‘અસ્તી’ : નિરાળી રચનારીતિનો વિલક્ષણ પ્રયોગ – ભાનુપ્રસાદ પંડ્યા

કોઈ પણ સાહિત્યકૃતિને એનાથી ઇતર એવા બાહ્ય પરિબળના સંદર્ભમાં ન તપાસવી જોઈએ એવી મનાઈ નવ્ય વિવેચના ફરમાવે છે. એનો આગ્રહ છે કે કૃતિને પ્રાપ્ત શબ્દપ્રપંચ રૂપે જ જોવી ઘટે. એની રચનાપ્રક્રિયામાંથી બંધાતા અનુભૂતિ-આકારને પામવાનો વિવેચના એ ઉદ્દેશ રાખવો જોઈએ એ એક આવકાર્ય આદર્શ છે. પણ પછીથી કૃતિમાંથી કશા સૂચન-ધ્વનિના રૂપે સ્ફુરતા વક્તવ્યનો નિર્દેશ આપવાનુંય વિવેચનાએ ચૂકવું ન જોઈએ. આથી નવ્ય વિવેચનાની અમુક સીમાનો સ્વીકાર કરીને સાહિત્યકૃતિના રચનાવિધાનને તપાસતાં તપાસતાં એમાંની સંવેદનાનો, એની સાથે સંબંધ ધરાવતી કોઈ સાંપ્રત વિચારધારાનો પણ યથાવકાશ વિવેચનાએ વિચાર કરવાનો રહે.

‘અસ્તી’નું આપણે ઉપર્યુક્ત દૃષ્ટિકોણથી વિશ્લેષણ કરવા જઈએ છીએ, ત્યારે પ્રારંભમાં જ સ્પષ્ટ કરવું જોઈએ કે નવલકથાનાં રૂઢ ધોરણો ત્યાં ભાગ્યે જ ખપમાં આવે તેમ છે. અહીં પરિસ્થિતિ, પાત્ર, સંવિધાનકળા આદિના સંકેતો બદલાઈ ગયા છે. એનાં રૂપવિધાયક તત્ત્વોનું એમાં કેટલે અંશે સંયોજન-સંઘટન થાય છે? એમાંની સંવેદના કયા પ્રકારની છે? એના કર્તાએ યોજેલી રચનારીતિ કૃતિને રૂપાયિત કરવામાં કામયાબ નીવડે છે ખરી? આંતર-ઉપાદાન (content) કશી સમગ્ર અસર (total effect) ઉત્પન્ન કરે છે કે વિશૃંખલ રહે છે? એ બહુધા દૃશ્ય કલ્પનોની શ્રેણી રચે છે કે એના લેખકે નિર્દેશ કર્યો છે તે માત્ર ‘શબ્દચિત્રો’ જ છે? એમાંની ભાષાભાત (Language-pattern) કૃતિનું પુદ્ગલ બાંધવામાં ઉપકારક થાય છે? આ અને આવા અન્ય પ્રશ્નો કૃતિ સાથે વિવેચક તરીકે મુકાબલો (encounter) કરનારને થયા વિના રહેશે નહીં.

આવા પ્રશ્નોનો સામનો કરતાં કરતાં ‘અસ્તી’ સાથે કામ પાડનાર વિવેચનાએ કરેલાં નિરીક્ષણો અહીં નોંધવાં જોઈએ. ડો. સુમન શાહને ‘અસ્તી’ને ‘આકાર પ્રાપ્ત નહિ’ થવા પાછળ ‘catalyst-નો અભાવ’ દેખાયો છે અને એમાં “આખી કૃતિને અમુક અનૂભિતનું total objective correlative બનાવે એમ બન્યું નથી એ પ્રકારની છાપ પડી છે. શ્રી રઘુવીર ચૌધરીને એમાં બહુધા ‘કલ્પનાનો ખડકલો’ લાગે છે. અલબત્ત, ‘નિસ્સંગ એકાંતના કુતૂહલ’થી જોવાયેલી એ સૃષ્ટિ એમને આસ્વાદ્ય લાગી છે ખરી. શ્રી જયંત કોઠારીને એમાં ચરિત્ર જ સર્જાતું દેખાતું નથી. એમાંનો ‘તે’ એમને ચરિત્ર નહિ, પણ ‘એક પરિપ્રેક્ષ્ય’ માત્ર લાગે છે, તો ડો. સુરેશ જોષીને એમાં ઘટનાને ઓગાળી નાખવાનો પ્રયાસ બહુધા સફળ થયો દેખાય છે અને એમાં ‘કેટલાંક નાજુક નકશીકામવાળાં ચિત્રો’ પણ એમને દેખાયાં છે. અલબત્ત, એમના જેવા પાસેથી અપેક્ષા હોય એ પ્રમાણે આખી કૃતિનું એમણે સુપેરે વિશ્લેષણ કરી આપ્યું નથી!

