પ્રકરણ ૩ : મુંબાઈના સમાચાર, ધૂર્તલાલની શેઠ થવાની કળાઓ

સરસ્વતીચંદ્રના શોધ સારુ ચંદ્રકાંત મુંબાઈથી નીકળ્યો તે પછી ત્યાં શું થયું તે સમાચાર જાણવાનો હવે અવસર છે.

પ્રિય પુત્રના વિયોગથી અને પોતે જ તેનું કારણ હતો તે જાણી વૃદ્ધ લક્ષ્મીનંદનના હૃદયમાં ઉંડો ઘા પડ્યો હતો. યુવાવસ્થામાં સ્ત્રીપુત્રાદિવિષયે નવો ઉત્સાહ હોય છે ખરો, પણ તે કાળનું લોહી મનને સ્થિતિ-સ્થાપક બળ આપે છે અને તે બળથી સ્ત્રીપુત્રને વિયોગે પણ દુ:ખનો ઘા રુઝવાની આશા ર્‌હે છે. પણ જેમ જેમ વૃદ્ધાવસ્થાની ઋતુનો વા વાય છે તેમ તેમ મન પોચું થાય છે, અને જેમ જેમ સંસારના ત્યાગનો પ્રસંગ આવે છે તેમ તેમ યમરાજનાં પગલાંના ધબકારા દૂરથી સંભળાતા હોય અને વિયોગની કલ્પના ખડી થતી હોય તેમ વૃદ્ધાનાં હૃદય વૃદ્ધાવસ્થાના દંડરૂપ બાળકોના ઉપર લટકે છે અને તેમનાં સુખ- દુ:ખનાં અનુમોદન તેમ અનુશોચન બળવાન થાય છે. વિદ્વાન બુદ્ધિમાન સરસ્વતીચંદ્ર જેવા પ્રિય પુત્રને સંભારી સંભારી વૃદ્ધ પિતા દિવસે દિવસે ક્ષીણ થતો ગયો અને પોતાનું અશેષ દ્રવ્ય તેને શોધવામાં ખર્ચવા તત્પર થયો. મુંબાઈનગરીની પોલીસમાં, પરદેશમાં, પોતાના ઓળખીતા અમલદારો અને વ્યાપારીયોમાં પોતાના અનેક સેવકોમાં, અને અન્યત્ર જ્યાં સુઝ્યું ત્યાં લક્ષ્મીનંદન અત્યંત દ્રવ્ય વેરવા લાગ્યો, અનેક ઉપાયો યોજવા લાગ્યો, અનેક પુરૂષોની બુદ્ધિની સહાયતા લેવા લાગ્યો, અને પોતાના વ્યાપારનાં સર્વ યંત્ર ધૂર્તલાલને સોંપી જાતે રાત્રિદિવસ પુત્રના શોધની જ ચિંતામાં ર્‌હેવા લાગ્યો. અન્ન ઉપરથી તેની રુચિ ઉઠી ગઈ નિદ્રા કરવાને ઠેકાણે રાત્રિના બબે ત્રણ ત્રણ વાગતા સુધી સુતો સુતો છત સામું જોઈ જાગ્યાં કરે, અને સર્વ કાળે પુત્રનું શું થયું અને તેને ક્યાં શોધું તે જ વિચાર કર્યા કરે. તે કોઈની સાથે હોય ત્યારે તેનું મુખ ગરીબડું થઈ જતું અને આંખમાં પાણી ભરાઈ આવતું. એકાંત એકલો હોય ત્યારે બેઠો બેઠો અથવા સુતો સુતો આંખમાંથી જળની ધારા ચાલ્યાં કરે તે લ્હુવે પણ નહીં. જયાં જાય ત્યાં પુત્ર વિના વાત નહીં અને પુત્ર વિના વિચાર નહી. જયારે ત્યારે આંખ આગળ પુત્રનું મુખ તરે અને કાનમાં તેનાં સ્વરના ભણકારા વાગે. બે માસમાં તેના શરીરમાંથી માંસ રુધિર સુકાઈ ગયાં અને હાડકાં રહ્યાં. આંખમાંથી તેજ ગયું અને ડોળા ડગમગવા લાગ્યા. સર્વ કોઈ એમ જ ક્‌હેવા લાગ્યાં કે હવે ગમે તો શેઠ ઘેલા થઈ જશે કે ગમે તો એનો દેહ છુટશે.

જયારે સર્વને શેઠની દયા આવવા લાગી ત્યારે એમના સાળા ધૂર્તલાલને નવો નવો ઉમંગ આવવા લાગ્યો. શેઠે ગુમાનને તો હવે બોલાવવી પણ બંધ કરી હતી અને ધૂર્તલાલની પાસેથી સરસ્વતીચંદ્રને શોધવાનું દ્રવ્ય માગવા શીવાય કંઈ પણ હીસાબ પુછવાનું છોડી દીધું હતું. વહુની રીસ તો સાસુનો સંતોષ એ માર્ગ પકડી ધૂર્તલાલ લક્ષ્મીનંદને પકડેલી આ રીતને અનુકૂળ થઈ ગયો.

“દગલબાજ દ્‌હોરા નમે, ચિત્તા, ચોર, કમાન.”

પુત્રશોકમાં પડેલા ધનપતિનું ધન હરી લેવાના માર્ગ શોધવામાં ધૂર્તલાલે અતિશય બુદ્ધિ ચલાવી. ગુમાનઉપરથી શેઠની પ્રીતિ ઉતરી જોઈ શેઠની પાસે ગુમાનની વાત કરવી છોડી દીધી અને એ માર્ગે તથા બીજી રીતે શેઠનો વિશ્વાસ મેળવવા અને પુત્રશોકથી ઉત્પન્ન થયેલો તેનો વ્યવહાર -પ્રમાદ વધારવા ધૂર્તલાલ શેઠની પાસે દિવસે દિવસે વધારે વધારે નમી પડવા લાગ્યો. સરસ્વતીચંદ્રનો શોધ કરવામાં શેઠને સહાયભૂત થઈ વ્યાપૃત રાખવા લાગ્યો, અને તેના વિશ્વાસનું પાત્ર બની એનાં સર્વ કાર્ય પોતાને હસ્તગત કરી લેવા માંડ્યાં. દુકાનના મ્હેતાઓની મરજી સંપાદન કરી તેમનો શેઠ થઈ બેઠો. તીજોરી, રોકડ, અને દસ્તાવેજ માત્રની કુંચી હાથમાં લીધી. સૂર્યયંત્રનો ધણીરણી થઈ પડ્યો. શેઠ પાસે પોતાની ફરીયાદ ન જાય એ વાતની સંભાળ રાખવા લાગ્યો. પ્રમાણિકતાની કીર્તિ ઉભી કરી.

પુત્રચિંતામાં દિવસે દિવસે વધારે વધારે ડુબતો વૃદ્ધ અને દુ:ખી લક્ષ્મીનંદન આ સર્વથી છેતરાયો અને એના સર્વ વ્યાપારમાં એને સ્થાને ધૂર્તલાલનાં પ્રતિષ્ઠા-આવાહન થયાં.

આ સર્વ નાટકના પડદાની માંહ્ય આ બક-ભક્ત ધૂર્તલાલ પોતાના સ્વાર્થની અનેક પ્રપંચ-રચના રચવા લાગ્યો. લક્ષ્મીનંદનને ત્યાંથી દેખીતો પગાર તો એણે ઘણો જ થોડો લેવા માંડ્યો. પણ તેને સટે ગુપ્ત આવક અનેકધા લેવા માંડી. લક્ષ્મીનંદનને મળતા હકસાઈ, દલાલી, વગેરે સર્વે લાભ દેખીતા હતા તેટલા રહ્યા. પણ ગુપ્તપણે તેનો સર્વ શેષભાગ ધૂર્તલાલને પચવા લાગ્યો. સૂત્રયંત્રમાં, દુકાનમાં, અને ઘરમાં જેટલો માલ લેવાય તેના મૂલ્યમાંથી રુપીયે બે આના માલ વેચનાર ધૂર્તલાલને આપે, એ માલમાંથી થોડી ઘણી ચોરી થયાં કરે, અને જે માલ ઘરમાંથી વેચાય તેમાંથી એ જ રીતે ધૂર્તલાલને આહૂતિ મળે. લક્ષ્મીનંદનના ગુમાસ્તાઓને પણ ફોડીને પોતાની નાતમાં લેવા એમને રળાવવા લાગ્યો, અને એ નાતમાં આવવા જે ના પાડે તેને ભય દેખાડવા લાગ્યો.

