હેમન્તનો તડકો

હેમન્તનો આ તડકો સુનેરી,
માયા રચે છે અહીં શી અનેરી:

પીતામ્બરી પામરી ઉર્વશીની
સ્વર્ગે જતાં શું સરીને પડી ગઈ?
પુરૂરવા શો હું ય ભાન ભૂલી
બોલી પડું: માનિની, થોભને જરી!
ધરા સગર્ભા પિયુઅંક પોઢી
સુખે બીડીને નયનો કહી રહી:
‘કરો તમે દોહદ પૂર્ણ મારી.’
આકાશનો રેશમી નીલ તાણો
પ્રકાશનો સોનલ લેઈ વાણો
તેથી જ કોઈ કસબી રૂડેરું
ગૂંથી રહ્યો છે પટકૂળ કે શું?
આ પ્રેમીઓ રોષથી બે ભરેલા
બેઠાં કરી પીઠ, લઈ અબોલા;
કોણે ત્યહીં ખણ્ડ સુવર્ણ વસ્ત્રનો
ફેંક્યો અને મંગળ ગાંઠી ગાંઠડી
સાંધી દીધાં લગ્નથી પ્રેમીઓ ફરી?

હેમન્તનો આ તડકો હૂંફાળો
લોહીકણે વર્ણ સુવર્ણનો રસે;
આ સૃષ્ટિ કો સૂર્યમુખી સરીખડી
એના ભણી ઉદ્ગ્રીવ નેત્ર માંડે!

આ આપણી ભંગુર જંદિગાની,
તેની જ ના એ જયની નિશાની?

License

ઉપજાતિ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.