વ્યાખ્યાનકલા બાબતે કેટલીક ટિપ્સ

ઉચિત સ્થાને ઉચિત આસને અધ્યાપક અને વિદ્યાર્થીઓ હોય એ પછીની જરૂરિયાત એ છે કે અધ્યાપકે સૅટ થવું. કેટલાક એવા કે એકદમ જ ચાલુ થઈ જાય. ભલા માણસ, તારી પાસે જો પૂરતું જ્ઞાન છે તો એને બીજે રવાના કરી દેવાની ઉતાવળ શું કામ? વ્યાખ્યાન શરૂ કરતાં પહેલાં અધ્યાપકે ઘડીભર શાન્ત થઈ જવું, પ્ર-શાન્ત, coool… મન બુદ્ધિ હૃદયને એક અનુભવવાં. અમુક વિદ્વાનો આંખો મીંચીને મન્ત્રોચ્ચાર કરે છે તે એવી જ શાન્ત-તા માટે. સૌને પ્રસન્નતાથી જોવાં. કવિ વાર્તાકાર ગાયક કે કોઈપણ કલાકારે તેમજ વ્યાખ્યાતાએ હમેશાં યાદ રાખવું કે પોતે આનન્દનો સર્જક છે. મૉં પર સ્મિત હોવું જોઈએ. અમારાં બધાંનાં માનીતાં અને લોકલાડીલાં ગાયક ભારતી વ્યાસનો કણ્ઠ તો અનોખો છે જ પણ એમનું ગાયન મને વધારે તો એ કારણે ગમે છે કે તેઓ હમેશાં સ્મિતવદને ગાય છે. અધ્યાપકનું સોગિયું મોઢું ન ચાલે. સાહિત્યનું જ્ઞાન મૉજથી પ્રગટવું જોઈએ. વિદ્વાન સાહિત્યકારોની વાત જુદી છે. એમના દાખલામાં ગામ્ભીર્ય રસાયન છે. એમનાંમાં ગમ્ભીર થાય પછી જ વિચારો દ્રવે. સૌને સમ્બોધન કરવું. હા, વિદ્યાર્થીઓને પણ. કેમ છો બધાં -કરીને શરૂ થવું. હું એક મોટા સાહિત્યકારને જાણું છું -મોટાઈ એવી કે કદી કોઈને સમ્બોધન જ ન કરે. હવે સુધર્યા છે. અધ્યાપકે કોઈ વિદ્યાર્થીની કદી મશ્કરી ન કરવી. વર્ગમાં ધાક બેસાડવા એકાદ-બેને કારણ વગર ધમકાવી કાઢવા કે ઉતારી પાડવા, ઠીક નથી. સાહિત્યકાર, અધ્યાપક કે કોઈપણ વક્તા આવુંતેવું કરે એટલે તોછડો લાગવાનો. સભાથી હાથે કરીને છેટો પડી જવાનો. વિદ્યાર્થીઓ કે સભાજનો બોલે નહીં, પણ મનમાં જરૂર બબડે કે -પોતાને આ શું સમજતો હશે!
ભારતીય પરમ્પરા પ્રમાણે વ્યાખ્યાન પલાંઠીએ બેસીને કે પદ્માસન લગાવીને કરાય. ટેબલ-ખુરશી હોય તો પણ વ્યાખ્યાન ખુરશીમાં બેસીને કરી જ શકાય છે. તક હોય તો હું તો ખુરશી-ટેબલ છાંડીને વ્યાખ્યાન પલાંઠી વાળીને કરું છું. મૅકોલેના જમાનાથી શરૂ થયેલી સિસ્ટમે શીખવ્યું કે લૅક્ચરરે ઊભા ઊભા બોલવાનું હોય, તો જ પ્રભાવ પડે. રાજકારણીએ એમ કરવું જરૂરી છે કેમકે ત્યાં ‘વ્યાખ્યાન’ નથી હોતું. તત્કાળ અસર કરે એવું ‘ભાષણ’ હોય છે. બન્યું છે એવું કે આપણે આસન-માંથી ઊભાં-ઊભાં અને