હમણાં પાટણમાં રાણીની વાવનાં શિલ્પો જોઈને આવ્યો છું અને એ અનુપમ સૃષ્ટિના સંમોહન તળે છું. આ કંઈ પહેલી વાર ત્યાં જવાનું થયું નથી, પણ જેટલી વાર એ શિલ્પો જોયાં છે, લાંબે સુધી એમની રમણા ચિત્તમાં ચાલ્યા કરે છે. નવસો-હજાર વર્ષ જૂની વાવમાં અસંખ્ય અદ્ભુત શિલ્પો છે, પણ એમાં આ વખતે ઉત્તર તરફની દીવાલમાં કોતરાયેલી એક પાષાણસુંદરી મનમાંથી ખસતી નથી. આ પાષાણસુંદરી નગ્ન છે. નગ્નતાનું સૌંદર્ય આટલું બધું! ઇન્દ્રિયોને અભિભૂત કરે અને ઇન્દ્રિયાનુભૂતિની પાર પણ લઈ જાય. એમ તો વાવનો આખો સૌંદર્યલોક સ્મૃતિમાં ઊભરાય છે, પણ જાણે એમાંની એક હોવા છતાં એમાંથી અલગ નીકળી જઈને પેલી પાષાણસુંદરી અવકાશમાં એકલી ઊભી રહી જાય છે.
એવું નથી કે આવી પાષાણસુંદરીઓ અન્યત્ર જોઈ નથી. જગપ્રસિદ્ધ કોણાર્ક અને ખજૂરાહોમાં એની જોડમાં ઊભી રહી શકે એવી શિલ્પ-મૂર્તિઓ છે. ઈલોરાની ગુફાઓ કે સાંચીનો સ્તૂપમાં ત્રાંસમાં જડાયેલી શાલભંજિકાઓ એક વાર જોનાર વીસરી શકે નહીં. ભુવનેશ્વરના લિંગરાજ મંદિરની બહારની બાજુના ગોખમાં મનુષ્યકદની સાલંકારા પાર્વતીની મૂર્તિ કદાચ રાણીવાવની આ પાષાણસુંદરી કરતાં વધારે પરિપૂર્ણ લાગે. અહીં હું હળેબીડુ બેલૂરની અપ્સરાઓને પણ ભૂલી જતો નથી.
પરંતુ ઘણી વાર આવું થતું હોય છે અને આપણા પક્ષપાતને માટે આપણે કોઈ તાર્કિક કારણો આપી શકતા નથી. શિલ્પશાસ્ત્રજ્ઞોને આપણા આ પક્ષપાતમાં કલાના મૂલ્યાંકનની અક્ષમતા કદાચ દેખાય; પણ આ વખતે આ મૂર્તિના દર્શકોમાં ડૉ. હરિવલ્લભ ભાયાણી, શ્રી નરોત્તમ પલાણ, શ્રી રઘુવીર ચૌધરી, કુલપતિ કુલીનચંદ્ર યાજ્ઞિક, શ્રી યશવંત શુક્લ, શ્રી વિનોદ અધ્વર્યું, શ્રી તપસ્વી નાન્દી જેવા કલારસિકો, વિદ્વાનો અને સર્જકોની પચ્ચીસ-ત્રીસની મંડળી હતી અને મારો ખ્યાલ છે ત્યાં સુધી પેલી પાષાણસુંદરીએ બધાંને પ્રભાવિત કર્યા હતા. મારો ખ્યાલ છે, એમ કહું છું. કેમ કે કોઈના મનમાં કોઈ બીજા શિલ્પનો વિશેષ પ્રભાવ રહ્યો હોય. અગાઉ એક વેળા આવેલા ત્યારે ભાષાવિજ્ઞાની ડૉ. યોગેન્દ્ર વ્યાસને નૃત્ય કરતા ગણપતિ જ નજરમાં વસી ગયેલા!
