ચૈત્ર માસ શરૂ થયો છે. એક પ્રતીક્ષાનો ભાવ મનને બેચેન કરે છે. કોની પ્રતીક્ષા છે, શાની પ્રતીક્ષા છે, ખબર પડતી નથી પણ ખાલીપાના અનુભવથી મન હિજરાય છે. વસંતઋતુ કહેવાય. અલબત્ત, દક્ષિણનો પવન તો વહેતો નથી, પણ પવનમાં વાસંતી સ્પર્શ છે. પવનની સાથે હજી વૃક્ષો પરથી ખરખર કરતાં પાંદડાં ખર્ચે જાય છે. ક્યાંક નવી કૂંપળો ફૂટે છે, પણ ક્યાંક પાનખરમાં નગ્ન બનેલાં તરુવરો સતત ત્રણ વર્ષની અનાવૃષ્ટિને લીધે હવે ઊભાં ને ઊભાં સૂકાંભટ બની ગયાં છે. એમને હવે આ પવનનો સ્પર્શ રોમાંચિત કરતો નથી. યુનિવર્સિટી માર્ગ પર નયનરંજક સ્પર્શમૃદુ-કર્ણિકાર પુષ્પોની પીળી ઝુમ્મરો આ વર્ષે લટકવાની નથી. એ બધાં વૃક્ષોની ત્વચાને વૃક્ષદસ્યુઓએ તીક્ષ્ણ ઓજારોથી ઉખેડી નાખી છે. એ ઊભાં ઊભાં સુકાય છે. સુકાઈ જશે. યુનિવર્સિટીનો કે મ્યુનિસિપાલિટીનો એસ્ટેટ વિભાગ થોડા દિવસો પછી એને કપાવીને કકડા કરશે અને એમને લારીઓમાં ભરીને લઈ જવાશે. જ્યાં લીલું વૃક્ષ હતું ત્યાં ખાલીપો ફરકી રહેશે.
આમ જ થોડા દિવસ પહેલાં બપોરની સ્તબ્ધતામાં ટચકાનો અવાજ સંભળાયો. કુહાડાના ટચકા હતા, ભાષા સાહિત્યભવનના મારા ઓરડામાં પુસ્તકો વચ્ચે હું બેઠો હતો. વ્યાકુળ બની ઊભા થઈ બારી બહાર નજર કરી. જે વૃક્ષોની ડાળીઓ લંબાઈ મને છેક અંદર સુધી અભિવાદન કરવા આવતી હતી, તેમાંથી કેટલાંક સુકાઈ ગયાં છે. છતાં એ આકાર ધરી ઊભાં હતાં વૃક્ષત્વનો.
કુહાડી, કરવત અને નક્કી કરેલા સ્થળે પાડવા માટેની રસ્સી અને કેટલાક માણસો. શું કહી શકાય? સામસામા ઊભીને બે કઠિયારા લયબદ્ધ રીતે થડની નીચે કુહાડાના ટીકા કરતા હતા. ટચકે ટોચ સુધી વૃક્ષપિંજર કંપી ઊઠતું હતું. થોડી વારમાં એક વેળા પવનમાં ઝૂમતું એ ઊંચુ યુકેલિપ્ટસ એક બાજુએ નમ્યું અને ધીમે ધીમે કરી નિર્જીવ ઢળી પડ્યું.
પછી કરવતનો વારો હતો. થોડી વારમાં એના કકડા થઈ ગયા, અને ઊંટલારીમાં એ ગોઠવાઈ ગયું. ત્યાં બીજું વૃક્ષ ટચકા ઝીલતું કંપવા લાગ્યું. એ પણ યુકેલિપ્ટસ. એ જ્યારે બાલપાદપ હતું ત્યારે એના હસ્તપ્રાપ્ય સ્તબકમાંથી બેત્રણ લીલાં પર્ણ હથેળીમાં મસળી એની સુગંધથી નાકને ભરી દીધું હતું. એક વાર તેની નીચે ઊભાં ઊભાં મિત્ર સાથે વાતો કરતાં એની આછી સફેદ ત્વચા પર પરસ્પરના નાના આદ્યાક્ષરો ઉકેર્યા હતા, જે થોડા દિવસ પછી વૃક્ષના રસથી ભરાઈ એકદમ ઉપર તરી આવ્યા હતા. જાણે એમાં ઊગ્યા ન હોય! પણ ઉકેરતી વખતે ત્વચામાંથી ફૂટેલા એ ટશિયા જોઈ વ્યથા થયેલી.