આ નાતમાં તે માત્ર બે જણને ભેળવી શકયો નહીં. જયાંસુધી સરસ્વતીચંદ્રની સાથે તકરાર હતી ત્યાંસુધી ગુમાન ભાઈની શીખામણ પ્રમાણે વર્તી. પણ ત્યારપછી એના સ્વાર્થના સર્વ કિરણનું કેન્દ્ર એનો પુત્ર ધનનંદન એકલો રહ્યો, અને લક્ષ્મીનંદનની સર્વ મીલકત ગુમાન ધનનંદનની ગણવા લાગી. આ ફેરફાર થશે એવું અંધ ધૂર્તને સુઝ્યું નહી અને પ્રથમ જેવી રીતે બ્હેનની સાથે ચિત્ત ઉઘાડી બનેવીના પઈસા ખાવાની વાતો કરતો તેવી જ રીતે કરવાનું હવે પણ જારી રાખવા લાગ્યો, અને પોતાની ચોરીમાં બ્હેનને ફળભાગી કરવાના પ્રયત્ન કરવા લાગ્યો. આ સર્વ ચોરી અને હાનિ પોતાના જ પુત્રના દ્રવ્યમાંથી થાય છે એવું ભાન ગુમાનમાં અચીંત્યુ સ્ફુરવા લાગ્યું, અનેતે ભાન થતાં પોતાના ભાઈને પોતાનો શત્રુ ગણવા લાગી. આ નવા નેત્રથી જોનારી બ્હેન ભાઈની પ્રપંચ–યોજનાઓ સાંભળી સાંભળી હૃદયમાંથી તેનો તિરસ્કાર કરવા લાગી, અને સરસ્વતીચંદ્રના સંબંધમાં અનુભવેલી તેની કપટશક્તિ સંભારી એ કપટનો ભોગ થનાર પોતાના બાલક પુત્રના ભવિષ્યના સંબંધમાં ભાઈના ભયથી ગુમાન કંપવા લાગી અને ધીમે ધીમે સ્પષ્ટપણે ભાઈને દૂર કરવા ઈચ્છવા લાગી. આ ઈચ્છા સમજીને જ ધૂર્તલાલ લક્ષ્મીનંદન પાસે બ્હેનની અવગણના દેખાડી સરસ્વતીચંદ્રનો પક્ષ લેતો દેખાતો હતો અને તેમ કરી એક પાસથી શેઠનો વિશ્વાસ મેળવતો હતો અને બીજી પાસથી પોતાના પક્ષમાંથી દૂર થવા છાતી ચલવનારી બ્હેનને ડરાવતો હતો. આનું એક એ પણ પરિણામ થયું કે ભાઈની કપટબુદ્ધિમાં આ અભિમાનનો ઉમેરો જોઈ ગુમાનની વૈરવૃત્તિએ એનું સ્ત્રી-મસ્તિક ફેરવ્યું, અને એ શૂર–દશાએ એની સ્વાભાવિક બુદ્ધિને અગ્નિ પેઠે સચેત કરી સળગાવી. ગુમાનના હૃદયમાં પ્રતિજ્ઞા થઈ કે, “ભાઈ હું પણ ત્હારી બ્હેન છું તે જોઈ લેજે.”

ભાઈની નાતમાંથી આવી રીતે એની બ્હેન દૂર રહી, અને બીજો દૂર ર્‌હેનાર હરિદાસ નામનો ગુમાસ્તો મળ્યો. હરિદાસ જાતે કુલીન, અનુભવી, અને પ્રામાણિક વાણીયો હતો. એ ઘણો જુનો નોકર હતો, અને સરસ્વતીચંદ્ર ઉપર પ્રીતિ રાખતો હતો. એનામાં એની જાતને સ્વાભાવિક રક્ષકબુદ્ધિ, ચતુરતા, મિષ્ટતા, અને ધીરાશ હતાં. ધૂર્તલાલ સાથે એણે દેખીતું વૈર ન કર્યું, પણ ધૂર્તલાલના વિશ્વાસુ મંડલમાંથી દૂર ન પડતાં એના પેચથી ભોમીયો રહી પોતાના સ્વામિનું પોતાના પેટમાં ગયેલું અન્નોદક સફળ કરી સ્વામિનો સ્વાર્થ જાળવવા અભિલાષ રાખતો હતો.

ધૂર્તલાલ આવી રીતે દેખીતો નિષ્કંટક ઉદય ભોગવતો હતો. પણ તેની સાથે આ સર્વ ચાર દિવસનું ચાંદરણું છે એવું એ પાકું સમજતો હતો, કારણ સરસ્વતીચંદ્ર પાછો આવે અથવા લક્ષ્મીનંદન જાતે કામ કરવાનું આરંભે કે તરત પોતાનો તારો અસ્ત થવાનો એમ ધૂર્તલાલના મનમાં રાત્રિ દિવસ ભય ર્‌હેતું હતું. આથી ચાંદરણાના દિવસ પુરા થાય અને અંધારી રાત પાછી આવે, તે પ્હેલાં બને એટલી ત્વરાથી દ્રવ્યવાન થઈ જવાનો એણે નિશ્ચય કર્યો હતો. એટલું જ નહી પણ આ ઉદયદિશા જેટલી લંબાય તેટલી લંબાવવાનો પણ એને નિશ્ચય હતો. આ ઉભય નિશ્ચયની પ્રેરણાથી એણે સત્કૃતદુષ્કૃતના સર્વે વિચારને એક પાસ ધક્કેલી નાંખી પોતાનાથી જેમ આગળ વધાયું તેમ વધ્યો. લક્ષ્મીનંદનના દ્રવ્યકૂપને બમ્બા મુકી ખાલી કરવા લાગ્યો અને વિશ્વાસઘાતથી આરંભી ચોરી અને લુટના પ્રપંચ રચી પોતાને ઘેર અને પારકી પ્હેડીઓમાં પોતાને ખાતે અઢળક ધન સંચિત કરી રાખવા માંડ્યું. કેટલાક મિત્રોને પક્ષમાં લેઈ તેમના ભાગમાં વ્યાપાર આરંભ્યો અને તેમને નામે લક્ષ્મીનંદનની પ્હેડીસાથે પોતાની ઈચ્છા પ્રમાણે મૂલ્ય આપી લઈ વેચવા ખરીદવાનો અને વ્યાજે દ્રવ્યનો ઉપાડ કરવાનો વ્યવહાર રાખ્યો. આવી રીતે એક પાસથી પોતાનું ખાતું જમાવી, લક્ષ્મીનંદનના ગ્રાહકોને પોતાની જાલમાં ખેંચવા લાગ્યો. વળી વિધવાઓ, ધર્મ ખાતાં, અને અનેક જાતનાં અનાથ માણસોની થાપણો ઓળવવાના જ અભિલાષથી તે સંગ્રહવાના માર્ગ પકડ્યા.“ટ્રસ્ટી વસાવે નવી સૃષ્ટિ” એ મંત્રને પકડી અનેક ઠેકાણે લક્ષ્મીનંદનની પ્રતિષ્ઠાનો લાભ લેઈ “ટ્રસ્ટી” થવા પ્રયત્ન આરંભ્યા. ટુંકામાં દ્રવ્ય જડે ત્યાંથી “લેઉ લેઉ” એવો એને હડકવા હાલ્યો. ભરતીની વેળા પુરી થાય તે પ્હેલાં બને એટલો સંગ્રહ કરવાની આ ક્રુર માછીએ છાતી ચલાવી, અને છાછર તેમ ઉંડા પાણીમાં અનેક જાળો તરાવતો તરાવતો જોતા જોતામાં સાગરમાં ઘણે દૂર સુધી ઘણા આશ્રિતોને લઈ તરવા લાગ્યો.

આટલાથી સંતોષ ન પામતાં પોતાની ભણી ઉઘડેલાં લક્ષ્મીનાં દ્વાર વસાય નહીં, અને પોતાને અંકે આવેલી લક્ષ્મી સ્થિરભોગ્યા થઈ ત્યાંની ત્યાં જ બેસી ર્‌હે એવી વાસનાને બળે, સરસ્વતીચંદ્ર જડે નહી અને લક્ષ્મીનંદનની શક્તિ સદાકાળનો પક્ષાઘાત પામે એવી યોજનાઓ આ કૃતઘ્ન રાક્ષસના અંત:કરણમાં ઉભરાઈ, સરસ્વતીચંદ્રની શોધમાં લક્ષ્મીનંદનને દેખીતી રીતે અનુકૂળ બની જઈ એ શોધમાં પડનાર માણસોને દ્રવ્ય આપી, આશા આપી આ શોધ કદી સફળ થાય નહીં એવી ગુપ્ત આજ્ઞાઓ આપતો અને પળાવતો. એટલું જ નહી, પણ એ પુરુષની ભોગજોગે ભાળ લાગે તો એનું ગમે તેમ કરી યમદેવને બલિદાન કરવું એવી સૂચના પણ બની ત્યાં આપવાને ધૂર્તલાલ ચુક્યો નહી. લક્ષ્મીનંદનને આ નિષ્ફળ શોધના વમળમાં નાંખી તેમાં તેને આગળ આગળ ધપાવતો હતો અને એ વમળને બળે એને ચિત્તભ્રમ થાય એવું અંતમાં ઈચ્છતો હતો. શેઠને આખો દિવસ ગયેલો પુત્ર સાંભરે એવું કરે અને એના ઉઘેલા મર્મ જાગે એવું બોલે. એમ કરતાં કરતાં આખરે બોલવાનું મુકી કાંઈ નિશ્ચિત કામ કરવાનું ધાર્યું.

એક દિવસ પુત્રને સંભારતા સંભારતા લક્ષ્મીનંદનશેઠ સરસ્વતીચંદ્રના વાલકેશ્વરવાળા બંગલામાં ગયા. બંગલો ઉઘડાવી અંદર જઈ કુમુદસુંદરીની મ્હોટી છવિ આગળ ઉભા. પાસે ગુમાસ્તો હરિદાસ અને ધૂર્તલાલ હતા. શેઠ ઘડીવાર છવિ જોઈ રહ્યા અને સામી પડેલી એક ખુરશી પર બેઠા. એની આંખમાં આંસુ ઉભરાવા માંડ્યાં: “હરિદાસ, આ મ્હારા ભાઈની વહુ! ભાઈ જતા રહ્યા ને વહુ બીજે ઘેર પરણી ગઈ. બે રત્ન હાથમાંથી જતાં રહ્યાં. અરેરે! મ્હેં મૂર્ખાઈ કરી ન હત તો આજ તો મ્હારે ઘેર નવ નિધિ અને અષ્ટ સિદ્ધિ હત. પણ મ્હારું ભાગ્ય જ ફરી વળ્યું.” શેઠે હરિદાસને ખભે હાથ અને માથું નાંખી પોક મુકી. હરિદાસ શેઠનાં આંસુ લ્હોતો બોલ્યો: “શેઠજી, આપે હવે આ પરિતાપ કરવો છોડી દેવો જોઈએ છીએ. થવા કાળ આગળ તમે શું કરો? ભાઈને શોધવામાં આપ કાંઈ બાકી રાખતા નથી. સોદો આપણે હાથ ને લાભ હરિને હાથ.”

