જન્મદિને

આજે પ્રભાતે નયનો ખૂલ્યાં ત્યાં
સંદેશ વાંચ્યો કિરણે લખેલો:
‘નીહારિકામાં સ્થળ એક ખાલી,
તારું ત્યહીં આસન દીધું ઢાળી.
નક્ષત્રની મંડળીને દિપાવ,
પૃથ્વી તણો ત્યાં મહિમા તું સ્થાપ.’

માટીતણા આ લઘુ કોડિયામાં
જે જ્યોત લાવ્યો મુજ જન્મ સાથે,
અદ્યાપિ તે જો સ્થિર દીપ્તિવંત
રહી શકી તો નહિ માત્ર મારે
લેવો ઘટે એ યશ, કિન્તુ જેણે
સંકોરી ને સાચવી વાટ એની,
સંરક્ષી દૌરાત્મ્યથી વાયુના ને
ફરી ફરી સ્નેહની ધાર સીંચી
તેને નમું, એ મુજ દીપ્તિસ્રોત્ર.
એનું જ ગાઉં હું મહિમ્નસ્તોત્ર.

એ તેજના પુંજમહીં વિશાળ
કો આગિયા જેમ ઝબૂકવું ના;
ને સ્થાપવાને મહિમા ધરિત્રીનો
આકાશટોચે જઈ બેસવું ના.

નીહારિકાનો અતિરેક તેજનો
બુઝાવી નાંખે પળ માત્રમાં જ
નિ:શ્વાસ કો રાક્ષસી આજ એવો
રે સૂસવે પૃથ્વીની વેદનાનો.

એને અમે રોકી ખડા રહ્યા અહીં,
તેથી જ તો ઝાપટ લાગી ના ત્યહીં.
રે કિન્તુ, એ ના વધુ વાર ચાલશે,
ના એકલું સ્વર્ગ સદા ય રાચશે.

જે તેજ તે ર્હે નહિ બંધિયાર,
તોડી જ નાંખે સહુ બાંધી પાળ;
એ તેજ પોતે કરશે જ વિપ્લવ,
એનો હવે સંશય છે જ ના લવ.

અંધારનો દૈત્ય સહસ્રબાહુ,
ગ્રસી જતો તેજ બધું ય રાહુ!
પરાસ્ત એને કરવો જરૂર,
છો સ્વર્ગ ત્યાં સુધી રહેતું દૂર.

હું યે લઈને લઘુ દીપ મારો
રહીશ ઊભો દૃઢતાથી મોખરે,
અંધારના ઘા સઘળા ઝીલીને
પ્રકાશને વજ્ર સમો કરીશ.
ને આખરે એક દિ સ્વર્ગ પૃથ્વી,
ભૂલી બધા ભેદ સુધન્ય પર્વે
ગંઠાઈ જાશે ફરી જ્યોતિલગ્ને
ત્યારે તમે દૂર ન ભાળશો મને.

License

ઉપજાતિ Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.