પાટણ જોયું એ પહેલાં રાણીવાવનું નામ સાંભળેલું. કવિ નરસિંહરાવ દિવેટિયાના પાટણ વિશેના પેલા કાવ્યમાં ‘અહિયાં સહ(૭૧૦)ાલિંગ તળાવ વિશાળ હતું.’ પછી ‘રાણીવાવનાં હાડ પડેલાં’નો ઉલ્લેખ આવે છે. નરસિંહરાવે ‘રાણીવાવનાં હાડ’ કહીને એની ખંડેર હાલતનો નિર્દેશ કરેલો લાગે છે. ગમે તેમ પણ ‘હાડ’ની ઉપમા ગ્ર્રોટેસ્ક તો ખરી જ. મારા અધ્યાપક શ્રી મોહનલાલ પટેલ પાટણના, ત્રણેક દાયકા પહેલાં એમની સાથે એક આખો દિવસ પાટણનાં ખંડેરોમાં ભમેલા. રાણીવાવનો કૂવો ત્યારે જોયેલો અને કદાચ ત્યાં કોસ ફરતા પણ એવું સ્મરણ છે. કોઈને ત્યારે ખબર નહોતી કે એક અદ્ભુત સૌંદર્યલોક ધરતી નીચે ધરબાયેલો છે.
પછી પુરાતત્ત્વખાતાએ ખોદકામ હાથ ધર્યું અને ધરતીમાંથી એક અક્ષુણ્ણ અનેક માળવાળી વાવ નીકળી આવી. ખોદકામના જુદા જુદા તબક્કામાં આ નીકળી રહેલી વાવનાં સ્થાપત્ય અને શિલ્પ જોઈ અવાક્ થઈ જવાયું છે. અડાલજની વાવનું સ્થાપત્ય બેનમૂન છે પણ શિલ્પવૃષ્ટિ પાંખી છે. કેટલીક સુંદર ભાતો — ડિઝાઇનો મનમાં વસી જાય એવી છે પણ રાણીની વાવનાં શિલ્પ તો અનન્ય.
રાણી ઉદયમતીએ આ વાવ બંધાવેલી છે, એમ સંશોધકો કહે છે. પણ એ વાતનો સ્થપતિ કોણ હશે? એના મુખ્ય શિલ્પીઓ કોણ હશે? કોણ હશે પેલી પાષાણસુંદરીનો શિલ્પી? શિલ્પી સામે ‘મૉડેલ’ તરીકે કોણે કામ કર્યું હશે? શું ખરેખર એવી કોઈ સુંદરી આ લોકમાં વિદ્યમાન હતી? કલાકાર સામે મૉડેલિંગ કરતી વખતે એ આમ નિરાવરણ ઊભી હશે કે પછી કલાકારના કલ્પનાલોકનું જ સર્જન હશે? પરંતુ કલ્પનાને ઊભવા માટે પણ ક્યાંક તો ભોંય જોઈએ. અવશ્ય એવી કોઈ સુંદરી હશે. રઘુવીરની ‘રુદ્રમાળ’ નવલકથામાં કર્પૂરમંજરી નાયિકા છે અને એ સુંદર શ્રેષ્ઠી કન્યાના આદર્શ પર શિલ્પી પાષાણમાં એને કંડારે છે.
હું રાણીની વાવની એ પાષાણસુંદરીને એ રીતે જોતો હોઈશ (મારા જેમ બીજા વિદગ્ધ દર્શકો પણ હતા) કે ડૉૅ. ભાયાણીને વિનોદ સૂઝ્યો. આમેય આ રસજ્ઞ વિદ્વાન પ્રહાર કરવાની આવી તક જતી કરે નહીં. હસતાં હસતાં બોલ્યા : ‘તમે નવસો વર્ષ મોડા છો’ — અને મારી સાથે સૌ હસી પડ્યા. કદાચ દરેકને થયું હશે કે સાચે જ નવસો વર્ષ મોડા છીએ. ડૉ. ભાયાણી પછી કહે કે એ વખતે ગણિકાઓ કે વેશ્યાઓ જ મુખ્યત્વે ‘મૉડેલ’ તરીકે કામ કરતી.
‘પણ એ ગણિકાઓ ચોસઠ કલાઓમાં નિપુણ હોતી’તી’ — મેં કહ્યું.
