‘પ્રથમ સ્નાનની’ તાજગી — ચંદ્રકાન્ત ટોપીવાળા

નિરર્થકતાના સંદર્ભમાં ભૂપેશે પહેલા શિક્ષણજગત છોડ્યું. પછી સાહિત્યજગત છોડ્યું અને એ સાથેસાથે એકાએક આ જગતને છોડ્યું; એની વિલક્ષણતા એના વ્યક્તિત્વમાં અને એના લેખનમાં, બંનેમાં પડેલી છે. સંવેદન અને નિર્વેદ એની જીવવાની અને લખવાની શૈલીના પ્રધાન સૂર હોય એવું લાગે છે :

અળવીતરાઈ નથી, વિજય નથી, ટેવ નથી
પીવાની કોઈ જબરી તલપ નથી, જરૂર નથી,
એમ તો ચાખવીએ નથી.
ને તોય ઘંૂટડો ભરવામાં કોઈ જુલમ થતો નથી
ને જીભ સ્વાદ ચૂકી જાય છે એમ પણ નથી.

(પૃષ્ઠ ૧૨)

નકારને દોહરાવતા આ ભૂપેશની ચારેક છબીઓ જુદાજુદા સમયમાં તરવરે છે : ૧૯૬૭-૬૮ના સમયમાં અનિરુદ્ધના નિમંત્રણથી બીલીમોરા કોલેજમાં વ્યાખ્યાન માટે ગયેલો. બી.એ.ના વર્ગમાં જુદો તરી આવેલો એક મુગ્ધ માસૂમ ચમકતી આંખવાળો ચહેરો મને બીલીમોરાના સ્ટેશન પર એના વાંકાચૂકા હસ્તાક્ષરવાળી હસ્તપ્રતો થમાવી ઉઘાડપગે આવી ઉઘાડપગે ચાલી ગયેલો. જાણે કહેતો હોેય —

એકવાર આ લઘરવઘર રસ્તો હું વીંધી જાઉં પછી સૌ જોજો.

લઘરવઘર હસ્તપ્રતમાં કવિતાને સ્વાભાવિક રીતે હસ્તગત કરતા કવિની મુદ્રા ઊઠતી હતી. થોડીક નોંધ સાથે કાવ્યો પરત કરેલાં. પછી ભૂપેશ મળ્યો અમદાવાદમાં અનિરુદ્ધને ત્યાં જ. ૧૯૭૦-૭૧ના અરસામાં. અમદાવાદ જતો ત્યારે હું અનિરુદ્ધને ત્યાં ઊતરતો. એક દિવસ ધૂંધવાયેલો ભૂપેશ ત્યાં બેઠેલો. કહે ‘રાષ્ટ્રગીત પવિત્ર ગણાય? કવિતા માટે એને ખપમાં ન લઈ શકાય?’ ચર્ચા થઈ. મેં કહ્યું ‘કવિતા બનતી હોય તો કવિતા સિવાય કશું વિશેષ પવિત્ર નથી.’ અનિરુદ્ધે ભૂપેશને વારેલો. રાષ્ટ્રગીતની અદબ જાળવવી જોઈએ, એની સાથે ચેડાં થાય જ નહિ. અને ભૂપેશ હાથમાં રચના લઈને બેઠેલો : ‘જનમનગણને કેવડિયાનો કાંટો વાગ્યો. કહો અધિનાયક, કેવી એની મહેંક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો?’ (પૃષ્ઠ ૪૮). ૧૯૭૩-૭૪ના અરસામાં દાહોદની કોલેજમાં ગુજરાતીના અધ્યાપક માટેના ઇન્ટરવ્યૂમાં આવેલો, અને રાત રોકાયેલો. કેટલીક રચનાઓ સંભળાવેલી, એમાંની કોઈ યાદ નથી. યાદ રહ્યો છે એનો રણકતો ચહેરો. છેલ્લે મોડાસા હું વ્યાખ્યાન માટે ગયેલો ત્યારે ઠેઠ બસ સ્ટેન્ડ સુધીનો સતત એનો પ્રેમાળ સહવાસ હતો. મોડાસાના બસ સ્ટેન્ડ પર બસ આવવાની રાહમાં એણે દ્રુતવિલંબિતની કેટલીક નાદ-આકૃતિઓ મારી આગળ વહેતી કરેલી, તે અભૂતપૂર્વ હતી.

