O star of strength! I see thee stand
And smile upon my pain;
Thou beckonest with thy mailed hand,
And I am strong again.
– Longfellow.
પોતાની પાછળ સિંહાસન ઉપર બેસવાના કરતાં ત્યાં પિતાની પાદુકાઓ મુકી પોતે હજી યુવરાજ જ હોય તેમ રાજય કરવાનો પિતૃભક્ત મણિરાજને વિચાર થયો: અને એ વિચાર સર્વને જણાવી દીધો. સૂતકનો કાળ વીતવા આવ્યો પણ તેના મુખ ઉપરથી શોકની છાયા ઉતરી નહી, અને સિંહાસનપર ચ્હડવાનું મુહૂર્ત એણે જોવડાવ્યું નહી. નવા આવેલા બસ્કિન્ સાહેબને એણે પિતાના સમાચાર લખ્યા પણ પોતાના સમાચારમાં કાંઈ લખ્યું નહીં. સામંત, જરાશંકર, વિદ્યાચતુર, અને કમળા રાણી—કોઈની વાતને એણે ઉત્તર દીધો નહી. જુના રાજાનો શોક નવાના અભિષેક સાથે ઉતરે એ વાણી એના મંદિરમાં, અસિદ્ધ થઈ પોતાને “મહારાજ” શબ્દથી સંબોધન કરવા આવનારનું એ અપમાન જ કરતો આ સર્વ સમાચાર બસ્કિન્ સાહેબને પ્હોંચ્યા. એ સાહેબે મણિરાજને હેતભરેલું પત્ર લખ્યું અને ભૂતકાળ ભુલી વર્તમાન ધર્મ પાળવા માર્ગ દર્શાવ્યો અને સર્વ પિતાનો પિતા અમર છે તેના ચરણમાં દૃષ્ટિ રાખી, ઐહિક પિતાના સિંહાસનને એ ઉભય પિતાઓનો પ્રસાદ ગણી સ્વીકારવામાં જ તે બેની આજ્ઞાનું અનુલ્લંઘન છે એમ જણાવ્યું. અભિષેક કરવા સાહેબ પોતે સત્વર આવવાના છે તે પણ તેમાં હતું. આ પત્ર વાંચી મણિરાજે ખીસામાં મુkયો ત્યારે તે પોતાના આરામાસન ઉપર એકલો હતો અને રાત્રિના સાત વાગ્યા હતા. તેની આંખમાંથી એકાંત અશ્રુધારા ટપકતી હતી અને એ દશામાં તે બેઠો બેઠો નિદ્રાવશ થઈ ગયો ત્યાં સ્વપ્નોદય થયો.
પોતે કોઈ મહાસાગરમાં એકલો એક ન્હાની હોડીમાં બેઠો છે, સાગર તોફાન કરી રહ્યો છે, હોડી ચાર ચાર હાથ ઉછળે છે, પવન ફુંકતો ચીસો પાડે છે, ચંદ્રમા મધ્યાકાશમાં ઝુલી રહ્યો છે, વાદળાંની લ્હેરો ચંદ્રને ચારે પાસેથી ઘેરે છે—ચંદ્રના તેજથી વધારે ઉજળી થાય છે, ને વેરાઈ જાય છે, અને ઉછળતી હોડી બે પાસ વાંકી વળી જાય છે અને પાણી અંદર આવવાનું થાય છે પણ આવતું નથી, ને પોતે એ હોડીમાં માત્ર ચંદ્રને જોતો જોતો ચતો પડી રહ્યો છે એવું એને સ્વપ્ન થયું.
થોડીવારમાં મલ્લરાજનો દેહ ચંદ્રમાંથી ઉતરી મણિરાજના સામો એની હોડીમાં આવ્યો અને બેઠો. મણિરાજના આકારને એણે પાસે લીધો, બગલમાં લીધો, અને માથે હાથ ફેરવી, બોલવા લાગ્યો.
“કુમાર, સામંત છેલે સુધી મ્હારી પાસે હતો તેથી હું તમને બધો ઉપદેશ કરી શક્યો નથી. તે કરવાને આજ એકાંત શોધી આવ્યો છું.”
“મરતી વખત એની અપ્રીતિ લેવી ઠીક લાગી નહી તેથી એટલું મૌન ધાર્યું. મ્હારી રાજનીતિનું રહસ્ય તે તમને જ ક્હેવાનું છે તે સાંભળી લ્યો.”