આ સંજોગોમાં ‘અસ્તી’ને પ્રાપ્ત સ્વરૂપે જોઈએ. કૃતિના કેન્દ્રમાં રૂઢ નવલકથાના જેવું નામ કે ગુણદોષથી અથવા એના ચહેરામહોરાથી ઓળખાવી શકાય એવું કોઈ પાત્ર નથી. લેખકે એને ‘Mr. K.’ અથવા અ, બ, ક જેવી પણ કોઈ સંજ્ઞા આપી નથી. તેઓ એને ‘તે’ કહીને નિર્દેશે છે. ‘તે’ એટલે ત્રીજો પુરુષ એકવચન સર્વનામ તો ખરું, પણ દર્શક સર્વનામેય ખરું. એટલે ‘પેલો’ – જેને આપણે દૂરથી બતાવી શકીએ તેવો. બતાવનારથી જુદેરો મનુષ્ય એટલે ‘તે’. ‘હું’ ‘તું’ અને ‘તમે’માં જેનો સમાવેશ ન થઈ શકે તેવો ‘તે’. આમ, ‘તે’માં સમુદાયથી અલગ પડી ગયેલ વ્યક્તિનું સૂચન છે. આપણો આ ‘તે’ કાંઈક આપણા સહુથી અને કૃતિમાંના અન્ય સમૂહમાનવથી નિરાળો જણાય છે. ‘તે’ જે કાંઈ જુએ છે તેના વિશે વિચારે છે, પ્રતિભાવો આપે છે, તૂટક સ્મૃતિસંવેદન અનુભવે છે. એ બધાંની તાસીર જોતાં એ સાચે જ આપણાથી ‘નિરાળો’ લાગે છે, કંઈક ‘વિચિત્ર’ છે આ ‘તે’.

‘તે’ના આસપાસની સૃષ્ટિ વિશેના દૃષ્ટિકોણને જોઈએ તે પહેલાં પરંપરાગત નવલકથામાં હોય છે તેવો ‘તે’ના વિશે કોઈ પરિચિત પરિવેશ મળે છે ખરો? ‘તે’ને લગતી કોઈ રોકડી વિગત પ્રાપ્ય ખરી? પ્રયાસ કરતાં કંઈક હાથ આવે ખરું. ટેબલની ખરબચડી સપાટી પર ખુરશીને અઢેલ્યા વગર બેસીને એ આટલું જીવી શક્યો એવો ઉલ્લેખ છે, તેથી તે ખુરશીટેબલ પર કામ કરનારો ‘ઓફિસનો જીવ’ હોવાનું અનુમાન થાય છે. ખભા પરથી સરી જતા કોટને એ કોઈ કોઈ વાર સરખો કરે છે, તેથી એનાં કપડાંનો કંઈક નિર્દેશ મળે છે. માલિકીનું રસોડું છે, તેનો એને ‘ઓચિંતો ગર્વ થાય છે’, સાંજની રસોઈ અભરાઈ પર અકબંધ હશે અને પડોશીએ દૂધ લઈ રાખ્યું હોવાના નિર્દેશો એની એકલતાનું સૂચન કરે છે. એમ તો કૈશોર્યનો પણ સંદર્ભ નીકળે છે. દાદાજી, તેમણે કહેલી વાર્તા, દાદાજીનું મૃત્યુ, તે વખતે પોતે કરેલું રુદન–આ બધું તૂટેલા ફગફગતા તાણાવાણા જેમ સ્મરણે ચડતું દેખાય છે. સિગારેટના શોખીન ‘તે’ સાર્ત્ર, માર્કસ, રૂસો, સામ્યવાદ વિશે ઘણું બોલકું (loud) લાગે તેવું વિચારે છે. તેના પરથી તે બહુશ્રુત તો નહીં, પણ થોડી જાણકારી ધરાવતો લાગે છે. આવી થોડી રોકડી કહી શકાય તેવી વિગત ‘તે’ વિશે ‘અસ્તી’ના પૃષ્ઠોમાંથી એકત્ર કરી શકાય છે, પરંતુ તેને આપણે રૂઢ નવલકથાના ચરિત્ર માટે અપાતી બાહ્ય વ્યક્તિત્વરેખા સાથે મૂકી શકીએ તેમ નથી. આપણો આ ‘તે’ બહાર કરતાં તો ઘણું વિશેષ ભીતરમાં જીવે છે.

