માર્ચ ૧૭ (૧૯૭૯)
આપણા કવિ પ્રિયકાન્તની એક કવિતામાં ફૂલને ગટગટાવીને પી જવાની વાત આવે છે. ફૂલના એ નશાની અસર એવી થાય છે કે તપ્ત સૂર્ય પણ ખીલેલું ફૂલ લાગે છે. સાગર, પહાડ, આકાશ સૌ ખીલેલાં ફૂલ લાગે છે. આજે કૈંક અંશે મારી એવી સ્થિતિ છે. હું શિલોંગ પી ગયો છું, લગીર અમથું, છતાં મને બધું સુંદર જ સુંદર લાગે છે. પર્વત, નદી, જંગલ, ખેતર, ગામ, ઘર, નર, નારી બધું જ બધું.
સવારમાં તડકો ખીલે તે પહેલાં જ શિલોંગના ઢોળાવ ચઢતા માર્ગ પર હતો. માર્ગની એક બાજુ કરાડ, બીજી બાજુ ઊંડી થતી જતી ખીણો, પહાડી માર્ગો લગભગ આવા જ હોય છે. ઢોળાવની બન્ને બાજુ જોઉં અને આંખમાં હરિત અંજન આંજતો જાઉં. લીલુડા વાંસનો તો આડો આંક! પણ આ વાંસ હવે વાંસ નથી લાગતો, જ્યારથી પેલું અસમિયા બિહુગીત સ્મરણે ચઢ્યું છે:
બા…હર આગલૈ ચાઈનો પઠિયાલો
બા…હરે કોને ડાલિ પોન.
ચેનાઇટિર ફાલલૈ ચાઈનો પઠિયાલો
યેને પૂર્ણિમાર જોન.
[—મેં વાંસની ટોચ ભણી જોયું
કે વાંસની કઈ ડાળ સીધી છે.
મેં વહાલીના મુખ ભણી જોયું.
જાણે પૂનમનો ચંદ્ર.]
આ લોકગીતમાં જ નહીં, અસમિયા કવિતામાં વાંસ એટલે ઝૂમતો નારી દેહ. રોજ જોતા હોઈએ એ પદાર્થને જોવા કવિતા નવી આંખ આપતી હોય છે. વાંસની સાથે સ્પર્ધામાં સોપારી આદિનાં વૃક્ષ, અને કંઈકેટલાંય બીજાં.
રહી જતું હોય તેમ વારે વારે ઝરણાં. એક નદી તો સાથે સાથે આવે. પહાડ પરથી વહી જતા ઝરણાને જોવું એટલે? ગતિ અને નાદની ઝંકૃતિ. અને આ માર્ગે ઝરણાંની શી કમી હોય? કવિ હોત તો કવિતા લખી હોત. કવિ ઉમાશંકરે આ માર્ગની કવિતા લખી જ છે ને… ‘ઈશાની’ના કાવ્યગુચ્છમાં. આ રહી તે…
શિલોંગ ચઢતો માર્ગ
રમતો રમતો આગળ વધે.
ખેતરો ઝાડીઓ ડુંગરની દીવાલ
પડખે થઈ, ઘડીમાં ઊંચા કોઈ માળ
પર નીકળતો
નીચેના વિસ્તાર પર ઝળુંબતો,
ટેકરીની ધારે ધારે
સરકતો, એકાએક વળાંક લઈ
નવા જ કોઈ ઉઘાડ ધરે.
