયત્ન કરતો હતો.

આ બધા લોકો જીવતા હતા અથવા તો જીવવાનો પ્રયત્ન કરતા હતા.

અને ઘડીયાળી હાથના ચીપીયા વતી–જુદા જુદા ભાગોને ઉંચકી, બ્રશ વતી સાફ કરતાં કરતાં બેધ્યાનપણે શેરીમાં ડોકીયું કરી લેતો હતો. સમારકામ માગતા યંત્રના વીધવીધ ભાગો ઉપર તેનું બ્રશ, તેનો ચીપીયો, અને આંખોની સુક્ષ્મદર્શક કાચને કારણે બનેલી તેજદૃષ્ટી–ફરતી રહેતી હતી. તેની દુકાનની ભીંત ઉપર લટકાવેલી ઘડીયાળો ભીન્ન ભીન્ન સમય બતાવતી હતી. શો-કેસમાં ટાંગેલી કેટલીક ઘડીયાળો બંધ પડી – મૃત્યુ પામી અક્કડ બનેલા દેડકાના શબ જેવી લાગતી હતી. અને કાચની લીસ્સી સપાટી પર ધુળ જામી હતી.

ઘડીયાળીએ કચકડાને આંખથી દુર કર્યો. બાજુમાં પડેલા ગોળ કાચવાળાં ચશ્માંને સાફ કર્યા સીવાય પહેર્યાં. દુકાનનું તાળું શોધ્યું. એક પુંઠાના કટકા વતી ગ્યાસતેલના વાસણને ઢાંક્યું. અને ખુબ જ કુનેહપુર્વક દુકાનનું પાટીયું ઉતરી ગયો.

કાલે સવારે દુકાનના પાટીયે ત્રણ વખત લળી તે બારણું ખોલશે. આંખનાં ગોળ ચશ્માંને બાજુમાં મુકી સુક્ષ્મદર્શક કાચના કચકડાને આંખની સામે ગોઠવશે. ગોળ ચશ્માં વતી જોયેલાં બહારનાં બધાં દૃશ્યોને ભુલી જઈ તે ચક્રો, કમાન અને સ્ક્રુના ઘસારાને, તુટી ગયેલા ભાગોને નીરખશે. સાંજે કચકડાને દુર કરી ચશ્માં પહેરશે, દુકાનની બહારનાં દૃશ્યોને આંખો તાણી-તાણી જોશે. અને કચકડાએ બનાવેલી કુવા જેવી બીહામણી આંખો લઈ… ઘરનાં નાનાં બાળકો સાથે ગમ્મત કરવાનો પ્રયત્ન કરશે.

પ્રયત્ન કરશે.

બધા જ જે રીતે ગુલામ વાવવાનો, શાકભાજી ઉગાડવાનો, બાળકોને શીક્ષણ આપવાનો, નોકરી મેળવવાનો પ્રયત્ન કરે છે તેમ જ. અને કદાચ તે પ્રયત્ન નહીં કરી શકે તો તેની ગમ્મત એક ગંભીર બાબત બની જઈ તેનાં બાળકોને અકળાવશે.

કદાચ પ્રયત્ન કરવા છતાંયે તે ગમ્મત નહીં કરી શકે તો તેનાં બાળકો ગંભીર બની જશે.

કદાચ તેનાં બાળકો ગમ્મતી બનશે તો તે ગમ્મત કરવાના પ્રયત્નમાં સફળ નીવડ્યો છે એવું સાબીત થશે.

કદાચ તે ગંભીર હશે તો ગમ્મત નહીં કરી શકે.

કદાચ તેનાં બાળકો ગમ્મતી હશે તો તેઓ ગંભીર બાબતોની ગમ્મત કરી શકશે.

કદાચ તે ગમ્મતી હશે તો ગંભીર નહીં રહી શકે.

અને આ બધાંની વચ્ચે તેની પત્ની ગંભીરતા અને ગમ્મત વચ્ચેની કોઈ સ્થીતીમાં રહી… તેનાં બાળકોને અપ્રીય બનશે, અથવા તેના પતીને પ્રીય બનશે, અથવા તેનાં બાળકોને પ્રીય બની પતીને અપ્રીય બનશે, અથવા બંનેને પ્રીય બની, રસોડાના, પરસાળના, પાડોશીના વાતાવરણમાં… નવરાશના થોડા કલાકો પસાર કરી, આનંદ મેળવવાનો પ્રયત્ન કરશે.

– અને એ રીતે પ્રયત્ન કરતા કરતા ખાંગા થયેલા આકાશની પશ્ચીમ દીશામાં સુર્ય ઢળી જશે.

એક બીલાડી રસ્તો ઓળંગવાનો પ્રયત્ન કરશે. પીળા પડવા આવેલા અંધકારને કારણે તેની ભુરી બનેલી આંખોની કીકી વધારે પહોળી બનશે. શરીરની મખમલી રૂંવાટી ઉપર બેઠેલું એક જીવડું વધારે… ઉંડે ઉતરી – વધારે ઉંડે ઉતરશે. પગના બહાર નીકળી આવેલા તરડાયેલા નહોર જમીનની સપાટી ઉપર છીદ્ર કોતરશે.

અને કોઈના ઘરના કેરોસીનના દીવાની જ્યોત… પવનનો ઠેલો ખાઈ કાચના પોટાને વધારે ઘેરો બનાવી, ઘરના પીળા પ્રકાશને વધારે કાળો બનાવશે.

ત્યારે રસોડાનાં બારણાંની તીરાડમાંથી બહાર નીકળેલો વંદો… રાજશી ઠાઠમાઠમાં હવામાં થોડી વાર તેની મુછો હલાવશે. બે ઘડી માથું નમાવી દબદબાપૂર્વક આજુબાજુની જગ્યાનું અવલોકન કરશે. આજુબાજુની જમીનમાંથી આવતી ખોરાકની ગંધને પારખવા મથી… થોડો આગળ સરકી આવી… ઉંબરાના લાકડા ઉપર પોતાની જાત ગોઠવશે. કાળી પડવા આવેલી ચીકણી જમીનના પોપડાઓની ગરમી મેળવી… કુટુંબના એક સભ્યની માફક… આ પરીચીત વાતાવરણમાં સહીસલામતીની પરવા કર્યા સીવાય પાંખોને ઉઘાડ-બંધ કરી થોડાં જંતુઓ નીચે ખેરવશે. અને પારણામાં સુઈ રહેલા કોઈ બાળકની માફક જાગૃતી ગુમાવી પાંપણ વગરની આંખોને તંદ્રાળુ બનાવશે.

– – – ત્યારે તેની મુછો હવાના વહેવા સાથે આડીઅવળી હલ્યા કરશે.

ત્યારે તેના કરકરીયાવાળા પગ લાકડા સાથે મજબુતીથી ચોંટેલા રહેશે.

ત્યારે તેની બીડાયેલી પાંખોની ભીતરમાં રહેલો ગર્ભ થોડો સંચાર કરી તેના અસ્તીત્વની સાબીતી પુરશે.

અને ત્યારે લાકડાનું મજબુત બારણું ગૃહીણીના કુણા હાથો વડે ખેંચાઈ, ઉંબરાની ઈસ સાથે બરાબર ગોઠવાઈ જૈ બંધ થશે.

છતાંયે પથારીમાં પડેલી લંગડાતી સ્ત્રીની આંખો પાછળ આકાર પામતું કોઈ ઝાકળીયું સ્વપ્ન જરા પણ ખલેલ વગર બારણાંને વીંટળાયેલા અંધકારને ખસેડી બારણાંને ખોલશે. –

બારણાંને અઢેલી બેઠેલો પુષ્ટ વૃષભ બાજુમાં સરકી જઈ, નીચાણવાળી ગલીના મંદીર પાસે આવી ઉભો રહે છે. તેની શ્વેત પુચ્છને ચોંટેલું આકાશ, મૃગજળના ડુંગરાઓ ઉપર એક વંડી ચણી દે છે અને એ વંડીની સીમાને કુદી જૈ કોઈ છાયા રતાળવા સરોવરના ભીંગડા જેવા બાકોરા પાસે ભરપેટ નગ્નતા માણવા અટકી પડે છે.

એક ચમકતું ચામાચીડીયું વેગે ધસ્યા આવતા ડુસકું ભરતા ઉંદરની ડોક પકડે છે. લોહીની ધારની આજુબાજુ તુર્ત જ હજારો ચોરસ ધુળીયા મંકોડાઓ આવી વીંટળાઈ વળે છે અને ચમકતું ચામાચીડીયું તેના પડછાયે પડછાયે માથાં પટકે છે.

બહાર ઝાકળના વાદળી નદીશા બીલ્લીપગોની આંખો મીંચાઈ જાય છે. ડામરના રસ્તા ઉપર ફરતું એક ડુક્કર એકદમ તેનું હુંફાળું નાક છીંકે છે. અને રસ્તા ઉપર તેના યુવાન નખો ભરાવે છે. બાજુમાંથી પસાર થતી છાયાનાં પ્રવાહી વસ્ત્રો ખરડાયેલી નગ્નતાને ઢાંકી શકતાં નથી. એટલે ડુક્કરનાં સળગતાં આંચળોની ત્વચામાં પેસી જૈ આશાયેશ મેળવે છે.

અને તેના કંપતા હાથોના ગભરાયેલા નખો સાથળ ઉપર ઉઝરડા પાડે છે, ઉઝરડા પાડે છે.

અને એક એક ઉઝરડામાં અંધારા ઓરડામાં ટમટમતું લાલચોળ હરીકેન, ગમાણમાં બાંધેલા ઢોરની જેમ, પછડાટા મારે છે. તેના પછડાટા ઘાસની પીળી પચકેલ સળીઓને આજુબાજુ ઉડાડે છે. ઘાસની પીળી પચકેલ સળીઓ – ઓરડાની કાળીધબ દીવાલને આગળ પાછળ ખસેડે છે.

અને ઓરડાની કાળીધબ દીવાલોની વચ્ચે વસ્ત્રવીહોણી કાયા તેનાં વસ્ત્રોની અડાબીડ વનસ્પતી વચ્ચે અટવાય છે, ધુંધવાય છે. –

તેની વૃદ્ધ મા બાજુમાં મુકેલી દીવાની વાટ ધીમી કરી, પોપચાં બીડી દે છે. દાદાજી પોપચાં બીડી દે છે. તેના પીતાજી, તેની મા, પોપચાં બીડી દે છે. તેના પીતાજીની મા, તેની માના પીતાજી પોપચાં બીડી દે છે.

કેસુડાંની ડાળ અંધારાના ડામર નીચે એકલ, મુંઝાતી, પોપચાં બીડી દે છે.

અને અહર્નીશ ચાલતી આવતી પોપચાં બીડાવાની ક્રીયા છતાં સદંતર બધાં પોપચાં એકીસાથે કદી બંધ થયાં નહીં.