લેખકે અહીં ‘તે’(protagonist)ને શહેરની ગલીનો વળાંક પસાર કરાવીને એક સ્થળે ઊભો રાખ્યો છે, ત્યાંથી પસાર થતાં માણસોને એ જુએ છે. એની ક્રિયાઓ, ચેષ્ટાઓ, પહેરવેશ–જે કાંઈ તે જુએ છે એના વિશે વિચાર કરે છે, તર્ક-વિતર્ક કરે છે, અનુમાનો અને સંભાવનાઓ – અટકળો કર્યા કરે છે, ક્યારેક એમાં પોતાને પણ સાંકળે છે. કોઈ વ્યક્તિ સાથેનો એનો પોતાનો સંબંધ પણ એમાં સૂચિત થતો રહે છે. આવા વિચારો, તર્કવિતર્કો અને સંભાવનાઓમાં જિવાતા જીવનના કેટલાક સંદર્ભો પડ્યા છે. લેખકે ‘તે’ અને આસપાસના વસ્તુજગત (objective world) વચ્ચે મનોગત સંબંધ રચીને એક પ્રયુક્તિ (device) દ્વારા અમુક વૃત્તાંતના તાણાવાણા છૂટાછવાયા વિખેરી નાખ્યા છે. ‘તે’ની નજરે જોવાતી-અનુભવાતી એ સૃષ્ટિમાંથી અનેક સ્તરે સૂચન-ધ્વનન રૂપે વૃત્તાંતના નિર્દેશો મળતા રહે છે. તેમણે વિશેષ કથન કરવાનું ટાળ્યું છે, પણ રૂઢ નવલકથાના બનાવ, વૃત્તાંત કે પરિસ્થિતિઓનું સુસંકલિત કથન ટાળીને એની અવેજીમાં છૂટાછવાયા બનાવોનાં ઇંગિતો આપ્યાં છે. આથી વાચકે સર્જક બનીને એમાંના તાંતણા મેળવી લેવાના રહે છે. સહૃદય ભાવકને એમ કરવું પણ રસપ્રદ બની રહે તેમ છે. આવાં કેટલાંક ઇંગિતોનાં દૃષ્ટાંતો લઈએ :

(1) “કોચવાને ઉગામેલી ચાબુકમાં તેની મૃત્યુ પામેલી પત્નીની છાતી ઉપરનો દુઝતો ડાઘ દેખાયો.” અહીં કોચવાન, ઉગામેલી ચાબુક, પત્નીની છાતીનો દુઝતો ડાઘ, એના મૃત્યુનો નિર્દેશ – આ બધું કોચવાનનું તેની પત્ની સાથેનું વર્તન, પત્નીને વારંવાર પડતો માર, ક્લુષિત દાંપત્ય – અંતે પત્નીનું મૃત્યુ – એમ આખી ઘટનાની કેટલીક બાજુઓને સૂચવી રહે છે. એમાં એક વૃત્તાંતનું ઘનીભૂત અને કાલવી લેવાયેલું બયાન છે.

