રઘુવંશીઓના ગુણો

આવતા મંગળવારે રામનવમી છે. રામ રઘુવંશમાં જન્મેલા. રામ રઘુવંશમાં જન્મેલા. રામ રાજા હતા. રામ અને એમની પૂર્વેના દશરથ અજ રઘુ-સૌ રઘુવંશી રાજાો ગુણવાન હતા. ભારતમાં આજે કોઈ રાજા કે બાદશાહ બચ્યો નથી. આપણે લોકશાહીમાં જીવીએ છીે. જે છે એ લોકશાહો છે. પણ ઠાઠ એમના એવા છે કે બાદશાહો પણ એમની આગળ મુફલિસ લાગે. એમનામાં રાજશાસકને શોભે એવા ગુણ શોધવા બેસીએ તો ફાવીએ નહીં, ભોંઠા પડીએ. આપણી લોકશાહીમાં એક ‘ગાંધીવંશ’ પણ છે. જોકે એમાં ગુણ જોવા તો કોના જોવા?
વાત એમ છે કે કવિ કાલિદાસના ૧૯ સર્ગના મહાકાવ્ય ‘રઘુવંશ’-ના પ્રથમ સર્ગમાં ૫-થી ૯ શ્લોકમાં, ‘પંચશ્લોકી કુલક’-માં, રઘુવંશીઓના ગુણોનું સુન્દર વર્ણન મળે છે. મારા વાર્તાકાર મિત્ર સંસ્કૃતના વિદ્વાન ડૉ. અજિત ઠાકોરના ‘રઘુવંશ’ પરના એક લેખમાંથી એ કુલક મને સીધું જ મળી ગયું. અજિતે તો એમાં ‘રઘુવંશ’ મહાકાવ્યનું ‘બીજ’ અને એની ‘ધરી’ જોવાનો મોટો અધ્યયનાનન્દ લીધો છે. આ સ્થાનેથી હું અજિતનો ઇર્ષા સાથે આભાર માનું છું. ઇર્ષા કેમ? કેમકે હું તો કૉલમ લખનારો. ઇચ્છા હોય તો પણ અમે કૉલમનવીસો કથા શાસ્ત્રાર્થ ન કરીએ. વળી, અમારા વાચકો પાસે રઘુવંશી રાજાઓ વગેરે જેવી જાણકારી ન યે હોય. જોકે, છાપાંના તન્ત્રીલેખોના પાકા બંધાણી હોય છે. નિરાંતે વાંચે. આપણા વર્તમાન રાજાઓની – લોકશાહોની – હરેક હિલચાલ પર ચાંપતી નજર રાખે. એમને જ્ઞાન કે લોકસત્તા છે, પણ નામની છે. ખબર, કે નવોસવો લોકશાહ થોડાક મહિનાઓમાં ધન-સમ્પત્તિવાન થઈ જવાનો. લોક જોતું રહી જવાનું. રાજકારણીઓને હમેશાં ‘અમુક’ ગુણોનો આશરો કરવો પડે છે, પણ પ્રજાને એ ગુણો દુર્ગુણો લાગે છે. એ ‘અવળી’ વાતની પણ વાચકમિત્રોને પૂરી ગતાગમ છે. પરિણામે, હમેશાં ઉદ્વિગ્ન રહે છે. ચર્ચાઓમાં ઝટ ચીડાઈ જાય. ચ્હૅરો તંગનો તંગ, દુખિયારો, તો ભાઈ અજિત! હું હવે એમના ભણી વળું. મારી રાહ જોતા હશે.
વાયચમિત્રો! રામનવમી નિમિત્તે ચાલોને આજે આપણે રઘુવંશીઓના ગુણોને યાદ કરીએ. કાલિદાસે એમના ‘રઘુવંશ’ મહાકાવ્યમાં વીગતે દર્શાવ્યા છે. ભૂલી જઉં એ પહેલાં લખી લઉં. રાજાઓની વાત છે એટલે આપણા જમાનાના રાજાઓ, એટલે કે, મન્ત્રીઓ પ્રધાનો સાંસદો વગેરે લોકશાહો, તમને અચૂક યાદ આવશે. એમના બારામાં પહેલેથી તમારી જાણકારી ઘણી છે. બને કે એમનામાં તમે રઘુવંશીઓના ગુણો શોધવા બેસો પણ ન મળે એટલે કચવાઈને બેચેન થઈ જાઓ. પણ રામનવની જેવા સપરમા પ્રસંગે એવો દુ:ખદાયી તન્ત્ત ન કરતા. ગુણો લકી લઉં એ કરતાં, એક પછી એક તમને કહી સંભળાવું તો કેવું? સરળ પડે, ખરું? ગુજરાતીમાં બોલું. સાંભળો. કાલિદાસ અનુસાર, રઘુવંશીઓ —
