હું નિમાઈ

અમારી પ્રોફેસર્સ કૉલોની આમ તો યુનિવર્સિટી વિસ્તારને અડીને જ છે, પણ યુનિવર્સિટી વિસ્તારમાં વિવિધ વૃક્ષોથી જાણે કે એક ઉપવન જેવું રચાયું છે, તેવું અહીં નથી. બાજુના એક સ્વતંત્ર બંગલામાં પાછાં ઘણાં વૃક્ષો અને પુષ્પો દેખાય છે. પરંતુ ફ્લેટ્સની કૉલોની હોય ત્યારે એ લગભગ વૃક્ષો વિનાની હોય છે. કોણ વાવે? કોણ ઉછેરે?

અમે આ કૉલોનીમાં રહેવા આવ્યાં ત્યારે ઘરની પાછળ એક ઊંચી વાડ હતી. મૂળે આ બધાં ખેતર. જરા દૂર એક છાત્રાલય, તે તેને છેડે લીમડાઓની હાર.

જે વૃક્ષ સાથે મારો નાનપણથી સંબંધ છે, તે લીમડો. એટલે જ્યાં અને જ્યારે લીમડાને જોઉં ત્યારે એવું લાગે કે પિતૃગૃહનો કોઈ સંબંધી મળ્યો. મારા ગામની ભાગોળના લીમડા અને મારા ખેતરને શેઢેના લીમડા એટલે માત્ર જાતિવાચક નામ નહીં, સંજ્ઞાવાચક નામ. દરેકની આગવી ઓળખ. બીજાં ઝાડ પાડવામાં થોડી હિચકિચાહટ થાય એટલું, પણ લીમડો પાડવામાં તો પાપ જ થાય એવી વાત હજું જાણે હું માનું.

લીમડા સાથે અનેક વિશ્રંભાલાપો થતા. અમુક લીમડામાં અમુક આરામથી બેસવાની ડાળીઓ. હા, પણ ખેતરે જતાં આંબા તળાવની ઝાંઝરીના સ્મશાન પ્રાન્તરે એક વિશાળકાય લીમડાને એક જબરદસ્ત મોટી ગાંઠ, તેનાથી નજરને દૂર રાખીએ. એ ગાંઠ એટલે એ લીમડામાં મારાં એક વિલીન થઈ ગયેલાં ફોઈ. ઘણાં વર્ષો સુધી એવું માન્યું. એ કેવી રીતે વિલીન થઈ ગયેલાં એની વાત મારી બહેન કહેતી.

કહેવાય આંબલીપીપળી, પણ અમે રમતા એ અમારા એક માનીતા લીમડાના આશ્રયે. એની ડાળીઓ વડની જેમ છેક નીચે સુધી, અને એનું થડ વધારે ઊંચું થાય એ પહેલાં શાખાપ્રશાખાઓમાં વહેંચાઈ ગયેલું.

કડીની આશ્રમશાળામાં તો લીમડાઓ સાથે અમે રહેતા. એ પણ પાટીદાર આશ્રમના હકદાર નિવાસીઓ. આજુબાજુના પંથકના કાકકૂલનું રાત્રિનું નિવાસસ્થાન. એમને લીધે સાંજો ભરીભરી લાગતી. એ લીમડાનાં વૃક્ષો વચ્ચેથી પસાર થતા પવનના સુસવાટા વરસાદના દિવસોમાં અજાયબ વ્યાકુળતા ઉપજાવતા.

પણ અમદાવાદમાં જ્યાં રહેવાનું આવ્યું. ત્યાં લીમડાનું સખ્ય મળ્યું નહીં એટલે અણોસરું લાગ્યા કરે. કૉલોનીમાં રહેવા આવ્યા પછી કૉલોનીના ઓપન પ્લૉટમાં થોડાંક વૃક્ષો વાવ્યાં, પણ ઊછર્યા નહીં. એક આસોપાલવ માત્ર બચી ગયો, ઊંચો થયો.

આ આસોપાલવ આખા કંપાઉન્ડમાં એકલો. એ ધીમે ધીમે વધતો ગયો. છાયાદાર થતો ગયો. પણ હંમેશાં મને લાગે કે એકાકી ઝૂરે છે. ઝૂરતાં ઝૂરતાં વિલાઈ ન જાય એટલે હું નિયમિત પાણી પાતો. પરંતુ બચપણમાં જેમ લીમડાને કંપની આપી શકતો, તેમ આસોપાલવને કંપની આપી શકતો નહોતો. ફ્લેટમાં હું વચ્ચેના માળે. નીચે રહેતો હોત તો એની નીચે જઈ બેસત, ક્યારેક કવિતા સંભળાવત.