કદી અંધારના ડામર નીચે રોળાઈ ગયેલી કુંપળ ડામર બની નહીં. કદી ડામર કુંપળ બની શક્યો નહીં. અનેક નવાં પોપચાં આંખ ઉપર ઠરેલા અંધકારને ધીરે ધીરે દુર ખસેડી, વાતાવરણમાં ખુલતાં જ ગયાં.

પોપચાં બીડાવાની ક્રીયા એની એ જ રહી. પોપચાં ખુલવાની ક્રીયા એની એ જ રહી. અને પોપચાં નીચેની નીસ્તેજ દૃષ્ટી એની એ જ રહી.

યુગો પહેલાંનું જાબાલી મુનીનું સત્ય બોલવું એટલું જ મીથ્યા રહ્યું. યુગો પહેલાંનું યુધીષ્ઠીરનું અસત્ય બોલવું એટલું જ મીથ્યા રહ્યું. યુગો પહેલાંનું સત્ય એટલું જ અસત્ય રહ્યું.

અને એટલે જ ઝાંખી અને સપાટ શેરી ઉપરનો આથમી ચુકેલો સુર્ય… પંખીના માથા જેવો બનતો છેલ્લે રાખોડી રંગના શણીયા નીચે છુપાઈ ચપ્પટ બની ગયો.

અનાવશ્યક મનુષ્ય તેના પુર્વજોનું ડહાપણ ડોળતો થોડોક વીશેષ ઘોંઘાટ મચાવી – ઈતીહાસના શબ નીચે છટકી જવા, શેરીના ઓલવાતાં ઝાડવાંની હારમાંથી બહાર નીકળી ઘર તરફ જવા આગળ ધપી રહ્યો.

વ્યર્થ ઉદ્દેશો અને અકારણની ક્રીયાઓ વચ્ચે જીવતો તેનો આત્મા પૃથ્વીની શુષ્ક ધુળને સગૌરવ માથે ચડાવવા અહીંતહીં ભટકી રહ્યો છે, હતો. હશે.

અહીંના એકેએક મનુષ્યના ચીત્તમાં ઘર કરી બેઠેલો સંદેહ, અધીકાર, મહીમા, તેમના શેખીખોર આડંબરી શબ્દો, તેમનું હસવું, રડવું, પ્રેમ, સ્વજનો સાથેનો વાર્તાલાપ, તેમની દીનતા, તેમના ઉપકારો, આદર્શો, આવશ્યકતાઓ, તેમના ભારેખમ ચહેરાઓ, આર્તનાદો, અસંગતીઓ, યાતનાઓ, ઉદ્દેશો, જડતા, તેમનું સર્જન, કલા, સંદીગ્ધતા વગેરે બધું મીથ્યા.

તેમનું સ્વમાન સાચવવા તેમણે ડેલીના ભાંગેલા કમાડ પાસે ઉભા રહી પાડોશીઓ સાથે કરેલા ઝઘડાઓ, તેમની આજીજીઓ, તેમના આનંદો… ઓફીસોનાં બારણે બેસી રહી તેમણે વીતાવેલા કલાકો, પત્ની સાથેની પશુતાભરી રાતો,

હોસ્પીટલોના પલંગ ઉપર પસાર કરેલી અશાન્તીની પળો, પુત્રોનાં ધામધુમથી કરેલાં લગ્નો, શોકાતુર બનેલી આંખો, ચહેરાઓ, હાઈસ્કુલના ઓરડામાં રડી પડેલા શીક્ષકો, અધીક ઉન્માદમાં સૈનીક બની બેઠેલા યુવાનો, કૌવત ગુમાવી બેઠેલા પંગુઓ,

સાર્વજનીક હોટલોમાં મુક્કાઓ ઉગામી કરવામાં આવેલાં વાહીયાત ઉચ્ચારણો, આડંબરી લાગણીવેડા, ખુબસુરત છોકરીઓનાં સ્તનોને કરવામાં આવેલા પ્રેમો, આધેડ કલાકારોએ કરેલા વેશપલટાઓ, ગ્રીષ્મના મધ્યાહ્ને અનુભવેલા તલસાટો, દારૂડીયા બની બેઠેલા પીતાઓ, જીવતા ઓરડામાં બંધ પડી ગયેલી ઘડીયાલો, ભારેખમ ગોદડાંઓ નીચે ઢબુરી દીધેલાં બાળકો, મંદીરના બારણે કશુંક ફંફોસતી વૃદ્ધાઓ,

વ્યથા, ગમગીની, નીરાશા, નીરાનંદ, દુખ, પરેશાની, ઉપદ્રવ, પીડા, દર્દ, અનીદ્રા, અજંપો, મુંઝવણ, રૂદન, વીલાપ, નીશ્વાસ, વ્યાકુળતા, બેચેની, વીરહ, અણગમો, અસ્વસ્થતા, આંચકો, ધીક્કાર, જુઠ્ઠાણાં, અસંતોષ, વેદના, એકાન્ત, ઢોંગ, ફરેબ, ચાલબાજી, દુર્બળતા, પીડા, ઘૃણા, અપમાન, માનભંગ, સંતાપ, લજ્જા, અવીશ્વાસ, પોકળતા, નીષ્ફળતા, અનાવડત, ખીન્નતા, ઉદ્વેગ, હતાશા, તીવ્રતા, ભયંકરતા, નીર્દયતા, અજ્ઞાન, વહેમ, અવીદ્યા, અપશુકન, પ્રત્યાઘાત, મૌન, દુર્ભાગ્ય, અસ્પષ્ટતા, અશક્તી, નીરુત્સાહ, ચીન્તા, વીચીત્રતા, શુન્યતા, અધોગતી, ઉત્પાત, છલના, ભ્રષ્ટતા, શોષણ,

મૃત્યુ, મૃત્યુ, મૃત્યુ, મૃત્યુ, મૃત્યુ, મૃત્યુ, મૃત્યુ, મૃત્યુ, મૃત્યુ, મૃત્યુ, મૃત્યુ, મૃત્યુ, મૃત્યુ, મૃત્યુ, મૃત્યુ, મૃત્યુ, મૃત્યુ, મૃત્યુ, મૃત્યુ –,

વગેરેની વચ્ચે જીવતા મનુષ્યો અનેક આંધળી ભીંત દોડાદોડ કરી મુકી કોઈ અજાણ્યાં મેદાનોને વારેવારે અકળાવે છે. ઘરના અંધારા ખુણામાં સંતાઈ બેઠેલી કાળી બીલાડીને હાંકી કાઢવા વારેવારે હવામાં ઝાપટો મારે છે અને પોતાના લંગડા બાળકને – સોનેરી ભરતકામવાળો ઝબ્બો પહેરાવી ચીડમાં ઘરના છાપરા ઉપર ફેંકે છે.

સર્વ મનુષ્યો મુર્ખ અને બેહુદા છે.

તેઓના અસ્તીત્વનું કશું મુલ્ય નથી.

તેમના ઘૃણાસ્પદ જીવનની મૃત્યુ સીવાય મુક્તી નથી.

આ જીવનની અનેક નાનીમોટી ભાંજગડો વહોરીને… આ બધા મનુષ્યો જીવી રહ્યા છે. કદાચ તેઓના શબ સમાન શરીર ઉપર તેઓએ જીવતરનું કવચ પહેર્યું છે. અને તેઓના પોપટીયા ઓરડામાં તેમના લીરા ઉડી ગયેલાં મડદાંઓ પડ્યાં છે.

અચીંતું એક મડદું ઉભું થાય છે. તે હાથ ઉંચો કરે છે. અને નીર્જીવ હથેલીમાં ગઈ રાતની ઠંડી પડેલી રાબનું વાસણ ઉંચકે છે. ભોંયતળીયે સુતેલા ઈશ્વરની સામે આંગળી ચીંધે છે. અને ગલોફાના રેતાળ પ્રદેશમાં થોડું પ્રવાહી ધકેલે છે.

પર્વતોમાં આવેલી ગીચ ઝાડીમાં બુચનાં સુકાતાં વૃક્ષોની પાંદડીઓ ખરે છે. તેની એકેક પાંખડીમાં ઈશ્વરની થીજી ગયેલી કીકીઓ બુમરાણ મચાવે છે. અને રાબના ગણતરીબાજ વાસણમાં ચોંટી રહેલા પોપડાઓની નીચે દટાઈ ગયેલો ઈશ્વર ફરીથી મૃત્યુ પામી રહ્યો છે.

પાનખરની ઘોંઘાટભરી સાંજ.

ફીક્કો પવન.

જાળીવાળું નેતરીયું આકાશ.

કર્કશ શેરી.

માણસો.

વાહનો, દુકાનો, ફુટપાથ.

રમકડાં વેચવા બેઠેલા માણસની ત્રાંસી આંખ.

તેમાં ડોકાઈ રહેલી તેની બહારગામ જવાની અભીપ્સા.

પગભર થવા મથતી આંધળી સંસ્કૃતી.

અને તેની વચ્ચે

દોડધામ કરતાં નગરો, શહેરો, ગામો.

લીસ્સા થઈ ગયેલા ખુણાઓ.

નમી પડેલાં છાપરાંઓ.

અવાજો.

લોહી-પરસેવાની બદબુ.

કરમાયેલા ચહેરાઓ.

અરાજકતા. – – –

અને આ બધાંમાં સતત સંઘર્ષોએ જેનું બધું જ બળ ભાંગી નાખ્યું છે એવું તેનું હતોત્સાહ મન – જીવવા મથી રહ્યું છે, જીવી રહ્યું છે.

પાસેના મકાનમાં અજવાળું થાય છે.

વાસી થયેલો અંધકાર શ્વાનની ત્વરાથી બહાર નીકળી જાય છે.

ઘરની ફીક્કી ભીંતોના બેવડ વળેલાં મજાગરાંઓમાં કેટલાયે ચહેરાઓની ધોળી-ફક્ક આંખો ખીલીની જેમ ચોંટી રહી છે. અજવાળાના પીળા અજગરની લીસ્સી ત્વચા ઘરના ખુણાને બેપરવાઈથી ઘસાઈ રહી છે. ખીંટીએ લટકતાં વસ્ત્રોએ ગળે ફાંસો ખાધો છે. અને ત્રીકોણ અંધકારમાં સ્થીર પડેલું ટેબલ ઈસુના અક્કડ શરીર જેવું ભાર તળે દબાયેલું લાગે છે.

ઘોંઘાટીયા શબ્દોની ઈયળો બારીના લાકડે ચડી શેરીના મેલા રસ્તા સુધી પહોંચવા પ્રયત્ન કરી રહી છે.

તેમાંની એકાદ-બે ઈયળોના કરવતી દાંતો હમણાં જ મનુષ્યના સંદર્ભને તોડી પાડશે.

હમણાં જ પાડોશીએ વેચી નાખેલા મકાનના જીર્ણ પાયામાં પહોંચી કશીક હીલચાલ કરવા માંડશે.

