પુનર્જન્મ

આ રાત્રિના દ્રાવણમાં દ્રવી દ્રવી
નિ:શેષ મારો લય થાય નિત્ય;
પુન: પ્રભાતે તુજ બાહુપાશમાં
સમાઈ પામું નવ જન્મ નિત્ય.

અંધારની છાલક પ્હેલી વાગતાં
રૂપો બધાં ભાંગી પડે અનેકધા;
આકારહીણી નવલી જ સત્તા,
સ્થાપી દિયે શી નિજની મહત્તા!

પ્રચણ્ડ એ પ્લાવન ઘૂઘવીને
ભીડે મને નિર્દય ગાઢ રંભણે;
તૂટે તૂટે ઇન્દ્રિયના તટો બધા,
ક્યાં નાંગરું રે મુજ આ વિશિષ્ટતા!
અજ્ઞાત કો હર્ષ મને વધાવે,
ને દુ:ખશૂળો મુજ મર્મ ભેદે;
પળે પળે ભીતિતણી ભૂતાવળો
દોડી જતી પાથરી શ્યામ અંચળો.

ચૈતન્યનાં સૌ પડ જાય ઊખળી,
આ ‘હું’ બિચારો ક્યહીં જાય રે સરી!
ઘેરી વળે કૈં સ્મૃતિ જન્મજન્મની
સંસ્કાર અધ્યાસની જાળગુંથણી!

છાયા બધી આખર એ લપાય,
કો શૂન્યમાં સર્વ સરી સમાય;
એ શૂન્યને ક્યાંય ન કેન્દ્રબિન્દુ,
કાંઠા વિનાનો રહી જાય સિન્ધુ!

અભાવ ને ભાવ ત્યહીં અભિન્ન,
અસ્તિત્વ નાસ્તિત્વની પાળ છિન્ન;
આધેયહીણી નરી વિસ્તૃતિ આ,
નિશ્ચેષ્ટ નિસ્સ્પન્દ પડી અમેયતા!

ઉચ્છ્વાસ આછો ત્યહીં ક્યાંથી વાય,
ને શૂન્યનું અન્તર ક્ષુબ્ધ થાય;
ચાંચલ્યનો મત્ત જુવાળ ઊછળે,
અરૂપમાં બુદ્બુદ રૂપના ઊઠે.

આ કાળ બેઠો અહિ વાળી સોડિયું
ને ત્યાં ખડો છે અવકાશ રાંકડો;
પેલે ખૂણે ઈશ્વર શું કશું દીસે –
આકાર શા શૂન્ય મહીંથી ઊપસે!
આ વાયુના અશ્વની સુણું હ્રેષા,
વીંઝાય આ વિદ્યુતની નભે કષા;
ગ્રહો તણી મંડળી સુવ્યવસ્થિત,
સ્વેસ્વે મહિમ્ની સહુ છે પ્રતિષ્ઠિત.

એ સૌ મહીંથી કણ કો અટૂલો
દીસે ઘૂમંતો નિજ કેન્દ્ર શોધતો,
આવી સમાતાં તુજ બાહુપાશમાં
ધારી રહે એ પળમાં જ કાયા!

અગાધ તાગી તલ તું અરૂપનાં
લાવે મને રૂપતણા કિનારે;
વિક્ષિપ્ત આ મારી સમેટી છાયા
કંડારી દે ઘાટ સુરેખ લીલયા.

વિલોપ કેરા અતલે જઈને,
હે કોમલાંગી, તુજ બાહુના તટે
આવી ફરી નાંગરું મારી વ્યક્તિતા,
પામ્યો તને તે ગણું શેં ન ધન્યતા?

License

ઉપજાતિ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.