ગ્રાન્ડ કેન્યન

‘સ્થાવરણાં હિમાલય: — સ્થાવરોમાં હું હિમાલય છું.’ એમ પોતાની ચરાચરવ્યાપી ઉન્નતોન્નત વિવિધ વિભૂતિઓનો અર્જુનને પરિચય આપતાં શ્રીકૃષ્ણ એ સૂચિમાં ઉમેરી શક્યા હોત કે, નદીકોતરોમાં હું ગ્રાન્ડ કેન્યન છું. કેન્યન એટલે કોતર, ગ્રાન્ડ કેન્યન એટલે ભવ્ય નદી-કોતર, અથવા કવિ ઉમાશંકર કહે છે તેમ ભવ્ય નદી-ખીણ, પણ ગ્રાન્ડ કેન્યન પણ હવે વિશેષ નામ થઈ ગયું છે. ઉત્તર અમેરિકાના એરિઝોના રાજ્યમાં કોલોરાડો નદીએ દર હજાર વર્ષે ૪ ઇંચની સરેરાશથી કરોડકરોડ વર્ષના કાલપટામાં આ વિરાટ કોતર ઘડી કાઢ્યું છે. હજી નદી કોલોરાડો તો સક્રિય છે, કે પછી કાલદેવતા!

કાળ જાણે કરમાં નદીસ્રોત-ટાંકણું લઈને
ક્ષણક્ષણ
કરતો તક્ષણ-કર્મ
લાખ લાખ વરસ રહ્યો ઘડતો આ શિખરવૈભવ.

કવિ ઉમાશંકરના આ રૂપક કરતાં ભાગ્યે જ અન્ય રીતે આ ભવ્ય નદી-કોતરની રચનાનો વિસ્મયબોધ પ્રકટ થઈ શકે.

લાસ વેગાસથી સવારે નીકળ્યાં, ત્યારે મનમાં મિત્રોએ અને કવિ ઉમાશંકરે ભાવભીની રીતથી દોરેલી ગ્રાન્ડ કેન્યનની તસવીર ઊભરતી હતી. તમે જાઓ છે, જાઓ છો, આછી ઝાડીવાળી સપાટ સમતલ ઊષર લાગતી ભૂમિનો વિસ્તાર ખૂટતો નથી; ત્યાં એકાએક એક વળાંકે આવીને ઊભો — જુઓ છો તો નજર સામે અદ્ભુતોમાં અદ્ભુત જાણે ગ્રાન્ડ કેન્યન! અગાઉથી કોઈ પૂર્વાભાસ નથી, એકાએક વિરાટનો આવિર્ભાવ. એવું કંઈક.

રિયો કોલોરાડો સ્પેનિશ લાડકું નામ — નદી કોલોરાડોને તો પહેલાં રસ્તે આવતાં જોઈ, રુક્ષ ડુંગરાળ પ્રદેશમાં. હુવર ડૅમથી એનાં ભૂરાં પાણી એક તરફ વાંકાચૂકા સરોવર રૂપે પહાડો વચ્ચે ઘેરાઈ શોભા ધારણ કરી રહ્યાં હતાં અને એ જ સરોવરમાંથી આગળ વહી જતાં હતાં કેલિફોર્નિયાના અખાત ભણી. ત્યાં તો આ નદી એટલી ટેમ-પાળેલી લાગે છે કે એણે જ વન્યા બનીને પેલું કોતર કંડારી કાઢ્યું હશે એમ માની જ ન શકાય. મોટરગાડીમાંથી ઊતરી અમે એનું અભિવાદન કરી લીધું.

નેવાડા રાજ્યમાંથી ઍરિઝોનામાં પ્રવેશ કર્યો ત્યારે બપોર થવા આવ્યો હતો. વેરાન ભોમકા ઉપર સુંવાળી સડક અંતહીન હોઈ મોટરગાડી દોડ્યે જતી હતી. કેટલી વાર હશે ગ્રાન્ડ કેન્યન પહોંચવામાં? પણ પછી હરિયાળી ઝાડી શરૂ થઈ. પાઇનનાં વૃક્ષો પણ દેખાયાં. ત્યાં ગાડી ધીમી કરી શશીએ એક વળાંક પાસે તેને ઊભી રાખી કે સામે…

અવાક્! આ ગ્રાન્ડ કેન્યન! આંખો ભરાઈ ગઈ. વિરાટની મુખોમુખ.