અર્થના વિષમ વ્યાપારો અને વિચિત્ર અધ્યાહારો ગોપવતી એની કવિતાની પ્રધાન ઓળખ નાદથી જ થઈ શકે એવું આ સંગ્રહથી બધી જ રચનાઓનું ક્લેવર છે. કેટલીક જગ્યાએ તો એની માત્રા તીવ્ર છે :

ઉદધિના કંપની ચમકમાં, પૃથ્વીના તૃણ ફૂટ્યા સ્પંદમાં,
પુષ્પની ગંધમાં, પંખીના પિચ્છના કેશના રંધ્રમાં
ને હવા છંદમાં
એ ભળ્યાં — ઓગળ્યાં — વિસ્તર્યાં…’ (શબ્દનો જન્મ)
‘મવ્વર વજાડતા દીઠા ગારુડીને રોમરોમ ફેણૈયા ડોલ્યા
ફેણૈયા ડોલ્યા ને અણિયારી ઘુઘરીના
ઝમ્મ ઝમ્મ ઝાંઝરિયા બોલ્યા.

(મૈથુન)

અહા, આ શું છક્ક અહા આ શું છક્ક
એ જ પીઠ એ જ બાહુ એ જ કેડ એ જ કરોડનો એ જ વળાંક
બધેથી તાજું પથ્થરિયું લોહી નીંગળે છે. અદ્દલ ઝડપાયો.
નીંગળે છે આગે કદમ છક્કઅ પીઠ ભખ્ખઅ
બાહુ છક્કસ કરોડ ભખ્ખસ વળાંક છક્કસ ભખ્ખ છક્ક ભખ્ખ
ભખ્છક ભખ્છક ભખ્છક બીડાવ ખૂલો બીડા ખૂલે ખૂલા બીડ
ખૂલા બીડ ખૂ
શેવાળ શેવાળ લપસ ચીકણો લિસોટો ખીણમાં છરરર છક્

પણ ભૂપેશની કવિતા નાદ આગળ સમાપ્ત થતી નથી. ‘નાદ’માં ભૂપેશનો ‘માનવીય અવાજ’ અવશ્ય ભળેલોે હોય છે. કદાચ એનું કારણ ભૂપેશને મન કલાકૃતિ ‘માનવીય સર્જન’ છે. આથી સદંતર અભ્યંતર થતી અને પોતાનામાં સંકેલાઈ જતી સ્વાયત્ત કવિતાની અંતર્મુખતા અને ઇતિહાસ તેમ જ સમાજકારણ-રાજકારણનાં બિનંગત બાહ્ય પરિબળોનાં સતત દબાણોે હેઠળ સદંતર પ્રતિબદ્ધતા સાથે પરાયત્ત થતી કવિતાની બહિર્મુખતાની વચ્ચે ભૂપેશની રચનાઓએ રસ્તો કર્યો છે. એ સદંતર બંધ નથી, તો એ સદંતર ખુલ્લી પણ નથી. અને તેથી જ.

યા અલ્લાહ’ની ચળકતી ટોના બૂટની કિકિયારીઓ
ધરતી પર ઊગેલી ઘાસની પોપટી કૂંપળોને
જાલિમ છરકા કરતી દોડતી જાય છે.
રમ્ય વાતાવરણ અને નીતરતી સવારના પીળા પૂર્ણચન્દ્રની વચ્ચે
ચાઈનીઝ ગીધોના ધણને ચરાવવા
પારકા ગોવાળો પાવામાં ટેન્કોના સૂર વગાડતાં વગાડતાં આવી ચડશે

(બાંગ્લા — બે અનુભૂતિ)

ડામરના રેલાની પીગળતી સડક પર હરિજન બાળ
ચિત્કાર કરતો દોડી રહ્યો છે અને ઊંચકી લો મહારાજ

(બૂટકાવ્યો)

ટાંગ, છછૂંદર, મિશ્કિન મિશ્કિન ભલે પધારો, વરલી મટકાનો કંત્રાટ
ભગંદર ગયું જહન્નમમાં.
અત્તર, ગલ્લો, ડાઘ, તમંચો, ભોંયફટાકા, ઘા બાજરિયાં, હિંદુ મુસલમાન
ગયું રે ગયું બધું જહન્નમમાં
બોલો, ક્યા કાશી, ક્યા મક્કે રે હરગંગે…