ધૂર્તલાલ ધીમે રહીને બોલ્યો: “શેઠજી, મને બ્હીક લાગે છે કે આ ચિંતામાં આપનું ચિત્ત ખશી જશે. ખરી વાત છે. આવા પુત્રની પાછળ આપને જે ન થાય તે ઓછું. આપનાથી કામમાં જીવ રખાતો નથી અને એ જ પ્રમાણે આગળ ર્‌હેશે તો નુકસાન થશે. માટે મ્હારા મનમાં લાગે છે કે જ્યાંસુધી આપનો જીવ આટલો સ્વસ્થ છે એટલામાં કંઈક બંદોબસ્ત કરવો જોઈએ.”

શેઠ કાંઈક ચમક્યા. “શું હરિદાસ, મ્હારું ચિત્ત ખસે એમ તને લાગે છે?”

હરિદાસ ધૂર્તલાલના મુખવિકાર જોઈ રહ્યો હતો તે ધીમેથી બોલ્યો: “શેઠજી, મને તો લાગે છે કે આપ જાતે કામમાં જીવ રાખશો તો આપનું ચિત્ત કદી ખસવાનું નથી. બાકી તો ધૂર્તલાલ શેઠ શો બંદોબસ્ત કરવા ધારે છે તે જાણ્યા પછી સુઝે.”

ધૂર્તલાલને આ ઉત્તર બહુ ઠીક લાગ્યો નહી. હરિદાસ ગમે તો મૂર્ખ છે કે ગમે તો મ્હારાથી વિરુદ્ધ છે એવી શંકા થઈ તેના સામું જોઈ રહી અંતે ઉત્તર દીધો; “શેઠજી, જેમ મ્હારા ભાણેજનો મ્હારે સ્વાર્થ છે તેમ સરસવતીચંદ્રભાઈના સ્વાર્થનો વિચાર ન કરવો એવી બૈરકબુદ્ધિ પણ મ્હારાથી થઈ શકતી નથી તે આપને ખબર છે. એ બેનો સ્વાર્થ જળવાય એવી વ્યવસ્થા આપે વેળાસર કરવી યોગ્ય છે. પુત્રશોકથી આપનું ચિત્ત ભ્રમિત થઈ ગયા જેવું છે એ વાત આપને ન કહું તો આપનું ચિત્ત પ્રસન્ન રહે, પણ આપના કુટુંબનો સ્વાર્થ સરે નહીં. આપના સ્વાર્થવિરુદ્ધ વાત કરી આપના ચિત્તને ગમતી વાત કરવી એ ખુશામતનો ધંધો કરું અને આપને લુણહરામી થાઉં એ યોગ્ય ન ક્‌હેવાય. મ્હારી ખાતરી છે કે આપનો જીવ કામમાં પરોવાઈ શકાય તેમ નથી અને હાલમાં કુતરું તાણે ગામ ભણી ને શીયાળ તાણે શીમ ભણી એવી આપનાં સર્વ કામની દશા છે તે જોઈ મ્હારું ચિત્ત બળે છે.”

“શો ઠગ!” હરિદાસ મનમાં બડબડ્યો.

“ધૂર્તલાલ! તમે જ રસ્તો બતાવો તો મને સુઝે એમ છે, મ્હારી પોતાની બુદ્ધિ તો ભાઈની ઝંખના વિના કાંઈ દેખે એમ નથી:” શેઠ બોલ્યા.

ધૂર્તલાલ હાથ આવેલો પ્રસંગ મુકે એમ ન હતો. તે તરત બોલી ઉઠ્યો: “હું પણ એથી જ કહું છું. મ્હેં તો વિચાર ક્યારનો કરી મુક્યો છે. આપની બુદ્ધિ ઠેકાણે છે ત્યાંસુધીમાં એક એવો દસ્તાવેજ તૈયાર કરી રાખો કે ન કરે નારાયણ અને આપનું ચિત્ત ઠેકાણે ન રહે તો આપનું કામ આપના બે વિશ્વાસુ માણસો કુલમુખત્યારીથી કરે. તેમાંનો એક માણસ મ્હારા ભાણેજનો સ્વાર્થ જાળવે ને બીજો સરસ્વતીચંદ્રભાઈનો સ્વાર્થ ભાઈ આવતા સુધી જાળવે. જો આપ આવો કાંઈ બંદોબસ્ત નહીં કરો તો સઉ કોર્ટે ચ્હડશે ને આપની મીલકત રફેદફે થશે.”

“એ બે માણસ કીયાં નીમવાં?” હરિદાસે ધીમે રહીને પુછયું.

“જો શેઠજીની મરજી હોય તો મ્હારા ભાણા ભણીથી હું કામ કરવા તૈયાર છું અને સરસ્વતીચંદ્રભાઈ તરફથી”–ધૂર્તલાલ જરીક અટકી બોલ્યો—“હરિદાસ જેવા જ કોઈને સોંપો.”

“ના જી, હરિદાસનું એ ગજું નહી—એ બે માણસનું કામ એકલા ધૂર્તલાલ શેઠ કરે તો ક્યાં બને એમ નથી?” હરિદાસે આંખ મીચકારી ઓઠ કરડી કહ્યું.

શેઠ વિચારમાં પડી, “જોઈશું” કહી, ઉઠી, બીજા ખંડમાં ચાલ્યા ગયા. ધૂર્તલાલ ને હરિદાસ બે એકલા પડ્યા. હરિદાસનાં વચનથી શેઠ ડગમગે છે એમ માની ધૂર્તે એને હાથમાં લેવાની યોજના કરી.

“હરિદાસ, તમે સમજતા નથી.”

“ના, શેઠ, હું બે ટકાનો વાણીયો, મ્હારી અક્કલ આપના જેવી ન પ્હોંચે.”

“જો, બચ્ચા, શેઠ મ્હારું કહ્યું માને તો મ્હારે ને ત્હારે બેને રાજધાની છે.”

“શેઠ, એ કાંઈ મ્હારું ગજું?” “લે, બધાએ લુગડાં ઘરેણાં પ્હેરીને જન્મતા હશે?”

“ભાઈસાહેબ, મને તો તમે આપો એટલી અક્કલ આવે.”

“જો ત્યારે, આ મ્હારું ઘર બે મહીનામાં ભરાયું તેવું ત્હારે ભરવું છે કે નહી? આ મહીના વરસના પગારથી કોઈનું પેટ ભરાયું છે?”

“નાસ્તો! પણ એ કાંઈ ભાગ્ય બદલાય?”

“ભાગ્ય ભાગ્ય શું કરી રહ્યો છે? સમો વર્તે સાવધાન. આ શેઠનું કાળજું ખસ્યું છે, ને નહીં ખસ્યું હોય તો દસ્તાવેજ પર સહી કરી આપે કે બીજે દિવસે ખસેડીશું.”

“શી રીતે?”

“એ તો વઈદો ડાક્‌તરો ઘણાએ પડ્યા છે.જર ચાહે સો કર ને દામ કરે ગુલામ.”

“પણ શેઠ મ્હારી પાસે તો જરને ઠેકાણે ઝેર પણ નથી.”

“અંહ, આવો જડ ક્યાંથી દેખાય છે? પારકો પઈસો, પારકી શાહી, ને મતુ કરે મ્હારા મેઘજીભાઈ. શેઠનો પઈસો ને શેઠની હજામત—સમજ્યો કની;—આવો જડસા જેવો ક્યાંથી?”—ધૂર્તલાલે હરિદાસને ખભે ને વાંસે હાથ નાંખી એને હલાવ્યો.

“હા, સમજ્યો તો ખરો, પણ શેઠજીનું લુણ તમારા ને મ્હારા બેના પેટમાં છે.”

“હવે લુણ ને બુણ. ઘરમાં પઈસાનાં ગલગલીયાં થાય તો લુણ વગર પણ ચાલે ને લુણને બદલે સાકર મળે.”

“ભાઈ, પણ એ મ્હારું ગજું નહીં.”

“અંહ, આવો બાયલો ક્યાંથી? લે, આજ સાંઝે મ્હારી સાથે આવજે એટલે ગજું કરી આપીશ.”

“શી રીતે?”

“જો અત્યારે હું જઉં ત્યારે શેઠને ઓગળાવી તૈયાર કરવા. રાત્રે હું તને ગાડીમાં લઈ જઈશ ને શેઠની બે ત્રણ નોટો મ્હારે નામે છે તે ત્હારે નામે કરી આપીશ એટલે ત્હારું ગજુ થયું. કેમ બચ્ચા?”

“હા……”

“હા ને બા. જોજે ચુકતો, હળવે હળવે મઝા દેખાડીશ.” ધૂર્તલાલ ગાડીમાં બેસવા ગયો. જતો જતો મનમાં બોલ્યો. “વાણીયાને ગલગલીયાં કરાવી દેઈશું. રાત્રે વળી રાધાસાની ગોવાગરણને ત્યાં એને લઈ જઈશું એટલે વાણીયો સદાનો નોકર થવાનો. હજી તો એને ખબર નથી કે સરસ્વતીચંદ્ર મરશે ને એનો ભાગ ભાણાને ગયો, એટલે ભાણો ને બાણો—બધાના કુલ માલક બંદા! – ને કોડીનો વાણીયો – તેને ધક્કો મારતાં વાર નથી. સરસ્વતીચંદ્ર મુવો એટલે એના તરફથી કામ કરનાર વાણીયો પણ મરે એવો લેખ કરાવવો. આ વચ્ચે અમારાં ગુમાનબ્હેન ટકટક કરે છે તે – મ્હારી સાળી બૈરાંની જાત – એની કાશ પણ કેમ ન ક્‌હડાય?” બ્હેનની હત્યાના વિચારથી ધૂર્ત કાંઈક મનમાં કંપ્યો. પણ સજ્જ થઈ ગાડીમાં ચ્હડતાં ચ્હડતાં ઓઠ કરડી ગણગણ્યો. “બ્હેન ને ભેન! પેટથી સઉ હેટ! નવાણું ત્યારે સો ભર્યા! આટલા મચ્છર ચોળાશે ત્યારે એક વધારે!” ગાડી ચાલી તેની સાથે બંગલા ભણી પાછળ નજર કરી બોલ્યો: “જો શેઠ સહી નહીં જ કરે તો મ્હારા ટોળીવાળા ક્યાં નથી? વશે સહી નહી કરે તો કવશે કરશે, – અથવા પદમજી પારસી શેઠની પચીશ સહી કરે એવો છે! જોઈએ શું કરવું તે – જગત જખ મારે છે!” મુછ ઉપર હાથ નાંખી, છાતી ક્‌હાડી, શેઠના સાળાએ ગાડીવાનને પાછળ મુક્કો માર્યો: “સાળા, ઝપ લેઈને હાંકતો કેમ નથી?” ગાડીવાને પાછું જોયું, ચાબુક વાગતાં ઘોડો દોડ્યો, ને ગાડી અદ્રશ્ય થઈ.

