તું કયા મારગે આવ્યો, હે પથિક!

આજે મને ફાગણ લાગી ગયો છે. મારી ચેતનાને કેસૂડાનો રંગ બેસી ગયો છે. ફાગણ તો બધે આવે છે અને કેસૂડો પણ ખીલે છે; પરંતુ શાંતિનિકેતનમાં ફાગણ અને કેસૂડો ઘેલા બનાવી મૂકે છે, વય પ્રાપ્ત દુનિયાદારી શાણપણ ક્યાંક સરી જાય છે, એકદમ યુવાચિત્ત બની જાઉં છું. ભીડ મધ્યે નવપલ્લવિત મંજરિત શાલવૃક્ષ નીચે ચાર કન્યાઓને જોતો રહી જાઉં છું. એમની આંખોમાં વસંતનું ગાઢ અંજન છે, સપનાં જોતી એ આંખોની ચમક મને સ્પર્શી જાય છે. ચારે કન્યાઓએ લીલી કિનારીવાળી પીળી સાડીઓ પહેરી છે. લાલ બ્લાઉઝછે. અંબોડે કેસૂડાંની વેણી છે, હાથે કેસૂડાંના બાજુબંધ છે, છાતી પર કેસૂડાંની માળા ઝૂલે છે. આખા વાતાવરણમાં ગુંજી રહેલા ગાન સાથે એમના પગમાં નર્તનનો તાલ છે. કવિ કાલિદાસ! આ તો સંચારિણી પલ્લવિની લતાની ઉપમા પામેલી તમારી પાર્વતીઓ તો નથી ને! મહાદેવ પણ ચલિત થઈ જાય, એમના વાસંતી રૂપોન્માદથી.

રવિ ઠાકુર! તમે તો આ વસંતોત્સવનો મહિમા કરી ગયા છો. તમારી જ, તમારા શાંતિનિકેતનની આ કન્યાઓ છે. આજે તમે નથી, તમારું એ શાંતિનિકેતન પણ નથી અને છતાં આજના આ ફાલ્ગુની પૂર્ણિમાના વસંતોત્સવને દિને અહીં શાંતિનિકેતનમાં હેલે ચઢેલો માનવમહેરામણ અને આ કન્યાઓને જોતાં થયું, તમે છો કવિ, તમારા મૃત્યુની અર્ધ શતાબ્દી પછી પણ તમે છો, વાસંતીરૂપ ધરી.

મને થયું, આ કન્યાઓના સદ્ય પ્રસ્ફુટિત વાસંતી રૂપની એક તસવીર પાડી લઉં. હું ક્યાં પત્રકાર હતો કે ક્લિક ક્લિક કરતો ચાંપ દબાવતો જાઉં! મેં માત્ર કૅમેરા ધરી ક્ષણેક જેની નજર મારી તરફ ગઈ છે, એવી એક કન્યાને માથું નમાવી સંકેતથી પૂછ્યું: તસવીર લઉં? આંખમાં હકાર સાથે હોઠે સ્મિત ધરી એ પોતાની સાથેની ત્રણ સખીઓને કૅમેરા ભણી ઊભા રહેવા કહી રહી. હું તો ફોટો લઉં કે એમને જોઉં? બાજુના ગૌર પ્રાંગણમાં ઠસોઠસ લોકો હતાં, વાસંતી ગાન-નર્તન જોતાં — અને આ બાજુમાં મંજરિત શાલ નીચે આ એક દૃશ્ય. પ્રસન્નચિત્ત કન્યાઓની તસવીર ક્લિક કરી કે મારી નિકટ આવી અને કહે, ‘એક તસવીર અમને મોકલશો?’ એ કન્યાનું નામ પૂછ્યું. કહે ‘કુહેલી.’ — હૃદયમાં પ્રતિઘોષ થયો. કેવું કાવ્યમય નામ! ‘કુહેલી?’ — મેં ફરી પૂછ્યું. હસતાં કહે, હા, કુહેલી સેન’

‘અને આ?’

‘શમ્પા બેનરજી, આ અજંતા ધર અને આ સોમા સન્યાલ.’

આ ચારેને મંજરિત શાલ નીચે વસંતનું રૂપ ધરી ઊભેલાં જોવાં એ સાચે નયનસુભગ દૃશ્ય હતું.

તો આ બાજુ શ્રવણ-સુભગ ગાન ગુંજતું હતું, મહાન રવીન્દ્ર-સંગીતજ્ઞ શાંતિદેવ ઘોષને કંઠે. હજારોની મેદની એની સાથે જાણે સૂર પુરાવતી ઝૂમતી હતી.