નિ:સંગ મનુષ્યની આપણે વાત કરીએ છીએ, એની એકલતાની વ્યથાના વિચારથી ઉદ્વિગ્ન થઈએ છીએ, કેમકે એક મનુષ્ય તરીકે આપણને ક્યારેક આવી નિ:સંગતાનો અનુભવ થતો રહે છે, માનવોની ભીડ વચ્ચે પણ. પરંતુ વૃક્ષની નિ:સંગતા. એને કૈં નહીં થતું હોય? મારી આવી ચિંતા વચ્ચે પણ આસોપાલવ વધતો રહ્યો.

ત્યાં બાજુના એક ટેનામેન્ટમાં લીમડો વવાયો, અને એ જોતજોતામાં વધતો ચાલ્યો. દિવસે ના વધે એટલો રાતે વધતો ગયો, અને જેમ એ ઊંચો તેમ આડો પણ ફાલતો ગયો. લીમડા સાથે, ભલે એ પાડોશીના કંપાઉન્ડમાં હતો, મારી ચૂપચાપ મૈત્રી થતી રહી. મને એ વાતનો વિશેષ આનંદ હતો કે આસોપાલવને પણ જાણે એક સાથ મળ્યો.

પહેલાં બન્ને વચ્ચે થોડું અંતર હતું, પણ જાણે પરસ્પરને ભેટવાનું નક્કી કર્યું હોય તેમ બન્ને એકબીજા તરફ વધવા લાગ્યા. એકબીજા ભણી શાખાહસ્ત લંબાવવા લાગ્યા. હું એ નિત્ય જોતો. મને કુતૂહલ હતું કે આ બન્ને મળે છે કે નહીં?

પ્રજારામ રાવળનું એક કાવ્ય છે. વૃક્ષ વિશેનું જ કાવ્ય છે. વૃક્ષ ઊભું છે, ધરતીમાં મૂળ નાખી, છાયા પાથરી. એ જુએ છે કે જરા દૂર જાનવર ફરે છે, ચરે છે. વૃક્ષને થાય છે કે જો : ‘હુંય ચાલી શકું ય તે!’

અને વીતી યુગો જતા.

વૃક્ષ એ ચેતનાની આદિમ અવસ્થા છે શું? ખબર નથી. પણ ચૈતન્યસંવૃત્ત તો એ છે. એટલે એ હવામાનથી પ્રભાવિત થાય છે. પાનખર આવતાં પર્ણો ખંખેરે છે, વસંત આવતાં નવાં પર્ણો ધારણ કરે છે. પાણીનો શોષ થતાં ક્ષીણ થવા લાગે છે. પાણી મળતાં પુષ્ટ થવા લાગે છે. એ વૃદ્ધિ પામે છે, ક્ષય પણ પામે છે. પણ વૃક્ષને સંવેદન, મનુષ્યના જેવું કંઈક અંશમાં, પણ સંવેદન જેવું હશે.

પંખીઓ આવીને જ્યારે એની ડાળીઓમાં કલકૂજન કરતાં હશે, માળા બાંધતાં હશે, ઈંડાં મૂકતાં હશે ત્યારે એની ચેતનામાં રણઝણાટ થતો હશે? ન જાને. પણ પંખીઓ વિનાનું વૃક્ષ એની કલ્પના તો થઈ શકતી નથી.

અમારી કૉલોનીની પાછળ જ્યાં સુધી ઊંચી વાડી હતી. ત્યાં સુધી ઘણાં પંખીઓ આવતાં. ‘શ્રીપ્, શ્રીપ્રભુ’ કે ‘વેટ્ વેટેએ બીટ’નો શ્રોત્રપેય મૃદુ ટહુકાર કરતું બુલબુલ,

પીળી કરેણનાં ફૂલોમાં પોતાની કાળી કાયાનો કોન્ટ્રાસ્ટ રચી ખીલેલા ફૂલના પ્યાલામાં હળવેથી ચાંચ લંબાવી મધુ પીતી ફૂલચૂહી, પીળક અને કેટલાંક બીજાં ‘અચેના પાખી.’ એક વાર તો ચોમાસામાં વાની મારી કોયલ અમારી પાછલી બાલ્કનીમાં આવી પડેલી. વાડો કપાઈ ગઈ એની સાથે બોરડી એક હતી, તે કપાઈ ગઈ. કંપાઉન્ડ વૉલ બની ગઈ. પંખીઓ ઓછાં થયાં, હા, ‘ગૃહબલિભુજ્’ કાગડા અને છજ્જામાં રાત વિતાવતાં પારાવતો તો હોય. પરંતુ જ્યારથી આસોપાલવ અને લીમડા વચ્ચે વધવાની સ્પર્ધા થવા લાગી છે, ત્યારથી કેટલાં બધાં પંખીઓ આવવા લાગ્યાં છે! આસોપાલવ સાંજ પડે ચકલીઓના ચીંચીં અવાજથી ગુંજનમય બને છે. રાતમાં ઘણી ચકલીઓ તેની ઘટામાં રહે છે અને એક કોકિલ પણ અવારનવાર દેખાય છે. ક્યારેક પોપટાઓનું ઝૂંડ ઊતરી આવે છે અને ટાંકી ભરાઈ જતાં છલકાતી નળીમાં ચાંચ ધરી કર્ણકટુ અવાજ સાથે પાણી પીતા હોય છે.