“સામંત અને મૂળરાજના ઉપરે સર્વ રીતે પ્રીતિ કરજો, પણ ઈંગ્રેજના સંબંધનું રહસ્ય તેમને ખબર નથી તે પરલોકમાં ઉભો ઉભો હું તમને કહું છું.”
“સીતાજી લંકામાંથી આવ્યાં, અગ્નિદેવે સ્વહસ્તે રામજીને સોંપ્યાં, અને પછી અયોધ્યા જવા સ્વામીની સાથે વિમાનમાં ચ્હડયાં ત્યારે સુગ્રીવ, અંગદ, અને હનુમાનજી ત્રણે જણ હાથ જોડી ઉભા અને પુછવા લાગ્યા કે આ સમુદ્રપર અમે બાંધેલી પાળનું શું કરીયે?”
“સીતાજી કહે, પુત્રો! એ પાળની હવે જરૂર નથી અને વિભીષણના રાજ્ય પર કોઈ એ પાળથી ચ્હડી આવે નહી માટે એને તોડી નાંખો. માત્ર એનો એક કડકો રહેવા દેજો કે ધર્મકાર્યે તમે બાંધેલા આ ધર્મસેતુનું નામ નીશાન સમુળગું નાશ પામે નહી. એ કડકો યાવચ્ચંદ્રદિવાકર ર્હેશે અને સર્વ ધર્મમાં પવિત્ર ગણાશે.” “સીતાજી અયોધ્યા પહોંચ્યાં તે પછી ત્રણે જણ પોતાને દેશ જવાને માટે સીતાજીની રજા લેવા ગયા ત્યારે તેમણે તેમને આશીર્વાદ દીધો કે તમે દૈવી સંપત્તિના અવતાર છો અને આ યુગમાં ધર્મસેતુ બાંધી તમે ધર્મનો વિજય પ્રવર્તાવ્યો છે માટે કળિયુગમાં તમે મનુષ્યરૂપે અવતાર પામજો અને મ્હારી ભૂમિમાં બીજું રામરાજ્ય કરજો.”
“મણિરાજ! કૃષ્ણાવતારમાં શ્રીકૃષ્ણ રીંછકન્યા જામ્બુવતીને પરણ્યા અને અર્જુનના રથ ઉપરે કપિધ્વજ હતો. જ્યાં જ્યાં કપિધ્વજ ઉડ્યો છે ત્યાં ધર્મ અને વિજય પ્રવર્ત્યા છે અને શ્રીકૃષ્ણ એ કપિકેતન રથનું સારથિપણું કર્યું છે.”
“મણિરાજ! ભવિષ્ય જાણનારાઓ વર્તારો કરી ગયા હતા કે કળિમાં તામ્રમુખ લોક રાજ્ય કરશે. સીતાજીનો આશીર્વાદ અને આ વર્તારો સાથે લાગા ફળ્યા છે. એ જ વર્તારાથી એને એ જ આશીર્વાદથી ઈંગ્રેજ લોક આજ રાજ્ય કરે છે. સુગ્રીવજીની સેનાના વાનરો ઈન્દ્રાદિક દેવતાઓનો અવતાર હતા અને તે જ દેવોનાં અંશ આજના ઈંગ્રેજોના દેહમાં છે.”
“મણિરાજ! મ્હેં એમને શાથી ઓળખ્યા? જુવો! આપણી ભૂમિના આપણા લોકના હાથમાં સત્તા આવી ત્યાં પરસ્પર વિગ્રહનો અને અધર્મનો યુગ ઉભો થયો એને રાવણનાં દશ માથાં જેવાં હજારો અધર્મી અને ભયંકર માથાં આ ભૂમિમાં ડોલવા લાગ્યાં! એ રાવણનાં રાવણાઓથી આ રંક ભૂમિ રાત્રિ દિવસ ધ્રુજી રહી! મણિરાજ! તમે એ કાળ જોયલો નહીં, પણ મ્હેં અનેકધા પ્રત્યક્ષ કરેલો! એ રાવણોનાં માથાં ઉપર સીતાજીનાં માનીતા રીંછ અને વાનર મ્હેં દીઠા.”
“મણિરાજ! રાજા વગરના રાજ્યકર્તાએ કંઈ દીઠા છે? વ્યાપાર કરતાં કરતાં રાજ્યકર્તા થઈ ગયલી જાત મ્હેં દીઠી! કોણ રામ ને કોણ સુગ્રીવ? એકલા પડેલા આથડતા રામનું કામ કરવા રીંછ અને વાનર દોડ્યાં? આ ભૂમિમાં એકલા પડેલા આથડતા ધર્મનું કામ કરવા એ વ્યાપારીયો દોડ્યા!”
