થોડાંક વૃક્ષો, એ પળે—

એક પળે
એકની સમીપ હું.
જે મને આલંગિવા અસમર્થ.
વહેતા નદમાં
કંટકાકીર્ણ.
કંટકે કંટકે તલમાં નાંગરવા મથતું.
લંબાતું જિહ્વા સમ, અથડાતા સમુદ્રો આગળ શાખાપ્રશાખ સંકોચી લઈ.
અતૂટ.
બુઠ્ઠાં મૂળ લબડે છે, એના રોમ ભંવરમાં ગોળ ગોળ સબડે છે, છૂટી પડે છે
વલ્મિકનાં કણકણ કર્બૂરનદમાં ને પર્ણોના તણાતા હાડપંજિરો પર
તફડે છે, પિપ્પિલિકા પરસ્પરને પકડમાં લેતી
થડને આલંગિવામાં ખોડાઈ ગયો છું નાભિમાંથી આરપાર.
વહી જાય છે રક્ત નાસી રહી છે બુદ્બુદોની પંક્તિઓ મુખમાંથી,
તૂટીફૂટી શોષાય-વીંટાય છે શેવાલનાં એ પળે—કર્બૂરમય.
એ પળે કપોત શો ફફડતો જોયા કરું છું એક.
કિનારા ભરીને મૂળ વિસ્તાર્યે જતું જળમાં પ્રવાહી બની અલગ ભૂગોળ
પાથરતું કર્બૂર સપાટી પર.
ઉપર કિરણોની જેમ છૂટતી શાખાઓ હવામાં, આકાશમાં, પર્ણખચિત
ચોમેરે ક્ષિતિજની આરપાર અદૃશ્ય
ડૂબેલી જળમાં અંકુરિત થઈ અલગ ભૂગોળ પાથરતી કર્બૂર સપાટી પર
 વહી જતી મૂળની શાખાપ્રશાખાઓમાં, સ્થળમાં, તલમાં.
પુષ્પોના પ્રમદવનમાં ઊડ્યે જાય છે. કંજિલ્કબલાકાઓ ભ્રમરમય હવામાં
આલિંગી સસ્નેહ મૈથુનરત
ક્યાંક ફળ
જે ‘ડબાક્’ ડબકે છે કર્બૂર નદમાં. એનો અવિરત સ્વાદ વહી જાય છે
પરિપક્વ મારા વહેતા રક્તમાં, માછલીઓમાં.
એ પળે,
જ્યારે આકાશના, હવાના, પાણીના, ભૂમિના સમુદ્રો પરસ્પરમય બની જવા
એકમેકમાં ધસી રહ્યા છે.
અતૂટ.
છટકાવતા મને ભ્રમરની જેમ.
ફૂલાવતા શેવાળતા
-માં દટંતર રોમરાજિ ‘ઊંવા’ કરતી ફરફરે છે બહાર
પ્રવાલની રક્ત પતાકામાં
વળી થોડાંક—

૧-૩-૮૧

License

પ્રથમ સ્નાન Copyright © by ભૂપેશ અધ્વર્યુ. All Rights Reserved.

Share This Book