આંસુડાં ઊંચકી મેં કરી’તી બે ફાડ્ય, રે જી, કરી’તી બે ફાડ્ય,
માંયથી કસુંબલ નીસર્યો રે જાય, વીરા નીસર્યો રે જાય.
વેલ્ય સનગારીને જોતર્યા છે મોર, વીરા, મોરની જોડ્ય,
વાટ્યમાં તે પીછાં ખરતાં રે જાય, વીરા, ખરતાં રે જાય.
શામળાની સાયબીથી છાયલું આભ, વીરા,
કોણે રે કોણે બાંધ્યો આભલાંનોે ઢાળ્ય, વીરા,
ચડતો ઊંચે ન ટોચે જરી જપ, ખાય, ચાંદો અડવડાં ખાય.
નીચે દડતાં દરિયે ઈ ને મરઘલાં ખાય.
વીરડો ખોદીને લીધો હેલ્યની પેર, વીરા,
હેલ્ય ભેળાં સૂરજ ન કરતાં રે ગેલ્ય, વીરા.
થાકોડે પગ તૂટે, હેલ્ય ઢળી જાય
ઢળ્યાં હેલ્યના પાણીપે પગલાં છંટાય, કોરાં પગલાં છંટાય.
ઘૂમટો ખોલું તો દેખું આભલું ચિક્કાર, રેજી, આભલું ચિક્કાર
ઘૂમટો ઢાંક્યે વાલમ ખૂલી ખૂલી જાય, વીરા, ખૂલી ખૂલી જાય.
૯-૭-૭૦