તો શું આ પાષાણસુંદરી કોઈ ગણિકા કે વેશ્યા હશે? (કોઈ રાજકન્યા કે શ્રેષ્ઠીકન્યા ના હોઈ શકે શું? — જે શિલ્પીના પ્રેમમાં હોય અને એકાંતમાં એનું અનાવૃત રૂપ એણે જોયું હોય. પરંતુ આ નગ્નતા! ભારતીય કલા-પરંપરામાં નગ્નતાના સૌંદર્યને પરખવાની એક ઉદાર રુચિ હતી. આજે?
થોડા દિવસ પહેલાં જર્મન કવિ રિલ્કેની કવિતા વાંચતાં એક તબક્કે એક કવિને પ્રભાવિત કરનાર ફ્રેંચ શિલ્પી રોદાં વિશે વાંચવાનું મન થયું. ૧૯૮૪માં આ જગપ્રસિદ્ધ શિલ્પીનાં મૂળ શિલ્પો કલકત્તામાં પ્રદર્શિત થયેલાં. એ શિલ્પોમાંથી ‘ચુંબન’, ‘ચિંતક’, ઈવ’, ‘આદમ’, ‘સનાતન મૂર્તિ’, જેવાની ચર્ચા પણ ભારતીય અખબારોમાં વાંચી હતી.’ રોદાનાં આ શિલ્પોમાં મનુષ્યદેહનો અદ્ભુત મહિમા છે. માત્ર ચહેરો જ આત્માનું પ્રતિબિંબ નથી હોતો, શરીરનો કોઈ પણ અંશ આત્માને પ્રતિબિંબિત કરે છે. એની કૃતિઓમાં દેહની રમ્ય સ્વાભાવિકતા પ્રકટ થાય છે. રોદાંના જીવનને કેન્દ્રમાં રાખીને ડેવિડ વાઇસે એક નવલકથા લખી છે. (જેમ કલાકાર માઇકલ એન્જલોના જીવન પર — ’એગની અને એકસ્ટસી’ કે ચિત્રકાર વાન ગોગના જીવન પર ‘લસ્ટ ફૉર લાઇફ’ની જેવી ઈરવિંગ સ્ટોનની નવલકથાઓ છે.) ડેવિડ વાઇસની તો નવલકથાનું નામ જ છે, ‘નૅકેડ કેઇમ આઈ’ (આ ધરતી પર હું નગ્નરૂપે અવતર્યો છું અને અંતે નગ્નરૂપે જઈશ એવી ડૉન ક્વિક્ઝોટમાંની પંક્તિઓનો તેમાં સંદર્ભ છે.). એક કલાકારનો જીવનસંઘર્ષ તો એમાં નિરૂપાયો છે, પણ એની જીવનદૃષ્ટિ વિશેષે મનુષ્યદેહના ઓજ અને લાવણ્ય વિશેની. એની કારકિર્દીના આરંભમાં એણે ‘ઍઝઑફ બ્રોન્ઝ’ શિલ્પ બનાવેલું. એ શિલ્૫માં પુરુષની નગ્ન આકૃતિ છે. જેવું એ શિલ્પ પ્રદર્શિત થયેલું કે ૧૯મી સદીની કલારસિક પેરિસનગરીમાં પણ હોહા મચી ગયેલી. ધરાર નગ્ન? (આપણને ગોમ્મટેશ્વરની વિરાટ નગ્ન મૂર્તિનું કદાચ સ્મરણ થાય. પણ ભારતીય કલામાં નગ્નતા અને પાશ્ચાત્ય કલામાં નગ્નતામાં ફેર છે. આપણી ચિત્રકલા કે શિલ્પકલામાં નગ્નતા પણ આદર્શીભૂત હોય છે, એથી એક અંતર ઊભું થાય છે, પાશ્ચાત્ય ચિત્રકલા કે શિલ્પમાં નગ્નતા પ્રાય: યથાતથ માંસલ રૂપમાં આવે છે. રાણીની વાવની પાષાણસુંદરી પાસે વીનસને મૂકી જોઈએ તો?) પછી તો રોદાંએ એવાં અનેક પ્રસિદ્ધ પુરુષો અને નારીઓનાં શિલ્પો કર્યા છે. એના સ્ટુડિયોમાં એ જેને મૉડેલ માટે બોલાવતો એમને નગ્ન જ રહેવાનું રહેતું. એ નગ્ન મૉડેલ એના સ્ટુડિયો-ઉદ્યાનમાં ‘સ્વાભાવિક’પણે ફરતાં હોય. રોદાં તેમાંથી એકાદના દેહની કોઈ રેખા, કોઈ વળાંક જોઈ ત્યાં એને અટકાવી દે. પછી અંકિત કરી લે. એના ચિુંબન’ નામના જગવિખ્યાત શિલ્પમાં મૉડેલ તરીકે એની પ્રેયસી અને પોતે ઉત્તમ શિલ્પલેખા એવી કામિલે હતી.૨ એ શિલ્પ કેમ ઘડાતું ગયું, મનુષ્યદેહની ઉષ્મા એ કેવી પથ્થરમાં ઉતારી શક્યો એની વાત નવલકથામાં અત્યંત રોમાંચક રીતે કરી છે. રોદાંની સર્જનપ્રક્રિયા પર પ્રકાશ ફેંકે છે.
