કુમુદસુંદરી સુભદ્રામાં તણાયાના સમાચાર મનહરપુરીમાં સાંભળી, ગુણસુંદરી સાથે વિદ્યાચતુર રત્નનગરી આવ્યો તે સમયે મણિરાજને ગાદી પર બેઠે બે ત્રણ વર્ષ થયાં હતાં.
જે બાગમાં મલ્લરાજ ગુજરી ગયો તે બાગમાં મલ્લેશ્વર નામ આપી એક સાધારણ કદનું પણ સુંદર શિવાલય કરાવ્યું હતું, કારણ આ રાજ્યમાં રાજાઓ મૂળથી શિવમાર્ગી હતા. છતાં વૈષ્ણવ ધર્મ પણ પ્રજામાં પ્રચાર હોવાથી રાજાઓ તેનો આદર કરતા, અને શિવાલયથી થોડે છેટે ચારે પાસ એ જ બાગમાં મલ્લરાજની પાછળ કેટલાક ન્હાના મ્હોટા તુળસીક્યારા પણ બંધાવેલા હતા.
સ્વામી ગયા પછી વિધવા રાણી મેનાએ આ જ બાગમાં રાત્રિ- દિવસ ર્હેવાનું રાખ્યું હતું. જે ઝુંપડીમાં મહારાજે દેહ મુક્યો તે જ ઝૂંપડીમાં રાજવિધવા પૃથ્વીપર શય્યા કરી પડી ર્હેતી: રાજસંબંધી સંસારસંબંધી કે કોઈ પણ પારકા વિષયની વાત કરવી કે સાંભળવી તેણે બંધ કરી હતી. દિવસમાં એક વખત નીરસ ભોજન કરતી. વાડીમાં માળીઓ અને મણિરાજ શીવાય કોઈ પુરુષનો સંચાર ન હતો. પ્રાત:કાળ પ્હેલાં વ્હેલી ઉઠી મેના પવિત્ર આસન ઉપર બેસી પ્રિય પ્રતાપી પતિનું સ્મરણ કરી અશ્રુપાત કરતી ઈષ્ટદેવતાનું સ્મરણ કરી શાંત થતી, અને પરલોકમાં પતિસંયોગ ઈચ્છી નિ:શ્વાસ મુકતી. સૂર્યોદય થતાં મલ્લેશ્વરની પૂજા કરતી અને સર્વે તુળસીક્યારાઓમાં પાણી સિંચતી તે થઈ ર્હેવા કાળે નિત્ય મણિરાજ અને કમળાવતી સજોડે આવતાં અને મેના જ્યાં આગળ હોય ત્યાં જઈ તેને પગે પડી, તેને બેસાડી, પોતે તેના સામે પૃથ્વી પર બેસી, ધર્મનો ઉપદેશ અને આશીર્વાદ માતાપાસે લેતાં. થોડી વારે મણિરાજ જાય અને કમળાવતી વાડીમાં ચારે પાસ ફરી રાજમાતાનું ચિત્ત પ્રકુલ ર્હે એવી તપાસ રાખતી, માતાને સુવાની પથારી, પ્હેરવાનાં વસ્ત્ર, અન્નપાનની સામગ્રી અને ઝુંપડીનો સર્વ સામાન જાતે પોતાને હાથે દાસીભાવથી તયાર કરતી. માતાને જમાડતી, અને પછી સ્વામીસેવાને અર્થે મ્હેલ જતી. બપોરે મધુમક્ષિકા રાણી પાસે આવી શાસ્ત્રની વાતો કરતી અને પુરાણો વાંચતી. સાયંકાળે પુત્રવધૂ પાછાં આવે, પુત્ર ગયા પછી વહુ અને બેચાર દાસીએ સાસુ પાસે બેસે. રત્નનગરીની મયત મહારાણીઓ અને સ્ત્રીરત્નોના ઇતિહાસ પુછે, તેમની મ્હોટાઈ અને તેમના સદ્ગુણોનાં વર્ણન સાંભળે, અને મલ્લરાજનાં કીર્તન સાંભળી મનમાં ફુલે અને સાસુનું દુ:ખ દેખી રુવે, અંતે મેનાની આજ્ઞા થતાં કમળા જાય, અને સંતાનનાં સદ્ગુણ અને વાત્સલ્ય જોઈ, “આ છાજશે ખરું?” એ વિચારના બળ તળે ડબાતી રાણીનાં આંસુનો છેડો આવ્યો ન હોય એટલામાં મહારાજ મહારાજનું સ્મરણ આંસુની છાલકો અનાથ વિધવાની આંખોમાં આણે, અને દુ:ખ, શોક, અને આંસુ ભરી સુતી રાજવિધવાને પૃથ્વીની પથારી કઠણ છે કે નરમ છે તેનું ભાન આવતું ન હતું, રાત્રિ કેટલી ગઈ તે જણાતું ન હતું, આંખ અને પોપચાં વચ્ચે આંસુનો પડદો ર્હેવાથી પોપચાં ઉઘાડાં કે મીચેલાં છે તે સુઝતું ન હતું, અને “મહારાજની મ્હારા ઉપર કેટલી કૃપા હતી?” “મહારાજ ગયા ને હું દુષ્ટ જીવું છું!” “એ મહાયોગીની કૃપાને લાયક હું ન્હોતી”—“એ મહાકૃપાળુની કૃપાના બદલામાં મ્હેં એમના મહાન્ ચિંતાભારમાંથી એમને કદી છોડવ્યા નથી, એમની ચિંતા ઘટાડવાને બદલે મ્હેં જ વધારી હતી.” ઇત્યાદિ વચનો બોલતી બડબડતી જાગરણ કરતી દુ:ખી પતિવ્રતા રાજવિધવાને નિંદ્રા પોતે જ ઉઘાડતી.
વિદ્યાચતુરે ઘણુંક આશ્વાસન આપ્યાં છતાં કુમુદસુંદરીના સમાચારથી દુ:ખનો ભાર સ્હેવા ગુણસુંદરી અશક્ત નીવડી હતી, મણિરાજ તથા વિદ્યાચતુરે એ દુ:ખ હલકું કરવા એને રાજમાતા પાસે મોકલી, दुःखे दुःखाधिकं पश्य એ ન્યાયે દુ:ખી રાજવિધવાને જોઈને જ સુજ્ઞ ગુણસુંદરી પોતાનું દુ:ખ ભુલશે એવી સઉને કલ્પના હતી.
ગુણસુંદરી, સુન્દરગૌરી અને કુસુમસુંદરીને લેઈને, મલ્લેશ્વરની વાડીમાં આવી તે પ્રસંગે પ્રા:તકાળના સાતેક વાગ્યા હશે. એક તુળસીક્યારામાં પાણી સિંચતી સિંચતી મેના, વિચારમાં પડી, ક્યારાને અઠીંગી ઉભી હતી. એના હાથમાંનું પાણીનું વાસણ પડી જઈ ઢોળાતું હતું તેનું એને ભાન ન હતું. તેને શરીરે માત્ર કોરવિનાનું કાળું વસ્ત્ર હતું. તેનું શરીર કૃશ થઈ ગયું હતું. તે તુળસીની એક એકલ ડાળી ક્યારાની એક બાજુપરધી લટકતી હોય અને અંતર્ના શોકકૃમિના કરડવાથી ત્રુટી જવાની તયારીમાં હોય એમ લાગતું હતું. કમળારાણીની કઠણ આજ્ઞા હતી કે માતાજી સુવે, બેસે, કે ફરે ત્યાં બે ચાર દાસીઓએ એમની પાસે ર્હેવું અને પાછળ ફરવું, એમને સુનાં મુકવાં નહીં, એમનું મન પ્રસન્ન રાખવું, અને શરીર સાચવવું. છતાં નિત્ય પોતાની પાસે અને પોતાની પાછળ માણસોની ચોકી જોઈ એકલી પડવા ન પામતી મેના કોઈ વાર અકળાતી અને દાસીઓને દૂર ક્હાડી મુકતી. આજે એ સઉને આઘાં ક્હાડી પતિ પાછળના ક્યારામાં સિંચતાં સિંચતાં પતિના વિચારથી આ દશા પામી હતી. પવિત્ર તુળસીક્યારાના આધારે નિશ્ચિત ટકેલા સ્થૂલ દેહના મસ્તિકમાં કારણદેહ સચેત થઈ પ્રચંડ મલ્લરાજની ઉભેલી પ્રતિમાનું દર્શન કરતો હતો અને ત્યાંથી તે પ્રતિમાને ન ખસવા દેવાના હેતુથી સ્થૂલ નેત્રનાં પોપચાંને ઉઘડવા દેતો ન હતો. રાણીની ગાત્રયષ્ટિ યષ્ટિ જેવી થઈ ગઈ હતી. તેનો જેટલો દેહ વસ્ત્ર બહાર દેખાતો હતો ત્યાં ચર્મથી ઢંકાયલાં હાડકાં ગણાય તેવાં જ દેખાતાં હતાં, તેના ઓઠ રાત્રિદિવસના નિ:શ્વાસથી કરમાઈ ગયા હતા અને તેનો રંગ સુકાયલો ફીક્કો બની ગયો હતો. એના આખા મ્હોં પર પીળો રંગ અને કરચલીયોવાળી ચામડી જોનારની આંખમાં આંસુ આણતાં હતાં. ગાલ બેસી ગયા હતા અને ચાલી જઈ સુકાયલી આંસુની ધારાઓના ડાઘ ચળકતા હતા અને હજી સુધી ચાલતી ધારાઓનું વ્હેતું પાણી મોતીના હાર રચતું ટપકતું હતું.
