કવિતામાં નવલકથા – અસ્તી –સુમન શાહ

‘ઘટના વિનાની નવી નવલકથા’ અને ‘અસ્તિત્વવાદ’ જેવાં લેબલો હેઠળ ‘અસ્તી’ની જે પ્રશંસાત્મક કે ટીકાત્મક વિવેચનાઓ થઈ છે તેના કોલાહલમાં શ્રીકાન્તનો સર્જકતાની પૂરી ક્ષમતાવાળો અવાજ બહુ ઓછાઓને સંભળાયો છે. ‘અસ્તી’ બહુધા દૃશ્યકલ્પનો અને વિચારચંતિનની શૃંખલાઓ ઊભી કરીને એક સ્વયંસ્પષ્ટ શબ્દસૃષ્ટિ રજૂ કરવાનું તાકે છે. એના નાયકનું ‘તે’નું જીવનદર્શન અસ્તિત્વવાદની જલદતાથી ધોવાયેલું છે, નૅગેટિવ અને એકાંગી છે, સમગ્રમાં મૂકી જોવાયાનો લાભ પામ્યું નથી વગેરે સાચું હોય તો પણ અહીં રજૂ થયેલી શબ્દસૃષ્ટિને વિશે એ કશું જ કહેતું નથી. ‘નવી’ નવલકથામાંના ઘટનાતત્ત્વ કે ‘અ-કથા’ જેવાં નવાં લક્ષણોથી આને ‘નવલકથા’ ગણવી એ જેટલું મિથ્યા અથવા સાચું છે તો એને પરમ્પરાગત નવલનાં ‘ઘટનાતત્ત્વ’, ‘પાત્રસૃષ્ટિ’, ‘કથા’ જેવાં લક્ષણોથી આને ‘નવલકથા’ ન કહેવી એ પણ એટલું જ મિથ્યા અથવા સાચું છે. ‘અસ્તી’ એ પ્રયોગને એના યથાર્થરૂપમાં ઉચિત પરિપ્રેક્ષ્યથી સમજવાની જરૂર છે. સંભાર કે સામગ્રી આકાર કે રૂપ-ની વિવાદગ્રસ્ત કસોટીઓ રજૂ કરીને વિવેચન પોતાના ભૂતકાળનું જ પુનરાવર્તન કરી શકે…

*

‘અસ્તી’માં ‘તે’થી સૂચવાતો-આલેખાતો નાયક છે, એને ઘર છે, કુટુમ્બ છે; જીવન જીવવાનો એક મૂળભૂત કોયડો પણ એ ધરાવે છે. એ એક શેરીમાં રહે છે; એ શેરીને એક શહેર છે; એ શહેરને એક દુનિયા છે. ‘તે’ અને ‘તે’ની પરિસ્થિતિ વચ્ચે વ્યાપકતા ઊંડાણ અને સંકુલતાનાં ત્રિવિધ પરિમાણોવાળું એક tension છે. tension નિત્ય છે, ‘તે’ની ચેતના એને આસ્વાદે છે, પ્રમાણે છે. મૂલવે છે. ‘તે’ પાસે એક વિલક્ષણ દૃષ્ટિ છે, જેમાંથી tensionની અનેકાનેક રૂપાવલિઓ જન્મે છે. એ દૃષ્ટિ ‘તે’ની માનુષ્યિક ચેતનામાંથી જ સદા શક્તિ પામતી છે, ને તેનું ‘તે’નું દર્શન વાયવ્ય કલ્પનારાગ કે ચંતિનચરેડા નથી. ‘તે’નું દર્શન શ્રીકાન્ત શાહનું દર્શન છે એમ કહીએ તો, ત્યાં લગી વાંધો નથી. ‘તે’ સાથે સર્જક તરીકેની હોવી જોઈતી દૂરતા શ્રીકાન્ત રાખી શક્યા નથી એવું જે લાગે છે તે એટલા માટે કે ‘તે’નું દર્શન અસ્તિત્વવાદીઓનું – અથવા એમના પ્રકારનું – લાગે છે તે લાગણી છે ‘તે’ અને અસ્તિત્વવાદીની વચમાંથી ‘અસ્તી’ના લેખકને જુદા તારવીએ તો એમણે એક વિલક્ષણ સમજ ધરાવતા કલાકારની હેસિયતથી અહીં કલાકૃતિ રચવાનો સન્નિષ્ઠ પ્રયાસ કર્યો છે એમ જ કહેવાનું રહેશે. નાયક ‘તે’, એની શેરી, એની દુનિયા; એની બહારની પરિસ્થિતિ; એ પરિસ્થિતિ અને એની ચેતના વચ્ચે વરતાતું નિત્યનું tention; અને એ tentionમાંથી આકાર લેતું ‘તે’નું એક Innermost લાક્ષણિકતાઓ ફેલાવ્યા કરતું આગવું વિશ્વ – આ બધું શ્રીકાન્ત શાહે શબ્દના માધ્યમથી આપણી સમક્ષ ખડું કર્યું છે. માધ્યમની શક્તિક્ષમતાથી જ બધો ખેલ કરવાનો શુભ સંકલ્પ ‘અસ્તી’ના લેખકને આધુનિક કલાની ભૂમિકા પર મૂકી દે છે. તર્ક અને સર્જનને ફાવતો અ-તર્ક એ બેમાં ફેલાતી શબ્દશક્તિ તાણાવાણાવાળું એક ખરબચડું પણ ઘટ્ટ texture રચે છે. કલ્પનો અને ચંતિનોને જીવતા ‘તે’નું વિશ્વ એ texture પામી શકાય છે. લેખકને એ texture રચવાથી વિશેષનો રસ નથી.

