ફૂલ હોય ત્યાં ભમરો ભૂરો વણબોલાવ્યો આવે રે

ગુજરાત યુનિવર્સિટીના આરોગ્યકેન્દ્રથી કન્યા છાત્રાલય તરફ જતો માર્ગ લગભગ વેરાન હોય છે. એકલદોકલ તરુણ પ્રેમીઓ અવશ્ય એ માર્ગે મળી જાય. ડામરની સડક ઊખડું ઊખડું છે. વીજળીના થાંભલા છે પણ રાત્રે આખા લાંબા માર્ગ પર બે બત્તીઓ પણ બળતી હોય તો બસ, રસ્તાની બન્ને બાજુએ ઝાડ રોપવાના પ્રયત્નો થયેલા છે, પણ વાડ ન હોવાને લીધે ઝાડ ઊછરી શકતાં નથી. વિજ્ઞાનભવનની સરહદ આંકતી કાંટાના તારની વાડનું નામનિશાન હવે નથી. ઝાડી હજી વિરલ થઈ નથી. પહેલાં તો નિયમિત શિયાળોની લાળી સંભળાતી અને નગરમાં વસવા છતાં ગામડાની સીમમાં વસવાનો અનુભવ કરાવતી. રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે કે રિક્ષાવાળા ઝટ આવવા તૈયાર ન થાય. એટલે સાંજ-સવારે ચાલવા માટે ઘણો જ માફક આવે છે. એ સડકની આથમણે તો ખુલ્લા મેદાન છે. પહેલાં તો એક તળાવડી હતી — અને તળાવડી હોય એટલે વસ્તી હોય, પશુઓની, પંખીઓની. એને કાંઠે બેસી મિત્ર સાથે બંગાળી કવિ જીવનાનંદ દાસની રૂપસી બાંગ્લાની કવિતાઓ વાંચી છે. એ તળાવડી પૂરી કાઢવામાં આવી છે; પણ સાંજ વેળાએ ત્યાંથી પસાર થતા હો અને સૂરજ ડૂબવામાં હોય ત્યારે આદિગંત ખુલ્લાપણાથી મન પણ મોકળાશ અનુભવી રહેતું.

આરોગ્યકેન્દ્રથી કન્યા છાત્રાલય તરફ જતાં પછી ડાબી બાજુએ અનેક વૃક્ષો છે. વિજ્ઞાનભવનમાં અંદર યુનિવર્સિટીનો બોટાનિકલ ગાર્ડન છે. બહાર અતિથિગૃહ પાસે નર્સરી છે. એટલાં બધાં પંખીઓનો મેળો જામેલો રહે છે કે અન્ય અવાજોને કાનમાં જતા બંધ કરી દો તો માત્ર પંખીલોકમાં હોવાનો અનુભવ થાય. કાબર, લેલાં અને ટિટોડીના અવાજ ગુંજતા હોય; પણ બધા અવાજોને વ્યાપી વળતો અવાજ મોરનો હોય છે. પાળેલા હોય એટલા નજીક અહીં મોર આવે છે, કળા કરે છે અને કેકારવ પણ.

ઋતુઓ બદલાય તેમ આ રસ્તાનો માહોલ બદલાય. પણ એકાન્તપ્રિય જનોને દરેક ઋતુમાં ચાલવાને યોગ્ય માર્ગ. વરસાદની ઋતુમાં આ માર્ગે જતા હો અને વરસાદ પડે એટલે ભીંજાવાની પૂરી તક મળે. કોઈ અવરોધ નહીં. ઉનાળામાં તડકો મોકળે મને તમારા પર ‘ઉષ્મા’ વરસાવે. અમે ભણતા ત્યારે યુનિવર્સિટીમાં ઘણા ઊગતા કવિઓ હતા. પણ ત્યારે આ માર્ગ નહોતો. અત્યારે આ માર્ગ છે, તો કવિઓ નથી—નહિતર થોડી કવિતાઓ આ યુનિવર્સિટી માર્ગ પર લખાઈ હોત. એ રીતે યુનિવર્સિટી કેમ્પસ શુષ્ક છે. એ તદ્દન શુષ્ક હોત, જો આ રસ્તે પ્રેમીયુગલો પણ હળવે ડગે ચાલતાં ન હોત. કંઈ નહીં, શેક્સ્પિયરે પ્રેમી અને કવિને (અને પાગલને પણ) એક જ કેટેગરીમાં મૂક્યા છે. કવિ નહીં તો પ્રેમી. આ શેક્સ્પિયરનું નામ સ્ટ્રેટફર્ડ એવોન નદીને કિનારે છે, અને ત્યાં નદી તરફ જતો એક માર્ગ બન્ને બાજુએ ઝૂકેલાં વૃક્ષોથી શોભિત છે. એ માર્ગને ‘લવર્સ વૉક’ એવું કાવ્યમય નામ આપ્યું છે. એ સાર્થક, સુંદર નામ યુનિવર્સિટીના આ માર્ગને આપવાનો જીવ ચાલતો નથી. એનો ઉત્તર છેડો તો લગભગ વેરાન છે.