ક્હાડી મુકેલી દાસીઓ, જતાં ર્હેવાની આજ્ઞા પાળી, પાસેના ઝાડ પાછળ સંતાઈ રહી હતી તે રાજવિધવાની આ અવસ્થા જોતાં આગળ આવી. વાડીમાં હરતાં ફરતાં મેના આ સ્થિતિ ઘણીવાર પામતી અને આ પતિયોગને કાળે એ યોગ તોડાવવા અને આ મિથ્યાસંસારનું ભાન આણવા કોઈએ પ્રયત્ન કરવો નહીં એવી એની આજ્ઞા હતી એટલે કોઈ એને મૂર્છામાંથી જગાડતું નહીં, પણ શિવકીર્તનને નિમિત્તે પતિજપ જેવાં કીર્તન રચી વિધવા જાગૃત દશાના દુર્ગમ અવકાશમાં કાલક્ષેપ કરતી, અને વૈધવ્યને લીધે પોતે તો ઉચ્ચ સ્વરથી ગાવું તજેલું હતું પણ દાસીઓની પાસે ગવડાવી સાંભળતી હતી. કમળાવતીની આજ્ઞાથી મેનાની મૂર્છાના સમયે દાસીઓ આ કીર્તનો ગાતી, મેનાના પોતાના તંબુરામાં ઉતારતી, અને ત્યાંથી તે મેનાના કર્ણમાં અને હૃદયમાં જતાં, અને એ નિમિત્તે પાસે રહી દાસીઓ મેનાનું શરીર પૃથ્વીપર પડી જાય નહી તેની સંભાળ રાખતી.
ગુણસુંદરી, સુંદરગૌરી, અને કુસુમને મૌન રાખવા અને એક સ્થાને ઉભા ર્હેવાની નિ:શબ્દસંજ્ઞા કરી એક દાસી તેમની પાસે ગઈ. બીજી દાસીઓમાંની એક મેનાની પાસે ઉભી રહી, તુળસીક્યારાની પડઘી ઉપર પગ રાખી, ઝંઘા ઉપર અને ક્યારાની બાજુએ તંબુરો ગોઠવી, અત્યંત ઝીણે સ્વરે ગાવા લાગી અને ગાયેલું તંબુરામાં અને મેનાના કાનમાં ઉતારવા લાગી:
“જગતને ક્હેજો રે હરિ હર એક જ છે,
“વૈકુંઠ વસે તે રે કૈલાસની માંહ્ય જ છે! જગતને૰
“બ્રહ્માહરિહર એક પુરુષ છે!
“એક જ સર્વે શક્તિ રે!
“પામર જન દેખે છે ભેદ જ,
“એક જ સઉની ભક્તિ રે. જગતને૰
“એક સ્વરૂપને ભિન્ન ગણે તે
“નરકતણો અધિકારી રે;
“એક ગણી સઉ એ દૈવત, અમે
“ઇષ્ટ છબી સ્વીકારી રે. જગતને૰
“રત્નપુરીના રાજભવનમાં
“શંકરની છવિ ઈષ્ટ જ છે;
“યુદ્ધશ્મશાનતણા અભિલાષી
“શિવભક્તિથી બલિષ્ટ જ છે. જગતને૰
“શિવ વિષ્ણુ શક્તિ પર સરખી
“મલ્લરાજની ભક્તિ હતી;
“રંક ભીખારણ ને રાણી પર
“એક જ એમની આણ હતી! જગતને૰
“એક જ આજ્ઞા, એક જ દૃષ્ટિ;
“એક જ ભક્તિ, સર્વ સ્થળે
“રાજયોગી રચી ચાલી ગયા; પણ
“ઈષ્ટ છબી પાછળ રવડે. જગતને૰
“સર્વ દેવને એક જ ગણતા
“રાજયોગી એ ચાલી ગયા;
“ઈષ્ટ શંભુની છવિને ચરણે
“મેનાની છવિ સોંપી ગયા! જગતને૰
જેમ જેમ પાછલો ભાગ ગવાતો ગયો તેમ તેમ મેના કંઈક હાલતી ગઈ; છેલ્લું ચરણ ગવાયું તેની સાથે કંઈક આંખ ઉઘડી પણ પાછી મીંચાઈ ગઈ એટલામાં કમલાવતી આવી, સર્વે વાત છાનીમાની સાંભળી અને જાણી, અને તંબુરો પોતાના હાથમાં લઈ જાતે કીર્તન આરંભ્યું, અને વચ્ચે વચ્ચે દાસીઓ તેમાં પોતાના સ્વર ભેળવવા લાગી.
“શંકરની મૂર્તિ મનોહરી નિરાકાર ને સાકાર રે-શંકરની૰
“શંકર સાકાર વ્યાપે વિશ્વમાં, સ્થાણુ અચલ ક્હેવાયરે, શંક૰
“મહાદેવ શ્મશાનમાં સદા વસે જોતા સૃષ્ટિસંહાર રે; શંક૰
“ભોળા દેવ લીલુંસુકું ન દેખતા, કરતા વિજયાનું પાન રે? શંક૰
“ફણાધારી ફુંકે વિષ વિશ્વમાં, પ્રભુને અંગે વીંટાય રે! શંક૰
“સંહર્તા એ સંહારી નામ રૂપ સઉ નિરાકારમાં સમાય રે! શંક૰
“સાકાર શંકરને તે પૂજતા મલ્લ મહારાજ સાકાર રે, શંક૰
“નિરાકાર શંકરમાં સમાઈ ગયા! રહ્યો મેનાનો આકાર રે! શંક૰
આ લીટી ગાતાં ગાતાં યુવતિ કમળાના ગૌર ગાલ પર આંસુ ઉભરાઈ ગયાં અને બાકીનો ભાગ રોતી રોતી ત્રુટતે સ્વરે ગાવા લાગી.
“સ્વામી શંકરરૂપ એ થયા! થયો સંસાર શ્મશાન રે! શંક૰”
કમલાવતીનું રોવું રહ્યું નહી—સર્વ રોવા લાગ્યાં, રોતાં રોતાં પણ રાણી ગાવા લાગી.
“એ રે શ્મશાને મેના એકલી પ્રભુના પરજીયા જ ગાય રે! શંક૰”
છેલ્લી ચાર લીટીઓ રાણીએ ફરી ગાઈ અને ગાતે ગાતે રોતે રોતે હૃદય અવશ થતાં સાસુને પગે ઢળી પડી, તંબુરો પડ્યો, તાર ત્રુટવાના રણકારા થયા, અને એ ગાન, એ મર્મ, એ સ્વર, અને એ સ્પર્શથી વત્સલ મેના ચમકી, આંસુ બંધ કરતી કરતી જાગી, અને કમળાને બે હાથે ઉઠાડી એને ભેટી પડી. સાસુની છાતીમાં માથું સમાવતી બાળા બોલી.
“માતાજી, પિતાજી ગયા તેની પાછળ આપ રહ્યાં છો તો અમ બાળકોનું એટલું છત્ર છે. ભુલાય નહીં એવું મહાદુ:ખ અમ બાળકોને ઢાંકવામાં ક્ષણ વાર ભુલો! જે મહારાજ ઈશ્વરરૂપ થયા તેનો આ ધરતી ઉપર આપ અવતાર છો! પવિત્ર મલ્લેશ્વરનાં આપ અનન્યભક્ત છો! તેમનું સાકાર સ્વરૂપ છો! આ સંસારને શ્મશાન ગણી તેમાં ઉમામહેશ્વર પેઠે હજી આપ બે જણ છો જ! તો અમો અને આ વસ્તી સર્વ આપની રંક પ્રજા છે તેના સંસાર ઉપર અમીદ્રષ્ટિ રાખો અને તેમની ભક્તિને વશ થઈ પ્રભુનું અનુકરણ કરો!”
“કમળારાણી!” મેનાએ ઓઠ ઉઘાડ્યા.
“ના માજી! હું આપની પ્રજા છું—મ્હારાં ઉપર પ્રીતિ હોય તો કમળા કહીને મને બોલાવો, અને મ્હારી સાથે કંઈક હસો, અને મને ને આ આપની પ્રજા છે તેને આજ્ઞાઓ અને આનંદ આપો! માતાજી, આજ્ઞા ઉપાડવાના ભારમાં મને આનંદ થાય છે; પણ કોઈને માથે આજ્ઞા મુકતાં હું ધ્રુજું છું – એ ભાર ઉપાડવા મને મ્હારી અયોગ્યતા લાગે છે; માજી, આજ્ઞા ઉપાડનારને એક જ વિચાર છે ને આજ્ઞા કરનારને અનેક વિચાર છે; માટે આજ્ઞા કરવાની કઠણ વાતની લગામ હતી તેવી ને તેવી આપના પવિત્ર અને ચતુર હાથમાં રાખો. મને આ ભારમાંથી થોડા દિવસ છુટી રાખો, અને એ ભાર આપની પાસે રાખો તે જોઈ જોઈ ઉપાડતાં શીખીશ.”
સાસુનું દુ:ખ ભુલાવવા એને રાણીના અધિકાર ઉપર જ રાખવી અને એ અધિકારમાં એને કાળક્ષેપ થવા દેવો એ લોભની અભિલાષિણીએ ઉચ્ચકુળની ક્ષત્રિયાણીને સહ–જ પણ મહાન આગ્રહ આરંભ્યો.
જેમ કમલાવતીને સાસુને પ્રવૃત્તિમાં નાંખવાનો આરંભ હતો તેમ પતિ શબ્દમાં જ કેવળ નહીં પણ પતિની નીતિ અને મનોવૃત્તિમાં પરાયણ ર્હેવાની શક્તિવાળી અને પતિ પાછળ પણ પતિવ્રતા ર્હેનારી મેના આરંભેલા તપમાંથી ચળે એમ ન હતું. કમળાનું માથું ઉચું કરી બોલી.