“મણિરાજ! સામંત તમને અવળું સમજાવશે. પણ તે માનશો માં હજાર માથાંનો રાવણ આ નવા વાનરોએ અને રીંછોએ હણ્યો છે અને રામરાજ્ય પ્રવર્તાવ્યું!” “મણિરાજ! મ્હેં એ પરદેશી પ્રજાતિના લોક સાથે શું જાણી સંબંધ બાંધ્યો? મ્હેં સ્વદેશી સ્વજાતિના લોકોનો તિરસ્કાર કરી આ પરાયાઓનો કેમ વિશ્વાસ કર્યો? આ પ્રશ્નો તમે મને પુછશો અને સામંત તમને પુછી પુછી અવળા ઉત્તર દેશે પણ તે માનશો માં.”
“મણિરાજ! ભાઈઓ મ્હોટા કે મ્હોટો તે ધર્મ? માતા જેવી સ્વભૂમિ મ્હોટી કે મ્હોટો તે ધર્મ? ભાઈની વાત વિભીષણને પુછો! માતાની વાત ભરતજીને પુછો! કોઈપણ મહાત્માને પુછો! શાસ્ત્રને પુછો! શ્રુતિને પુછો!”
“મણિરાજ! જ્યાં ધર્મ ત્યાં વિજય! રામજીએ એમ જ માન્યું! વિભીષણે એમ જ માન્યું! પાંડવોએ એમ જ માન્યું! શ્રીકૃષ્ણે પણ એમ જ માન્યું!”
“મણિરાજ! મ્હેં કેમ જાણ્યું કે ઈંગ્રેજોને જય મળશે? મહાભારતમાં બે અક્ષૌહિણી સેનાઓ આકાશના વાદળાં પેઠે એકબીજા સાથે અથડાતી હતી તે કાળે ત્યાં ધર્મ પણ જણાયો ને વિજય પણ કેમ જણાયો?”
“મણિરાજ! મણિરાજ! એ વાદળાંઓ વચ્ચે—એ સેનાઓ વચ્ચે જ્યાં જ્યાં કપિધ્વજ ઉડતો હતો અને જ્યાં જ્યાં એ ધ્વજની કપિમૂર્તિની ચીસો ઉઠતી હતી ત્યાં ત્યાં ધર્મ અને વિજય ઉભયને મ્હેં સાથે સાથે ઉડતા દીઠાં! સામંતે ન દીઠા! મ્હેં દીઠા! શું તમે એમ પુછો છો કે ઈંગ્રેજે અધર્મ કર્યો નથી? મણિરાજ! આ સંસારમાં મધ્ય કાળ જોવો જ નહી! દુર્યોધનને ગદા કયાં વાગી તે જોવું જ નહીં! આરંભે વસ્ત્રહરણ એ અધર્મ! વનમાં ગયા તે ધર્મબંધનથી બંધાયલા જ એ ગયા તે ધર્મ! અંતમાં જીત્યા તે ધર્મ!
“મણિરાજ! એ વાનરોએ મને હેરાન નથી કર્યો? એ રીંછોએ મને નથી અમુઝાવ્યો? સામંત મ્હારી વાતો કરી કરી તમને ભરમાવશે! પણ તે માનશો માં!”
“હું હેરાન નથી થયો! હું તો માત્ર એ સેનાની હુપાહુપ સાંભળી બાળક પેઠે ભડક્યો છું, ને લુટાયા છે તે તો અધર્મીંઓ! હું અમુઝાયો નથી! હું તો માત્ર રીંછોનો ઉગ્રેવેશ જોઈ બાળક પેઠે બ્હીન્યો છું! અમુઝાયા છે તે તો અધર્મીઓ! જીત્યા છતાં ફુલાયા નથી તે ધર્મીંઓ! જય પામી નમ્ર થયા તે ધર્મીઓ!”
