ચેત: સમુત્કંઠને

ચેત સમુત્કંઠતે — ચિત્ત ઉત્કંઠિત થાય છે. કાવ્યશાસ્ત્રના ગ્રંથોમાં પ્રસિદ્ધિ પામેલા એક શ્લોકનો આ વાક્યખંડ ગ્રીષ્મના આ તપ્ત દિવસોમાં મનમાં આવીને અટકી જાય છે, એટલું જ નથી, એ ઉદ્દગાર બની કંઠેથી પ્રકટ થઈ જાય છે — ’ચેત સમુત્કંઠતે, ચેત: સમુત્કંઠતે.’

શ્લોકના જે છેલ્લા ચરણનો આ વાક્યખંડ છે, તે આખું ચરણ તો આમ છે : ‘રેવારોધસિ વેતસી તરુતલે ચેત: સમુત્કંઠતે.’ એટલે કે, રેવા કહેતાં નર્મદા નદીના કાંઠા પર વેતસીના ઝાડ હેઠળ પ્રેમ કરવા ચિત્ત ઉત્કંઠિત થાય છે.

શીલા ભટ્ટારિકા નામની કવયિત્રીનો રચેલો આ શ્લોક છે. હવે વાત નીકળી છે, તો આખા શ્લોકની વાત કરી લઉં. શૃંગારબોધનો આ શ્લોક એક કવયિત્રીની ગાઢ અનુભૂતિનો મર્મસ્પર્શી ઉદ્ગાર છે. સમૃદ્ધ સંસ્કૃત કવિતામાં પણ આવી અંગત પ્રણય-અનુભૂતિની અભિવ્યક્તિ તો વિરલ જ — તેમાંય એક કવયિત્રીની કવિતામાં.

ઘણી વાર બધું એનું એ હોય, અને છતાં કોઈ એક પૂર્વાનુભૂત સ્પંદનનો અભાવ ખટકી ઊઠે અને એ સ્પંદનના પુનરાનુભવ માટે વ્યાકુળ બની જવાય. કેવા અકુંઠભાવે નરી નિખાલસતાથી આ કવયિત્રી કહે છે:

ય: કૌમારહર: વર: સ: એવ હિ વરસ્તા એવ ચૈત્રક્ષપા,
સ્તે ચોન્મીલિતમાલતી સુરભયો: પ્રૌઢા કદમ્બાનિલા:
સા ચૈવાસ્મિ તથાપિ તત્ર સૂરત વ્યાપાર લીલાવિધૌ
રેવારોધસિ વેતસીતરુતલે ચેત: સમુત્કંઠતે…||

જે મારા કૌમાર્યનો ભંગ કરનાર હતો એ જ વર છે.

એની એ જ ચૈત્રની રાત્રિઓ છે.

ખીલેલાં માલતીનાં ફૂલથી સુવાસિત થયેલા એ જ કદંબના પ્રૌઢ

વાયરા છે.

હું પણ એની એ છું. તેમ છતાં રેવાના — નર્મદાના કાંઠા પર વેતસીના

ઝાડ હેઠળ પ્રેમવ્યાપારની લીલાવિધિ માટે ચિત્ત ઉત્કંઠિત થાય છે.

સ્થૂલ શૃંગારની કવિતાઓનો સંસ્કૃતમાં અભાવ નથી; બલ્કે અતિરેક છે એમ કોઈ શૂચિવાયુગ્રસ્ત કદાચ અપવાદ પણ મૂકે. તેમ છતાં એ બધી કવિતાઓ લગભગ બિનઅંગત છે — ઇમ્પર્સનલ છે. અંગત ઊર્મિઓ જે લિરિક કવિતાનો — ઊર્મિકવિતાનો પ્રાણ કહેવાય, તે બહુ ઓછી આ સંસ્કૃત કવિતામાં અભિવ્યક્ત થતી જોવા મળે છે. એ શૃંગારની કવિતાઓ છે, પણ એને શું આપણે પ્રેમકવિતાઓ કહી શકીશું? પાશ્ચાત્ય સાહિત્યમાં ઈસા પૂર્વેથી પ્રેમકવિતાની પરંપરા જોવા મળે છે. ગ્રીક કવયિત્રી સાફોનું તરત સ્મરણ થાય. અંગત અનુભૂતિ પ્રેમકવિતાનું પ્રધાન લક્ષણ.

