વિરાટ ગોમ્મટેશ્વર

પ્રિય,

ક્યાંથી શરૂ કરું? ગોમ્મટેશ્વરની અદ્ભુત પાવનકારી કથા પહેલાં કહું કે પછી એમની વિરાટ મૂર્તિના દર્શનથી હજુ ન શમેલા પાવનકારી રોમાંચ વિશે કહું? આમ તો તે એમની કથા પણ સાંભળી હશે અને એમની વિરાટ મૂર્તિની તસવીર તો ક્યાંક ને ક્યાંક જોઈ હશે. કાકાસાહેબે એ વિશે લખ્યું છે અને કવિ સુન્દરમે પણ લખ્યું છે. જૈન ધર્મની આખ્યાયિકાઓમાં પણ એ વિશે વાંચ્યું હોય. ‘ભરતેશ્વર બાહુબલિ રાસ’ જેવી રચનાઓ પણ ગુજરાતી ભાષામાં છે.

એક સાંજે અમે ત્રિવેન્દ્રમ એટલે કે તિરુક્કવનન્તપુરમ્ની બાર્ટન હિલના અમારા નિવાસના ગલિયારામાં વાતો કરતાં ઊભાં હતાં. કર્ણાટકનાં દર્શનીય સ્થળોની વાત નીકળતાં ગોમ્મુટેશ્વરનો નિર્દેશ થયો કે તાંબુલથી જેમના ઓષ્ઠ લાલ થયેલા એવા શેષશાસ્ત્રી એકદમ મંત્રોચ્ચાર કરતા હોય એમ બોલી ઊઠ્યા ‘શ્રી ગોમ્મટજિનને નરનાગામરદિતિજ ખચરપતિ પૂજિતનમ્ યોગાગ્નિતત સ્મરનં…’ અને એ બોલતા ગયા. પછી કહે — તમે ગોમ્મટેશ્વર જાઓ તો પ્રવેશદ્વારે જ કવિ બોપાણ્ણાએ રચેલો અભિલેખ છે તેમાં આખી કથા છે, ગોમ્મટેશ્વરની. પછી તો ઘણી વાત નીકળી કર્ણાટકના જૈન રાજાઓની અને જૈન ધર્મની.

પછી તો મૈસૂર આવી એક સવારે જ અમે એક મેટાડોરમાં નીકળી પડ્યાં. અદૃષ્ટપૂર્વ ભૂમિને જોવાનો કેટલો તો આનંદ હોય છે! નયનોત્સવ. ચેતનામાં કશુંક અજ્ઞાતપૂર્વ સ્ફુરણ થયા કરે. આ ‘અદૃષ્ટપૂર્વ’ કે ‘અજ્ઞાતપૂર્વ’ શબ્દો કેવા આવી ગયા! પણ રઝળપાટની આ જ તો પ્રાપ્તિ છે. એમાં ભળેલો હોય થોડો ઇતિહાસબોધ. સૌંદર્યબોધ અને ઇતિહાસબોધ ભેગાં થતાં જે થાય તે થાય — એની કેવી રીતે વાત કરું? ઉત્સાહથી કે ક્વચિત્ ઉન્માદથી કોઈના ઉપર વહાલ વરસાવી દેવાનું મન થાય.

એમ તો તું કહીશ કે આપણા દેશનો એવો કયો ભૂભાગ છે, જેની સાથે અતીતનો ભવ્ય ઇતિહાસ ન જોડાયો હોય? અને સૌંદર્યબોધ એ તો જેટલી બહારની વાત છે, એટલી અંદરની પણ છે. વેરાનમાં પણ સુંદર એટલે તો દેખાય છે. પણ કર્ણાટકની આ વેરાનભૂમિના કણકણમાં ઇતિહાસ હશે એવું લાગ્યા કરે.