“મણિરાજ! લંકા આગળનો ધર્મસેતુ ત્રુઠ્યો છે, પણ આપણી ભૂમિમાં નવો ધર્મસેતુ બંધાય છે અને તેના પથરા પાણીમાં તરશે ને તેને વાનરાઓ સમુદ્રની પેલી પારથી આણશે!” “મણિરાજ! આપણા રાજાઓને એ સેતુ ઉપર ચ્હડવું છે! એ કપિધ્વજ પાછળ ધાવું છે! સેતુના અને એ ધ્વજના શત્રુ તે તમારા શત્રુ, અને તમારા શત્રુ તે એના શત્રુ એવો શંખનાદ નાગરાજ મહારાજ કરી ગયા છે! મણિરાજ, વાણીયા પેઠે દ્રવ્યનો વિચાર કરશો માં! બ્રાહ્મણ પેઠે જીવવાનો વિચાર કરશો માં! એ સેતુ અને એ કપિધ્વજ એને આશ્રયે દોડશો તો જીતશો. મણિરાજ! વાનર સામાં દાંતીયાં ન કરશો! વાનરને રમાડીને જીતજો!”
“મણિરાજ! સામંતનું કહ્યું માનશો માં! પણ એનાં બાળકને તમારી આંગળીયે લેઈ કપિધ્વજના સાથમાં દોડાવજો! તેમનામાં જીવન ન હોય તો તેમના શાલિવાહન થજો અને તેમનામાં જીવ મુકી સાથે દોડાવજો! કપિધ્વજનો મહારથી જેના સામા અસ્ત્ર ફેંકે તેના સામા તમે પણ ફેંકજો—ને દોડજો. કપિલોક સાથે દોડશો તો ફાવશો, નહીં દોડો તો પાછળ રહી જશો, ને દોડતાં છતાં હારશો તો એ તમને ખભે લઈ દોડશે.”
મલ્લરાજની છાયા આટલું બોલી અદ્રશ્ય થઈ ગઈ, હોડી ઉડી ગઈ સાગરની ગર્જનાઓ શાંત થઈ ગઈ અને સાગરનું સ્વપ્ન છોડી મણિરાજ સુષુપ્તિમાં પડ્યો. થોડીક વારે નિદ્રા પુરી થઈ છતાં આંખ મીંચી, થયેલા સ્વપ્નના વિચાર કરતો કરતો પડી રહ્યો, અંતે માત્ર “કપિધ્વજ” અને “ધર્મસેતુ”ના સંસ્કાર વિચારમાં રહ્યા, અને તે વિચારમાંથી જાગી અકબરના સ્વપ્નની કવિતા બોલતો બોલતો આંખ ચોળતો ચોળતો ઉભો થયો અને હેરાફેરા કરવા લાગ્યો.
Me too the black – wing’d Azrael overcame,
But Death had ears and eyes, I watched my son,
And those that followed, loosen, stone from stone,
All my fair work; and from the ruin arose
The shriek and curse of trampled millions, even
As in the time before:, but while I groan’d,
From out the sunset poured an alien race,
Who fitted stone to stone again, and Truth,
Peace, and Justice, came and dwelt therein.”125
“મહારાજના ચિત્તમાંનો ધર્મસેતુ તે આ જ પથરાઓનો! એ બાંધવામાં ભાગ લેવાનો આ સ્વપ્નોપદેશ!” આળસ મરડી જુવે છે તો એક પાસ કમળા રાણી છાતી ઉપર હાથ મુકી ઉભી હતી તે પાસે આવી.
“આપની અવસ્થા જાણી માતાજીનો શોક વધ્યો છે. તેમને આશ્વાસન આપવાનું મુકી દેઈ આપ જ શોકમાં પડ્યા, ત્યાં તેમના શોકને ઉતારવાં કોઈ સમર્થ નથી.”
“ખરી વાત છે. મહારાજનો સહવાસ એમની આગળ મ્હારે તો આજકાલના જેવો જ. થોડા શોકવાળાએ વધારે શોકવાળાને આશ્વાસન આપવું, પુત્રે માતાને આપવું, અને પુરુષજાતિએ સ્ત્રીજાતિને આપવું—એ ધર્મ મહારાજને મુખે સાંભળેલો છે.” મણિરાજે છેટેથી ઉત્તર આપ્યો. કમળાએ મણિરાજને ખભે હાથ મુક્યો. મણિરાજે તે ઘણે દિવસે સ્વીકાર્યો. રાણી ઉત્તેજન પામી બોલી, “સાંભળ્યું છે કે સાહેબ પ્રાત:કાળે મહારાજનો શોક ઉતારવા આવે છે.”