લઈ આવ્યો મેઘાલયના દ્વારેય તે…
ભારતનું સદા-લીલું હૃદય,
મેઘઘર…
જે ખરેખર આ વિસ્તાર છે મેઘનું ઘર —મેઘાલય. આ નામ આપનાર કોઈ રાજકારણી નહીં હોય, કવિ જ હશે. બૃહત્ અસમ વિસ્તારની જે સાત બહેનો (ભણિ) તેમાં ત્રણ નામ તો પ્રાચીન — અસમ, મણિપુર, ત્રિપુરા, પણ જે ચાર નવી બહેનો, તેમાં બેનાં નામ તો પ્રજા-વિશેષના નામ પરથી, એકદમ પ્રોઝેઇક-નાગાલૅન્ડ, મિઝોરમ. અવશ્ય, ‘મિઝોરમમાં બે ‘મ’કારને કારણે એક અનુરણન છે, ‘૨’ તેમાં પૂર્તિ કરે છે. પરંતુ બીજાં બે નામ એકદમ ‘પોએટિક’ છે — અરુણાચલ અને મેઘાલય. ક્યાં નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી – ‘નેફા’ અને ક્યાં અરુણાચલ!ભારતના છેક પૂર્વનું એ રાજ્ય ખરે જ અરુણાચલ છે, અરુણ જ્યાં પહેલો ઉદિત થાય. અને આ મેઘાલય? મેઘનું જ ઘર. અહીં આવીને મેઘ માત્ર વસે છે એવું નથી, અનરાધાર વરસે છે. આખી દુનિયામાં સૌથી વધારે વરસાદ જ્યાં પડે છે તે ચેરાપુંજી મેઘાલયની દક્ષિણ દિશે છે.
કાલે નકશો જોતો હતો. નકશો જોઈએ એટલે પૂર્વોત્તરના વિસ્તારમાં મેઘાલયનું સિચ્યુએશન સમજાય. પૂર્વમાં અસમનો વિસ્તાર, ઉત્તરમાં પણ. અસમનો આ ઉત્તર ભૂ ભાગ એટલે બ્રહ્મપુત્રની ખીણ, બ્રહ્મપુત્ર પૂર્વ પશ્ચિમ વહે છે, ડિબ્રુગઢથી ઢુબરી સુધી અને પછી કાટખૂણે નદી એટલે કાટખૂણો નહીં, જરાક ગોળાઈ તો હોય) એકદમ દક્ષિણમાં ઊતરી પડે છે, બાંગ્લાદેશમાં. નાનકડા મેઘાલયની પશ્ચિમે અને દક્ષિણે બાંગ્લાદેશ વિસ્તરીને પડ્યો છે. અનેક નદીઓનું એ મેદાન છે. પણ મેઘાલય તો ૯૦૦થી માંડી ૧૮૦૦ મીટર સુધીની ઊંચાઈ ધરાવતો ૪૦૦ કિલોમીટર લાંબો અને ૮૦ કિલોમીટર પહોળો એક પ્લૅટૌ (plateau) વિસ્તાર છે. એટલે જે મોસમી પવનો જલભર્યા વાદળો સાથે બંગાળના ઉપસાગરથી ઊપડે તે બાંગ્લાદેશનાં મેદાનોને વટાવી સીધાં અફળાય મેઘાલયના પ્લૅટો પર! તૂટી જ પડે ને ચારસો પાંચસો ઇંચ વરસાદ!
નિશાળમાં ભૂગોળ ભણતા ત્યારે આ વિસ્તારના પહાડો નાગા, ગારો, ખાસી એમ યાદ કરતા [નાગા હોય તે ગારો(ળો) જ ખાય ને? એમ કહી સ્મૃતિસહાયક અર્થ કરી લેતા. અમારી ઉત્તર ગુજરાતની બોલીમાં ‘ર’ અને ‘ળ’ વચ્ચે અભેદ ખરો ને?] નાગા પર્વત તો જરા દૂર; પણ ગારો, ખાસી અને ત્રીજો જેંતિયા પર્વત — એ ત્રણ પર્વતોની ભૂમિ તે મેઘાલય. ત્રણે પર્વતોનાં નામ એ નામની ત્રણ જનજાતિઓ પરથી જ છે.