મોટરમાંથી ‘ઝલાયા’ની જેમ નીચે ઊતરું છું, બરાબર ધરતી જ્યાંથી નીચે ઊતરી પડી છે એ કોર ઉપર ઊભો રહી નજર પસારું છું. અરબી સમુદ્ર, હિંદ મહાસાગર અને બંગાળનો ઉપસાગર જે ભૂમિબિન્દુએ મળે છે ત્યાં, કન્યાકુમારીના સાગરસંગમે જઈ ઊભા રહેતાં જે અનુભવ; કેદારનાથના શિખરે ચઢી અફાટ બરફનો વિસ્તાર નજરે પડતાં જે અનુભવ; લાખો ગેલન જળ લઈ નદી એકાએક જાણે ઊંચાઈએથી પડતું મૂકી ધોધરૂપ બની ગઈ છે એ નાયગરાને જોતાં જે અનુભવ એવો આ ગ્રાન્ડ કેન્યનના પ્રથમ દર્શનની ક્ષણનો અનુભવ. ‘આંખ થાકીને વિરમે રે, ”વિરાટ” ”વિરાટ” વદી.’

ઉપર આકાશમાં નજર ગઈ. કોલોરાડોનાં પેલાં ભૂરાં જળ જેવું અનંત ભૂરું આકાશ, જેમાં થોડા શ્વેત અબ્રખંડો પણ કરતા હતા. નજર ઊતરતાં માત્ર ગ્રાન્ડ કેન્યા. એ કેન્યનની ખીણોમાં થઈ અથડાતો પવન અમારાં અને અમારી જેમ વિસ્મયાભિભૂત ઊભેલા પ્રવાસીઓનાં વસ્ત્રોને ફરફરાવતો હતો. માઈલો-વ્યાપી ગેરુરંગી કેન્યન ઉપર તડકા-છાંયડાની રમત ચાલતી હતી.

જોવાં’તાં કોતરો ને જોવી’તી કંદરા…

ફરી કવિ ઉમાશંકરનું સ્મરણ થયું. તમે પણ અહીં ક્યાંક ઊભા હશો કવિ. અદનું સ્મરણ થયું. એમણે એનાં અનેક શબ્દચિત્રો દોરેલાં. કાલિદાસે કહેલું : રમ્યાણિ વીક્ષ્ય. ભવ્યાનિ વીક્ષ્ય — ભવ્યો જોઈને — પણ એવી અનુભૂતિ. ‘જોવાં’તાં કોતરો.’ મેં પણ જીવનમાં સૌથી પહેલાં સાબરનાં જ કોતરો જોયેલાં — મહુડી પાસે વહેતી સાબરનાં. ત્યાં એ શ્વભ્ર(કોતર)વતી નામને સાર્થક કરે એવાં કોતર છે, વિસ્મયકર લાગ્યાં હતાં શિશુ આંખોને ત્યારે. અત્યારે આ સામે છે તે પણ કોતર ગ્રાન્ડ કેન્યન. દૃષ્ટં દૃષ્ટવ્યમ્. આ ક્ષણે હવે એ દૃશ્યને આંખમાં ભરી પાછા ફરી ક્યાંય સુધી નજરનિક્ષેપ કર્યા કર્યો. ‘કાંગાલ નયન યેથા દ્વાર હતે આછે ફિર ફિરે’ — આ વિરાટનાં દર્શન ઝીલવાની કંગાળ આંખોની ક્ષમતા કેટલી?

જાણે આવેગ શમ્યો. હવે ભવ્ય કોતરની દક્ષિણ ધારે ધારે દર્શનબિન્દુઓએ ઊભા રહેતાં રહેતાં એની વિવિધ ભંગિમાઓ જોવાની હતી. પણ એ બધી કેમ જોવાય? ત્રણસો માઈલ લાંબી આ ભવ્ય નદી — ખીણના સામસામા છેડા ક્યાંક નવ માઈલ તો ક્યાંક ચાર માઈલ પહોળા. વચ્ચે ગહન તળિયાની સપાટીએથી રચાઈ આવ્યાં છે જાતજાતનાં શિખરો, સ્તંભો, ભૂખંડો. ખરેખર તો એમ કહેવું જોઈએ કે નીચેથી નહીં, ઉપરથી નીચે રચાતાં ગયાં છે. આપણાં ભવ્યરમ્ય ઇલોરાના કૈલાસમંદિરની જેમ. કૈલાસમંદિરને તો એના સ્થપતિએ એક વિરાટ શિલાખંડમાં પહેલાં જોઈ લીધું, પછી એનું ઝીણું ઝીણું તક્ષણકર્મ.