(2) “ખુણે સંતાઈ ઊભા રહી ચા પીતા એક માણસના હોઠ ઉપર એક વેશ્યાનું લચી પડેલું દીંટી વગરનું સ્તન દેખાયું.” આ નાના વાક્યમાં પણ બનાવનો સંકેત છે. ભાવક પોતાની સર્જનાત્મક સજ્જતા મુજબ પરિસ્થિતિને નિપજાવી શકે છે.

(2) એક દૂબળા માણસને જોતાં ‘તે’ કોઈ સંભવિત ઘટનાનો વ્યંગ્યાર્થમૂલક અણસાર આ રીતે આપે છે : ‘અગીયારમાંથી પાંચ વીર્યકણોને શીયાળામાં બરફ બનાવી તેને આવળ ઉગેલી જમીનમાં ઢબુરી દઈ, ગરીબી ઉપર બધા દોષોનું આરોપણ કરી છુટી જતા એ માણસ તરફ એને તીરસ્કાર, ક્રોધ અને ગ્લાની પેદા થયાં.’+ અહીં “વીર્યકણો”, “શીયાળામાં બરફ બનાવી” જેવા શબ્દોમાં થતા મુખ્યાર્થબાધથી જે લક્ષ્યાર્થ લેવા પ્રેરાઈએ છીએ તેમાંથી વૃત્તાંતનું સૂચન મળે છે. વાસ્તવિક પરિસ્થિતિને પણ ‘અસ્તી’ના લેખક આ રીતે ઘણી વાર ધ્વનિત કરતા રહે છે.

+ અવતરણોની જોડણી સર્વત્ર ગ્રંથકારની નીતિ પ્રમાણે રાખી છે.

કૃતિમાં અવૈધ જાતીય સંબંધોની પણ ઘણી ઘટનાઓ સૂચવાતી રહે છે. લચકાતી લંગડાતી છોકરી (યુવતી) સાથેના ઘટનાસંદર્ભમાં પ્રતીકાત્મક કક્ષાએ ‘અસ્તી’માં વારંવાર નિરૂપિત થયા છે. જોકે એમાં ક્યારેક કથનસૂચન ઉભયનો કંઈક સમન્વય છે. છોકરીને શીખવવા – લેસન કરાવવા જતાં ‘તે’ વિશેનો એક સંદર્ભ કંઈક આ રીતે રજૂ કરાયો છે : “ટેબલ પરથી પેન્સીલ ઉંચકી તેણે થોડી વાર હવા સાથે ઘસી અને ત્યાર બાદ ટેબલ પર પડેલા બેઉ હાથો ઉપર ધીમે ધીમે ફેરવવા માંડી. છોકરીએ ગુંચવાઈ વધારે નીચું જોયું. છોકરીનો દેહ કંપારી અનુભવી રહ્યો.” અહીં સુધી સીધું કથન છે, પણ પછી “થોડી વાર સુધી ગુલમહોર ધ્રુજતો રહ્યો. લેસન ચાલતું રહ્યું. વેલબુટ્ટાનું રેશમ હવા સાથે ઘસાઈ પીગળી ગયું. તામ્રવર્ણી ટેકરીઓ સુર્યના અશ્વો તળે ચગદાઈ ગઈ.”

આ વાક્યોમાં ઘટના પ્રતીયમાન કક્ષાએ પહોંચતી જણાશે. અહીં પ્રસંગને પ્રતીકાત્મક રીતે રજૂ કરવાનો પ્રયત્ન છે. કથન નથી, પણ આપણે બનાવને કલ્પી શકીએ તેવા ચાવીરૂપ સંકેતો (clues) આપેલા છે. લંગડાતી લચકાતી યુવતીના સંદર્ભમાં તો આવા બનાવોના ઘણા સંકેતો છે. બીજા-ત્રીજા વાચને એ છોકરી, તેની વૃદ્ધ માતા, પિતા લાભશંકર – એમનું મૃત્યુ – પાછળ રહેલાં માતાપુત્રીની વિવશ સ્થિતિ – આ વૃત્તાંતના તાણાવાણા આપણે આપણી રીતે પણ કંઈક ગૂંથી શકીએ છીએ. આમ, નવલકથામાં આવશ્યક એવો જીવનસંદર્ભ અહીં છે, વૃત્તાંતનાં ઇંગિતો છે; અલબત્ત, એ વૃત્તાંતખંડો અન્યોન્યથી સંકળાતા નથી એ ખરું, પણ તેથી નવલકથા તરીકે ‘અસ્તી’નો અસ્વીકાર કરતાં વિચાર કરવો પડે તેમ છે.