(ગયું બધું જહન્નમમાં)

આવી પંક્તિઓ સંભવી શકી છે. એમાં ય બીજું અવતરણ જ્યાંથી લેવામાં આવ્યું છે એ ‘બૂટકાવ્યો’ની શ્રેણી ભૂપેશની સર્જકતાનો ઊંચો આંક બતાવે છે. સર્જકતાનાં મૂળ નવાં જોડાણો (New connection) અને સંયોજનો (New combinations) ઊભાં કરવાના સામર્થ્યમાં હોય, તમારી પરિચિતતાના વાતાવરણમાંથી ઉખેડી તમને બહાર ધકેલવાના સામર્થ્યમાં હોય, તો આ કાવ્યોમાં એ સિદ્ધ થયું છે. બીજી રીતે જોઈએ તો એક જગ્યાએ ખોદ્યા કરતી અને નિરર્થક ઊંડે જવા મથતી ઉદગ્ર સર્જકતા (Verticle creativity)ને સ્થાને અહીં ઠેર ઠેર ખોદ્યા કરતી અને સાર્થક રીતે ઊંડે ઊતરતી બહુપાર્શ્ચ સર્જકતા (Lateral creativity)નું ઉદાહરણ જોઈ શકાય છે. ભૂપેશનાં ‘બૂટકાવ્યો’ વાન ગોગના ‘બૂટ્સ વિથ લેસિસિ’ (૧૮૮૬) કે રેન માર્ગારિતના ‘ધ રેડ મોડેલ’ (૧૮૯૬)ના ચિત્રની બરોબરી કરી શકે એવાં સશક્ત છે. વાન ગોગના ચિત્રમાં જે ઉન્મત્ત સર્જનવેગ (maddend genius) છે તેવો જ ઉન્મત્ત સર્જનવેગ ભૂપેશનો છે :

રાતુડિયાઓ, ખત્રવટ મા ચૂકો
ના લજવો માવડી ગાવડીનું દૂધ — કાં ત્રાગળાં બની બેઠાં?
રાતુડિયાં મારા ટેબલ નીચે સૂનમૂન.
ના છાપ્યું એક્કે પગલું
ના ચમચમ ઝાંઝર બોલ્યાં.
ના ખદડૂક ઘોડા દોડ્યા.

*

બૂટાળાઓનો આ દેશ-વિશ્વ!
સૌના બૂટમાં નિવાસ, બૂટમાં વાસ, બૂટમાં પ્રકાશ, બૂટમાં શ્વાસ,
ઉછાસ… ઉછાસ!
બૂટની બોલી પર બધા આફરીન છે.

*

ઊંધા તરુવરના મૂળને ટેટા બાઝયા ને ફૂટ્યા.
ફૂટતાં જ સભાખંડ કે મન્દિરના દ્વાર પાસે ખૂણો રચતા
તોડતા ચૂસતા અર્ધાંગને આજે
ગુજરાતીમાં હું દ્વિવચન, નહીં યુગ્મવચન શોધું છું.
ચર્માલયમાંથી તે બહાર પડી ચૂક્યું છે.

બૂટમાંથી ઊગતા પગ કે પગમાંથી ઊગતા બૂટનો ભ્રમ રચતી બૂન માર્ગારિતની મોહક ચિત્રકૃતિની જેમ ભૂપેશે પણ શબ્દદૃશ્યો દ્ધારા પગબૂટના એકાકાર સંબંધો સ્થાપિત કર્યા છે :

તો બૂટને પગ ફૂટે
પગને આંગળાં, આંગળાંને નખ ફૂટે. નખના પોલાણમાં સદ્ય સ્નાતા
ધરતી મેલ બનીને પ્રસરે.
નખથી માણસ પર હુમલો કરે, પગથી પર્વતોના આરોહણ
ને દરિયાના અવરોહણ કરે
ધરતીથી કણસલાં પગ વતી ખળામાં અનાજ બને
પગ હોય તો અવાજ બને, પગ હોય તો કાંટો વાગે
પગ હોય તો આંગળાં શિયાળામાં ઠૂંઠવાય ગરમ બૂટમાં પેસે.