રાણીની વાવની પાષાણસુંદરી ઉત્તરની દીવાલે દક્ષિણાભિમુખ કરીને ઊભી છે. નવસો વર્ષ પહેલાંના શિલ્પીએ એને કેવી રીતે ઘડી હશે? પરંતુ એ માત્ર નગ્ન સુંદરીનું નિર્માણ કરીને અટકી ગયો નથી. કદાચ એ આ લોકની કોઈ રક્તમાંસની નારીનું પ્રતિરૂપ હોય તો પણ શિલ્પીએ એને એક લોકોત્તરતા આપી દીધી છે, એના રમ્ય દેહ પર સર્પના આલેખન અને મસ્તકે ત્રણ ઘુવડોના આલેખનથી. આ શિલ્પરમણીનું રમ્ય મુખ, ઉન્નત સ્તનોના વળાંક, પેટની નાજુક ત્રિવલી કે વહેતી લાગતી જઘનરેખાઓ જોતાં જે ભાવોદ્રેક થાય, એ પૂરતો નથી કે એ સર્પ? (ઘણી વાર વીંછી પણ શિલ્પિત હોય છે) શું એ કામવાસનાનો નિર્દેશ કરે છે? સર્પની સાથે સેક્સની પ્રતીકાત્મકતા તો પૂર્વ અને પશ્ચિમનાં પુરાણોમાં અને આધુનિક મનોવિજ્ઞાનમાં પણ ચર્ચાતી રહી છે. ફ્રેન્ચ કવિ વાલેરીની ‘સર્પ’ નામની એક કવિતામાં સર્પદંશ કૌમાર્યભંગને પ્રતીકિત કરે છે. આ ક્ષણે પૂર્વ-પશ્ચિમ મનમાં ભેગાં થઈ જાય છે.
નવસો વર્ષ. હા, સિદ્ધરાજ અને કુમારપાળના પાટણમાં રાજગુરુ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને પણ નવસો વર્ષ થયાં. ખરેખર તો અમારી મંડળી હેમચંદ્રની નવમી જન્મશતી પ્રસંગે પાટણમાં મળી હતી. હેમચંદ્રની પ્રતિભાનાં વિવિધ પાસાંની વિદ્વદ્્ પરિચર્યા પછી અમે રાણીની વાવ જોવા આવ્યા હતા. હેમચંદ્રાચાર્યની વાત પછી આ પાષાણસુંદરીની આખી વાતમાં અસંગતિ લાગે તો આ મહાપ્રાજ્ઞે ‘કાવ્યાનુશાસન’ અને ‘અપભ્રંશવ્યાકરણ’માં ઉદાહરણ તરીકે આપેલાં શૃંગારરસનાં ઉદાહરણો યાદ લાવવાં. વીતરાગ હોવા છતાં સમગ્ર જીવનનો સ્વીકાર એમની આ ઉદાર દષ્ટિમાં છે. હા, તો નવસો વર્ષ પહેલાંની આ શિલ્પસૃષ્ટિનું અર્થઘટન કરવા વિદ્વાનો મથી રહ્યા. શ્રી નરોત્તમ પલાણ તો શિલ્પશાસ્ત્રજ્ઞ. ઘુવડ શા માટે? સર્પ શા માટે?