*

શબ્દ જ અહીં સાધન છે અને સાધ્ય પણ છે, ‘તે’ના સંદર્ભમાં એ ભેદ ક્યારનો ભૂંસાઈ ગયો છે. એનો જીવન-સંભાર તે જ એનું જીવન-રૂપ છે. અ-ઘટના તે જ એની ઘટના છે, કથા છે, ‘તે’ ‘છે’–નું હોવાપણું પોતે જ અહીં ઘટે છે, being એના વિષયમાં becoming છે, બધી દૃશ્યાવલિઓ કે ચંતિનશૃંખલાઓ એનામાં સ્ફુરે છે એસ્તો એનું જીવન છે. ચીલાચાલુ અર્થમાં અહીં આમ ઘટનાપટ નથી, સંદર્ભ નથી, આદિ કે અંત નથી. અહીં સ્થિતિ છે – કશા સાથે સંવાદ પામ્યા વિનાની. ‘અસ્તી’માં સંવાદો જવલ્લે જ છે. એનું ચિત્ત એક નિત્યચંચલ શક્તિ છે, જે ચેતનાના જુદા જુદા પ્રદેશોમાં ગમે ત્યારે સંક્રાન્ત થઈ જાય છે. બાહ્ય વિશ્વનો ગમે તે પદાર્થ એમાં ગમે તે રૂપે ઝડપાય એટલી બધી છિન્ન દશા એ ધરાવે છે. ‘તે’ નામનું અસ્તિત્વ અહીં શબ્દરૂપ પામ્યું છે. એ માનવ અસ્તિત્વ છે ને તેથી એની જે કંઈ પણ સ્વરૂપની ચિત્રણા, જો શબ્દમાં થઈ છે તો સાહિત્યજ્ઞને અહીં રસનું એક મૂળગામી કારણ મળી જ રહે છે, ‘અસ્તિ’રૂપ જે કંઈ છે તેના નિરૂપણનો લેખકનો રસ આ રચનાને, રઘુવીર ચૌધરી ‘એકપાત્રી’ વિશેષણ આપે છે,1 તેવી નવલકથા બનાવે છે એ તો ખરું જ, – પરંતુ આવી રચનામાં અમુક વિચારો અને માનવજાત વિશેનાં તારણોની એક monographic pattern ઊભા થાય છે, જેમાં ‘એક’-તાની કંટાળો જન્માવનારી પ્રક્રિયા અંતનિર્હિત થયેલી છે.

*

પૂર્ણનિર્ણય કે પૂર્વયોજનાનો અભાવ, અમુક ટૅક્નિકથી સધાતા વિકાસનો અભાવ, કે સુનિશ્ચિત તારતમ્યો અને કારણોવાળા અંતનો અભાવ એ ‘અસ્તી’ની નોંધપાત્ર લાક્ષણિકતા છે. લેખકે જે પ્રારંભે કહ્યું છે : The Form from formless/now recedes/now wobbles… એ સાચું છે. શૂન્યરૂપ કૅન્વાસ પર શબ્દો ચીતરવાની આ પદ્ધતિ લાગે છે એટલી સ્વૈર કે રક્તરૂપ નથી. એને કલ્પનોની સંકુલતા અને Formlessમાંથી કંતાતા Fromની એક અલાયદી ડિઝાઇનનું સાતત્ય અર્પવાનો લેખકનો પ્રયાસ શ્રમ જેવો લાગે એટલો બધો મુખરિત છે. શ્રીકાન્ત શાહ ‘અસ્તી’માં Fromના એક vital aesthetic growthની બાબતમાં ઘણીવાર કમજોર બની ગયા છે, ને તેટલે અંશે કૃતિને કલાકૃતિ ન બનવા દે તેવી નોંધપાત્ર સ્વરૂપની કુણ્ઠાઓ જન્મી છે… આમ લેખકનો માધ્યમ પરનો મદાર બધી જ વખતે કામયાબ નીવડ્યો નથી.

