આપણા જમાનાને અઘરા લાગે એવા શબ્દોમાં ‘જીવનશ્રી’ પણ આવે. એમાં બે શબ્દોનો સરવાળો છે: જીવન અને શ્રી. આમ તો, જીવન એટલે જીવન અને શ્રી એટલે શોભા, સૌન્દર્ય. જીવનશ્રી એટલે જીવનની શોભા, જીવનનું સૌન્દર્ય એમ પણ ઘટાવી શકાય. જીવન જ એવું જિવાતું હોય કે તેને જ શોભા કહેવું પડે, સૌન્દર્ય કહેવું પડે. આમ તો જીવન અને સૌન્દર્ય બંને અનુભવવાની ચીજો છે. લખવા-વાંચવાની કે બોલવા-સાંભળવાની નહીં પણ અનુભવવાની ચીજોને ભાષામાં ન મૂકીએ તો સારું —ને જો મૂકીએ તો કાળજીથી, સંભાળીને; અનુભવનું ખરાપણું અળપાઈ ન જાય એ માટેના પૂરા વિવેકથી મૂકીએ.
આપણે શ્વાસ લઈએ છીએ, ખાઈએ છીએ, પીઈએ છીએ કે ઊંઘીએ છીએ, હસીએ કે રડીએ છીએ, તે બધું જ જીવન છે. આ હું બોલું છું, લખું છું, સાંભળનાર સાંભળે છે, વાંચનાર વાંચે છે ત્યારે પણ જીવન છે. એટલું જ નહીં, ચાલીએ દોડીએ કે ઊડીએ ત્યારે પણ જીવન. ઠૂંઠા જેવા બેસી રહીએ કે એવા ઊઠેલા આપણે વિચારોના પતંગો ચગાવીએ, ત્યારે પણ જીવન. કસરત કરતાં, બગાસું ખાતાં, તમાચો મારતાં કે પીઠ પસવારતાં પણ જે પ્રગટે છે તે જીવન છે. આપણા વડે જિવાય અને જિવાતાં જે પ્રગટે તે જીવન છે. શરીર હૃદય મન બુદ્ધિની કશી પણ ચેષ્ટા, કશી પણ અવસ્થા, જીવનને જ સૂચવે છે, જી-વ-નને જ જન્માવે છે.
માણસ જાણે કશું મસમોટું પુષ્પ હોય અને એ પુષ્પનું જરાક ફરફરવું, એની પાંખડીનું અમસ્તું જ હાલવું, જે લાગણી પ્રેરે છે તેનું નામ જીવન છે. જાણે જીવન એટલે મનુષ્યપુષ્પમાંથી ફૉરતી રહેતી કશી અ-રૂપ સુવાસ. એ સુવાસને રૂપ નથી તેમ કશી સીમા પણ નથી, એ નિ:સીમ છે. જીવન ક્યારેય અટક્યું નથી, અટકશે નહીં. હું-તમે ન્હૉતાં ત્યારે પણ એ હતું, નહીં હોઈએ ત્યારે પણ એ તો હશે જ. જેમ કલ્પી નથી શકાતું કે ધરતી ક્યારેય નહીં હોય, આકાશ ક્યારેય નહીં હોય તેવું જ જીવનનું છે. એ રીતે, એ અકલ્પ્ય પણ છે. બીજી રીતે પણ અકલ્પ્ય છે –જીવન વિશે કંઈ પણ વિચારવું કે કલ્પવું અશક્ય-જેવું છે. એટલા માટે કે એવું કરવા જતાં આપણે એક જબરજસ્ત મોટી ભુલભુલામણીમાં પ્રવેશીએ છીએ. એવું કરવા જતાં આપણા વિચારની દાંડી થોડીક જ વારમાં ડગમગવા માંડે છે. આપણી કલ્પનાનો ઘોડો થોડુંક જ ઊડતાં, હાંફવા લાગે છે. ધરતી જેવા જીવનને ઉકેલવાના ઘણાઓએ પ્રયાસ કર્યા છે. એ ફિલસૂફો સન્તો મહાત્માઓ વધુ ને વધુ ગૂંચવાતા ગયા છે. આકાશ જેવા જીવનને આંબવાના કે તેની વ્યાખ્યાઓ કરવાના પુરુષાર્થે ચડેલા વિચારકો ચિન્તકો દાર્શનિકો કે સિદ્ધાન્તવિદો ફાવ્યા નથી. એ અર્થમાં જીવન અમાપ અને નર્યું ગૂઢ છે.
પરન્તુ બીજા અર્થમાં સાવ સરળ અને સહેલું છે. આપણે જો એને સહજતાથી લઈએ તો એના જેટલી સહજ ચીજ એકેય નથી. પણ આપણે સંસ્કૃતિ અને સભ્યતા નામની બબાલો ઊભી કરીને જીવનને આવર્યુંછાવર્યું છે. વિકૃત કર્યું છે, મચડ્યું છે. આદેશો-ઉપદેશો કે વિધિ-નિષેધો વડે આપણે જીવનની ચોફેર દીવાલો રચી છે, તેને ઠેકઠેકાણેથી બાંધી નર્યું કૃત્રિમ જડ અને કુરૂપ કરી નાખ્યું છે. એ સંજોગોમાં જીવનશ્રીની આશા કરવી તે અંધારામાં બિલાડી શોધવા જેવું વ્યર્થ અને હાસ્યાસ્પદ છે.
મારી નજરમાં, માણસોમાં સૌથી વધુ સહજ, બાળક છે. મારી નજરમાં, પ્રકૃતિમાં સૌથી વધુ પ્રાકૃત —કુદરતી— બસ વૃક્ષ છે. કેવું ઊભું હોય છે પોતાને મળેલી જગ્યાએ? કેવું અવિચલિત? સ્થિર, ઝમતું મર્મરતું ઝંઝા વખતે ઝૂકી જતું… વર્ષા કે ચાંદનીમાં ભરપૂર નહાતું… સુગન્ધભર્યાં ફૂલ અર્પતું… સ્વાદભર્યાં ફળ આપતું…
જીવનને માણસે જો વૃક્ષસમું રાખ્યું હોત, તો બધા બહુ પ્રશ્નો જન્મ્યા જ ન હોત. પણ સંસ્કૃતિ અને સભ્યતામાં ઓજારો કુહાડા ધારિયાં કરવતો વડે આપણે જીવનવૃક્ષને કે-દા’ડાનું વધેરી નાખ્યું છે. કાપીકૂપી છોલાછાલી તેનાં પાટિયાં પાડી દીધાં છે. પાટિયાંનાં બારીબારણાં ને ખડખડિયાં બનાવી દીધાં છે. એટલું જ નહીં, પાટિયાંનાં ફર્નિચર બનાવ્યાં છે ને તેથી ય ધરવ નથી થયો એટલે તે પર પૉલિશ વૉર્નિશ કે પૅઇન્ટની રંગરંગીન ચમકો ચમકાવી છે. બાળક બાળક મટીને પ્રૉફેસર, વકીલ કે પ્રધાન બને ત્યારે પણ, આવું જ થતું હોય છે. એ વૃક્ષનું પણ એવું કશું ફર્નિચર બની ગયું હોય છે. જીવનશ્રી વૃક્ષોમાં જોવાય, ફર્નિચરોમાં નહીં…
= = =