ધર્મ, ગીતા અને પ્રયોગશાળાના સંદર્ભોથી માંડી રાજકારણ તેમજ સમાજકારણના સંદર્ભોને લઈને ચાલતી આ રચનાઓ ભાષાની જાતજાતની તરાહો ઊભી કરે છે. ભિન્નભિન્ન ભાવભંગી અને ભિન્નભિન્ન અર્થભંગી વચ્ચે આવનજાવન કરે છે; અને લોકવાર્તાના લહેકાના સીમાડા લગી પહોંચે છે : 

હવે ધોળા ધમરક દૂધજી તમીં નેહરજો રે બહાર.
માખી આવી બેસે નૈ. દૂધજી બહારો નેંહરે નૈ.
માખી ચા પીવે નૈ.

આ બૂટકાવ્યો પછી તરત ધ્યાન ખેંચે એવી બીજી દીર્ઘરચના છે : ‘એક ઈજન’ કોઈ આનાઘ્રાત ચિરયૌવનાના માતૃત્વના કેન્દ્રમાંથી પ્રસરેલી અને કવિ તરફ વહેતી સંવેદનાનું આ કાવ્ય, કવિની ઈડિપસ ગ્રંથિનું અને માતૃવાત્સલ્યનું સંમિશ્ર સંકુલ સ્વરૂપ પ્રગટાવે છે. (કવિની ઈડિપસગ્રંથિ ‘મા-પોરાંની પુત્તળીઓ’માં પણ જડે છે) ‘ભૂપેશ’નું ‘ભૂપ’ જેવું લઘુતાવાચક સંબોધન માતાનું લાડ તો સૂચવે છે. પણ માતા પરનું ‘વત્સ’નું એકમેવ સામ્રાજ્ય પણ સૂચવે છે. વત્સ માટેની માતાની તૃષા વ્યક્ત કરતો પ્રથમ ખંડ, પ્રસવની ચીસ સુધી પહોંચતાં, છાતીમાં ઊનાં ઊનાં દૂધ ઉકાળતો માતૃત્વના આનંદનો બીજો ખંડ, ન-માયા નબાપા વત્સના વ્રણને પસવારતી અને વ્યક્તિ સમષ્ટિના ભૂતકાળમાં દૂર દૂર સુધી જતી અભિજ્ઞાન ખોતી શાશ્વત સમવય માતાનો ત્રીજો ખંડ વત્સ માટે અણઓળખાયા સમય પટ પર અને દીવાસ્વપ્ન પટ પર રતિ ગતિ કરતી અને અંતે વત્સનો કિલ્લોલ છાતીએ વેરેલો જોવા ઇચ્છતી માતાને ચોથો ખંડ — એમ લગભગ ચારેક ખંડમાં જોઈ શકાય એ રીતે રચના પ્રસરી છે. મનહરનો મેદ વગરનો મનોહર વિસ્ફોટ આરંભથી જ જોવાય છે :

ભૂપ, મારાં તન, મારાં સ્તન, મારાં બાળ, રે નયન મારાં, આવ
આ ધધડ્યા મિજાગરા, આ કકળ્યા મિજાગરા, આ તૂટતા મિજાગરા
ને પલકમાં તૂટશે કમાડ — તને કશી નથી જાણ.
પછી કૂપમાં પારેવાં જેવો ફડ ફડ ફડ મારો વીંઝાતો વીંઝાતો
એવો ઘૂમશે અવાજ
થશે તરંગિત જલ નીચે જલ નીચે જલ પછી જલ પછી જલ પછી જલ…
ઘૂમશે અવાજ મારો-ભૂપ, મારાં તન, મારા બાળ રે નયન મારાં, આવ. 

અંગત વિષાદને પોતાથી દૂર કરી, માતાની ચેતનામાં રોપી, વસ્તુલક્ષિતાની અસંલગ્નતાને મનહરના વેગ સાથે સંકળી છે એ ક્રિયા કલાત્મક છે. સાચી રીતે કહેવાયું છે કે સર્જનની પ્રક્રિયાનું કાર્ય પોતે જ કલાને, દેહ અને રક્તના વેગમાંથી ચીસ પાડી ઊઠતી માનવીય વેદનાથી અલગ કરે છે. હકીકતમાં કલાની આ ક્રૂરતા છે અને એવી આવકારપાત્ર કલાની ક્રૂરતા ‘એક ઈજન’માં જોઈ શકાય છે.