પણ વેરાનમાં વસંતનો અનુભવ થયો. હજી હમણાં સુધી કડકડતી ઠંડી પડતી હતી એટલે વસંતનો વિચાર પણ ક્યાંથી આવે! પણ થોડા દિવસ ઉપર જમતી વખતે થાળીમાં કાચી કેરીના મીઠું, મરચું અને ખાંડ ભભરાવેલા કકડા જોતાં જ વસંત ઋતુની યાદ આવી ગઈ. કેરી આવી ગઈ? આંબે મૉર ક્યારે આવ્યો અને કેરીઓ ક્યારે આવી? કેટલાક આંબા ઉતાવળા હોવા જોઈએ, કેટલીક કન્યાઓની જેમ. એ વહેલા વયમાં આવી જાય. એ દિવસે પછી તો આ વિસ્તારના ખૂણેખાંચરે ઊભેલા આંબા ઉપર નજર ગઈ તો સાચે જ મંજરીઓથી લચી પડ્યા હતા. આપણા વ્યસ્ત જીવનમાં વસંત ક્યારે આવે છે અને ક્યારે જતી રહે છે, તે પણ ખ્યાલ નથી રહેતો. મંજરીઓ જોયા પછી હું સાવધાન થઈ ગયો. હવે ક્યાંકથી કોયલના ટહુકા પણ નિયમ પ્રમાણે સંભળાવા જોઈએ. નગરવાસી મનુષ્ય ભલે ઋતુઓના પરિવર્તનને ભૂલી ગયો છે; પણ પશુપંખી-કીટ-ભ્રમર નહીં.

એ વસંતપંચમીનો જ દિવસ હતો. યુનિવર્સિટીની ટાગોર વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન આપવા શાંતિનિકેતનથી આવેલાં શ્રીમતી કેતકી કુશારિ ડાયસનને યુનિવર્સિટીના અતિથિગૃહમાં મળી આ પેલા માર્ગે ચાલતો આવતો હતો. સવારના નવદશ વાગ્યા હશે. હવામાં કંપ હતો. કેતકી આ વિસ્તારમાં બોલતાં પંખીઓથી પ્રસન્ન હતાં. પ્રસન્ન થાય જ ને? એ છે કવયિત્રી, કદાચ ગુજરાત યુનિવર્સિટીના પંખીલોક વિશે કવિતા લખી નાખે. એમ તો શાંતિનિકેતનમાં પણ પંખીઓ ક્યાં ઓછાં છે! પણ ત્યાં આપણા યુનિવર્સિટી વિસ્તાર જેવા ગહેકતા મોરલા નથી જ. રસ્તે ચાલતાં ચાલતાં હું વસંતના વિચાર કરતો હતો. હવામાનમાં તો પાનખર જેવું લાગે. કેટલાંય વૃક્ષો પર સુક્કાં પીળાં પાન હજી હતાં. પવનમાં પણ શિશિરનો કંપ, પવનથી થરથર ધ્રૂજતાં પાંદડાં ખરતાં રહેતાં. પણ મેં ધ્યાનથી જોયું કે પીળાં પાંદડાંની જોડાજોડ ક્યાંક તાજી કૂંપળો ફૂટી રહી છે. આ જ વસંતવિજય. મને વસંત વિશેની કવિતાઓ યાદ આવવા લાગી. કવિ હોત તો થોડીક પંક્તિઓ જોડત. કવિ હોય અને વસંત ઋતુ વિશે કવિતા ના લખે તો એને કવિ કોણ કહે? વાલ્મીકિએ લખી છે, કાલિદાસે લખી છે, રવિ ઠાકુરે તો ઢગલો કર્યો છે વસંતની કવિતાઓનો. આપણા કવિ દલપતરામની લીટીઓ તો યાદ હોય :

રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો
મુકામ તેણે વનમાં જમાવ્યો…

દલપતરામના કવિપુત્ર ન્હાનાલાલ તો ‘વસંતધર્મી’નું બિરુદ પામ્યા. ‘વસંતોત્સવ’ના એ તો કવિ. ઉમાશંકરના તો એક આખા કાવ્યસંગ્રહનું નામ જ છે ‘વસંતવર્ષા’. એમાં વસંતની ઘણી કવિતાઓ છે. એક હું ગણગણવા લાગ્યો :

કોકિલ પંચમ બોલ બોલો
કે પંચમી આવી વસંતની.

જો વસંતપંચમી આવે અને કવિ કવિતા કહે, તો વસંતપંચમી આવે તો કોકિલે બોલવું જ પડે. આ ઋતુમાં મોર બોલે. ભલે બોલે, પણ આ ઋતુ સાથે એની સંગતિ બેસે નહીં — એ તો જ્યારે મેઘમેદુર આકાશ હોય અને પછી બોલે ત્યારે. પણ આ યુનિવર્સિટીની ઝાડીમાંથી કોકિલ બોલે તો ને? બોલતી (ખરેખર તો બોલતો કહેવું જોઈએ-) હશે; પણ ધ્યાન જ ન ગયું હોય. મેં કાલિદાસને યાદ કર્યા.

એ કવિએ ભારતની છએ છ ઋતુઓ વિશે શ્લોકો રચી ઋતુસંહાર લખ્યું છે. છ ઋતુઓના રંગોમાં જાણે નવાનવા પરણેલાંઓના અનુરાગનો સાતમો રંગ ઉમેરી એક અદ્ભુત ઇન્દ્રધનુ રચ્યું છે. પ્રિયતમાને આસંગમાં લઈ પ્રિયતમ જાણે ઋતુ-ઋતુની બદલાતી પ્રકૃતિ સાથે અનુરાગી મનની બદલાતી અવસ્થાઓ ગૂંથતો જાય છે. એ કહેતો જાય છે, મુગ્ધા સાંભળતી જાય છે. એવું લાગે કે ઋતુસંહાર પ્રેમનું ઋતુચક્ર છે. ઉનાળો આવતાં એ કહેશે — ’નિદાઘકાલો અહમ્ ઉપાગત: પ્રિયે.’ આ ઉનાળાનો સમય આવી પહોંચ્યો પ્રિયે. વસંત આવતાં કહેશે — હે પ્રિયે! આ વસંતમાં તો બધું જ સુંદર, ‘સર્વે પ્રિયે ચારુતરં વસંતે.’ એ કવિએ પણ પોતાના આ સપ્તરંગી કાવ્યનો અંત વસંતથી કરી એનો વિશેષ મહિમા કર્યો છે.

કુમારસંભવમાં શિવનો તપોભંગ કરાવવા કામદેવ અકાળે વસંતને બોલાવે છે. અકાળે આવેલા આ વસંતથી હૈયું હલબલી ઊઠે એવો મારક-મોહક પ્રભાવ વિસ્તરે છે. તેમાં વળી કામદેવની ઉપસ્થિતિ. એ ક્ષણે વળી પાર્વતી લાલ વસ્ત્રો પહેરી સંચારિણી પુષ્પલતા જેવી શિવની પૂજા માટે આવે. આ વસંતઋતુ, આ પાર્વતી અને આ કામદેવે પુષ્પશર ચઢાવી કાન સુધી ધનુષ્ય ખેંચ્યું… અને સાચે જ હજી તો તીર છૂટે એ પહેલાં જેમ પૂનમના ચંદ્રનો ઉદય થતાં સમુદ્રમાં ખળભળાટ જાગે, તેમ તપસ્વી શિવ ખળભળી ઊઠ્યા. આંખો ખોલી, પાર્વતીના લાલ હોઠ પર નજર સ્થિર કરી. બે આંખો ઓછી પડી, ત્રીજી આંખ પણ ત્યાં સ્થિર કરી. (વ્યાપારયામાસ વિલોચનાનિ) પછીની વાત જુદી જ છે. ત્રીજી આંખ પાર્વતીના હોઠની પિપાસુ બને, એ પહેલાં તો ત્યાંથી આગ નીકળી અને કામદેવ રાખનો ઢગલો થઈ ગયો. પણ વસંતનો વિજય તો થયો છે. એમાં અવશ્ય ઘણાં બધાં બળો ભેગાં થયેલાં, તેમાં વસંત એક. શિવ જેવા શિવની આ દશા થાય તો આપણું તો શું ગજું!

