સફરનો સાદ

આ વિતથ ઊભા છે જૂના જૂના પ્હાડ
પ્હાડના પાન પાન પર ઝાડ ઝાડનો નકશો
અને ગુફામાં ખુલ્લા મોંની ડણક ચીસને ઢાંકી, દાબી, કચડી, બાંધીને
ગૂંગળાવી દેવા
ઊગ્યાં વેલા-વેલી કંદમૂળથી ઢંકાયેલાં મોં—
— ની સામે ઊભા નવા, સુનેરી
ધુમ્મસને ચાબૂકને ફટકે દૂર ફેંકતાં પ્હાડ
પ્હાડના ઝાડતણી કેડીએ ચડતો પ્હોંચું ડાળેડાળ.
તીણી, વાંકી, ખૂબ પાતળી ચાંચ તણા બહુ વજ્રપ્રહારો ખમતો ખમતો
ચોરું ઇંડાં ચાર — ડાળ પર ઊગેલા માળાઓમાંથી
રોળું ઇંડાં ચાર પેલા જૂના જૂના વિતથ ઉભેલા પ્હાડ ઉપર.
તે પ્હાડ ઉપર જો ઊગે તો ઊગે ઇંડાંનું ઝાડ
ઝાડનાં ફૂટે તો ફૂટે ઇંડાંઓ
ને નીકળે તો નીકળે બણબણ બણબણ કરતી પાંખો
એ ઊડે તો ઊડે ઊંચા-નીચા આભ ભણી.

બણબણ બણબણ કરતી પાંખો હમણાંથી પાડે છે
ભમ્મરિયા સરવર પર ઝમ્મરિયા ડમ્મરિયા પડછાયાનાં પગલાં
 મારા ‘‘અહો, અહો’’થી સ્તબ્ધ બનેલા મુખથી નીકળે
ઝમ્મર ફક્કડ ભડ — ભાંખળિયાં ગાણાં
જાગો — જાગો, કે સૂતેલા અંતરજામી, જાગો
જાગો એકલ હે નોંધારાના આધાર, મારા તનમનધનના સામી, જાગો
જાગો જાગો, હે સૂતેલા ઘેલા વક્ષસ્થલ બે, જાગો, ત્યાગો આળસ
નંદિર ત્યાગો
જુઓ જુઓ ભમ્મરિયા સરવરને વીંધી પરદેશી જલ આવે
પેલો દેશી દેશી જલમભોમનો સૂરજ કેવો બ્હાર?
મારા અવાવરુ તનમનધનને કંઈ આંગળીઓથી ચીંધી
વીંધી તીક્ષ્ણ નખાળી આંગળીઓથી
સૂરજ નીકળે અવાવરુ તનમનધનથી પેલે પાર

લથડેલા ઘોડાઓ દાટી.
તૃણપુષ્પની ગંધ મારતું આ મેદાન બનાવી દોને મજાનું યાર
અજી, આ કલર વગરના કાકડાને પછી કરો તૈયાર
ચલો અસવારી કરશું.

License

પ્રથમ સ્નાન Copyright © by ભૂપેશ અધ્વર્યુ. All Rights Reserved.

Share This Book