૨૨ જૂન, ૧૯૮૭
સિમલાના પહાડો પર થતો સૂર્યોદય જોયો હતો. સમુદ્ર પર થતા સૂર્યોદય કે સૂર્યાસ્તના દૃશ્યની જેમ પહાડો પરના સૂર્યોદય કે સૂર્યાસ્ત જોવાનો એક વિશિષ્ટ અનુભવ હોય છે. આ ઘટનાઓ એવી છે, જ્યારે આપણે સમયના રથની ગતિ જોઈ શકીએ છીએ. ક્યારેક તો કોઈ બંધ કળી અનેક પાંદડીઓ બની ફૂલ રૂપે ખૂલતી હોય, એમ લાલ આભાવાળા સૂર્યબિંબની સહસ્ત્ર પાંખડીઓ ખૂલી રહી હોવાનું આપણને લાગે. પહાડોમાં કોઈ એક પહાડની ધારે ચઢીને ડોકિયું કરતાં સૂરજનું દૃશ્ય અત્યંત લોભામણું હોય છે. સૂરજ પોતે તો પ્રકટતો હોય છે, પણ આસપાસનું આ વિશ્વ પણ પ્રકટતું અને પરિવર્તિત થતું આપણી નજરને ખેંચી રાખે છે.
આજે એવું થયું. વહેલી સવારે જાગી ગયો ત્યારે સાડા પાંચ થયા હતા. પહેલી ઇચ્છા તો એ થઈ કે આવાસની બહાર નીકળી ખુલ્લામાં જઈ સૂર્યોદય જોવો. પણ આખા આવાસમાં નીરવ શાંતિ હતી. નીચેનું મુખ્ય દ્વાર પણ અત્યારે કદાચ બંધ હોય. પછી જોયું કે આ વિશાળ ઓરડામાંથી બહાર દેખાતી લાંબી ખુલ્લી છત પર જવાય એમ છે. દ્વાર હતું પણ તે બંધ હતું અને ત્યાં લખવાનું ટેબલ ગોઠવેલું હતું. દ્વારની બે બાજુએ કાચની બારીઓ છે. બારી ખોલી, કૂદી છત પર જવાય એમ હતું.
બારી ખોલતાં સવારની તાજગીભરી ઠંડી હવા ઓરડામાં વહી આવી, એની સાથે વૃક્ષોનાં પાંદડાં વચ્ચેથી એના પસાર થવાથી થતો સરસરાટ કાને પડ્યો. બારીમાંથી કૂદી. બહાર નીકળવું એ સભ્યતા તો ન ગણાય, પણ હું મને રોકી શક્યો નહીં. મારી બાજુથી પશ્ચિમ બાજુના ત્રીજા ઓરડામાં જસ્ટિસ મસૂદનો ઉતારો છે. અંગ્રેજોના સમયમાં એ વાયસરિનનો ઓરડો હતો. જસ્ટિસ સાહેબ મને બારીમાંથી બહાર કૂદતો કદાચ જુએ તો કેવું લાગે એવો વિચાર આવે એ પહેલાં હું ખુલ્લી છત પર પહોંચી ગયો હતો.
આહ, કેવું સુખ!
બરાબર આ ક્ષણે પૂર્વ દિશામાં પહાડની ધાર પર સૂર્ય દેખાયો. એ દિશામાં તેજ પથરાયું છે પણ સિમલાનગર જે નમ્ર પર્વત ઢોળાવ પર છે, તે તો છાયામાં છે, કળાતું નથી. માત્ર પહાડ દેખાય છે, ઉત્તર તરફ વૃક્ષોથી ભરેલી ખીણ છે, વચ્ચે વચ્ચે મકાન છે. પવનનો સરસરાટ વધારે શ્રવ્ય બન્યો. એ વિશાળ ખુલ્લી છત પર વચ્ચોવચ બેઠક છે. અહીંથી ત્રણ દિશાઓમાં પ્રસરેલી ખીણોની સુંદરતા બરાબર નજર ખેંચે. હું ત્રણે દિશાઓમાં જોઉં છું, ચોથી દિશા તો મારા ઓરડાની, જેમાંથી હું અત્યારે બહાર નીકળી ગયો છું.
પશ્ચિમના પહાડો પર તડકો પથરાવા લાગ્યો. હરિયાળો રંગ સુપેરે પ્રકટ થયો. કોઈ અજાણ્યું પંખી ક્યારનુંય લયાત્મક રીતે ગાન કર્યા કરે છે. તેમાં કાગડાના અવાજે વિવિધતા આણી. દૂર પર્વતોની બે-ત્રણ હારમાળા છે, જેના પર આછું ધુમ્મસ છે. પેલી બેઠક પર આસન જમાવું છે. વૃક્ષાન્તરલામાંથી સૂર્ય, પવન, પંખી.
મને થયું કે બાજુના ઓરડાઓમાંથી કોઈ આ વહેલી સવારે મને જોતું હશે. વળી બારી કૂદીને મારા ઓરડામાં આવી ગયો અને બારી વાસી દીધી.
થોડી વાર પછી તો સવારની ચા આવી ગઈ.
(દેવોની ઘાટી)