દૃષ્ટા ‘તે’ને પોતાનાથી અલગ એવી અને એકધારું કંટાળાભરેલું નીરસ જીવન જીવવા પ્રયત્ન કરતી મનુષ્યસૃષ્ટિ જોઈ નૈરાશ્ય, ગ્લાનિ અને ઘૃણાનો અનુભવ થાય છે. આ મનુષ્યો પ્રયત્નપૂર્વક અમુક ચોક્કસ ઢાંચામાં લગભગ એકસરખું ‘જીવે છે’, ‘જીવશે’, ‘જીવતાં રહેશે’ – એ પ્રકારનાં વાક્યોનો વારેવારે પ્રયોગ થયો છે. આ બધાં મનુષ્યો ‘તે’ને ‘homo sapiens’ (સમાન ગુણ ધરાવતા જૂથના) લાગે છે. આ આજુબાજુની સૃષ્ટિને સમજવા સાર્ત્રના અસ્તિત્વવાદમાંની inauthentic existence (વ્યર્થ-બેકાર અસ્તિત્વ)ની વિભાવના કદાચ ઉપયોગી થાય. સાર્ત્રે નોંધ્યું છે કે પરંપરાગત નિયમબદ્ધ વિશ્વમાં જીવતો મનુષ્ય અને ગુરુત્વાકર્ષણથી નીચે પડતો પથ્થર બંને સરખાં છે. આવા અસ્તિત્વને સાર્ત્ર ‘વ્યર્થ અસ્તિત્વ’ કહે છે. ‘તે’ની અસ્તિત્વની તીવ્ર સંવિત્તિથી જોવાયેલું કૃતિમાંનું બહિર્જગત જે ઇંગિતો-પ્રતીકોમાં સૂચવાય છે, તે આ પ્રકારના અસ્તિત્વનો કંઈક અણસાર આપે છે. એમ તો એમાં વ્યક્તિનામોનો નિર્દેશ છે, પણ એમાં સર્વસાધારણતાનું – સામાન્યતાનું સૂચન છે. જેમ કે કંચન, શીલા, સુશીલા, કાન્તિ, જેકીશન વગેરે. એ સૌ વિશિષ્ટ અસ્તિત્વમાં નહીં પણ ‘વગેરે વગેરે’નું ચીલાચાલુ પરંપરાગત જીવન જીવનારાં છે. એમ લોકસેવકો – લોકનાયકો – ગાંધી, લિંકન, શ્વાઇત્ઝરનો પણ ‘તે’ ઉલ્લેખ કરે છે. પણ એની દૃષ્ટિએ આવા ભાવનાભક્તો પણ પરંપરાગત મૂલ્યોના વિશ્વમાં જીવનારા છે, તેથી ‘હું એટલે મારું સ્વાતંત્ર્ય’ એ પ્રકારનું અલગ નિરાળું વ્યક્તિત્વ એ ધરાવતા નથી. આથી જ એ બધા ‘તે’ને homo sapien લાગે છે. જોકે સાર્ત્રની કૃતિઓમાં છે, તે પ્રકારના ‘વ્યર્થ અસ્તિત્વ’નું વેધક નિરૂપણ અહીં નથી, પણ આ દૃષ્ટિકોણથી એ ‘જીવવાનો પ્રયત્ન કરતાં’ માણસોને જોવા જેવાં છે.