સાંકડા દાદરને પગથીયે ચોંટેલા મેલના થરોમાં નીરાંતે આળોટશે.

અને હમણાં જ ઘોંઘાટની ઈયળ, શબ્દનું પતંગીયું બની ચારેબાજુના વાતાવરણમાં ઉડાઉડ કરશે.

દીવો હજુ બળે છે.

ઘરનું ચોરસ બીબું પરોઢીયાના વાંકા વળેલા ઘુંટણને ફાડી નાખવા સતત મથામણ કરતું રહ્યું છે.

અને એ જમીન ઉપર ઢળી પડેલા મકાનમાં… અસ્તીત્વને નકશાની જેમ કાયમ માટે બાંધી પાંચ માણસો જીવી રહ્યા છે.

ભારેખમ જોડાની નીચે કણસી રહેલો પ્રકાશ… તેમના લથડી પડેલાં જડબાં સુધી પહોંચી શકતો નથી. તેમની સુકી પાંપણોએ અનુભવેલો ભુખમરો તેમના ચીત્ત સુધી પહોંચી શકતો નથી.

મકાનની બારી પાસે એક માણસ આવી ઉભો રહે છે.

સાંજના આછરી જતા અજવાળામાં તેની ગરદન પીળી અને માંદલી દેખાય છે. તે ધીમેથી તેના લીટીવાળા ખમીશના કોલરને ચાવે છે. તેના ચહેરા ઉપર રેતી, ચુનો, સીમેન્ટ, અને લોખંડના બીહામણા ગર્ડરોએ ચીતરેલું સીફીલીસ તરવરી રહ્યું છે.

છાપરાં, મકાન, શેરી અને પગથીયાં ઉપર પડતો તેનો પડછાયો અત્યંત સ્થીર બની કશાકની રાહ જોઈ રહ્યો છે. અનેક વાહનો તેને વટાવી સડકના ખુણે અદૃશ્ય થઈ રહ્યાં છે.

શેરીનો તંગ પ્રકાશ તેને અજવાળવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

પડછાયો સ્થીર છે.

અત્યંત થાકથી તે બેવડ વળી ગયેલો છે.

તે ફસડાઈ પડ્યો છે.

ધીમે ધીમે ગડી કરી સંકેલાતાં કપડાંની જેમ તે ઢળી પડી ચોરસ બની જાય છે.

તેના ધારદાર ખુણાઓ ઈંડા લઈ જતી એક મુસલમાન સ્ત્રીની ઈજારમાં ભરાય છે.

ઈંડાંમાં છુપાયેલો વાસી અંધકાર, ઘરના અંધકાર સાથે ભળી જૈ, પડછાયાને ચીરી નાંખે છે. મુસલમાન સ્ત્રીનું ઉપહાસ કરતું મોં, કુરતાના ઉપસી આવેલા સાટીનને ચીરી, પડછાયાના વાસી મોંમાં પીળા હવડ સ્તનને મુકી દેવા થોડુંક મરકી પડે છે.

અત્યંત ઠાઠથી શણગારેલા મીજબાનીના ટેબલ પાસે ઉભા રહેલા માણસની આંખ અહીં આ બધા પડછાયાઓમાં અટવાઈ પડેલી છે. મીત્રના ખભા પર ઘરનો બધો ભાર નાખી દેતા યુવાનની આંખ અહીં આ બધામાં અટવાઈ પડેલી છે. થાકથી કંટાળેલા એક ગમગીન દારૂડીયાની આંખ અહીં આ બધામાં અટવાઈ પડેલી છે.

આવતી કાલે સુરજ ઉગશે.

આજે સાંજે સુરજ આથમશે.

આજે સાંજે સુરજ આથમી ચુક્યો છે.

આવતી કાલે સુરજ ઉગી ચુક્યો છે.

આજે સાંજે સુરજ આથમી ચુક્યો હતો.

આવતી કાલે સુરજ ઉગી ચુક્યો હતો.

– અને છતાંયે આકાશની સ્ટ્રેચર પર સુતેલો સુરજ… લોહીથી ખરડાયલાં લુગડાંવાળા એક માણસની… ઘેર લઈ જવા માટેની ચીસો સમજી શકતો નથી.

લોહીથી ખરડાયલા બદામી કોટ પહેરેલા માણસનું ઘર એક નાના ટીનના ડબરા જેવું હતું, છતાં સુરજ તેને સમજી શક્યો ન હતો. લોહીથી ખરડાયલા બદામી કોટ પહેરેલા માણસે સવારે નાસ્તો પણ કર્યો ન હતો તે પણ સુરજ સમજી શક્યો ન હતો.

છતાં સુરજ આવતી કાલે ઉગશે.

કારણ કે સુરજ સમજવાની ક્રીયાથી પર છે.

કારણ કે સુરજ સુરજ છે.

એટલે

આવતી કાલે સુરજ ઉગશે.

કારણ કે સુરજ નામનો એક આકાર… માણસ નામના આકારને સમજી શકે નહીં.

એટલે

આવતી કાલે સુરજ ઉગશે.

છતાં સ્ટ્રેચરમાં સુતેલો માણસ જાગી શકશે નહીં,

કારણ કે સ્ટ્રેચર આથમી શકતી નથી.

સામે ઉભેલો એક માણસ સગડી ઉપર ચોંટાડેલી પીત્તળની કોઠીમાંથી ભરાયેલો કોફીનો એક પ્યાલો હોઠે અડકાડે છે. રમકડું બની બેઠેલી પીત્તળની કોઠી ઉપર, કોફીના રેગાડા ઉતરવાને કારણે એક ખાઈનું ચીતરામણ થયું છે. માણસ અચીંતો એક નાનો, ઠીંગણો, ઉદ્ધત કારકુન બની જાય છે. પીત્તળની કોઠી ઠંડીમાં પાણીના નળનું ફીટીંગ કરતા, લાંબી ડાફો ભરતા એક માણસની ઠીંગરાઈ જતી પત્ની બની જાય છે. ઉદ્ધત કારકુન શરમાળ પત્નીની સામે તાકી રહે છે. પત્નીની આંખ મેશીયા રેગાડા ઉતરવાને કારણે વધારે ઉંડી ઉતરી ગયેલી છે. અને લાંબી ડાફો ભરતો માણસ થીજી ગયેલાં આંગળાઓને કારણે, લોથપોથ થઈ ચુકેલો છે.

ઉદ્ધત કારકુન ખંધું હસવા મહાપરાણે પ્રયત્ન કરે છે. શરમાવી પત્ની પતંગીયા જેવી સાડી પહેરી ચોમાસા માટે વસ્તુની ખરીદી કરવા રખડવાની તૈયારી કરે છે.

કોફીનું કાળું દ્રાવણ છલંગ મારી નાસતા… એક આળસુ હબસી જેવું લાગે છે. અને એ બધાંની વચ્ચે થયેલું ખાઈનું ચીતરામણ શેરીની ભીની ગમગીનીમાં ઓતપ્રોત થવા માંડ્યું છે.

શેરીની ધજા જેવી ત્રીકોણ રેખાઓ વાતાવરણમાં ફરકવા માંડી છે. અને સામેની દીવાલ પાસે ઉભેલો વીષાદભર્યો માણસ – ઉદ્ધત કારકુન અને નળનું ફીટીંગ-કામ કરવા અશક્ત બનેલા માણસની સામે તાકી રહે છે. તેના મોજામાં પડેલાં કાણાંઓમાં માટીના ત્રણ-ચાર કણો ચોંટી રહેલા છે. અને પીત્તળની કોઠી ઉપર એક શેરીનું ચીતરામણ થયું છે.

અચાનક કર્કશ અવાજ થાય છે.

શેરી સફાળી જાગી પડે છે.

પવનની વધતી જતી ગતીમાં તારનો ઘોબા પડેલો થાંભલો સુનમુન ઉભો છે. તેને જકડી રાખતા સીમેન્ટના નાના ઓટા ઉપર ફીક્કા ચહેરાવાળો એક શીળી દાક્તર લળીને બેઠો છે. તેનું ખુલ્લું મોં ચુંથાઈ ગયેલી બકરીના જેવું ઉઘાડું છે. અને તેમાં ગોઠવાયેલા પીળા દાંતમાં સોપારીની ઝીણી કતરણ આડી-અવળી ચોંટેલી છે. તે માથું ફેરવવા ગડમથલ કરે છે. થોડીવાર શાન્ત રહી જોરથી ચીસ પાડે છે.

શેરીના નાનકડા ઢોળાવ પરથી તેની ચીસ લસરતી લસરતી સરૂનાં વૃક્ષોની સુંવાળી, સમૃદ્ધ ધરતી સુધી પહોંચી જાય છે. તેનું ગોળમટોળ માથું જરા હલે છે. તેના ફીક્કા હોઠ કશુંક ગણગણે છે. તેના ગળામાંથી એક ઘેરો ની:શ્વાસ નીચે ટપકે છે.

બરાબર ચાર વરસ પહેલાં તેના નીકોટીનથી ધ્રુજતા હાથે તેણે ત્રણ શીશુઓની હત્યા કરેલી.

બરાબર ચાર વરસ પહેલાં તેની પત્નીએ ઢંગધડા વગના ગુંથેલા સ્વેટરમાં તેણે ભેરુબંધીની મમતા સંતાડેલી.

બરાબર ચાર વરસ પહેલાં સાંધાવાળાની બારીમાંથી લચી પડેલાં ફુલો જોઈ તેણે આત્મહત્યા કરેલી – તે શીળી દાક્તર… આજે સીમેન્ટના નાના ઓટા ઉપર બેસી અચીંતો બરાડી ઉઠે છે. તેની ચીસમાં રહેલું પોતીકાપણું આખી શેરીને જગાડી દે છે. તેનાં અક્કડ જડબાં ઉપર ઉગી નીકળેલી દાઢી, અને આંખના પોલાણમાં તરવરતા અગણીત પડછાયાઓ ભયંકર લાગે છે.

આખા જનમારામાં તેની વાત કોઈએ સાંભળી નથી… છતાં તે ચીસ પાડી ઉઠે છે.

અને તેની ચીસ એક ફુટેલી શીશી જેવો કોલાહલ કરતી શેરીની બહાર ઉડી જાય છે, કારણ કે તેની ચીસને કોઈ સંદર્ભ નથી –

બધાં જ આંખ વડે જોવાતાં અને કાન વડે સંભળાતાં દૃશ્યો, અવાજોને સંદર્ભ છે. બટન વગરના ખમીસે ઉભેલા, પરસેવે નીતરતા ચોકીદારને સંદર્ભ છે. એક ગમાર ખેડુતની આડી-અવળી વેરાઈ પડેલી આંખની સોગઠીઓને સંદર્ભ છે. રેકડી ખેંચતા, હારરૂમાલ વગરના બરછટ વાઘરીને સંદર્ભ છે. રેકડીને સંદર્ભ છે. હાથરૂમાલને સંદર્ભ છે. અને એટલે જ તેને અર્થ છે. અને એટલે જ તેને અસ્તીત્વ છે.

