ગુલમોર

આ કોણ આજે
આકાશની નીલ શિલાસરાણે
કાઢી રહ્યું કાળની તીક્ષ્ણ ધાર?
સ્ફુલંગિ જે ઊડી રહ્યા ચતુદિર્કે
ખીલ્યા અહીં તે ગુલમોર થૈને?

વારસો

આવો, બતાવું તમને હું વારસો:

એથેન્સમાં તે દિવસે મને ય
સોક્રેટિસે પ્રેમથી બિન્દુ એક
હેમ્લોકનું દીધું હતું, હજુ તે
વહી રહ્યું છે મુજ રક્તની મહીં.

ઇસુ તણો કંટકતાજ મેં ય
ધાર્યો હતો મસ્તક પે ઘડીક;
જુઓ હજુ ઉઝરડા પડ્યા તે
ધારું અલંકારની જેમ ભાલે.

ગાંધી અને મેં હજુ માત્ર કાલે
ગોળી ઝીલી સાવ જ ખુલ્લી છાતીએ;
ધીમે જરા, ઘા હજુ તો હશે લીલો,
જુઓ બતાવું, હળવેથી સ્પર્શજો.

License

ઉપજાતિ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.