ઊભાં-ઊભાં-માંથી હરતાં-ફરતાં વ્યાખ્યાનો કરવાની નવતર રીતો નીપજાવી લીધી છે. સ્ટેજ ઊંચું હોય ને વક્તાશ્રી પણ ઊંચા હોય તો સભાએ ડોકાં ઊંચાં રાખવાં પડાં છે. બધાં ‘જ્ઞાનાય ઉત્કણ્ઠ’ દીસે! આ છેડેથી પેલે છેડે લટારતા લટારતા બોલતા અધ્યાપક સામે વિદ્યાર્થીનાં ડોકાં ઘડિયાળના લોલક જેમ આમથી તેમ ફરતાં થઈ જાય છે. વર્ગ ‘સક્રિય’ લાગે!
લેક્ચર-મૅથડની જોડે આપણે ત્યાં પોડિયમ આવ્યું. પોડિયમને હું વ્યાસપીઠ ન ગણું. દીવાલ ગણું -ઠોડું! પ્રાચીન ઍમ્ફિ-થીએટરમાં સંગીતના કન્ડક્ટર માટે એક નાની દીવાલ હોય -ટેકો; એને પોડિયમ કહેતા. પોડિયમની વક્તાને સગવડ એ કે એના ધ્રૂજતા પગની સભાને ખબર ન પડે. સભાને અગવડ એ કે વક્તા પાસે કાગળિયાં કેટલાં છે એ દેખાય નહીં. રાહ કેટલી જોવી પડશે એનો અંદાજ ન આવે. કેટલીક જગ્યાએ પોડિયમ અક્કલ વગરનાં એવાં કે સભાજનોને વ્યાખ્યાતાનું માત્ર મસ્તક દેખાય. સભાને થાય, કશા દેખીતા વાંક વગર બાપડાને અનાજ ભરવાની કોઠીમાં ખડો કીધો છે. બૅકેટના ‘એન્ડ ગેમ’ નાટકમાં પાત્રોને એવી કોઠીઓમાં, urns-માં, રાખ્યાં છે, પણ એ તો, જીવનનાં મહા રહસ્યોનાં સંકેત રૂપે! આમાં તો આયોજન, વ્યાખ્યાતાને હાથપગ સમેત ગળી ગયું લાગે છે. પોડિયમ, પૂરતાં નીચાં હોવાં જોઈએ જેથી વ્યાખ્યાતા બન્ને હાથના સહજ સેલારા મારી શકે. ત્યાં ફ્લૅક્સિબલ માઇક, ફોકસ લાઇટ, પાણી-ભરેલો પણ ઢાંકેલો ગ્લાસ, બુક્સ અને પેપર્સ રાખી શકાય એવી ખાસ્સી બધી મૉકળાશ હોવી જોઈએ. ટૂંકમાં, આશય એ છે કે કોઈપણ વક્તા સભાને એની તમામ બૉડિ-લૅન્ગ્વેજ સાથે દેખાવો જોઈએ. વક્તાએ પણ એ લૅન્ગવેજનો જરૂરી વિનિયોગ કરવાનો હોય છે.
કેટલીક હમેશાં યાદ રાખવા જેવી ટિપ્સ: માઇક અને મૉં વચ્ચે એકાદ વૅંતનું અન્તર રાખવું -ન ઓછું, ન વત્તું. કેટલાય વક્તાઓ ગૅલમાં આવી જઈને માઇકથી મૉં ફેરવી લે છે. બોલ્યે રાખે. માઇક નિર્જીવ છે. એની જોડેની દૃષ્ટોદૃષ્ટ માણસે ટકાવી રાખવી જોઈશે. એ તમારો વ્યાખ્યાન-સાથી છે. સારા વક્તાને માઇક ને મસ્તકનો વિ-યોગ નથી પાલવતો.