એ વિષકન્યા તો નથી? પ્રાચીન રાજનીતિમાં વિષકન્યા એક ઉપાય છે. સુંદરી કન્યાઓને રોજ વિષનું સેવન કરાવી અનેક કલાઓના જ્ઞાન સાથે ઉછેરવી. એ પોતાના મોહક હાવભાવથી શત્રુ રાજા કે પ્રતિસ્પર્ધીને વશમાં કરે. એના એક જ ચુંબન કે સહ-શયનથી પેલો મૃત્યુશરણ થાય એવી એ વિષકન્યાઓ. વિશાખદત્તના ‘મુદ્રારાક્ષસ’ નાટકમાં ચાણક્ય પ્રતિસ્પર્ધી રાજા પર્વતેશ્વર માટે વિષકન્યાનો ઉપાય કર્યાનો ઉલ્લેખ છે. અમને તો જો એ વિષકન્યા હોય તો તેની પાષાણી મૂર્તિનાં દર્શને જાણે ઝેર ચઢવા માંડ્યું હતું.
પણ રાણીની વાવમાં આ એક જ મૂર્તિ નથી. એક પછી એક ખંડ ઊતરતા જાઓ. છેક છેલ્લે પહોંચો, જ્યાં પાણી ભરેલાં છે. એ પાણીની ઉપર એક પછી એક થર જોતા જાઓ. બરાબર સામે શેષશાયી વિષ્ણુ છે. એનાથી ઉપરના માળે પણ શેષશાયી, એથી ઉપર પણ શેષશાયી. વાવમાં ક્યારેક પાણી ઉપર આવતાં એક-બે માળ તો નીચે જળમાં ડૂબેલા રહેતા હશે ત્યારે પાતાળલોકની સદૃશ્ય બની જતા હશે. સૂતેલા વિષ્ણુના લંબાયેલા પગની રેખાનો વળાંક કલાકારની સિદ્ધિ છે.
પગને છેક છેડે બેઠાં છે લક્ષ્મી, પગ દબાવતાં. જરા ન ગમ્યું. ચારે પાસની સુંદર મૂર્તિઓ પછી તો જોયા જ કરો. અપ્સરાઓ, દેવતાઓ, નર્તકીઓ, કલ્પવલ્લીઓ, અવતારકથાઓ અને કંઈકેટલુંય.
વાવના ઊંડાણમાંથી ભીનાશની હવડ વાસ નાકને તરબતર કરી દેતી — જાણે નવસો વર્ષનો, હજાર વર્ષનો ઇતિહાસ સૂંઘી રહ્યા ન હોઈએ!
નવસો વર્ષ પહેલાંનો એ ગુજરાતનો ભવ્ય ભૂતકાળ! કેવા હશે એ દિવસો? ફ્રેંચ ક્રાંતિના દિવસોને સ્મરીને વુડ્ઝવર્થે કરેલું છે કે એ દિવસોમાં જન્મવું અને ત્યાં હોવું એ તો વિધાતાનાં વરદાન ગણાય — અને એમાંય એ વખતે જુવાન હોવું એ તો હાજરાહજૂર સ્વર્ગ હતું. ડૉ. ભાયાણીનો વિનોદ મનમાં ચોંટી ગયો છે. નવસો વર્ષ મોડા છીએ — અને હા, એવા જુવાન પણ ક્યાં છીએ!
વાવમાંથી નીકળનારામાં છેલ્લો હું હતો. નીકળતાં ફરી વાર ઉત્તરની દીવાલે રહેલી એ પાષાણસુંદરીને આંખમાં ભરી લીધી.
૧. જૂન ૧૯૮૯માં પેરિસમાં રોદાં મ્યુઝિયમમાં આ બધાં જગવિખ્યાત શિલ્પો જોવાનું સદ્ભાગ્ય મળ્યું. ૨ કામિલે વિશે હમણાં ફ્રેંચમાં ફિલ્મ ઊતરી છે.
૧૯૮૯
(શાલભંજિકા)