આસપાસના આ સૌ મનુષ્યો પ્રત્યે ‘તે’નો દૃષ્ટિકોણ કેવો છે? ‘તે’ આ બધાંનું મનોમન મૃત્યુ વાંછે છે. એ લોકો કોઈ ‘મહાકાલીન યજ્ઞના સમિધ’ બનવા જતાં હોય એવું તેને લાગે છે. શેરીમાંનાં આ મનુષ્યો આવી નીરસ એકધારી ક્રિયાઓ ક્યાં સુધી કર્યા કરશે એવો એને પ્રશ્ન થાય છે. એ બધાં મનુષ્યોની કરોડરજ્જુ ભાંગી તેમને ફરીથી ચાર પગે ચલાવવાની એને ઇચ્છા થાય છે. પાષાણયુગથી આજપર્યંત આ મનુષ્યોના જીવનમાં કશી પ્રગતિ થઈ હોય એવું તેને નથી લાગતું. પોતે પણ કોઈ પ્રાકૃતિક પરિબળથી ખેંચાઈને અહીં આવી ચડ્યો હોય એવું લાગે છે. એને પોતાને આજુબાજુનાં માણસો વચ્ચે કંઈક પરાયણ (alienation)નો અનુભવ થાય છે. અમીબા કે શીલ માછલી બનીને એને પુન: દરિયામાં જવાની ઇચ્છા છે. આવી ધારણાઓ ઇચ્છાઓ તેને થયા કરે છે. તેને એકલતા, વિષાદ, નૈરાશ્ય અને ગ્લાનિનો વારંવાર અનુભવ થાય છે. ‘તે’ની આ ચૈતસિક અવસ્થા કોને મળતી આવે છે? આપણને તરત જ સાર્ત્રકથિત existential subject (સ્વતંત્ર અસ્તિત્વવાળો કર્તા) યાદ આવે. આસપાસના વિશ્વને સંપૂર્ણ બૌદ્ધિક પ્રામાણ્યથી જોઈ, એના સંબંધો – જીવનમૂલ્યો – પરંપરાઓથી વિચ્છેદ અનુભવી વ્યક્તિ જ્યારે પોતાનું સ્વતંત્ર સિદ્ધ કરવા તત્પર બને ત્યારે તેને સાર્ત્ર ‘સ્વતંત્ર અસ્તિત્વવાળો કર્તા’ કહે છે, પણ આ નિયમબદ્ધ જગતથી જેણે છેડો ફાડ્યો છે, પરંતુ પોતાનું આગવું વિશ્વ હજી જેણે રચ્યું નથી એવો મનુષ્ય એ અંતરાલમાં એક પ્રકારની અકળ મૂંઝવણ કે વ્યથા (anguish)નો અનુભવ કરે છે. ‘અસ્તી’નો ‘તે’ જાણે કે આ મનોમય પરિસ્થિતિ–anguishમાંથી પસાર થઈ રહ્યો હોય એવું લાગે છે. અલબત્ત, સાર્ત્રની કૃતિઓમાં ‘એંગ્વિશ’ કે ‘નોશિયા’ (ઊબ)નું જે પ્રતીકાત્મક હૃદ્ય નિરૂપણ છે, તેવું અહીં નથી. ‘પ્રોટેગોનિસ્ટ’ના સીધા ઉદ્ગારો અહીં કેટલા બોલકા અને આગંતુક બની રહે છે : “આ બધાં મનુષ્યો મુર્ખ અને બેહૂદા છે. તેઓના અસ્તિત્વનું કશું મૂલ્ય નથી.” “તેમના ઘૃણાસ્પદ જીવનની મૃત્યુ સીવાય મુક્તિ નથી.” “પોપડાની નીચે દટાઈ ગયેલો ઈશ્વર ફરીથી મૃત્યુ પામી રહ્યો છે.” આથી લેખક નિર્દેશે છે તેવી “માનવીય સંદર્ભની યુગજૂની અનિશ્ચિતતા, શક્યતાઓ અને અનિશ્ચિતતાનું વિશ્વ” આદિ વિશેની સાંપ્રત સંવેદના ઘણી વાર કળામય રૂપાંતર પામ્યા વગર કેવળ વિધાનો (statement) રૂપે રહી જાય છે.