બંગલાના દ્વારમાં એકલો પડેલો હરિદાસ ગાડી પાછળ જોતો જોતો નિ:શ્વાસ મુકતો ઉભો. ગાડી ચાલી એટલે પાછો ફરી એક ખુરસી પર બેઠો: “એ હરિ! એ ધરતી માતા! આ ભાર તું શી રીતે ઝીલે છે? આમાં મને કાંઈ સુઝે એમ નથી. શેઠીયાના ઘરમાં ને રાજાના ઘરમાં સાળો પેંસે એટલે લક્ષ્મી બ્હેન પરવારે ને કુસંપ ઘર કરે. સરસ્વતીચંદ્ર જેવું ઘરમાંથી ગયું તે આને પાપે. શેઠાણીની બુદ્ધિ બગડી તે આને પાપે. શેઠની બુદ્ધિ ગઈ તે આને પાપે. સારા સારા ગુમાસ્તાઓ બગડ્યા તે આને પાપે. હવે શેઠની જાતનું અને એમની લક્ષ્મીનું જે થવા બેઠું હોય તે ખરું, ને થશે તે એને પાપે. હવે વેળા વંઠી ત્યારે સઉ સમજવા બેઠાં છે. શેઠ હવે પોક મુકીને રડે છે ને શેઠાણી જે છે તે—હવે—શા કામનું? ગમે એટલું પણ બ્રાહ્મણભાઈને કર્મે તે પશ્ચિમ બુદ્ધિ વિના બીજું શું હોય? અને બઈરાં વેળાસર તો શું પણ બ્રહ્માનાં સમજાવ્યાંએ સમજે તો લક્ષ્મણજી રામજી પાછળ જાત નહીં ને સીતાજી હરાત નહી. બઈરાંની બુદ્ધિ પ્હાનીએ કહી છે તે કંઈ અમસ્તી? હશે, એ તો સઉ વિધાતાનો વાંક પણ હરિદાસ તો બ્રાહ્મણે નથી ને બાઈડીએ નથી. વાણીયા! ત્હારી અક્કલ કાંઈ કામ આવે એમ છે? જેવા હોય તેવા આ શેઠ, આ શેઠાણી, ને જે હોય તે આ ધુતારો! એ એવાં છતાં કામ સુધારવું. જન્મારો જેનું અન્ન ખાઈ આ શરીર વધાર્યું તેને ભરદરીયેથી ઉગારવાની વાત છે ને આ ભવસાગરનો ફેરો સફળ કરવાનું કામ છે.વાણીયાભાઈ, પ્રભુએ તો વાણીયો ઘડ્યો પણ હવે બતાવી આપો કે એ વાણીયો ઘડાયો છે.”

વિચારશૂન્ય થઈ થોડી વાર આંખો મીંચી હરિદાસ બેસી રહ્યો. બુદ્ધિને આરામ મળ્યાથી સતેજ થઈ અને આંગળાવડે હીસાબ ગણતો હોય એવા ચાળા કરતો, હરિદાસ એકલો એકલો બોલવા જતો હતો એટલામાં અચીંતો બંધ પડી મનમાં જ વિચારવા લાગ્યો. “વા વાત લઈ જાય ત્યાં મ્હોં ઉઘાડી બોલવું પણ ભયભરેલું છે. મનમાં બોલવાની પણ આવડ છે. તેમ શેઠની સાથે મસલત કરવામાં પણ વાંધો છે – કાળજું ઠેકાણે નહી ને ધુતારાની પાસે નામ દઈ બેસે. શેઠાણીનું કાળજું ઠેકાણે છે પણ બઈરાંની જીભ! દુકાનમાં કે ઘરમાં કોઈ ચોખું માણસ રહ્યું નથી. હવે જીવસટ્ટાનું કામ. માટે એકલે હાથે કામ લેવું—બીજો હાથ હરિનો—પ્હેલો હરિનો—બીજો હરિના દાસનો—ને ત્રીજો પાછો હરિનો. પછી જગત જખ મારે છે.”

“જો હરિદાસ! આ હરિ એક માણસનું નામ સુઝાડે છે—ચંદ્રકાંતનું! વાહ! શકુન સારા થયા! પણ એ તો ભાઈને ખોળવા ગયા છે. એમને કાગળ લખીશ—ત્યાં સુધી નભશે? ભાઈના દોસ્ત, બુલ્વરસાહેબપર ચંદ્રકાંતભાઈની ચીઠી મંગાવીશ. ત્યાં સુધી? ધુતારાનો ધુતારો થઈશ. એણે લાંચ આપવા કબુલ કરી છે – તે લુટાય એટલું લુંટીશ ને ભાઈના જોડા ને ભાઈનો વાંસો. મ્હારા ગરીબના ઘરમાં પૈસા નથી, પણ એ પૈસા વડે પોલીસ ને વકીલો હાથ કરીશ. પણ વાણીયાને નામે વ્હાણ કેમ ચાલશે? વાણીયાને નામે વ્હાણ નહી ચાલે પણ રામને નામે પત્થર તરશે—ગયેલા પણ ભાઈ– તેમનું નામ – ક્યાં ઓછું છે?” ચતુર સ્વારના ભાર નીચે ઉંચી જાતના ઘોડાને પણ અભિમાન આવતું હોય તેમ ખીલે છે, મહાકાર્ય—મહાસેવા—ના વિચારથી વાણીયાને અભિમાન આવ્યું ને તેની બુદ્ધિ ખીલી. એને ઉત્સાહ ફાલ્યો. સાંઝે ધૂર્તલાલને મળવાનું તેથી શેઠને મળવા બીજા ખંડમાં ચાલ્યો.

શેઠ એક બારી આગળ ઉભા ઉભા સમુદ્ર ઉપર દૃષ્ટિ નાંખતા હતા અને દૃષ્ટિમર્યાદામાં પુત્રને શોધતા હતા. હરિદાસ પાસે આવેલો દીઠો નહી.

“શેઠજી!” હરિદાસ પાછળ ઉભેલો બોલ્યો. શેઠ ચમક્યા, પાછળ જોયું, હરિદાસ ભણી ફરી ઉભા, ને બોલ્યા: “હરિદાસ, ધૂર્તલાલ કયાં છે?” “શહેરમાં ગયા.”

“બંગલામાં કોણ છે?”

“તમે ને હું.”

“નક્કી?”

“નક્કી.”

“હરિદાસ!”

“જી!”

“હરિદાસ!” શેઠ તાકીને એની આંખસામું જોવા લાગ્યા.

“જી!” હરિદાસને શેઠની આંખમાં ઘેલછા લાગી.

“તું કોનો નોકર છે?”

“આપનો!”

“ફરી બોલ.”

“આપનો!—મ્હારો જીવ જાય પણ આપનો, શેઠજી ગભરાશો નહીં; આપનું કોઈ નહીં હોય ત્યાં હું છું.”

“મ્હારા ભાઈનું કોણ?”

“આપ.”

“જુઠું બોલ્યો. જા, ત્યારે મ્હારે ત્હારું કામ નથી.”

હરિદાસ ચમક્યો. ઘેલા લાગતા શેઠના વચનમાં ઉંડો મર્મ લાગ્યો. સમયસૂચકતા તીવ્ર કરી.

“શેઠજી, આપ ભાઈના હતા નહી, પણ હવે થયા છો.”

“એવું ક્યાં સુધી ટકશે?”

“આપનું કાળજું ઠેકાણે હોય ત્યાં સુધી.”

“ધૂર્તલાલે ક્‌હેલું કરું તો કાળજું ઠેકાણે ખરું?”

“એ તો આપ સમજો. પણ એ ક્યાં ભાઈના સારામાં રાજી નથી?”

“એક વાર ભુલે ત્યાં સુધી માણસ. બીજી વાર ભુલે એટલે ઢોર.”

“એમાં તો કાંઈ વાંધો નહી.”

“હું તો રાંક તે ઢોર જ.”

“ના, હવે સાંભળ, આ બોલાબોલી જવા દે. ધૂર્તલાલે મ્હારું ઘર ફોડ્યું, તને પણ ફોડ્યો હોય તો કહી દે ને અંહીથી જા. એનું ચાલે તે એ કરશે ને ત્હારું ચાલ્યું તું કરજે. બચ્ચાજી, લક્ષ્મીનંદનમાં હજી કાંઈક પણ બુદ્ધિ બાકી રહી હશે. ભાગ્યું ભાગ્યું પણ ભરુચ.” આ વચન સાંભળી, શેઠની જુની તીવ્રતા તાજી થતી દેખી, હરિદાસને પોતાનું કાર્ય સિદ્ધ થયું લાગ્યું અને આનંદ થયો, ઘણે દિવસે શેઠની બુદ્ધિ સજજ થતી દેખી સેવકની આંખમાં આનંદનાં આંસુ આવ્યાં. એ મનના વિકારોનો મુખઉપર વિકાસ જોઈ શેઠને એનાઉપર વિશ્વાસ બેઠો ને બોલ્યા.

“બસ, બસ, હરિદાસ, વધારે ઓછું બોલવું જવા દે. મ્હારી આખી દુકાનમાં મ્હારો એક તું રહ્યો છે. બાકી સઉ દગાખોર છે. હું તને ઓળખું છું. તું મ્હારો મટે એમ નથી. તું ફુટેલ નથી. મ્હારે પગ હાથ મુક ને ખા સોગન કે તું મ્હારા વિશ્વાસયોગ્ય છે.”