મૈસૂરથી ખાસું અંતર છે શ્રવણ બેળગોળ સુધીનું. વચ્ચે વચ્ચે ગોમ્મટેશ્વરની કથાનું સ્મરણ થાય. નાનપણમાં કાશીફોઈ પાસેથી જૈન ધર્મની અનેક કથાઓ સાંભળેલી. એમાં ભરત અને બાહુબલિ — એ બે ભાઈઓના યુદ્ધની અને બાહુબલિના વૈરાગ્યની આછી રેખાઓ સ્મરણમાં. કાકાસાહેબે લખેલી વાત પણ આછી આછી યાદ હતી. પણ યાત્રામાં અનિલાબહેને વિગતે વાત કરી, ‘વીરા મારા ગજ થકી ઊતરો’ એ લીટી ભારપૂર્વક એમણે કહી. ભયંકર તપ કરતાં બાહુબલિને એમની બહેનોએ આવું કહેલું. પહેલાં તો બાહુબલિ સમજ્યા નહીં, પછી સમજી ગયા — અભિમાનના ગજ થકી ઊતરો — તપનું પણ અભિમાન હોય? તપસ્વી ભાઈને બહેનોએ કેવો પ્રબોધ આપી દીધેલો! જૈન ધર્મના આદિ તીર્થકર ઋષભદેવ. એમના જ પુત્રો ભરત અને બાહુબલિ. ઋષભદેવ વિરાગ બની ગયા પછી ભરત રાજા થયો અને બાહુબલિ યુવરાજ. ભરતને પોતાના શસ્ત્રાગારમાં ચક્રરત્ન દેખાયું. આવું ચક્રરત્ન દેખાય એટલે એ રાજા ચક્રવર્તી બને એવો સંકેત. ભરત પછી તો સેના લઈને નીકળી પડ્યો અને દશે દિશાઓ જીતી રાજધાનીમાં પાછો આવ્યો. પણ ચક્રરત્ન નગરને દરવાજે જ અટકી ગયું. પૂજારીઓએ કહ્યું કે હજી તમારો કોઈ પ્રતિદ્વન્દી શરણે થવાનો બાકી છે. ખબર પડી કે એ તો એના ભાઈઓ જ છે. ભારતે ભાઈઓ સામે લડવાનું નક્કી કર્યું. બીજા ભાઈઓ તો મોટાભાઈના વર્તનથી વૈરાગી બની ગયા, પણ બાહુબલિએ આહ્વાન આપ્યું. બંનેનાં લશ્કરો લડે એના કરતાં નક્કી કર્યું કે બંને ભાઈઓ જ દ્વન્દ્વયુદ્ધ કરે અને એમાં જે જીતે તે જીત્યો ગણાશે. દૃષ્ટિયુદ્ધ, જલયુદ્ધ અને મલ્લયુદ્ધ ત્રણેમાં બાહુબલિ જીત્યા. ગુસ્સે થયેલા ભારતે ચક્રરત્નનો બાહુબલિ પર પ્રયોગ કર્યો પણ એ તો બાહુબલિની ત્રણ વાર પ્રદક્ષિણા કરી બાજુમાં ઊભું રહી ગયું. બાહુબલિ જીતી ગયા; પણ ભરતને માથું નમાવી ઊભેલો જોઈ બાહુબલિને એકદમ વૈરાગ્ય આવી ગયો અને બધું છોડી તપ કરવા ચાલ્યા ગયા.

તપ તો શરૂ કર્યું, પણ જ્ઞાનપ્રાપ્તિ ન થઈ. એમને થયું, હું ભરતની ભૂમિ પર ઊભો છું. પછી ભરતે આવી, બધું એમને ચરણે ધરી કહ્યું કે આ રાજ્ય તમારું જ છે. ભરતના એ વર્તનથી બાહુબલિમાં જ્ઞાનોદય થયો, કેમ કે વિશાળ ક્ષમાભાવ પેદા થયો હતો.

આ વાત સાથે બાહુબલિની બહેનોની વાત પણ આવી જાય. પછી તો બાહુબલિનું એક જ રૂપ આપણી સામે રહ્યું અને તે તપસ્યાનિરત બાહુબલિનું. એવું ઘોર તપ કે ચારે બાજુ સાપના રાફડા હોય કે વેલીઓ શરીર પર ચઢી જાય.