પછી તો ઊંચે ને ઊંચે વધતું ગયેલું એ તરુ પવનમાં ઝૂમતું અને આમૂલશિખા પવનના સ્પર્શનો રોમાંચ અનુભવતું લાગતું. ક્યારનુંય એ સુકાઈ રહ્યું હતું, પાણી પાણી કરતું. નજર સામે સુકાઈ ગયું, હવે કપાઈ રહ્યું છે. ટચકા પડે છે અને ટચકે ટચકે મારી છાતીમાં થડાક્ થડાક્ થાય છે.
હું કાલિદાસને યાદ કરું છું. એની શકુંતલાને યાદ કરું છું. પરથમ પહેલાં વૃક્ષોને પાણી પાયા વિના પોતે જે પાણી નહોતી પીતી એ શકુંતલા. પણ ચામડી છોલાયેલાં આ કર્ણિકાર જોઈને વૃષભધ્વજ શિવ અને સ્કંદની માતા પાર્વતીને યાદ કરું છું.
કર્ણિકાર તો સંસ્કૃત નામ. આદિકવિએ વિરહી રામને મુખે પંપા સરોવરનું વર્ણન કરાવતાં ફૂલોથી ખચેલી કર્ણિકારની લાંબી ડાળીની વાત કરી છે. મૂળે કદાચ અસમ બાજુનું ઝાડ છે. ત્યાં એનું નામ છે સોનેરુ. એ લોકો બોલશે હોને. ગુજરાતી કવિઓમાં સૌપ્રથમ કવિ હરિશ્ચંદ્ર ભટ્ટે એની વાત કરી છે. એમણે તો પોતાના કાવ્યસંગ્રહનું નામ જ આપેલું ‘કેસૂડો અને સોનેરુ’.
નામ પ્રમાણે જ ગુણ છે. એનાં ફૂલોનો સોના જેવો રંગ છે. પણ જગતમાં યલો મેટલ-પીળી ધાતુનું જેટલું મહાત્મ્ય છે, પીળા રંગનું એટલું નથી. પીળો રંગ કવચિત્ આંખોને અળખામણો લાગે છે. પણ સોનેરુનો પીળો રંગ આંખમાં એક મુલાયમ સ્પર્શ આંજે છે. પીળો રંગ આટલો સુંદર બીજે ક્યાંય દીપતો જોયો નથી. સોનેરુનાં ફૂલ એટલે એક-બે ફૂલ નહીં, ફૂલોનાં આખાં ઝુમ્મરો! એક-બે ઝુમ્મરો નહીં, ડાળીએ ડાળીએ ઝુમ્મરો! આખા સોનેરુ પર એક પણ પાંદડું નહીં, માત્ર પીળાં પુષ્પોનાં ઝુમ્મરો. એ ઝુમ્મરોથી સોનેરુએ પોતાની નગ્નતા ઢાંકી દીધી હોય. મધ્યકાલીન કન્નડ કવયિત્રી મહાદેવી અક્કા નિર્વસન રહી પોતાના દીર્ઘકેશથી જ એમના અનુપમ દેહલાવણ્યને આવૃત રાખતાં. ચૈત્ર-વૈશાખમાં સોનેરુ ખીલે. એટલી પીળાશ કે એના થડમાં અને એની ડાળીએ પીત આભા ઝલકી રહે. યુનિવર્સિટી માર્ગ પર આવા એક નહીં, હારબંધ સોનેરુ છે. એકબે પખવાડિયાના અંતરાલમાં થોડા દિવસ વહેલામોડા ખીલી આખા માર્ગને શોભાવી દેતાં. સૌંદર્યના સ્વયંવરમાં ઊભેલા રાજવી જેમ એ ભાસે. પસંદગીની માળા કોને પહેરાવવી એની દ્વિધા થાય.