શેઠના મ્હોંમાંથી અક્ષર ખરતાંમાં હરિદાસ શેઠના પગ આગળ બેસી ગયો ને પગે હાથ મુકી રોઈ પડ્યો ને પગ ઝાલી રાખી બોલ્યો: “શેઠજી, તમને દગો દે તેને ગૌહત્યાનું પાપ—બ્રહ્મહત્યાનું પાપ—સ્ત્રીહત્યાનું પાપ—મને શ્રીવિઠ્ઠલેશ પુછે. તમારા મનમાં જે હોય તે કહી દ્યો.”

શેઠ ગળગળા થયા. હરિદાસને ઉભો કરી પાસે બેસાડી બોલ્યા:- “હરિદાસ, મ્હારા મનની વાત સાંભળતા પ્હેલાં ત્હારા મનની વાત ક્‌હે.”

“શેઠ, હું આપને વાત કહું—પણ આપનું ચિત્ત ઠેકાણે ન રહે ને કોઈ ચોઘડીયામાં હતા તેવા ભ્રમિત થાવ તો વાણીયાનું હાડકું નહીં જડે ને તમારું કામ કરવા એક જણ પણ હું બાકી છું તે યે પુરો થઈશ. મ્હારી વાત મ્હારી પાસે રહેવા દ્યો, મ્હારાપર વિશ્વાસ રાખો ને વાત કરો ને મ્હારી કસોટી કરી જોજો. માટે લપઠી કળવાળા તાળા જેવું તમારું કાળજું ઉઘાડો, ને મ્હારું તાળું છે એમનું એમ રહેવા દો. આપને ખાવાનું જોઈશે તેટલું અનાજ મ્હારા કોઠારમાંથી હું જાતે જઈ લઈ આવીશ. પણ એ કોઠારની કુંચી આપની પાસે હશે તો બધોયે લુટાશે.”

શેઠ ગંભીર થઈ ગયા, વિચારમાં પડ્યા, અને આખરે બોલ્યા: “હરિદાસ, તું હતો તેટલો જ હજી ખરાવાદી રહ્યો છે તેથી મ્હારી ખાતરી થઈ છે કે તું ફર્યો ફુટ્યો નથી. ત્હારી શીખામણ ખરી છે તે હું આજ ન્હાના બાળક પેઠે માનીશ. બોલ ત્યારે, પુછું તે ક્‌હે.”

“એ વાતમાં તૈયાર છું.”

“ભાઈના વિચારમાં ઘેલા થઈ એવું કરવું કે ભાઈને ખાવાનું પણ ર્‌હે નહી—એ મને ગમ્યું નહી; અને હું વધારે ઘેલો થઈશ તો એ અણગમતી વાત થશે એવા વિચારથી હું આજ ચમક્યો છું – તે ક્‌હે બરોબર થયું કે નહી?” “વાહ, શેઠજી, વિવાહથી રળીયામણું શું?”

“જો, ત્યારે હવે આ મ્હારા સાળાએ આજ સુધીમાં મને ભમાવ્યો તે પણ મને આજ જ સુઝે છે. મ્હારી ઘેલાઈમાં એનાં કામનો હું વિચાર કરતો ન હતો; પણ એનાં સઉ કામ ઉપર મ્હારી આંખ ર્‌હેતી તે જે જે જોયું અને થવા દીધું એ સઉનો ફરી વિચાર કરતાં મ્હારો સાળો મને બડો ઠગ અને ધુતારો લાગે છે.”

“જી –”

“જી બી નહી. ક્‌હે કે મ્હારું ધારવું ખરું છે કે નહીં?”

હરિદાસ હસ્યો: “શેઠજી, આપે કાલે ધારેલું આજ ફેરવ્યું તેમ આજનું ધારેલું કાલ ફેરવશો નહી એની શી ખાતરી? માટે થયેલી વાત કેમ થઈ તે પુછવા કરતાં આપને હવે શું કરવાનો વિચાર છે તે ક્‌હો, તેનો જવાબ દેઈશ. આપણી સરત પ્રમાણે ચાલો.”

“ઠીક, એમ ત્યારે. જો હું કંઈ મ્હારાં કાંડાં કાપી ધુતારાને કાગળ ઉપર સહી કરી આપવાનો નથી—ક્‌હે—બરોબર કે નહીં? આમાં તો જવાબ દીધા વગર ત્હારે છુટકો નથી.”

“બરોબર, શેઠજી, આપની વાત સત્તર આના છે અને તેમાં હું છાતી ઠોકી હા ભણું છું.”

“બસ, હવે બીજી વાત. કાલ સવારે જમી કરી હું દુકાને આવીશ. પછી બીજી ત્રીજી વાત પડતી મુકી પ્હેલું કામ કરવાનું એ ધારું છું કે મ્હારા સાળાના હાથમાંથી કુંચી, પેટી, ચોપડા, વગેરે સઉ લઈ લેવું; એને એકદમ ક્‌હાડી મુકવો અને મ્હારા ઘરમાં કે દુકાનમાં કદી પગ મુકે નહીં એવી તાકીદ આપવી –”

“એ વાત પણ બરોબર છે. પણ કાલને કાલ કરવું એ વિચાર કરવા જેવું છે.”

“વાત બરોબર છે તો વિચાર કરીશું. હવે ત્રીજી વાત. આ કાગળ ઉપર નામ લખેલાં છે એ બધા ગુમાસ્તાઓને ને મીલના માણસોને પણ દુર કરવાની યાદી; વાંચી જો.”

“યાદી વાંચીશ, પણ એ કામ હાલ કરવાનું નથી. એ સઉ પેટના ભુખ્યા પેટની ભુખે આપણું પણ કામ કરશે.”

“ઠીક ત્યારે હવે બીજી વાત. આને ક્‌હાડી મુકયો એટલે મ્હારું મ્હોટું કામ ત્હારે માથે –”

“શું?” “ભાઈને શોધી ક્‌હાડવા, તેમ કરતાં લાખ રુપીયા થાય તો પણ ખરચવા, જીવ જાય તો ક્‌હાડવો, ત્હારે જાતે સઉ શોધ કરવો ને કરાવવો; પણ ભાઈને લાવવા—ભાઈને લાવવા—ભાઈને લાવવા–” આ વાક્ય બોલતાં બોલતાં શેઠના ચિત્તભ્રમનો આભાસ લાગ્યો. હરિદાસ ચેત્યો.

“શેઠજી, એ કામ મ્હારું. ચંદ્રકાંત ભાઈને શોધવા જ ગયા છે. બુલ્વર સાહેબને એમનો પત્તો જડ્યો છે –”

“હેં!હેં! સ્વપ્ન કે સાચું?–”

“શેઠજી, સાચું બે ચાર દિવસમાં ભાઈ વીશે ચંદ્રકાંતનો પત્ર આવશે.”

“હરિદાસ, આ લુચ્ચો ધુતારો પચીશ હજાર ખાઈ ગયો ને હજી ભાઈને શોધ્યા નહીં. ચંદ્રકાંતે એ શોધ વગરપઈસે કરી. ખરી વાત ચંદ્રકાંતનું કાળજું બળે ને મ્હારો ધુતારો તો ભાઈનો પગ ક્‌હાડવામાં જ હતો તો શોધે શાનો? કાળજું તો મ્હારું જ ઠેકાણા વગરનું કે એને આ કામ સોંપ્યું.”

“શેઠ, થવા કાળ. બોલો, બીજું શું કરવાનું?”

“બીજું એ કે મ્હારું કાળજું હજી ઠેકાણે નથી ને ક્યારે ખસે તેનું ઠેકાણું નથી. માટે ટ્રસ્ટી કરવો –”

“લેખ કરવાની ના ક્‌હેતા હતા ને?”

“સાંભળ તો ખરો. ના તો ધુતારાને લખી આપવાની. આ તો એવો લેખ કે મ્હારા ભાઈ મ્હારા ટ્રસ્ટી—એકલા ભાઈ ટ્રસ્ટી—બીજું કોઈ નહીં—તું યે નહીં ને હું યે નહી.”

“વાહ, શેઠ, સારું ધાર્યું પણ શેઠાણી કબુલ કરશે?”

“નહી કરે તો ધરી રહી. હવે મને ભાઈ વગર કોઈનો વિશ્વાસ નથી. મ્હારું ધન એને સોંપીશ. ધનભાઈનું ધન પણ ભાઈને સોંપીશ. ધનની માને પણ ભાઈને સોંપીશ. ને ધનભાઈને પણ એના એ ભાઈને સોંપીશ. ને મ્હારી જાત પણ એને સોંપીશ.”

“શેઠ, પણ શેઠાણીને તો પુછવું જોઈએ. ઉતાવળ ન કરો.”

શેઠે ઉઠીને હરિદાસને ધોલ મારી.

“હરામખોર! ફુટેલો દેખાય છે! શેઠાણીની શરમ પડે છે. જા, મ્હારે ત્હારું કામ નથી.”

ગાલ ચંચવાળતો ગુમાસ્તો બોલ્યો: “શેઠ, ભાઈને ક્‌હાડી મુકતા સુધી જેની શરમ તમને પડી તેની શરમ મને ભાઈની ગેરહાજરીમાં ન પડે?” શેઠ નરમ પડ્યા. “હા, ભાઈ હા. પડે. હવે તને મ્હેણું નહીં દેઉં. જો. સાંભળ. શેઠાણીએ કહ્યું કે મ્હારો ઘુતારો ભાઈ આવો છે એવી ખબર હત તો આમ ન થવા દેત ને આ ભાઈ તો મ્હારો દીકરો તે મને ભુખી મુકી સુશે નહી. સમજયો? હરિદાસ, સમજયો? કે એ બાયડી સમજી પણ તું ભાયડો ન સમજ્યો?”

“શેઠ ગમે એટલું પણ શેઠાણી જેટલી બુદ્ધિ ત્રણ ટકાના ગુમાસ્તામાં ન હોય. પણ આ તો તમને નાણી જોવા કહ્યું ન હોય?”