આપણા કવિ કાન્તની કવિતાનું તો નામ જ છે, ‘વસંતવિજય.’

હમણાં તો આખું ભારતવર્ષ મહાભારતની વાત જાણતું થઈ ગયું છે એટલે વાત માંડીને કહેવાની જરૂર રહી નહીં; પણ પત્નીનો સ્પર્શ કરવા જતાં મૃત્યુ થશે એ બરાબર જાણવા છતાં શાપિત પાંડુરાજા આવી એક વસંતઋતુના પ્રભાવ તળે આવી જઈ માદ્રીને ભેટે છે, કહો કે પ્રિય માદ્રીનું રૂપ ધરી આવેલા મૃત્યુને ભેટે છે. આંખ, કાન, નાક, ત્વક બધી ઇન્દ્રિયોને બહેકાવી મૂકતી વસંતઋતુ હોય, ઝીણાં પાતળાં વલ્કલોમાંથી માદ્રીના દેહનું સૌંદર્ય નીતરતું હોય પછી પાંડુને જીવવા કરતાં પ્રેયસીરૂપે આવેલા મૃત્યુને ભેટવામાં જ જીવનનો ચરમાર્થ દેખાયો!વસંતનો વિજય થયો. કાન્તની ‘વસંતવિજય’ કવિતા અડધા જેટલી તો મોઢે છે. એના ઉઘાડનો અનુષ્ટુપ અમે મિત્રો ઘણી વાર ‘કોરસ’માં બોલતાં, બોલીએ છીએ: માદ્રીની પાંડુ પ્રતિ ઉક્તિ છે —

નહીં નાથ નહીં નાથ
ન જાણો કે સવાર છે
આ બધું ઘોર અંધારું
હજી તો બહુ વાર છે.

પણ જરા આકરા થયેલા તડકામાં યુનિવર્સિટીના આ માર્ગે હું પેલો લાંબો ૨૧ અક્ષરવાળો વસંતવર્ણનનો પ્રસિદ્ધ (૭૧૦)ાગ્ધરા છંદ યાદ કરતો હતો.

ધીમે ધીમે છટાથી
કુસુમરજ લઈ
ડોલતો વાયુ વાય…

પણ અહીં તો કુસુમરજ નહીં, સુક્કાં પાંદડાંને વાયુ ચકરાવે ચઢાવી રહ્યો હતો. અહીં કેરમંથેરની કાંટાળી ઝાડી હતી, વલ્લીઓથી પ્રસરતો પરિમલ નહોતો. આંખને તૃપ્તિ થાય એવું કશું નહોતું. પંખીઓના અવાજ હતા, પણ પરભૃતિકા-કોયલનું સ્વર્ગીય ગાન નહોતું. પરંતુ કવિ કાન્તની આ પંક્તિઓથી મારા રસિક હૃદયમાં ભાવોદ્રેક થતો હતો, અવશ્ય. પાંડુની જેમ ‘વૃત્તિથી દાબ જાય’ એવું નહોતું. કાવ્યના અનુભવ અને વ્યવહારના અનુભવમાં આ તો ફેર છે. વળી હું તો એકલો એકલો રસ્તે ચાલ્યો જતો હતો, અને ઉપરથી વસંતનું આવાહન કરતો હતો.