“કમળા, તમે પતિવ્રતા છતાં મને આપણા છત્રરૂપનાં વચન તોડાવવા કેમ ઇચ્છો છો? પણ ચાલો, આ ગુણસુંદરી આવેલાં છે તેમનો સત્કાર કરો.”
સઉ સજ્જ થઈ ગયાં, અને દુ:ખની વાર્તાઓ મુકી વ્યવહારનો આચાર આરંભવા લાગ્યાં.
“ગુણસુંદરી, ચાલો મ્હારા આશ્રમમાં.”
એક પાસ મેના, જોડે ગુણસુંદરી, જોડે કમલાવતી, તેની આંગળીએ કુસુમ અને છેલી સુંદર, એમ એક હારમાં ઝાડો વચ્ચે ચાલ્યાં, અને પાછળ દાસીઓ ચાલી. રસ્તો સાંકડો આવે ત્યારે હાર ભંગાય અને પ્હોળો આવે ત્યારે સંધાય—એમ સર્વે ચાલ્યાં. ચાલતાં ચાલતાં મેના નિ:શ્વાસ મુકી બોલી. ગુણસુંદરી, માંદા માણસના શરીરની દુર્દશા સઉ જુવે તેમ મ્હારાં જેવાનાં મનની દુર્દશા પણ સઉ જુવે—તમે તે જોઈ કમળા! હું વૃદ્ધ તો દુર્દશા પામું પણ તમે જુવાન માણસ પણ પામ્યાં?”
ગુણસુંદરી – “માતાજી, એ જોવાને જ મને આપના પ્રધાને મોકલી છે.”
મેના -“મ્હેં! ગુણસુંદરી! ક્ષત્રિયાણીની દુર્દશા કોઈ જુવે તો એને લાજી મરવાનું થાય.”
ગુણસુંદરી—“માજી! અમારાં જેવાંની દુર્દશા જરી જરીમાં થાય ને ઘડી ઘડી થાય, તેને આપ જેવાનાં મહાદુ:ખ જોઈ શરમાવાનું થાય અને અમારાં ધુળ જેવાં દુ:ખના અભિમાન છુટી જાય. માતાજી! કુમુદ નદીમાં તણાયાના સમાચારથી મને શોક થયો અને એના પિતાના વચનથી શોક વળ્યો નહી. ત્યારે તેમણે મને ઠપકો દેઈ કહ્યું કે માતાજીના દુ:ખ આગળ ત્હારું દુ:ખ તો કાંઈ લેખામાં નથી, માટે માતાજીનાં દર્શન અને વચનથી આશ્વાસન લે. તે લેવા મને મોકલી છે.”
કુમુદ તણાયાના સમાચાર જાણતાં મેના ચમકી, દુ:ખી થઈ અને અરસપરસ વાતો કરી સઉ વીગત જાણી લીધી. એ વાતો ચાલે છે એટલામાં એક જૈન “આરજા” (આર્યા) આવી અને થોડી વારે સામંતની વૃદ્ધ સ્ત્રી આવી. છતાં ચાલતી વાર્તામાં કોઈએ ભંગ પાડ્યો નહીં. તે વાર્તા થઈ ર્હેવા આવી એટલે સામંતની સ્ત્રી બોલી: “ગુણસુંદરી, સંસાર જ આવો છે. આપને સુપાત્ર પુત્રીના જવાનું દુ:ખ છે; મ્હારા ઘરમાં કુપાત્ર પુત્ર જીવ્યાનું દુ:ખ છે.”
આ વાક્યનો અનાદર કરી સર્વેએ પોતાની વાતો ચલાવી. તે વાતોને અંત આવ્યા વગર રહ્યો નહી. અંત આવ્યો એટલે વળી સામંતપત્ની બોલી.
“માતાજી, મ્હારું દુ:ખ આપ જાણો છો-”
“પતિ કરતાં પુત્રને વધારે પ્રિય ગણે તે સ્ત્રી પતિવ્રતા નથી અને પતિસુખને તે યોગ્ય નથી. ઠકરાળાં મને તમારી દયા નથી આવતી.” મેના બોલી.
“માતાજી, વૃદ્ધાવસ્થા સુધી ન્હાની કન્યાઓ પેઠે શિક્ષા ખમ્યાં કરવી એ દુર્ભાગ્ય મ્હારે જ કપાળે છે.”
“મૂળ સ્ત્રી અને તે વૃદ્ધ થઈ એટલે જરી શાણપણ રહેલું હોય તે પણ જાય. છત્રની છાયામાં ર્હો અને પતિદૈવત ઉપર શ્રદ્ધાં રાખી તેવી નિન્દાનો ધ્વનિ ન ક્હાડો.”
“માતાજી, હું નિંદા નથી કરતી, પણ ઠાકોરને અંતકાળ આવેલો છે તે કાળે પણ મ્હારું મ્હોં જોતા નથી અને મને દેશવટો આપેલો છે—એ દુ:ખ ખમાતું નથી. પુત્ર નઠારો છે તે જાણું છું, પણ માનું કાળજું એકવાર હાથમાં ન રહ્યું તેની શિક્ષા સ્વામી જતે પણ પ્હોંચશે તે કેમ ખમાશે? મને પુત્રનો કંટાળો આવ્યો છે અને આ ઘડીએ હવે કંઈક ક્ષમા મળશે નહી તો પછી ક્યારે મળવાની હતી?”
“સ્વામીના અવગુણ બીજાં માણસ પાસે ગાઈ વધારે દૂષિત થાવ છો અને ક્ષમાને અયોગ્ય ઠરો છો!”
“હું તેમનો દોષ નથી ક્હાડતી, પણ તેમની ક્ષમા કેમ મેળવવી અને તેમનું મુખ કેમ જોવા પામવું એ વાતમાં આપની શીખામણ માગું છું.”—બોલતી બોલતી સામંતપત્ની રોઈ પડી– “માતાજી, આપના શીવાય આ ક્ષમા અપાવી શકે એવું કોઈ નથી.” – “માતાજી, વડતળે વટેમાર્ગુને છાયા નહીં મળે ત્યારે બીજે ક્યાં મળશે? સરોવરની પાળે ઉભેલીને પાણી નહી મળે ત્યારે કોને મળશે?”
“એ અધિકાર હવે મ્હારો નથી. કમળારાણી મ્હારું બાળક તેને મ્હારો સર્વ અધિકાર સોંપેલો છે – તેને મુકી મ્હારી પાસે આ વાત કરવી મિથ્યા છે.”
“બાળકની પાસે ઘરડે મ્હોંયે હું શું કહું?”
“જે બાળકને ઈશ્વર આવો અધિકાર સોંપે છે તેના તેજમાં સર્વ અવસ્થાઓ સમાઈ જાય છે. ઠકરાળાં, તમારી રાણી બાળક છે એ વચનને જે અભિમાન તમારો પાસે બોલાવે છે, તે જ અભિમાનને ધાવી બાળક મૂળરાજ ઉછર્યો અને મ્હારા અને તમારા સ્વામીની આશાઓ નષ્ટ કરી! અને એ જ અભિમાન હજી સુધી તમારી વૃદ્ધ છાતીમાં ઉછળે છે તે જાણી રાજભક્ત સામંતરાજને હું તમારી ભલામણ કેવી રીતે કરું? આ રાજ્યમાં બીજો સામંતરાજ જન્મ્યો નથી અને હવે જન્મવાનો નથી! એને મરતાં મરતાં પણ તમારા ભણીનો અસંતોષ છે તે છોડવવો એ તમારું અને મૂળરાજનું કામ. એમાં મેના શું કરશે ને કમળા શું કરશે?” “સામંતરાજની અવસ્થા જાણી મૂળરાજને તેડાવવા એમના ભાઈએ પત્ર લખ્યો છે.” ધીમે રહી કમળાવતી બોલી.
“જુવો, ઠકરાળાં! મેઘની પાસે બે છાંટા માગતાં તમને તો શરમ આવી, પણ મેઘે તો વગર માગ્યે જ વર્ષવા માંડ્યું છે. મણિરાજે મૂળરાજને કાગળ લખ્યો અને બીજું શું કરશે તે જાણવું હોય તો તેમને પુછો.”
થોડીક વાર વિચારમાં પડી મેના બોલી: “બેટા કમળા! – આ સંસારની વાતો ન કરવી એ મ્હારી પ્રતિજ્ઞા આજ તુટી. ઠકરાળાંની વાતોએ ઘડીક મ્હારા મન ઉપર સંસારનો રંગ ચ્હડાવ્યો અને હું મ્હારા ધર્મથી ભ્રષ્ટ થઈ. તમે હવે એટલી વ્યવસ્થા કરો કે ફરી મ્હારી પાસે કોઈ આવી વાતો ન ક્હાડે. ભોજન ઉપર બેસીએ તો ભુલમાં કોળીયો ભરાય.”
કમળા ઉત્તર આપે છે એટલામાં વૃદ્ધ થયલી મધુમક્ષિકા આવી અને ધીમે ધીમે બોલવા લાગી:
“માતાજી, હું દરવાજામાં આવતી હતી એટલામાં પ્રધાનજી મળ્યા અને મહારાજના તથા પ્રધાનજીના પોતાના સંદેશા આપને પ્હોંચાડવા મ્હારી જોડે મોકલ્યા છે.”
“સામંતરાજના શરીરની અંત્ય અવસ્થા પાસે આવતી જાય છે અને બેચાર ઘડીમાં એમને સન્નિપાત થશે એવું ભય છે, ઘડી ઘડી મહારાજનું નામ સંભારે છે ને બીજી કાંઈ વાત કરતા નથી. આ પળે એમની પાસે જવું આવશ્યક ધારી મહારાજ ત્યાં પધાર્યા છે અને આપની પાસે આવી શક્યા નથી.”