“ઓ મુર્ખા! હજી સમજયો નહીં. ભાઈએ તો બ્હેનને એવું પડીકું આપ્યું છે કે બનેવી ગાંડો થાય કે મરે! જો આ પડીકું!” શેઠે ખીસામાંથી ક્‌હાડી બતાવ્યું.

હરિદાસ ચમક્યો ને બોલ્યો: “હાય હાય, ધૂર્તલાલ તું તો માનવી કાયાવાળો રાક્ષસ જ!”—“શેઠ, હવે તમારી વાત ગળે ઉતરી. આ પડીકું શેઠાણીએ આપ્યું?”

“ત્યારે બીજું કોણ આપે? એને તો પોતાનો ચાંલ્લો વ્હાલો હોય કે એની ચુડી ભાંગે એવો ભાઈ વ્હાલો હોય?”

“હરિ! હરિ! શેઠ ખરું કહો છો. પણ –”

“હજી પણ રહ્યું?”

“ના, ના. પણ ભાઈનો પત્તો લાગતા સુધી શું કરવું?”

“હું જાતે વાઘ જેવો બેઠો છું – સઉને ખાઈ જઉં એવો!”

“એ તો બરોબર. પણ જુવો ને અત્યારે જ જરા જરા તમને ઠીક નથી એવું –”

“એવું આગળ વધે તો?”

“હા.”

“વધે એમ તને લાગે છે?”

“ઈશ્વરના ખેલ કોઈને ખબર છે?”

“ના, એ તો ન કળાય. પણ – પણ—મ્હારું કાળજું ખસે ને ભાઈ જડ્યા ન હોય તો તેને ઠેકાણે તેટલો વખત ચંદ્રકાંત અને બુલ્વર સાહેબ કામ કરે.”

“હવે ચોકઠું સજડ બેઠું. મ્હારે સઉ કબુલ છે.”

“ત્યારે, જા, કાલ બાર વાગે દુકાને આવીશ ને ધુન મચાવીશ ને ધુતારાને ક્‌હાડીશ.”

હરિદાસે વિચાર્યું કે શેઠ અટકે એમ નથી. હરિ કરે તે સારા સારું એમ ધાર્યું ને ભાવિ વિચારી બોલ્યો. “ઠીક છે, શેઠ. હું કાલ બપોરે મળીશ. પણ મને પોલીસ કમીશનર ઉપર તમારા નામની ચીઠી આપો.”

“શું કરવા?”

“કાલે આપ દુકાને આવો ને ધુતારો તોફાન કરે તો અટકાવવા સીપાઈઓ રાખું.”

“ઠીક છે. એ ઠીક કહ્યું. લે, આ ચીઠી લખી આપું.”

શેઠ ચીઠી લખવા બેઠા. એ ચીઠી લખી ને તેની સાથે બીજી બુલ્વર સાહેબપર પણ લખી આપી. એ ચીઠીઓ હરિદાસને આપી: “જો, આ પોલીસના સાહેબની. ને આ ચીઠી બુલ્વર સાહેબ ઉપર છે. કાલે સવારે આ બંગલે એમને બોલાવી લેખનો બંદોબસ્ત કરાવીશું. क्षणं चित्तं क्षणं वित्तं क्षणं जीवति मानवः॥ તેમાં મ્હારે તો બધુંએ “ક્ષણં ક્ષણં” છે. સાહેબ આવશે તો ભાઈના પણ સમાચાર મળશે.”

હરિદાસે ચીઠીઓ લીધી, ખીસામાં મુકી, અને ઉભો રહ્યો. શેઠ બોલ્યા: “હવે જા, એકદમ જા, ભાઈને શોધી ક્‌હાડ.”

અર્ધું ચિત્ત ઠેકાણે અને અર્ધો ભ્રમ. એ અવસ્થા દેખી હરિદાસની આંખમાં આંસુ આવ્યાં. લ્હોતો લ્હોતો જે થાય છે તે ઠીક થાય છે જાણી વધારે ગોઠવણ સારુ બોલ્યો.

“હા, શેઠજી, જાઉ છું.”

“ત્યારે જા.”

“પણ સવારે જ ધૂર્તલાલ પુછશે કે પુછાવશે કે લેખનું શું કર્યું ને હરિદાસની સાથે શી વાત થઈ તો શું કહેશો?”

શેઠ વિચારમાં પડી ગરીબડા બની ગયા. “એ તો તું કહી દે તે કહું.”

“કંઈ પાર જ ન આપશો. એમ જ ક્‌હેજો કે જે ક્‌હેવાનું તે તો હરિદાસને કહેલું છે તેને પુછો, ને બીજું બધું કાલ બપોરે.”

શેઠ ઉઠી હરિદાસને ભેટી પડ્યા: “વાહ, વાણીયા, વાહ. આ ત્હારી અક્કલ ક્યાંથી ચાલે છે? બરોબર યુક્તિ સુઝાડી. જુઠું એ નહીં ને સાચું એ નહીં, એમાં બધું આવી ગયું ને મ્હારે વિચાર નહીં, ક્‌હેવાનું નહીં, લપ નહી—જા ત્યારે. “કાલ બપોરે”—જા. પ્હેલું પછી ને બીજું બધું કાલ બપોરે—જા.”

હરિદાસ, દીન મુખ કરી, દુ:ખી થઈ, સુખી થઈ નિ:શ્વાસ મુકતો, ઉમંગ આણતો, ભયથી ધડકતે હૃદયે, આનંદથી ઉછળતે હૃદયે, પરસ્પર વિરુદ્ધ દશામાં ખેંચાતો, અનુરક્ત સેવક, શેઠની સંભાળ માળીને અને હરિને સોંપી, છેક સંધ્યાકાળનું અંધારું પડતાં, શેઠના બંગલામાંથી, વાડીમાંથી, દરવાજામાંથી નીકળ્યો. બુલ્વર સાહેબ અને પોલીસ કમીશનર અને ધૂર્તલાલ એ ત્રણેના વિચાર કરતો ત્રણેને ત્યાં જવાનો સિદ્ધાંત કરી, વિક્ટોરિયા ગાડી ભાડે કરી, ચાલ્યો ને જગતની ખટપટને શાંત કરી દેતા અંધકારમાં માર્ગ વચ્ચોવચ લીન થઈ અદૃશ્ય થઈ ગયો. માત્ર એના મુખમાંથી નીકળેલું એનું છેલું વાક્ય પળવાર તેની પાછળ અંધકારમાં પવનમાં લટક્યું: “હરિ! ત્હારી ઈચ્છા મ્હોટી છે! હું રંકથી મહાપ્રયત્નથી ન થાત તે – ઘેલા ગાંડા પણ શેઠના વચનમાત્રથી—સિદ્ધ થશે, અને હરિ ત્હારી તો એકલી ઈચ્છાથી જ સિદ્ધ થશે! હરિ! હરિ! ધર્મ જય અને પાપે ક્ષય!” “જય” અને “ક્ષય” શબ્દ અંધકારમાં વિક્ટોરિયા રથના ચક્ર પાછળ ચક્રના સ્વરમાં—પડઘામાં – વીંઝાયા અને સરસ્વતીચંદ્રના બંગલાની ભીંતોમાં લીન થઈ ગયા. સઉ હતું તેવું થયું.

હરિદાસ પ્રથમ પોલીસ કમીશનરને ત્યાં ગયો. લક્ષ્મીનંદન અને સરસ્વતીચંદ્ર ઉભય ઉપર એ અધિકારીની પ્રીતિ હતી. ધૂર્તલાલ એ જાણતો હતો અને તેથી એણે એ અધિકારીના હાથ નીચેનાં કેટલાંક માણસની સાથે તેમના ઉપરીને નામે, કેટલાંકની સાથે લક્ષ્મીનંદનને નામે, અને કેટલાંક સાથે લક્ષ્મીનંદનના દ્રવ્ય વડે, પ્રીતિ કરી હતી. આ સઉ જાણનાર હરિદાસને ખાતાના મુખ્ય ઉપરી સાથે પોતાના કાર્યની વ્યવસ્થા કરવી યોગ્ય લાગી. એણે બીજાં તાબેનાં માણસો પાસે ન જતાં સઉના ઉપરીને પકડ્યો, શેઠના મર્મનો ભેદ ખોલ્યો, અને શેઠ દુકાને આવે તે પ્રસંગે થોડાંક પોલીસનાં માણસો પ્રત્યક્ષ થઈ શકે અને કામ લાગે એવી ગોઠવણ કરી શેઠની ચીઠીનો સત્કાર થયો.

બુલ્વર સાહેબે શેઠની ચીઠી વાંચી, શેઠની ઈચ્છાઓ સાંભળી પ્રસન્ન થયો, અને પ્રાત:કાળે શેઠને મળી સઉ વાત કરવાનું વચન આપ્યું. ત્યાંથી નીકળી, પોતાને ઘેર જઈ જમી, હરિદાસ ધૂર્તલાલને ઘેર ગયો. ધૂર્તલાલ એની વર્ષાદની પેઠે વાટ જોતો હતો. હરિદાસે કહ્યું કે શેઠ એકદમ કહ્યું માને એમ નથી પણ કાલ બપોરે દુકાને આવશે તે પ્રસંગે વાત થશે તો વિચારશે. ધૂર્તલાલ શેઠ ઉપર ચ્હીડાયો.

“હરિદાસ, ત્હારી મદદની ખરેખરી જરુર પડશે. શેઠ જો સહી નહીં કરી આપે તો કરનાર નીકળશે ને વધારે વાટ ન જોતાં કાલે બપોરે જ ગાંડા ઠરાવી મુકવા, ને ગાંડાની પેઠે બાંધી કોલાબે પોલીસ મારફત મોકલવા. કોલાબે ડાક્તરને કહી મુકર્યું છે પણ વખત નથી આપ્યો તે ત્હારે મ્હારી ચીઠી સવારે લેઈ જવું ને તેમને ચેતાવવા.” ધૂર્તતાની હીંમત જોઈ આશ્ચર્ય પામતો હરિદાસ બોલ્યો: “વાહ, બહુ બેશ ઉપાય શોધ્યો. કાલ બપોરે જ શેઠને ચતુર્ભુજ બનાવી મોકલી દેવા. પણ પછી? પોલીસ ક્યાંથી લાવશો?”