સપાટ ભૂમિ પર દૂર એક ઊંચી ટેકરી દેખાવા લાગી હતી. એ જ શ્રવણ બેળગોળ. આંખો ઉત્સુક બની ગઈ. દૂરથી ગોમ્મટેશ્વરની મૂર્તિ દેખાય છે, એવું સાંભળ્યું હતું. વિરાટ મૂર્તિ છે ગોમ્મટેશ્વરની. તને કહું? ઇલોરાના કૈલાસ મંદિરની કલ્પના કરનાર સ્થપતિ શિલ્પીનું અને આ ઇન્દ્રગિરિ પહાડી પર ગોમ્મટેશ્વરની પ્રતિમાની કલ્પના કરનાર સ્થપતિ શિલ્પીનું નામ આપણે જાણતા નથી; પણ દુનિયાના મહાન કલ્પનાશીલ કલાકારોમાં એ આગળની પંક્તિમાં હોઈ શકે. કૈલાસમંદિરના સ્થપતિએ પહાડીમાં મંદિર જોઈ લીધું અને પછી ઉપરથી કોરતાં કરતાં વધારાનો ભાગ હટાવી દીધો. ગોમ્મટેશ્વરના સ્થપતિએ પણ. પણ ગોમ્મટેશ્વરમાં મંદિરની દીવાલો નથી — અહીં દિશાઓ એ જ દીવાલો અને આકાશ એ જ છત. છે ને અદ્ભુત કલ્પના!

તડકામાં ઇન્દ્રગિરિનો આકાર સ્પષ્ટ થતો ગયો, ગોમ્મટેશ્વરની પ્રતિમાનો આકાર ઊપસતો ગયો, ત્યાં મેટાડોર વળાંક લઈ એક ગામની વસ્તીમાં જઈ ઊભું. અમને એટલી બધી ઉત્સુકતા હતી કે ચા પીધી ન પીધી ત્યાં ટેકરીની તળેટીએ જઈ ઊભાં. આ ટેકરી એ જ ઇન્દ્રગિરિ. જોતાં જ મનમાં વસી ગઈ. એક પણ વૃક્ષ નહીં, અધિષ્ઠાતા ગોમ્મટેશ્વર જેવી જ અનાવૃત. લાગ્યું કે કોઈ અતિ પ્રાચીનકાળની ભૂમિ પર આવીને ઊભાં છીએ. જેને પુરાણોએ એને અતિ પ્રાચીન બનાવી દીધી છે. એટલી પ્રાચીન કે કાલગણનાના સંવતો કામ ન લાગે. પહાડી પર નજર કરી તો પગથિયાંની હાર. ગિરનાર શત્રુંજયની જેમ બાંધેલાં પગથિયાં નહીં, કોરેલાં પગથિયાં. ઇન્દ્રગિરિ આખી અખંડ એક પહાડી છે. પગથિયાં ચઢવાનાં શરૂ કર્યો, ત્યાં તો સામે કેટલાય યાત્રિકો ઊતરી રહ્યા હતા. ત્યાં અમારી નજર નીચેના એક ગોપુર પર પડી. એક સુંદર તળાવ. ચંદ્ર પુષ્કરિણી — એનું એ પ્રવેશદ્વાર. અહીંથી એ દર્પણ જેવું લાગતું હતું.

કોઈ પણ તીર્થનાં પગથિયાં ચઢવાં એટલે ઊર્ધ્વપ્રતિ આરોહણ. એક ભગવત્ભાવ મનમાં ઉદિત થતો જાય. એમાં આ સ્થળનો ઇતિહાસ, એની કથા ઉમેરો કરે. ચંદ્રગુપ્ત મૌર્ય અહીં આવેલો. એણે દીક્ષા લીધેલી. ચંદ્રગુપ્ત તો પ્રભુ મહાવીરનાં બહુ થોડાં વર્ષો પછી થયેલા. ચંદ્રગિરિ નામ એ પરથી કદાચ હશે.