પરંતુ અહીં સીમેન્ટના ચપટા ઓટા ઉપર બેઠેલા, નીકોટીનથી ધ્રુજતા આંગળાંઓને, અસ્થીર અસ્પષ્ટ સંધ્યાના વીચ્છીન્ન પ્રકાશમાં ફાટેલું સ્વેટર પહેરી બેઠેલા આ શીળી દાક્તરને સંદર્ભ નથી, કારણ કે તેની ચીસને સંદર્ભ નથી.

અને એટલે જ અચાનક એક કર્કશ અવાજ થાય છે. શેરી સફાળી જાગી પડે છે અને શેરી સફાળી ચાર પગે જમીન ઉપર માથું નમાવી દોડતા પ્રાણીની જેમ ચુપચાપ આગળ આગળ ફરીથી દોડી જાય છે.

ચાર વર્ષ પહેલાં સંદર્ભમાં જીવતો શીળી દાક્તર–આજે ચાર વર્ષ પછી સંદર્ભ વગરનો એક પદાર્થ બની… મીણની જેમ પીગળી જાય છે.

અને ત્યારે રાત્રે દુકાનનાં તાળાં તપાસતો ચોકીદાર, પીળાચટ્ટા કમોદના ખેતર વચ્ચે ઠુંઠા જેવો ઉભેલો ગમાર ખેડુત, અને હાથરૂમાલ વગરનો બરછટ ખાઉધરો વાઘરી – શેરીની એકેએક તસુમાં, દુકાનમાં, ઘરમાં ગોઠવાઈ જઈ… ઉઘાડી આંખે અને જાગ્રત મને… આ શહેરના, સંસ્કૃતીના, સમાજના નીયમને વશવર્તી જીવવા માંડે છે.

તેમના અસ્તીત્વને વળગેલાં પતરાનાં ડબલાં, કાટ ખાધેલી ટોર્ચ, નારીયેળના કાચલાની તેલ કુપ્પી અને પંક્ચર સાંધવા સંતાડેલા રબ્બના ટુકડાઓ – તેમના અસ્તીત્વના ગૌરવપ્રદ અવશેષો બની જીવવા માંડે છે.

શેરી, શહેર જીવવા માંડે છે.

છતાં ઓટા ઉપર બેઠેલા શીળી દાક્તરની જકડાઈ ગયેલી દૃષ્ટીએ આ આખીયે શેરીને કશો જ સંદર્ભ નથી.

આસ્ફાલ્ટની લીસી સડક, કાચ-કાંકરેટનાં બનેલાં મકાનો, ધજા ફરકાવતું પેલું મંદીર, પવન, વેરાન ઉજ્જડ ધરતી, વાદળાં, ખેતરો, ભુરું આકાશ અને સ્મશાનની ખપાટીયાં ચોડેલી વાડ – એ બધાંને તેની લથડીયું ખાતી દૃષ્ટી સાંધી શકતી નથી.

તે અપુર્ણ અને અવાવરુ દીવસો વચ્ચે જીવતા આ આખાયે માનવસમુદાયને એક નીમીષ માત્રમાં ધરતીમાં ઢબુરાઈ જવા વીનવણી કરે છે. તે ગડમથલ કરતો તેનું ગોળ માથું થાંભલાની ઘોબા પડેલી સપાટી ઉપર ઢાળી દે છે. ત્યારે ઘોબાના લીસ્સા પોલાણમાં થીજી ગયેલા કોઈના એકાદ-બે સભર એકાન્ત સુધી પહોંચી શકતો નથી.

ત્યાં પહોંચવા તેને ઘણાં વર્ષો લાગશે… તેનું તેને ભાન નથી. તેટલો તેની પાસે સમય નથી, કારણ કે ચાર વરસ પહેલાં જ પત્નીના ઢંગધડા વગરના સ્વેટર નીચે તેણે શીયાળો પસાર કર્યો છે. અને આજે ચાર વર્ષ પછી પણ તે જ સ્વેટર નીચે… તે તે જ શીયાળો પસાર કરવાનો છે.

બાજુના મકાનમાં અંધારું થાય છે.

બહારના પડછાયાઓ દોટ મુકી મકાનની દીવાલો ઉપર ચોંટી જાય છે. અંદર રહેલા મનુષ્યો પડછાયા ગુમાવી અસહાય પડી રહે છે. બારીના કાચની કાળી પડેલી આકૃતી પારદર્શીતા ગુમાવી અંદર થતી હીલચાલને અસ્પષ્ટ બનાવી દે છે. અંદરના ભુખરા અંધકારમાં સુતેલો કોલસાવાળો તેની પત્ની ભણી તાકી રહ્યો છે, – છતાં બારીના કાચની કાળી પડેલી આકૃતી તેની પારદર્શીતા ગુમાવી બેઠી છે.

કોલસાવાળાની કાળી ગાંઠો પડેલી હથેલી એકાએક ખાલી ચડવાને કારણે ભારેખમ બની જાય છે. તેના રુવાંટીવાળા, મેલના થર જામેલા હાથ… કશું ન સમજી શકવાને કારણે ગુમસુમ પડી રહ્યા છે. બહાર–બારીની બહાર–શેરીની બહાર–શહેરની બહાર, ગરમાળાનાં વૃક્ષ પીળાં ફુલોથી લચી પડ્યાં છે.

અને કોલસાવાળાની વખારનું ભેજવાળું અંધારીયું વાતાવરણ તેની પારદર્શીતા ઘણાંયે વર્ષો પહેલાં ગુમાવી બેઠું છે.

ખાલી ચડેલો હાથ વધારે ભારેખમ બને છે.

કાળો ગંઠાયેલો હાથ ખાટલાની ઈશ સાથે ઘસાઈ થોડો ઉજળો બને છે.

અને કોલસાવાળાની પત્નીની ખસી ગયેલી સાડી નીચે ગુસપુસ કરતી બે બીલાડીઓ તરાપ મારવાની તૈયારી કરી રહી છે.

છતાં ખાલી ચડેલો કાળો, ગંઠાયેલો હાથ… ખાટલાની ઈશ ઉપર નીર્જીવ થઈ પડી રહેલો છે.

ઘરની કાળીધબ્બ દીવાલો અચીંતી આવતી કાલે કોલસાની ભેજવાળી વખાર થઈ શકે તેમ છે.

કોલસાવાળાની ઉંઘતી પત્ની અચીંતી આવતી કાલે અડ્ડામાં બેસી જઈ એક વેશ્યા થઈ શકે તેમ છે.

કોલસાવાળો આવતી કાલે અચીંતો મરડાથી પીડાતો દર્દી બની તેનો ધંધો આટોપી લે તેમ છે.

અને તેનો ખાલી ચડેલો ગંઠાયેલો હાથ… નળની ચકલી પાસે બેસી કપડાં ધોતી છોકરીના બેડોળ સાથળો ઉપર ઉઝરડા પાડી શકે તેમ છે.

છતાં આજે –

બધું જ નીર્જીવ થઈ આ ઓરડામાં સુતું પડ્યું છે. ખેતરો વચ્ચેથી પસાર થતો એંજીનનો કાળો ધુમાડો અહીં આ ઓરડામાં ફેલાઈ… કોલસાવાળાને એક અનોખી ઉત્તેજના આપી જાય છે. તેના પગ એકાએક ધ્રુજી ઉઠે છે.

તેનો ખાલી ચડેલો હાથ, તેનો ખાલી ચડેલો હાથ, તેનો ખાલી ચડેલો હાથ, તેનો ખાલી ચડેલો હાથ, તેનો ખાલી ચડેલો હાથ, તેનો ખાલી ચડેલો હાથ – સાડત્રીસ વર્ષ પહેલાં સાંજના ભળભાંખરા પ્રકાશમાં, ફળીના ચોકમાં રમતા– એક શીશુના ખભા પાસે જઈ પહોંચે છે, ત્યારે પણ પાડોશીની દીવાલ ઉપર કરેલા ચીતરામણોને કારણે તેના હાથ ગંદા બનેલા છે. અને ભુખરી ઘુંટણ સુધી નીચે ઉતરી આવેલી ચડ્ડીની કીનારી પાસેથી બહાર નીકળી આવેલા છુટ્ટા લટકતા રેસાઓ – કોઈ અફીણીયા ચીનાની થીજી ગયેલી પાંપણો જેવા સ્થીર અને જડવત્ બનેલા છે. ઘુંટણ પાસે પાકેલું ગુમડું પાટાની પીળાશ નીચે છુપાઈ અંધારીયું બનેલું છે.

અને તે–અંધારીયા વાતાવરણમાં તેની પીંખાયેલી મા… ચુલાની હુંફ પાસે બેસી દીવાના મોગરાને કાપીકુપી સરખો કરી રહી છે. ફળીમાં ઉગેલા સરગવાના ઝાડ ઉપરથી કુંજ પક્ષીનાં હારબંધ ટોળાંઓ પસાર થઈ રહેલાં છે. તેમની પાંખોની યંત્રવત્ ગતી નીચે મુંગું ઉભેલું સરગવાનું ઝાડ, બકરીની ભીની સાંકળના ટેકે સ્થીર ઉભું રહેવા પ્રયત્ન કરી રહ્યું છે.

ભીની સાંકળના લીસા લોખંડ ઉપર બકરીના મોંમાંથી ઝરેલાં થોડાં લાળીયા ફીણ ચોંટેલાં છે. અને ભુખરી ચડ્ડી પહેરેલા છોકરાનો બાપ પીંજાવેલા રૂના નવા બનાવેલાં ગાદલાં ઉપર લાંબો પડી, ડાબા પગના આંગળાના ટચાકા ફોડવા મશગુલ બનેલો છે.

પાડોશીનો કાનકટ્ટો કુતરો, દુરની ખ્રીસ્તીવાડમાંથી ઉંચકી લાવેલી માછલીનાં ભીંગડાં ઉખેડતો–પગથીયાના ખુણા પાસે લાંબોલચ પડેલો છે.

ખાલી ચડેલો હાથ, સાડત્રીસ વર્ષ – પુરાં સાડત્રીસ વર્ષનો બેચેનીભર્યો રઝળપાટ કરી ફરીથી પીળા પાટા નીચે છુપાઈ… અંધારીયા બનેલા ઓરડાની દીવાલો વચ્ચે આવી અટકી જાય છે. ગાંઠા પડેલાં ગાદલાં નીચે તેણે ગડી કરી વાળેલી બંડીમાં ચપ્પટ થવા આવેલું બાકસ – હુંફાળો ઓરડો બનવા પ્રયત્ન કરી રહ્યું છે.

સામે સુતેલી પત્ની પાસું બદલે છે.