*

તેમ છતાં પણ ‘એક’-તાના અનુભવને લેખકે બીજાં કેટલાંક પાત્રો ચીતરીને તોડ્યો છે. ‘તે’ નાયક ઉપરાંત અહીં ચીપડાવાળો ચીનો, દાદાજી, પીળી ફીતવાળી છોકરી, બંગાળી સ્ત્રી, કીડી-છોકરી, બેટવાળો, લંગડાતી સ્ત્રી, શીળી દાક્તર, કોલસાવાળો વગેરે માનવ-સ્થિતિઓ પાત્રો બનીને પ્રવેશે છે. ‘તેની’ ચેતનાનો અને લેખકની સર્જકતાનો તેઓ સવિશેષભાવે અનુરાગ પામ્યાં છે. પ્રચુર કલ્પન-સૃષ્ટિઓની પણ અહીં વિવિધા સરજાય છે.

નાયકના વિલક્ષણ વ્યક્તિત્વનો પરિચય શરૂઆતનાં ત્રણ પાનમાં જ મળી જાય છે. પોતાની ચોપાસના અસંખ્યાત વસ્તુપદાર્થોને એ ખૂબ ઝીણવટથી જોઈ શકે છે ને કંટાળા વિના જોઈ શકે છે. વસ્તુપદાર્થોના બાહ્ય રૂપની બધી જ રેખાઓને એની દૃષ્ટિ, પકડીને શબ્દમાં નવેસર દોરી શકે છે. ‘તે’ના આંતરવિશ્વમાં માનવીય ભાવો વિચારો તરંગો કલ્પનો અને પ્રતીકોની અનેકાનેક છબિઓ છલકાય છે. શાકની થેલી લઈ પસાર થતી બે સ્ત્રીઓમાંથી પોતે કોઈનો પણ પુત્ર બની શક્યો હોત એવા ‘વિચારો’થી એને ‘આનંદ’ થાય છે. ‘માલિકીનું’ રસોડું પોતે ધરાવે છે તેનો એને ‘ગર્વ’ થાય છે, પાડોશીએ લઈ રાખેલ દૂધનો સફેદ રંગ અકબંધ હશે એવી વિગત એના ચિત્તમાં સરકે છે, પણ ગર્વને ‘ટકાવી રાખવા’ એને ‘પ્રયત્ન’ કરવો પડે છે. એના આંતર-વિશ્વમાં સંસારની બેહૂદગીઓ, વિષમતાઓ, ઢોંગ કે સુખ, આનંદ, સંતોષ આદિનું સરખું જ પ્રતિબિમ્બ પડે એવું નથી. ઘણી વાર એ પ્રતિબિમ્બ પણ ન રહે, ન એમાં નાયકના ચિત્તની કશીક વિશિષ્ટ સંપત્તિ ઉમેરાઈને એક mixed પ્રકારની ખયાલી સૃષ્ટિ બની જાય, એમ પણ બને છે : ચાલીસેક વર્ષની બેડોળ સ્ત્રીને જોઈને એના મનમાં કલ્પના સક્રિય બને છે: ‘પગના તળિયામાં પડેલા કાળા કાળા કાપા – જે શિયાળામાં કળતા હશે ત્યારે છોકરાંઓને સ્તનપાન કરાવતાં નવરાશ મેળવી થોડીવાર ડાબો હાથ તેને ખણી લેતો હશે અને સ્તનપાન કરાવવાના આનંદ કરતાં પણ સવિશેષ આનંદ આ ક્રિયાથી મેળવાતો હશે અને એ જ ડાબા હાથે મેળવેલા આનંદ ઉપર જીવનનો બધો મદાર બાંધી તે જીવતી હશે.’ અહીં સ્ત્રીના જીવનની એક કઢંગ ક્ષણ તો મૂર્ત થાય છે જ. પણ એ આગળ કહે છે : ‘એકાદ વાર સ્તનપાનથી સરકી પડેલું દૂધનું એક પીળું ટીપું કાપાઓના ઊંડાણમાં બાષ્પ બનતું હશે અને એ બાષ્પ એક ભેંસ ઉપર વાદળું બની વરસ્યા કરતી હશે.’ આ જ મનોઘટનાને સમાંતરની ઘટના તુરત જ ફૂટે છે : ‘સામેની દુકાનની તીરાડ મડદું થઈ પડેલ માણસની ઉઘાડી મોં-ફાડ બની. અને તેમાં ગરમાળાનું આખું વૃક્ષ ઉગી નીકળ્યું.’2

