ભીતિ

આ શી અજાણી સળકી ઊઠી ભીતિ?
શું એ થકી પામવી શક્ય મુક્તિ?

હલે જરી પાલવકોર વાયુએ
અસ્તિત્વના બે ધ્રુવ કમ્પી શેં ઊઠે?
કોઈ જરા નેત્ર નમાવી લે નીચે
નક્ષત્રની કાં ધરીઓ ધ્રૂજી ઊઠે?
ઝંકાર કો ઝાંઝરનો થતાંમાં
બ્રહ્માણ્ડનો રાસ ચગે નસેનસે.
વેણીથકી છૂટી પડેલ કો લટ
આકાશનો રે ફરકાવી દે પટ.
ખરી જતું નેત્રથી અશ્રુ જોતાં
સમુદ્ર સાતે ધસી આવતા કશા!
નિ:શ્વાસ છાનો ઉરથી સરે તો
વંટોળ ઊઠે સહરા વલોવતો!

આ શી અજાણી સળકી ઊઠી ભીતિ?
આને જ કે આ જગમાં કહે પ્રીતિ?

License

ઉપજાતિ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.