તેની રુંવાટીવાળી પીંડી, બહારના પીળીયા પ્રકાશમાં લંગડાવા માંડે છે. તેની માનો શેત્રંજીનો રજોટાયેલો કટકો… શણીયાની કરકરી ત્વચા બની… તેના શરીર આજુબાજુ વીંટળાવા માંડે છે. તેની મા ઓળખાણ ગુમાવી બેસી બરછટ ચામડી પહેરેલ કોલસાવાળો બની જાય છે.

અને તેના જમણા હાથને ખાલી ચડવા માંડે છે.

દુરની શાકમારકીટ પાસે પાકેલાં શીંગડાવાળી ગાય ઉભી છે.

તેના તામ્રવર્ણા શરીર ઉપર ચોંટેલાં સફેદ થીંગડાંઓ ડાહ્યાંડમરાં બની ત્યાં જ ચોંટેલાં રહે છે. તેનું પાકી પડેલું શીંગડું કારખાનાની વાંકી વળેલી ચીમની જેવું લાગે છે. અને આંખ પાસેથી ચાલી રહેલા પાણીના રેલામાં, પીત્તળની કોઠી ઉપરથી સરકતું જતું કોફીનું કાળું દ્રાવણ ફેલાયેલું છે.

ગાયના શીંગડા માથે અતલસની ઝીણી ચીંદરી બાંધી દેવામાં આવે તો પણ ગાયનું દુ:ખ ઓછું થઈ શકે તેમ નથી.

તેના વાગોળતાં જડબાંમાં વાછટીયું ઘાસ વાવવામાં આવે તો પણ તેના શીંગડાની પીડા દુર થઈ શકે તેમ નથી.

અને તેના ભીંજાયેલા કપાળ ઉપર કુમકુમનું તીલક કરવામાં આવે તો પણ તેના શીંગડાની પીડા દુર થઈ શકે તેમ નથી.

કારણ કે કસાઈખાનાનો પોલાદી હાથવાળો મુસલમાન તેની પત્નીને આ વખતે મક્કા લઈ જવાનો છે.

કારણ કે તેની પત્ની આ વખતે પોલાદી હાથવાળા મુસલમાન સાથે મક્કા જવાની છે.

એટલે ગાયનું પાકી પડેલું શીંગડું… ઈયળોથી ઉભરાઈ – શાકમારકીટની લીલી દીવાલોને છાવરી દેશે. એટલે શેરીનાં સુજી ગયેલાં કુતરાં માથું ધુણાવતા સંત બની, ગાયના પાકી પડેલા શીંગડા સુધી પહોંચવા છલાંગો મારશે. એટલે રસ્તા ઉપરના શાંત રાહદારીઓ લીલા ઘાસની બીછાત ઉપર – ઉનાળાભરી સાંજો વીતાવવા ઘરની બહાર નીકળશે.

દુરના રેલ્વેસ્ટેશનમાં ઉભેલા એન્જીને તીણી સીટી મારી. શેરીના આ કોલાહલ વચ્ચેથી મડદાંની જેમ સ્થગીત થયેલી સીટી-સોંસરવી પસાર થઈ. આજુબાજુ પસાર થતા અસંખ્ય લોકોના હાસ્યજનક ચહેરાઓ ઉપર આછી થતી સીટી ધીમે ધીમે પથરાઈ ગઈ. તેની સાથે સાથે ધીમે ધીમે મોટુંમસ એન્જીન તેઓના ચહેરા ઉપર પથરાઈ ગયું. અને તેની સાથે સ્વજનોને વીદાય કરતી વેળા તેમણે કરેલા દયામણાં મોં તેમની ઉપર પથરાઈ ગયાં.

અહીં પસાર થતા મનુષ્યોના ખીન્ન, ગમગીનીભર્યા ચહેરાઓ ઉપર તેમણે લલકારેલા કુચગીતો, રાષ્ટ્રગીતોનો બીહામણો ભભકો જ અંકીત થયેલો છે. અહીં પસાર થતા મનુષ્યોના ચહેરાઓ ઉપર આવતી કાલના ભયંકર યુદ્ધનો જ અણગમો અંકીત થયેલો છે.

અહીં પસાર થતા મનુષ્યોના ચહેરાઓ ઉપર મૃત્યુનો, વૃદ્ધત્વનો, ગરીબીનો અને તેમને ભરડો લેતી માંદગીનો જ કાતર વસવસો અંકીત થયેલો છે.

આ સીવાય તેઓના ગમગીનીભર્યા ચહેરાઓ ઉપર બીજું કશું જ અંકીત થયેલું નથી. મનુષ્યના કાળજામાં સુક્ષ્મતમ રૂપે સચવાઈ પડેલા એકલવાયાપણાનો તેમને ઝાઝો અનુભવ નથી. હળવા પડછાયા જેવા શુન્ય ખંડેરમાં મૃત્યુની વારેવારે એંધાણી આપતા જીવનનો તેમને ઝાઝો પરીચય નથી. તેમને કશાનો ઝાઝો પરીચય નથી.

તેમનાં દુ:ખો, વીષાદો કે અજંપાઓ માત્ર અંધારીયાં ઘરો, – બેજવાબદાર પુત્રો, સતત બીમાર રહેતી પત્ની, નાસી ગયેલી પુત્રી, હંમેશાં ખાંસતા રહેતા ડોસાઓ, ચીડીયા પાડોસીઓ, ઉદ્ધત સાહેબો, ટુંકા પગારો, કે દુબળાં શરીરો સુધી જ મર્યાદીત છે.

તેઓનો જીવન સાથેનો સંપર્ક આથી વીશેષ ગાઢ નથી.

એટલે જ આ બધા લોકો આકાશ નીચે છાપરું બાંધી ઘરો બનાવે છે. લગ્નો કરે છે, ડોક્ટરો સાથે મીત્રાચારીભર્યા સંબંધો બાંધે છે. ઘરથી ઓફીસ સુધીના રસ્તાને ડામરથી રંગી લીસ્સા બનાવે છે. સુંદર શબ્દો વાપરી દોસ્તો સાથે લળીલળીને વાતો કરે છે. બગીચાનાં કાપીકુપી કતારબંધ ઉભાં કરેલાં ઝાડો પાસે કુટુંબને લઈ રવીવાર પસાર કરે છે. રસોડાના ડબ્બા ફંફોસે છે. યુદ્ધો કરે છે. બાળકોના મૃત્યુ પાછળ આંસુ સારે છે. અને પુસ્તકોના અક્ષરની ગુંથણીમાંથી અર્થો તારવી–ઘરની બારી ખોલે છે.

બહારના ચૈત્ર માસે રંગેલાં સપાટ મેદાનો તરફ આંખો તાણે છે. પ્રેમીકાનાં ભીનાં ટેરવાંઓ સાથે અનુકંપભર્યાં પક્ષીઓની મરેલી પાંખો બાંધે છે અને જીવે છે _________ અને મૃત્યુ પામે છે.

આ મનુષ્યોથી ભરચક્ક ભરેલી શેરી, શહેર, પ્રાન્ત, દેશ, વીશ્વ.

આ મનુષ્યોથી ભરચક્ક ભરેલાં ઘરો, હોટલો, થીયેટરો.

આ મનુષ્યોથી ભરચક્ક ભરેલી સ્કુલો, કોલેજો, દુકાનો.

આ અહીં સામે ઉભેલી પાર્વતી નામની છોકરી. જેના ગુંચળું વળેલા વાળમાં તેણે મહામહેનતે ફુલની વેણી ખોસી છે અને જેની મા એક સુથારને પરણી સીવવાનો સંચો ખરીદવા પૈસા એકઠી કરી રહી છે.

આ સામે ઉભેલો કોન આઈસક્રીમ ખાતો વીદ્યાર્થી–જે એક દવાવાળાની છોકરી સાથે પ્રેમમાં પડી તેના સ્કર્ટ નીચેના સાથળો જોઈ લેવાની પેરવીમાં છે.

આ સામે ઉભેલો પોસ્ટ ખાતાનો સરકારી નોકર, જે બીજાના મરોડદાર અક્ષરોવાળા કવરો ફોડી, વાંચી… મીત્રો સાથે તાળી દેતો મજાક કરે છે.

આ સામે ઉભેલો હોટલનો સ્થુળકાય મલીક, જેનાં – લઘરવઘર કપડાં નીચે તેણે કોઢનાં સફેદ ચીન્હો છુપાવ્યાં છે.

આ સામે પ્લાસ્ટીકની થેલી ઝાલી ઉભેલી રેવન્યુ ખાતાના કારકુનની પત્ની–જેની એકમાત્ર ઈચ્છા… ઓફીસનો પટાવાળો તેનું શાક લાવી દે–તે છે.

આ સામે ઉભેલું તોતડું બાળક, જેની માએ ગર્ભાધાન વખતે સોનાની સાંકળી ગુમાવી હતી.

આ સામે ઉભેલો ટાલીયો ડોસો – જેની ચકળવકળ થતી આંખ પુત્રવધુની ચોળી નીચે ડોકાઈ જતા બોડીસના સફેદ પટ્ટાને જોવા ફરતી રહે છે.

આ સામે ઉભેલી વીસ્મૃતીના અતલતલમાં વારેવારે ડુબી જતી રેડીયો- ટેક્નીશ્યનની પુત્રી–જેણે એક ચુંબન મેળવવા માટે… પાડોશીના છોકરાને રાતોરાત જાગી મફલર ગુંથી આપ્યું હતું.

આ સામે ઉભેલી વીશીવાળાને ત્યાં કામ કરતી મોંઘી–જેણે કેડમાં ભરાવેલો કુંચીનો ઝુમખો, ઘરમાં એકપણ તાળું ન હોવા છતાં લટકાવેલો છે, કારણ કે તે દ્વારા તે તેના ગૌરવને અખંડીત રાખી શકે છે.

આ પુષ્પા, માયા, મંજરી, શીલા, કંચન, સુશીલા, સમરત, જેકુર, સુધા, મંજુ, રમા, માલતી – આ મથુર, કાન્તી, જેકીશન, રામરતન, હેમંત, લાભશંકર, મહેન્દ્ર, રસીક, સુરેશ, નવનીતરાય, પ્રાણજીવન, ઓધવજી – આ બચુ, બાબુ, બેબી, કુકી, નાનો, જેઠુ, ટીકુ — વગેરે.

હા! આ બધા જ માણસો છે.

તેમને બે આંખ, બે કાન, નાક અને મોં છે. તેમના પગ ચાલી શકે છે. તેમનું હૃદય રુધીરાભીસરણ કરી શકે છે. તેમનાં આંગળાંના નખો દર થોડે થોડે સમયે વધ્યા કરે છે. તેમને ઠેસ વાગે છે. તરસ લાગે છે. ભુખ લાગે છે. તેઓ રઘવાયા બની દોડાદોડ કરે છે. તેઓ દુકાને બેસે છે. નોકરી કરે છે. ભણે છે. કામધંધો શોધે છે. તેઓ બીમાર પડે છે. સાજા થાય છે. તેમને મોકળાશ ગમે છે. તેઓ સ્ત્રીઓ, છોકરીઓ સામે લળીલળીને ટીકી રહે છે. તેઓ વાળમાં તેલ નાંખે છે. ખીસ્સામાં દાંતીયો રાખે છે. તેઓ હસે છે. રડે છે. વાતો કરે છે. સીનેમા જુએ છે. નાટકો કરે છે. કવીતા લખે છે. ચીત્રો દોરે છે. તેઓ નેતા બને છે. ભાષણો કરે છે. છાપાં કાઢે છે. પૈસા ખર્ચે છે.