મેઘાલય તો હજી હમણાં જ સાત વર્ષનું થયું છે. ૧૯૭૨માં અસમમાંથી તેને અલગ કંડારી કાઢવામાં આવ્યું. આ પણ એક આદિવાસી રાજ્ય. બધી થઈને વસ્તી જ બાર-તેર લાખની. નાગાલૅન્ડથી લગભગ બમણી, અરુણાચલથી અઢીગણી અને મિઝોરમથી ત્રમણી. ખાસી, ગારો અને જેંતિયા ત્રણે જાતિઓમાં મોંગોલ સંસ્કારો છે. નાચ, ગાન, શિકારના શોખીન — કિરાતીય; પરંતુ અહીં પણ ખ્રિસ્તી ધર્મનો પુષ્કળ પ્રસાર છે. એટલે એક બાજુ આદિમ રહેણીકરણી બીજી બાજુ પાશ્ચાત્ય — આધુનિક ટોર્ન બિવિન ટુ કલ્ચર્સ — બે સંસ્કૃતિઓ વચ્ચે ચિરાતી પ્રજા છે. નાગા કે મિઝો લોકોની જેમ. અરુણાચલમાં ખ્રિસ્તી પ્રભાવ નહીંવત્ છે. આ બધાં રાજ્યો પોતાની અસલિયત જાળવી રાખી શકે એવો ખ્યાલ પણ આ ‘ટેણિયા’ રાજ્યોના આવિર્ભાવ પાછળ છે. પણ એ જાળવી શકશે? આ રાજ્યોમાં મેઘાલયની વાત તો વળી સાવ નિરાળી છે. મેઘાલયની ત્રણે મુખ્ય જનજાતિઓ માતૃનિષ્ઠ (મેટ્રિઆર્કલ) છે. છોકરી પરણીને સાસરે જતી નથી, છોકરો પરણીને સાસરે જાય છે. કુટુંબની વડીલ મા. એટલે એ રીતે પણ મેઘાલય ખરેખર વિશિષ્ટ રાજ્ય છે.
સારું છે, અત્યારે રસ્તે જતાં મેઘ સામા મળતા નથી. આકાશમાં થોડા થોડા છે. પહાડના ઢાળે છૂટાંછવાયાં ઝૂપડાંનાં ઝૂમખાં આવે છે. એ જ ખાસી ગામ. ગામની પાસે થઈ ઝરણું દોડતું જતું હોય, નદી પણ હોય. ઝૂમ ખેતી માટે બાળેલી પહાડી અરણ્યભૂમિ દેખાય. ત્યાં આવ્યું એક ગામ. ગામનું નામ રોમન લિપિમાં. નોંગપોહ. બસ થોભવાની હતી. ખાસી આદિવાસીઓનું ગામ. નાનકડું બજાર. ફળોની દુકાનો ઘણી. તેમાં અનનાસ લલચાવી રહે. પપૈયાં, કેળાં તો ખરાં જ. આપણા બોર જેવું પણ એક ફળ. મોટે ભાગે સ્ત્રીઓ જ વ્યાપાર કરે. પીઠ પર લાંબા કરંડિયા જેવા ટોપલા ઉપાડીને જતી સ્ત્રીઓ દેખાય.
તેમ છતાં અહીં ઘણું બધું આધુનિક લાગે. સામેના એક સ્ટોલમાં તો અંગ્રેજીમાં પુસ્તકો લભ્ય. મેં એક ચોપડી લીધી — ’સમ કલ્ચરલ ઍન્ડ લિંગ્વિસ્ટિક આસ્પેક્ટ્સ ઑફ ગારોઝ.’ બીજી એક ચોપડી જોઈ — ’ખાસી ઑફ મેઘાલય – સ્ટડી ઇન ટ્રાઇબલિઝમ ઍન્ડ રિલિજિયન.’ કિંમત જોઈ પાછી મૂકી દીધી.
વિસ્તાર હવે રમ્યતર થતો જતો હતો. પાઇનની હારમાળા ઢળતા પહાડો પર કવિતા રચતી હતી, સોપાન પરંપરા રચતાં પહાડ કાપી નવસાધ્ય કરેલાં ખેતરો આવવા લાગ્યાં. ઊંચાં વૃક્ષોની સાથે ચોકી — રખેવાળી માટે ઊંચાઈ પર બનાવેલાં બોરંગ નજરે પડી જાય. કલાત્મક. થાય કે ત્યાં ચઢી આજુબાજુનો વિસ્તાર જોઈએ. ત્યાં અત્યાર સુધી ચૂપ રહેલા મારી પાસે બેઠેલા એક યુવાને મને પૂછ્યું — ’હું પૂછી શકું — તમે ક્યાંથી આવો છો?’ મેં જવાબ આપ્યો. ‘ગુજરાતથી—અમદાવાદથી’ તેની વાચા એકદમ ઊઘડી. વાતવાતમાં મેં કહ્યું કે હું અસમ જોવા આવ્યો છું, બને તો અસમિયા કવિતાનો સંચય કરી ગુજરાતીમાં આપવા.
