યુગ-સ્પન્દન વિશે

આ અમારું છે. આપણું છે. અવર્સ, નામની સામાજિકતા પર આજકાલ તરાપ છે: લોકો કહેતા: આપણું ગાયકવાડી ગામ, કેવું મજાનું છે: આ અમારું વડોદરું, સંસ્કારનગરી છે: આ, અમારું ફળિયું; આ, અમારો પટેલવગો; આ, અમારું નાગરવાડા: અમારી અટક, લાખિયા; અમારી, મહેતા; અમારી, ત્રિવેદી: લોકો ઓળખ સંકોચ વગર ગર્વથી આપતા: અમે તો ભીલ, કોળી. અમે, દશાલાડ વાણિયા. અમે, સાઠોદરા; અનાવિલ; અમે, કડવા; અમે, લેઉઆ. કહેતા: અમે તો ભરુચ બાજુના વૉરા છીએ: અમે તો છોટાઉદેપુરી રાઠવા છૈયે: અમે તાઈ છીએ, એ બધા સૈયદ: ધંધો રુઆબથી જણાવતા: દરજીકામ; મોચીકામ: ઈશ્વરદીધી નરમાશ કોઠે પડી ગયેલી તે કહેતા: સાએબ, જિલ્લો વઉએ વારવાનો ને મારે ફરિયાનાં જાજરાં સાફ કરવાનાં: અમે ભાડભૂંજા છૈયે — ચણા મમરા પૌંઆ શેકી આલીએ: છીપા છીએ: મણિયાર છીએ…
આ બધા વિશેષો અને તેનાં માન-અભિમાન કે ગૌરવનું અતિ ઝડપે ધોવણ થઈ રહ્યું છે. આ સહિયારું-મજિયારું વિશ્વ ગૂમ થઈ રહ્યું છે. મોટા મોટા ફર્ક આકાર લઈ રહ્યા છે. સોસ્યલ નેટવર્કે તો માનવસમાજને વિશ્વવ્યાપી બનાવી દીધો છે. ગુજરાતી ચીની જપાની કે કોઈપણ દેશનો સિટીઝન હવે નેટીસન છે. કહી શકે -હું વિશ્વમાનવ છું!
ફર્કની વારતા બહુ લાંબી છે: છીપા પાસે ડિઝાઇન છપાવવા ને તે પર ભરત ભરવા નવરું કોણ છે? મણિયારો શું કામ? બંગડી પ્હૅરવી અનિવાર્ય થોડી છે? ચણા શું, ખાવાપીવાની લગભગ બધી જ ચીજો પૅકેટ્સમાં તૈયાર છે. પિઝ્ઝા વગેરે હોમ-ડિલિવરીથી મળે છે. બૂટ-ચમ્પલ ને કપડાંલત્તાંની સૅંકડો બ્રાન્ડ્સ રેડીમેડ ખડી છે. કોઈપણ ખરીદી ઑન-લાઇન કરી શકાય છે. ઍચોડી, સીઇઓ, પ્રો-કૉન્ગ્રેસ, પ્રો-ભાજપ, યુનિયન લીડર, વગેરે નવી નાતો છે. તમે એમાંના છો? તો કામના! સંસ્કારનગરી વડોદરાના છો? -ડઝન્ટ મૅટર! ‘મારી બાજુ’ના હોવ અને સદા રહો એટલું પૂરતું છે. યુવક વિવેકી સાલસ ઢીલોપોચો હોય, ન ચાલે. યુવતી ડાહી, ઓછાબોલી -‘મણિબેન’માં ખપે. બિનદાસ્ત હોવી જોઈએ -બધી વાતે. સ્માર્ટનેસ, ઍટિટ્યુડ અને કાઇન્ડ ઑફ ઍરોગન્સની બોલબાલા છે. કોઈપણ પરફૉર્મન્સ પાવરપૅક્ડ જોઈએ. ઑડિયન્સને તમે કમ્યુનિકેટ થવા જોઈએ -વિદ્વત્તાની ઍસીતૅસી! મૉરાલિટી અન્ડર-ક્વેશ્ચન છે. હવે તો બધા કહેવા માંડ્યા છે, ભાઈ, સારું કરવા માટે થોડું ખોટું તો કરવું પડે. લાંચરુશવત નૉર્મલમાં ગણાય છે -લોકો એને પૅરેલલ ગવર્નમેન્ટનો માભો આપે છે.