એક : જન્મથી શુદ્ધ : (એટલે કે, પ્રારમ્ભથી.) બે : ફળનો ઉદય થાય ત્યાંલગી કર્મમાં રત રહેનારા : (એટલે કે, સદાસર્વદા પુરુષાર્થી.) ત્રણ : સમુદ્ર લગીની પૃથ્વીના સ્વામી : (એવું સ્વામીત્વ તો રાજાનું પ્રમુખ કર્તવ્ય છે.) ચાર : પોતાના રથને સ્વર્ગ લગી લઈ જનારા. પાંચ : યજ્ઞમાં હુતોને વિધિપૂર્વક પ્રયોજીને અગ્નિને તૃપ્ત કરનારા : છ : યાચકોને યથેચ્છ દાન આપનારા. સાત : અપરાધ અનુસાર દણ્ડ દેનારા : આઠ : ઉચિત સમયે જાગી જનારા : નવ : ત્યાગને માટે ધનસંચય કરનારા : (અહીં ‘ત્યાગ’ = ‘દાન’ સમજવાનું છે.) દસ : સત્યને ખાતર મિતભાષી : અગિયાર : યશ સંદર્ભે વિજયની એષણા કરનારા —
મિત્રો, વેઇટ! મારે થોભવું પડશે. એક ફોન આવ્યો છે :
શું કહ્યું તમે!? આ બધા ગુણો સાંભળીને આપણા લોકશાહો વિશે તમને રોષ ભભૂક્યો છે? ગુસ્સાથી લાલપીળા થઈ જવાયું છે? : હા સ્તો, કૉલમિસ્ટ મિસ્ટર શાહ! અમારી ‘સાયંસન્ધ્યા’ ક્લબનાં અમે સૌ સીનિયર સિટીઝનો પ્રજાજીવનનાં બહુ અનુભવી ને પારખુ છીએ. ભૂંડા રાજકારણીઓને બહુ ઓળખીએ છીએ. આ પહેલાં તમને વાંચેલા પણ સાંભળ્યા ન્હૉતા : ઓઓકે, તમારું નામ કહેશો? : પ્રમોદા; ક્લબની સૅક્રેટરી છું. તમારો આ નમ્બર મેં ગૂગલમાંથી મેળવ્યો. અમારું સહિયારું કહેવું એમ છે કે આજના એકપણ લોકશાહ પાસે આમાંનો એકપણ ગુણ નથી. તમે સમયવ્યય કરી રહ્યા છો. આ અમારાહસમુખલાલે કહ્યું કે જન્મથી શુદ્ધ હોય, કદાચ, પણ નેતા બનતાં સુધીમાં ખરડાઈને નર્યો ગોબારો થઈ ગયો હોય છે. ગુજરાતીના અમારા આ જૂની પેઢીના સેવાનિવૃત્ત પ્રોફેસર પણ્ડ્યાને સાંભળો; બોલો પણ્ડ્યાસાહેબ, તમે બોલો : શાહજી! નિર્વાચને વિજયફળની સમ્પ્રાપ્તિ ન થાય ત્યાંલગી આપણા લોકશાહો અતિ કર્મરત રહે છે. તત્પશ્ચાત્ અનુગામી કર્મોમાં એવા વ્યસ્ત થઈ જાય છે કે જે દિશાખૂણેથી પ્રવેશેલા તે પ્રતિ ફરકતા જ નથી! ને હા, એમને સ્વર્ગની નથી પડી, દિલ્હીની પડી છે! રોજ એમના રથ એ ભણી દોડે છે : જીવકોરમાસી, હવે તમે : સુમનભૈ, એ લોકો દાતા શેના? પાતા છે, પાતા! એમાંનો એકોય ક્યારેય ત્યાગી તો હતો જ નહીં! પોતા સિવાયના કોઈને ય, તૃપ્ત નથી કરતા. દાન કરતા