ગ્રાન્ડ કેન્યનનો કોણ સ્થપતિ છે? આ એક પ્રસ્તરીય ભૂમિખંડને કોલોરાડો કોતરતી ગઈ છે, કોતરતી જાય છે. પવન અને પાણીએ સાથ આપ્યો છે, ગરમીએ અને ઠંડીએ સહાય કરી છે. સંવૃત્તિ-નિવૃત્તિની યુગવ્યાપી લયલીલામાં રચાતી ગઈ છે. આ કેન્યન. પણ આપણી નજરે તો એવું લાગે: આ બધું પાતાળલોકમાંથી સ્વયંભૂ પ્રકટ થયું છે. અહીં સાચે જ છે : વિષ્ણુ, બ્રહ્મા, શિવ, જરથુષ્ટ્ર, જ્યુપિટર. આ નામકરણ કોની, કયા ભૂસ્તરશાસ્ત્રીની વિશાળ દૃષ્ટિના પરિચાયક છે? અહીં વિષ્ણુ-બ્રહ્મા-શિવ? એલિફન્ટાની ગુફામાં કોઈ શિલ્પીએ કંડારેલા—સર્જન, સ્થિતિ અને લયના અધિદેવ — ત્રિદેવ તે અહીં તો વિરાટ પ્રકૃતિ રૂપે જાણે કંડારાઈ ગયા છે. સર્જનહારના પણ સર્જક કોણ? શું કાલદેવતા?

હે કાલદેવતા! કેટલાં વરસ લાગ્યાં આ શિલ્પો કંડારાતાં? હજાર? ભૂસ્તરવિદો જવાબ આપશે? નહીં. લાખ? નહીં. કોટિકોટિ. આટલી પ્રદીર્ઘ ધૃતિ? હવે રવિ ઠાકુરની ‘નૈવેદ્ય’ની એ કવિતા નવા સંદર્ભમાં સમજાય છે. ‘હે રાજેન્દ્ર! તવ હાતે કાલ અન્તહીન.’ તારા હાથમાં કાલ અનંત છે, રાજેન્દ્ર. રાત્રિ અને દિવસ આવે છે અને જાય છે, યુગયુગાન્તરો ફૂલની પેઠે ખીલે છે અને ખરે છે. એક પુષ્પની કળીને ખીલવવા માટે સેંકડો વર્ષો સુધી તારી સાધના ચાલ્યા કરે છે.

સામે હું જે ખીણમાં પ્રકટેલા વિવિધ આકારો જોઈ રહ્યો છું તેના એક એક ઇંચ માટે કોલોરાડોને સેંકડો વરસ લાગ્યા છે. કેટલા બધા પ્રવાસીઓની આંખોમાં કૌતુક ઊભરાય છે! ગ્રાન્ડ કેન્યનની ધારે ઊભે છે અને નિહાળી રહે છે. એક સ્થળે આ પ્રવાસીઓને વિનંતી છે કે, ગ્રાન્ડ કેન્યન બટકણું કાઠું ધરાવે છે, ખ્યાલ રાખવો. ૧૯૧૯માં અહીં ૪૫,૦૦૭ પ્રવાસીઓ આવેલાં; પણ હવે વરસદહાડે ૩૮,૦૦,૦૦૦ પ્રવાસીઓ આવે છે! એમનો ઘસારો પણ લાગી જાય.

પ્રથમ દર્શનથી થયેલી ઉત્તેજના જરા રિલૅક્સ થઈ, હળવી થવા દીધી. શશીની વહુ દીપિકા ઘેરથી ઘણી ખાદ્યપેય સામગ્રી ગાડીની ડિકીમાં ભરી લાવી છે. નાનો દર્શિત પાછો અમારી સાથે હતો. ક્યારેક મારે ખભે બેસીને એ ઊંચે થવાનો આનંદ લેતો, આસપાસ નિહાળતો.