‘તે’નાં આવાં સર્જનોથી ને એના વિલક્ષણ અવાજથી શ્રીકાન્તનું સર્જન અને એમનો વિલક્ષણ અવાજ જુદો તારવવો મુશ્કેલ છે. ને તેથી, આ સૃષ્ટિઓ ‘તે’ની સર્જકતાથી આમ સર્રિયલ, (તો ક્યારેક) ક્યૂબિસ્ટ પ્રકારની, (તો ક્યારેક) ઇમ્પ્રેશનિસ્ટિક, કે પોપ આર્ટમાં જોવા મળતી વિલક્ષણતાઓવાળી, અથવા તો સિનેમૅટિક બની, કે શ્રીકાન્તની સર્જકતાથી બની, એ જુદું તારવવું અઘરું છે. અલબત્ત, એમની રચના આમ ‘તે’ના સક્રિય કર્તૃત્વથી જાણે અનાયાસે વિસ્તરે છે.

પણ, દુકાનની તિરાડ મડદું થઈ ગયેલા માણસની મોંફાડ જેવી જેને લાગે તેને આ માનવજાત વિશે કશુંક ચોક્કસ કહેવાનું હશે એની તો ખાતરી થાય જ છે. એક બહુ જ સક્ષમ દૃશ્ય એના કૅમેરામાં ઝડપાયું છે: દીવાલને અઢેલી સૂતેલો એક કૂતરો ઊભો થઈ શરીર ખંખેરે છે. આજુબાજુની જમીન સૂંઘે છે. દીવાલની ખરબચડી સપાટી સાથે શરીર ઘસે છે. શરીરને ફરી ફંગોળી દઈ સૂવા માટે આંખો બંધ કરે છે. તેની પહેળો નાસિકામાંથી થોડા અન્ધકારના ‘ચોરસ દેડકાઓ’ ફૂટપાથના લીસ્સા પથરાઓ પર વેરાઈ જાય છે. ‘તે’ને લાગે છે કે, કૂતરાના બે વંકાયેલા પગો વચ્ચે થઈ પસાર થતો એની પૂંછડીનો ‘વળાંક’ આખીય માનવજાતનાં કાર્યોનો ‘આલેખ’ દોરે છે.’3 લેખકે કહ્યું છે, ‘તે’ની દૃષ્ટિમાં વેધકતા હતી – જે પદાર્થોની આરપાર પ્રકાશની મદદ વિના પ્રવેશી તેના અંતસ્તલને સ્પર્શી શકતી હતી.’4 માણસજાત વિશેના, આ રચનામાં નાયકના અનેકાનેક તર્કો, વિચારોના ટુકડાઓ લેખકે મોડર્ન આટિર્સ્ટની જેમ પોતાનાં સ્વપ્નાંમાં જ્યાંત્યાં ચીપકાવ્યા છે, એ જ્યાં છે ત્યાંથી પોતાની Stillness દ્વારા વાચકમનમાં જાહેરખબરનાં પાટિયાં કે શબ્દગુચ્છોની જેમ અર્થો ફરકાવે છે; એનું તર્કજડ રૂપ કે બોલકાપણું અખરતું નથી, બલકે વાચકને પરિચિત એવી ઉપલક પ્રકારની જ્ઞાન-સંજ્ઞાન-વિજ્ઞાનની અર્થાવલિઓને એનાં લટકાપણામાંથી નવેસર ઉગારી લે છે અને વધારે ચુસ્તી આણે છે :