મેં અહીં ‘સ્પર્ધા’ શબ્દનો ઉપયોગ કર્યો છે, પણ લાગે છે કે તે બરાબર નથી. કદાચ બન્ને વચ્ચે કશી સ્પર્ધા નથી. પણ પોતપોતાના એકાકીપણાને નિ:સંગતાને ઓગાળી દેવાની આ મથામણ છે. બન્ને એકબીજાની સંગત કરે છે એમ કહેવું વધારે ઉચિત છે.

આસોપાલવ વયમાં મોટો હોવા છતાં, લીમડો એનાથી વધી જતો લાગ્યો. ટેનામેન્ટના કંપાઉન્ડને ઓળંગી તે બાજુના ફ્લેટની બાલ્કનીમાં ડોકિયું કરતો થઈ ગયો હતો. આસોપાલવ પણ હવે ઊંચો વધી મારા પ્રથમ માળના ફ્લેટની બાલ્કનીમાં દેખાવા લાગ્યો હતો. પછી તો જોઉં છું કે એ ઘણો વધી ગયો છે અને બેઠકખંડમાંથી પશ્ચિમાકાશમાં નજર કરતાં લીલો પરદો બની લહેરાવા લાગ્યો હતો.

ચોમાસાના પવનોમાં બન્ને એવા ઝૂમવા લાગ્યા કે જાણે હમણાં અડી જશે એકબીજાને. પણ હજી અંતર વધારે રહેતું. હારી થાકી પછી બન્ને વરસાદની ધારાને ચૂપચાપ ઝીલ્યા કરતા.

આ બન્નેનું સાથે હોવું મને ગમતું. આસોપાલવ એકલો હતો, ત્યારે એનો મુઝારો હું અનુભવતો. હવે બન્ને સાથે છે, તો તેમના સખ્યથી આનંદ અનુભવું છું. લીમડાને ચારે કોર ફાલતો જોઈ મને લાગ્યું કે હવે એને ઘરમાલિક ફસલી ન નાખે તો સારું. ફાગણ-ચૈત્ર આવતાં તો એની મંજરીઓની મહેકથી વાતાવરણ ભરાઈ ગયું. મંજરીનો રસ પીવા કંપાઉન્ડની દીવાલ પર ઊભા રહી કુમળાં પાંદડાં સાથે મંજરીઓ તોડવાના ઉપક્રમ થતા, પણ તેથી કદાચ લીમડો હરખાતો હશે. કોકિલ એનીય ઘટામાંથી બોલે. મારો પુત્ર વસંત રોજ એના બરાબર ચાળા પાડે અને એ પણ સમજી ગયો હોય તેમ ચૂપ થવાને બદલે પ્રતિસાદ આપે.

મંજરિત તો આસોપાલવ પણ થવા લાગ્યો. એની લીલાશ ધરતી મંજરીઓ વસંતનાં એનાં નવપર્ણો સાથે એવી તો સંગતિ સાધતી હતી કે ‘વાહ!’ બોલાઈ જાય. મંજરિત આસોપાલવની પ્રસન્નતા પણ મને અડકી જતી. વળી પેલી કોયલ તો તેની ઘટાદાર ડાળીઓમાં હોય જ.

વચ્ચે થોડા દિવસ બહાર જઈને આવ્યો તો જોઉં છું આ બન્ને મિત્રો એકબીજાને અડી ગયા હતા. પોતાના અનેક શાખાહસ્તોથી અભિવાદનની ચિરમુદ્રામાં લહેરાતા હતા. તેમના મિલનનો આ આનંદ હું પામી શકતો હતો.