‘તે’ ચરિત્ર બને છે કે નહિ તે પણ ચર્ચવું આવશ્યક બને છે. ચરિત્રના કોઈ રૂઢ ખ્યાલને સામે રાખવાથી એનો ઉકેલ મળે તેમ નથી. ‘ડોન કિહોટે’ કે ‘પામેલા’થી માંડીને ‘કેમર ઇન ધ રાય’ પર્યંત ચરિત્રની અનેક વિભાવનાઓ છે. નવલકથાના ચરિત્રને આમાંથી કોઈ એક વિભાવનાના ખાનામાં નાખવાથી પણ કશું સિદ્ધ ન થાય. આથી ‘Novel and the Modern World’માં ડેવિડ ડે્યૂચિઝનું વિધાન ‘Character is process, not a state’ના સંદર્ભમાં જોઈએ તો ચરિત્ર અહીં એક પ્રક્રિયા છે, તેને કોઈ ખ્યાલ, ભાવના, આદર્શ કે અવસ્થા રૂપે નહીં જોઈ શકાય. “The character is opened before us gradually by unfolding its inner side.” ‘તે’ના આંતરજગતને અહીં લઘુ ત્વરિત પ્રક્રિયાત્મક સ્પંદોમાં સતત ખૂલતું બતાવ્યું છે. કૃતિના અંત સુધી આવીએ તો પણ ચરિત્રની આ પ્રક્રિયાત્મક મનોમય અવસ્થા રજૂ થતી રહે છે. અલબત્ત, એમાંથી ‘તે’ના ગમાઅણગમાને, સંવેદનપટુતાને, જીવનદૃષ્ટિને પણ અલપઝલપ પામી શકાય છે. એ રસપ્રદ પણ બને છે. આથી ‘તે’ સર્વથા ‘ચરિત્ર’ બનતું નથી એમ કહી શકાશે ખરું? લેખકે આ રીતે માનવ્યને ઉદ્ઘાટિત કરી આપ્યું છે અને ‘તે’ એનું સારું માધ્યમ બની રહે છે.

‘અસ્તી’ને આપણે કેવળ આંતરચેતનાપ્રવાહની ટેક્નિકવાળી નવલકથા, માત્ર કલ્પનસેરયુક્ત નવલ કે ‘objective’ અથવા ‘lyrical novel’ અગર તો ‘કવિતામાં નવલકથા’ જેવા કોઈ નવલકથાપ્રકારના ખાનામાં નાખી શકીએ તેમ નથી. શ્રીકાન્ત શાહે યોજેલી નિરૂપણરીતિ વ્યાપક રીતે જોતાં સર્વજ્ઞ (omniscient) પ્રકારની છે, પણ લેખકે એનો ‘તે’ના સંદર્ભમાં એવો સીમિત પ્રયોગ કર્યો છે કે આ રીતિ ચીલાચાલુ નવલકથાની સર્વજ્ઞ પદ્ધતિ જેવી નથી રહી. નવલકથાકારે સર્વજ્ઞતાને ‘તે’ના સંદર્ભમાં લગભગ આત્મલક્ષી કરી નાખી છે. આથી એ રીતિ આંતરચેતનાપ્રવાહના અંશો ધરાવે છે. દૃશ્યજગત તે સાથે સંકળાતું સંકળાતું ક્ષણ ક્ષણનાં સંવેદનોને, મનોગત પડને કંઈક ખુલ્લું કરી આપતું રજૂ થાય છે. સતત વહેતા ચેતનાસ્રોતની ઝાંખી એમાં થયા વગર રહેતી નથી; તો બીજી તરફથી Ralph Freedman નોંધે છે તેવો “A distinct world of objects gradually reveals a character, a situation, an act” જેવો અનુભવ પણ એમાં થાય છે. જોકે ‘અસ્તી’માં નાટ્યાત્મક નિરૂપણને ભાગ્યે જ કશી તક સાંપડી છે. પણ રાલ્ફ ફ્રીડમૅન ઊમિર્નવલની વાત કરતાં કહે છે તેમ “The lyrical novel obsorbs action altogether and refashions it as a pattern of imagery”ની પ્રકારની દૃશ્યકલ્પનનિર્ભર નિરૂપણરીતિનો તેમાં સારી રીતે પ્રયોગ થયો છે. એ ઇંદ્રિયગત અધ્યાસોનું નવીન રૂપાંતર સાધે છે. જોકે એમાંનું બધું જ imageની કક્ષાએ નથી પહોંચતું. કેટલુંક શબ્દચિત્ર બનીને અટકી જાય છે. ‘અસ્તી’ના લેખક પણ એને ‘શબ્દચિત્ર’ ગણતા લાગે છે. ડો. સુરેશ જોષીને એમાં કેટલાંક ‘નાજુક નકશીકામવાળાં ચિત્રો’ દેખાય છે, પણ “બારણાંની સાંકળ પતંગીયાંની જેમ હવામાં ઉડવા માંડી”, “વાતાવરણનો પીંજી નાખેલો અજંપો ક્રમશ: વધતો ગયો”, “ભૂખરા અંધારમાં સુતેલો કોલસાવાળો”, “શ્વાનની ત્વરાથી નાસી જતો અંધકાર” એમ કલ્પનોની રમણીયતા એમાં વારંવાર અનુભવાય છે. અહીં પ્રતીકો પણ છે. “સાથળ પર સુંઢ ઘસતી માખી” અને “પલંગ પર પાસે પાસે ગોઠવેલાં ઓશીકાં પર લાળ ઝેરતો કરોળીયો” – તીવ્ર કામવૃત્તિનું સૂચન કરે છે. “ડુસકાં ભરતા ઉંદર પર તરાપ મારતું ચામાચીડિયું” અને “કાળી બીલાડી” મૃત્યુનાં પ્રતીકો બને છે. ‘અસ્તી’માં સર્વત્ર આવી કલ્પનજન્ય ચારુતા કે પ્રતીકાત્મક અર્થચ્છાયાઓ છે, એમ કહેવાનો આશય નથી; પણ આને કારણે કેટલીક વાર એ “કાવ્યના સ્તર પર નિરૂપણ પામતી” તો દેખાય છે.