પરંતુ સંસ્કૃત કવિતાની પરંપરા જરા જુદી છે. એમાં કવિ કે કવયિત્રીના ‘હું’ને ઝટ શોધી શકાય એમ નથી. એટલે ક્યારેક પિંગળાને અનુલક્ષીને ભર્તૃહરિનો ‘યાં ચિન્તયામિ સતતં મયિ સા વિરકતા’ જેવો શ્લોક વાંચીએ કે ‘ચૌરપંચાશિકા’ના કવિ બિલ્હણના રાજકુમારી શશિકલાને અનુલક્ષીને ‘અદ્યાપિ તામ્’થી શરૂ થતા અંગત પ્રેમાનુભવના પચાસ પચાસ વસંતતિલકાઓ વાંચીએ ત્યારે નવાઈ સાથે આનંદ થાય.

શીલા ભટ્ટારિકાનો આ શ્લોક પણ પરમ આશ્ચર્ય જન્માવે છે. પ્રણય-અનુભૂતિની આટલી સૂક્ષ્મ છતાં પ્રગલ્ભ રીતે કરાયેલી અભિવ્યક્તિથી એ વિશ્વની શ્રેષ્ઠ પ્રેમકવિતાઓમાં સ્થાન પામવાને અધિકારી છે. નારી આમેય અંગત વાત કહેવામાં સંકોચશીલ, તેમાંય આવી શૃંગારની, દેહની ભાષાની વાત. સૂરતવ્યાપારલીલા શબ્દો જ એણે પ્રયોજી દીધા — એકદમ બિન્ધાસ્ત.

પણ એટલી જ વાત હોત તો કદાચ એ સ્થૂલ જ હોત. અહીં વાત જરા ઝીણી છે, એક અતિ સૂક્ષ્મ sensibilityની છે. એ કહે છે બધું જ બધું છે — કૌમાર્યભંગ કરનાર એ જ વર છે, એ જ ચૈત્રની રાત્રિઓ છે, એ જ પવનો છે, પોતે પણ એની એ છે, પછી? પછી શું? એ કોઈ પણ સ્થળે નિભૃતમાં પ્રેમ કરી શકે છે. પણ ના. કવયિત્રીનું ચિત્ત તો રેવાને કિનારે વેતસની ઝાડીમાં છુપાઈ પ્રેમ કરવા ઉત્કંઠિત થઈ ગયું છે. બધું જ બધું છે પણ રેવાકાંઠેનું વેતસીનું ઝાડ ક્યાં છે?

આશ્ચર્યની વાત છે કે ચૈતન્ય મહાપ્રભુ આ શ્લોક સાંભળી રસની મહાભાવ સમાધિમાં આવી જતા! એમને માટે તો આ મધુરાભક્તિનો શ્લોક છે—પરકીયા ભાવનો—રાધાભાવનો.

કવયિત્રીનો વર ભલે એનો એ હોય, પણ રેવા તટની એ લીલા લગ્નપૂર્વેની કૌમાર્યાવસ્થામાં કરેલી છે — એ વખતે એ ‘પારકી’ જ કહેવાય. એટલે કદાચ શીલા ભટ્ટારિકાને રેવાને કાંઠે વેતસીની ઝાડીમાં કરેલા એ પ્રેમની એવી માયા રહી ગઈ છે કે બસ એની ઝંખના છે, એ માટે ચેત: સમુત્કંઠતે. કેટલી નાજુક દૃષ્ટિવાળી આ સંવેદના છે! (પણ ક્યાં ઘનઘોર શૃંગાર અને ક્યાં મહાભાવ ભક્તિ).

રેવાનો એ કયો કિનારો હતો શીલા ભટ્ટારિકા? અમને પણ ઘણા નર્મદાકિનારા પ્રિય છે, અને ત્યાં જવા તમારી જેમ ઉત્સુક છીએ. પણ કારણ તો સાવ જુદું. શૃંગાર પણ નહીં અને ભક્તિ પણ નહીં.

એ કારણ એટલે અમદાવાદની પ્રચંડ ગરમી. આ ગરમીમાં રેવાના તટનું સ્મરણ થયું છે. એનાં જળ ઝીલવાનું મન થયું છે. શીલા ભટ્ટારિકાની જેમ હું કહી શકું એમ નથી કે બધું એનું એ છે અને હું પણ એનો એ છું; પણ એટલું તો કહીશ કે મારું મન અત્યારે તો મહેશ્વરના નર્મદાકાંઠે પહોંચી ત્યાંથી થોડે દૂર આવેલી સહસ્રધારાના જળમાં ડોકિયું કરી બહાર નીકળેલા શ્યામ શિલાઓના ખડકો પર બેસી સ્નાન કરવા ઉત્કંઠિત બની ગયું છે — સમુત્કંઠતે.

મહેશ્વરના નર્મદાકાંઠે અચાનક પહોંચી જવાયું. માંડવગઢમાં રૂપમતી અને બાજબહાદુરની છત્રીઓ જોતાં જોતાં ગાઇડે કહ્યું કે, વહાં સે રૂપમતી નર્મદા કે દર્શન કિયા કરતી થી. અમે ગાઇડને પૂછ્યું, ‘શું અહીંથી નર્મદા દેખાય છે?’ એણે અમને ગઢ નીચે પથરાયેલા નિમાડના સમતલની પાર જોવા કહ્યું. વહાં જો પતલી લકીર દિખાઈ પડતી હૈ, વો હી નર્મદા હૈ. પણ અમને લકીર ન જ દેખાઈ. પણ પછી નર્મદાનાં દર્શન માટે મન વ્યાકુળ બની ગયું. માંડવગઢથી ઉજ્જૈન જવું હતું, મનથી પહોંચી ગયા, ‘રેવારોધસિ’ — રેવાને તટે.

બે દિવસ માંડવગઢ રહ્યા પછી એક સાંજે કાર્યક્રમ વિચારતાં હતાં ત્યાં એક નાનકડી હોટેલના બાંકડા પર એક સજ્જને અમને મદદ કરી. તરત એમણે માંડવગઢથી ઓંકારેશ્વર કે મહેશ્વર જવાનો નકશો દોરી આપ્યો. ત્યાં લઈ જતી બસોનાં ટાઇમટેબલ બોલી ગયા. માંડુથી ધામ્નોદ. ત્યાંથી બીજી બસ પકડી મહેશ્વર જવાશે. ઓંકારેશ્વર જરા દૂર પડી જાય.

સાચ્ચે જ ઉજ્જૈનને બદલે મહેશ્વર. વહેલી સવારની બસ પકડી ધામ્નોદ ઊતરી ગયાં. ઘણી પ્રતીક્ષા એ નાના ગામના હાઈ-વે બસસ્ટૉપ પર કર્યા પછી અમને મહેશ્વરની બસ મળી ગઈ.

મહેશ્વર સાથે રાણી અહલ્યાબાઈ હોલકરનું નામ જોડાયેલું છે. મહેશ્વર એમની રાજધાની. અત્યંત પ્રાચીન નગરી છે. પુરાણોમાં એનું નામ માહિષ્મતી હૈહયવંશના રાજા કાર્તિવીર્યની એ રાજધાની. માહિષ્મતી બોલતાં જ જાણે ભારતના ભવ્ય ભૂતકાળનાં વરસોમાં પહોંચી જવાય — જાણે એ યુગમાં આપણે પણ થઈ ગયા હોઈએ અને જન્મજન્માંતરોને પાર કરી એ વેળાની સ્મૃતિ આપણને પર્યુત્સુક બનાવી દે.

અમારે તો જલદી જલદી નર્મદાતટે પહોંચી જવું હતું. ધર્મશાળામાં જઈ એક લૉકર ભાડે રાખી તેમાં સામાન મૂકી હળવા બની નર્મદાના ઘાટ પર પહોંચી ગયા. સ્તબ્ધ.

આટલી ભરપૂર — બે કાંઠે વહેતી ધીરગંભીર નર્મદાને જોઈ નહોતી. દશાશ્વમેઘ ઘાટ પરથી ગંગા પણ આટલી વિપુલસલિલા નહોતી લાગી. એટલાં ગંભીર વારિ કે નદી વહે છે કે નહીં, તેની પણ ખબર ન પડે. ઘાટ પર લોકો સ્નાન કરતાં હતાં, પાણીમાં તરતાં હતાં. મને પણ નર્મદા મૈયાના ઉછંગમાં કૂદી પડવાની ઇચ્છા થઈ આવી. પણ અજ્ઞાત ડર લાગ્યો.