એ માટે મેં એક જર્મન લોકગીતનું સ્મરણ કર્યું. પૂણેના મૅક્સમૂલર ભવનમાં જર્મન ભણતી વખતે કેટલાંક જર્મન લોકગીતો ગાતાં (?) શીખેલાં એમાં એક ગીત વસંત ઋતુમાં બોલતી કોયલનું હતું :

આઉફ આઈનન બાઉમ આઈન કુકકુક…
સીમ સાલાદિમ બામ્બા સાલાદુ સાલાદિમ
આઉફ આઈનન બાઉમ આઈન કુકકુક સાસ

(બીજી લીટી સંગીતની ધૂન માટે જ છે.)

એક ઝાડ પર એક કોયલ બેઠી હતી. એક શિકારી આવ્યો. તેણે કોયલને વીંધી. મારી નાખી. પછી બીજે વર્ષે ફરી વસંત આવી. ફરી ઝાડ પર કોયલ બોલી.

કોયલ કદી ત્યાં મરતી નથી. ફરી વસંત આવતાં એ બોલવાની. મૃત્યુ પર જીવનનો વિજય, વસંતનો વિજય, એવો આશાવાદી સૂર એ ગીતમાં છે. પણ આ રસ્તે હજી કોયલ સંભળાઈ નથી. ચાલતો ચાલતો છેક આરોગ્યકેન્દ્રના વળાંકે આવ્યો. અહીં સંભાળીને ન ચાલીએ તો પગને પણ વળાંક આવી જાય. ત્યાં મારી નજર બાજુમાં ચોમાસાના પાણી વહેવાના ઢાળામાં ઊગેલા એક વૃક્ષ પર પડી. એક પણ પાંદડું નહોતું એની પર પણ એની લાંબી સોટી જેવી પાતળી ડાળીઓ શ્વેત ગુલાબી ફૂલોથી લચી પડી હતી. વૃક્ષના ચોકામાંથી જાણે પુષ્પોની સેરો ઊડતી હતી. પુષ્પખચિત ડાળીઓના અંતરાલમાં ભૂરું આકાશ આ પુષ્પવૃક્ષનો પશ્ચાત્પટ ન હોય! હું ઊભો રહી ગયો. આખા ઝાડ ઉપર વસંત છવાઈ ગઈ હતી. હળવા પવનમાં ડાળીઓ ડોલતી હતી. કવિ પ્રિયકાંતે ભલે કહ્યું હોય કે ‘ફૂલનો બોજો કદી કો ડાળને હોતો નથી;’ ડાળીઓ ફૂલોના બોજથી ઝૂકી ઝૂકી જતી હતી. એમને કદાચ બોજો અવશ્ય નહીં લાગતો હોય. મને થયું કે આ છે વસંતનું મૂર્તિમંત રૂપ.

ત્યાં મારે કાને ગુનગુન અવાજ આવ્યો. જોયું તો ત્રણચાર ભમરા એક ફૂલડાળેથી બીજી ફૂલડાળે ઊડાઊડ કરતા હતા. એમની આ ઊડાઊડથી એક ડાળીથી બીજી ડાળી વચ્ચે કાળી લીટીઓ દોરાઈને ભૂંસાઈ જતી હતી. ડાળીઓ ફૂલોનો ભાર, તો ફૂલો ભમરાનો ભાર આનંદથી ઉપાડતાં પવનમાં પ્રસન્નતા વેરતાં હતાં. ભમરાનું ગુંજન જાણે ફૂલોમાંથી વહેતું હતું. આ ભમરા ક્યાંથી આવી ગયા? હું ગાવા લાગ્યો :

ફૂલ હોય ત્યાં
ભમરો ભૂરો
વણબોલાવ્યો આવ્યો રે!

સ્નાનગૃહે પણ ન ગાનાર હું ગાવા લાગ્યો, એ વસંતનો વિજય. પણ યુનિવર્સિટીના આ માર્ગે પાણીના એક ખાબડા પાસે બેત્રણ વકતીતીઓ સિવાય આ તડકામાં વસંતથી જિતાયેલા એવા મને જોનાર કોઈ નહોતું. હવે તો કોયલે ગાવું જ પડશે.

ફેબ્રુઆરી, ૧૯૮૯
(શાલભંજિકા)

License

તેષાં દિક્ષુ Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.

Share This Book