દીર્ઘરચનાની વાત કરીએ છીએ ત્યારે ‘હું ચા પીતો નથી’ રચના પણ એના વાતચીતિયા રોજિદાં મજાકિયા કાકુઓ (mocking undertones)થી ધ્યાન ખેંચે છે. ગુજરાતી કવિતામાં જવલ્લે જોવા મળતા વ્યંગનો પુટ આ રચનાને લાંબો સમય યાદ રખાવે એવો છે :

‘નાઆઆઆ હું ખોટ્ટે ખોટ ચા પીઉં છું
બસ હવે ટળો.
સાચ્ચે સાચ જ હું ખોટ્ટે ખોટ ચા પીઉં છું
લિપ્ટન નીલગિરિ આદિનાં પોસ્ટરોને પીઉં છું
મૂળ જાહેરાતોમાં તો એ રીસ્સસ ગળામાં, ઊતરે છે,
સગા સંબંધી, મિત્રો, હોટેલ, મહેફિલ કપરકાબીના ખખડાટથી
સોડમને પીઉં છું.
દશ પંદર કે બાર વર્ષથી જો કે મેં ચા પીધી જ નથી એમ નથી
કેમકે હું મોહનચંદ કરમદાસ નથી.’

મજાક અને વ્યંગના આવા કાકુઓ વચ્ચે સામાજિક શોષણો અને સામાજિક ક્રૂરતાનાં સ્તરોને ઊંડેઊંડે સંગોપતી ભાષાભિવ્યક્તિઓ સરલ છતાં તીવ્ર રીતે તિર્યક્ છે :

‘એક તરફથી આસામનો બગીચો ને બીજી તરફથી શેરડીનાં ખેતરો
યંત્રોમાંથી પસાર થઈ મારા ગામની કૂઈમાં ઠલવાય છે
ઠલવાય છે ને ખદખદે છે, કપમાં રેડ્યા પછી પણ ખદ ખદ
વધતી જ જાય છે-તોફાન. 

ક્યાંક વ્યંગથી ઊંચકાઈને વિદ્રોહ સુધી પહોંચી જતો અવાજ પાછો વ્યંગ પર આવીને કુશળતાથી જે રીતે ઠરે છે તેનો તરીકો પણ જોવા જેવો છે :

‘આ કાવતરું છે, મૃત્સદ્દીનું રાજકારણ છે

મારે બાપોકાર કહેવું છે કે ભોળાને ભરમાવવાની રીત છે – પેરવી છે.
હવે હું ગાયને ગરદનવઢ ઘા કરી ભાંભરડા કઢાઉ?
ખુલ્લું લેટરિન રાખી બીભત્સ ચિત્રો ચીતરું?
તમને માતાજી ને ભગિનીને એક એક હાથે બાથમાં જકડી
સપાટ સૂઈ જવાની શુભેચ્છા પાઠવું?
દિવાનખંડના સોફાસેટ પર મૂતરું?
દાણ-ચોરી કરીને કાળું નાણું જમાવું?
કે પછી હો જાય એક કપ બાદશાહી? 

ભૂપેશની આ ત્રણે દીર્ઘરચનાઓ પોતાની રીતે સુગ્રથિત અને આસ્વાદ્ય છે, પરંતુ એની ગીતો સિવાયની અન્ય પરંપરિત કે અછાંદસ રચનાઓ પ્રમાણમાં લઘરવઘર છે, શિથિલ છે, વેરવિખેર છે, ડહોળિયા જેવી છે. અલબત્ત ક્યાંક નાદના ચમકારા છે :

પ્હાડ ચીરી ઊગતો તે સૂરજ આ પ્હાડમાં દટાયેલો જો મળી જાય
મળી જાય.
‘મળી જાય પછી એને પ્હાડ ચીરી, ઝાડ ચીરી, હવા ચીરી આભમાં
મેલી દેવાય’
ક્યાંક ઘનીભૂત અભિવ્યક્તિઓ છે.
‘પ્હાડના પાન પાન પર ઝાડ ઝાડનો નકશો’
ક્યાંક રહસ્યગર્ભ પ્રતીકાત્મકતા છે :
‘એક વર્તુલે જકડાયેલાં પતંગિયાઓ બંને
ચાદર પરની ભાત મહીંથી છૂટ્યાં,
પલંગ નીચે પગરખાંની છૂટી છૂટી જોડો માંહે પેઠાં 

ક્યાંક દુર્ભેદ્ય વ્યક્તિતા છે : 

ક્યાંક ફળ
જે ‘ડબાક્ ડબકે છે કર્બૂર નદમાં. એનો અવરિત સ્વાદ
વહી જાય છે.
પરિપક્વ મારા વહેતા રક્તમાં, માછલીઓમાં.