ગામડાગામમાં અમારા ત્રણ ભાઈઓનાં મઝિયારાં ખેતર હતાં. ખેતર વહેંચાયાં હતાં, પણ ખેતરને શેઢે લીમડા હતા. તે હમણાં વહેંચ્યા. અમારા એક ખેતરને શેઢે બે વિશાળકાય લીમડા છે, તે મારા અને નાના ભાઈના ભાગમાં આવ્યા છે. આ એ જ લીમડા છે, જે ખેતરની થુવેરની વાડમાં ચૂપચાપ ઊગતા મેં જોયેલા. પછી મારી જેમ વૃદ્ધિ પામતા, કિશોર અવસ્થામાં એમને જોયેલા, પછી ક્યારેક જોતો, મોટા થતા જાય છે પણ આ વખતે જોયું તો ઘેઘૂર બની ગયા છે બન્ને.

ગામમાં નવું ઘર બાંધવાની વાત થતી હતી. નાનાભાઈએ કહ્યું કે એક લીમડો પાડીએ તોયે ઘરનાં બારીબારણાં વગેરે માટે જેટલાં લાકડાંની જરૂર પડે, એટલું બધું લાકડું મળી જાય.

એની આ વાત સાંભળતાં મારા પર જાણે કોઈએ છુટ્ટો કુહાડાનો ઘા કર્યો કે જોરથી ઊંડી કરવત ફેરવી. વ્યથા છુપાવતાં મેં સામો પ્રશ્ન કર્યો : ‘એમ? એટલું બધું લાકડું નીકળે?’

‘હા, ઉપરાંત ડાળી-પાંદડાંનું બળતણ મળે એ તો જુદું.’

એની વાત સાચી હતી. હવે ગામડાના માણસો વેચવા માટે નહીં, પણ પોતાના ઘર માટે લીમડો પાડવામાં પાપ સમજતા નથી. પરંતુ, મારી સામે પેલા વાડમાં હજી હમણાં ઊગીને બહાર આવેલા શિશુનીમથી આ પ્રચંડકાય નીમની જુદી જુદી છબીઓ પ્રકટી છે. ના, આ લાકડું નથી, આ તો નીમ છે, કલૈયાકુંવર છે.

ગામમાં નવું ઘર તો બંધાવવાનું છે, ઘરથાળની જમીન લઈ રાખી છે, પણ જાણે એ બાંધવાનો ઉત્સાહ ઓસરી ગયો. પેલું પવનમાં ઝૂમતું પ્રચંડ નીમ કપાઈ, ગાડામાં ભરાઈ, વેરાઈ મારા એ નવા ઘરનાં બારીબારણાં રૂપે જડાઈ જશે? અને પછી જે વરસોનું સાથી છે, તેવું બીજું નીમ એકાકી બની જશે? નિ:સંગ?

ના, એ લીમડાને નહીં પાડીએ. એ બન્ને નીમવૃક્ષો ભલે ત્યાં રહે. નીમ પ્રત્યેના મારા પ્રેમથી કોઈ મશ્કરીમાં મને ‘નિમાઈ’ કહેવું હોય તો કહે. આ નામધારી તો છે માત્ર ચૈતન્યદેવ-ગૌરાંગ મહાપ્રભુ. ચૈતન્ય લીમડા-નીમ નીચે જન્મ્યા હતા, એટલે નિમાઈ કહેવાયા. હજી એ લીમડો બતાવાય છે, ચૈતન્યની જન્મભૂમિ નદિયામાં. ત્યાં ગયેલો ત્યારે એ નીમને પ્રણામ કરીને એક નીમપર્ણ તોડી લાવ્યો છું ને જતનથી સાચવી રાખ્યું છે.

‘ચૈતન્ય મહાપ્રભુ’ જેવા ગૌરવશાળી નામ કરતાં લીમડા સાથે જોડાયેલું એમનું લાડકું નામ ‘નિમાઈ’ સૌ ચૈતન્ય અનુરાગીઓની જેમ મને વધારે ગમે છે. નીમ અને નિમાઈ. (‘કન્હાઈ’ સાથે એનો પ્રાસ પણ કેવી બેસી જાય છે!)

હા, હન્ત! થોડા દિવસ પર પાડોશીએ કૉલોનીના આ નીમવૃક્ષની આસોપાલવ બાજુની લાંબી થતી ડાળીઓને ફસલી નાખી છે.

તેમાં વળી હવે પાનખર બેસી છે. ઝૂલતો નીમ એકદમ ક્ષયમાં રિબાતા કૃષ્ણપક્ષના ચંદ્ર જેવો ક્ષીણવપુ છે. આસોપાલવ પણ કદાચ એથી ઉદાસ અને મ્લાન છે.

૨૫-૧૧-‘૯૧

(ચૈતર ચમકે ચાંદની)

License

તેષાં દિક્ષુ Copyright © by ભોળાભાઈ પટેલ. All Rights Reserved.

Share This Book