તેઓ સાયકલ ખરીદે છે. રેડીયો ખરીદે છે. મકાન ખરીદે છે.

તેઓ કોઈ માતાની કુખે જન્મ લે છે. એક વરસ, બે વરસ, ત્રીસ વરસ, પચાસ વરસ પસાર કરે છે. તેઓ કાન વીંધાવે છે. ઘરેણાં પહેરે છે. ઘડીયાળનો સમય મેળવે છે. તેઓ નવથી બારના ગાળામાં નાટક જુવે છે. બારથી બેના ગાળામાં પત્ની સાથે વાતો કરે છે. બેથી આઠના ગાળામાં સુતા રહે છે. આઠથી દસના ગાળામાં તૈયાર થાય છે. જમે છે. કપડાં પહેરે છે. દસથી છના ગાળામાં નોકરી કરે છે. છથી નવના ગાળામાં ક્લબમાં જાય છે. મીત્રો સાથે ફરે છે. પાન ખાય છે. થુંકે છે. અને નવથી બારના ગાળામાં નાટક જુએ છે.

તેઓ અફસોસ કરે છે. ખુશ થાય છે. ઈર્ષ્યા કરે છે. મહેનત કરે છે. ડાબી બાજુની પાંસળી કઢાવી સાજા થાય છે.

હા! તેઓ બધા જ મનુષ્યો છે. હા! તેઓ બધા જ HOMOSAPIENS છે. હા! તેઓ બધાયે યહુદીઓની હત્યા કરી છે. હા! તેઓ બધાએ ધર્મયુદ્ધો કર્યાં છે. હા! તેઓ બધાએ હીરોશીમા ઉપર બોંબ ફેંક્યા છે. હા! તેઓ બધાએ શાન્તીની, સમાન અધીકારોની, સ્ત્રીસ્વાતંત્ર્યની, નવી કેળવણીની, મુક્ત પ્રેમની, સહચારની, વીશ્વબંધુત્વની, ની:શસ્ત્રીકરણની, લગ્નપ્રથાની, તત્ત્વજ્ઞાનની, ગણીતની, ભુમીતીની, ભૌતીકશાસ્ત્રની, ધર્મની, ભગવાનની, મંદીરોની, અગ્નીની, ખેતીની, પશુપાલનની, પૈડાંની, ગતીની, શક્તીની, અણુની, વીભાજનની, શોધો કરે છે.

હા! તેઓ બધા જ ગાંધીજી છે. લીંકન છે, સ્વાઈટ્ઝર છે, કૃષ્ણ છે, વીવેકાનંદ છે. બુદ્ધ છે. ઈશુ છે. પયગંબર છે. રસેલ છે.

કારણ કે તેઓ બધા જ મનુષ્યો છે.

હા! કારણ કે બધા જ આ શેરીમાંથી દોડધામ કરી રહ્યા છે.

શેરીના રસ્તા ઉપર સાંજનું આંધળું ધુમ્મસ ઘેરાય છે. દીવાઓનો ઝાંખો પ્રકાશ ડુક્કરની તગતગતી કીકીઓ જેવો અવાચક લાગે છે. બંને બાજુની દુકાનો પ્રકાશથી ઘેરાઈ, આગીયાના કાળા પડછાયા જેવી લાગે છે.

શેરીના ખુણા પાસે જ એક ધોળી, ઉંચી, પીળી ફીત નાંખેલી એક છોકરી ઉભી છે.

એક ધુળીયા બપોરે સ્કુલેથી છુટી થોડીવાર પગથોભ કરી લેતાં… એક પાતળા છોકરાએ સંતાઈને જેને જોઈ હતી… તે પીળી ફીત નાંખેલી છોકરી – શેરીના ખુણા પાસે ઉભી છે.

કોઈક વખત કરેણના થડ પાસે ઉભા રહી વીશ્રંભે તેની સાથે ભરપેટ વાતો કરી લેવા–શરમાતાં શરમાતાં તેણે ડેલીનાં કમાડ પાસે ઉભી… આંખો ઉઘાડબંધ કરી હતી. અને જેની પોલીશથી–ચકચકતી ગંધેભરી બારી સામે તેણે કલાકો સુધી ટગર ટગર જોયા કર્યું હતું – તે આજે વર્ષો પછી ઉભી રહી કોઈની રાહ જોઈ રહી છે.

તે કદાચ આજે આટલાં વર્ષે પરણી બેઠી હશે.

તે કદાચ આજે આટલાં વર્ષે એક પુત્રીની માતા બની હશે.

તે કદાચ આજે આટલાં વર્ષે ફરીથી પ્રેમ કરી શકવાની શક્તી ખોઈ બેઠી હશે.

તે આજે કદાચ આટલાં વર્ષે… તેના પતીના જાડા કાચવાળાં ચશ્માં સંતાડી થોડીક મજાક કરી લેતી હશે.

તે કદાચ આજે આટલાં વર્ષે ઘરની પરીસ્થીતીને ધ્યાનમાં લઈ મનોમન સમાધાન કરી લેતી હશે.

તે કદાચ આજે આટલાં વર્ષે તેની પુત્રીના નાયલોનનાં ઝબલાં ઉપર સોનેરી બટન ટાંકી દીવસની ગમગીની દુર કરતી હશે.

તેણે કદાચ આજે આટલાં વર્ષે તેના ફળીમાં કરેણનું ઝાડ વાવ્યું હશે. અને તેની ઓથે છુપાઈ, ભરાઈ, કાળી ડાળીઓ ઉપર ચોંટેલા ભુખરા પાનને અડી લેતાં પતી તરફ ધીક્કાર સેવ્યો હશે.

આજે ઘણાં વર્ષો પસાર થઈ ગયાં છે.

તેની પાતળી ડોક અને નાજુક ખભા પર ઘણાં વર્ષોનો થાક આજે ઢળી પડ્યો છે.

આજે તેની પીળી ફીત હવા સાથે ઘસાતી પાનખર બની ચુકી છે.

ત્યારે –

તેને ફરીથી કરેણના થડ પાસે ઉભી રાખી, વીશ્રંભે તેની સાથે ભરપેટ પ્રેમની વાતો કરી શકાય.

ઘરની પાસે મેલેરીયા ઈન્સ્પેક્ટરે લખેલા પેન્સીલના અક્ષરોમાં તેની માંદગીની સંખ્યા ગણાવી શકાય.

તેને આજે પણ પ્રેમ કરી શકાય.

તેને આજે પણ ટેબલ ઉપર કાળજીપુર્વક જમવાની થાળીઓ ગોઠવતી પત્ની બનાવી શકાય.

તેને આજે પણ રાત્રીના અંધારામાં વીતેલાં વર્ષોની યુવાની પાછી આપી શકાય.

સાંજના આછા તેજમાં દુર ઉભેલી આકૃતી એક પત્ની છે, માતા છે.

તેની પાસે ઘુંટણ વાળી બેસી પડી… પ્રેમની વાતો કરી ન શકાય.

તેનાં કૃશ બનેલાં આંગળાંઓને પંપાળી ન શકાય.

કારણ કે,

તે એક જાડા કાચનાં ચશ્માંવાળા પતીની પત્ની છે.

કારણ કે તે એક સાંકડી દાઢીવાળી પુત્રીની માતા છે.

કારણ કે તેની આંખો શ્રમીત અને પીંજાયલી છે.

તે નીર્જીવ આંખે તેની સામે તાકી રહે છે.

એક જામફળના ગર્ભમાં સુતેલા અસંખ્ય વીર્યકણોને વેડફાતા તે જોઈ રહે છે. ડેલીના કમાડને, મેલેરીયા ઈન્સ્પેક્ટરને, અને કરેણનાં આળાં બનેલાં ફુલોને તે તાકી રહે છે.

આજે આટલાં વર્ષે, હાથતાળી દઈ ભાગી છુટેલા પ્રેમનો કે ગુમાવી દીધેલા જીવનનો તેને ઝાઝો વસવસો નથી, કારણ કે તેણે પીળી ફીતનું, પ્રેમનું, પત્નીનું અને જીવનનું મુલ્ય ગુમાવ્યું છે.

તેને આજે આટલાં વર્ષે કશાનું દુ:ખ નથી, …કારણ કે તેણે કશું જ મેળવ્યું નથી.

કાલે કદાચ સાંકડી દાઢીવાળી પુત્રી મોટી થઈ એક ધુળીયા બપોરે સ્કુલના દરવાજા પાસે આવી તેને મળે… તો પણ તે તેને પ્રેમ કરી શકે તેમ નથી.

કારણ કે પ્રેમ કરવા માટે તેને જાડા કાચવાળાં ચશ્માં પહેરવા પડશે, કારણકે પ્રેમ કરવા માટે તેને મરેલાં પતંગીયાંઓને પુસ્તકોનાં પાનાંમાં છુપાવવાં પડશે. કારણ કે પ્રેમ કરવા માટે તેને જીવન સાથેનો સંબંધ વધારે બલવત્તર બનાવવો પડશે. કારણ કે પ્રેમ કરવા માટે તેને સાંકડી દાઢીવાળી છોકરીને ચાહવું પડશે. કારણ કે પ્રેમ કરવા માટે તેને પીળી ફીતવાળી એક છોકરીને જન્મ આપવો પડશે.

ગત વર્ષોનું અજાણ્યું જીવન–જે કુત્સીત અને મજાકભર્યું હતું તે આજે તેની સામે આવી ઉભું રહે છે. સ્વપ્નો અને કલ્પનાઓનું બોદાપણું આજે તેની સામે જાગી પડે છે.

ધુળીયા દીવસો, સ્કુલનો દરવાજો, અને કરેણનું ભુખરું થડ આજે પણ અહીં જ આ શેરીના કોલાહલભર્યા વાતાવરણમાં તેની પડખે જ, તેના હૃદયમાં જ તેનો મર્મર ધ્વની ગુંજતા ભરાઈ પડ્યાં છે. છતાં આજે જીવન સાથેનો તેનો મેળ કેટલો બદલાઈ ચુક્યો છે તેની… સ્કુલના ઓરડામાં દમથી બેવડ વળી જતા એ જ જુના માસ્તરને ખબર નથી. ઠંડીમાં ધ્રુજતાં તેનાં પોલાં હાડકાંઓ ગોદડાં નીચે ઢબુરાઈ – તેનો ઉછળાટ ગુમાવી બેઠાં છે.