અનેક વાર ખીલેલાં કર્ણિકાર એટલે કે, આ સોનેરુની નીચે ઊભા રહી એના થડિયે હાથ ફેરવી આવું રૂપ દર્શાવવા માટે કૃતજ્ઞભાવ વ્યક્ત કર્યો છે. ફૂલોની ત્યારે એક હળવી સુવાસ ચિત્તમાં વ્યાપી રહે. હિન્દીમાં એનું સરસ નામ છે અમલતાસ. અંગ્રેજી નામ લેબર્નમ. ગુજરાતી ગરમાળો. ગરમાળો નામમાં ગદ્યની પરુષતા છે. વૈદકશાસ્ત્રમાં આવતા કોઈ ઝાડનું નામ માત્ર લાગે, એટલે તો કવિ હરિશ્ચંદ્ર ભટ્ટ તો એનું પોતાની એક કવિતામાં નામ રાખ્યું લેબર્નમ. પણ બીજી કવિતામાં તો એના જ નામ નહીં આખા સંગ્રહના નામ તરીકે (કેસૂડો અને) ‘સોનેરુ’ લીધું.
એ કવિએ કેસૂડાને નંદકુંવર રૂપે લહ્યો છે, સોનેરુને પીતાંબર પાર્થસારથિ રૂપે.
પરંતુ આ વર્ષે કર્ણિકાર નહીં ખીલે. યુનિવર્સિટી માર્ગની બન્ને બાજુના કર્ણિકારની ચામડી છોલી નાખવામાં આવી છે. છાલ શબ્દ વાપરવાનું મન થતું નથી. સુકાતાં ગયાં છે, સુકાતાં જાય છે. અને હા, એ જોઈને શિવ-પાર્વતીનું સ્મરણ થાય છે. શિવપાર્વતીનાં તો અનેક રૂપ છે, સ્વયં કાલિદાસે અનેક રૂપ વર્ણવ્યાં છે આ દંપતીનાં. આખું ‘કુમારસંભવ’ એમનું કાવ્ય છે. પણ ‘રઘુવંશ’માં વૃક્ષની ચામડી છોલવા સંદર્ભે એમનું જે એક રૂપ છે, તે છે વૃક્ષપ્રિય દંપતીનું.
એ વૃક્ષ છે તો દેવદારુ, પણ એ સૌ વૃક્ષોનું પ્રતિનિધિ ગણાય. આ દંપતીનું નિવાસસ્થાન હિમાલય અને ત્યાં દેવદારુ વૃક્ષો સવિશેષ, એટલી વાત એની છે એટલું. ગંગોત્રીથી ગોમુખ જવાને રસ્તે ભાગીરથીને તટે શિવપાર્વતીના વખતનાં લાગે એવાં પુરાતન દેવદારુ ઊભાં છે. પણ આ જે દેવદારુની વાત છે, તે શિવને એટલું બધું પ્રિય હતું કે એને પોતાનો પુત્ર ગણેલું — ’પુત્રીકૃત: અસૌ વૃષભધ્વજેન.’
પરંતુ એટલું જ નથી, શિવે જેને પુત્ર ગણ્યું આ તે દેવદારુ હતું — તે ‘યો હેમકુમ્ભસ્તનનિ:સૃતાનાં સ્કન્દમ્ય માતુ: પયસાં રસજ્ઞ:’ — જે સુવર્ણકુંભ જેવા સ્કંદની માતાના એટલે કે, પાર્વતીના સ્તનમાંથી વહેતા દૂધનું રસજ્ઞ હતું. વાત એમ હશે કે પાર્વતી સ્કંદને છાતીએ વળગાડીને દૂધ પિવડાવતાં હશે, અને દેવદારુને સોનાના ઘડામાં પાણી ભરી રોજ સીંચતાં હશે. પરંતુ કાલિદાસ પણ ખરા કે એમણે ‘હેમકુમ્ભસ્તન અને પયસ’ (દૂધ અને પાણી બન્ને અર્થ) પ્રયોજી કેવી કળા કરી લીધી છે!