એ કહે — હું મદદરૂપ થઈ શકું તો કહેજો. મારું નામ ગિરિન બરુઆ૧ હું મ્યુનિસિપલ કાઉન્સિલર છું — ગુવાહાટીમાં. તેમણે પોતાનું સરનામું આપ્યું અને ગુવાહાટીમાં મળવાનો આગ્રહ કર્યો. વાતો કરતાં કરતાં મને બહાર જોવાનું મન થયે જતું હતું. પણ એ તો ખૂબ ઉત્સાહી નીકળ્યા. વાતવાતમાં કહે, અસમને બંગાળીઓએ ઘણો અન્યાય કર્યો છે. બ્રિટિશ રાજ્ય દરમિયાન તો અસમમાં બંગાળીઓનું આધિપત્ય હતું. તે એટલે સુધી કે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં અસમની શાળા-કચેરીઓમાં અસમિયાને બંગાળીની એક ઉપભાષા ગણાવી બંગાળીને લાદી દીધી હતી. ત્રીસ વર્ષ સુધી બંગાળી ચાલુ રહી, અને અમે ત્રીસ વર્ષ પાછળ પડી ગયા. શ્રી બરુઆની વાણીમાં વ્યથામિશ્રિત આક્રોશ હતો.
વાત પરથી એવું લાગ્યું કે તે ઘરના સુખી પણ છે. તેમની મોટી પેઢી ચાલે છે. ઘેર ગાડી છે, પણ આજે મિનીબસમાં શિલોંગ જઈ રહ્યા છે, કેમકે મેઘાલયમાં ‘ડિસ્ટર્બન્સ’ છે. મારવાડીઓની કેટલીક દુકાનો સળગાવવામાં આવી છે. ગઈ કાલે તો સમગ્ર માર્કેટ બંધ હતું. આજે ખબર નથી. ‘પણ એવું કરોને, તમે મારી સાથે રહો, હું તમને શિલોંગ બતાવીશ.’
મને એમની વાત ગમી. જોકે મારે મારી રીતે શિલોંગ જોવું હતું. ખાસ તો તેના માર્ગો પર ‘ચાલવું’ હતું. રવીન્દ્રનાથની ‘શેષે કવિતા’ નવલકથાની લીલાભૂમિ શિલોંગ છે. એ વાંચી ત્યારથી શિલોંગ મનમાં વસી ગયેલું, ખાસ તો છાયાઘનવૃક્ષવીથિકાઓવાળા. ચઢતા-ઊતરતા ઢોળાવવાળા તેના માર્ગો.
રમણીયતા વધતી જતી હતી. ત્યાં એક સરોવર આવ્યું. પહાડી સરોવર, વાંકાચૂકા ખૂણાવાળું, અચ્છોદક. લીલા પહાડો વચ્ચે ભૂરાં પાણી નયનરંજક હતાં. અહીં ઊતરી જ પડવાનું મન થાય પણ બસ તો ચાલતી રહી. પાઇનનાં વૃક્ષોથી છવાયેલી પર્વતીય ભૂમિ આવી. મેદાન જેવું હોય ત્યાં લીલુંછમ. કાશમીરના ગુલમર્ગનું સ્મરણ થાય. કાશ્મીરનું સૌંદર્ય જો કે વધારે ‘મારક’ — સિડક્ટિવ છે.