પ્રથમ જ “મહારાજ” સંબોધનને અભિનંદન પણ ન કરી તેમ તિરસ્કાર પણ ન કરી, મણિરાજ બેઠો, રાણીને પાસે બેસાડી, અને બોલ્યો,
“મને લાગે છે કે માતાજીનાં દર્શન કરવામાં પ્રમાદ થાય છે.”
“એ વાત તો ખરી. તેમનાં દર્શનકાળે માતા પુત્ર અને અમ જેવા સર્વને શાંતિ વળે છે.”
“તો તે ધર્મ પાળવામાં હું પ્રમાદ ન કરું તે જોવું તમને સોંપ્યું.” મણિરાજ શૂન્ય દૃષ્ટિ કરી ઉભો.
રાણીએ મણિરાજનો હાથ ઝાલ્યો. તે પાછો ઉંડા વિચારમાં પડ્યો. રાણીએ તેને હીંદોળા-પલંગ ભણી દોર્યો.
“મહારાજ, ઉંડા વિચારમાં પડ્યા છો.”
કેટલીક વારે મણિરાજ બોલ્યો. “આ દીવાને લીધે આપણી છાયાઓ ઘડીમાં આપણી સાથે અને ઘડીમાં આગળ ચાલતી દેખાય છે તે જોઈ?”
“હાજી, આપણી બેની છાયાઓએ પણ પ્રેમસંકેત જ કરેલો છે.”
“એ છાયામાં જાડા પગ પાતળા થાય છે, પણ દશ ગણા લાંબા થાય છે. તમારી છાયાનો આ હાથ પણ એવો જ થઈ ગયો.”
“એમ જ.” “પણ જુવો આ આપણાં માથાંને સ્થાને છાયાઓમાં તો પલંગ જેવડાં માથાં થઈ ગયાં!”
“ઈશ્વરની માયા એવી જ છે! આ જુઓ!”
“હવે તો માથાં વગરનાં ધડ ચાલે છે!”126
મણિરાજ તે જોઈ રહ્યો અને અટક્યો.
“રાણી! સ્વપ્નની માયા એવી જ છે!” મણિરાજ પોતાના સ્વપ્નને ઉદ્દેશી બોલ્યો.
“મહારાજ, સંસાર પણ એવો જ છે.” મણિરાજનો શોક ઉતરી તેનું મન અન્યત્ર ખેંચવા ઈચ્છનારી, પણ તેને આવેલું સ્વપ્ન ન જાણનારી, રાણી બોલી.
મણિરાજ – “ન્હાનો સરખો વિચાર સ્વપ્નમાં મ્હોટો થઈ જાય છે તેમાં ઢંગ પણ નહી ને ધડો પણ નહી!”
કમળા—“ખોટી ખોટી વાતો સંસારમાં પણ સાચી લાગે છે.”
મણિરાજ – “આ એક જેવી અનેક છાયાઓ સ્વપ્નમાં ભમે છે.”
કમળા—“કરોળીયાની જાળ જેવી સંસારની રચના થઈ જાય છે.”
મણિરાજ—“ભમરીઓના મધપુડા જેવું સ્વપ્ન બંધાય છે અને જાગીએ ત્યાં ભમરીઓ અને મધ ઉભય અદૃશ્ય થાય છે, અને થોડા ઘણાક સ્મરણનું ખોખું લટકેલું ર્હે છે.”
કમળા—“કાલનો સંસાર આજ નથી દેખાતો અને આજનો કાલ નથી ર્હેવાનો.”
મણિરાજ—“એમ જ! પળ ઉપરનું સ્વપ્ન અત્યારે પુરું પાંશરું સાંભરતું પણ નથી.”
આટલી વાતો કરતાં કરતાં કમળાવતીએ મણિરાજને હીંદોળા ઉપર લીધો હતો અને પોતાના ખોળામાં તેનું માથું મુકી એના હૃદય ઉપર પ્રીતિનો કોમળ હાથ ફેરવતી હતી અને પગ વડે હીંદેળો ઝુલાવતી હતી.
“માણસોનાં મ્હોં પણ સ્વપ્નમાં જુદાં જણાય છે;” સુતો સુતો મણિરાજ બોલ્યો.
કમળા—“સંસારમાં તો માણસોની બુદ્ધિઓ પણ ક્ષણમાં એક અને ક્ષણમાં બીજી થાય છે – વીજળીના ચમકારા જોઈ લ્યો. મ્હોં પણ તેવી જ રીતે સર્વાવસ્થામાં એક ર્હેતાં નથી; બાલપણમાં તો ઘડી ઘડી બદલાય છે.”