“મહારાજ અને પ્રધાનજી સામંતરાજને ત્યાં પધારતા હતા એટલામાં માર્ગમાં મૂળરાજને બંધમાં રાખી આવતા રક્ષક અધિકારીઓ સામા મળ્યા. આ રાજ્યમાં બ્હારવટે નીકળી કોઈનું ખુન કરવાનો તેમને માથે આરોપ હતો અને તેમના હાથમાં મરેલા માણસનું માથું હતું તેવે વખતે સુભદ્રાની પાસેનાં કોતરોમાંથી તેમને પકડ્યા હતા.”
“પણ એમને લાવનાર માણસો મળ્યાં તે પહેલાં માનચતુરભાઈની પાસેથી એક સ્વાર પ્રધાનજી ઉપર પત્ર લાવેલો હતો તેમાં કુમુદસુંદરીના સમાચાર હતા.” ગુણસુંદરી અને એની સાથેનું મંડળ ઉત્સુક બન્યું, મધુમક્ષિકા બોલવા લાગી:
“સુભદ્રાના પ્રવાહમાં કુમુદબ્હેનની પાછળ સુવર્ણપુરનો બ્હારવટીયો પ્રતાપ પડ્યો હતો અને તેની પાછળ એ રાજ્યનું માણસ શંકર પડ્યો હતો. પ્રતાપના હાથમાં કુમુદસુંદરીનો એક પગ હતો, પણ પ્રતાપ સ્વતંત્ર માર્ગે જાય તે પ્હેલાં શંકરે એનો પગ પકડ્યો અને શંકરને પ્રતાપે તરવારને ઘાએ હણ્યો. એટલામાં કુમુદબ્હેનના રક્ષણને અર્થે નીકળી પડેલા મૂળરાજે કાંઠા ઉપરથી પડતું નાંખી પ્રતાપનું માથું ધડથી જુદું કર્યું અને માથું લઈ પાણી બ્હાર નીકળ્યા તે માનચતુરને મળ્યા અને આણી પાસ આવ્યા. આ સમાચાર વાંચી મહારાજે મૂળરાજને સર્વ રીતે ક્ષમા કરી છે અને આ શુભ સમાચાર સાંભળી સામંતરાજનો જીવ સદ્ગતિ પામે, મૂળરાજના ઉપર તેમની કૃપા થાય અને પિતાપુત્રનો યોગ થાય એવું ઈચ્છી મહારાજ મૂળરાજને સાથે લઈ ગયા છે.”
સામંતપત્નીને હર્ષનાં આંસુ આવ્યાં. ગુણસુંદરીને રજ તૃપ્તિ થઈ નહી, તેને મન સોળે સોકટી કાચી રહી. મધુમક્ષિકા બોલવા લાગી.
“ગુણસુંદરી બ્હેન, પ્રધાનજીએ ક્હાવ્યું છે કે પ્રતાપ અને મૂળરાજની લ્હડવાડના સંધિમાં મૂળરાજને બે હાથ હત તો એક હાથે તરવારે વાપરી બીજે હાથે કુમુદબહેનને એ ઝાલી શકત; પણ એક હાથ એમનો કપાયેલો હોવાથી કુમુદબ્હેન નદીમાં એકલાં તણાયાં, અને પ્રતાપનું અને નદીનું બેનું ભય એમને હતું તેને ઠેકાણે હવે માત્ર નદીનું ભય છે –”
ગુણસુંદરીની આંખમાંથી નવીન આંસુ બળ કરી નીકળી પડ્યાં. રોવું આવવાનું થયું તે દાંતવડે નીચલો ઓઠ કરડી પકડી રાખ્યું અને સ્વર ગળામાં ડાબી નાંખ્યો. મધુમક્ષિકા સમજી અને બોલી
“બ્હેન, માનચતુરજી માણસો લઈ નદીને તીરે તીરે ઘોડા દોડાવતા ગયા છે. મૂળરાજનું એવું ક્હેવું છે કે નદીના મુખ આગળ રત્નાકર સાથે સંગમ થાય છે ત્યાં આગળ કુમુદબ્હેનનું શરીર તણાતું તણાતું પ્હોંચશે. તે વેળા ભારતીની હશે, અને તેથી નદીનાં અને રત્નાકરનાં પાણી સામાં મળશે એટલે સંગમ આગળનું બધું પાણી સ્થિર ર્હેશે એટલે કુમુદબ્હેનનું શરીર આગળ સમુદ્રમાં નહી તણાય પણ સંગમ આગળ અટકશે.”
ગુણસુંદરીને કંઈક આશા આવી. મધુમક્ષિકા વાધી.
“વળી નદીમાં ખેંચાયેલા કચરાના સંગમ આગળ મ્હોટો થર થયેલો છે અને તે ઉપર પડ બંધાયેલાં છે એટલે પાણી પણ છાછર અને નીતરેલું કાચ જેવું રહે છે. તેથી ત્યાં આગળ પાણીને તળીયે શરીર હશે તો પણ જણાશે અને હાથ આવવું કઠણ નહી પડે—આ પ્રમાણે મૂળરાજને આશા છે અને તેવી સૂચના તેમણે જ આપેલી છે તેથી માનચતુરજી ત્યાં ગયા છે.” “હરિ કરે તે ખરું!” નિ:શ્વાસ મુકી ગુણસુંદરી બોલી.
“ઈશ્વર સારું જ કરશે.” મેના બોલી.
“માતાજીનો આશીર્વાદ છે તો સારું જ છે. પણ તણાઈ તે તણાઈ. માતાજી, હવે આશા વ્યર્થ છે: ઠીક છે, છેલા સમાચાર મળતા સુધી આશા ન મુકવી એટલે આપણો ધર્મ છે.” ગુણસુંદરી બોલી.
મધુમક્ષિકા—“માતાજી, મૂળરાજે મહારાજ દ્વારા આપની પાસે ક્ષમા માગી છે—મૂળરાજના કારણથી આપને ઘણું દુ:ખ સોસવું પડેલું છે –”
મેના—“મધુમક્ષિકા, ચિરંજીવ મહારાજને ક્હેજે કે શંકરરૂપ થતા પ્હેલાં રાજ્યના ધણી અને મ્હારા તમારા છત્રરૂપ તેમણે મને શિક્ષા કરેલી તેનાથી મ્હેં દુ:ખ ધર્યુ હત તો હું એ શિક્ષાને અયોગ્ય ગણી થાત. એ શિક્ષા યોગ્ય હતી અને તે શિક્ષા સ્વીકારતાં મ્હેં દુ:ખ નથી ગણ્યું: પણ મહારાજની પ્રીતિને પાત્ર થવા માટે પ્રાયશ્ચિત્તરૂપ ગણી સંતોષ માન્યો છે. બાકી હવે મૂળરાજનું શું કરવું તે તો તમારે જોવાનું છે.
સામંતપત્ની – “માતાજી, એને આપે ક્ષમા આપી એવો મીઠો ઉચ્ચાર કરવા કૃપા કરો.”
મેના—“એણે મ્હારો અપરાધ કર્યો જ નથી. રાજ્યનો અપરાધ કર્યો હોય તો તે રાજા જાણે.”
મધુમક્ષિકા—“બીજા સમાચાર એવા છે કે મૂળરાજે મહારાજને પગે પડી આંસુ સાથે માગ્યું કે જુવાનીના ઉછાંછળાવેડામાં મહારાજ મલ્લરાજને મ્હેં દુ:ખ દીધું છે તેથી વિશેષ અપમાન અને અપરાધ આપના વિષયે મ્હેં કરેલા છે. તેની ક્ષમા માગવી હું યોગ્ય ગણતો નથી, કારણ સર્વ તીર્થો ઉપર જઈ સ્નાન કરે તોપણ આ દોષોનું પ્રાયશ્ચિત્ત થાય એમ નથી; પણ માત્ર આટલું જણાવવા રજા માગું છું કે આપને સારુ મ્હારા મનમાં જે તિરસ્કાર અને ક્ષુદ્રભાવ હતો તેને સાટે હાલ હું એમ માનું છું કે આપના ઉદાત્ત વંશમાં હું એક શીયાળ જેવું પ્રાણી છું ત્યારે આપ શુદ્ધ સિંહરૂપ છો—આપની બુદ્ધિ, શૌર્ય, સદ્ગુણ અને ઉદાત્ત રાજતેજ આગળ હું એ ક્ષુદ્ર જીવ જેવો છું. અને મહારાજ મલ્લરાજને ઉગ્ર મુખે દેહાંતશિક્ષા સાંભળતાં જે અભિમાન નમ્યું ન હતું તે સર્વ અભિમાન આજ જાતે છોડી, વસિષ્ઠને પગે વિશ્વામિત્ર પડ્યા હતા તેમ, આપને પગે પડું છું અને આ જગતમાં એટલું પ્રાયશ્ચિત્ત કરવા દેશો તો હું દુષ્ટ પોતાને કંઈક શુદ્ધ થયો ગણીશ.”
“માતાજી, આ ઉપરાંત મૂળરાજે કહ્યું કે હું મ્હારી માતાની સ્ત્રીબુદ્ધિએ ચાલ્યો અને પિતાના બુદ્ધિતેજનો પ્રભાવ પરખી શક્યો નહીં. તે તરવાર છોડી નરેણી પકડ્યા જેવું કર્યું, મ્હારા પિતાને અવસાનકાળે મને બોલાવ્યો તો ક્ષમા અપાવનાર ધણી પણ આપ છો. પિતા પાસે બાંહ્યધરીમાં એટલું વચન આપું છું કે ભરતજીએ કૈકેયીનો ત્યાગ કર્યો હતો તેમ હું પણ આજથી મ્હારી જનનીનો ત્યાગ કરું છું.”– સામંતપત્ની ઝાંખી પડી ગઈ.
