પ્રતિભાવ

31-5-66
કોલકોતા

‘અસ્તી’ જોઈને મુંબઈથી જ પત્ર લખ્યો હતો – ખૂબ જ બળવાન વસ્તુ છે… એથી વિશેષ વિસ્તારથી લખીશ (જ).

મધુ રાય

*

25-5-66
અમદાવાદ

ગઈ કાલે ભાઈ જ્યોતિષ જાની તમારી નવલકથા ‘અસ્તી’ મને આપી ગયા. આભાર. વાંચીશ તો જરૂર તમને લખીશ.

જયંતિ દલાલ

*

20-7-66

અમદાવાદ

ઈકારોની દીર્ઘતા અને ઉકારોની હ્રસ્વતાના શહેરી કોલાહલ તરફ મોં કરી બેઠેલો કોઈ કંઈક સાંભળે છે સતત ફરતાં ચક્રો વચ્ચેથી કપાતો કપાતો પવન, વગેરે વગેરે વાંચું છું. હતી ‘અસ્તી’ પૂરેપૂરી વાંચી નથી રહ્યો – વાંચીને લાંબો પત્ર લખીશ.

સિતાંશુ યશશ્ચંદ્ર

*

18-7-66
સુરત

‘મૂલ્ય ધ્વંસ માટેનું સાહિત્યિક બહારવટિયું,’ ‘ઘોંઘાટની ઈયળમાંથી શબ્દનું પતંગિયું’

[ગુજરાત મિત્ર]ભગવતીકુમાર શર્મા

*

27-7-66
અમદાવાદ

‘અસ્તી’ મને ગમી જ છે અને તેની વિશેષતા વિશે જ મારે લખવું છે. થોડા દિવસોમાં જ મારી પ્રતિક્રિયા લખી મોકલીશ. એટલું જ નહીં એને વિશે મારે લેખ પણ લખવો છે.

લાભશંકર ઠાકર

*

18-7-66
અમદાવાદ

ઉમાશંકરભાઈએ ચાર-પાંચ દિવસ પહેલાં જ વાત કરી – તેઓ ભૂલી ગયા હતા – અને આજે, યાદ આવતાં, તેઓ લેતા આવ્યા : એટલે લખું છું કે ‘અસ્તી’ મળ્યું. તે માટે આભારી છું.

ઉનાળાની રજાઓમાં ગુલાબદાસભાઈને ત્યાં નજરે જોયેલું – પછી તો એ નિમિત્તે, નવીન લેખનની, રીતિની અને ભાષાની અર્થવાહકતા (કે તેના અભાવ) સંબંધે, ત્યાં જ થોડી ઉગ્ર ગણાય તેવી ચર્ચા એક અ-નવીન દૃષ્ટિબિંદુ ધરાવતા મિત્ર સાથે થયેલી. થોડોક અવકાશ મળતાં અવશ્ય વાંચી જઈશ.

હ. ભાયાણીના નમસ્કાર

*

27-7-67
વડોદરા

… રઘુવીરની કૃતક પ્રયોગશીલતાની પાછળ કાટ ખાઈ ગયેલી જૂનવાણી વૃત્તિ છે ને મધુ રાયમાં સૂક્ષ્મતાનું પ્રમાણ ઓછું છે. તમારી કૃતિને સાચા અર્થમાં પ્રયોગ કહી શકાય. હું ખુશીથી એ વિશે ‘ક્ષિતિજ’માં લખીશ. ‘અસ્તી’ વિશેના અભિપ્રાયો છાપવાની પ્રવૃત્તિ તમારે કરવાની ન હોય. તમે બીજી કૃતિ લખો.

એ જ, સુરેશ જોષી.

*

15-6-66
અમદાવાદ

‘અસ્તી’ વિશે મળાયું હોત તો વાતો કરવાની મજા પડત.

મિત્રોએ કદાચ મારો અભિપ્રાય તમને પહોંચાડ્યો હશે. ‘અસ્તી’ તમારો બળવાન પ્રયત્ન છે. અવાવરુ રહી ગયેલાને તમે અનુભવ કરાવી શકો છો. ઝીણવટથી સઘન દૃશ્યો રચીને અને લયાત્મકતાથી એવા આસ્વાદ્ય ગદ્યખંડ તમે આ કૃતિમાં આપ્યા છે કે તમારી કૃતિ બીજી વાર વાંચવાનો ઈરાદો રાખું છું. કેટલાક શબ્દપ્રયોગોમાં અને અવાવરુ રહી ગયેલાને દૃષ્ટિથી – સંવેદનથી સ્પર્શવામાં તમારું આગવું વ્યક્તિત્વ જુદા જ લેખકનું વ્યક્તિત્વ અનુભવાય છે. કથાતંતુની સૂક્ષ્માતિસૂક્ષ્મ રેખાથી ચલાવી શકવા બદલ અભિનંદન.

આપણે બહુ ઓછા મળ્યા છીએ. મને તોફાની (બળવાન અને નિર્ભીક) માણસો ગમે છે. બેજવાબદાર માણસો માટે પણ પક્ષપાત ધરાવું છું.

તમે જોડણીમાં અહીં ઉ અને ઈથી ચલાવ્યું. બીજા પુસ્તકમાં ઊ અને ઇ થી ચલાવી લેશો. જેથી બાકી રહેલું સુધરી જાય.

ભલા માણસ, કોઈ મિત્રને કહ્યું હોત તો પણ જોડણી તો સુધારી આપે. જવા દો એ વાત. તમે ફોર્સનો અનુભવ કરાવ્યો છે – ‘અસ્તી’નો અનુભવ કરાવ્યો છે.

