મધરાતે ભાંભરેલો ચાંદો, ને મધરાતે
કાગવાની ચીસ ઊડી શામળી.
સોડ તાણી સૂતેલી આડા કમાડ દૈ
વાલમે ઓઢાડી એને કામળી.
આથમતા સૂરજે અડવો જે પીપળો
ચાંદો ચક્કોર થતાં જામ્યો.
કૂણી, ગુલાબી એને કૂંપળ ફૂટી
પછી સોણલે પરબડીને પામ્યો.
મધરાતે મોરલાના ઘેઘૂરા બોલમાં
મલ્લારી રીસ મેં તો સાંભળી.
શે’રી દીવાઓ તો સાગરને તીર ઊભા
મેડીઓ ઉભરાણી ફાગે.
દાઢીની જાળીથી ડોકાતી દેવકી
‘ઊંવા ઊંવા’ અંધારે તાગે.
મધરાતે મુંબીનું જાગતું મસાણ
ને ઉંદરડા શોધે છે કાળવી.
૧૫-૪-૬૮