ક્યાંક નાટ્યાત્મક અગ્રોક્તિઓ છે :

‘ખુલ્લી આંખ અચાનક ઊઘડી જાય છે.
આખું શરીર સંચારબંધ — હું શબવત’ 

ક્યાંક મનોભૂગોળ (Psychic Geography)નાં સરલ છતાં આકર્ષક સાદૃશ્યો છે : 

જ્યારે આકાશના, હવાના, પાણીના ભૂમિના સમુદ્રો
પરસ્પરમય બની જવા
એકમેકમાં ધસી રહ્યા છે.

પરંતુ ગાબડાં પાડીને આવતી આવી આકર્ષકતાઓની સામે પરંપરિત કે અછાંદસ રચનાઓમાં એકંદરે સંગતિ અને સંઘટનનો અભાવ છે. ક્યારેક તો રાવજીનો પદરવ ભૂપેશની પદાવલી સુધી આવી પહોંચ્યો છે.

દરિયાની કમ્મર પર ત્યારે આળ પાથરી સૂરજ પૂછશે
— હવે તમારે શું કરવું છે?
કહો તમારે શું તરવું છે?

ક્યારેક ‘અનિદ્રા’ જેવા કાવ્યમાં બન્યું છે તેમ રચનાના કેન્દ્રમાં પુરુષ છે કે સ્ત્રી એની ચોક્કસતાનો નિરર્થક અભાવ રચનાને એકદમ શિથિલ કરી નાખે છે. એમાં બચાવી લેવા જેવી પંક્તિ છે : ‘સસ્તન ચન્દ્ર આકાશમાંથી નીચે ઊતરે છે.’

હા, ભૂપેશનાં ગીતો આ સંગ્રહમાં સારી સંખ્યામાં છે અને એ બધાં ભૂપેશશાઈ મુદ્રાથી અંકિત હોવાથી એનું મૂલ્ય ઊંચું છે. અનિલ અને રમેશની સાથે ગીતની સર્જકતાની રીતે ભૂપેશનું નામ અવશ્ય લેવું પડે એવી એની અરૂઢતા છે. ગુજરાતી ગીતના સ્વીકારેલ ઢાંચાનો ભંગ, તર્કપ્રમાણને બદલે કાવ્યપ્રમાણ પર ખૂલતો પટ, સંમોહક ગૂઢ અને લયાન્વિત પદાવલી, તળપદા અને નાગરી સંસ્કારનાં પરસ્પર-ક્રીડનો, ગીતે ગીતે ક્યાંક ને ક્યાંક આવી પડતું પ્રતિગીતનું તત્ત્વ — ભૂપેશના ગીતવિશેષો છે. સંગ્રહને નામ આપતું ભૂપેશનું ‘પ્રથમ સ્નાન’ ગીત ભૂપેશની બધી જ લાક્ષણિકતાઓને પ્રગટ કરે છે :

આદમ હવ્વા ભેળો ન્હાય
લાંબી લાંબી દાઢી, મંઈથી અમરત નિસર્યું જાય
ત્યાં તો હાય…
જનાજો જાય, જનાજો જાય.
ગનાની કેરી — ચીકુ ખાય.

આ ગીત પ્રગટ થયું એ અરસામાં ‘‘ ‘પ્રથમ સ્નાન’ જેવા કાવ્યમાં પોતીકો લિરિક ઝોક ઊભો કરવા મથતો ભૂપેશ અધ્વર્યુનો અળવીતરો અવાજ’’ મેં સહર્ષ નોંધેલો. અહીં આદમ અને ઈવના તેમજ મૂળભૂત પાપ (original sin)ના બાઈબલ સંદર્ભો સાથે ‘કિર્સન રાધા ભેળો ન્હાય’ના ભાગવત સંસ્કારોની એવી રીતે કલમ થઈ છે કે ઊમિર્ગીતનો એક આગવો આવિષ્કાર ઊભો થયો છે. ‘નાથ રે દુવારકાનો’ ગીત પણ કૃષ્ણ ગીતોની પરંપરાનો સ્વીકાર કરતું હોવા છતાં અરૂઢ છે. યાદવરાય અને કાનજીનાં બે સ્વરૂપને દર્પણ બહાર અને દર્પણ અંદરના તણાવમાં વહેંચી નાખતા ગીતનું ચુસ્ત શિલ્પ ઊભું થાય છે. કૃષ્ણના પૂર્વજીવનના સ્મરણ સાથેની ચિત્ર-સ્થિતિ અનોખી છે; ‘મટુકી ફૂટીને બધે માખણ વેરાય’ દર્પણને કારણે કૃષ્ણના વહેંચાયેલાં બે સ્વરૂપની પ્રત્યક્ષના સંવેદ્ય છે :