રઘુવીરના વંદન

*

15-7-66
કોલકોતા

મધુ રાય પાસેથી … ‘અસ્તિ’ વાંચવા મળી… મેં આજે… તે વાંચી… મને ખૂબ ગમી…! તેમાં એક પ્રકારની તાકાત છે… જીવંત છે… વાત કરી શકે છે… Passionately written, with conviction and subtle force… through out linking… from one end to another end… Congratulations…

વાંચવાની મજા આવી…! વાંચતા વાંચતા એમ થતું હતું કે મારે જે કહેવું હતું… તે તમે સરસ રીતે Forcefully કહો છો…. તે જ કૃતિનું મૂલ્ય છે… that is good writting! ભલે તમે agree થાવ કે ન થાવ… પણ મારું થોડું એવું માનવું…! પણ મારા જેવા ઘણા ઓછા readersને એમ થાય છે કે… મારે આ પ્રકારનું કંઈક કહેવું છે… કે જે હંમેશાં ખણ્યા કરે… feel કર્યા કરે… વાત કરી શકે… participate કરી શકે… ચોકઠામાં આવે… etc … etc એ બધા જ અનુભવો… feelings…. observation … etc… etc.

એ બધું જ… સરસ રીતે કહેલું છે… અને તે સહજ અને સરળ છે… કે હું એ જ રીતે… શબ્દોમાં ગોઠવી શકતો ન હતો… anyway ખરેખર… અભિનંદન તો આપું તે ઓછા છે… ભલે ગમે તેમ… લોકોને ગમે કે ન ગમે… પણ but for me…” you proved… અને તે પણ સારી અને સરળ ભાષામાં…!

મધુ રાયને તમારી ‘અસ્તી’ બહુ ગમી… હવે બીજું કંઈક લખો… ખૂબ લખો…

જેરામ પટેલ

*

સુરેશ જોષી પછીના શ્રીકાંત શાહ બીજા નોંધપાત્ર કલ્પનનિષ્ઠ કવિતાકાર છે, ને એમની એ આગવી પ્રતિભાનો લાભ એમણે આપણી નવલકથાને આપવાની કોશિશ કરી છે. Creative realismનું જે પરિણામ આપણા વાર્તાસાહિત્યમાં સુરેશ જોષીથી ફૂટ્યું, તેમાં પોતાની શક્તિનો એક લસરકો ‘અસ્તી’ના લેખકે પણ ચોક્કસભાવે ઉમેર્યો છે.

સુમન શાહ

*

13-7-66
કલકત્તા

હમણાં જ ‘અસ્તી’ પૂરી કરી – ચાર Sittings કરવા પડ્યા. પ્રારંભમાં બહુ જ Impressive છે, પણ પછીથી જરા Repeatative થઈ ગઈ છે, એવું લાગે છે દરગુજર કરશો.

કેટલાંક શબ્દચિત્ર Visualise પણ ન કરી શકાય એવાં છે જેથી વાંચન ઘણી વખત digest નથી થતું. ‘સિપાહીના સેંડલનો ફાટેલો પટ્ટો’ વગેરે લેખનમાં પણ તમારા Observations ઘણાં જ વાજબી હોય તેવું લાગે છે.

ગુજરાતીમાં નવું અને જરા Unique લખવાવાળા જૂજ છે તેમાં તમારો ઉમેરો જોઈ ઘણો આનંદ થયો. અભિનંદન, લખતા રહેશો.

રમેશ કોટક

*

26-7-66
દાહોદ

હમણાં જ ‘અસ્તી’ ને વાગોળતો ઊભો થયો છું.

આ કૃતિને નવલકથા કે લઘુનવલ કે લાંબી ટૂંકી વાર્તામાં કે કોઈ ચોકઠામાં ઢાળી શકાય તેમ નથી. અલબત્ત એમાં કોઈ કૃતિની પાછળ રહેલો પ્રતિભાનો વિરોધ નથી, પણ કાચા કવિ – અને પ્રૌઢ લોજિશિયનના કઢંગા, રસાયણે વેરવિખેર ઠેરઠેર રગદોળાઈને, ખરબચડી, ડાઘડુઘિયા, આમ ઘસાઈને તેલચક ભીંતિયાથી સપાટી ઉપસાવી છે.

ચિત્રોમાં ક્યારેક પિકાસિયન ગંભીરતા પ્રસન્ન કરે, બાકી એક પણ રેખાની આવડત વિનાના અણઘડ પિકાસોનિયન્સની ચિત્રમાળા એક જ ઢાંચાળી અભિવ્યક્તિમાં ત્રાસ કરે છે. તમારી કૃતિમાં પોલિશ જરૂર છે, તાજગી નથી. પ્રયોગ કરતાં કરતાં પ્રયોગની સભાનતા જ પ્રયોગને ખાઈ જતી હોય ત્યારે જેવું બને તેવું આમાં બન્યું છે. મારો નિખાલસ પ્રત્યાઘાત સમર્થન સાધ્યા વિના વિધાનોમાં જ મૂક્યો છે – નિરાંતના અભાવે.

માઠું નહીં જ લગાડો. વિવેચનની ‘કૃતિનિષ્ઠતા’ સ્વીકારશો જ.

ચન્દ્રકાન્ત ટોપીવાળાના
સ્નેહવંદન.

License

અસ્તિ Copyright © by શ્રીકાન્ત શાહ. All Rights Reserved.