“મહારાજને આટલાં વચન કહ્યા પછી મૂળરાજે પ્રધાનજીને કહ્યું કે—પ્રધાનજી, મ્હારો તમારો મતભેદ તો ઈશ્વરે નિર્મલો છે અને જે ઈંગ્રેજને આપના મામાએ સાતમે આકાશ ચ્હડાવ્યા છે તે ઈંગ્રેજનો સ્વીકાર અને દેશીઓનો ત્યાગ કરી સુભાજીરાવને ક્હાડી મુક્યા તે કિલ્મિષ તો મ્હારા મનમાંથી જવાનું નથી. પણ મહારાજ મણિરાજના પ્રધાન તે મ્હારે શિરસટ્ટે એટલી બુદ્ધિ ઘણો વિચાર કરતાં મને ઉત્તમ લાગી છે, અને તે બુદ્ધિ સિદ્ધ કરવાને માટે જ મ્હેં આપની પુત્રીના શત્રુને હણ્યો છે.”
“વળી મૂળરાજે પ્રધાનજીને કહ્યું કે – પ્રતાપનો હું વિશ્વાસુ મિત્ર હતો. કુમુદસુંદરી ઉપર એની કુદૃષ્ટિ હતી તે વાત એને પોતાને જ મુખે સાંભળી હતી, પણ એને વારવાથી સારું ફળ હતું નહી. અને મને વાત કરતો અટકે જાણી હું એને વારતો ન હતો, જયારે એ નદી આગળ ગયો ત્યારે હું કાંઈક નિમિત્તે ત્યાં આગળ ફરતો હતો અને શંકરથી ન થયું તે કામ મ્હેં કર્યું હે મિત્રહત્યા કરી—પણ દુષ્ટ મિત્રની હત્યા કરી, તે શા સારુ? કુમુદસુંદરી છેક ન્હાની હતી ત્યારે મ્હેં એને મ્હારી પુત્રી પેઠે એક દીવસ રમાડી હતી. કોઈ જાણતું નથી – ગુણસુંદરી પણ જાણતાં નહી હોય – પણ તેમના ઉપર એ દિવસે મ્હારી દૃષ્ટિ બગડી હતી. તેનું પણ પ્રાયશ્ચિત્ત બાકી હતું. આ બગડેલી દૃષ્ટિ સુધારનાર પળવારનો સંગી એક બ્રાહ્મણ હતો — તો બીજા બ્રાહ્મણ પ્રધાનજીનો કંઈક વધારે સંગ થશે તો બુદ્ધિ વધારે સુધરશે, આ પ્રાયશ્ચિત્ત કરવાને આ બુદ્ધિ સુધારવા મ્હારી પુત્રી જેવાં કુમુદબ્હેનના શત્રુને હણી મ્હેં મિત્રહત્યા કરી છે. હવે મ્હારે આ સંસારમાં કાંઈ વાસના નથી.”
સર્વે બોલી સામંતપત્ની સામું જોઈ મધુમક્ષિકા બોલી: “ઠકરાળાં, મહારાજે ક્હાવ્યું છે કે તમે સત્વર સામંતરાજ પાસે હાજર થજો અને રાણીજીને સાથે રાખજો, કારણ સામંતરાજ રાણીજીનું નામ પણ ઝંખે છે. રાણાજીને મહારાજે ક્હાવ્યું છે કે સામંતરાજ આપણે પિતાને સ્થાને છે તો તેની પાસે મર્યાદાની જરુર નથી અને તેમની છેલી વાસના પુરી કરવી અને એમનો આશીર્વાદ લેવો એ આપણો ધર્મ છે માટે માતાજીની અનુજ્ઞા લેઈ ઠકરાળાં સાથે આવવું.”
મેના—“બેટા કમળા, રાજપતિની આજ્ઞા અતિ યોગ્ય છે અને તે બહુ ઉત્સાહથી પાળવા તમે સત્વર જાવ. સામંતરાજને મ્હારા ભણીથી બે વાત ક્હેજો. પ્હેલું એ ક્હેજો કે શંકરરૂપ મહારાજ ગયા પછી હું નકામી થઈ જીવું છું અને બાળક મણિરાજને તેમણે તમને સોંપેલા અને એ બાળકને તમારી ઢાલ છે તે તમારે જવા કાળ આવ્યો એવો વિપર્યય ઈશ્વરને ગમે છે તો તેની બુદ્ધિ આપણાથી અગમ્ય છે. પણ બીજી વાત એ છે કે હવે તમારા વિના મણિરાજ એકલા પડશે તેની પાસે તમારું કામ સારવા મૂળરાજને અધિકાર આપો, અને હવે પરદેશમાં આથડી, અનુભવથી ઘડાઈ તે રાજયભક્ત થયો છે તો સત્કાર્યમાં શંકા ન કરશો. બાકી ઘડી અધઘડીમાં પ્રભુનું તેડું આવશે એટલે તમે હશો ત્યાં મ્હારે પણ આવવું જ છે.”
સઉ ઉઠ્યાં, વેરાયાં, ચાલ્યાં. સઉની પાછળ કુસુમ આરજાની સાથે વાતો કરતી ચાલતી હતી.
થોડેક છેટે આગળ સુન્દરગિરિની એક ગોસાંઈયણ પણ ચાલતી હતી. અને તેની જોડે પલાળેલા કુંકુમ ભરેલો થાળ લેઈ માતાની પુજારણ ચાલતી હતી. આરજા, ગોસાંઈયણ, અને પુજારણ ત્રણેની વચ્ચે આવજા કરતી કુસુમ ત્રણેમાંની એકની સાથે ઘડીક વાતો કરી બીજી સાથે વાતો કરવા જતી ને ઘડીક બીજીને છોડી ત્રીજી પાસે જતી. કમલાવતી, ગુણસુંદરી અને સુન્દર સઉથી આગળ ચાલતાં હતાં, તેમાં સુન્દરનો જીવ કુસુમમાં હતો તે ઘડી ઘડી પાછું વળી એના ભણી જોતી હતી. કુસુમની કુમારાં ર્હેવાની હોંસ સુન્દર સારી રીતે જાણતી હતી અને આ ત્રણે જણ જોડે એ હોંસને લીધે જ કાંઈક વાતો બાલા કરતી હશે જાણી સુન્દરનો જીવ ઉંચો થયો. એટલામાં કુસુમની અને સુન્દરની આંખો મળતાં સુન્દરે અણસારો કરી કુસુમને પોતાની પાસે બોલાવી. તેના ઉત્તરમાં કુસુમે ડોકું ધુણાવ્યું અને હથેલી નાગની ફણા પેઠે હલાવી અને આઘી જતી રહી વાતોમાં ભળી.
અંતે વાતો થઈ રહેતાં કુસુમ જુદી પડી, ત્રણે જણને છોડી સુન્દરને પકડી પાડવા ઉતાવળી આગળ ચાલવા લાગી અને ચાલતાં ચાલતાં મનમાં મનની સાથે વાતો કરવા લાગી.
“આરજા પરણી નથી ને ધર્મધ્યાનમાં આનંદ કરે છે—પણ આપણાથી કાંઈ આરજા થવાય? પુજારણને ગમત છે – માતાની પૂજા કરવી – પણ એ તો પરણેલી છે ને પરણ્યાં એટલે પડ્યાં. ગોસાંઈયણ સુખી ખરી—પરણવું હોય તો પરણે નીકર કુમારી હે ને મીરાંબાઈનું પદ ગાયાં કરે,” કંઈક મ્હોટે સ્વરે લવી.
મીરાંમન મોહનશું માન્યું!
વરીયા વરીયા શ્રીગિરિવરધરલાલ!
જાણે જગ કાંઈ નથી સાચ્ચું!”
આ કડી બે ચાર વાર લવી. થોડીવારમાં સુન્દરની આંગળીએ વળગી વિચારના ઉછાળામાં ઉછળતી ચાલવા લાગી. વાડીનો દરવાજો આવ્યો. કમલાવતી અને સામંતપત્ની એક ગાડીમાં બેસી ગયાં. બીજી ગાડીમાં ગુણસુન્દરી, સુન્દર, અને કુસુમ બેસી ઘરભણી ચાલ્યાં, અને ગાડી ચાલતાં સુન્દર કુસુમને માથે હાથ મુકી પુછવા લાગી.
“કુસુમ, આરજા ને પુજારણ ને ગોસાંઈયણ સાથે તે શી વાતો કરતી હતી? ભલું તને એવાં એવાં સાથે વાતો કરવાનું મન થાય છે તો?” “તે કેમ વાતો ન કરીયે? ઓછાં જ ભાયડાએ સાથે બોલીયે છીયે જે?” કુસુમ ગળું મરડી બોલી.
“ત્હારે આરજાબારજા થવું છે?”
“થઈયે યે ખરાં. પરણેલાં કરતાં એ બધાં સુખી છે.”
“તે પરણે તેને શું દુ:ખ છે?”
“પરણે તેને પતિ જડતાં દુ:ખ, પતિ જીવતાં દુ:ખ, ને પતિ મરતાં દુ:ખ—ને ત્રણે વખત દુ:ખ ન હોય તો એક વખત તો હોય હોય ને હોય.”
“હતું હશે! પરણેલાંનું સ્વપ્નું તો દીઠું નથી ને તેનાં દુ:ખની વાત કરવા બેઠી છે આજ કાલની–”
“પરણ્યાં ન હઈયે પણ જાને તો ગયાં હઈયે? પતિ જડતાં દુ:ખ પડ્યું કુમુદબ્હેનને પતિ જીવતાં દુ:ખ પડ્યું કુમુદબહેનને! એ બેમાં સુખ, તે પરણેલાંને છોકરાંનું દુ:ખ થયું જોવું હોય તો- જુવો—કુમુદબ્હેનનું દુ:ખ ગુણીયલને!”