૧. આ ગિરિન બરુઆ આજના અસમ આંદોલનના એક અગ્રણી છે. આંદોલન સંદર્ભે તેમનું નામ છાપામાં આવે છે. (૧-૯-૮૦)
નગર શરૂ થઈ ગયું. પહાડીનગર. ઘણું મોટું નગર. અંગ્રેજોએ હિલસ્ટેશન તરીકે પુષ્કળ વિકસાવ્યું છે. અત્યાર સુધીના બૃહત્ અસમની એ જ રાજધાની હતી. ઊંચાનીચા માર્ગ, ઢોળાવો, ઢોળાવો પર વૃક્ષો, વૃક્ષો વચ્ચે ઇમારતો.
ઊંચે આકાશમાં વાદળ, પણ સદ્ભાગ્યે વધારે નહીં ધૂપછાંવની રમત ચાલ્યા કરે. મેઘાલયમાં આવ્યા છીએ, પણ આજે મેઘરાજા મહેર કરે તો સારું, નહીંતર ફરવાનું ઠપ થઈ જાય. જોકે મેઘાલયમાં મેઘ વરસતા જોવા એ પણ અનુભવ હોત. હવામાન એકદમ ખુશનુમાં.
શિલોંગમાં ઊતરતાં જ અનુભવ થયો, કે એક ‘આધુનિક’ શહેર છે. ‘કૉસ્મોપોલિટન.’ સવા લાખની વસ્તીમાં બંગાળી છે, અસમિયા છે. પણ બધી જાતના માણસો અહીં દેખાય. કોહિમા જેવું એકદમ ‘સ્થાનીય’ ન લાગ્યું. મકાનો પણ જૂનાં અને ઊંચાં. પુરાણાં મોટાં ચર્ચ અને એમના ક્રૉસ ધ્યાન ખેંચ્યા સિવાય રહે નહીં.
બરુઆ સૌથી પહેલાં તો મને સચિવાલયમાં લઈ ગયા. ચારેક માળની મોટી ઇમારત. અરુણાચલને જેમ ઈટાનગરની નવી રાજધાની વસાવવી પડી છે, તેમ મેઘાલયને નથી. અસમનું દિસપુર પણ હજી વસી રહ્યું છે. જ્યારે મેઘાલયને તો બનીબનાવી રાજધાની મળી ગઈ છે. સચિવાલયમાં બરુઆ તેમના એક મિત્રને મળવા માગતા હતા. તેમની શોધમાં આમથી તેમ ભમવામાં આખા મકાનનો અને કાર્યવાહીનો અંદાજ આવ્યો. સચિવાલય બહારથી ગમે તેવું હોય, અંદરની કાર્યરીતિ સરખી જ — ’ભારતીય’.
‘તમને શિલોંગની થોડી ઝાંકી કરાવું’ — કહી બરુઆએ એક ટૅક્સી રોકી. ઝડપથી એકબે તેમનાં કામનાં સ્થળોએ જઈ આવ્યા, મને સાથે લઈ. કામ પતાવી ટૅક્સીવાળાને એક સ્થળે જવાનું કહ્યું. ટૅક્સી એક ઢાળ ચઢવા લાગી.
જેમ જેમ ઉપર જતા ગયા તેમ તેમ સૌંદર્ય-લોક ખૂલતો ગયો. અહીં ઝરણ, નદી, જંગલ, પહાડ બધું એક સાથે જોઈ, ઉત્તર ગુજરાતના એક ઓછા વરસાદવાળા સપાટ, નદી, ઝરણ કે ટેકરી વિનાના ગામમાં મોટા થયેલા મારા જેવાની આંખો માટે ઉત્સવ ઉત્સવ હતો. બરુઆ કહે, શિલોંગના પહાડોમાં ઠેર ઠેર સુંદર ધોધ છે. ધોધ ઝરણ બને, નદી બને કે પછી સરોવર બને. મેઘાલયમાં ખરે જ જળનાં જ વિવિધ રૂપ!