એવું એ દેવદારુ વૃક્ષ હતું અને એક વખતે કોઈ જંગલી હાથીએ પોતાના લમણામાં ઊપડેલી ચળ મટાડવા એ દેવદારુના થડિયે પોતાનું લમણું ઘસ્યું અને એમ કરતાં દેવદારુની ચામડી ત્વક્ છોલાઈ ગઈ. એ જોઈને પાર્વતીને એટલી બધી પીડા થઈ કે જાણે એમનો વહાલસોયો પુત્ર સ્કંદ કાર્તિકેય અસુરોનાં અસ્ત્રોથી લડાઈમાં ઘવાયો ન હોય!
—અને આ કર્ણિકારની ચામડી માત્ર છોલાઈ નથી, એની બધી ચામડી જ ઉતરડી લેવામાં આવી છે, અને એ હું જોઉં છું, સૌ જુએ છે, અને કર્ણિકાર સુકાય છે, એ સુકાઈ જશે. કપાશે. ઊંટલારીમાં ભરાશે. પુષ્પોની પીળી ઝુમ્મરો હવે નહીં લહેરાય.
થોડાં શિરીષ રહી ગયાં છે; પણ વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર બાજુએ એક મોટું તોતિંગ શિરીષ અવશ્ય સુકાઈ ગયું છે, અને એવાં કેટલાંક એ. જી. ટીચર્સના માર્ગે સુકાઈ-કપાઈ ગયાં છે. બચી ગયેલાં શિરીષને ફૂલો આવી ગયાં છે. એ પણ અહીં કહી દઈએ કે કવિ કાલિદાસને આ સુકોમળ ફૂલ બહુ પ્રિય છે. અલકાનગરીની સ્ત્રીઓ કાનમાં આભરણરૂપે શિરીષ ધારણ કરતી. આજે પણ કોઈ આધુનિક પુષ્પાભરણા થવા ઇચ્છે તો એના કાનમાં શિરીષ અવશ્ય શોભે.
બહુ સમય પહેલાં આમ્રમંજરીઓની મહેક નાકને ભરી દેતી હતી, એના થોડા સમય પછી નીમમંજરીઓ પવનમાં લહેરાતી હતી. અહીં ખૂબ લીમડા છે, પણ એની મંજરીઓ નીમની ઘટામાં બહુ દેખાતી નથી. પણ શિરીષ તો સવારના સમયમાં જુઓ તો આખા વૃક્ષ પર છવાઈ ગયાં હોય. કોમળ એવાં કે તડકો લાગે કે કરમાવા માંડે. એટલે કાલિદાસે કહેલું કે શિરીષનાં ફૂલ ભમરાનો ભાર સહી શકે, પંખીનો નહીં!
એ.જી. ટીચર્સના કંપાઉન્ડમાં વર્ષો પહેલાં એકમાત્ર આ વિસ્તારનો કેસૂડો હતો, અને ફાગણ પહેલાં જ એ આગ થઈ જતો. આ વર્ષે હજુ ઝાડની ડાળીએ કેસૂડાં જોવાનો યોગ થયો નથી. કોઈએ પરબીડિયામાં પત્રની ગડીઓ વચ્ચે કેસૂડાની એક બંકિમ (કિ: શુક:) કેસરી કળી મોકલી છે, એટલું માફ.
— તો મને શાની પ્રતીક્ષા છે, કોની પ્રતીક્ષા છે? કદાચ પીળાં કર્ણિકારની હશે, કદાચ એ નયે હોય. છતાં એક અબોધ પ્રતીક્ષાનો ભાવ મનને વ્યાકુળ કરે છે.
૧૯૮૯
(શાલભંજિકા)