અહીં અગત્યનો મુદ્દો ‘અસ્તી’ની સામગ્રીના સંઘટનનો છે. ‘તે’ની ચેતનામાંથી કલ્પન-પ્રતીક રૂપે વહેતો પ્રવાહ કઈ રીતે સંઘટિત થાય છે? મોટા ભાગના વિવેચકોને તે વિશૃંખલ લાગે છે. એમાં જિવાતા જીવનના પ્રસંગોને પ્રતીકાત્મક કક્ષાએ રજૂ કરવાનો પ્રયાસ છે, પણ એવા સૂચિત પ્રસંગો પણ પરસ્પર સંકળાતા નથી, પરંતુ ‘તે’ના આંતરવિશ્વમાંથી એ બધું પ્રસવે છે. આથી ‘તે’ની ધારણાઓ આ બધું કંઈક ગ્રથિત થતું લાગશે. પણ માત્ર ‘તે’ને કેન્દ્રસ્થ ગણવાને કારણે નહીં, પણ ‘તે’ના આસપાસની સૃષ્ટિ પ્રત્યેના ઉપેક્ષા, ઘૃણા ને નૈરાશ્યયુક્ત દૃષ્ટિકોણને કારણે આ બધી ઉપરથી વિશૃંખલ લાગતી સામગ્રી એક તારે સંધાતી લાગશે. એ દૃષ્ટિએ સંઘટનનો પ્રશ્ન વિચારવા જેવો છે.

‘અસ્તી’ની ભાષા અલગ અભ્યાસ માગી લે તેવી છે. અલબત્ત, એમાં ભાષાસ્તરોનું વૈવિધ્ય નથી. પણ સાદો ભૂતકાળ, વર્તમાન, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્ય આદિનાં કિયારૂપો ‘તે’ની પલટાતી મનોદશાનો ચિતાર આપી રહે છે. “હીરેમઢ્યા સોનેરી પટ્ટીવાળા ચંપલની પાછળ ખાખી પાટલુન દેખાયું” જેવા ઉપાદાનલક્ષણના પ્રયોગો પણ અહીં ઘણા છે. ‘અસ્તી’નો સ્વૈચ્છિક જોડણીપ્રયોગ કેવળ નાવીન્યવ્યામોહ દાખવે છે, પણ તેની નિરાળી રચનારીતિથી ‘અસ્તી’ આપણા કથાસાહિત્યમાં એક અનોખો પ્રયોગ બની રહે છે.

License

અસ્તિ Copyright © by શ્રીકાન્ત શાહ. All Rights Reserved.