ગુણસુંદરી વિચારમાંથી ભડકી, સુંદરે કુસુમના બે ગાલ હાથવતે આમળ્યા ને બોલી: “મેર! મેર! શરમ વગરની! માની વાતો જ કરનારી ન જોઈ હોય તો!”
સુંદરનું બોલ્યું ખરું લાગતાં આમળાથી રાતા થયેલા ગાલ ઉપર લજવાયાની બીજી રતાશ ચ્હડી, અને હારી જઈ કુસુમ જરીક નીચું જોઈ રહી. પળવારે પાછું ઉંચું જોઈ બોલવા લાગી.
“વારુ, સામંતની વહુનું દૃષ્ટાંત તો ખરું? અને જન્મારો સુખ જોઈ સ્વામી જતાં દુ:ખ થાય તેનું દૃષ્ટાંત મેનારાણી. શું એમનું દુ:ખ! હું તો એ દુ:ખ જોઈ છક જ થઈ ગઈ! સ્વામી નઠારા હોય તેનું દુ:ખ કુમુદબ્હેનનું જેવાનું, ને સ્વામી જેટલા વધારે સારાં એટલું વધારે દુ:ખ સ્વામી ગયા પછી—તે મેનારાણીનું જોવું!”
“તું ભલી આવું આવું સોધ્યાં કરે છે! ન પરણવાના ચાળા!”
“તે શોધવા કંઈ આઘે જઈયે છીયે? ઘરમાં ને ઘરમાં જોઈયે તેયે દેખીયે નહીં તે શું આંધળાં છીયે? – હા – ન પરણવાના ચાળા તો ખરા! પરણ્યાં એટલે પડ્યાં, તમારે છે કંઈ?”
“વળી સામા માણસનું દૃષ્ટાંત લીધું! તે વેળા મ્હારું લીધું ને વળી આ કાકીનું દૃષ્ટાંત લીધું!” ભ્રમર ચ્હડાવી ગુણસુંદરીએ બોલકણીને ધમકાવી. “લ્યો તે તે નહી લઈયે. બાકી સુખનું દૃષ્ટાંત લીધું છે – કંઈ દુ:ખનું લીધું નથી. કાકી, મને તો પિતાજી ન પરણાવે કની તો જાડી બમ થાઉં.”
“તે પિતાજી કંઈ ત્હારા જેવા ઘેલા હતા? આપણામાં ડોશી કુમારી રહી છે કંઈ?”
“તે જોઈશું–”
આ વાતોમાં ગાડી ચાલી ગઈ.
મધુમક્ષિકાને વાડીમાં મોકલી દરવાજાબ્હાર વિદ્યાચતુર ગાડીમાં બેસી રહ્યો હતો, અને તેના મનમાં અનેક વિચાર ઘોળાયાં કરતા હતા.
“મહારાજ મલ્લરાજની પરીક્ષા અંતે ખરી જ નીવડી. આટલે વર્ષે મૂળરાજ કુળ ઉપર ગયો, અને પોતાના રાજવંશનો એક છોડ નિર્મલ ન કરી નાંખવાનો એ મહારાજનો આગ્રહ તે દુરાગ્રહ નહીં સદાગ્રહ હતો તે એમના ગયા પછી સિદ્ધ થયું.”
“ઈંગ્રેજોના સંબંધ વિરુદ્ધ સામંત અને મૂળરાજનો આગ્રહ મૂળથી છે—એને દુરાગ્રહ કેમ ક્હેવાય? એમાં સ્વરાજભક્તિ અને સ્વદેશાભિમાન નથી એમ કેમ હેવાય? જે રાજ્યનીતિનો વિચાર કરી એ મહારાજે અને મામાએ આ સંબંધ સ્વીકાર્યો તે નીતિ મને પણ ખરી લાગે છે—પણ એ ઢાલને બે બાજુઓ છે તેની ના કોણ ક્હેશે? દેશીઓના હાથમાં હિંદુસ્થાન રહ્યું હત તો એમના હાથમાં આ દેશની જાપાન જેવી ઉન્નતિ થાત એવી ધારણા કોઈ કરે તો તેમાં અશક્ય જેવું શું છે? જે લોકમાં મ્હોટા માધવરાવ પેશવા, માધવરાવ સિંધીયા, અને નાના ફરનવીસ જેવાં રત્નો ઉત્પન્ન થયાં હતાં તે લોકમાં અને બીજી નાતોમાં અને બીજા પ્રાંતોમાં એવાં રત્નો ઉત્પન્ન થાત અને આ દેશનો ઉદ્ધાર કરત એવું કોઈ ધારે તો તેમાં અસંભવિત શું છે? રત્નપુરીનાં જેવાં રત્ન સ્વતંત્રતાનો કાળ આ દેશમાં કેમ ન દેખાડત? સામંતરાજ અને મૂળરાજ જેવા ક્ષત્રિયોને યુદ્ધકાળ સ્વપન જેવો થઈ ગયો જોઈ ક્રોધ કેમ ન ચ્હડે? એમના ઉપર દ્વેષ રાખે તે હિંદુ અનાર્ય છે—આર્ય નથી.”
“પણ—પણ—એ કાળ ગયો—સામંતરાજ અને મૂળરાજ! મામા ઉપર તમને ક્રોધ છે – તે હોલાતો નથી તેનું કારણ શું?—તમારા
मनोरथानामतटप्रपाता:।127
તમારા જેવી વૃત્તિ મ્હારા મનમાં ઉત્પન્ન થાય છે એવે કાળે સુભાજીરાવ જેવાઓને જેણે જેણે આશ્રય ન આપ્યો તેને આજ પોતાની ભુલ માલમ પડતાં કેવું લાગવું જોઈયે તેનો વિચાર કરું છું. અને તે ભુલ કરનાર મામાનો હું ભાણેજ છું અને તેમની ભુલનો પશ્ચાત્તાપ હું કેવે રૂપે કરું તેની કલ્પના કરું છું ત્યારે લાગે છે કે
यथा गजो नेति समक्षरूपे
तस्मिन्नतिक्रामति संशयः स्यात
पदानि दृष्ट्वा तु भवेत्प्रतीतिस्
तथाविधो मे मनसो विकारः॥128
“દેશોદ્ધારના મહાન પ્રસંગરૂપ હાથી જાતે પાસે થઈને ચાલ્યો ગયો ત્યારે એ હાથી છે એવું અમે જાણ્યું નહી—તે જતાં જતાં હાથી જ હશે એની શંકા થઈ—અને આજ એનાં પગલાં જોઈ નક્કી થાય છે કે મૂર્ખાઈમાં પાસે આવેલા હાથીને જવા દીધો, અને હવે એ ગયેલો પ્રસંગ ગયો!—તે પાછો દેખાડે એવી શક્તિ ચોખંડ પૃથ્વીમાં કોઈ આણે એમ નથી! મૂળરાજ! તને તેનું દુ:ખ કેમ ન લાગે? તું સિંહ છે.”
“પણ—પણ – મહારાજ મલ્લરાજ પણ સિંહ જ હતા અને પુરુષસિંહ હતા. તેમનો બુદ્ધિપ્રભાવ કેવળ સિંહની પેઠે વર્તમાન પૃથ્વી ઉપર ફરનાર ન હતો, પણ ગરુડ પેઠે ભૂતરસાતળના ઉંડામાં ઉંડા અને ભવિષ્યાકાશના ઉંચામાં ઉંચા ભાગમાં ચ્હડી, સાત્વિક વૃત્તિ, ઉદાર અને ઉદાત્ત બુદ્ધિથી, સદ્ગુણ અને સદ્ધર્મના શોધનથી, સર્વ આકાશ અને પૃથ્વી ઉભયને દૃષ્ટિગોચર કરી પોતાનો શીકાર શોધી ક્હાડતો. એ મહારાજે ઘડેલો ઈંગ્રેજ ચક્રવર્તીનો સંબંધ મહાન્ અકબરના સંબંધ જેવો129 ઉદાર અને આવશ્યક મને લાગે છે તેમ મૂળરાજને ન લાગે તો નવાઈ નથી. મૂળરાજ મલ્લરાજનું મહાશય હૃદય કેમ સમજી શકે?”
મૂળરાજે આણેલા કુમુદના સમાચાર સાંભર્યા.
“કુમુદ! કુમુદ! ત્હારું ભાગ્ય વિચારું છું ત્યારે લોકની પેઠે છઠ્ઠીના લેખ માનવા ઉપર શ્રદ્ધા થાય છે. તું સુખને માટે સરજાયલી જ નથી. વિદ્વાન વર શોધ્યો તે નકામું પડ્યું; કુલીન અને સુશીલ વર શોધ્યો તેણે ભુંડું કર્યું. તું જ્યાં ગઈ ત્યાં ત્હારા મ્હોંમાં આવેલી સાકર દૈવે ઝુંટી લીધી, અને આખરે બ્હારવટીયામાંથી બચેલી તે નદીમાં ગઈ.”
“હું તો ધારું છું કે તું ગઈ જ! ત્હારી આશા રાખવી તે હવે હવાતીયાં મારવા જેવી છે. ત્હારી માને દુ:ખ થાય છે અને તે રુવે છે – પણ હું પુરુષ છું “અને રાજનીતિના વિષમપ્રસંગોએ પત્થર જેવું કરેલું મ્હારું કાળજું આંખમાં આંસુ સરખું આણી શકતું નથી! બીચારી માલતીને કામન્દકીએ ક્હેલું વચન ખરું છે.–
कुतोऽपत्यस्नेहः कुटिलनयनिष्णातमनसाम्॥
“વક્ર રાજનીતિમાં ઝબકોળાએલાં મનને અપત્યસ્નેહનો પાશ બેસતો જ નથી! – ના, ના, એમ પણ છેક નથી.”