રતિલાલ દવેની ફરિયાદ છે કે ‘અસ્તી’નું આ ‘નબળું પાસું’ છે : તેઓ જણાવે છે : ‘લેખકે અહીં તારસ્વરે વિધાનો કરવાનો અજમાવેલો તરીકો ‘અસ્તી’ના લખાણનું નબળું પાસું છે. લેખકોનાં સર્જનાત્મક પુસ્તકોમાંથી ચંતિન-કણિકાઓ-સોનેરી સુવાક્યો-ના ભિન્ન સંગ્રહ કરી શકાય તેવી પરિસ્થિતિ સામે જેમને પણ સાચો રોષ હોય તે પ્રકારાંતરે એવી જ ભૂલને નહિ ઓળખે? ‘મનુષ્યમાત્ર ભૂલને પાત્ર’, ‘જનસેવા એ પ્રભુસેવા’ જેવા પ્રયોગો તરફ જેવો ભાવ પ્રગટે તેવો જ ભાવ ‘સર્વ મનુષ્યો મૂર્ખ અને બેહૂદા છે.’ પ્રયોગ પ્રત્યે જન્મે.’5 ઉપર કહ્યું તેમ, વિધાનાત્મકતા ‘અસ્તી’માં રૂપરચનાના અંતર્ગત સંદર્ભમાં તપાસવી ઘટે. ર. વ. દેસાઈની નવલમાં આવતાં સુવાક્યોના જેવો શિથિલવિન્યસ્ત સંબંધ ‘અસ્તી’નાં વિધાનોનો નથી. એનો એક તંતુ નાયકની વિલક્ષણ આંતર-સૃષ્ટિમાં છે, તો બીજો ‘અસ્ત’ના formની એક પાયાની સંરચનાવિષયક અનિવાર્યતામાં છે. માધ્યમની વિચાર-તર્ક-ચંતિનની દિશાની બરડતાનો પણ લેખકે અહીં પૂરો લાભ લીધો છે, ને તેથી આવાં સૂચ્રો મૂકી જોવા જેવાં છે: ‘સર્વ મનુષ્યો મૂર્ખ અને બેહૂદા છે.’ ‘તેઓના અસ્તિત્વનું કશું મૂલ્ય નથી.’ ‘તેમના ઘૃણાસ્પદ જીવનની મૃત્યુ સિવાય મુક્તિ નથી.’ ને આ જ લયભાતમાં આવતું છેલ્લું વિધાન ચૂકી જઈએ કે છોડી દઈએ તે ન ચાલે, ‘આ જીવની અનેક નાનીમોટી ભાંજગડો વહોરીને આ બધા મનુષ્યો જીવી રહ્યા છે. કદાચ તેઓનાં શબસમાન શરીર ઉપર તેઓએ જીવતરનું કવચ પહેર્યું છે અને તેઓના પોપટીયા ઓરડામાં તેમના લીરા ઊડી ગયેલાં મડદાંઓ પડ્યાં છે.’6 પોપટિયા ઓરડામાં પ્રવેશવાનું રતિલાલ દવેને ન જ ગમે તે એકદમ ઝડપથી સમજી શકાય એવું છે. છેલ્લા વિધાનની ગદ્યકવિતામાં આગલાં ત્રણની બરડતા વેરાઈ જાય છે. આમ, ‘અસ્તી’નાં, તર્કની શિસ્તવાળાં વિધાનોને પણ કવિતાનો પાશ બેઠેલો છે. ‘તે’નું માનવસ્થિતિ વિશેનું દર્શન આ પંક્તિઓમાં લાઘવથી મૂકાયું છે :

‘તેઓ બધા જ બેહૂદા અને કૃત્રિમ છે.

તેઓ બધા જ સુખના, સહાનુભૂતીના,

પ્રેમના કવચ નીચે જીવતા મથતા કાચબાઓ છે.

તેઓ બધા જ અર્ધમૃત, અશક્ત અને

વિશ્વાસ ગુમાવી બેઠેલા એકકોષી જીવો છે.

તેઓનાં મકાનોના લાંબા થતા પડછાયા

તેમના હૃદયના અગોચર ખુણામાં પેસી જઈ

તેમને લાચાર અને ભયભીત બનાવી મૂકે છે.

તેઓ ઢસડાય છે, દોડે છે, ગડથોલીયાં ખાય છે,

ચીસો પાડે છે, નાસભાગ કરે છે

અને અંતે તેમનાં અત્યંત થાકભર્યાં શરીરો

ઘરોમાં, શેરીમાં કે હોસ્પિટલમાં ફસડાઈ પડે છે.

અને ત્યારે વૃદ્ધ સૂર્યનો ચરબીથી લચી પડેલો શ્વાન,

પડછાયા ચાટતો, તેમના ગળગળા ઘરાં આવી,

તેમની ખાલી પડેલી જગ્યામાં ભરાઈ બેસે છે.’7

કવિતાનો અ-તર્ક અને વિજ્ઞાનનો તર્ક જેમાં બરાબર ઓતપ્રોત થઈ ગયા છે,તેવો આ નમૂનો ભાષાભૂમિકાએ, ‘અસ્તી’ના લેખકને ન્યાય ખાતર, તુલનાર્થે ઉતારું છું :

‘પાનખરની ઘોંઘાટભરી સાંજ.

ફીક્કો પવન.

જાળીવાળું નેતરીયું આકાશ.

કર્કશ શેરી.

માણસો.

વાહનો, દુકાનો, ફુટપાથ.