નર્મદાને કાંઠે મંદિરો છે, અહલ્યાબાઈ હોલકરનો રાજમહેલ અને રાજગાદી છે, પણ એ બધું પછી જોઈશું. પહેલાં તો નર્મદાના પ્રવાહમાં વહેતા થવું રહ્યું. અમે એક હોડી કરી લીધી. થોડું નાસ્તા-પાણીનું પણ લઈ લીધું. હોડીવાળા સાથે અમારી શરત એટલી હતી કે અમે કહીએ ત્યાં ઊભી રાખે અને સાંજ પડે તોય ઉતાવળ ન કરે.

અમે માત્ર ચાર જણ હતાં. નર્મદાનું જળ માથે ચઢાવી હોડીમાં બેસી ગયાં. વિપુલ જલઓઘ પર હોડી સરવા લાગી. ઘાટથી દૂર જતાં જ ઘાટ અને ઘાટ પરનાં મંદિરોની શોભા મનમાં વસવા લાગી. જાણે કે શતાબ્દીઓથી, દ્વાપર, ત્રેતા, સત્યયુગના કાળથી આ નદી અહીં ભારતની કટિમેખલા બની વહી રહી છે. કેટલાં રાજ્યો ઉદય પામી, અસ્ત પામી ગયાં હશે ‘વિંધ્યપાદે વિશીર્ણા’ આ રેવાકાંઠે!

પ્રવાહમાં વહેતા થયા પછી લાગ્યું કે આ બંને કાંઠા કેટકેટલા તો દૂર છે! મહેશ્વરથી થોડે દૂર સહસ્ત્રધારા છે, ત્યાં નર્મદા સાચે જ રેવા બને છે. રેવા એટલે ‘ય:: રેવતિ’ — જે કૂદકા મારતી જાય છે. સહસ્ત્રધારા આગળ નર્મદાનો પ્રવાહ સેંકડો ધારામાં વિભક્ત થઈ ખડકો પરથી પડે છે, અને પછી ફરી એક ધારા બની વહેવા લાગે છે.

નર્મદાને ઉભયતટપાવની કહે છે. એને બંને કિનારે તીર્થો છે. મહેશ્વર આગળ એક તટે તો નગર અને એનો ગઢ છે, પણ પછી બીજે તટે કાળી શિલાઓ પથરાયેલી છે. લાંબે સુધીની કાળી ચટ્ટાનોમાં વેતસીનાં ઝાડ તો ક્યાંથી હોય? તેમાં વળી તડકો. વ્યાપી ગયો હતો. ઊંચીનીચી શિલાઓ તગતગતી હતી, પણ અમે તો પ્રવાહમાં હતાં. મહેશ્વરના ઘાટ દૂર થતા ગયા. પ્રવાહ વચ્ચે ઊભેલું એક મંદિર પણ ઝાંખું થતું ગયું. મધુ, અનિલાબહેન અને રૂપા હાથ લંબાવી નર્મદાનાં જળ ઉછાળતાં જલોન્મત્ત બનતાં જતાં હતાં.

સહસ્ત્રધારાનો વિસ્તાર નજીક આવ્યો. જે પાણી મહેશ્વર આગળ સ્થિર લાગતાં હતાં, તે અહીં વિજને વેગથી વહેતાં હતાં, શિલાઓ સાથે અફળાતાં હતાં અને ફીણ ફીણ થઈ જઈ વળી પાછાં પાણી બની જતાં. એનો કલનિનાદ પણ સંભળાવા લાગ્યો. કાલિદાસે રેવાને આપેલું વિશેષણ ‘ઉપલ વિષમા’ — પથ્થરોને લીધે વિષમ બની વહેતી — અહીં સાર્થક થતું હતું.

નૌકાવાળાએ કહ્યું, અત્યારે તો પાણી જ એટલું બધું છે કે જ્યાદા ધોધવા બનતા નથી — બધા ખડકો પર થઈ પાણી વહે છે. ઉનાળામાં પાણી ઓછું થાય એટલે પાણી નીચેના ખડકો પરથી ધોધ બની પ્રવાહ હજાર ધારાઓમાં વહેંચાઈ જાય છે. સહસ્ત્રધારાના ખડકો આગળ પ્રવાહ જે પશ્ચિમ તરફ વહે છે, તે ખડકો પરથી દક્ષિણ તરફ પડી પછી વળી પશ્ચિમ તરફ વહે છે એમ લાગ્યું. અદ્ભુત દૃશ્ય. ચારે તરફ જાણે કોઈ નથી. નર્મદાના ઉછંગમાં અમારી હોડી માત્ર છે.