તુમિ કોન પથે જે એલે, પથિક
આમિ દેખિ નાઈ તોમારે…

હે વસંતરૂપી પથિક! તું કયા મારગે આવ્યો? તને આવતાં તો જોયો નહીં પણ વસંત તો આવી ગયો હતો. આ ચાર કન્યાઓ તો પ્રતીકમાત્ર. શાંતિનિકેતનની હજાર કન્યાઓ, કિશોરો, તરુણો વાસંતી આભરણોમાં હતાં. શાંતિનિકેતનના આમ્રવનના બધા આંબા મંજરીઓથી મહેંકી રહ્યા હતા. એક-બે નહીં, દશબાર નહીં, પૂરા છત્રીશ છત્રીશ શાલ નવપલ્લવોથી તડકામાં જાણે સ્વયંવરમાં ઊભા હતા અને એમના મુકુટશીર્ષે પણ ખીલી ઊઠી હતી મંજરીઓ.

— કયા મારગે આવ્યો વસંત? એકાએક જાણે સ્વપ્નની જેમ તને વનની ધારે જોયો. ધરતીના સાગર પર ફાગણ ભરતી લાવ્યો છે… કયા દેશમાંથી તું આવ્યો છે વસંત?

તોમાર સેઈ દશેરઈ તરે
આમાર મન જે કેમન કરે…

તારા એ દેશમાં જવા મારું મન વ્યાકુળ બની ગયું છે. શાંતિદેવ ઘોષનો પહાડી સ્વર ગુંજતો જતો હતો અને જાણે સૌ વસંતના દેશમાં પહોંચી ગયા હતા…

શાંતિનિકેતનના વસંતોત્સવનું આ પ્રથમ ગાન ગાય શાંતિદેવ ઘોષ. વર્ષોની પરંપરા. એ પછી ગુરુદેવનાં વસંતગીતોનું નૃત્યસહ ગાન શરૂ થાય. કલકત્તામાં હતો. છાપામાં વાંચ્યું, અધ્યાપકોનો અસહકાર હોવા છતાં શાંતિનિકેતનમાં દોલપૂર્ણિમા ઊજવાશે. અધ્યાપકોએ કહ્યું હતું કે શાંતિદેવ ઘોષ ગાશે તો અમે વસંતોત્સવમાં નહીં જોડાઈએ. કારણ? શાંતિદેવ ઘોષે પગારવધારા માટે સરઘસ કાઢી સૂત્રોચ્ચાર કરતા શાંતિનિકેતન પાઠભવનના અધ્યાપકોની ટીકા કરી હતી. કરો વાત! પણ શાંતિનિકેતનના કુલપતિએ નમતું જોખ્યું નહોતું. શાંતિદેવ જ ગાન કરશે પહેલું — અને છાત્રછાત્રાઓએ કહ્યું: અમે ઊજવીશું વસંતોત્સવ, ભલે અમારા અધ્યાપકોનું માર્ગદર્શન ના મળે, અમે જાતે કરીશું બધું. કર્યું છે.

અને ઊજવાઈ રહ્યો છે, વસંતોત્સવ — જેની પરંપરા ગુરુદેવના વખતથી ચાલી આવે છે. તમે સાચે જ વસંતના દૂત છો, વહાલાં છાત્ર-છાત્રાઓ! મારું મન ભાવુક બની ગયું હતું. ગુરુદેવની આશિષ તમારા પર વરસી રહી છે આ ક્ષણે. ઋતુએ ઋતુએ ઉત્સવ યોજીને કવિવરે પ્રકૃતિ પર્યાવરણ અને મનુષ્યનો સંબંધ જીવંત રાખવા આવાં અનુષ્ઠાનોની કલ્પના કરી છે. વર્ષા આવતાં વર્ષા-મંગલ; શરદ આવતાં શરદ-ઉત્સવ. પોષમેળો તો જાણીતો છે. પણ સૌથી જીવંત તો આ દોલપૂર્ણિમાનો વસંતોત્સવ. એના આગળના દિવસે શાંતિનિકેતન જતી ગાડીઓમાં જગ્યા મળવી મુશ્કેલ. આ વખતે તેમાં વળી વર્ધમાન પછી વનપાસ નામના સ્ટેશન પછી ભારખાનાના ડબ્બા ઊથલી પડ્યા હોવાથી કેટલીક ગાડીઓ રદ થયેલી. એટલે ફાગણ સુદ ચૌદશને દિવસે હાવડાના પ્લૅટફૉર્મ પર વસંતોત્સવ આ કલકત્તાના મહાનગરમાં શરૂ થઈ ગયો, કેમ કે છેવટે તો વસંત મનની ઋતુ છે. એ બહારથી થોડી આવે છે?

