વળાંકે

અહીં આખા રસ્તે, ગગન તરતાં વાદળ તણી
તરે છાયા, ઊંચે થીર થઈ ગયો સૂરજ સૂકો.
નદી કેરાં પાત્રે ખૂબ ચસચસી કાદવ ભર્યા
અને વચ્ચે પેલાં અસલ મહિષોનાં શીશ જડ્યાં.
ધીરે વાયુ ખોલે જરઠ નિજ મુષ્ટિ, વિચરતાં
ત્વરાથી ચૂંટી લે, ટપટપ કરી શુષ્ક પરણો.
ધીરે ધીરે મારા પગ થકી ખરી જાય પગલાં,
અને મેદાનો પે ઊતરી પડતાં આંખકિરણો.
તહીં ઊંચા શસ્ત્રે (ઉપર હતું જે મ્યાન ન ટક્યું).
ઊભેલાં પોલાં સૌ (પરણ ન મળે) બાવળ કૃશ
વળાંકે ઊભેલી ક્ષિતિજ વીંધી ચાલ્યો પથ જતો.
તૃણો પીળાં વચ્ચે લપસી પડતી કોક પગથી.
વળાંકે પ્હોંચું જ્યાં, પથ પીગળીને પ્હાડ બનતો,
તૃણો લીલાં, ધોળાં બગ થકી છવાયાં તરુગણો.

૧૯-૧૧-૬૬

License

પ્રથમ સ્નાન Copyright © by ભૂપેશ અધ્વર્યુ. All Rights Reserved.

Share This Book