ભાગિબેનનો સનેડો

કેટલાકને ઘણીવાર શબ્દો સૂઝે નહીં -પેલું શું કહેવાય, પેલું શું, હું શું કહેતો’તો, એમ ફાંફાં પડે. ટ્યુબલાઇટ પણ ના થાય. કોક વાર થાય પણ ખરી. શાન્તિલાલ બોલી પડે -પ્રતિભાવ, પ્રતિભાવ; હું એમ કહેતો’તો કે અરુણ જેટલીનો પ્રતિભાવ સરસ હતો: મોહિતા બોલી પડે -સ્વચ્છન્દી; હું એમ કહેતી’તી કે એકલા છોકરાઓ નહીં, છોકરીઓ પણ સ્વચ્છન્દી થઈ ગઈ છે…
દીકરાને ‘જોવા’ આવવાનાં હોય ત્યારે રસપ્રદ નાસ્તાપાણીથી ‘સ્ટેટસમાં ચાર ચાંદ લાગી જાય એવું સ્વાગત’ કરવામાં ભાગિરથીબેનને જાતભાતનું સૂઝે છે: જુઓ, ગ્રેપ્સ ને કાજુ લવિંગવારા ગરમાગરમ બટેટાપૌંઆ હસે જ; પાપડી છે, ફૂલવડી છે, ફૂદીનામિક્સ ચણા-દાર છે, નમકિનમાં આટલું પૂરતું છે; સ્વીટમાં ગુલાબજાંબુ છે પછી આઇસ્ક્રીમ તમે કહો છો તો ભલે રાખીએ, પણ માત્ર વેનિલા. ફ્રુટ્સની જરૂર નથી, ટ્રૉપિકાના જૂસ છે. તું બેટા, ઝભ્ભો ભલે પ્હૅરે પણ પેલો મરૂન રેસમી છે એ પ્હૅરજે, જિન્સ પર, ચાલસે: અને એમનો અવનીન્દ્ર એ સ્વરૂપમાં સજ્જ થઈ જતો હોય છે. મતલબ કે આવા પ્રસંગે આ બેનને બધું બહુ સૂઝ્યા કરે છે, જરાપણ ગૂંચવાડો નથી થતો. પણ એક તકલીફ ખાસ પડે છે -સારા સારા શબ્દો કયા બોલવા તે નથી સૂઝતું. મનમાં થાય છે, ‘સું થસે’. એમને કહેવામાં આવેલું કે સામી પાર્ટી -છોકરીવાળા- આખું પરિવાર પરિશુદ્ધ ગુજરાતી બોલે છે; વળી, આખા ઘરનું વાતાવરણ સાહિત્યિક છે…
અને એમ જ બન્યું, વાત વાતમાં છોકરીના પિતા અમુલખરાય બોલ્યા: અમારી આ સુષમાના નામકરણવિધિમાં પ્રસિદ્ધ કવિશ્રી લાભશંકર ઠાકર ઉપસ્થિત હતા; સુષમા સમું વિરલ નામ રાખવાનો અનુરોધ પણ એઓશ્રીએ કરેલો; તમે જ્ઞાત હશો કે એઓ આપણી ભાષાના મૂર્ધન્ય સાહિત્યકાર, આધુનિક કવિ, સવિશેષે, અછાન્દસકાર છે: ભાગિરથીબેન અને ઘરનાં બધાંની નજરો દીવાલો જોડે અથડાવા લાગેલી. સૌ ઝંખવાઈ ગયાં. મગજ સાથે ઘણી જદ્દોજહદ પછી પણ ‘અછાન્દસકાર’ પલ્લે પડ્યું નહીં. ‘વિરલ’-નો અર્થ અટવાયા કર્યો. થયું, ‘મૂર્ધન્ય’ એટલે કેવાક હસે… બીક સતાવવા લાગી કે છોકરીનું નામ સાચું નહીં બોલાય તો કેટલું ખરાબ થસે… પડોશવાળાં ગુજરાતીનાં લૅક્ચરરબેનનો ઠપકો યાદ આવ્યો: તમે ‘સ’-ને ઠેકાણે ‘શ’ ને ‘શ’-ને ઠકાણે ‘સ’ બોલો છો; પાંચડાવાળા ‘ષ’-ની તો તમને ખબર જ નથી; મારું નામ ‘શાન્તા’ છે, ‘સાન્તા’ નહીં, આવું તે કેમ ચાલે ભાગિબેન!