દોલપૂર્ણિમાને દિવસે સવારે પ્રાક્તનીના મારા મિત્ર કૈલાસ પટનાયકના નાના નિવાસની અગાશી બહાર જેવો નજર કરું છું, તો રસ્તાની સામે પારના ઘરને દરવાજેથી બે યુવતીઓને બહાર નીકળતી જોઈ — માથામાં કેસૂડાં ખોસી, પીળી સાડી લાલ બ્લાઉઝમાં સજ્જ થઈ. વસંત ક્યાંથી આવે છે! જવાબ — જાણે આ સામેના ઘેરથી. અમે પણ નીકળ્યા. અબીલ-ગુલાલનાં પડીકાં કૈલાસે મારા બગલથેલામાં પણ મુકાવ્યાં. કહે — રાખો.

આખે રસ્તે વસંત, વસંત. નાક ભરાઈ જાય એટલી આંબાના મોરની મહેક, નવપલ્લવિત વૃક્ષો, કોયલનો અને પપીહાનો દીર્ઘ દિગંતવ્યાપી વ્યાકુલ કરી દેતો સ્વર — પીવ કહોં? પીવ કહોં? ક્યાં છે પ્રિય? ક્યાં છે પ્રિય? મારા મનપપીહાએ પણ જાણે પ્રતિસાદ પાડ્યો — ક્યાં છે? વૈતાલિક ગાન શરૂ થઈ ગયું હતું. છાતીમતલાથી દાંડિયાનૃત્ય કરતાં ગાતાં ગાતાં છાત્ર-છાત્રાઓ અને ઉત્સવમાં જોડાનાર સૌ નીકળ્યાં છે, વાસંતી પોશાકમાં. મને થયું કે આટલાં બધાં કેસૂડાં ક્યાંથી લાવ્યા હશે આ સૌ? એક પણ કન્યા એવી નહોતી કે જેણે કેસૂડાં ધારણ ન કર્યા હોય. કેસૂડો પણ ધન્ય ધન્ય!

જેનું ચિત્તવૃક્ષ પાનખર જેવું નિષ્કર્ણ બની ગયું હોય, એને પણ તરત પલ્લવપત્ર ફૂટવા માંડે એવું દૃશ્ય. તેમાં પછી જેને થોડોય દક્ષિણપવનનો સ્પર્શ રોમાંચિત કરતો હોય એવું તો શું પૂછવું ભલા! છાતીમતાલા, શાંતિનિકેતન—કુઠિવાડિ, આમ્રવનના માર્ગેથી શાલવીથિ પાર કરી ગૌર પ્રાંગણ ભણી ગાન ગવાતું જતું હતું.

દખિન હાવા જાગો જાગો
જાગાઓ આમાર સુપ્ત એ પ્રાણ

દક્ષિણના પવન! જાગ રે જાગ, મારા સુપ્ત પ્રાણને જગાડ. હું તો વગડાનો વાંસ છું, મારી ડાળીઓમાં કેટલાંય નીરવ ગાન છે. જાગ જાગ, મારી છાતીમાં તારા પંથની વાંસળી વગાડ……

મેદાન ભરાઈ ગયું હતું. હું ઊભો રહ્યો એક મંજરિત શાલની નીચે. અહીંથી ગાયક મંડળીઓ જોઈ શકાતી હતી. શાંતિદેવ ઘોષનો સૂર ગુંજી ઊઠ્યો હતો. સુમિ કોન પથે જે એલે, પથિક…

હું તો સ્વયં મંજરિત થતો આ સૌને જોતો હતો, ત્યાં પેલી કન્યાઓ વસંત બની આવી ગઈ. કુહેલી-કુહેલી સેન. કવિ જીવનાનંદ દાસની વનલતા સેનની સહોદરા કુહેલી સેન.

એતો દિન કોથાય છિલેન?

ક્યાં હતા આટલા દિવસ? વનલતા સેને તો પ્રશ્ન કર્યો હતો એના કાવ્ય-નાયકને. અહીં મારે કુહેલી સેનને પ્રશ્ન કરવાનો હતો — એતો દિન કોથાય છિલેન? પણ ત્યાં તો એ સખીઓ સાથે કુહેલિકા બની ભળી ગઈ હતી છાત્રાઓના વૃન્દમાં. કુહેલી એટલે ધુમ્મસ — નહીં?

