ખુલ્લી આંખ અચાનક ઊઘડી જાય છે
આખું શરીર સંચારબંધ — હું શબવત્
રાફડાઓ ચણાય છે ને તૂટ્યે જાય છે ને પથરાય છે સૂક્કી
ફીક્કી માટીનાં ફૂલ ચોમેર
ટોળાંબંધ સર્પો શરીર પર ઉભરાય છે
હોઠ પર એક સર્પયુગ્મ કેલીનો કલધ્વનિ કરે છે
ને મોંની અંદર એક જલસર્પનું મુખ ઊંડે ભીંસાયેલું પડ્યું છે
માટી ખોદાતી જાય છે ને કેડ નીચે સળવટાળ છે.
ભીનું ભીનું ભેજલ ભેજલ
પરસેવાના કણ આકાશના તારા જેમ મને ઠેર ઠેર ફૂટી નીકળે છે.
દૂરથી એક મોર ટહુકે છે
ને
આકાશમાં ટોળે ટોળાં ઉભરાય છે.
આખું આકાશ સંચાર બંધ — હું શબવત્.
૧૯૭૧