એટલે ભાગિબેનને થાય, ‘સુસમા’ બોલૈ જસે તો? એમનાથી બબડી પડાય છે, ‘સું કરવું’. વાત ઘણી મુશ્કેલ એ રીતે હતી કે ભાગિરથીબેન અને ઘરનાં સૌને, જાણ્યું ત્યારથી, સુષમા ઘણી જ ઘણી ગમી ગયેલી -ડર્મેટોલૉજિસ્ટ છે. રૂ-બ-રૂ થયાં તો ખાતરી થઈ ગઈ ને એટલે એટલી બધી લાલચ ઉભરાઈ આવી કે ન પૂછોની વાત. ભાગિરથીબેનને નરી અકળામણ સિવાયનું કશું સૂઝતું નથી. ‘સુશમા’—ના, સાચું નથી… પણ પાંચડાવારો ‘સ’ કેમની બોલું…સા-શાન્તાબેન કૉલેજ ગઈ છે નહિતર ફોન કરીને બોલાવી લેત…સું કરવું…‘સુસ્શ્મા’ બરાબર છે. એટલે એમણે બોલી નાખ્યું: તમાઆરી સુસ્શ્મા અમને પસંદ છે: પેલાં બધાં જોઈ રહેલાં. જોકે એ લોકોનું મન પણ ‘ના’ પર પ્હોંચવા માનતું ન્હોતું -એટલા માટે કે એ લોકોને પણ ભાગિરથીબેનનો અવનીન્દ્ર ગમી ગયેલો -ઑન્કોલૉજિસ્ટ છે. અમુલખરાય બોલ્યા: ઓકે ફાઇન, અમને પણ અવનીન્દ્ર ખૂબ ગમી ગયો છે, કેટલો તો શાન્ત-સુન્દર ને મોહક છે.
એટલે ભાષાની ભાંજગડને પડતી મેલીને બન્ને પરિવારે સંસારમાં ડર્મેટોલૉજિસ્ટ અને ઑન્કોલૉજિસ્ટની ‘સુભગ જોડી’ (માતા શુભાંગી બોલેલી) ઉમેરાય એ માટે સમ્મતિસભર આનન્દમંગળ કરેલા -એટલે કે ભાગિબેનનાં બટેટાપૌંઆ વગેરે સઘળા ખાનપાનનો ગુજરાતી મનુષ્યને છાજે એ પ્રકારે સર્વ રસ હૉંશે હૉંશે અખૂટ ભાવે લૂંટેલો. પણ બીજે દિવસે લૅક્ચરરબેને પોતાના ઍચોડી પી. જે. બ્રહ્મભટ્ટનો હવાલો આપતાં કહેલું: બઅધ્ધું ખોટું! સુષમા બોલાય -સુ ષ મા.
ભાગિબેન જેવાં મારાં પાત્રો જોડે મારે સર્જક તરીકેનો નેડો બહુ! ને એટલે આમ મેં એમનો સનેડો છેડ્યો છે. એમને ‘સુષમા’ શબ્દ ન સૂઝવાનો તો પ્રશ્ન જ ન્હૉતો પણ એમને ચોખ્ખું ગુજરાતી બોલવાની આદત ન્હૉતી. ના, ચોખ્ખું ગુજરાતી બોલવું એમને જરૂરી ન્હૉતું લાગતું. ના, એવી ભાષાપ્રીતિ એમના સ્વભાવમાં ક્યારેય ઊગી ન્હૉતી. ના, કમભાગ્યે એમને એ સંસ્કાર જ મળ્યો ન્હૉતો.
પહેલાંના વખતમાં રેડિયો ફોન કે છાપાં તો ‘પૈસાદાર’ લોકોને ત્યાં જ હોય. રેડિયો મોટેથી મૂકે જેથી ફળિયાવાળાં સમાચાર સાંભળી શકે. ફોન કરવા દે, પણ કહી દે -રીસિવ નહીં કરીએ. છાપાં એમને વાંચી લીધાં પછી મળે પણ પરત તરત કરવાનાં, કારણ પસ્તીના પૈસા. મેં મારા ડભોઈના ‘સયાજી સાર્વજનિક પુસ્તકાલય’-માં છાપાં વાંચવા એકઠા થતા લોકોને જોયા છે. સ્ટૅન્ડ પર બન્ને તરફ છાપાં ટાંગ્યાં હોય. બન્ને તરફ વ્યક્તિઓનાં મોઢાં વાચન માટે આતુર મંડાયાં હોય. હવે સારું છે. લોકો દૂધનો લગવો બંધાવે એમ છાપું બંધાવે છે. ચાર-પાંચ છાપાં બંધાવનારા ઠીક ઠીક ગર્વિષ્ટ દીસે -એમ કે, દેશની અમને કેટલી પડી છે…આ ભાગિબેન પણ એ વર્ગમાં આવે. એઓ ચાર છાપાં મંગાવે છે પણ ખાલી પાનાં પલટાવી જાય છે. મેં પૂછ્યું, પૂર્તિઓ વાંચો? તો કહે: રામ રામ ભજો, છાપાં નથી જોવાતાં ત્યાં પૂર્તિઓ માટે કોણ નવરું છે…તમારે સું, તમે લોકો તો ચીતર્યે રાખો જાતભાતનું: એમને મેં આપણા આ છાપા માટે પૂછ્યું. તો બેધડક કહી દીધું, ભાઈ, ‘નવગુજરાત સમય’ અમારે ત્યાં નથી આવતું! -છાપાંને જાણે પગ હોય ને સવાર સવારમાં ઘરો ખોળતાં મૅળે મૅળે પ્હોંચી જતાં ના હોય!
શ્હૅરોમાં સાપ વીંછી જેવાં ઝેરી જીવોએ આવવાનું છોડી દીધું છે -સમજીને. બાકી પહેલાં તો એમને ભગાડવા લાંબી લાકડી ને ડાંગ રાખવી પડતી. હા, લાઇટો જાય ત્યારે ટૉર્ચની જરૂર પડે છે. રસોડામાં લાઇટર કામ ન આપે તો દીવાસળીની પેટી ચૉક્કસ જગ્યાએ રાખી મૂકવી પડે છે. પણ કેટલાય લોકો ઘરમાં ડિક્ષનરી નામની વસ્તુ નથી રાખતા. ભાગિબેનના ઘરમાં પણ એક પણ ડિક્ષનરી નથી. અવનીન્દ્રનાં ભાઈ-બેન પાસે કમ્પ્યૂટર ને ઇન્ટરનેટ છે. પણ ઘરનાં બાકી સભ્યો ભાગિબેન જેવાં ‘ભાસા’-ને ‘વિસે’ બેતમા છે. એટલે સંભળાવે, કે -ડિક્સનેરીનો સૉ ખપ! વેદિયાવેડા નહીં તો!
વર્તમાન જીવનશૈલી મુજબ ભાગિબેનનું રસોડું ડિઝાઇનર-મેડ છે. કિચન-ચિમની. માઇક્રો વેવ. આરો. ડબલ-ડોર ફ્રિજ. હૉલમાં બિગ ટીવી છે. રૂમે રૂમે ફોન. એસી છે. સ્પિલ્ટ છે. ઘરમાં પૂજાનો કૉર્નર છે જ છે -કેમકે હોવો જોઈએ. પણ પુસ્તકો માટેનું અલાયદું કબાટ કે હોમ-લાઇબ્રેરી નથી. કેમકે પુસ્તકો પોતાની મેળે ‘આવતાં’ નથી! કેમકે સાહિત્યનાં કે વિજ્ઞાનનાં બે-એક મૅગેઝિન પણ પોતાની મૅળે ‘આવતાં’ નથી. ટૂંકમાં, સુષમા-પરિવાર-સંલગ્ન ભાષા-સાહિત્યવાળું કશું નથી. ભાગિબેનને ક્યારેય નહીં થવાનું કે કોક દી લાભશંકર ઠાકરને શોધી કાઢીએ ને કહીએ કે ‘સુ ષ મા’ નામ ફાવી ગયું છે પણ એના અર્થની નથી ખબર…ના, એમ નથી જ થવાનું… (‘સુષમા’ એટલે, ઘણી સુન્દરતા; અતિ સૌન્દર્ય).

= = =

License

સુમન શાહની નિબન્ધસૃષ્ટિ Copyright © by સુમન શાહ. All Rights Reserved.

Share This Book