“આ ચીઠી લેઈ લતીફખાન જમાદાર અને ધુરકેરાવ હવાલદારને જઈને આપવી કે વખતસર પોલીસને હાજર રાખવી.”

“એ પણ ઠીક. કોણ ચીઠી આપશે?”

“હરિદાસ વગર બીજું કોણ? હું સિદ્ધ ને તું સાધક.”

“ઠીક છે, શેઠ, બપોરે બાર વાગે એ મ્હારે કરવું.”

આ ગોઠવણ પાર ઉતારવા સારુ હરિદાસે ત્રણ હજારની નોટો રોકડ ધૂર્તલાલ પાસેથી લીધી. રાધાસાનીને ત્યાં પણ એને ધૂર્ત લેઈ ગયો, નાયિકાના હાથની બીડી અપાવી, અને નાયિકાપાસે ઠુમરીઓ ગવડાવી. હરિદાસે બીડી ખીસામાં મુકી, ઠુમરીઓ સાંભળવાના રસમાં પડેલા શેઠના સાળા પાસે પ્રસંગે પ્રસંગે દુકાન સંબંધી એનાં કપટનાં મર્મની કુંચીઓ ચોરી લીધી, અને આખરે જાતે બ્હીકણમાં ખપી આ હીંમતવાળી પરસ્પર – ધૂર્ત ધૂર્ત- ધૂર્તાની જોડને એકલી મુકી પોતાને ઘેર ગયો. ધૂર્તલાલની આપેલી ચીઠીઓ સાચવી રાખી. ઘણાક વિચાર કરી આખરે સુઈ ગયો. બીજે દિવસ છેક બપોરે દુકાને ગયો. ત્યાં પ્રથમ ધૂર્તલાલ અને પછી લક્ષ્મીનંદન એકાદ બે મીનીટને અંતરે આવ્યા. હરિદાસ બેમાંથી કોઈની સાથે વાત ન કરતાં પોતાની પેટી ઉઘાડી છાનોમાનો એક મ્હોટો ચોપડો ઉઘાડી લખવા બેઠો. નીચે પોલીસનાં માણસ ફરતાં હતાં તેને શેઠે પોતાના સાધનરૂપ ધાર્યાં અને ધૂર્તલાલે પોતાનાં ધાર્યાં. હરિદાસને પણ ઉભયે પોતાનો ધાર્યો. ઉભય પોતાનો વિજય સિદ્ધ થવાનો નિશ્ચય કરી પોતપોતાના અભિમાનમાં – દર્પમાં – ઉન્મત્ત હતા. છાતી ક્‌હાડી સઉની સલામો ઝીલતા શેઠ પોતાની ગાદીએ બેઠા, મુછો આમળતો ધૂર્તલાલ પોતાને ઠેકાણે બેઠો. બેની ગાદીયો વચ્ચે એકાદ હાથનું છેટું હતું. હરિદાસની અને તેમની વચ્ચે ત્રણ ચાર બીજા ગુમાસ્તા બેઠા હતા. ઘણે દિવસે શેઠ દુકાને આવ્યા દેખી સઉ પોતપોતાનું કામ ઉતાવળથી થતું બતાવવામાં ખંતી દેખાયા.

સાળો બનેવી થોડીક વાર કાંઈ બોલ્યા નહી. અંતે ધૂર્તલાલ બોલ્યો: “વાહ શેઠ, આજ આપ પધાર્યે શી દુકાન શોભે છે? અંબાડીવગરનો હાથી અને પાઘડીવગરનું માથું તેવી શેઠ વગરની દુકાન આજસુધી હતી.”

“તમે ક્યાં ન્હોતા? મ્હારા તમારામાં ક્યાં ભેદ છે?” શેઠ અધીરાઈ સંતાડી બોલ્યા. ધૂર્તલાલ નમી જઈને બોલવા લાગ્યો: “શેઠજી, કાલે વાત થઈ હતી તેનો વિચાર કર્યો!”

“હરિદાસે વાત કરી નથી?”

“બરોબર નહી.”

“વાત એ કે મને કંઈ સુઝતું નથી ને સુઝે નહી ત્યાંસુધી કંઈ કરવું નથી.”

“શેઠ, આપને ચિત્તભ્રમનો આરંભ થયો છે માટે ધર્મના કામમાં ઢીલ ન કરવી.”

શેઠ તકીયે પડી, પેટીપર પગ લાંબા કરી, બોલ્યા: “ખરી વાત: અને તેથી જ હવે હું હુકમ કરુ છું કે તમને અત્યારથી મ્હારી દુકાનમાંથી રજા છે.” બુમ પાડી શેઠ બોલ્યા: “ગુમાસ્તાઓ, ધૂર્તલાલને કાંઈ પુછવાનું છે? આ ઘડીથી એને હું રજા આપું છું.”

સઉ ગુમાસ્તાઓ દિઙ્‌મૂઢ બની જોઈ રહ્યા. ધૂર્તલાલ રાતોચોળ બની ગયો પણ વચનમાં શાંતિ રેડી બોલ્યો: “શેઠજી, આપને ચિત્તભ્રમ હવે જરુર થયો છે: આપનું ચિત્ત ઠેકાણે હોય તો તો રજા આપનાર ધણી છો પણ આપની આ સ્થિતિમાં મ્હારી બ્હેન ને મ્હારા ભાણેજનો હું વાલી છું અને આપના શરીરની સંભાળ પણ મ્હારે માથે છે, માટે આપ શાંત થાવ.”

“ધુતારા! હું તને એકદમ બરતરફ કરું છું. અને આ ઘડી આ મકાન છોડી જવા હુકમ કરું છું. ચાલ, ઉઠ, અંહીથી!”

ધૂર્તલાલ ઉઠ્યો અને પાછો વળી બીજા ગુમાસ્તાઓને ક્‌હેવા લાગ્યો; “ભાઈઓ, શેઠ હાથમાંથી ગયા. બહુ દીલગીરીની વાત છે. એમને વશ નહીં રાખીયે તો કંઈ નવું જુનું કરી બેસશે.” કોઈએ ઉત્તર ન આપ્યો. એની આંખ આમ બીજી પાસ હતી એટલામાં શેઠ ઉઠ્યા અને ધકકો મારી એને ક્‌હાડવા લાગ્યા અને બુમ પાડવા લાગ્યા: “મ્હેતાઓ, બોલાવે મ્હારા ભૈયાઓને અને ભૈયા ન હોય તો પોલીસને. આ ચાંડાલ હવે મ્હારા મકાનમાં નહી.” શેઠની આંખ હરિદાસભણી ગઈ.

ધૂર્તલાલની નરમાશ ખશી. “હરિદાસ, બોલાવ પોલીસને. શેઠ ગાંડા થયા—મ્હેતાઓ, એમને ઝાલો—ઉઠો—જુઓ છો શું?”

ઠાકોરદાસ નામનો મ્હેતો પ્રથમ ઉઠ્યો, પછી બીજા મ્હેતા ઉઠ્યા, શેઠને ઝાલવા માંડ્યા, શેઠ સઉને ધક્કા મારી છુટા થવા અને બુમાબુમ કરવા લાગ્યા. સઉ એક ખેસવડે શેઠને બાંધવાનો પ્રયત્ન કરવા લાગ્યા અને “શેઠ, ગાંડા થયા, ગાંડા થયા” એમ બુમ પાડવા લાગ્યા.

આ સર્વના આરંભમાં જ હરિદાસ ધીમે રહી ઉઠ્યો અને બારીમાંથી પોલીસને હાક મારી. ઉભય પક્ષે પોલીસને પોતાની ગણી. જરાવારમાં પોલીસનાં માણસો ચ્હડી આવ્યાં, તો શેઠને સર્વે ગુમાસ્તાઓ બાંધે અને અંતે ધૂર્તલાલે કહ્યું, “હવાલદાર, શેઠ ગાંડા થયા છે અને તેથી મ્હેં એમને બાંધ્યા છે તેમને પકડી કોલાબે કે જ્યાં લેઈ જવા હોય ત્યાં લઈ જાવ.”

પોલીસવાળાઓમાંથી એક જણ બોલ્યો: “તુમહી તર શેઠજીલા ધરતા ના?”

“હોય, આમહીચ ધરલા!” ધૂર્તલાલ ફુલી બોલ્યો.

“તુકોજી, પહીલા તર હ્યા ધૂર્તાલાચ હેંડકફ કરુન ઘ્યા. મગ હ્યા સર્વ મંડળીલા ઘ્યા, આણી શેઠજીના સોડુન દ્યા.”

ધૂર્તલાલ અને મ્હેતાઓ ગભરાયા, ઘડીના છઠા ભાગમાં ધૂર્તલાલ અને એના સર્વ મંત્રીયોને ચતુર્ભુજ કરી ચાર પાંચ સીપાઈઓને હવાલે કરી હવાલદારે કહ્યું. “તુકોજી, હ્યા લોકને શેઠજીલા ગેરકાયદેસર કૈદ કેલા તે આપણ પ્રજ્ઞક્ષ કેલા. આતાં કમીશનર સાહેબ કડે સર્વ મંડળીલા ઘેઉન તુહી જા. મી પુઢેં યેતો.”

સીપાઈઓ સર્વેને ઘસડી ગયા. શેઠ, હવાલદાર, હરિદાસ અને બે સીપાઈ રહ્યા. શેઠને છોડ્યા. તેમને બાંધ્યા હતા તે દુપટો મુદ્દામાલ ગણી લીધો.

“કાય, શેઠજી, આતાં કાય હુકમ આહે?”

“હવાલદાર, હું પાછળ આવું છું અને સાહેબ પાસે આવી ફરીયાદી કરું છું, હાલ તમે જાવ.”

સલામ કરી હવાલદાર ગયો. પાછળ શેઠ અને હરિદાસ રહ્યા.

“કેમ, શેઠજી, જોઈ લુચ્ચાઓની હીંમત?”