અધ્યાપકો! વર્ગને ઇન્ટર-ઍક્ટિવ બનાવો. આપણે ઇન્ટરનેટ-યુગમાં છીએ. સામે બેઠેલા વિદ્યાર્થીને જીવન્ત વ્યક્તિ સમજીને એને પ્રશ્નો કરતો કરો, બોલતો કરો. કોઈ વાર એને નાનું વ્યાખ્યાન કરવા કહો: કચવાઈને વેઠ વાળવા વ્યાખ્યાન કદી ન કરવું. હમેશાં જીવ રેડીને વાત કરવી. મેં એક પણ વાર દિલચોરીથી નથી ભણાવ્યું: નોટ્સ રાખવી -પાનાનમ્બર નાખેલી- પણ એમાં ને એમાં જોયા કરવું પડે તો તમને તો ઠીક પણ વર્ગને ત્રાસ થશે. જોકે હાથ નવરા રાખી મનફાવે બોલવું દુ:સાહસ ઠરશે. નોટ્સ હોય કે ન હોય, વક્તવ્ય આત્મસાત્ થયેલું હોવું જોઈએ: ખોટો શબ્દ વપરાઈ ગયો હોય, તો ‘સૉરિ’ કહી ખરો આપો: જરૂરી માહિતી ભરપૂર આપો. મસ્તકવગી ન હોય તો કહો કે -કાલે કહીશ: તબિયત સારી હોય છતાં, રજા ન લેવી; સ્વાધ્યાય માટે જરૂર લેવી. ‘સાહિત્યિક સંશોધન’ પુસ્તિકા લખવા યુનિવર્સિટીને મેં એ કારણ દર્શાવીને સી.ઍલ. રજાઓ માગેલી. રજિસ્ટ્રાર હસી પડેલા: ઠોઠ કે જડસુ વિદ્યાર્થીને ન-ગણ્ય ગણી કાઢવો ઠીક નથી. અધ્યાપકે તો માતા-ની જેમ વિદ્યાર્થીની ખુશામત પણ ન કરવી: વર્ગમાં ગામ્ભીર્યનું વહન હળવાશથી કરવું. વાતાવરણ હઁસી-મજાકભર્યું જોઈએ. મને યાદ છે, મારા વર્ગમાં એકાદ વાર તો હાસ્યનું મોજું ફરી વળતું: શિસ્તનો આગ્રહ રાખવો એમ કહેવા કરતાં હું એમ કહું કે અ-શિસ્તને ખમી ખાનારો અધ્યાપક વ્યર્થ સહિષ્ણુ છે. વાતો ન જ કરવા દેવાય. બગાસાં ન જ ચાલે: વર્ગમાં શારીરિક અને માનસિક એમ બે જાતના ગેરહાજરો હોય છે. શરીરથી ગેરહાજરને વીસરી જવા. મગજથી ગેરહાજરને જગાડવા. કોઈ બાળા ઊંઘી જાય તો વ્યાખ્યાનને પરમ સફળ ગણવું. જાગતાંઓને કહેવું કે જુઓને, ઊંઘ બાપડી કેવી નિર્દોષ પ્રવૃત્તિ છે…
આપણે ત્યાં અધ્યાપકો સાહિત્યકાર-વક્તાઓને રોલ-મૉડેલ ગણતા હોય છે. સારી વાત, પણ એમાં સિલૅક્ટિવ રહેવું. કેટલાક સાહિત્યકારો ઑડિયન્સને પટાવતા હોય છે -મારી પાસે કહેવાનું તો ઘણું છે પણ સમયનું બન્ધન છે, ત્રણ વક્તાઓ બાકી છે, હું સભાને સમયદાન કરું છું -કહીને એ વિવેકી મહાપુરુષ બેસી જાય છે! આ છેતરામણ જાત-છેતરામણ પણ છે -આત્મપ્રતારણા. એવી ટેવ પોતાને ન પડે એ માટે અધ્યાપકે સાવધ રહેવું. વ્યાખ્યાનને પતાવવાની લ્હાય ન રાખવી. સાવધ બેફિકરાઈ રાખવી કે રહી જશે તો ભલે રહી જશે, કાલે વાત! સ્વીકારો કે સામ્પ્રતમાં મોટા ભાગનાં મૉડેલો રોલિન્ગ છે -આઈ મીન, અનનુસરણીય છે.

= = =

License

સુમન શાહની નિબન્ધસૃષ્ટિ Copyright © by સુમન શાહ. All Rights Reserved.

Share This Book