માર્ગમાં થોડાં મંદિરો આવતાં હતાં, પણ અમારી ગતિ તો ગોમ્મટેશ્વર ભણી હતી. ગોમ્મટેશ્વર? એવું કેમ નામ હશે? ઇતિહાસ કહે છે કે ગંગરાજ રાજમલ સત્યવાક્ના મંત્રી ચામુંડરાયે ઈસુની અગિયારમી સદીમાં આ વિરાટ મૂર્તિની રચના કરાવી હતી. ચામુંડરાયનું બીજું નામ ગોમ્મટ; એટલે એમણે સ્થાપિત કરેલા દેવ કહેવાયા ગોમ્મટેશ્વર, થોડીક દીવાલોનાં દ્વાર વટાવતાં અમે ઉપર પહોંચ્યાં — પેલો બોપણાનો શિલાલેખ જોયો અને અધીરતાથી પગ ઉપાડતાં પહોંચી ગયાં.

વિરાટ મૂર્તિ! અવાક્!

એક નજરમાં તો જાણે માંય નહીં. ઉત્તર દિશામાં નજર છે, અથવા ઉત્તર દિશામાં નિમીલિત નેત્રે તપસ્યારત છે? તને આ વિરાટનું વર્ણન કેવી રીતે લખું! અઠ્ઠાવન ફૂટ ઊંચા વિરાટ પુરુષની તું કલ્પના કર. પાંચ ફૂટ લાંબા પગ કે સાત ફૂટ લાંબા હાથ કે છવ્વીસ ફૂટ પહોળી છાતી કે પોણા ત્રણ ફૂટ લાંબી ટચલી આંગળી એવાં માપ લખી આ વિરાટને માપમાં બાંધી શકાય નહીં.

નગ્નતાનું સૌંદર્ય જોયું છે. ડસી જતું સૌંદર્ય, કલાકૃતિઓનું પણ, જેનું રૂંવે રૂંવે ઝેર ચઢે. પણ બાહુબલિની નગ્નતા? આ વિરાટ નગ્નતા પાવનત્વનો જ બોધ કરાવી રહે છે પ્રતિપળે. એનાં ચરણ પાસે જઈ ઊભાં રહીએ, એમના નખ જેવડાં લાગીએ. બાહુબલિનાં ચરણની જ પૂજા થાય છે. બાર વર્ષે જ સર્વાગ અભિષેક તો થાય.

આ મૂર્તિની સ્થાપના ચામુંડરાયે જ્યારે કરી અને સૌપ્રથમ જ્યારે એનો અભિષેક મહોત્સવ ઊજવાયો ત્યારે વિચિત્ર ઘટના બનેલી. કહે છે કે મધુપર્કના ઘડાઓ રેડવામાં આવે પણ ધારા મૂર્તિની નીચે સુધી પહોંચે જ નહીં. ચામુંડરાયને અભિમાન થયેલું. ત્યાં એક ભરવાડણ જતી હતી. ગોમ્મટ પ્રભુની ભક્ત. કોઈ કહે છે દેવીએ ભરવાડણનું રૂપ લીધેલું. એણે પૂછ્યું, દેવ! અભિષેક નથી સ્વીકારતા? ‘ઊભા રહો’ એમ કહી એણે નાળિયેરની એક કાચલી પોતાની છાતીમાંથી વહાવેલા દૂધથી ભરી આપી અને કહ્યું કે એ દૂધથી દેવનો સૌપ્રથમ અભિષેક કરો. દેવે એ અભિષેક સ્વીકાર્યો. ધારા શિરથી ચરણ સુધી પહોંચી. ચામુંડરાયનું અભિમાન ઊતરી ગયું. પછી એમના અભિષેકો દેવે સ્વીકાર્યા… કેવી રોમાંચક કથા છે!