“હરિદાસ, મને પ્હેલે ઉગાર્યો ઈશ્વરે અને બીજો ત્હેં. આ ધુતારો તો મને ગાંડાની હોસ્પિટલમાં મોકલી દેવાનું કરતો હતો.”

“હા જી, મને ખબર છે. આ ચીઠીઓ વાંચો.”

નગરમાં વાત વાએ ચ્હડી. હો હો થઈ રહી. શેઠ ચીઠી વાંચે છે એટલામાં બુલ્વર સાહેબ આવ્યા. તેમની સાથે હાથ મેળવી ખુરસીપર બેસાડ્યા. બેસાડતાં બેસાડતાં શેઠ બોલ્યા: “હરિદાસ, આ ચીઠીઓ સાહેબને પણ દેખાડીશું.” સાહેબ શેઠ પાસે બેઠા. શેઠની સર્વ વાર્તા એણે પ્રાત:કાળે સાંભળી હતી અને ફરી મળવાનું બપોરે ઠરાવ્યું હતું. ધૂર્તલાલે પોલીસનાં માણસ ઉપર લખેલી તથા કોલાબા ઉન્માદારોગ્યભવનના36 ડાક્‌તરપર લખેલી ચીઠીઓ હરિદાસ પાસેથી વાંચી. શેઠને ગાંડા ઠરાવવાનો તથા પકડવાનો પ્રપંચ તેમાં સ્પષ્ટ હતો. પ્રથમ રાત્રે ધૂર્તલાલ પાસેથી લીધેલી ત્રણ હજારની નોટો પણ હરિદાસે શેઠ અને સાહેબના હાથમાં મુકી દીધી અને રાત્રિનું સર્વ વૃત્તાન્ત કહી દીધું, પ્રામાણિક અને સેવાનિષ્ઠ સેવક ઉપર ઉભય ગૃહસ્થો પ્રસન્ન થયા. અંતે વિચાર કરી સાહેબે અભિપ્રાય આપ્યો કે ચીઠીઓ તેમ જ નોટો પોલીસ કમિશનર સાહેબને તરત સોંપી દેવી, તેને અથઈતિ વાર્તા વિદિત કરવી, અને આખર કામ ચાલે ત્યાં સુધી પુરાવારૂપે સ્પષ્ટ થાય એવી યોજના પોલીસને જ સોંપવી. શેઠે કરવાનો લેખ સાહેબે પસંદ કર્યો પણ તે લેખ તરત કરવો કે આ સઉ કામ ચાલી રહ્યા પછી તે વીશે કોઈ વકીલ બારિસ્ટરનો અભિપ્રાય લેવા ઉપર રાખ્યું. હરિદાસને આ સર્વ કામમાં ઉપયોગી કરવા મુંબાઈ રાખવાનું ઠરાવ્યું. ચંદ્રકાંતના સર્વ સમાચાર કહી શેઠને સાહેબે ધૈર્ય આપ્યું અને પુત્રનો શોધ એના હાથમાં સોંપી દ્રવ્યનું સાહાય્ય આપવા કહ્યું અને તે પ્રમાણે બે ત્રણ હજારની હુંડીઓ રત્નગરી મોકલી. આ સર્વે ગોઠવણ કરી સાહેબ ઘેર ગયા. શેઠ અને હરિદાસ પોલીસમાં ગયા.

પોલીસ કમિશનર બહુ સુજ્ઞ અને અભિજાત અધિકારી હતો. શેઠની ફરીયાદી અને હરિદાસની જુબાની તેમ બીજાં પોતાનાં માણસોની જુબાનીઓ એ સાહેબે તરત લેવડાવી. પોતાના એક વિશ્વાસુ ચીફ કન્સ્ટેબલને વધારે તપાસ કરવાનું સોંપી શું શું પરિણામ થાય છે તેનું ઘડી ઘડી પોતાને નિવેદન કરવાની આજ્ઞા કરી. લતીફખાન અને ધુરકેરાવ પોતાના ઉપર લખેલી ચીઠી લઈ તુરંગમાં ધૂર્તલાલને મળ્યા અને ચીઠી મોડી મળી તેથી કંઈ બની શક્યું નહી અને ચીઠી પુરી સમજાઈ નહીં એમ બતાવી ખેદ દેખાડ્યો. ચીઠી સમજાવાને ધૂર્તલાલને વિજ્ઞપ્તિ કરવાથી એણે વાંચી સમજાવી અને એ નિમિત્તે એ ચીઠી એણે પોતે લખી છે એવું નક્કી કર્યું. ધૂર્તલાલે હરિદાસને આપેલી નોટોના નંબર વગેરે વીગતની નોંધ શેઠના તેમ ધૂર્તલાલના ચોપડામાં હતી. કારણ એ નોટ પ્રથમ શેઠને ત્યાં અને પછી ધૂર્તલાલને ત્યાં એમ એને ત્યાં ગઈ હતી અને તેથી બેને ત્યાં તેના દાખલા હતા.આ પ્રમાણે પોલીસનું શોધન તડામાર ચાલવા માંડ્યું, સર્વ વાર્તા અને ગપો વર્તમાનપત્રોમાં ઉપરાઉપરી આવવા માંડી અને ધૂર્તલાલ તથા શેઠ સઉની જીભે ચ્હડયા. આની સાથે સરસ્વતીચંદ્ર ન્હાસી ગયાની વાર્તા તેમ લક્ષ્મીનંદનના મનની અને કુટુંબની દુ:ખ ભરેલી સ્થિતિનું વર્ણન પણ બહુ ચિત્તવેધક રીતે છપાવા લાગ્યું. બુલ્વર સાહેબ આ સર્વ વીગત પ્રસિદ્ધ કરવામાં સવિશેષ આતુરતા અને આગ્રહ રાખતા હતા, કારણ તેમના મનમાં એમ હતું કે સરસ્વતીચંદ્ર ગમે તેટલે દૂરના કોઈ ખુણામાં પડ્યો હશે પણ તેના વાંચવામાં ગમે તેમ કરીને પણ આ વર્તમાન જવા પામશે તો એનાં પિતૃવત્સલ મર્મસ્થાન ચીરાશે અને સર્વ આગ્રહ તથા મમત મુકાવી પિતા પાસે બોલાવશે.

લક્ષ્મીનંદનનું દુ:ખ વાંચી પુત્રનું અંત:કરણ દ્રવે એવી ન્હાની ન્હાની વાતો અને લક્ષ્મીનંદનનાં દુ:ખની હૃદયવેધક કવિતાઓ ગુજરાતી અને ઈંગ્રેજીમાં લક્ષ્મીનંદનનું દ્રવ્ય ખરચી બુલ્વર સાહેબે પુસ્તક–આકારે તેમ વર્તમાનપત્રો વગેરેમાં ઘડી ઘડી પ્રસિદ્ધ કરી. સરસ્વતીચંદ્ર પિતાને લખેલા પત્રની કાંઈક કડીયો શેઠને યાદ હતી તે પરથી નવી કવિતા રચી પ્રસિદ્ધ કવિ તરંગશંકરે “ગૂર્જરવાર્તિક”માં છપાવી કે

“દુખી તું તે પિતાને શું!!
“ઝુરે ઘેલો, બીજું તે શું?
“ઝુરે ઘેલો પિતા ત્હારો,
“ગણે છે દેહ ગોઝારો.
“હશે ભુલો સુતે કીધી,
“પિતાએ ચિત્ત ના લીધી;
“પિતાની ભુલ થઈ એક
“ખમે ના પુત્રનો ટેક!
“જગતમાં કંઈ પડ્યા જીવ,
“પિતાનો પુત્રમાં જીવ;
“અહો ભાઈ! અહો ભાઈ!–”
“કંહી જીભ જાય સુકાઈ
“પિતાજી દે લક્ષ્મીને ગાળો–
“અરે મુજ પુત્ર ત્હેં ક્‌હાડ્યો.”
“નહી જોવું! સદા રોવું!
“પિતાએ આંસુ નહીં લ્હોવું!
“પિતાથી પુત્ર જો ન્યારો,
“પિતાને મૃત્યુનો વારો.”

લક્ષ્મીનંદનને આ કવિતાથી કંઈ સંતોષ ન વળ્યો, એણે તો પોતાને નામે થોડુંક છપાવ્યું: “ઓ ભાઈ! આમ તે હાડ શું જાય છે? આ મ્હારાં પળીયાંની જરા તો દયા આણ! અરેરે, મ્હારું કોઈ નથી જો! તું જ્યાં હોય ત્યાંથી હવે આવ! મને હવે કાંઈ સુઝતું નથી. હવે તો આજથી એક મહીનો ત્હારી વાટ જોઈશ ને ત્યાં સુધીમાં જો તું નહી આવે તો દશરથજીની પેઠે પ્રાણ ક્‌હાડીશ. ઓ ભાઈ છેક આવો નિર્દય તે કેમ થયો? જયારે તું મ્હારો નહી થાય ત્યારે આ ઘડપણમાં હું તે હવે કોનું મ્હોં જોઈશ?”

આ વાક્યો જે પત્રમાં છપાવવાનાં હતાં તે પત્રના તંત્રીયે એ વાક્યોનું બુલ્વર સાહેબને ભાષાંતર કરી બતાવ્યું, અને ઉત્તરમાં સાહેબે કહ્યું કે; “છાપી દ્યો, શેઠની સહી સાથે છાપી દ્યો: જો સરસ્વતીચંદ્ર એ વાંચશે તો જયાં હશે ત્યાંથી આવશે. શીકારીના હલકારા જેમ સિંહ જેવાં પ્રાણીનો મહાપ્રમાદ ત્યજાવે છે તેમ આ પુરુષનો અતકર્ય ઉન્માદ એના પિતાનાં આ વચન વાંચતાં જ છુટી જશે, શેઠનાં આ વાક્ય મ્હોટે મ્હોટે અક્ષરે છાપજો.”

36 ગાંડા માણસની ઔષધશાળા.

License

સરસ્વતીચંદ્ર - ભાગ - ૩ Copyright © by ગોવર્ધનરામ ત્રિપાઠી. All Rights Reserved.