એટલે સ્કુલના દરવાજા પાસે ઉભા રહી એક પાતળા છોકરાએ સંતાઈને એક પીળી ફીત નાખેલી છોકરી તરફ જોઈ લીધું હતું–તેની–અને આજે એ જ પાતળા છોકરાએ, શેરીના વળાંક પાસે પીળી ફીત નાખેલી છોકરી તરફ જોઈ લીધું છે–તેની–તેને ખબર નથી.

તે દમીયલ માસ્તરને ખબર નથી કે એ બે દૃષ્ટી વચ્ચે ઘણાંયે ધમાલીયાં વર્ષોની કતાર પસાર થઈ ગઈ છે. દાદાજી અને ચીનાની વચ્ચે ઘણાંયે વર્ષોની કતાર પસાર થઈ ગઈ છે અને એ ધમાલીયાં વર્ષોને કતારે ઘણું શુભ-અશુભ ઓગાળી નાંખ્યું છે.

આ જીવતરનાં અનેક પરીશ્રમભર્યાં વર્ષો અને કટુ અનુભવોએ તેના સમગ્ર દેહ–મનને ભાંગી નાખ્યાં છે. તેના ધ્યેયહીન રઝળપાટે તેની સમગ્ર શ્રદ્ધા અને તેનાં બધાં જ સમાધાનોને તોડી નાખ્યાં છે. તેની દરેક હીલચાલે માત્ર તેના નીરાશાના કાળા અંધારભર્યા પટને વધારે ને વધારે વીસ્તીર્ણ બનાવ્યા કર્યો છે.

તેના સમસ્ત વીચારોએ સમયની ક્રુર તરાપમાં ઉંચકાઈ જતા મનુષ્યના ઉચ્છૃંખલ જીવનને–વધારે તીક્ષ્ણતાથી, વેધકતાથી જોવાનું તેને શીખવ્યું છે.

અને એ બધાંને પરીણામે તે, સમગ્ર મનુષ્યજાતને ધીક્કારતો થયો છે, કારણકે આ બધા જ દૃષ્ટીહીન… અથડાતા-કુટાતા ચહેરાઓએ માત્ર લાકડાના વહેરના ટુકડાઓ ખાઈ, ખાલીખમ હૃદયો લઈ, તાપણાંની સગડીમાં કોલસાઓ જ ઉમેર્યા કર્યા છે. તાપ્યા કર્યું છે. જીવ્યા કર્યું છે.

કાચની બારી ઉપર થીજી જતા ડંકાના અવાજો વચ્ચે કાળોમેશ અંધકાર છવાયેલો છે. કચરાના પીપની કોરીકટ જમીન પાસે ડુક્કરની ચરબીની ભીનાશ ધુળ-ચાટતી પડી છે. દવાખાનાની સુની પરસાળમાં લાંબી થઈ પડેલી બે ડોસીઓ એકબીજી ઉપર દમદાટી અજમાવી રહી છે. ગટરના પાણીમાં ફસાયેલી ખીસકોલી તેની રુવાંટી ગુમાવી બેઠી છે. ખેડુતની મેલી કાયા સાંધાના દરદથી નમી પડી, થીંગડાં મારેલાં કપડાંને શરીર ઉપર ઘસી રહી છે. હમણાં જ ગાડીમાંથી ઉતરેલો પીરસણીયો વીશીએ પહોંચી જઈ, ત્રણ દીવસનું એકઠું થયેલું થુલું, તેની ગાયને ખવડાવવા ઉતાવળો બન્યો છે. દરજીનો ચબરાક છોકરો, નખલીને ખીસ્સામાં ખોસતો, પાનવાળાની દુકાનની આડશમાં છુપાઈ–સીગારેટ પીવામાં મશગુલ બન્યો છે. કોઈ એક ઘરમાં બેઠેલી હૃષ્ટપુષ્ટ સ્ત્રી કાકડીની કાતરણ કાપતી મીરાંના ભજનની છેલ્લી બે લીટીઓ ક્યારની એકધારી બબડી રહી છે. આવતી કાલના કામની સોંપણી કરતો હોટલનો મુખ્ય વેઈટર એકાદ રાંક, બુધ્ધુ છોકરાની ચડ્ડી ખેંચી તેને સતાવી રહ્યો છે. આંકડાવાળી મુછો રાખતો એક રજપુત, શીયાળુ પાકની ગણતરી કરતો, બીડીના છેલ્લા ઠુંઠાને ચુસી રહ્યો છે. થાકીને લોટપોટ થઈ ચુકેલી ધોળા વાળવાળી કાચનાં વાસણ વેચતી સ્ત્રી કોબીજના પાનમાં ઈયળની જેમ પેસી જવા મથામણ કરી રહી છે. ધાબળો ઓઢી સુતેલી નાની છોકરી કેરીના રસનીતરતા ગોટલા સાથે સંધાન કરી હીબકાં ભરી રહી છે. અને બગીચા પાસે રહેતો બેંકનો પટાવાળો ચશ્માં ઉતારી આંખ મીચકારતો આખા શરીરે ફુટી નીકળેલાં ગુમડાં પંપાળવા કાર્યરત બન્યો છે.

– અને આ બધા લોકો વચ્ચે, અને આ બધા આંધળા લોકો વચ્ચે પટ્ટા બાંધેલાં કુતરાંઓનું એક મોટું ટોળું તેઓના મનુષ્યત્વનાં ચીહ્નો ચાટતું–તેમની પાસે નીરાંતે બેસી પડી, તેમની કાનપટ્ટીઓ ઉંચી કરી, તેમાં એકાદ-બે ચાંચડને સરકાવી, ધીમા ધીમા ઘુરકાટો કરે છે.

આ બધા જ દૃષ્ટીહીન લોકોના ચહેરાઓ સાંજના અધુકડા પ્રકાશમાં કેવા અપંગ અને અવાવરુ લાગે છે!

તેઓની આંખના મેલા ખાડાઓમાં કેવી નીર્જીવતા છવાયેલી છે!

તેઓમાંના કેટલાયે લોકો સવારની મધુર હવાનો સ્પર્શ પામવા… તેઓના આજીજીભર્યા ચહેરાઓને દીવાના પ્રકાશમાં ઢાંકી દેતા… તમારી સામે કેવી સલુકાઈથી ટીકી રહ્યા છે!

તેઓ બધા જ બેહુદા અને કૃત્રીમ છે.

તેઓ બધા જ સુખના, સહાનુભુતીના, પ્રેમના કવચ નીચે જીવવા મથતા કાચબાઓ છે.

તેઓ બધા જ અર્ધમૃત, અશક્ત અને વીશ્વાસ ગુમાવી બેઠેલા એકકોષી જીવો છે.

તેઓનાં મકાનોના લાંબા થતા પડછાયા તેમના હૃદયના અગોચર ખુણામાં પેસી જૈ તેમને લાચાર અને ભયભીત બનાવી મુકે છે.

તેઓ ઢસડાય છે. દોડે છે. ગડથોલીયાં ખાય છે. ચીસો પાડે છે. નાસભાગ કરે છે.

અને અંતે તેમનાં અત્યંત થાકભર્યાં શરીરો ઘરોમાં, શેરીમાં કે હોસ્પીટલમાં ફસડાઈ પડે છે.

અને ત્યારે વૃદ્ધ સુર્યનો ચરબીથી લચી પડેલો શ્વાન, પડછાયા ચાટતો, તેમના ગળગળા ઘરમાં આવી, તેમની ખાલી પડેલી જગ્યામાં ભરાઈ બેસે છે.

એક મોટર સ્થીર ઉભી છે. ખાખી કપડાં પહેરેલ પોલીસ તેનું નાક પંપાળે છે. અને ઘોડાગાડીનો અશ્વ ડાબા પગને ઉંચો કરી થોડું ખણી લે છે. બધું – કોલાહલભર્યું છે.

આ સામે જ આખી શેરી પથરાઈને કોઈ વીશાળકાય મગરમચ્છની જેમ સુતી છે.

અને આ સામેના જ બધા અપરીચીત મનુષ્યો બત્તીના ફીક્કા પ્રકાશમાં અત્યંત પરીચીત બની તેની આજુબાજુ હારબંધ ગોઠવાઈ ગયા છે. – છતાં બધું કોલાહલભર્યું અને ગમગીન છે.

કારણ કે દુરની એક પર્ણહીન ડાળીએ તેનાં ખેરવી નાંખેલાં બધાં જ પર્ણો – અહીં આ વાતાવરણમાં માળો બાંધી ચુક્યાં છે.

અહીં માત્ર શુન્યતાનો અંધકાર આસપાસ વીંટળાઈ વળેલો છે.

ઉજ્જડ આકાશ અને વેરાન ધરતીના પહોળા પટ પાસે માત્ર સમય તેનાં ઘુંટણો ખેંચતો ખાંખાંખોળાં કરી રહ્યો છે.

અને ખેતરો, વાડીઓ, સીમો… અનંતની માયાભરી હુંફ નીચે ક્યારનાંયે સોડ તાણી સુઈ ગયાં છે.

ત્યારે એકાદ રખડુ, ગામઠી શ્વાન… તેની રૂંવાટીવાળી પુંછડીનો સુસવાટ કરતો… પવન બની આ બધાને છીન્ન ભીન્ન કરી વેરવીખેર કરી નાખે તો નવાઈ નહીં… અને કદાચ તે દીવસે જ મનુષ્યનાં શાશ્વત દુ:ખોને મુક્તી સાંપડે તો પણ નવાઈ નહીં.

અહીં સર્વનાશના સમાન ભાવીથી એકબીજા સાથે સંકળાયેલો મનુષ્ય સમુદ્રના રેતાળ પટ પાસે આવી ઉભો રહે છે. ત્યારે લાકડાની ઘોડીને બગલમાં બરાબર ગોઠવતો, સ્થીર થવા મથતો એક યુવાન તેની નજરે ચઢે છે.

ઘડીભર તેને ઈચ્છા થાય છે કે તે પેલા પંગુના નમી પડેલા ખભાને ટેકો દઈ થોડી વાર ઉભો રહે. તેને પુછે કે “કેમ ભાઈ! તારું બાળક બગીચાની લીલી જમીન ઉપર આળોટતાં આળોટતાં એક દીવસ ઈશ્વર બની જશે કે નહીં?” તેને પુછે કે ‘કેમ ભાઈ! તું સુખી છોને?”

પરંતુ બીજી જ પળે તેને ખ્યાલ આવે છે કે તેનું પોતાનું શીશુ પોલીયોથી પીડાતું ગઈ કાલે જ મૃત્યુ પામ્યું છે.

બીજી પળે જ તેને ખ્યાલ આવે છે કે તેનું ચીત્ત પણ આવી જ એક લાકડાની ઘોડી શોધતું યુગો સુધી મહાભીનીષ્ક્રમણ કરતું રહ્યું છે –

અને તે રેતીના સરકતા પોલા કણો ઉપર તેનાં પગલાંની ઉંડી છાપ પાડતો, શુન્યતાની બોડ પાસે આવી અટકી જાય છે. ત્યારે તેનાં પગલાંઓનાં અશ્મી અનંતની માટીમાં સચવાઈ આવતી કાલના એક પુરાતત્ત્વવીદને વીહ્વળ બનાવી દે છે.