ત્યાં સામે કાંઠે હોડી ઊભી રખાવી. સ્નાન-ભોજનની સામગ્રી લઈ અમે કાળી શિલાઓ પર પગે ચાલતાં આગળ વધ્યાં. નદીનો કલકલ અવાજ અનેક નાના ધોધના અવાજરૂપ બની ગયો. ઉપર ભૂરું આકાશ, નીચે સ્વચ્છ નર્મદાનું જળ. અહીં કાંઠે બહુ પાણી નથી. નીચે ખડકો-પથ્થરો જોઈ શકાય. એટલા બધા પથ્થરો પ્રવાહ વચ્ચે છે કે પથ્થરો પર પગ મૂકતાં પ્રવાહ વચ્ચે પહોંચી શકાય. અહીં પ્રવાહનાં પાણી પણ છીછરાં હતાં. કાંઠેથી થોડે દૂર પ્રવાહમાં સ્થિત શિલાઓ વચ્ચે એક નાનકડા કુંડ જેવું બની ગયું હતું. અલબત્ત, એમાં થઈને પણ પાણી તો વહી જતાં હતાં. અહીં નહાવાનું સલામતીભર્યું હતું. છાતી સમાણાં પાણી હતાં, ક્યાંક કમર સમાણાં. ધારો તો શિલા પર બેસી પગ વહેતા પાણીમાં રાખી બેસી પણ રહી શકો. અમે વહેતાં પાણીથી ઘેરાયેલી આવી એક પહોળી સુરક્ષિત શિલા નહાવા પસંદ કરી લીધી.

તડકો કઠોર થયો હતો, શિલા પણ તપ્ત હતી, પરંતુ આ શીતલ જલ! એમાં ડૂબકી મારતાં જ સમગ્ર દેહના રંધ્રેરંધ્રમાં શીતલતા પ્રસારી રહ્યાં. શો આનંદ! આ બાજુ કલકલ-છલછલ ધોધવા પડી પાણી નાચતાં-કૂદતાં વહી જાય, અને આ પ્રસન્ન જલસ્નાન. નર્મદામૈયાના ઉછંગમાંથી ઊઠવાનું મન જ ન થાય.

બીજી એક શિલા પર પાણી છાંટી ઠંડી કરી, તેના પર બેસી નાસ્તો કર્યો. ઉપર નર્મદાનાં જળ પીધાં. પછી બેઠાં બેઠાં નર્મદાની જળલીલા જોયા કરી.

સાંજ ઢળે પાછાં વળતાં હોડી દક્ષિણ કાંઠે કાંઠે સામા ધીરે ધીરે પ્રવાહ સરવા લાગી. અહીંથી ઘાટ, ઘાટનાં મંદિર, પેલા પ્રવાહ મધ્ય ઊભેલું મંદિર… એ બધી દૃશ્યાવલીનો પરિપ્રેક્ષ્ય બદલાઈ જતો હતો.

ત્યાં અમે જોયું, કાંઠાના ધીમા પ્રવાહમાં ઈષત્ ફૂલેલો એક ગૌર નગ્ન નારીદેહ તણાતો જાય. નર્મદામૈયા, તેં આ પણ બતાવ્યું! અમારા સૌના મોંએ અરેરાટી નીકળી ગઈ, પણ હોડીવાળાએ તો દાર્શનિકભાવે કહ્યું, આવા તો અનેક શબ તરતાં જાય છે.

ધીરે ધીરે નૌકા ધારા વીંધી મહેશ્વરના ઘાટ ભણી ચાલી. એ જ સ્થિર ગતિગંભીર નદી. ઘાટ પર અમે ઊતર્યો. ભરપૂર પ્રસન્ન થયેલા ચિત્તમાં એક છાયા જરૂર પડી ગઈ.

પણ આજે તો આ ઉત્તપ્ત દિવસોમાં નર્મદાની વાત નીકળતાં એને તટે જવા, એના શીતલ શીતલ જળ ઝીલવા ચિત્ત અતિ ઉત્કંઠિત થયું છે. હું મોટેથી શીલા ભટ્ટારિકાના પેલા શ્લોકનું છેલ્લું ચરણ ગુંજું છું :

રેવારોધસિ વેતસીતરુતલે
ચેત: સમુત્કંઠતે.

(શાલભંજિકા)

License

તેષાં દિક્ષુ Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.

Share This Book