એક નવા જ સ્વરૂપનું અંગત વિશ્વ આકાર લઈ રહ્યું છે. આ મારું છે, માઇન, પર્સનલ, નામની વૈયક્તિકતા અનેક સ્વરૂપોમાં ફૂલ-ઑન છે: આવા આવા બોલ સાંભળવા મળે છે: આ ઉશીકું મારું હતું તમે શી રીતે લીધું?: હવેથી આ મારો બેડરૂમ છે: ટીવી મારા રૂમમાં ય જોઈશે: મને મારી પોતાની કાર જોઈએ: ગર્લફ્રેન્ડ બની હોય તો ય પેલાને તતડાવે -મારા લૅપ્ટૉપમાં તારે ડોકિયાં કરવાની જરૂર નહીં; એ મારી નૅકસ્ટ પ્રાઇવસી છે: પત્ની કહે છે -મારા ફોનકૉલ ચૅક કરો છો! શેમ શેમ! પર્સનલ મૅટર કહેવાય!: પતિ કહે છે: તું વાઇફ છું તો શું થઈ ગયું? હું ગમે એને ગમે એટલા ઍસેમૅસ કરું, મગજ ના ખા!: પોતાને મૉડર્ન સમજતી ખાસ કહેવાની: આપણે હસબન્ડ-વાઈફ ઓકે, બટ ઍક્સૅપ્ટ કે એ મારો બૉયફ્રેન્ડ છે -સો સિમ્પલ!
યોગ્ય કે અંગત કારણોસર લોકો હવે અટક નથી કહેતા. એક ભાઈ કહે, હું અંશુમન: મેં પૂછ્યું, હા પણ સરનેમ?: તો સ-સ્મિત બોલ્યો, અંશુમન: પણ હું સુ-મન છોભીલો પડી ગયેલો. તમે પૂછો કે પ્રોફેશન શું, તે કહેશે, બિઝનેસ. ફોડ નહીં પાડે. અમેરિકામાં જૉબ-વર્કવાળાને પણ ‘મૅનેજર’ કહે છે. ભાવિ સાસુને ખબર નથી હોતી એટલે બધાંને કહ્યે રાખે છે: અરે, બહુ સારું મળી ગયું! છોકરો ‘વૉલમાર્ટ’-માં મૅનેજર છે: વહેમી માન્યતા કે પત્નીઓથી પતિનું નામ ન બોલાય. ઉમ્મર ઘટી જાય કે વહેલો મરી જાય. આજે તો નામ દઈને વાત કરવાની પત્નીઓને ઑર લિજ્જત આવે છે! નામ જ ના બોલાય તો તું-કારીને તો બોલાવાય જ કેમ? પણ ટહુકો કરીને કહે છે: જૅન્તી, આજે તું ઘરે વહેલો આવી જજે, આપણી મૅરેજ-ઍનિવર્સરી છે: પુરુષો બચારા વ્હાલકુડા તે પત્નીઓને તું-કારીને જ બોલાવે ને? એમના પ્રેમમાં ‘તમે તમે’-ની ફૉર્માલિટી થોડી હોય? બાપદાદાના વારાથી પાક્કો હક્ક મારી બેઠેલા છે!
ઇનોસન્સ નથી રહી. વયમાં આવેલા છોકરાને ત્યારે કૂતુહલ થતું -આ મૂછો જેવું શું છે. વિસ્મય કે વાળ અહીં કેમ. પણ આજે છોકરા-છોકરીને બધી ખબર હોય છે પ્યુબર્ટિ શું; મૅન્સ્ટ્રુએશન શું.