મંચ પર નૃત્ય સાથે ગવાતા ગાનના શબ્દો વહેતા હતા :

આજિ વસંત જાગ્રત દ્વારે
તવ અવગુંઠિત કુંઠિત જીવને
કોરો ન વિડમ્બિત તારે…

વસંત દરવાજે આવી ઊભો છે, તો અવગુંઠિત કુંઠિત જીવનમાં એને પાછો ન કાઢ. આજે હૃદયની પાંખડીઓને ખૂલવા દે…

એક ગાન પૂરું થાય એટલે નર્તકોનું બીજું દલ આવે, ગાયકોનું બીજું દલ ગાન ગાય — અને એ રીતે અનેક છાત્રછાત્રાઓ સૂરનૃત્યને તાલે તાલે સૌને આંદોલિત કરતાં જાય.

ત્યાં પેલું જાણીતું ગીત શરૂ થયું. મંચ ઉપર એક બાજુથી નૃત્ય કરતી કન્યાઓ પ્રવેશી, બીજી બાજુથી કુમારો: કેસૂડાંની માળાઓ ઝૂમતી હોય.

ઓરે ભાઈ,
ફાગુન લેગે છે બને બને
ડાલ ડાલે ફૂલે ફૂલે
પાતાય પાતાય રે…

અરે ભાઈ! વનેવનમાં ફાગણ લાગી ગયો છે, ડાળે ડાળે, ફૂલે ફૂલે, પાંદડે પાંદડે. પછી પેલી પંક્તિ આવતાં કે ‘બાતાસ છુટિછે વનમય રે ફૂલેર ના જાને પરિચય રે…’ — તો જાણે સૌ સાથે ગાતાં ગાતાં ઝૂમવા લાગ્યાં. મને થયું — ઓરે ભાઈ ફાગુન લેગે છે મને મને… અહીં જે ઉપસ્થિત છે, સૌને ફાગણ લાગી ગયો છે. થયું, ગુરુદેવ છે, આજે પણ છે અને સૌના હૃદયમાં વસંત લાવે છે. ગીતો ચાલતાં ગયાં. પછી ત્યાં શરૂ થયું ગાન —

રાંગિયે દિયા જાઓ
જાઓ જાઓ ગો એવાર
જાબાર આગે રાંગિયે દિયે જાઓ
[—રંગતા જાઓ, રંગતા જાઓ,
અરે આ વેળા જતા પહેલાં
રંગતા જાઓ…]

મેદનીમાં સળવળાટ શરૂ થયો. ગીત પૂરું થયું ન થયું ત્યાં તો રંગમંચ પર જ નહીં, બેઠેલા હજારો પ્રેક્ષકો વચ્ચે એકદમ અબીર-ગુલાલ ઊડવા લાગ્યાં. જોતજોતામાં સૌ રંગાઈ રહ્યાં. હું હજી આ દૃશ્ય જોઈ હર્ષ અનુભવું તે પહેલાં તો પાછળથી આવી કૈલાસે અને બીજા મિત્રોએ મને રંગી દીધો હતો. રંગ રંગ રંગ — વાસંતી રંગ આખા ગૌર પ્રાંગણમાં, આમ્રવનમાં, બકુલવીથિમાં અને શાલવીથિમાં.. સૌ એકબીજાને રંગી રહ્યાં હતાં, માત્ર ગુલાલ અને રંગબેરંગી અબીલ, ફાગણ લાગી ગયો હતો. પ્રત્યેક મનમાં પ્રત્યેક દેહ પર. કુલપતિ પણ બાકી નહીં. હું જૂના મિત્ર અને કુલપતિ અશીન દાસગુપ્તને નમસ્કાર કરવા ગયો. વાસંતી નમસ્કાર તો ગુલાલથી જ કરું ને? ઉમાદીને પણ ગુલાલનું તિલક કર્યું.

મંચ પર કેટલાં કેસૂડાં વેરાયાં હતાં! કેસૂડાંની એક છિન્ન માળા પડી હતી. મેં નીચા નમી એ કેસૂડાંની માળા ઊંચકી લીધી. થોડા સમય પહેલાં તો કોઈ કન્યાની છાતીએ એ ઝૂલતી હશે.

પછી તો જોયું, કોઈ આંબાની નીચે ઢોલક બજે છે અને ગીત સાથે એક મંડળી નાચે છે, કોઈ બકુલ નીચે બીજી મંડળી. અહીં જોનાર સૌ પણ સાથે ગાય અને તાલ આપે. કલાભવનમાં તો ઠેર ઠેર જામી પડી છે મંડળીઓ. અકુંઠભાવે નાચતી નાચતી કન્યાઓની રંગરંગીન દેહવલ્લરીઓ, તાલ આપતા કિશોરો-કુમારો-તરુણોના રંગરંગીન ચહેરા. આ બધાંમાં કુહેલી સેન ક્યાં હશે?

(શાલભંજિકા)

License

તેષાં દિક્ષુ Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.

Share This Book