અમે હવે જુદાંજુદાં દર્શનીયબિન્દુઓ પરથી જોતાં હતાં. ગ્રાન્ડ ન્યૂ પરથી કેન્યનમાંનાં વિવિધ શિખરોની ઊંચીનીચી હારો જોવાય. જ્યુપિટર ટેમ્પલની બાજુમાં વિષ્ણુ, કૃષ્ણ અને રામમંદિર, રાણી શીબા અને રાજા સોલોમનનાં મંદિર. દૂરથી નજર ફેરવવાની. કોતરમાં કોતરો. કેટલાંક તડકામાં, કેટલાંક છાયામાં. ક્યાંક રણદ્વીપની જેમ ગેરુઆ ખડકની કેડ્યમાં લીલીછમ ઝાડી ઊગી આવી છે. જરા કાન માંડો તો તમરાંનો એકધારો અવાજ સંભળાય. પણ સમગ્રપણે સ્તબ્ધતા. યાત્રીઓ આવે છે અને જાય છે, ચઢે છે અને ઊતરે છે; આશ્ચર્યના — ઉલ્લાસના અવાજો કરે છે, પણ માઈલો વ્યાપી કેન્યનની સ્તબ્ધતા એટલી ઘન અને વિશાળ છે કે તે અટલ રહે છે.

યારી પૉઇન્ટથી કેન્યન પર આથમતા સૂરજમાં બદલાતા વિવિધ રંગોની લીલા જોતાં સૌ ચુપચાપ ઊભાં હતાં. ભવ્ય નદીખીણ ભવ્યતર બનતી જતી હતી. ત્યાં એક સ્થળેથી નદી કોલોરાડોની પાતળી ધાર હજારો ફૂટ નીચે વહેતી જોઈ. ચુપચાપ શાંત વહી રહી છે સાંજ વેળાની એ નદી. દેખાઈ ખરી.

શશીએ અગાઉથી અહીં ગ્રાન્ડ કેન્યન વિલેજની થંડરબર્ડ લૉજમાં અમારે માટે ઊતરવાનું આરક્ષણ કરાવી રાખેલું. ધીમે ધીમે ગામમાં આવ્યાં, તો યૌવન અને ઉલ્લાસથી ગામ ભરેલું લાગે. અમારા ઓરડા કેન્યનને કાંઠે. વાહ! બારી ઉઘાડી, તો સામે જ કેન્યન. રાતે ડાયરીમાં લખ્યું છે :

૫ ઑગસ્ટ, ૧૯૮૯

થંડરબર્ડ : ફીડ હાર્વે ધ ગ્રાન્ડ કેન્યન નેશનલ પાર્ક લોજ, બ્રાઈટ એંજલ.

થોડાં પગલાં દૂર ગ્રાન્ડ કેન્યન છે. એમાં અંધકાર ઝમ્યો છે. વારંવાર વિચાર આવે છે, આ ભવ્ય રૂપો કંડારાતાં કેટલા લાખ-કરોડ વર્ષ વીતતાં ગયાં છે? આખો દિવસ એ રૂપો જોઈ થયેલી ઉત્તેજના શાંત બની છે. અત્યારે કેન્યન પર સપ્તર્ષિ એટલા નીચા લાગે છે કે જાણે બ્રહ્મા- વિષ્ણુ-શિવને પ્રણિપાત કરવા ઉપરથી કૂદકો મારવા તત્પર ન થયા હોય! વૃશ્ચિકનો દંશ પણ તેજસ્વી લાગે છે.

કાલે રાતે તો આકાશ હતું કે નહીં એ જોવાનો વિચાર પણ કેમ નહોતો આવ્યો? આકાશના બધા તારા ધરતી પર ઊતરી આવ્યા હોય તેવું ઝળાંઝળાં હતું. વિશ્વવિખ્યાત કસીનો — જુગારનું નગર લાસ વેગાસ. રણભોમકામાં સુવર્ણમૃગ! — કે માયામૃગનું નિર્માણ! આખી રાત નગરનાં અનેક જુગારખાનાંઓમાં ડૉલરના ખણખણાટ, હજારો સ્લૉટ મશીનોમાંથી ખરે છે: ખણ ખણ ખણ ડૉલર. બીજી બાજુ, નાચ, રૂપલીલા, જુગારની મોજમઝાથી મનુષ્યનિર્મિત એ આકાશ હતું. સવાર સુધી જાગતું નગર હતું.