અમે ઊભાં ઊભાં શિખનખ દર્શન કરવા લાગ્યાં. વિરાટ મસ્તકે આછા વાંકડિયા કેશ, લાંબા ખભે અડવા જતા કર્ણ, અર્ધ નિમીલિત આંખો, પ્રમાણથી જરા જાડી ડોક — પણ એનું જાડ્ય કઠે નહીં. વિરાટ છાતી, અને આજાનુદીર્ઘ ભુજ. એ ભુજ પર લતાઓ વીંટાળેલી છે, એ લતાઓ નીચે બંને ચરણથી ઉપર ચઢેલી છે. હજારો વર્ષોના તપનું સૂચન એથી કલાકારે સૂચવી દીધું છે. ઉદર પર એક રેખા છે, બંને ચરણ તો જાણે વિરાટ સ્તંભ. જાંઘ પર પેલી લતા વીંટળાયેલી છે. કલાકારે ધાર્યું હોત તો નગ્નતાને ઢાંકી દીધી હોત—પણ ના, આ દિવ્ય નગ્નતાનાં તો એ દર્શન કરાવવા માગે છે. મને માઇકેલ ઍન્જેલોએ કરેલાં નગ્નચિત્રો-શિલ્પો યાદ આવ્યાં. પણ ગ્રીક કે રોમન નગ્નતાનું શિલ્પાંકન અને આ નગ્નતાનું શિલ્પાંકન બંને જુદી દૃષ્ટિઓની નીપજ છે. અહીં હૂબહૂ સ્નાયવિક નગ્નતા નથી. કલામાં પરિણત નગ્નતા છે. આ વિરાટ મૂર્તિ એવી કંડારાયેલી છે કે મૃદુતા અને મુલાયમતાનો પણ બોધ થાય. ચહેરા સામું જોયા કરો. હોઠ પર કોઈ વીતરાગીનું ઉદાર આછું સ્મિત છે શું?

આ મૂર્તિ કોઈ વિરાટ પ્રસ્તરખંડમાં ઘડીને પછી સ્થાપિત નથી કરી. ઇન્દ્રગિરિ પહાડીનો જ એક ભાગ છે. આસપાસથી શિલ્પીએ પથ્થર હટાવી દીધો. કોઈ શિલ્પીએ કહ્યું છે — કદાચ એંજેલોએ — કે હું પથ્થરમાં પહેલાં મૂર્તિ જોઈ લઉં છું અને પછી મારું કામ વધારાનો પથ્થર કોરી દૂર કરવાનું રહે છે. ગોમ્મટેશ્વર આ પહાડીનું જ જાણે શીર્ષ છે!

શિલ્પીને નમન તો એટલે કરવાનાં રહે છે કે એણે પછી દીવાલો અને છતનું મંદિર ન રચ્યું. આ વિરાટ દેવતાને પછી તો દિશાઓ જ દીવાલો ઉપર આકાશનું છત્ર. મેં ઊંચે ઉપર જોયું — નીલ આકાશમાં થોડાં ભૂરાં વાદળ અને ચારે બાજુએ ઢળતી ક્ષિતિજ. વિશ્વના વિરાટ મંદિરમાં વિરાટ ગોમ્મટેશ્વર. એમની બંને બાજુએ ચામર ધારિણીની સુંદર નાની મૂર્તિઓ છે. કોઈ કહે છે કે પેલી ભરવાડણની છે, જેની છાતીમાંથી વહાવેલા દૂધથી સૌપ્રથમ અભિષેક દેવે સ્વીકારેલો.

થોડી વાર મૂર્તિ સામે ચૂપ ઊભાં રહ્યાં. પછી થોડી તસવીરો લીધી છે, તે તને જોવી ગમશે. પણ મારા મનમાં જે તસવીર ઝિલાઈ છે, તેની વાત અહીં કરવા મથ્યો છું. આછીયે ઝાંખી કરાવી શક્યો હોઉં તોય સફળતા માનીશ.

(દેવોની ઘાટી)

License

તેષાં દિક્ષુ Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.

Share This Book