દર્પણ બહાર જદુરાય
ને દર્પણમાં છેલ ને છકેલ પેલો કાનજી
બહારની રુક્મિણી મોહે
ને દર્પણની અચકાતી દેખી ગોવાળજી.

‘મૈથુન’માં શબ્દાંદોલ અને શબ્દવિવર્ધનથી ગીતનો મહિમા થયો છ.ે ગીતનાં પુનરાવર્તનો ગીતનો છાક રચે છે :

છોડ્યાં સૌ ગાન ને છોડ્યાં સૌ તાન ત્યાં મવ્વર ઝાંઝરસમું બોલ્યા
કે કંચકને રોમ રોમ અણિયાળી ઘુઘરીના ઝમ્મ ઝમ્મ મવ્વરિયા ડોલ્યાં
કે ઝમ્મ ઝમ્મ મવ્વરિયાં ડોલ્યાં
મવ્વર વજાડતા દીઠા ગારુડીને ઝમ્મ ફેણૈયા ડોલ્યા
ફેણૈયા ડોલ્યા ને ડોલ્યાના હેતના રોમ રોમ ઝાંઝરિયા બોલ્યા.

આ ગીતોમાંથી સાતેક સ્ત્રીના ‘પોઈન્ટ ઓવ વ્યૂ’થી અને પાંચેક પુરુષના ‘પોઈન્ટ ઓવ વ્યૂ’થી લખાયેલાં છે, જ્યારે પાંચેકમાં સંભાષક કામગીરી બજાવે છે. કોઈક ગીતનો આકર્ષક ઉપાડ : ‘મધરાતે ભાંભરેલો ચાંદો ને મધરાતે/કાગળની ચીસ ઊડી શામળી’ ‘(મધરાતે’); કોઈ દૃશ્યનો પ્રત્યક્ષ થતો રંગપટ : ‘અંકાશે ભૂરું તૂરું કૈં વાય ત્યાં/કેસૂડે પોપટડા ઊગ્યા સામટા.’ (‘પણ—’); કોઈક ગતિશીલતાનો રોમાંચકર આલેખ : ‘જુવારના લીલા દાણાઓ ચાંચ વચાળે રાખી/કેડી બેઠી ચકલીઓની હાર સામટી ભાગી’ ‘(ચરણ’); કોઈક અતીતઝંખામાંથી ફૂટતી ઉતાવળનો સાદ : ‘દેશમાં ચાંદો, દેશમાં સૂરજ, દેશમાં રાણી રાતની, માલમ,/સાબદો સાગર ભરકિનારો વા’ણ ઉપાડો, દેશમાં હાલો’ ‘(વિજોગનું ગીત’) — આ બધું ભૂપેશની ગીતસૃષ્ટિની વિલક્ષણતાનો નિર્દેશ આપે છે. હા, ‘હણું કર્ણને બનું દુ:શાસન પછી બધા યે જોજો’ જેવી ‘એક વાર આ’ની બહારથી મિથને ચીટકાવી દેતી પંક્તિ જરૂર ક્લેશકર બને છે.

આમ કવિ ભૂપેશનો આ ‘પ્રથમ સ્નાન’ કાવ્યસંગ્રહ છઠ્ઠા અને સાતમા દાયકાની ભિન્ન ભિન્ન સેરોને સમાવે છે, પ્રત્યેક સેરને શબ્દોનું અંગત વિશ્વ અર્પે છે અને એમાંથી એક બળવાન કવિને ઉપસાવે છે. ‘પ્રથમ સ્નાન’નું ગુજરાતી કવિતાક્ષેત્રે વિલક્ષણ સ્થાન રહેશે.

*

License

પ્રથમ સ્નાન Copyright © by ભૂપેશ અધ્વર્યુ. All Rights Reserved.

Share This Book