‘આપણું’ કે ‘અમારું’-માંથી નીકળીને આપણે ‘મારા-તારા’-માં પરોવાયા. ઇમ્પર્સનલમાંથી પર્સનલમાં, સહિયારામાંથી અંગતમાં. ભલે, પણ હવે ખાનગી અને જાહેર વચ્ચેનો ભેદ ભૂંસાઈ રહ્યો છે. પ્રાઇવેટમાંથી પબ્લિકમાં. ફોટોગ્રાફ પ્રાઇવેટ વસ્તુ હતી –ઘરની ભીંતે કે આલ્બમમાં શોભે. સૅલ-ફોને અ-પૂર્વ મદદો કરી. હસી-હસીને ગમે એની જોડે પિક્ચર લેવડાવાય. ગમે એ વ્યક્તિ વ્હાલશેરીની જેમ તમારે ગળે વળગીને સૅલ્ફી કરે. તમે કરવા દો! ફોટો હવે શૅઅરિન્ગની વસ્તુ છે. જોકે એ ઍમઍમઍસ કે ગંદાં ફ્યુઝન લગી વકર્યું છે. એને રોકવાનો સમાજને કશો ઇલાજ નથી દીસતો…
ઇન્ટરનેટે કહ્યું: કોઈને કન્સલ્ટ કરવાની જરૂર નથી, મને મળો. વસ્તુઓની ગુણવત્તા, અરે, વ્યક્તિઓના ગુણદોષ પણ, ઝટપટ જાણી શકાય છે. પહેલાના વખતમાં મા-બાપો મૂરતિયો ન્હૉતા જોતા, ઘર-પરિવાર જોતા’તા. પણ મારી એક વિદ્યાર્થિની દરેકને એનો પગાર પૂછતી. મેં કહ્યું, પગાર ન પુછાય; તો કહે, સર, તમને ખબર નથી, શુંય ઉકાળતો હોય -એ તો પહેલું પૂછવું પડે! આજે તો પૂરેપૂરું ચારિત્ર્ય અને બૉડી પણ ચૅક કરાવાય છે. ડિટેક્ટિવો ને મૅચમેકરો હાયર કરાય છે. એમની ય જરૂર નહીં, બધું ઑનલાઇન પણ થઈ શકે છે.
મારા તન્ત્રી-સમ્પાદકને તો ઠીક પણ વાચકોને જરૂર લાગશે, હજીલગીમાં મેં સાહિત્ય માટે તો કંઈ કહ્યું જ નહીં! હવે કહું: સાહિત્યકારો પાસે હમેશાં અપેક્ષા રખાય છે કે તેઓ તેમનાં સર્જનોમાં બદલાતા સમાજની આવી બધી તાસીર ઝીલી બતાવે. વારસાની પરમ્પરાની જૂનવટોની રીતરસમોની, વાત જરૂર કરે. વાર્તામાં દુખિયારી સ્ત્રીને પડ્યું પાનું નભાવી લે કે સુધારી લે એમ ભલે કહે, પણ હવે એની પાસે એમ કહેવરાવે કે -ફગાવી દે. પ્રેમ નીતિ સદાચાર જીવદયા શાન્તિ જેવા જીવનના કાયમી આધારોની હિફાજત જરૂર કરે પણ એમાં ને એમાં રાતદા’ડો રચ્યાપચ્યા ન રહે. રાષ્ટ્ર સમાજ કુટુમ્બમાં આવેલાં પરિવર્તનોને, વિજ્ઞાન ટેક્નોલૉજી ઍડવાન્સમૅન્ટને, વાચકો આગળ ઓળખી બતાવે. જિવાતા જીવનનું ચિત્ર આપે. પોતાના યુગનું સ્પન્દન -ટાઇમસ્પિરિટ- પ્રગટાવી જાણે. રમૂજ ખાતર ઉમેરું કે નહિતર સાહિત્યકારો ઇસ્કોતરા જેવા કે ગરાજના ખૂણામાં ધૂળ ખાતી ટિચાયેલી-ગોબાળી ઇર્રીપેરેબલ ઍમ્બેસેડર કાર જેવા લાગવાનો ભયસંભવ મોટો છે.

= = =

License

સુમન શાહની નિબન્ધસૃષ્ટિ Copyright © by સુમન શાહ. All Rights Reserved.

Share This Book