રમકડાં વેચવા બેઠેલા માણસની ત્રાંસી આંખ.

તેમાં ડોકાઈ રહેલી તેની બહારગામ જવાની અભીપ્સા.

પગભર થવા મથતી આંધળી સંસ્કૃતિ.

અને તેની વચ્ચે

દોડધામ કરતાં નગરો, શહેરો, ગામો.

લીસ્સા થઈ ગયેલા ખુણાઓ.

અવાજો.

લોહી-પરસેવાની બદબૂ.

કરમાયેલા ચહેરાઓ.

અરાજકતા.’

માનવસ્થિતિ વિશે નાયક જે અનુભવે છે તે બીજાઓની દૃષ્ટિએ ભલે એકાંગીદર્શન હોય, એની મનોરુગ્ણતા પણ એમાં વાંચી શકાય; પરંતુ માનવજીવનની બેહૂદગી અને પ્રકાર-પ્રકારની કૃત્રિમતાઓ, જડતાઓ વિશેની એની માન્યતા એક જલદ પ્રતીતિ છે, એનો જન્મ એના પોતાના જીવાનુભવમાંથી થયો છે. કાળ અને માનવસંસારની પ્રકાર-પ્રકારની શૃંખલાઓમાં સરખું જીવવા જતો મનુષ્ય કેવો હાસ્યાસ્પદ અને કરુણતાજનક અવસ્થાને પામ્યો છે તે લેખકે અહીં નાયક દ્વારા પ્રસ્તુત કર્યું છે. ‘અસ્તી’નો ‘તે’, માણસ અને માણજતાનો પ્રતિનિધિ બનવાની સાથે જ પોતાની જાત સિવાયના ‘તેઓ’ને પ્રમાણે છે, મૂલવે છે, ત્યારે કોઈ પાત્રરૂપ સ્થિતિ પામવામાંથી ઊગરી જાય છે. ‘જીવનમાં તીવ્ર બને છે દુ:ખ, ગ્લાનિ, અભાવ અને એ બધાંની પડછે સમગ્ર જીવનને આવરી બેઠેલો શાશ્વત નીરાનંદ – જે ભરડો લે છે મનુષ્યના સમગ્ર દેહ, મન અને કાર્ય ઉપર. માણસ તેનાથી ઝંખવાય છે.’ આ પછીની પંક્તિમાં જ આ સર્વસાધારણ ‘માણસ’નું ‘તે’ સાથેનું identification સ્પષ્ટ થાય છે – ‘તે આરામની, ઊંઘની નિર્દેવની સ્થિતિ કલ્પે છે, સાંજની ઢળતી જતી વેળામાંથી માર્ગ કાઢી, શેરી, રસ્તો, દુકાનો, માણસો વટાવતો ઘરે પહોંચે છે – નિરુત્સાહ બનીને, ઘરનું બારણું ખખડાવે છે, સાંકળના લોખંડને તેનો હાથ સ્પર્શે છે, તે શાતા અનુભવે છે.’9 વગેરે. એની રોજિંદી ક્રિયાઓમાં એ મહેશ વિશે પણ વિચારે છે ને ત્યારે લાગે છે એને કે મહેશ પણ માણસ છે, તેના જેવો જ માણસ. આમ એક વર્તુળ પૂરું થાય છે. ‘અસ્તી’માં કથાતત્ત્વ – જે નર્યું સંબંધો વિનાનું. નિ:સંદર્ભ છે, આમ કોઈક ભાગોમાં ગૂંથાય છે એવું લાગે છે.