ઊંચી જગ્યાએ (કદાચ શિલોંગ પીક) ટૅક્સી ઊભી રખાવી. અમે નીચે ઊતર્યા. અહીંથી નીચે વૃક્ષો વચ્ચે ઊંચાનીચા ઢોળાવો પર વસેલું શિલોંગ રમ્યતર લાગતું હતું. અહીંની આદિમ કથાઓ કહે છે કે આ શિલોંગના પહાડ પર આકાશથી દેવો રમવા ઊતરી આવતા. એક વેલ હતી, આકાશમાંથી શિલોંગના પહાડ સુધી પહોંચેલી. એ વેલ પકડીને દેવો અહીં આવતા. દેવોની આ ક્રીડાભૂમિ હતી. એક ઈર્ષાળુ દેવતાએ વેલ કાપી નાખી. પછી જે કેટલાક દેવો ધરતી પર રહી ગયા. તેમનાથી સૃષ્ટિ શરૂ થઈ. પણ પછી દેવતાઓ પૃથ્વી પર ઊતરતા રહી ગયા.
મને થયું આજે અન્ય રૂપે આ કથા સાચી પડવા જાય છે. આ અતિ સુંદર પંચરંગી નગર અલગતાવાદની ઈર્ષ્યાનું ભાજન બની રહ્યું છે, શિલોંગ માત્ર ખાસી લોકો માટે. શિલોંગ અસલ શિલોંગ નહીં રહે, તો પછી.
ચારે બાજુએ નજર કરી. ઊંચાનીચા ઢોળાવો. કોઈ ખાસ શિખર દેખાય નહીં. ત્યાંથી પાછા વળતાં જૂની જાણીતી કેળવણી સંસ્થાઓ જોતા આવ્યા. ડોન બોસ્કો, સેન્ટ મેરી સ્કૂલ ઍન્ડ કૉલેજ. બીજી ઘણી બધી કૉન્વેન્ટ સંસ્થાઓ, ગામ વચ્ચે આવ્યા. એક નાનકડું સરોવર, વૉર્ડ લેક. ગોળ નહીં. વાંકુંચૂકું. બાજુમાં ઍસેમ્બલી હૉસ્ટેલ. અચ્છા, તો — ઉમાશંકરભાઈએ જે સરોવરનું ‘ખંડકાવ્ય’ તરીકે વર્ણન કર્યું છે, તે આ. સામે પૂર્વમાં રાજભવન છે. અહીંની યુનિવર્સિટી છે. નૉર્થ ઇસ્ટર્ન હિલ યુનિવર્સિટી. તેનાં મકાનો જુદે જુદે સ્થળે છે, એમ બરુઆએ કહ્યું. નાગાલૅન્ડ અને અરુણાચલની કૉલેજો આ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે.
માર્ગમાં ચર્ચ અને કૅથેડ્રલ તો મળે જ. બરુઆ કહે, તમે અહીં ફરીથી આવજો. અથવા આજે રોકાઈ જાઓ. આ ખાસી હિલ છે. અહીંથી તમારે તુરા જવું જોઈએ. તુરા ગારો હિલ્સનું મુખ્ય ગામ મેઘાલયની પશ્ચિમે. પૂર્વમાં જેંતિયા હિલ્સનું જોવાઈ છે. એ તો અહીંથી બહુ નજીક છે. એકાદ ગામડામાં પણ ડોકિયું કરવું જોઈએ. અને ચેરાપુંજી તો અહીંથી પચાસ કિલોમીટર જ છે. ગાઢ જંગલોનો એ વિસ્તાર પણ છે. સમય હોય તો તેટલે સુધી જઈ આવવું જોઈએ. અહીં આસપાસ કેટલા ધોધ છે, બધું જુઓ. દેશનું સૌથી સુંદર એક ગોલ્ફનું મેદાન અહીં છે. લેડી હૈદરી પાર્ક તો આપણે જઈએ જ છીએ. મને થયું આ બધી અંગ્રેજોની ‘લિગસી’ છે. આ શાળાઓ, કૉલેજો, મેદાનો, પાર્ક, ચર્ચ અને વ્યાપક બનતો જતો ખ્રિસ્તી ધર્મ. કેટલીક ઇષ્ટ, કેટલીક અન્ ઇષ્ટ.