સામેના ઉંચા મંદીરની જીર્ણ થયેલી ધજા હવામાં ફરફરાટ કરે છે.

મંદીરના શીખર ઉપર મુકેલા કળશ ઋતુઓના ફેરફારથી ઝાંખા અને મલીન બનેલા છે. તેની ઉપર બપોરે સુર્ય આવી બેેસે છે. તેની પાંખો ફફડાવે છે. અને પડછાયાનું એક તંગ ઈંડું તેના ઉપર મુકે છે.

તે ઈંડું એક દીવસ સેવાશે. અને તેમાંથી લથડીયાં ખાતું ભવીષ્ય બહાર નીકળી, આ એકાકી કળશોની કતાર વીંધી, મૃત્યુને ફરીથી પુન: જીવીત કરશે.

આજે સમજાય છે કે દરેક વસ્તુના ગર્ભમાં હંમેશાં એક જીવનપ્રવાહ વહેતો હોય છે – જે તે વસ્તુમાં રમમાણ એવા વસ્તુત્વને હંમેશાં મૃત્યુ ભણી, વીચ્છેદ ભણી, સર્વનાશ ભણી દોરી લઈ જવા પ્રયત્નશીલ હોય છે.

તેને ગલીને છેવાડે આવેલા ઘરની તરકીબ કરતી બારી યાદ આવી.

તે બારીના કારાગારમાં પુરાયેલી બીલાડી યાદ આવી.

લાખની બરડ બનેલી બીલાડીને તે હંમેશાં બહાર જતી વખતે ઘરમાં પુરી દેતો, કારણ કે એથી કરીને ઘરનું મૃત વાતાવરણ તેના ગયા પછી પણ જીવતું રહેતું. ઘરની ચોરસ દીવાલો, અને ચકચકતી ફરસબંધી તેને કમરપટો બાંધેલા શીકારી જેવી લાગતી. જેમાં કેદ કરેલી બીલાડીનું ધોળું મખમલ દગો રમતા શીકાર જેવું તેને લાગતું. એટલે ઘરના મૃત વાતાવરણમાં શીકાર ખેલતી દીવાલો તેની મનોદશા બની – તેને આવેગ આપતી.

એટલે ઘરનું મૃત વાતાવરણ બીલાડીને કારણે વધારે મૃત બનતું.

દરરોજ સાંજે બીલાડીનાં શ્વેત પીંછાંને ખોળામાં લઈ તે ઓટા ઉપર બેસતો.

શેરીનાં કાળાં–ધોળાં કુતરાંઓ તેની જીભો ચાટતા આડાઅવળા લસરકાઓ મારતા. બીલાડીનું શ્વેત પીંછું ઉદાસીન બની ચકર ચકર ખાતું તેને ઘસાતું અને તે તેના એકલવાયાપણાને વધારે ઘટ્ટ સ્વરૂપે જોઈ શકતો.

બીલાડીનું શ્વેત પીંછું કદી કદી વીષાદથી રંગાયેલી પત્ની બની તેની સામે તાકી રહેતું. ઉનાળાની ભુખરી સાંજે ચીનાઈ માટીની બરણીમાંથી અથાણું કાઢતી તેની મા… કદી કદી તેને સુનમુન લાગતી. તેનો બરછટ પીતા જાંબુડીયા રંગની ટોપી પહેરી, મહેમાન જેવો બની તેની સામે સ્તબ્ધતાથી તાકી રહેતો. ઉપરના મેડામાંથી ડોકીયું કરતી તેની ભાભી નોકરડી બની આખીયે શેરી વાળી નાંખતી. અને તેની નાની બહેન… તેનાં ત્રણ છોકરાંઓનાં પાંદડાં જેવાં કપડાંઓનો બગીચાના ખુણે ઢગલો કરી–તેને બાળી નાખવા ચીત્કારો કરતી.

તેનું ઘર ભર્યું ભર્યું બની જતું.

રવીવારે તેની ઓફીસનો વરણાગીયો એકાઉન્ટન્ટ તેની ઢાંકપીછોડો કરતી પત્ની સાથે ઘેર આવતો. તેની પત્ની ભગવાનને કરગરતી, મોળા સાટાને ચાના ભીના દ્રાવણમાં બોળતી. તેનો પતી પેંતરો ભરતું બગાસું ખાઈ તેના પીતાની ભરતવાળી શીશીને આમતેમ હલાવતો.

અને આ બધાંથી કંટાળી કદીક તે બાજુના જ મકાનમાં બેસતી પ્રાથમીક સ્કુલના ખોદાયેલા બાંકડાઓ ઉપર તાજુબીથી બેસી જતો. શુન્યમનસ્ક માસ્તર તેનું ખીલ પંપાળતો, પાણીમાં ડુબી મરવા થોડાક ઉદ્ગારો કાઢતો. અને સ્કુલનો પટાવાળો… હેડમાસ્તરના ખભા ઉપર કરુણાજનક ચીત્તે બેચાર ધુપસળીઓ પ્રગટાવતો.

મધરાતે આખું આકાશ કપડાં સીવવાની નાની દુકાન બની પરસેવાથી તરબોળ બની જતું – ત્યારે બીલાડીનું શ્વેત પીંછું હવામાં સરકતું સરકતું તેની પાસે આવી – તેને પ્રેમની, શરદના સુર્યની, ઉછળતાં મોજાંની… જુગુપ્સાજનક વાતો કહેતું.

તે મુંઝાઈ આ બધું સાંભળી લેતો. ઘણી વખત તેનાથી આ બધું સહન ન થતું. અને ત્યારે સફેદ કાચની સ્પષ્ટ દીવાલો વચ્ચે, બીલાડીના શ્વેત પીંછાને તે પુરી દેતો.

– અને આજે પણ એ જ બીલાડીનું શ્વેત પીછું તેણે બીલાડીના કારાગારમાં પુરી દીધું છે. કારણ કે તેના ભર્યા-ભર્યા ઘરનું મૃત વાતાવરણ સાવહતાશ થઈ આત્મહત્યા ન કરી બેસે.

–કારણ કે તેના પાડોશીની સ્તન-નીતરતી છોકરી તેની અભીમાનભરી નગ્નતાને વસ્ત્રો વડે ઢાંકી ન દે.

વસ્ત્રોની ગુંચળું વળેલી રુવાંટીવાળી પીંડીઓ ચાર અશ્વોની ગતી બની તેને ઝનુનભરી રીતે ચાહવા માંડી હતી. તેના ગોળાકાર પેટની કીકીયારીઓ અસ્વસ્થતા અનુભવતી, પ્રસુતા સ્ત્રી બની, તેના મર્મ સાથે ઉઝરડા લેતી હતી.

એટલે બતક–પારેવાંની શાન્તીથી તેણે શેરીની સુંઢ ઘસતી માખીને ઉડાડી નાખી હતી. અને લંગડાતી સ્ત્રીના ફીક્કા ખોળામાં કોઈ અકથ્ય વીષાદની ઝીણી રાંકડી પળોને અવતરવા દેવા તેણે શીયાળાની સવારને હાંકી કાઢી હતી. છતાં તેનું આખુંયે ઘર અદ્ભુત મૌન બની તેને હંમેશાં હંમેશાં છેતર્યા કરતું હતું.

આ ભ્રાન્તી, સત્ય

આ લાકડાનાં ખપાટીયાં ખખડાવતો પવન

આ બંધ બારી પાસે માછલીને ગળી જવા તત્પર બીલાડીનું પીંછું.

આ પ્રેમ, આસક્તી, સૌન્દર્ય.

આ શીયાળુ માવઠામાં સળગી જતું હોડકું.

આ ગુલમહોરની હથેલી ઉપરનો કીરમજી કીડો.

આ શેરી, વીશ્વ.

આ માનવ-સમુદાય… તેના શુન્ય-પોકળ કોલાહલો.

આ અસ્તીત્વ, કરુણા, વીષાદ.

આ અસાધારણ શાન્તી, શુન્યતા.

આ ઝાડઝાંખરાંથી ભરેલું અનંત મેદાન.

આ એકાન્ત.

હું તમને શું કહું?

આ ઉઘાડી શેરીમાં કેટકેટલાયે માણસોના કંટાળાભરેલા અવાજો અહીંતહીં ઠેર-ઠેર ભટકી રહ્યા છે. તેમના અચેત શબોની વેદના ત્યજી – સુર્ય ક્યારનોયે આથમી ચુક્યો છે.

આજે યુગો પછી પણ આ બધા જ મનુષ્યો એ જ ઉદાસીનતા લઈ ગલીઓમાં – તોળાઈ રહેલા નીશ્ચીત ભાવી તળે – જીવી રહ્યા છે.

તેમનાં ઘરોમાં સુનકાર છવાયેલો છે… છતાં તેઓ ઝંઝાવાતભર્યા દીવસો પસાર કરતા – જીવી રહ્યા છે.

આ બધા જ પડછાયાઓ છે.

તેમની પાછળ તેનું સાચું સ્વરૂપ છુપાવી બેઠેલું જીવન તો તેમનાથી ક્યાંયે વેગળે ચાલી જઈ… કોઈ અશ્વત્થની ઝીણી કુંપળોમાં ભરાઈ બેસી પડ્યું છે.

હું આ બધાંને જોઉં છું.

મારી સામે – મારામાં જ – મારો જ અંશ બની ભટકતા આ ભુખાળવા આત્માઓને હું જોઉં છું ત્યારે મને લાગે છે કે જીવન કદીયે – જીવવા જેવું નથી!

મારી આજુબાજુનું આ જગત કદીયે જીવવા જેવું હોઈ શકે નહીં. મારી આજુબાજુમાંથી જાણે કે અનેક રેશમી કોલાહલો આવી તેની સુંવાળપમાં મને લપેટી લે છે. અને હું તેના પોલાણમાં અવશ બની ઘેરાતો જાઉં છું.

એક ધુળના ઢેફામાં ઢબુરાયેલી ભયંકર શુન્યતા આવી મને તેના અંકમાં લઈ લે તેની હું રાહ જોઉં છું.

મને ખબર પણ ન પડે એમ ભુખરો વીષાદ તેનાં ગુપ્ત રહસ્યો ખોલી મારામાં પ્રવેશ કરે – અને મારો… મારાથી જ વીચ્છેદ કરાવે તેની હું રાહ જોઉં છું.

કારણ કે મારી આગળ જ અસહાય બની મૃત્યુ પામેલા દાદાજી અને ચીપડાવાળા ચીનાની… ઉઘાડી છીપલી જેવી મુંઝાયેલી લાશો પડી છે.

License

અસ્તિ Copyright © by શ્રીકાન્ત શાહ. All Rights Reserved.