પણ આજ તો કોઈ આદિમ જગતમાં છું. આકાશ આકાશ છે, ધરતી ધરતી, તારા તારા, અંધકાર અંધકાર. અંધકારને મોં છુપાવી ફરવું પડતું નથી. ગ્રાન્ડ કેન્યનમાં એ જ પ્રકૃત અંધકારને, આકાશને, એ ખીણને એના યુગયુગવ્યાપી આયખામાં આ માણસ નામના પ્રાણીનો પરિચય તો જાણે હમણાંનો છે. કોઈએ રમૂજભર્યો હિસાબ તારવ્યો છે કે ધારો કે ગ્રાન્ડ કેન્યનના બે અજબ વર્ષોના સ્કેલને જો દિવસરાતના ચોવીસ કલાકના પ્રમાણમાં ફેરવીએ તો માણસ મધરાત થવાની છેલ્લી સેકંડનોય પંચમાંશ બાકી રહ્યો છે ત્યારે ત્યાં પહોંચ્યો છે! હજી તો કોલોરાડો નીચે ઊતરતી જશે. વળી લાખો વરસ, પણ વળી પાછું ભૂસ્તરશા(૭૧૦)ાીઓનું કહેવું થાય છે કે સંભવ છે, બીજાં લાખો વરસ પછી આ ભવ્ય નદી-કોતર ન રહે, કોલોરાડો ફરીથી ધીમે ધીમે સપાટી પરથી વહેતી થાય.

થાકી જવાય છે, આ બધી ગણનાઓથી. હવે જરા કેન્યન પર એક નજર કરી લઉં, અંધકારમાં…

એકાએક જાણે સવાર થઈ ગયું. સાત વાગી ગયા. બારીનો પરદો હટાવ્યો તો સામે ગ્રાન્ડ કેન્યન પર તડકો પથરાઈ ગયો હતો. કેન્યન પર ધીમેધીમે થતા સૂર્યોદયના બદલાતા રંગો જોવાનું સપનું રોળાઈ ગયું પ્રમાદને લીધે. પૂર્વ તરફનાં કોતરોમાં કાચો તડકો હતો, ઉપર તરફનાં કોતરોમાં આછું ધુમ્મસ.

થન્ડરબર્ડના પહેલે માળેથી ઊતરી જાઉં છું અને કેન્યનની ધારે ધારે શરૂ થતી ટ્રેઇલ પર ચાલવા લાગું છું. સૂરજ ભૂરા આકાશમાં જરા ઊંચે આવ્યો છે. કેન્યનમાં એક ભેખડ વચ્ચે ઊંચી ઊભી છે, ચારે કોર નિરાધાર. એના પર એક ચટાપટા વિનાની ખિસકોલી પૂંછડી વાળી આગળના બે પગે (હાથે) કશુંક મોઢામાં મૂકતી, પાછલા બે પગે ઊભી રહી છે, પૂંછડી હલે છે. તડકો ખાય છે? અચલ ગ્રાન્ડ કેન્યન પર ચંચલ ખિસકોલી! ક્યાંક કોઈ પંખીનો નાજુક અવાજ છે, જે આ વિરાટ ફાટી બોખની શૂન્યતામાં જાણે આશ્વસ્તિ રૂપ છે. મનમાં કશીક પ્રસન્નતા છે, પણ Where are you dear Colorado? ત્યાં ઊંડી ખીણમાં તું વહે છે, પણ અહીંથી આંખોને અદૃષ્ટ.

વળી એ જ ખિસકોલી, એની ઊંચી-નીચી થતી પૂંછડી, અને ત્યાં એ જ રીતે જાણે વાળની સખ્ત બાંધેલી ચોટલી હલાવતી કૂદતી જાપાની કન્યા અને એનો સાથી. એ જુદી જુદી જગ્યાએ બેસી જુદી જુદી મુદ્રામાં ફોટા પડાવે છે. હું ગ્રાન્ડ કેન્યનને એવી ભૂમિકામાં જોઉં છું.

એક ખિસકોલી અને ગ્રાન્ડ કેન્યન
એક કન્યા અને ગ્રાન્ડ કેન્યન
એક ખિસકોલી અને એક કન્યા.

એમની પ્રસન્નતામાં ભાગ પડાવી હું ટ્રેઇલ પર આગળ ચાલતો જાઉં છું. ત્યાં એક જગ્યાએ પ્રવાસીઓને સૂચના આપી છે: ‘વન્ય પ્રાણીઓને વન્ય રહેવા દો. એમને કશું ખાવાનું નાખશો નહીં. તમે ખાવાનું નાખશો તો એ પોતાનો કુદરતી અને સ્વાથ્યપ્રદ ખોરાક પોતે મેળવવાની તાકાત ખોઈ બેસશે.’