“જો-જો-જો પ્રમાદધન અને કુમુદ એ બે જણ ગુજર્યા હોય તો વિચારમાત્ર સમાપ્ત જ છે, જે કુમુદ એકલી ગુજરી ગઈ હોય તો પણ મ્હારે મન એ સંસાર સમાપ્ત જ છે. જો પ્રમાદ અને કુમુદ બે જીવતાં નીકળે – તો – આ દુર્ભાગ્યમાંથી બીચારીનું ભાગ્ય કેમ ઉત્પન્ન કરવું – એ સમુદ્રમાં કેમ તરવું—એનો વિચાર હું કન્યાનો બાપ તે શો કરું? મ્હેં તો એને વિદ્યા આપી અને એ હોડીવડે એ કન્યાને તરતાં આવડે એટલું એનું ભાગ્ય વર શોધતી વેળા માબાપથી થયેલી ભુલનું પરિણામ ખમે કન્યા, અને આઘેથી જુવે ને રુવે માબાપ—આટલા માટે જ લોક કન્યા ઇચ્છતા નથી.—હા – પણ સૌભાગ્યદેવી અને બુદ્ધિધન જેવાં સાસુસસરો આયુષ્યમાન છે ત્યાં સુધી કુમુદની ચિંતાનો પ્રસંગ જ નથી.”
“પણ – પ્રમાદધનની વાત ખરી હોય – અને – કુમુદ જીવતી નીકળે તો?—પુત્રીનું વૈધવ્યદુ:ખ કેમ સહવાશે? શું મ્હારી કુમુદ વિધવા?–”
આ વિચારની સાથે જ મન ચીરાયું. “કુમુદ તું—વિધવા!—કુમુદ!—તું વિધવા!”
“હરિ! હરિ! ઓ પ્રભુ!” – “ઈશ્વર મ્હારા સામું એટલું નહી જુવે?” “પ્રમાદધન – સુગન્ધવાળું ફુલ સુંઘતાં તને ન જ આવડ્યું—તે ચોળાઈ ગયું.” નિ:શ્વાસ મુક્યો.
“But as a practical man – can I not see my remedy for a disease which threatens to be a fact? Other nations have it—mine bars it.”
ઓઠે આંગળી મુકી વિચારમાં પડ્યો.
“Conventional widowhood! Social terrorism! Must you stand between me and my love and duty to my dear child? Here-Here is a calamity; here is escape from it—And yet the poor one must suffer and not escape! And why? Because the stronger sex controls her lot. Is it proper in a father to submit to the control and see the child writhing before his eyes, because he is a social – coward?”
“કુમુદ! સરસ્વતીચંદ્ર હજી જીવે છે! એણે મૂર્ખતા કરી તો ખરી પણ તેના હૃદયમાં જે યજ્ઞ ત્હારી તૃપ્તિને અર્થે આરંભાયલો હતો તે હજી હોલાયો નથી.”
“પણ તને તેનો યોગ કરી આપવામાં જેટલું સાહસ મ્હારે છે તેટલું સાહસ ત્હારો સ્વીકાર કરનારને પણ છે. સરસ્વતીચંદ્ર! આટલી લક્ષ્મીનો ત્યાગ કરવાનું સાહસ જેણે કર્યું તેને આ સાહસ કરતાં ડર લાગશે?”
“હરિ! હરિ! પ્રિય કુમુદ! ત્હારો પિતા અત્યારે દુ:ખથી ઘેલો થયો છે—ઘેલછાને કાળે કરેલા વિચાર હું આચારમાં મુકતો નથી.”
“હજી તો વૃદ્ધ પિતા અને મામા આયુષ્યમાન છે – તેમના મત વિના મ્હારાથી શું બનશે? તેમના મત કેણી પાસ પડશે તે જોશીને પુછવું પડે એમ નથી. તેમના વિરુદ્ધ પડી મ્હારે આ કામ કરવા જેવું છે? શું મને કુમુદ વ્હાલી છે અને તેમને નથી? વૃદ્ધ પિતા અત્યારે પૌત્રીને માટે માથું છેટે મુકી તરવાર બાંધી નીકળી પડ્યા છે – એ બાળકી મ્હારી ખરી ને તેમની નહીં?”
“આ સાહસ કરનારે આ રાજ્યના હિતને અર્થે રાજ્યનું પ્રધાનપદ છોડવું જોઈએ—પુત્રી ઉપરના સ્નેહ આગળ પેટનો સ્વાર્થ મ્હોટો નથી.”
“ખરી વાત પણ મણિરાજની સેવા હું કેવળ પેટને માટે નથી કરતો. પેટ ભુલું પણ ઉપકાર કેમ ભુલાય? તેમનો સ્નેહ કેમ તરછોડાય?” “કુમુદ! ત્હારે માટે હું આ માર્ગે જઉં કે આ માર્ગે જઉ? કાંઈ સુઝતું નથી.”
માથું ખંજવાળતો ખંજવાળતો અને અત્યંત શોકવાળું અવસન્ન મુખ કરતો વિદ્યાચતુર પળવાર વિચાર કરતો જ બંધ પડ્યો.
“અનાગત વસ્તુની ચિંતા કરવાનું કાંઈ કારણ નથી. કોણ જાણે કેવા સમાચાર મળશે? તે આ ઈષ્ટાનિષ્ટ વિચાર અત્યારે શું કરવા કરવા?”
એટલામાં મધુમક્ષિકા આવી અને મેનારાણીને પ્હોંચાડેલા સંદેશાના વર્તમાન ક્હેવા લાગી.
વિદ્યાચતુર ગાડીમાં બેઠો હતો તે પ્રસંગનો લાભ લઈ ગાડીમાંથી ઉતરી ચંદ્રકાંત પાસેના તળાવના આરા ઉપર ઉભો ઉભો ચારે પાસ જોતો હતો અને સરસ્વતીચંદ્રના વિચાર કરતો હતો.
“સરસ્વતીચંદ્ર! વિદ્યાચતુરે ત્હારો શોધ કરવા મદદ આપવાની વાત ક્હાડી ત્યારે કુમુદસુંદરીના સમાચાર આવ્યા ને ત્હારી વાત ઢંકાઈ ગઈ! મહારાજે વાત ક્હાડી ત્યારે સામંતરાજની ચિંતા આવી ને ત્હારી વાત ઢંકાઈ ગઈ! મ્હારે તને શોધવો છે, પણ ત્હારે જડવું નથી, ને ભાગ્ય પણ એવું છે કે તને જડવા દેતું નથી. ભલે ભાગ્ય ત્હારો પક્ષપાત કરે ને મુજ ગરીબની વાત ન સાંભળે—પણ હું તને પડતો મુકી ઘેર જવાનો નથી. ઘેરથી પત્ર ઉપર પત્ર આવે છે કે આ નિષ્ફલ શોધ કરવો છોડી ઘેર આવો. મ્હારાં મૂર્ખ વ્હાલાંઓને ખબર નથી કે વસુંધરાનું જોયેલું એક અમૂલ્ય રત્ન ખોવાય છે—ચંદ્રકાંત જેવા અનેક પથરાઓ ભેગા કરો ત્હોય એ રત્નના જેવું મૂલ્ય થાય એમ નથી. સરસ્વતીચંદ્ર! સરસ્વતીચંદ્ર! આ દેહમાં ચેતન છે ત્યાં સુધી ત્હારો શોધ હું પડતો મુકું એમ નથી.”
એક બાવો આરા ઉપર તુંબડી લઈ લોટ માગતો અને ચીપીઓ ખખડાવતો દીઠો. ચંદ્રકાંતને જોઈ તે કાંઈક વિચારમાં પડ્યો ને પાસે આવી બોલ્યો.
“ભૈયા, તમે આ નગરના વાસી નથી?”
ચંદ્રકાંત – “ના, બાવાજી. હું મુંબઈથી આવ્યો છું.”
બાવો – “તમારું નામાભિધાન?”
ચંદ્રકાંત – “ચંદ્રકાંત.” બાવો—“ચંદ્રકાંતજી, આ તળાવની પેલી પાસ આકાશમાં અંધકાર જેવું દેખાય છે તે સુન્દરગિરિ નામનો રમણીય પર્વત છે, ત્યાં અમારા સાધુસંતોના આશ્રમ છે ત્યાં કોઈ વેળા પધારશો તો કલ્યાણ થશે. પણ રાજવૈભવ છોડી એકલા આવશો તો અધિક જોશો ને વિશેષ પામશો.”
“અલખ!” અલખની બુમ પાડી બાવો માર્ગે પડ્યો. સ્વાભાવિક રીતે ઈંગ્રેજી ભણેલાને આમાં કાંઈ વિચારવાનું ન હતું, પણ પુરુષને શોધ કરવા નીકળી પડેલાને વિચાર થયા.
“સરસ્વતીચંદ્ર એ પ્રદેશમાં કેમ ન ગયા હોય? બ્હારવટીઆઓમાંથી છુટ્યા હોય તો એમનો એક માર્ગ મનોહરપુરીનો ને બીજો સુન્દરગિરિનો. કાલે વિદ્યાચતુરને ઘેર નકશો જોયો. સુભદ્રાના મુખ આગળ એ પર્વત છે. વિધાતાની સૂત્રધારતા વિચિત્ર છે. કુમુદસુંદરીને એણી પાસ તાણ્યાં છે—સરસ્વતીચંદ્રને પણ એ જ સૂત્રધારે એણી પાસે કેમ ન તાણ્યા હોય? મિત્ર!
“परिणतिरमणीयाः प्रीतयस्त्त्वद्विधानाम्”॥130
તેના મુખ ઉપર ખેદ દેખાયો. “હવે ચંદ્ર અને કુમુદની પ્રીતિ શી? એ પ્રીતિમાં જ પાપ અને એ પાપમાંથી છુટાવાને જ મ્હારો પ્રિય પવિત્ર ચંદ્ર કુમુદને અસ્પર્શ રાખી અદૃશ્ય સ્થળે ભ્રમણ કરે એ જ કલ્પના સંભવિત છે. સરસ્વતીચંદ્ર, તને ન્હાનપણમાંથી વૈરાગ્ય વ્હાલો હતો ને તે વ્હાલી વસ્તુના ઉપર ત્હારો કેટલો આગ્રહ છે તે હું જાણું છું. તો ત્હારે માથે અયોગ્ય આરોપ નહીં મુકું.”