જીવનના અસુખને, કંટાળાને, થાકને, વિષાદને તથા તમામ કુત્સિતતાઓને ઓળખવાની દૃષ્ટિ નાયક પાસેથી મળી રહે એટલી બધી ગીચતાથી નાયકનું દર્શન અહીં નિરૂપણ પામે છે. અસ્તિત્વવાદની પ્રભાવકતાવાળી કૃતિનો ગુણ જો એનો ‘ચેપ’ ગણાતો હોય તો તે અહીં ઊડે એટલું પ્રાચુર્ય ‘અસ્તી’માં અવશ્ય છે. આ સ્થિતિને વિશે નાયક લાચાર અને અસહાય છે. એની પાસે કોઈ કલ્યાણકારી માર્ગ નથી. છતાં એ, એક વેદનશીલ બૌદ્ધિકની રીતે વિદ્રોહ અને સામૂહિક સંહારમાં મનુષ્યની આ દયાપાત્ર સ્થિતિનો ઇલાજ જુએ છે. મનુષ્યની સ્થિતિ વિશેનો એનો તિરસ્કાર, ક્રોધ, મનુષ્ય માટેનો બની જાય એટલી હદે ‘તે’ વિકૃત થઈ ચૂકેલો છે. એ કહે છે : ‘એક વિનાશક યંત્રની મદદથી આ પસાર થતા, જીવતા કેટલાયે લોકોનો સંહાર કરી શકાય. તેમના અસ્તિત્વનો, તેમના કુટુંબનો, તેમના જીવતા રહેવામાં મદદ કરતાં કેટલાંયે પરીબળોનો નાશ કરી શકાય. તેમની મૂર્ખાઈ, બાઘાઈ અને – ખસીયાણાંપણાની પેલે પાર જે હીન હતું તેના અંકુરોને, તેની હવે પછીની પેઢીને, તેની આનુવંશીકતાને બધાને એક જ પ્રહારથી દૂર કરી શકાય.’10 તે સૌનું મૃત્યુ વાંછે છે, કેમ કે ‘બધા મનુષ્યોએ તેમના હવડકોષોને પરિપક્વ બનાવવા સિવાય બીજું કશુંયે કામ કર્યું નથી’, માનવીના જીવનની હેતશૂન્યતા અને અગતિકતામાં જ બધી સમાપ્તિ આવી ગઈ છે એવી લાગણી ધરાવતા આ નાયકને મન માનવસંસ્કૃતિના વિકાસનું કે પ્રગતિનું કશું મૂલ્ય નથી. ‘બધાંની કરોડરજ્જુ તોડી નાંખી ફરીથી ચાર પગે’ ચાલવાની તેને ઇચ્છા થાય છે.11 ‘જીવન’ના ઉદયકાળમાં પાછા જવાની નાયકની આ વૃત્તિ તેની વેદનશીલતાની પૂરી પરિચાયક છે. એકકોષી જીવોની અનાદિ – Protozoic સૃષ્ટિમાં જવાનું એ આટલા માટે ઝંખે છે – ‘અહીં’નું જીવન તો મૃત્યુ-ઇંડામાંથી બહાર નીકળી ફરી મૃત્યુ-ઈંડાને સેવે છે, અને એટલે જ આપણે જ્યાંથી આવ્યા છીએ ત્યાં પહોંચી જવા પુરતા જ ક્રિયાશીલ રહેવું જોઈએ – જેથી આ બેહુદી ગમગીનીનો જલદી અંત આવે.12 પોતે ઉત્ક્રાન્તિક્રમે કે કોઈ પ્રાકૃતિક પરિબળોથી ખેંચાઈને અયોગ્ય પરિસ્થિતિમાં મુકાયો છે તેનો એને ઉત્તર જડતો નથી. અને કાંઠાની ભીની રેતી પર પડેલા નાયકનો એ ક્રિયાશીલ દરિયામાં પાછા જવાનો પુરુષાર્થ નિષ્ફળ જાય છે. હાથપગ હલાવ્યા પછી રેતીના પહોળા વિસ્તારમાં એ વધારે ગરક બને છે.13

એ તો માત્ર કીડીનો સંહાર કરી શકે છે અને ક્ષયવાળી છોકરીના ‘ધસ્યે આવતા લીલાછમ મૃત્યુને સવલત કરી દેવાના પ્રયત્નોમાં’, ‘જીવનની કઈ નીતિ આડે આવે છે તે કોયડાનો ઉકેળ શોધી શકવા મથે છે.’14 ટૂંકમાં એનો વિદ્રોહ પણ જીવનની એવી જ એક અસહાય અસંબદ્ધતાનો જ નિર્દેશ કરે છે. પણ એની વિચાર-ચેષ્ટાઓ માનવસ્થિતિની અનેકાનેક તરાહોના સાંધા છૂટ્ટે છૂટ્ટા કરી આપે છે. પૃ. 74 ઉપર એક દૃશ્ય સંકલન પામે છે : સર્વનાશના સમાન ભાવિથી એકબીજા સાથે સંકળાયેલો મનુષ્ય સમુદ્રના રેતાળ પટ પાસે આવીને ઊભો રહે છે. ત્યાં દેખાતા પંગુની લાકડાની ઘોડી એણે પણ યુગો સુધી શોધી છે, મહાભિનિષ્ક્રમણ કર્યા કર્યું છે. ‘રેતીના સરકતા પોલા કણો ઉપર તેનાં પગલાંઓની ઊંડી છાપ પાડતો’ તે ‘શૂન્યતાની બોડ પાસે આવી અટકી જાય છે.’ અંતે અનુભવ શૂન્યનો જ રહે એવી રચના છે, ને જીવન- મૃત્યુની દિશામાં જ વિલસતું સતત ચક્રાયા કરે છે એ વાત લેખકે આ બહુ બળવાન દૃશ્યથી વ્યક્ત કરી છે. મંદીરના શિખર ઉપર મુકેલા કળશ ઋતુઓના ફેરફારથી ઝાંખા અને મલીન બનેલા છે. તેની ઉપર બપોરે સૂર્ય આવી બેસે છે. તેની પાંખો ફફડાવે છે અને પડછાયાનું એક તંગ ઈંડું એના ઉપર મૂકે છે. તે ઈંડું એક દીવસ સેવાશે. અને તેમાંથી લથડિયાં ખાતું ભવિષ્ય પુન:જીવિત કરશે.’15 જીવનની મૃત્યુ તરફની ગતિ એ જ એક ચિરંતન પરમ્પરાગત પ્રતીકોનો અર્થસંદર્ભ પામતી ઇમેજરીમાં સૃષ્ટિના એકધાર્યા સંદર્ભમાં પ્રતીક-કલ્પનનો ફાળો કેવો હોઈ શકે તેના પૃથક્કરણ-અભ્યાસમાં મહત્ત્વનું બની શકે છે.