અહીં કેન્યનની આજુબાજુના વિસ્તારમાં ઘણાં પાઇન છે. વ્યવસ્થાપકોએ કેન્યનનું વાતાવરણ જાળવી રાખવાની સૂઝબતાવી છે. ઝાડના થડિયામાંથી કોતરી કાઢેલી બેન્ચ હોય. જે હોટેલમાં અમે ઊતર્યા છીએ તે કંઈ સિમેન્ટ-કોંક્રીટની બહુમાળી ઊંચાઈથી ગ્રાન્ડ કેન્યનમાં વરવું રૂપ ધરી ઊભી નથી; તે તો આ કેન્યન વિસ્તારમાં વસતા ઇન્ડિયનોની સંસ્કૃતિ અને પ્રાકૃતિક પરિવેશ સાથે સમતુલા રચે છે. કોઈ અમેરિકન ઇન્ડિયનનું ઘર હોય એમ અણઘડ લાગતા થાંભલા, ટેકા, મોભ. એ માટે તો સ્થપતિએ ખાસ કરેલી ડિઝાઇન. એટલે અહીં મકાનો કે વસાહત કેન્યનના જુગજુગ જૂના વાતાવરણ પર આક્રમણ કરતાં નથી, સંવાદિતા રચે છે. હું કેન્યન પર ઉજ્જ્વળ થતાં તડકો અને પરિવર્તિત રંગરૂપદૃશ્ય જોતો હોટેલ પર પાછો આવું છું. ઘણા પ્રવાસીઓ કેન્યનમાં જુદી જુદી ટ્રેઇલ પરથી નીચે ઊતરે છે, કેટલાક કોલોરાડોના પ્રવાહમાં નૌકાયાત્રાનું સાહસ કરે છે. એને કાંઠે એક માઈલ ઊડે કેમિંગ કરે છે, કેન્યનના અંતરંગ સૌંદર્યને માણે છે. આપણે તો આ દિગંત-પ્રસારી વિરાટ દર્શન પણ પર્યાપ્ત છે.

વળી પાછા ગાડી લઈને યાવાપાઈ પૉઇન્ટ પર. અહીં એક મ્યુઝિયમ છે, જે કેન્યનના અભ્યાસીઓને — જિજ્ઞાસુઓને ઘણી સામગ્રી પૂરી પાડે છે. અહીંથી ખીણની ભવ્યતા પૂરેપૂરી જાણે પ્રમાણી શકાય એટલી એની પહોળાઈ દૃષ્ટિગોચર થાય છે. એક સ્થળેથી જોયું કોલોરાડો. એના પ્રવાહનો નીચે નીચે નીચે રચાયેલો ત્રિકોણ, ઉપર પેલાં દેવશિખરોની પંક્તિ.

દક્ષિણની કોર ઉપર છેક છેવાડે ડેઝર્ટ-વ્યૂ છે. ત્યાં હોપી ઇન્ડિયન-આદિવાસીઓએ બાંધેલું એક ટાવર છે. ટાવરમાં એ આદિમ હાથે દોરાયેલાં ચિત્રો આપણને ભીમબેટકાની ગુફાઓમાં લઈ જાય. બન્નેની આદિમતા જુદી. ટાવર પર ચઢીને જોયું તો ઉત્તર તરફ મરુભોમકાનું દૃશ્ય. તો વળી નાની કોલોરાડોની ઊંડે વહેતી ભૂરી પાતળી ધાર પણ. આગળ જઈ એ કોલોરાડોમાં ભળી જાય છે.

બપોર પછી ગ્રાન્ડ કેન્યનને આંખોમાં ભરીને નીકળ્યાં. ઍરિઝોનાના ઉજ્જડ પહાડો અને રણભૂમિ જેવા વિસ્તારમાંથી વેગથી પસાર થતાં કેન્યનના વિચારો આવતા હતા. ગ્રાન્ડ, સાચે જ ગ્રાન્ડ! ત્યાં થંડરબર્ડ હોટેલમાંની વિઝિટર્સ બુકમાં એક પ્રવાસીએ લખેલા શબ્દો યાદ આવ્યા : ‘ધ વર્ડ ગ્રાન્ડ ઇઝનૉટ સફિશિયન્ટ’ — આ ‘ભવ્ય’ વિશેષણ પર્યાપ્ત નથી. એનું કહેવું કેટલું બધું વાજબી છે!

(દૃશ્યાવલિ)

License

તેષાં દિક્ષુ Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.

Share This Book