થોડીક વાર શાંત થઈ સુન્દરગિરિની છાયા જોઈ રહ્યો અને તેને શિખરે આકાશમાં સૂર્યતેજે સળગતાં વાદળમાં સ્ત્રીપુરુષની છાયા જેવું લાગતાં તેને ચંદ્ર અને કુમુદ કલ્પી પગ ઠબકારતો ઠબકારતો ચંદ્રકાંત ગણગણવા લાગ્યો.. “સરસ્વતીચંદ્ર! તને ગમતી કવિતા અને તેમાં જ કલ્પેલાં સ્થાનમાં!
131“The path by which that lovely twain,
“Have passed by cedar, pine, and yew,
“And each dark tree that ever grew,
“Is curtained out from heaven’s wide blue.”
“અમારી ને ત્હારી વચ્ચે કોઈ મ્હોટો પડદો છે! પણ તું જ્યાં હશે ત્યાં રમ્ય સ્થાને જ હશે. મિત્રરત્ન! મ્હારા જેવાં અનેક ચિત્તોમાં ત્હેં અધિકાર કર્યો છે ને તેને શિરે ત્હારો વિચાર એક સુંદર તારા પેઠે પ્રકાશે છે – તે તારો શું કરે છે?”
“It scatters drops of golden light,
“Like lines of rain that ne’er unite,
“And the gloom divine is all around,
“And underneath is the mossy ground.”
“ત્હારા ભણીની કલ્પના કંઈ કંઈ સ્થાને દોડે છે—ને સુઝતું કંઈ નથી.
132“My wings are folded o’er mine ears:
“My wings are crossed o’er mine eyes:
“Yet through their silver shade appears,
“And through their lulling plumes arise,
“A shape, a throng of sounds,
“May it be no ill to thee,
“O thou of many wounds!”
છેલો ભાગ ઘણીવાર ગણગણતાં ગણગણતાં ગાતાં ગાતાં ચંદ્રકાંતનાં નેત્રામાંથી આંસુ ખરતાં હતાં અને કપાળનો પરસેવો લ્હોવાને નિમિત્તે સમાલવડે એ આંસું એ લ્હોતો અને સંતાડતો હતો.
એવામાં વિદ્યાચતુરનો ગાડીવાળો આવ્યો.
“ભાઈસાહેબ, પ્રધાનજી તેડે છે.”
સજ્જ થઈ ચંદ્રકાંત ગયો. મધુમક્ષિકા પ્રધાન પાસેથી ગઈ હતી અને સટે એક પોલીસનો માણસ હતો. ચંદ્રકાંતને પાસે બોલાવી વિદ્યાચતુરે તેને એક વીંટી આપી અને કહ્યું.
“ચંદ્રકાંત આ વીંટી પરખો. આ રાજ્યના અમીરો પાસે આવાં રત્ન હશે, પણ આ ઘાટ નહી હોય—સરસ્વતીચંદ્ર પાસે મ્હેં આવી વીંટી જોઈ સાંભરે છે.”
“ચંદ્રકાંતે ફરી ફરી વીંટી જોઈ, ઝીણી દૃષ્ટિ કરી કરી જોઈ, વીંટી ફેરવી ફેરવી જોઈ અને અંતે મીજાગરા જેવું લાગતાં ચાંપ ઉઘાડી તો અંદર આસનમાં સરસ્વતીચંદ્રની સુંદર હસતી છબી! અતિ ઉમંગથી એ ઉઘાડેલી છબી વિદ્યાચતુરના હાથમાં પાછી સોંપી, વિદ્યાચતુરે એળખી અને પોલીસના માણસને પુછયું. –
“હવાલદાર, આ છબી અને વીંટી સરસ્વતીચંદ્રની, એ લાવનાર કોણ છે અને શું ક્હે છે?”
“પ્રધાનજી, અર્થદાસ નામના વાણીયા પાસેથી એ છબી નીકળી છે: અર્થદાસ ક્હે છે કે જંગલમાં એક નવીનચંદ્ર નામના માણસે તેને એ બક્ષીસ આપી છે. એ માણસની ભાળ આપનાર અને એને પકડી આપનાર આપણાં માણસ છે. પણ હીરાલાલ નામનો એક મુંબાઈનો વાણીયો છે તે ક્હે છે કે અર્થદાસે આ વીંટીના ધણીનું ખુન કરેલું છે.”
“એ હીરાલાલ કોણ છે?”
“મુંબાઈમાં ધૂર્તલાલ શેઠ કરીને કોઈ છે તેનું માણસ છે, અને તે સરસ્વતીચંદ્રની શોધ કરવા આવેલો છે.”
“ધૂર્તલાલનું માણસ!” ચંદ્રકાંત ગાજી ઉઠ્યો અને પ્રધાનને ધૂર્તલાલનો ઈતિહાસ કહ્યો.-
“ચંદ્રકાંત, તમે આ પોલીસવાળે આણેલી ગાડીમાં બેસી આપણે ઘેર જાવ ને ઘેરથી ગાડી પાછી મોકલજો. હું એને લઈ તરત સામંતરાજને ઘેર જાઉ છું અને પછી આ નવા સમાચારનું મૂળ શોધવાનો માર્ગ લેઈશ.”
વિદ્યાચતુર માણસને લઈ પોતાની ગાડીમાં ગયો. એ માણસની ગાડીમાં ચંદ્રકાંત મંદ ઉપક્રમ કરી ચ્હડયો અને બેઠો, ગાડી ચાલી. પણ એનું મન ચકડોળે ચ્હડયું.
“હા! શી વિધાતાની ગતિ છે! દુષ્ટ ધૂર્તલાલ! જેવો હું સરસ્વતીચંદ્રની પાછળ પડ્યો છું તેવો તું પણ એની જ પાછળ પડેલો છે. પણ જેવો મ્હારે – એને ઘેર આણવો છે તેવો ત્હારે એને ઘરબ્હાર રાખવો છે. હું જેવો એનો મિત્ર છું તેવો તું એને શત્રુ છે! તું શું કરીશું તે સુઝતું નથી. સરસ્વતીચંદ્ર! તું જીવે છે કે આ દુષ્ટોએ તને અને ત્હારી સાથે અમારી આશાઓને નષ્ટ કરી છે?”
“આ કેવી અવસ્થા કે નથી પડતી આશા અને નથી પડતી નિરાશા!”
“न यत्र प्रत्याशामनुपतति नो वा रहयति
प्रविक्षिप्तं चेतः प्रविशति च मोहान्दतमसम्॥
अकिञ्चित्कुर्वाणाः पशव इव तस्यां वयमहो
विधातुर्वामत्वाद्विपदि परिवर्तामह इमे॥”
“હું તો એ સ્થિતિમાં નહી રહું! હું તો નિશ્ચય જ કરું છું કે સરસ્વતીચંદ્ર આ લોકમાં પ્રકાશે છે જ, અને મને મળશે. અલેક્ઝાંડર મહારાજાની પેઠે સરસ્વતીચંદ્રનો શોધ કરવા આશાને પેંગડે પગ મુકી હું ચ્હડાઈ કરું છું. આ લોકના અપૂર્ણ ઉત્સાહના શોધમાં મુકાય એટલો વેગ મુકીશ અને તેમાંથી પરિણામ આવે કે ન આવે, પણ હું હવે જાતે આ પ્રદેશનો ભોમીયો થઈશ, પર્વતોમાં, જંગલોમાં અને ગામોમાં આથડીશ, મુંબાઈથી માણસો મંગાવીશ કે અંહીથી રાખી લેઈશ, અને સરસ્વતીચંદ્રને શોધીશ. અર્થદાસની વાત સાંભળી તે સરસ્વતીચંદ્રના સ્વભાવની સાથે મળતી આવે છે.”
ચંદ્રકાંતની ગાડી પણ ચાલી. ગાડીની પાછળની બારીમાં વળી વળી એ સુન્દરગિરિની છાયા ભણી ડોકીયાં કરતો હતો અને આરાપર મળેલા બાવાને સરસ્વતીચંદ્રના કંઈ સમાચાર પુછ્યા નહી માટે પસ્તાવા લાગ્યો. ઘેર પહોંચ્યો ત્યાં બારીએ કુસુમને દેખી નવા વિચારમાં પડ્યો.
“કંઈક છાય, કંઈ કૌમુદીસમું અજવાળું, કંઈ અંધારું,
“દેખી પકડવા દોડી, થાકીને હાંફે ઉર બીચારું!
“સરસ્વતીચંદ્ર! ત્હારા સ્વચ્છન્દ મનોરાજ્યમાં એવું શું સત્વ છે કે જે અનેક મનુષ્યો પાસે આ ચિત્ર નૃત્ય કરાવે છે અને તે છતાં નૃત્યની તાલ ત્હારા સંગીતની સાથે પકતી નથી?”
127 મનોરથો વગર તટે પડ્યા!
128 શાકુંતલ.
129 He (Akbar) had lived long enough to convince the diverse races of Hindustan that their safety, their practical independence, their enjoyment of the religion and the customs of their forefathers, depended upon their recognition of the paramount authority which could secure to them their inestimable blessings, To them he was a man above prejudices. –Malleson.
130 “ત્હારા જેવાઓના પ્રેમ પરિણામે રમણીય હોય છે.” ભવભૂતિ.
131 Shelly’s Prometheus Unbound.
132 Shelly’s Prometheus Unbound.