આમ, સંહારની અસંભવિતતામાંથી ‘તે’ મુમૂર્ષાને સેવતો થઈ ગયો છે;16 એનો આક્રોશ એની લાચારીનો, એની પાયાની absurditiesનો, એક ભંગુર ઉન્મેષ હતો એવી પ્રતીતિ થતાં મૃત્યુ સિવાય એને કોઈ બીજો કામયાબ ઈલાજ જણાતો નથી. પ્રતીકો અને કલ્પનોની ખણ્ડિત સંદર્ભોવાળી સંરચના ઊભી કરીને લેખકે અહીં, ‘તે’ની અંતિમતમપણે મૂળની કહી શકાય તેવી સ્થિતિની ચિત્રાવલિઓથી પોતાની કૃતિને કલાનું પરિમાણ બક્ષવાનો શક્ય પુરુષાર્થ કર્યો છે.

*

સુરેશ જોષી પછીના શ્રીકાન્ત શાહ બીજા નોંધપાત્ર કલ્પનનિષ્ઠ કવિતાકાર છે, ને એમની એ આગવી પ્રતિભાનો લાભ એમણે આપણી નવલકથાને આપવાની કોશિશ કરી છે. Creative realismનું જે પરિમાણ આપણા વાર્તાસાહિત્યમાં સુરેશ જોષીથી ફૂટ્યું તેમાં પોતાની શક્તિનો એક લસરકો ‘અસ્તી’માં લેખકે પણ ચોક્કસભાવે ઉમેર્યો છે. ‘અસ્તી’ની કલાકીય મુશ્કેલી તે એના આકારને પ્રાપ્ત નહિ થયેલા Cataystની છે. એના અભાવે અમુક પ્રકારના વિચાર-ચંતિન-દર્શનને જ વારંવાર સ્ફુરાવતા શબ્દની, એક પ્રકારની, વગર કારણે વર્તુળાયા કરતી ચિત્રાવલિઓ ઊડ્યા કરે છે. એની Formal density કશાક Cohesionમાંથી ફેલાય અને એક એવો patternal growth જોવાય કે જે આખી કૃતિને અમુક અનુભૂતિનું total objective correlative બનાવે એમ બન્યું નથી. જે બન્યું છે તે ખણ્ડિત સ્વરૂપનું છે. ખણ્ડિત કલારૂપતા એવી જ હોય એવો આશાયેશ ‘અસ્તી’ની વિશે ધારી શકાતો નથી. છતાં, કહી શકાય કે શ્રીકાન્તે શબ્દને જ ફંફોસીને મરવા પડેલી નવલને પોતા તરફથી જીવતદાનનું એક ટીપું તો પાયું જ છે. સાચી જોડણીનું તંત્ર જાળવવું પડે તેથી પણ વધારે મહેનત તેઓને હ્રસ્વ અને દીર્ઘ ઈનો નિયમ જાળવવામાં પડી હશે. ને એ બંનેમાં પડે એથી ઓછી જહેમતે તેઓ કલ્પનો રચી કાઢે છે! એ પ્રચુરતાભર્યા ઉન્મેષને તેઓમાંનો સર્જક aesthetic editingનો લાભ આપી શક્યો હોત તો? તો કદાચ ‘અસ્તી’ વિશે આવું અને આટલું લખવાનો વારો ન આવત…

License

અસ્તિ Copyright © by શ્રીકાન્ત શાહ. All Rights Reserved.