લેડી હૈદરી પાર્ક આવ્યા પછી બરુઆએ કહ્યું, હવે પાંચેક વાગ્યે બસસ્ટૅન્ડ પર મળીશું. હું એકબે કામ પતાવું. ગુવાહાટીમાં મળજો જ. ટૅક્સીના પૈસા આપવાનો ઉપચાર પણ કરું, તે પહેલાં ‘ના ના, એમ ના થાય’ કરતા ચાલ્યા ગયા. હું વિસ્મયથી આ યુવાનને જોતો રહ્યો.
નાનકડો મજાનો પાર્ક. પણ આપણી નજરે તો આખું નગર જ પાર્ક જેવું લાગે. પાર્કમાં જ નાનકડું પ્રાણીસંગ્રહાલય છે. ફરતાં ફરતાં તે જોયું.
પોલીસબજારમાં જઈ એક મારવાડીની શુદ્ધ શાકાહારી હોટેલમાં જમ્યો. હજી મારી પાસે બે કલાક હતા. હવે આ રમ્ય માર્ગો પર બસ નિરુદ્દેશ્ય ઢાળ ચઢતાઊતરતા ચાલવું. ખાલી હાથ. ખભે નાનકડો બગલથેલો માત્ર. ક્યાંય પહોંચવું નહોતું. માત્ર ચાલવું હતું. અહીં સાથે કોઈ હોય તો વાતો કરતા કરતા ચાલ્યા જ કરીએ. મુખ્ય માર્ગો પર થોડી ભીડ લાગે, પણ અંદરના માર્ગો શાંત, સ્તબ્ધ ચાલનારાઓને ઇજન આપતા. મને રવીન્દ્રનાથની ‘શેષેર કવિતા’ની લાવણ્ય અને તેની સાથે અમિટ રાય વાતો કરતાં ચાલતાં દેખાયાં. અરે, ખુદ રવિ ઠાકુર પણ. એક જૂનું મકાન — બ્રાહ્મસમાજનું જોયું. ‘રવિસ્મૃતિ’ એમ પણ લખેલું હતું. રવીન્દ્રનાથ અહીં જરૂર આવ્યા હશે. આ રસ્તે તો ચાલ્યા જ હશે, એમ મનમાં લાવી હુંય ચાલ્યો. ચાલતાં ચાલતાં બડાબજારમાં પહોંચ્યો. અહીં ખાસી ગ્રામીણજનો દેખાયા, વિશેષે સ્ત્રીઓ. ખાસી સ્ત્રીઓ, પુરુષો નાગાલૅન્ડ જેટલા રંગોના શોખીન ન લાગ્યા!
ધીમે ધીમે સાંજ પડવા લાગી. હું એકાકી ભમ્યે જતો હતો. આ નગરનો ‘ફીલ’ આવવા લાગ્યો હતો.
સાંજે પાછા ફરતાં બરુઆ નહોતા આવી શક્યા. એય તે ઠીક થયું. હું અને શિલોંગથી ગુવાહાટીનો રમ્ય માર્ગ. પેલું સરોવર આવ્યું. આ સાંજે કેવું તો રમ્યતર લાગતું હતું! નોંગપોહ આવ્યું. સ્વાદિષ્ટ રસભરપૂર ફણસનો આસ્વાદ કર્યો. ગુવાહાટી આવ્યું. બસસ્ટેશનની ભીડમાં ઊતર્યો. ત્યાંથી ચાલતો ચાલતો સર્કિટહાઉસ ભણી. એવું લાગ્યું કે પેલા ઊંચાનીચા વાંકાચૂકા માર્ગે જ તો ચાલું છું. શિલોંગ છવાઈ ગયું છે મારા ઉપર. ગુવાહાટીના આ માર્ગ પણ સુંદર લાગે છે, આ નગરના લોક પણ સુંદર લાગે છે, આ યંત્રવાહનો પણ. બ્રહ્મપુત્રનો શાંત છેવાડો માર્ગ શરૂ થયો. જનવિરલ માર્ગેથી સર્કિટ હાઉસમાં પ્રવેશે છું.
બધું સુંદર સુંદર લાગે છે. ‘ખુબ ધુનીયા લાગિ છે!
(પૂર્વોત્તર)