નથી, ટેબલ નીચે સૃસ્મિત લઈ લે છે. હા, કાલિદાસની અપરાધ અનુસારના દણ્ડની વાત અમારી આ શાન્તાને બરોબર લાગી, પણ એ તમોને સીધો સવાલ કરે છે — અપરાધીઓ, અપરાધીઓને દણ્ડ દે ખરા? આ ચન્દુકાકાને સાંભળો : ભૈ! ચૂંટણી ટાણે મિતભાષી તો શું, દબાઈને મૂંગો પડી રહ્યલો મૈંઢો ય વાચાળ થઈ જાય છે! અવારનવાર બકબકાટ અને ગાળીગલોચ સિવાયનું કરે છે શું? તમે ભલા’દમી, એવાઓને રઘુવંશીઓની હરિ ઉં લેવા યાદ કરો છો, રામનવમીના ત્હૅવારે!
ભલે ચન્દુકાકા ભલે! શાન્તાબેન, જીવકોરમાસી, પણ્ડ્યાસાહેબ, ભલે! તમારા સૌની દાઝ સારી વસ્તુ છે. ક્લબને મારી શુભેચ્છાઓ છે. પણ સૅક્રેટરીબેન પ્રમોદાબેન! મને જરા પૂરું કરવા દો : ઠીઇક છે; બોઓલો; સાંભળીએ.
સૉરિ મિત્રો! સીનિયર સિટીઝનોનો ફોન હતો. લોકશાહો બાબતે બળાપો કરતાં’તાં. હા, બારમો ગુણ : પ્રજોત્પત્તિ માટે વિવાહ કરનારા : (એટલે કે, સંયમી.) તેરમો : બાલ્યકાળમાં વિદ્યાભ્યાસી : (પછી પણ હશે જ!) ચૌદમો : યૌવને વિષયોની એષણા કરનારા : (સારુંસારું ખાતા-પીતા હશે.) પંદરમો : વાર્ધક્યમાં મુનિવ્રત લેનારા : સોળમો : અન્તકાળે યોગાભ્યાસ થકી તનુત્યાગ કરનારા : (આ છેલ્લો ગુણ તો અશક્યવત્! પણ રઘુવંશી તે રઘુવંશી).
કાલિદાસ કવિ પણ ખરા પણ બેફામ નહીં, જાગ્રત. એટલે નિવેદન પણ કર્યું છે. કહે છે : રઘુવંશીઓના આ ગુણો મારા કાને પડ્યા છે – કર્ણમાગત્ય : (એટલે કે, પોતે સાંભલેલું બોલી રહ્યા છે. પોતાની પાસે ઐતિહાસિક તથ્યો નથી.) : તેથી હું મારી ચાપલતાવશ પ્રેરાયો છું : (સ્વમર્યાદાનો મજાકિયો સ્વીકાર!) : બાકી, મારો વાગ્વિભવ તો તનુ છે : (જાહેરાત કરી કે વાક્ છે તનુ – આછીપાથી – પણ, વૈભવી છે.) : તે છતાં, રઘુવંશીઓના વંશ વિશે હું આવું બધું કહું છું : આમ, નિવેદનમાં કાલિદાસનો રઘુવંશીઓ પ્રત્યેનો રાગાનુરાગ વરતાય છે. એમાં ભાવોદ્રેકની સચ્ચાઈ છે. લગીર ચતુરાઈ સાથેની વિનમ્રતા પણ છે – કવિ કોનું નામ!
વળી પાછો ફોન? પેલાં પ્રમોદા જ છે! મૅસેજ મુક્યો છે : ગુણોની યાદી પતાવી તે સારું કર્યું. બાકી, મિસ્ટર શાહ, રામનો, કોઈ રઘુવંશી રાજાનો, કે અરે, કોઈ સદાચારી નાના રાજવીનો, ઍકેય ગુણ લોકશાહોમાં નથી-નથી જ! લખી રાખજો. હવે પછી પણ નહીંય હોય! જય સીયારામ!
મારે શું કહેવું? જયસીયારામ!

= = =

License

સુમન શાહની નિબન્ધસૃષ્ટિ Copyright © by સુમન શાહ. All Rights Reserved.

Share This Book