મણિરાજ – “જીવ છતાં જે સ્વભાવ અને વિચાર માણસમાં હતા નથી તેવા સ્વભાવ ને વિચાર ધરી, મરેલાં માણસ સ્વપ્નમાં આવે છે, અને પોતે કદી બોલેલાં ન હોય એવાં વચનનો ઉદ્ગાર કરે છે.”
કમળા—“મહારાજ, એવાં સ્વપ્નની ભ્રમણાને હૃદયમાં ભટકવા દેશો માં.”
મણિરાજ – “રાણી, કદી કદી જાગૃત કરતાં સ્વપ્નની મીઠાશ જુદી જ લાગે છે.”
મણિરાજની આંખ મીંચાવા માંડી તેની નિદ્રાને અસ્વપ્ન કરવા રાણી ધીમે સ્વરે ગાતી ગાતી કરકમલ ફેરવવા લાગી. અંતે એ વેલી પણ નિદ્રાપવનની લ્હેરથી ઝુકવા લાગી.
“વ્હાલા! સ્વપ્ન ત્હારાં થાવ ઘણું મીઠડાં જો!
“મ્હેંયે સ્વપ્ન ત્હારાં છે જ ઘણાં દીઠડાં જો.—વ્હા૰
“પિતામાતને ખોળે તું રમ્યો લાડમાં જો,
“રમે જેમ મીઠાં આભલાં અસાડમાં જો.—વ્હા૰
“મહા…રાજ જોગી ને તપસ્વી એ હતા જો,
“મહારાજ પરમ ધામ કૃપાનું હતા જો. -વ્હા૰
“ગયું છત્ર એવું ઉડી ઉંચે સ્વર્ગમાં જો,
“ઉંડા ઘા જ પડ્યા રાણીજીના મર્મમાં જો.-વ્હા૰
“માતાપિતાનો ભક્ત તું તો રાજવી જો,
“ધારા આંસુડાની રહી હવે ઢાળવી જો. -વ્હા૰
“પિતામાતના ગુણો ન વીસારે પડે જો,
“તેના અંશઅણુ જેવું ખોળ્યું ના જડે જો. -વ્હા૰
“એવા કાળમાં વિચાર, વ્હાલા, ધર્મને જો,
“શોધી લેની હરીઇચ્છા તણા મર્મને જો, –વ્હા૰
“મહારાજની પ્રજા અનાથ આ બની જો,
“તને સોંપીને સનાથ, પિતાએ, ગણી જો.—વ્હા૰
“હવે મોહ છોડી, છોડી હર્ષશોકને, જો,
“પુરુષ! ધાર ધુરી રાજ્યની સદા ખભે જો. -વ્હા૰
“માતા ને પ્રજાને શોકથી ઉદ્ધારજે જો,
“બધે સુખ ને સમૃદ્ધિને વસાવજે જો. –વ્હા૰
“ભ્રમર! ભમજે વને વને ફુલે ફુલે જો,
“મધુર મધુર મધુ શોધજે ને ગુંજજે જો! –વ્હા૰
“ગિરિ, સાગર, અરણ્ય, ને હલેલીયો જો,
“સધુ, સંત, ચતુર્વર્ણ, પુરુષ ને સ્ત્રીયો, જો. –વ્હા૰
“એ તો તરસ્યાં છે સર્વ તુજ મધુ તણાં જો!
“વાટ જુવે ત્હારી લેવાને ઓવારણાં જો. –વ્હા૰
“રાજા! જાગજે સજાત પ્રજાને કરી જો!
“રાજા! લેજે આશિષ, પ્રજા દે ઠરી જો! –વ્હા૰
નિદ્રાયમાણ રાણીને રાજાનાં, ને રાજાને પ્રજાનાં સ્વપ્ન બીજા સંસારમાં રમાડવા લાગ્યાં.
125 Akbar’s Dream: Tennyson
126 * * * * His slanting ray
Slides ineffectual down the snowy vale,
And * * from every herb and every spiry blade
Stretches a length of shadow over the field.
Mine spindling longitude immense,* * *
Provokes me to a smile. With eye askance
I view the muscular proportion’d limb
Transformed to a lean shank. The shapeless pair
As they designed to mock me at my side,
Take step for step; and, as I hear approach
The cottage, walk along the plaster’d wall,
Preposterous sight! the legs without the man.
—Cowper’s ‘Winter Morning Walk.’